પ્રસ્તાવના
આપણા પ્રાચીન ગ્રંથોમાં સ્ત્રીઓ વિશે એક જાણીતો શ્લોક છે,
'કર્મેષુ મંત્રી, કાર્યેષુ દાસી,
ભોજનેષુ માતા, શયનેષુ રંભા
ધર્માનુકૂલા, ક્ષમયા ધારિત્રી'
આ શ્લોક મુજબ સ્ત્રીના છ રૂપની કલ્પના કરી છે. મંત્રી, દાસી, માતા, રંભા જેવી કે પતિને રીઝવે એવી, ધર્મમાં અનુકૂળ અને ક્ષમામાં ધરતી જેવી.
પહેલાની સ્ત્રીઓ મંત્રી જેવી ચતુર અને કાર્ય દક્ષ, નિર્ણય લેવામાં સક્ષમ અને તટસ્થ રીતે લઈ શકતી એવી. કામ એટલે કે સેવા કરવામાં દાસી એટલે કે કંઈપણ ક્ષોભ વગર કરે એવી. કોઈપણ ને ભોજન કરાવતી વખતે તે માતાની જેમ વહાલ થી કરાવે એવી. રંભા એટલે કે પતિને રિઝવવા માટે રતિ જેવી બનતી. ધર્મકાર્ય માં હંમેશા આગળ અને પરિવારના દરેક સભ્યને અનુકૂળ થઈ રહેતી. ક્ષમા આપવામાં ધરતી જેવી એટલે કે હ્રદય મોટું રાખીને દરેક અપરાધ ને માફ કરી દે એવી.
પણ સમય જેમ જેમ આગળ વધ્યો તેમ ધીમે ધીમે સ્ત્રી દાસી, રંભા, માતા અને ધરતી જેવા રૂપનો સ્વીકાર પુરુષપ્રધાન સમાજે કર્યો. અને સ્ત્રી એ બની પણ ગઈ. મંત્રી તરીકેની કાર્ય દક્ષતાનો અસ્વીકાર થવા લાગ્યો. કાર્ય કરવાની ક્ષમતા કે નિર્ણય લેવાની સૂઝબૂઝ જે સ્ત્રી જોડે છે તે કોઈનામાં નથી છતાંય તેના કોઈપણ નિર્ણય લેવા માટેના સલાહ સૂચન આપવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો. એટલું જ નહીં તેના થકી થયેલા કોઈ કાર્યનો જશ પણ છીનવી લેવામાં આવ્યો. પુરુષપ્રધાન સમાજે તે નબળી છે તે સાબિત કરીને તેને સિમિત કરી દીધો.
જ્યારે આજના સમયની સ્ત્રી તેના મંત્રીના રૂપને લેવા મથી તો તેના માટે કેવા સંઘર્ષ અને કેટલીય તકલીફો નો સામનો કરવા પડયો પોતાના એ અધિકાર મેળવવા માટે. અને એના માટે તેને પોતાના પાંચ રૂપનું બલિદાન હોય કે પછી પોતાના જીવનું બલિદાન આપ્યું હોય. છતાંય આખરે તે નબળી જ બની ને રહી ગઈ.
આવી જ વાત લઈને પ્રસ્તુત છે મારી નવલકથા
*****
(1)
હજી તો સૂર્ય ઊગ્યાને બહુ વાર થઈ પણ નહોતી એટલે આકાશે કેસરી રંગ ધારણ કર્યો હોય તેવું લાગતું હતું. વાદળછાયું આકાશ, ઠંડો ઠંડો પવન વાતો હતો એવું વાતાવરણ. જાણે એવું લાગે કે પનિહારી કેસરી રંગની ચૂંદડી પહેરીને પાણીના ઘડો લઈને છલકાવતી છલકાવતી આવી રહી ના હોય. અને પાછી એ પનિહારી શરમાઈ ને સંકોચાઈ જાય તેમ સૂરજ પણ વાદળ જોડે સંતાકૂકડી રમી રહ્યો હતો. વાદળમાં છૂપાઈને સૂરજ સંકોચાઈ જતો. ઘડીકમાં બહાર નીકળીને ખીલી ઊઠતો. ટૂંકમાં કહીએ તો સવારનું વાતાવરણ ખુશનુમા હતું.
બધાં જ પોતપોતાના કામે વળગી રહ્યા હતા. વિધ્યાર્થી સ્કુલે જઈ રહ્યા હતા. જયારે જોબ કરનારા ઓફિસમાં જવાની તૈયારી કરતાં. દુકાનદારો પોતાની શોપ ખોલવાની તૈયારી કરતા હતા. અને ગૃહણીઓ ઘરના કામ એક બાજુ પૂરાં કરવા મથતી અને બીજી બાજુ ઘરના દરેક સભ્યોની પસંદ પૂરી કરવા મથી રહી હતી.
એમ જ એન.કે. કોલેજના કેમ્પસમાં યુવક અને યુવતીઓ ટોળે વળીને ઊભા હતા અને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. કોલેજ કેમ્પસમાં અમુક યુવકોનું ધમાલ મસ્તી કરી રહ્યું હતું. કોઈ કલાસ બંક કરવા માટે કહી રહ્યું હતું તો કોઈ કલાસ ભરવા માટે, આમ વિવાદ એકબીજા જોડે કરી રહ્યા હતા.
ટોળે વળેલા માં કોઈ ગ્રુપમાં કેન્ટીનમાં જવાની વાત ચાલતી હતી. તો કોઈ ધીંગામસ્તી કરી રહ્યા હતા. અને આ બધા પર બાજ નજરથી થોડીક છોકરીઓ નું એક ગ્રુપ ધ્યાન રાખી રહ્યું હતું. એ ગ્રુપની છોકરીઓ એકદમ જ બિંદાસ હતી અને પોતાનામાં જ મસ્ત હતી. સાથે સાથે તે એ પણ ધ્યાન રાખી રહી હતી કે છોકરીઓ ને કોઈ પણ હેરાન ના કરે.
એ વખતે ત્યાં એક બાઈક ઠૂરરર....ઠૂરરર.... કરતું આવ્યું. એ બાઈકના અવાજથી કોલેજ કેમ્પસમાં ચાલતો કોલાહલ એકદમ જ શાંત થઈ ગયો. કોલેજની દરેક છોકરીઓ અને અમુક છોકરાઓ પણ તે બાઈક અને તે વ્યક્તિ સામે ગર્વભરી આંખે કહો કે અહોભાવથી જોઈ રહ્યા હતા. જયારે અમુક છોકરાઓ આઘા પાછા થઈ ગયા. તે જોઈને અને આ શાંત વાતાવરણ જોઈને એ બાઈક સવારના હોઠ પર નાની શી સ્માઈલ આવી ગઈ. એ બાઈક સવાર બાઈક પરથી નીચે ઊતર્યો અને હેલ્મેટ કાઠીને પોતાના લાંબા વાળ સરખા કર્યા.
એટલામાં જ કેમ્પસમાં જે ધ્યાન રાખતી છોકરીઓ નું ગ્રુપ તેની જોડે આવી ગયું. તેમાંની એક બોલી કે, "રાજવી, આજે કોઈ જ કંમ્પ્લેઇન નથી. તો ચાલ કેન્ટીનમાં જઈએ."
એટલે રાજવીએ કહ્યું કે, "ઓકે, ચાલો કેન્ટીનમાં" તે ગ્રુપ કેન્ટીનમાં ચાલી ગયું.
રાજવી એ એકદમ જ સાધારણ દેખાવની, નાક નકશેથી કહો કે ફીગરથી માંડીને દરેક રીતે સાધારણ કહી શકાય. વળી, તેનામાં ખાસ પર્સનાલિટી પણ નહોતી કે નહોતી કોઈ એવી સ્કીલ. ના તે કોઈને આકર્ષિત કરી શકે એવો તેનો ડ્રેસિંગ સેન્સ. બસ તે ફકતને ફક્ત તે જીન્સ-ટીશર્ટ જ પહેરતી.
એવું પણ નહોતું કે તે કોલેજ ટોપર હતી. તેને તો ભણવામાં કોઈ રૂચિ જ નહોતી. તેના માટે ભણવું એ પણ મજબૂરી હતી નહીં તો તેને ઘરમાં રહેવું પડે અને તેને પરણાવી દેત.
રાજવી ખાલી બાઈક પર જ આવતી નહીં પણ એટલી જ એની દાદાગીરી હતી કે રૂઆબ પણ કહી શકાય. એનું કારણ એટલું જ કે જે કામ કોઈ ના કરી શકે તે કરી બતાવતી. પછી ભલે તે કોઈ સ્ટુડન્ટસ વિરુદ્ધ હોય કે પ્રોફેસર વિરુદ્ધ. તે કોઈને પણ માર મારી શકતી, ધમકાવી શકતી કે કંઈ પણ કરી શકે. જે દરેક છોકરીઓ ની સુરક્ષા, છેડછાડ ના ડર વગર કોલેજમાં ફરી શકતી. છોકરીઓ માટે જ અવાજ ઉઠાવતી એટલું જ નહીં તે છોકરાઓ ને તકલીફ પડે તો પણ સાથ આપતી.
એક રીતે કહીએ તો રાજવી એ કોલેજની લેડી ડોન હતી. રાજવી જોડે આવેલું ગ્રુપનું નામ 'રાવણી ગ્રુપ' હતું. રાજવીએ રાવણી ગ્રુપની હેડ હતી.
'રાવણી ગ્રુપ'નું નામ ત્રણ બહેનપણીઓ પરથી પાડયું હતું. રા એટલે રાજવી, વ એટલે વનિતા.
વનિતા એ રાજવી જેવી સાધારણ દેખાવની પણ નહીં કે રૂપરૂપનો અંબાર પણ ના કહી શકાય. દેખાવમાં ઠીકઠાક તો હતી જ સાથે ભણવામાં પણ તેજસ્વી. કોલેજમાં એના જેટલું નોલેજ કોઈની પાસે નહોતું, જે કોઈને ના આવડતું હોય તે એને આવડતું. પણ ટોપ કરવામાં એકાદ નંબર થઈ જ પાછળ રહેતી. પ્રોફેસર્સ પણ તેનાથી ઈમ્પ્રેસ રહેતા. એટલું જ નહીં ભણવાની સાથે તેનું જીકે પણ સારું હતું. એક રીતે તો ગૂગલ જ કહેવાય.
તેને તો આઇએએસ કે આઈપીએસ ઓફિસર બનવું હતું. અમુક છોકરાઓ તેના નોલેજ થી અને તેના સપનાંના લીધે અંજાઈ જતાં. અને તેને ઈમ્પ્રેસ કરવા પ્રયત્ન પણ કરતાં. પણ વનિતાના નોલેજ નો ઉપયોગ સારી રીતે કરતી હોય તો તે હતી લાવણી.
લાવણી એટલે રાવણી ગ્રુપની ત્રીજી ફ્રેન્ડ. જે એકદમ ચુસ્ત, તદુંરસ્ત અને મેંઈન્ટ ફિગરવાળી. જાણે એક મોડેલ જોઈ લો. તેનો લુક, કપડાં પહેરવાની સેન્સ, સેન્સ ઓફ હ્યુમર અદ્ભુત હતું. તેની બોલવાની, ચાલવાની, વાત કરવાની સ્ટાઈલને તો છોકરીઓ જ કોપી કરતી. ડ્રેસિંગ સેન્સમાં તો તેને કોઈ બીટ ના કરી શકે. ભણવામાં ભલે તે હોંશિયાર નહોતી પણ અધર એક્ટિવિટી.તો તેના વગર પોસિબલ જ નહોતી. તે એકસપર્ટ હતી કોલેજના કોઈપણ ફંક્શનમાં થીમ સજેશન થી માંડીને એન્કરીંગ માં તેના હ્યુમર વગર શકય જ નહોતું.
વનિતાના નોલેજનો બરાબર ઉપયોગ કરતી અને એની સ્ટાઈલના લીધે તેના પર બધું જ શોભી ઉઠતું. તેની આ પર્સનાલિટી, લુક અને સેન્સ ઓફ હ્યુમરના લીધે હરરોજ કોલેજનો એક છોકરો તેને પ્રપોઝ કરતો અને તે નકારીને આગળ વધ્યા જ કરતી. તેનું સપનું એક મોડેલ બનવું હતું.
આ ત્રણેય અલગ અલગ નેચર, લુક અને સપનાંઓ વાળી છોકરીઓ બહેનપણી કેવી રીતે બની તે પણ એક સપનાં જેવી જ ઘટના હતી.
એક વખતે કોલેજ છૂટયા પછી લાવણી બસ સ્ટોપ પર ઊભી હતી ત્યારે લાવણીનું ફીગર અને તેની સ્ટાઇલ ના લીધે બીજી કોલેજનો એક લફંગા જેવો છોકરો તેને હેરાન કરતો હતો.
લાવણી ભલે હસમુખી, ટેલેન્ટેડ હતી. પણ તે કયારેય પોતાના પપ્પાને નીચે જોવું પડે તેવું કંઈ જ કરવા નહોતી માંગતી એટલે આ બધા થી દૂર જ રહેતી.
પેલો છોકરો તેની ગંદી રીતે મજાક કરી રહ્યો હતો. લાવણી કંઈ કરી નહોતી શકતી, અને તેની મદદ રસ્તામાં આવતા જતા કોઈ પણ મદદ નહોતું કરતું. લાવણી રોઈ રહી હતી, ત્યાં જ એ છોકરાને કોઈએ મુક્કો મારી મારીને તેને સજા આપી રહી હતી. મજાક બંધ થવાથી, હસવાની જગ્યાએ કણસવાનો અવાજ સાંભળીને લાવણી એ આંખો ખોલીને જોયું તો એક છોકરી તે છોકરાને મારી રહી હતી. તે છોકરીએ છોકરાને ભગાડી દીધો. લાવણીને હાશકારો થયો.
લાવણી સામે તે છોકરીએ હસીને કહ્યું કે, "હું રાજવી, ડરવાનું નહીં. આ રીતે ડરીશ તો બધા તને હેરાન કરશે પણ આવી હિંમત બતાવીશ તો કોઈ તને હેરાન નહીં કરે."
લાવણીએ કહ્યું કે, "હું લાવણી, પણ..."
રાજવીએ હાથથી બોલતાં રોકીને કહ્યું કે, "ખાલી વાકપટુતાથી આ લોકો ડરે નહીં કે ભાગે પણ નહીં. એ માટે તો લાત મારવી પડે અને ડરવવા પણ પડે. પહેલી કહેવત છે ને કે 'લાતોના ભૂત વાતોથી ના માને' સમજી"
લાવણી બોલી કે, " વાત તો તમારી સાચી છે પણ હું હિંમત જ કરી નથી શકતી. થેન્ક યુ ફોર માય હેલ્પ."
"થેન્ક યુ બેન્ક યુ છોડ, મને તું તમે નહીં પણ તું કહે એક જ વર્ષ સિનિયર છું. આ તો મારી ફરજ છે. અને મારી જ શું કામ, સૌ કોઈની ફરજ છે મદદ કરવાની." રાજવી બોલી
લાવણીએ કહ્યું કે, "પણ બધા નથી કરતા. મને બોલતા આવડે છે. પણ હિંમતથી લડતા નહીં. તમે???"
રાજવીએ હસતાં કહ્યું કે, "મને મારતાં આવડે છે. મારું ચાલે ને તો બધાજ અન્યાયીઓ ને સીધા કરી દઉં. ખેર જવા દે, ચાલ હું જાઉં."
લાવણી રાજવીને રોકવા માટે ઉતાવળે બોલી પડી કે, "એક મિનિટ, આપણે ફ્રેન્ડસ બની શકીએ."
રાજવીએ કહ્યું કે, "ચોક્કસ, ફ્રેન્ડસ"
આમ કહીને બંનેએ હાથ મિલાવ્યા ત્યાં જ એક સ્કુટી આવી અને તેમની જોડે ઊભી રહી ગઈ અને તેના પર બેસેલી વનિતા બોલી કે, "ફ્રેન્ડસ???"
રાજવી એની સામે જોઈ રહી તો લાવણી બોલી કે, "આ વનિતા છે. આના નોલેજ નો ઉપયોગ કરીને તે મને સ્ક્રીપ્ટ લખાવીને એન્કરીંગ કરું છું. તે મારી ફ્રેન્ડ છે પણ લાયબ્રેરી તેની બેસ્ટ ફ્રેન્ડ કહી શકાય."
રાજવીએ કહ્યું કે, "ઓકે, પણ.... તે અહીંયા?"
લાવણીએ કહ્યું કે, "હાલ તો તમને કહ્યું કે લાયબ્રેરી તેની બેસ્ટ ફ્રેન્ડ છે. એટલે..."
વનિતાએ કહ્યું કે, "હું લાયબ્રેરીમાં થી નીકળી એટલે લાવણીને અહીં તમારી સાથે વાત કરતી જોઈ. મને એમ કે તમે તેને ધમકાવો છો. એટલે અહીં આવી."
રાજવીએ કહ્યું કે, "હા, ધમકાવી જ નહીં, મારી પણ છે. પણ તેને નહીં.."
વનિતાએ પૂછ્યું કે, "તેને નહીં તો કોને?"
લાવણી બોલી કે, " એક છોકરાને..."
આમ કહીને બધી વાત કરી એટલે વનિતા માફી માંગતી બોલી કે, "ઓકે એન્ડ સોરી રાજવી... પણ તમારી છાપ આખા કોલેજમાં ડોન જેવી છે ને એટલે..."
રાજવી એ કંઈપણ પ્રતિક્રિયા ના આપી અને હસવા લાગી. બધા પોતપોતાના ઘરે ગયા.
ધીમે ધીમે આ ત્રણેય એકબીજાની વિરુદ્ધ નેચર ની હોવા છતાંય ફ્રેન્ડ બની ગયા.
એક વખત કોલેજ કેન્ટીનમાં રાજવી કંઈક વિચારતા બેઠી હતી ત્યાં વનિતા અને લાવણી આવી ગયા. લાવણીએ પૂછ્યું પણ ખરા કે, "શું વાત છે, રાજવી? અમે આવ્યા તોય તને ખબર નથી અને કયાં ખોવાઈ ગઈ છે તું?"
રાજવી પહેલાં તો એમની સામે જોઈ રહી અને કંઈ ના બોલી. પછી કંઈક વિચારીને કહ્યું કે, "હું અંજલિ વિશે વિચારતી હતી."
વનિતાએ પૂછ્યું કે, "કોણ અંજલિ અને કેમ એના વિશે જ?"
રાજવીએ જવાબ આપતાં કહ્યું કે, "અંજલિ ન્યૂ એડમિશનમાં લેટ કમર છે. એ સુંદરતા માં લાવણી જેવી છે. અને એક વાર તેની છેડતી પ્રિન્સીપાલે કરી છે એટલે કોલેજમાં આવતા તે ડરે છે."
લાવણીએ પૂછ્યું કે, 'પણ તને કેવી રીતે ખબર? તારી કઝીન છે કે બહેન?"
રાજવીએ કહ્યું કે, "ના, તે તો મારી સોસાયટીમાં રહે છે, એટલે ઓળખું છું. અને તેણે જ મને આ વાત કરી હતી."
વનિતાએ શંકાભરી અવાજે કહ્યું કે, "એ ખોટું પણ બોલતી હોય ને... પ્રિન્સિપાલ એ આ આખી કોલેજના સર્વેસર્વા છે. આટલાં ઊંચા પદ પરનો વ્યક્તિ જેવો તેવો તો ના જ હોય."
રાજવીએ કહ્યું કે, "એટલે તો અવઢવમાં છું. તું જે કહે છે તે જ મારા મનમાં આવ્યું.પણ અંજલિ શું કામ ખોટું બોલે, મેં તેનું ખોટું બોલવાનું કારણ પણ શોધ્યું તે પણ મળતું નથી."
વનિતા વિચારમાં પડી ગઈ અને કહ્યું કે, "વાત તો તારી પણ સાચી છે. કયા રિઝનથી પ્રિન્સીપાલે તેની છેડતી કરી? એ કહ્યું તને.."
રાજવીએ કહ્યું કે, "અંજલિએ જ મને કહ્યું કે 'કોલેજમાં જો તે મીસ કોલેજ બનવા માંગતી હોય તો તને જીતાડી દઉં અને મીસ કોલેજ બનાવી દઉં. મારા રિફર કરવાથી તું શ્યોર બની જઈશ. પણ... અને આ માટે તેને ફોન પણ વારંવાર કરે છે."
વનિતા કંઈક વિચારતી જોઈને. લાવણીએ કહ્યું કે, "એકવાર અંજલિને મળી લઈએ પછી નક્કી કરીએ કે શું સાચું કે ખોટું?"
રાજવીએ હા પાડીને તેને ફોન કર્યો અને કહ્યું કે, "અંજલી તું ભવાની દાબેલી સ્ટોર પર આવ. તારી સાથે વાત કરવી છે."
અંજલિ સ્ટોર પર આવી અને વનિતા અને લાવણીને જોઈ રહી. ત્યાં જ રાજવીએ કહ્યું કે, "આ વનિતા તારી જોડે વાત કરવા માંગે છે."
વનિતાએ જેટલું પૂછયું એ બધાં નો જવાબ અંજલીએ આપ્યો.
વનિતાએ કહ્યું કે, "મિસ કોલેજ આવી રહી છે. તે વાત સાચી પણ પ્રિન્સીપાલ આવું કરી શકે. કેવી રીતે અને તે કેમ અમે માની લઈએ."
એવામાં જ અંજલી ના ફોન પર પ્રિન્સીપાલનું નામ ફોનની સ્ક્રીન પર ફલેશ થતાં જ સ્પીકર પર રાખીને વનિતાએ ફોન ઉપાડયો અને અંજલીને બોલવા કહ્યું.
અંજલીનો અવાજ સાંભળીને પ્રિન્સીપાલે કહ્યું કે, "અંજલી હું તને મીસ કોલેજ બનાવી દઈશ. મારા રિફર નોટસનો મોટો ફર્ક પડશે. પણ તું મારી વાત માને તો જ...."
આ સાંભળીને વનિતાએ ફોન કટ કરી નાખ્યો અને અંજલી કંઈ જ બોલી નહીં. રાજવી ગુસ્સામાં આંટા મારી રહી હતી.
રાજવીએ કહ્યું કે, "આને તો મારી મારીને અધમૂવો કરી નાખવો જોઈએ."
વનિતાએ આ સાંભળીને કહ્યું કે, "શાંત રાજવી, ગમે તેમ મારંમારી ના કરાય. અને આ તો યોગ્ય નથી."
રાજવીએ કહ્યું કે, "તો જવા દેવાના...."
વનિતાએ કહ્યું કે, "ના જવા થોડું દેવાય, પ્રિન્સીપાલ હોય તો પણ શું થઈ ગયું. આમને પાઠ તો ભણાવવો જ પડે."
વનિતાએ પ્લાન બનાવીને બધાને સમજાવ્યો. અને તે પ્રમાણે કરવા માટે અંજલીને તૈયાર પણ કર.
વનિતાના કહ્યા પ્રમાણે અંજલી તૈયાર થઈ અને તેની ટી-શર્ટ પર સ્પાઈ કેમેરા લગાવી દીધો. અંજલી કોલેજના પ્રિન્સીપાલના ઓફિસમાં ગઈ અને કહ્યું કે, "સર...."
પ્રિન્સીપાલે કહ્યું કે, "હા, બોલ અંજલી મારી ઓફર મંજુર છે ને.."
અંજલીએ ડરતાં કહ્યું કે, "ના સર, પણ મારે મિસ કોલેજ નથી બનવું."
પ્રિન્સીપાલે કહ્યુંકે, "કેમ? તું સ્માર્ટ, કોન્ફિડન્ટ અને રૂપાળી પણ છો."
અંજલિએ જવાબ આપતાં બોલી કે, "પણ મારે તો કોલેજની ટોપર બનવું છે. તો..."
પ્રિન્સીપાલે પૂછયું કે, "ટોપર કેમ? મિસ કોલેજ કેમ નહીં... એ તો કહે"
અંજલી બોલી કે, "મારા પપ્પા મને ટોપર તરીકે જ જોવા માંગે છે. તેઓ મને આઈએએસ ઓફિસર બનાવવા માંગે છે. એટલે તે મને મિસ કોલેજ જેવી કોમ્પિટિશનમાં પાર્ટ લેવા ના કહે છે."
પ્રિન્સીપાલે વિચારીને કહ્યું કે, "કાંઈ વાંધો નહીં, હું તને કોલેજની ટોપર બનાવી દઈશ. ગઈ સાલ પણ વનિતા એકઝામમાં ટોપ કરવા છતાંય મેં નિશાને ટોપર બનાવી દીધી હતી. સમજી ગઈને તું..."
અંજલીએ કહ્યું કે, "ઓકે સર, પણ....કેવી રીતે?"
તેમણે જવાબ આપતાં બોલ્યા કે, "તે તો ખબર પડી જશે પછી, પણ.."
અંજલી બોલી કે, "ઓકે"
પ્રિન્સીપાલે કહ્યું કે, "પણ તે પહેલાં મારું કહ્યું માન, પછી નક્કી તું જ કોલેજમાં ટોપર હોઈશ."
અંજલી ચૂપ રહી જતાં, પ્રિન્સીપાલે કહ્યું કે, "વિચારી જો પછી જવાબ આપજે."
અંજલિએ ડરતાં ડરતાં બોલી કે, "પણ સર મને તમારો ફોન આવે એટલે મને ડર લાગે છે. તો"
પ્રિન્સીપાલે કહ્યું કે, "ચાલ હવેથી ફોન નહીં કરું."
સ્પાઈ કેમેરામાં બધું જ રેકોર્ડ થઈ ગયું. એ રેકોર્ડિંગ અંજલીએ વનિતાને આપ્યું અને વનિતાએ તેનો વિડીયો બનાવી દીધો.
વનિતાએ આ વિડીયો શિક્ષણાધિકારીને મોકલી આપ્યો. શિક્ષણાધિકારી એ વિડીયો જોઈને પ્રિન્સીપાલ ને પોતાની ઓફિસે બોલાવીને ઠપકો આપ્યો અને તેમની સૌરાષ્ટ્ર ની કોઈ દૂરની કોલેજમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી.
પ્રિન્સીપાલની અચાનક ટ્રાન્સફરથી સ્ટાફ અને સ્ટુડન્ટસ ને નવાઈ લાગી એટલે વનિતાએ પ્રિન્સીપાલ અંજલી પાસે અઘટિત માંગણી કરતો અને હેરાન કરતો વિડીયો વૉટસ અપ પર વાઈરલ કર્યો. પ્રિન્સીપાલની ખૂબ ફજેતી થઈ. આખરે, પ્રિન્સીપાલ ને પાઠ ભણાવ્યો.
આ ઘટના પછી એક વખત ત્રણેય વાતો કરી રહ્યા હતા ત્યાં જ રાજવીએ પ્રસ્તાવ મૂક્યો કે, "શું આપણે એક એવું ગ્રુપ બનાવીએ જે છોકરીઓ પર થતા અન્યાયને રોકી શકાય, તેના વતી અવાજ ઉઠાવી શકીએ અને તેને બરાબરનો પાઠ ભણાવી શકીએ?"
લાવણી બોલી કે, "વિચાર તો એકદમ યુનિક છે. પણ...."
રાજવીએ પૂછયું કે, "પણ એટલે શું?"
લાવણીએ કહ્યું કે, "પણ એટલે પોસીબલ છે ખરું? કોઈપણ છોકરી આ રીતે પાઠ ભણાવવા તૈયાર થશે? અંજલી વાળી જ વાત લે ને, કેટલી પરાણે આપણે તૈયાર કરી હતી. નહીંતર તો તે કોલેજ બદલવા તૈયાર હતી, પણ પ્રિન્સીપાલ વિરુદ્ધ ફરિયાદ કરવા નહીં."
વનિતા બોલી કે, "વાત તો લાવણીની એકદમ સાચી છે."
લાવણી ફરીથી બોલી કે, "દરેક છોકરી પોતાનું નામ આવે એટલે તે ડરથી જ આગળ આવવા તૈયાર જ નથી હોતી. એમાંય તું મારપીટ પર જ ઉતરે પછી..."
રાજવી ગુસ્સાથી તેની સામે જોઈ રહેતા લાવણી બોલી કે, "જે સાચું છે તે સાચું જ છે. તારી કોલેજમાં ઈમ્પ્રેશન એવી જ છે. તો હું શું કરું."
વનિતાએ કહ્યું કે, "જો લાવણી રાજવીનો વિચાર યુનિક છે, અને એકલા લડવા કરતાં બધાં ભેગા મળીને લડીએ તો અસર વધારે થાય છે. અને જો રાજવી લાવણીની વાત પણ સાચી છે, તને મારપીટ સિવાય તો કશું જ આવડતું નથી. તો પછી વાત બગડી જાય. પાઠ ભણાવવાની જગ્યાએ બીજા પ્રોબ્લેમ ઊભા થાય."
રાજવીએ વાત ને નકારતી હોય તેમ બોલી કે, "પણ આવા લોકો મારથી જ સમજે અને માને, છતાંય તારી સાથે એગ્રી તો પછી..."
વનિતાએ કંઈક વિચાર વિચારવા લાગી અને કહ્યું કે, "એક કામ કરી શકાય કે, ગ્રુપમાં આપણે રાજવીને મારંમારી વાળું કામ અને પ્લાન એપ્લાય કરવાનું. લાવણી આપણે બંનેએ પ્લાન બનાવવાનું. શું લાગે છે? બરાબર કે નહીં?"
લાવણી બોલી કે, "વિચાર સારો છે, તો પછી આપણા ગ્રુપનું નામ શું રાખીશું?"
રાજવીએ ફટાકથી જ કહ્યું કે, "રાવણી ગ્રુપ"
લાવણીએ આશ્ચર્યથી પૂછયું કે, "રાવણી... આ કેવું નામ છે!"
રાજવીએ સમજાવતાં કહ્યું કે, "જો રાવણ કોઈનાથી હાર્યો નહોતો, ફકતને ફકત વાલી અને રામ. વાલી બળવાન હતો પણ તે તેને કયાંય નડયો નહોતો પણ રાવણને તેના પ્રત્યે અદેખાઈ હતી. જયારે રામ તો રાવણના મોતનું નિમિત્ત હતા. બાકી રાવણ હતો જોરાવર. રાવણની જેમ જ આપણે પણ અન્યાયીઓ પર જોરાવર જ સાબિત થવાનું છે. વળી, રાવણી ગ્રુપ આપણા ત્રણના નામ પરથી રાખ્યું છે."
વનિતાએ કહ્યું કે, "નામ તો સરસ છે. આ ગ્રુપના ત્રણ મેમ્બર પણ રેડી છે, રાજવી, વનિતા અને લાવણી."
લાવણી અને રાજવી હસી પડ્યા. એવામાં એક અવાજ આવ્યો કે, "ત્રણ નહીં..ચાર, આ ગ્રુપની ચોથી મેમ્બર જોઈન્ટ થવા તૈયાર છે. મે આઈ?"
બધાએ પાછળ વળીને જોયું તો અંજલીને જોઈને હસી પડયા અને લાવણી બોલી કે, "વેલકમ.."
અંજલી બોલી કે, "આવા ગ્રુપની કોલેજમાં જ નહીં, પણ દરેક સ્ત્રીઓ કે નબળા માટે જરૂરિયાત છે જ. આવા ગ્રુપને જોઈન્ટ થવા હું તો શું.. ઘણા બધા તૈયાર થઈ જશે."
આમ વાતો કરીને તેઓ છૂટા પડ્યા અને રાજવી પોતાના ઘરે ગઈ.
રાજવીએ જેવું બાઈક આંગણામાં પાર્ક કર્યું ત્યાં જ એક છૂટું વાસણ આવ્યું અને તેને વાગતાં વાગતાં રહી ગયું. તણખાં તો ઝરી ગયાં પણ ગગડાટ તો ચાલુ હોય તેમ એક કર્કશ અવાજ તેના કાને અથડાયો કે, "લ્યો આવી... મહેલની રાજકુમારી... એય ચાલ માંડ કામ કરવા. આ કપડાં ધોવાના છે, બીજા કામ પણ બાકી છે." નયનાબહેન (રાજવીની મમ્મી) બોલી.
રમેશભાઈ (રાજવીના પપ્પા) બોલ્યા કે, "પહેલાં મારા માટે ખાવાનું કાઢ. મારે દુકાન જવાનું મોડું થાય છે, નયના."
ત્યાં જ રાજવીને જોઈને ગુસ્સામાં, "ઓહોહો.. આવી ગયા તમે, કોલેજમાં ભણો છો કે પછી મારું નામ બોળો છો? મેં કહ્યું હતું ને કે કોલેજ ફોલેજ છોકરીઓ ને... છોડો, હવે તો બાઈક વાઈક હાથમાં આવ્યું છે તો ભણજે ઉડાડતી ના કોઈને પાછી અને પોતે પણ ન ઉડતી, સમજી."