Nabadi - 5 books and stories free download online pdf in Gujarati

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 5

(5)

પપ્પા બોલ્યા કે, "હમણાં જ વેવાઈનો ફોન હતો કે કાલે તમારે કુળદેવી એ જવાનું છે તો અભિષેકકુમાર લેવા આવે છે. અને સાંભળો રમીલા, તમે લાવણીના જવાની તૈયારી કરો અને દીકરી પ્રેમમાં જમાઈની આવભગતની તૈયારી કરવાનું ના ભૂલી જતાં પાછા."

આમ બોલીને તે નીકળી ગયા. અને આ બાજુ લાવણીનું મન ખિન્ન થઈ ગયું."

રાજવી પોતાની રૂમમાં લાઈટ ચાલુ બંધ કરે જતી હતી અને એકબાજુ વિચારમાં ખોવાઈ ગયેલી જોઈને નિહાલ તેની જોડે આવ્યો.

તેને હલાવીને કહ્યું કે, "શું વાત છે રાજવી? તું તો લાવણીના ઘરે ગઈ હતી તો પછી ત્યાં કાંઈ વાત બની કે શું?"

તે બોલી કે, "ના ભાઈ, લાવણી કાંઈ કહેતી નથી, પણ કંઈક વાત છે. મને લાગે છે કે તેને સાસરીમાં તકલીફ છે અને જેને તેના મમ્મી પપ્પા ઈગ્નોર કરે છે. બસ એ જ વાત વિશે વિચારું છું."

નિહાલે કહ્યું કે, "આ બાજુ તું અને ત્યાં વનિતા પણ આ જ ટેન્શનમાં છે. તેણે મને કહ્યું હતું કે લાવણીના ચહેરા પર નવોઢા જેવી કોઈ જ ખુશી નહોતી. પણ કદાચ તમે જેવું વિચારો તેવું ના પણ હોય."

રાજવીએ કહ્યું કે, "એટલે.. તમે વનિતાને મળો છો, એમ ને. પણ ભાઈ મમ્મીએ કહેલું યાદ રાખજો."

નિહાલે હા માં માથું હલાવ્યું એટલે રાજવી પાછી બોલી કે, "ના ભાઈ ના, કંઈક તો છે જ એટલે શું કરવું એ જ ખબર નથી પડતી. કાલે ફરી તેને મળવા તેના ઘરે જાઉં અને પૂછી જોઉં. વનિતાને પણ મારી જોડે લઈ જઈશ. અમને કદાચ તે કહી દે."

તે બોલ્યો કે, "ના ઘરે નહીં, કદાચ તેના મમ્મી પપ્પાએ ના પાડી હોય એટલે ના પણ બોલે. બહાર બોલાવીને તમે પૂછો તો કહી દે. ના કહે તો તમે તેના ટચમાં રહેજો. જો તે અત્યારે ના બોલે પછી કદાચ બોલે."

એવામાં જ રમેશભાઈ બૂમો પાડતાં ઘરમાં આવ્યાને કહ્યું કે, "નયના, બા, નિહાલ અહીં આવો તો. જલ્દી બહાર આવો."

દમયંતીબા બોલ્યા કે, "રમેશ, આમ કેમ બૂમો પાડે છે?"

રમેશભાઈ બોલ્યા કે, "બા એક ખુશખબરી છે. તે જણાવવા જ બધાને બહાર બોલાવું છું."

દમયંતીબા બોલ્યા કે, "શેની ખુશખબરી છે? નિહાલ માટે કોઈ માંગું આવ્યું છે કે શું?"

નિહાલ, રાજવી અને નયનાબહેન ડ્રોઈંગ રૂમમાં આવેલા જોઈને અને દમયંતીબા ને જવાબ આપતાં રમેશભાઈએ કહ્યું કે, "બા, નિહાલ માટે નહીં પણ આ કાળમુખીથી પીછો છોડવવા માટેનો અવસર મળી ગયો છે."

દમયંતીબા ખુશ થઈને બોલ્યા કે, "સાચે જ કેવી રીતે?"

રમેશભાઈ બોલ્યા કે, "હા બા, આ કાળમુખી માટે માગું આવ્યું છે. એના હાથ પીળા કરી દઈએ એટલે આપણો છૂટકારો થઈ જાય."

દાદીએ પૂછતાછ કરવા બોલ્યા કે, "આ છપ્પરપગી માટે! કોણ છે છોકરો અને એના મા બાપ, ખાનદાન કોણ છે?"

તે જવાબ આપતાં બોલ્યા કે, "બા પેલા છગનભાઈ અને છાયાભાભીને ઓળખે છે, જે આપણે પહેલાં પાડાની પોળમાં રહેતા હતા ત્યાં પાછળની વીરવાળી પોળમાં રહેતા હતા, યાદ છે? પછી તે નવજીવન સોસાયટીમાં રહેવા ગયા અને આપણે અહીંયા આવ્યા."

દાદી યાદ કરતાં બોલ્યા કે, "હા..હા, યાદ આવ્યું, સરસ્વતીના છોકરો જ છગનને. અને એ સરસ્વતીના ત્રણ દીકરા હતાં ને, આ કયાં નંબરનો?"

રમેશભાઈ બોલ્યા કે, "હા, છગનભાઈ વચના. મને તે આજે વૉક પર બગીચામાં અચાનક જ મળી ગયા. જૂનો સંબંધ યાદ કર્યા પછી રાજવી અને નિહાલ વિશે પૂછવા લાગ્યા તો તેમના માટે લાયક પાત્ર શોધવાનું ચાલુ છે એવું કહ્યું તો તેમણે જ તેમના દીકરા સંદીપ માટે માગું નાખ્યું છે. બોલ, હવે છે ને ખુશીની વાત?"

દાદી બોલ્યા કે, "હા, આ તો ખુશીની જ વાત છે. એય નયના, લાપસીનું આંધણ મૂક. આ છપ્પરપગીથી છૂટકારો મળશે, હવે આ ઘર માંથી તે જશે. એટલે શું કહેવાય નિહાલ તમારી ભાષામાં, સ...સેલિ...સેલિબ્રેશન કરવું જોઈએ જ."

નયનાબહેન તો ડઘાઈ જ ગયા કે, 'મારી દીકરી માટેનું માગું...' તે તો કંઈ જ બોલી ના શકયા.

પણ નિહાલ ગુસ્સે થઈ ગયો અને છતાંય શાંતિથી બોલ્યો કે, "પણ પપ્પા અને દાદી કેવી વાત કરો છો તમે? અને મને યાદ છે તો આ એ જ સંદીપની વાત છે ને, જેની પત્ની ગયા વર્ષે કેન્સરમાં મરી ગઈ અને તેને પાંચ વર્ષની છોકરી પણ છે."

રમેશભાઈ બોલ્યા કે, "હા, એ જ સંદીપની વાત."

નિહાલે થોડા ગુસ્સાથી વાત કાપતાં કહ્યું કે, "આ કેવી વાત છે! રાજવી હજી 22ની જ છે. એના માટે કુંવારો વર શોધવાની જગ્યાએ બીજવર મળ્યો તમને?"

તે પણ તપાકથી જવાબ આપતાં બોલ્યા કે, " કુંવારો કે બીજવર શોધું મારી મરજી એમાં શું થયું અને એ માટે આટલા ગુસ્સે થવાની જરૂર શું છે?"

નિહાલ બોલ્યો કે, "કેમ ગુસ્સે થવાની જરૂર નથી. રાજવી કંઈ નકામો કે જરૂરિયાત વગરનો સામાન નથી. જેને મનમાં આવે ત્યાં ફેંકી દેવામાં આવે. એ આ ઘરની દીકરી અને મારી બહેન છે. અને એને આવા બીજવર જોડે પરણાવીને છૂટકારો મેળવો એ કેવી વાત છે. વળી, સંદીપનો સ્વભાવ પણ સારો નથી. તેની પત્નીને કેન્સર હતું, છતાંય તે તેને મારતો અને હેરાન કરતો હતો. એ માણસ પણ કહેવડાવા લાયક નથી, અને તેનામાં ઘણી બધી જ બદીઓ છે, અને એવા જોડે પરણાવી દેવાની. એ તો યોગ્ય નથી."

દાદીએ કહ્યું કે, "યોગ્ય કે અયોગ્યની વાત જ કયાં છે. આવી છપ્પરપગીનો હાથ પણ કોણ પકડે? અને મને આમ પણ હવે આ ઘરમાં એ નથી જોઈતી. એટલે જેટલી જલદી માં જલદી આનાથી છૂટકારો મારે પણ મેળવવો છે અને આ ઘરને પણ અપાવવો છે."

નિહાલ બોલ્યો કે, "પણ આ માટે આવો બીજવર? રાજવીએ એવો તો શું ગુનો કર્યો છે કે તમે અને પપ્પા આટલી બધી નફરત કરો છો?"

રમેશભાઈ બોલ્યા કે, "વધારે પડતું ના બોલ અને અમારી જોડે એ વિશે ચર્ચા પણ ના કર. મેં હા પાડી દીધી છે અને રાજવીએ સંદીપ જોડે જ લગ્ન કરવાના જ છે."

નિહાલ કંઈ બોલે તે પહેલાં જ નયનાબહેને બોલ્યા કે, "પણ રાજવીને અનુકૂળ ના લાગે તો, આપણે બીજી જગ્યાએ નજર દોડાવીએ. આ ઘર મને એને યોગ્ય નથી લાગતું. એ છોકરી પર આ માટે ફોર્સ ના કરો."

દમયંતી બા બોલ્યા કે, "લ્યો બોલ્યા ફોર્સ ના કરો... અત્યાર સુધી નિહાલ તો તેનું ઉપરાણું લેતો હતો. હવે તું પણ.... આ ઘરમાં અમારી મરજી ચાલે છે, તમારી નહીં."

નયનાબહેને સમજાવતાં કહ્યું કે, "મરજી ચલાવવાની વાત જ કયાં છે, બા. બસ એ છોકરીએ આજસુધી એના કોઈ પણ વાંક ગુના વગર સજા આપણે આપી અને હવે આવું ઘર શોધીએ તો શું તે આખી જિંદગી સજા જ ભોગવશે. હવે તો દયા કરો એના પર."

રમેશભાઈ બોલ્યા કે, " તું બા ને શું કહે છે એ માટે? જો હું જ નયના આને તો આ ઘરમાં નહીં જ રાખું. અને આપણે એની સાથે કયાં ખરાબ વર્તન કર્યું છે. એને ઉછેરી, ભણાવી બસ પછી..."

નિહાલે સમજાવતાં બોલ્યો કે, "બસ એટલે... આશરો આપ્યો, ભોજન આપ્યું એટલે એહસાન કર્યું, આવું ઘર શોધીને પરણાવીએ એટલે એહસાન કર્યું, અને આપણી જવાબદારી પૂરી કેવી વાત છે? રાજવીની મરજી પણ નહીં જાણવાની."

દમયંતીબા બોલ્યા કે, "એની મરજી શું જાણવાની?

રાજવી જે અત્યાર સુધી આ બધું જ જોયા અને સાંભળ્યા કરતી હતી અને પોતાના આસુંને આંખમાં છુપાવવા મથે જતી હતી. તે બોલી કે, "કેમ મારી મરજીને જાણવી કોઈ માટે જરૂર નથી. અને અહીં તો મારે તો લગ્ન જ નથી કરવા."

દમયંતીબા એ કહ્યું કે, "તારી મરજી સાંભળવા નથી બેઠા, તને સંભાળવવા બેઠા છીએ. તને પરણાવીએ એટલે અમારી જવાબદારી પૂરી. તું આ ઘરમાં જાય એટલે અમે પણ છૂટાં. લગ્ન નથી કરવા એટલે આખી જીંદગી અમારા માથે નાચવા દેવાની તને હે?"

રાજવી રોતી રોતી પોતાના રૂમમાં જતી રહી.

લાવણી પોતાના સાસરે પગફેરાની વિધિ પતાવીને જેવી આવી એવી જ તેના સાસુ શારદાબેને તેના હાથમાંથી વસ્તુ લઈ લીધી અને જોવા લાગ્યાં. બધી વસ્તુઓ જોઈ રહ્યા બાદ બોલ્યા કે, "તારા મા બાપને કેવા છે! એકની એક દીકરીને કેવા વ્યવહાર કરવા તે પણ ખબર નથી પડતી. પગફેરાની વિધિમાં સાસુને સોનાનો, નણંદને ચાંદીનો દાગીનો અને સસરાને સૂટ નું કાપડ વિગેરે દેવાના હોય અને દીધું શું સાડી, ડ્રેસ અને શૉલ. અને અભિષેક તને શું આપ્યું?"

અભિષેકે જવાબ આપતાં કહ્યું કે, "મા મને વૉચ અને લાવણીને સોનાના ઝૂમખાં આપ્યાં."

શારદાબેન મ્હોં મચકોડીને કહ્યું કે, "સાવ ભૂખડી બારસની છોકરી ઘરમાં આવી ગઈ છે. તારા મા બાપને સારા ઘરમાં છોકરી પરણાવી છે, જમાઈ સારો કમાતો શોધવો છે, પણ વ્યવહાર સ્ટેટસ પ્રમાણે કરવા જ નથી. અમારે પણ સમાજમાં મ્હોં દેખાડવાનું છે, થોડોક તો વિચાર કર. વળી, આણું કેટલું ઓછું લાવી છે, કોઈને બતાવવા લાયક પણ નથી. હવેથી તારા મા બાપને કહી દેજે કે અમારા સ્ટેટસ પ્રમાણે વ્યવહાર કરે સમજી."

લાવણી કંઈ બોલવા જાય તે પહેલાં જ શારદાબેન પાછા બોલ્યા કે, "નથી સાંભળવું તારૂં મારે. અને હા, કાલે સવારે 4 વાગ્યે ઉઠી જજો પાછા. કુળદેવીએ દર્શન કરવા જવાનું છે. આ બધું સૌમ્યાને નહીં કહેતી પાછી. અભિષેક બેટા આ સોનાના ઝૂમખાં લઈને મારા રૂમમાં આવ તો."

લાવણી ચૂપચાપ તેમને જોતા જોઈ રહી.

સવારના પહોરમાં લાવણી અને તેની સાસરીના લોકો પાવાગઢ કુળદેવીએ દર્શન કરવા જવા માટે તૈયાર થઈ મીની લકઝરીમાં બેસવા લાગ્યા.

આગળની સૌથી પહેલી સીટમાં તેના સસરા અને કાકાજી બેઠા. પાછળ બધા પોતપોતાની જગ્યાએ બેઠ્યા. સૌમ્યા, નયન, વિનય અને સીમા જેવા કપલમાં બેઠા, જયારે કાકીજી અને મામીજી જેવા એકબીજાને જોડે અને જુવાનીયા અને બાળકો પણ પોતપોતાની કંપની જોડે બેઠા.

લાવણી બસમાં ચડવાની રાહ જોઈ રહી હતી તો તેની મજાક કરતાં વિનય બોલ્યો કે, "ભાભી બ્રાહ્મણ જોડે મુહૂર્ત જોવડાવીએ કે અભિષેક જોડે?"

લાવણી શરમાઈ ગઈ અને બોલી કે, "આ બા ચડતાં હતાંને એટલે ઊભી હતી "

વિનયની પત્ની સીમા બોલી કે, "ભાભી તમારા જેવા બહાનું અમે પણ કાઢયું જ હતું. તમે અભિષેકભાઈની રાહ જુવો છે ને."

સૌમ્યાએ પણ મજાકમાં જોઈન્ટ થતાં કહ્યું કે, "ભાભી ઉપર ચડવાનો ઈરાદો છે કે પછી પાછા ઘરમાં જવાનો."

એટલામાં નયન બોલ્યો કે, "ભાભી અમે કલાકેક રાહ જોવા તૈયાર છીએ. આમ પણ, બે દિવસની ટ્રીપમાં અમારી જોડે રહેવું પડશે, એટલા માટે થોડી વાર તમારે જવું હોય તો અંદર જઈને... અભિષેક જોડે વાતો કરવી હોય તો... પછી મોકો નહીં મળે." નયનને બધા હસવા લાગ્યા અને લાવણી આ બાજુ શરમાઈ ગઈ.

નાથાભાઈએ પોતાના ભાઈને ઉદેશીને કહ્યું કે, "આ સમય છે મજાક મસ્તી કરવાનો...ચાલો ચાલો મોડું થશે અને બસમાં જલ્દી ચડો."

જયારે શારદાબેને કહ્યું કે, "આ શું માડયું છે? બંધ કરો તમારી મજાક મસ્તી..."

બધા ચૂપ થઈ ગયા એટલામાં જ અભિષેક ઘરમાંથી બહાર નીકળ્યો અને લાવણી અને તે ફટાફટ બસમાં ચડયા.

બસની વચ્ચેની જે સીટ તેમના માટે જ ખાલી રાખી હતી, સૌમ્યાએ આંખના ઈશારે ત્યાં બેસવા કહ્યું. લાવણી તો એ સીટ પર બેસી ગઈ, પણ અભિષેક ઊભો રહ્યો.

એટલે સીમા બોલી કે, "ભાઈ અહીં બેસી જાવ."

ત્યાં જ શારદાબેન બોલ્યા કે, "અભિષેક અહીં આવ અને મારી જોડે બેસ.. અહીં જગ્યા ખાલી જ છે."

સૌમ્યાએ કહ્યું કે, "મમ્મી અભિષેકને અહીં બેસવા દે. લાવણી ખસ જરા તો..."

શારદાબેને કહ્યું કે, "વડીલો બેઠા હોય તો મર્યાદા રાખવી તો પડે કે નહીં."

અભિષેક બોલ્યો કે, "તમે આરામથી અહીં બેસો. હું મમ્મી જોડે બેસું છું, મમ્મીને કંઈ જોઈતું કરતું હોય તો હેરાન ના થવું પડે."

સીમા બોલી કે, "એ તો અમે ઊભા થઈને આપી આવશું. અને આપણે એક જ બસમાં છીએ તો પછી થોડી થોડી વારે જોઈ આવજો, પણ ભાઈ અહીં બેસોને..."

વિનયે કહ્યું કે, " અભિષેક અહીં બેસ, ત્યાં મોટાઓ જોડે કરતાં આપણા જેવા જોડે વધારે મજા આવશે."

અભિષેકે લાવણી સામે અને શારદાબેને સીમા અને વિનય સામે ગુસ્સાથી જોયું. અભિષેક લાવણીને ગુસ્સામાં બોલ્યો કે, "એકવાર માં ખબર નથી પડતી."

લાવણીની આંખમાં આસું આવી ગયા છતાંય પોતાની જાતને સંયમિત કરી. જ્યારે નયન સૌમ્યા સામે અને સીમા વિનય સામે જોઈ રહી અને અભિષેક તેની મમ્મી જોડે બેસી ગયો. સૌમ્યા અને વિનય પણ ભોંઠા પડયા અને લાવણી પોતાની આંખોમાં આસું લઈને બારી બહાર જોતી બેસી રહી.

નયને માહોલ હળવો કરવા માટે અંતાક્ષરી રમવાનું સૂચન કરતાં, બધા જ તે રમવામાં મશગૂલ થઈ ગયા. ફકતને ફક્ત લાવણી દરેક ને કપલમાં ગીતો ગાતાં અને હસતાં જોઈને રડતી રહી. આમ, પાવાગઢ આવી ગયું, કુળદેવીના દર્શન કરીને બે દિવસ બધાએ ખૂબ મોજમજા કરી. બીજા દિવસની મોડી રાત્રે તેઓ પાછા ઘરે આવ્યા.

નિહાલ અને રાજવી જોડે વરંડામાં વાતો કરી રહ્યો હતો. પહેલાં તો તે નોર્મલી કોલેજની, વનિતા વિશે વાતો કરી રહ્યા હતા.

પણ વાતોને વાતોમાં રાજવી બોલી કે, "ભાઈ તમને ખબર છે.. કોલેજમાં બધા મને લેડી ડોન કહે છે, કેમ? કારણ કે હું મારપીટ કરું છું. હું ખોટું કરતાં દરેકને ઠેકાણે લાવું છું. પણ એ લોકોને ખબર નથી કે આ બધું જ મારી જોડે જ થાય છે. જોવોને જે છોકરી કોલેજમાં લેડી ડોન છે, પણ ઘરમાં....'

પોતાના ડૂસકાં રોકીને તે ફરી બોલી કે, "ભાઈ મને લગ્ન નામના શબ્દથી જ ડર લાગે છે. જો ઘર આવું જ સાસરીમાં મળે તો... માટે, અને એના કરતાં ય મારે તો લગ્ન જ નથી કરવા. મારે તો આ ઝંઝટમાં પડવું જ નથી. મારે.તો મમ્મી જેવા લોકોની મદદ કરવી છે, મારે તો અન્યાયીઓ ને સજા આપવી છે અને દરેક નબળા લોકો માટે મારે તેમને મારું બળ પૂરું પાડવું છે."

પહેલાં તો નિહાલ સાંભળી રહ્યો પછી બોલ્યો કે, "રાજુ, મને એમ કહે કે પહેલાં હાથની આંગળીઓ એકસરખી કેમ નથી. જેમ તે એકસરખી નથી તેમ જ દરેક સંબંધ પણ એકસરખો ના પણ હોય. દરેક વ્યક્તિ અલગ, તેની સંબંધ નિભાવવાની રીત પણ અલગ હોય છે. એટલે જ દરેક સંબંધ એક જ માપ થી ના તોલાય. વળી, તારા જીવનમાં આવનાર વ્યક્તિ પપ્પા જેવો ના પણ હોય. અને આમ પણ પપ્પા ખરાબ નથી, પણ એમણે એટલું સહન કર્યું છે કે તે કડવા અને કઠોર બની ગયા છે. જેમ તારો વાંક નહોતો, એમ જ તેમનો પણ એ ખરાબ સંજોગો પર કાબૂ નહોતો. એ વાતનો ગુસ્સો બની મનમાં બેસી ગયો. કદાચ એટલે જ મમ્મી પપ્પા વચ્ચેનો સંબંધ કડવાહટ ભર્યો બની ગયો છે. દરેકનો સંબંધ મમ્મી પપ્પા જેવો ના પણ હોય, મારો અને વનિતાનો જ સંબંધ જોઈ લે. એકવાર અમારા વિશે વિચારી જો તું.."

રાજવી તેની વાત પકડતાં બોલી કે, "તે હું સમજું છું કે પપ્પા ખરાબ નથી. પણ તમે કયારેય વિચાર્યું છે કે મમ્મી પણ ખરાબ નથી, એનો પણ કોઈ સંજોગો પર કાબૂ નહોતો ને. છતાંય આ કડવાહટ ભર્યો સંબંધ કેમ તેને નિભાવવો પડે છે? હું મમ્મીની મજબૂરી સમજું છું. એનો પણ આ ઘર સિવાયનો કોઈ આરો નહીં હોય... એટલે જ મારે જે સ્ત્રીને પિયર કે સાસરીમાં માન કે પ્રેમ ના મળે તો તેના માટે આશરો બનવું છે. એમને કોઈ હુન્નર આપીને એ કોઈને આશ્રિત ના રહે તેવું કરવું છે. મારે નબળી માટે બળકાં પૂરવાર થવું છે. રહી વાત 'તમારો અને વનિતાનો સંબંધ' એ માટે ભગવાનને પ્રાર્થના કરીશ કે જેવો હાલ છે તેવો જ રહે! પણ તમે લાવણીનો જ વિચાર કરોને કે ભલે તે કંઈ ના કહે, પણ કંઈક વાત તો છે જ ને."

નિહાલ બોલ્યો કે, "પણ કદાચ લાવણીના કેસમાં એવું કાંઈ ના પણ હોય. આ બધી વાત જવા દે , તું લગ્ન કરે પછી પણ આ કામ કરી જ શકે ને."

રાજવી બોલી કે, "પણ એ વ્યક્તિ સમજુ ના હોય તો મારું આ સપનું પણ પૂરેપુરુ રોળાઈ જાય. અને ઘરની ઝંઝટમાંથી હું ના નીકળી શકી તો.. ના ભાઈ ના, માટે જ મારે આ ઝંઝટમાં નથી પડવું. પ્લીઝ ભાઈ સમજને વાત મારી.'

"ભાઈ મને મારી વાત ઘરના લોકોને સમજાવવા માટે અને સમજે તે માટે મને મદદ કરને."

રવિવારના દિવસે સંદીપ, છગનભાઈ અને છાયાભાભી રાજવીને જોવા આવ્યા. રમેશભાઈ અને દમયંતીબા એ તો પૂરજોશમાં સ્વાગત કર્યું. ધીમે ધીમે વાતચીતોનો દોર ચાલુ થયો. નિહાલના સમજાવવાથી દેખાવ પૂરતી રાજવીએ સંદીપ જોડે વાતચીત પણ કરી. છૂટા પડતા છગનભાઈ બોલ્યા કે, "રમેશભાઈ અમને રાજવી ગમે છે. પણ સંદીપ અને રાજવીનો વિચાર જાણીને આગળનો વિચાર કરીએ. અને અમે હવે રજા લઈએ."

રમેશભાઈ બોલ્યા કે, "હા...હા...બરાબર, ચાલો ત્યારે મળીએ."

બધા જેવા ગયા તરત જ દમયંતીબા બોલ્યા કે, "મને તો સંદીપ ગમ્યો. આપણા તરફથી તો પાકું કરી નાખો."

રમેશભાઈ કંઈ બોલે તે પહેલાં જ નયનાબહેન બોલ્યા કે, "પણ મને તો યોગ્ય ના લાગ્યો... બીજો જોઈએ તો"

દમયંતીબા તેમને રોકતા કહ્યું કે, "એ તો તને ના જ ગમત, તારો ભૂખડી બારસ ભાઈ આ વાત નથી લાવ્યો ને. રમેશ આપણે તો પાક્કું કરીને ઝટ લગ્ન લઈ જ લે."

નિહાલે વાત સંભાળતા કહ્યું કે, "માં, દાદી આ ચર્ચા હાલ શું કામ? એમની હા તો આવવા દે, પછી જોઈશું. પણ દાદી એ પહેલાં મારી એક વાત સાંભળ ને."

દમયંતીબા એ પણ પોતાના લાડલા પૌત્ર સામે સંમતિ આપતાં પ્રેમથી જોયું તો નિહાલ બોલ્યો કે, "દાદી... મને એક છોકરી ગમે છે."

દમયંતીબા એ તરતજ પ્રશ્નો પૂછયા કે, "કોણ છે? કયાં રહે છે? આપણા સમાજની છે કે?"

નિહાલે જવાબ આપતાં બોલ્યો કે, "વનિતા નામ છે, ટી.વાય.માં ભણે છે. ભણવામાં હોંશિયાર છે. તે મને મારા એક ફ્રેન્ડ ના ત્યાં મળી હતી. પણ..."

રમેશભાઈ એ કડકાઈ થી પૂછ્યું કે, "પણ..."

નિહાલ નીચી નજરે કહ્યું કે, "પણ એ આપણા સમાજની નથી."

દમયંતીબા કડક શબ્દોમાં બોલ્યા કે, "તને ગમે છે એટલે અમારે નીચે મૂંડી કરીને તારા માટે લગ્ન નો પ્રસ્તાવ લઈને જવાનો, એમ જ કહેવું છે ને તારું? સમાજ શું વિચારશે અમારા વિશે."

નિહાલે લાડ કરતાં કહ્યું કે, "ના દાદી, ત્યાં લગ્ન નો પ્રસ્તાવ લઈને જવાની જરૂર નથી ફકત તમે મંજુરી આપો એટલે એકવાર કુટુંબ મેળાપ થઈ જાય."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED