નબળી: રાજવીની સંઘર્ષ કથા - 10 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 10

(10)

ડ્રોઈંગરૂમમાં દમયંતીબા, રમેશભાઈ, નયનાબેન અને નિહાલ લગ્નમાં આવેલી ગીફટ ખોલી રહ્યા હતા અને જોવાની સાથે એક નોટમાં નોંધ કરી રહ્યા હતા અને કોને કેટલી શીખ કરવી તે પણ નક્કી કરી રહ્યા હતા.

વનિતા બધા માટે ચા જોડે ભજીયાનો નાસ્તો લાવી. એક પ્લેટ બનાવી રાજવીને તેના રૂમમાં આપી. બધા ચા નાસ્તાને ન્યાય આપવા લાગ્યા. પછી વનિતા પણ તે ગીફટસ ખોલવામાં મદદ કરવા લાગી.

દમયંતીબા બોલ્યા કે, "વહુ બેટા, તને જે ગમે તે લઈ લે જો. તારા સિવાય વાપરનાર પણ કોણ છે આ ઘરમાં?"

"ના દાદી, આમ જ મૂકી રાખો. મારી પાસે તમે આપેલું ઘણું બધું છે. આ બધું તો રાજવીના લગ્ન વખતે પહેરામણીમાં આપીશું." વનિતા બોલી.

દમયંતીબા એ તો મ્હોં બગાડી લીધું પણ વનિતા આગળ કાંઈ ના બોલ્યા.

તેવામાં નાથાભાઈ અને રંજનભાઈ તેમના દરવાજાની ડોરબેલ વગાડી. એ બંનેને જોઈને રમેશભાઈ તેમને આશ્ચર્ય તો થયું, છતાંય બોલ્યા કે, "આવો... બેસો..."

પછી વનિતા સામે જોઈને કહ્યું કે, "વનિતા બેટા, ચા નાસ્તો બનાવજો."

દમયંતીબા બોલ્યા કે, "કેમ આવવાનું થયું?"

નાથાભાઈએ કહ્યું કે, "ચા નાસ્તો રહેવા દો, કંઈ નહીં જોઈએ."

રમેશભાઈએ કહ્યું કે, "કેમ નાથાભાઈ, શું વાત છે? અચાનક તમે અહીં, કંઈ કામ હતું."

"હા, તમારી દીકરીને કહો કે તે ચૂપ રહે. જરૂરી નથી અમારી વાતોમાં આડા પડવાની." નાથાભાઈ જવાબ આપતાં કહ્યું.

"પણ રાજવીએ એવું તો શું કર્યું?" નિહાલે પૂછ્યું.

"કેમ તારી બેને કંઈ વાત નથી કરી." નાથાભાઈ વ્યંગમાં બોલ્યા.

"આમ ગોળગોળ વાત કર્યા વગર વાત શું છે, એ કહો તો પછી ખબર પડે." રમેશભાઈએ શાંતિથી કહ્યું.

નાથાભાઈએ કહ્યું કે, "વાત એમ છે કે અમારી વહુ લાવણી ગ્યાસ ચાલુ રહી ગયો અને ખબર નહીં કેમ પણ તે બળી ગઈ અને મરી ગઈ. અને તમારી દીકરી 'અમે તેને દહેજ માટે મારી નાંખી' આરોપ મૂકીને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવી દીધી છે."

નિહાલ અને વનિતા તો ડઘાઈ ગયા. વનિતાએ રંજનભાઈ સામે જોઈને બોલી કે, "લાવણી મરી ગઈ અંકલ...લાવણી..."

રંજનભાઈએ આંખથી જ હા પાડી તો વનિતા રોતી રોતી રાજવીના રૂમમાં ગઈ. નિહાલે પૂછ્યું કે, "પણ આમ કેવી રીતે બની શકે?"

"આ વાત કરવા નથી આવ્યા અમે કે કેમ બની શકે? કેમ બન્યું? કેવી રીતે? પણ તમે એક વાત સમજી લો કે તમારી દીકરીને સમજાવી દો કે આડી ના ઉતરે અને એફઆઈઆર પાછી ખેંચી લે. બીજી વાત લાવણીના પપ્પા જ અમારી જોડે છે, એમને એવું નથી લાગતું તો તે શું કામ મનઘડત આરોપો લગાવે છે." આટલું બોલીને નાથાભાઈ ગુસ્સામાં ઘરની બહાર નીકળ્યા અને રંજન ભાઈ હાથ જોડીને ઊભા થયા અને તેમની પાછળ પાછળ ગયા.

વનિતા રાજવીના રૂમમાં જઈને તેને ગુસ્સામાં પૂછે છે કે, "તે મને કેમ ના કહ્યું....તું એમ સમજતી હતી કે મને કંઈ ખબર નહીં પડે. લાવણી જોડે આટલી મોટી ઘટના બની ગઈ, તે મરી ગઈ. છતાંય તે મને વાત કેમ ના કરી. તને યાદ છે ને કે તે મારી પણ ફ્રેન્ડ છે."

રાજવી તેની સામે જોઈ રહી અને કહ્યું કે, "પહેલાં તું બેસ અને તને કોને કહ્યું એ કહે પહેલાં? હાલ લાવણીના સસરા આવેલા બહાર."

"જેને પણ કીધું હોય તે મને કેમ ના કહ્યું એ કહે પહેલાં..." વનિતા રડતી રડતી બોલી.

"અરે... અરે..ગુસ્સો ના કર, મેં તને એટલા માટે ના કહ્યું કે તારા નવા જીવનની શરૂઆત થઈ હતી. હું નથી ઈચ્છતી કે તું આવા ખરાબ સમાચાર સાંભળે. અને વળી હું તને દુઃખી પણ નહોતી જોવા માંગતી." રાજવી બોલી.

નિહાલ પણ પાછળ પાછળ આવ્યો અને પૂછ્યું કે, "પણ તે કેસ શું કામ કર્યો, રાજુ? તું સમજ કે આવું કરવાથી તારી તકલીફો વધી જશે."

"પણ ભાઈ અન્યાય સામે લડવું તો પડે જ ને. હાથ જોડીને તો બેસી ના રહેવાય, આવું તો આપણે ભણ્યા છીએ." રાજવીએ કહ્યું.

"તો તેના મમ્મી પપ્પા લડશે એ માટે, તારે શું કામ ઝંડો લઈને ફરવું પડે, એ કહીશ?" તેણે કહ્યું.

રાજવીએ કહ્યું કે, "એમ વાત છે, જો ભાઈ રંજન અંકલની કોઈ મજબૂરી હશે કાં તો તેમને સમાજમાં બદનામ કરી દેશે કે કાં તો તેમને બીજી કોઈ રીતે હેરાન કરશે. એવું કહેવા ના લીધે કદાચ એટલે એમણે કોઈ જ પગલું ના ભર્યું હોય, પણ તે મને કંઈ જ કહી શકે તેમ નથી. હું તો તેને ન્યાય અપાવવા માટે લડીશ જ."

રાજવી આટલું બોલી રહી ત્યાં જ દમયંતીબા એ બૂમ પાડી કે, "એ છપ્પરપગી... છપ્પરપગી... કયાં મરી ગઈ."

બધા જ બહાર આવ્યા. દમયંતીબા બોલ્યા કે, "એ છપ્પરપગી... અમારા ઘરનું નામ બોળવા કેમ બેઠી છે. તને કોણે ડહાપણ કરવાનું કહ્યું, બીજાના ઘરમાં દખલ તારે ના કરવી જોઈએ, એટલી તો ખબર પડે છે ને."

રમેશભાઈ બોલ્યા કે, "આજે તારા લીધે અમારે કોઈનું સાંભળવું પડયું છે, ખબર છે તને? ચૂપચાપ એફઆઈઆર પાછી લઈ લે અને નાથાભાઈની માફી માંગી આવ."

"શું કામ... શું કામ પાછી લઉં? તમને ખબર પણ છે ખરી કે લાવણી જોડે શું થયું છે, અંકલે કીધું ને તમે માની લીધું. અરે તેને પિયરથી દસ લાખ લાવવા માટે તેને હેરાન કરતાં હતા. તેને અભિષેક તો બોલાવતો પણ નહોતો. અને હજી ઘણું એવું છે કે સમાજને કે મને ખબર નથી. અને તમે કયારેય જોયું છે કે ગ્યાસ ચાલુ રહેવાથી કોઈ બળી જાય કે મરી જાય. તેઓ બેવફૂક સમજે છે લોકોને કે સમાજ ને, અને હું એફઆઈઆર પાછી નહીં લઉં."

"એના મા બાપ કરશે, તારી જરૂર નથી એ માટે." રમેશભાઈ ગુસ્સામાં બોલ્યા.

"કદાચ રજનઅંકલ અને આન્ટીની કોઈ મજબૂરી હશે, પણ મારી કોઈ મજબૂરી નથી." રાજવીએ જવાબ આપતાં બોલી.

દમયંતીબા એ કહ્યું કે, "એય મારા દીકરા સામે જીભડી ચલાવે છે, મારી સામે તો જીભાજોડી કરવાની જ નહીં. આ ઘરમાં તો મારું કીધું જ થશે અને યાદ રાખ કે તારી મા પણ મારી સામે ઊંચો અવાજ નથી કર્યો...."

"કેમ આ ઘરમાં તમે કરો તેમ જ કરવાનું, બોલોને દાદી? સાચું ખોટું સમજયા વગર તમે કહો તેમ કરવાનું, કેમ દાદી? કયારેય તમે મારી મમ્મીની તકલીફ જોઈ છે ખરી, સમજી પણ છે ખરી. મેં જોઈ છે, તમારા શબ્દોના ચાબખા સાંભળીને, પપ્પાની ગુસ્સાભરી નજરો જોઈને. એ બિચારી કરે તો પણ શું કરે, તેના બે બાળકો લઈને જાય તો કયાં જાય. તેનો ફાયદો તમે ઉઠાવ્યો અને મારી માં ને તમે શાંતિથી શ્વાસ લેવા નથી દીધો. મારી માં ને જ નહીં, તમે મને પણ કયાં શાંતિથી શ્વાસ લેવા દીધો છે. હંમેશા દમ દાટી આપવી, મને છપ્પરપગી, કમનસીબ કહીને જ બોલાવી. કેવા કેવા શબ્દો મેં નાનપણમાં સાંભર્યાં છે. અરે તમારા ડરના લીધે મારી માં એ મને પ્રેમથી બોલાવી પણ નથી." રાજવી બોલી.

નયનાબેન તેને ટોકતાં કહ્યું કે, "રાજવી...."

"બહુ જીભ ચાલે છે તારી, જીભાજોડી કરીને તે, હું તો તને રાખવા જ નહોતી માંગતી આજની નહીં પણ પહેલાં ની અને રાખવા જેવી હતી પણ નહીં, જન્મી એવી જ મારા વરને ખાઈ ગઈ, પછી મારા દીકરા અને વહુને અને બાકી રહેતું હોય તેમ મારી એકની એક દીકરીને પણ ખાઈ ગઈ, છપ્પરપગી જ કહું ને, છતાંય તને રાખી. હજી પણ તને

કહું છું કે કેસ પાછો લઈ લે, નહીંતર આ ઘરમાં પણ તને.... સાનમાં સમજી જા. એ નયના સમજાય તારી દીકરી ને કે આ ઘરમાં રહેવા માટે વડીલો કહે તેમ કરવું પડે. રમેશ તું ય સાંભળી લે જે પાછો." દમયંતીબા એ ગુસ્સામાં કહ્યું.

નિહાલ કંઈ બોલવા જાય તે પહેલાં જ રાજવી બોલે છે કે, "વાંધો નહીં દાદી, હું આ ઘર છોડી દઈશ. આમ પણ હું તમને ગમતી નથી તો તમને મારાથી છૂટકારો મળી જશે. પણ એફઆઈઆર તો પાછી નહીં જ લઉં. ત્યારે જ પાછી લઈશ જયારે લાવણીને ન્યાય મળશે."

"જીભડી તો બરાબર ચાલે છે, પણ અક્કલ બરાબર ચાલે છે ને. આવી ઘર છોડવવાળી, તને સમાજની કે દુનિયાની ગતાગમ પડે છે ખરી કાંઈ. જા અમે કહ્યું તેમ કર." રમેશભાઈ બોલ્યા.

"ભલે ગતાગમ નથી પડતી મને સમાજની કે દુનિયાની. પણ અન્યાય તો સહન નહીં જ કરું, અને અન્યાયીઓ સામે ઝૂકીશ પણ નહીં. મારી ચિંતા ના કરો, હું તમારા પર બોજ પણ નહીં બનું. હું મારી રીતે રસ્તો કરી લઈશ." બોલીને રાજવી પોતાની રૂમમાં જાય છે.

નિહાલ અને વનિતા તેની પાછળ જાય છે. વનિતા તેને પૂછે છે કે, "આટલી બધી ખબર તને કયાંથી પડી? અને તું કેસ કરે છે તો તારી પાસે કોઈ સબૂત છે ને?"

"હા છે ને વનિતા, આટલી જ નહીં બીજી ઘણી બધી ખબર છે. અભિષેક એક એવો નરાધમ છે, જે પોતાની પત્નીનો સોદો કરી રહ્યો હતો. એ પણ પોતાના સ્વાર્થ માટે. એટલું જ નહીં તેને લાવણી નહીં પણબીજી છોકરી ગમે છે. તેને તો લાવણીને કાઢી મૂકી અને તે છોકરીને ઘરમાં લાવી છે." રાજવી બોલી

"તું આટલું બધું કોન્ફડીન્સથી કેવી રીતે કહી શકે છે." નિહાલે પૂછ્યું.

એના જવાબમાં રાજવીએ લાવણીની ડાયરી બંનેના હાથમાં રાખીને કહ્યું કે, "એકવાર વાંચી લેજો, પછી કહેજો." રાજવી પોતાની બેગ ભરવા લાગે છે. વનિતા ડાયરી વાંચતી જાય છે અને આંખમાં આસું પડે છે.

"રાજવી આ ડાયરી જેમ જેમ વાંચું છું તેમ તેમ મારું મન ભારે થાય છે. લાવણીએ આટલું બધું સહન કર્યું....આજ સુધી કેમ તે ના બોલી." વનિતાએ કહ્યું.

"કહ્યું હતું... આન્ટીને પણ આન્ટીએ જાતે સોલ્વ કહી દીધું." રાજવી બોલી.

"હવે લાગે છે કે ખરેખર તેને સજા આપવી જોઈએ જ." વનિતા બોલી. નિહાલે પણ તેને વાંચી.

નાનકડી ચિંગારીને ખબર નથી હોતી તેની તાકાત શું છે ? કે તે નાની કોઈ વસ્તુ નહીં જ તે મોટી વસ્તુને પણ સળગાવી શકે છે. એ માટે પછી ભલે તે પોતાનું અસ્તિત્વ મિટાવી દે.

એવું જ રાજવી જોડે થવાનું છે અને એની શરૂઆત પણ થઈ ગઈ છે.

"હવે લાગે છે ને કે મેં બરાબર કર્યું." રાજવી બોલી

નિહાલે કહ્યું કે, "રાજવી તું કરી શકીશ, પણ આ તો દરેક ઘરની જ નહીં પણ સમાજનો સળગતો સવાલ છે. સ્ત્રીઓ નું અપમાન આજનું નહીં યુગોથી ચાલતું આવેલ છે. અને એક બે વ્યક્તિઓ થી નહીં બદલાય. તો તારે કરવાની જરૂર છે."

"સુધારા કરવા છે પણ કોને, એમાં મારે તો નથી જ કરવા. મારે તો ફકત એક જ દાખલો બેસાડવો છે કે જે સ્ત્રીઓ પોતાની જાતને નબળી સમજે છે. તેમના માટે એક એવી સ્ત્રી ઊભી છે કે જે તમને પીઠબળ આપશે. જેને સાસરીમાં તેની હેરાનગતિ થતી હશે એને ભલે પિયરમાંથી પણ જાકારો મળે, પણ તેના માટે ઊભી હશે એક એવી સંસ્થા. નબળી જે તેને સબળા બનાવશે, આશરો આપીને એ નરકમાં થી છોડાવશે. એટલું જ નહીં તેને હુન્નર આપશે, કળા શીખવાડશે અને પગભર કરશે. બાકી મારે લાવણીની સાસરીમાં કોઈના પર કોઈ કેસ નથી કરવો." રાજવીએ બોલી.

"અને આવી સંસ્થા કોણ બનાવશે?" નિહાલે પૂછ્યું.

"કોણ એટલે શું? હું બનાવીશ. ભાઈ મેં તને પહેલાં પણ વાત તો કરી હતી. મેં તને કહ્યું હતું કે મેં જોઈ છે, મમ્મીની હાલત. એ રસોડાના એક ખૂણામાં ટૂટિયું વાળીને રડતું રહેવું અને એક બાજુ દાદીની અનરાધાર બોલવાનું ચાલુ. મેં જોઈ છે રસોડામાં ડરેલી આંખે જેના લીધે એ એક લાઈટર પણ બરાબર ચાલુ નથી કરી શકતી જયારે પપ્પા છૂટા વાસણ ફેંકી દેતા હોય અને ખૂબજ ગુસ્સો કરી રહ્યા હોય. મેં જોઈ છે તેની આંખોમાં છલકાતાં આસું જયારે દરેક તહેવારે પિયરથી સામાન ના આવે તો પણ અને પિયરથી આવેલા સામાન જોઈને દાદી કમી કાઢતાં હોય. મેં જોઈ છે તને કચરો ગયો છે એમ કહીને આંખો લૂછતાં જયારે તેની દીકરીને ગમે તેમ બોલે અને તે ચૂપચાપ સાંભળ્યું હોય. બસ હું બીજી નયનાબેન કે લાવણી કોઈને બનવા દેવા નથી માંગતી.'

" એટલા માટે હું બનાવીશ તે સંસ્થા, હું કામ કરીશ તેથી બધી જ સ્ત્રીઓને આશરો આપીશ, હુન્નર આપીશ." રાજવી બોલી.

વનિતા બોલી કે, "હું તને સપોર્ટ કરીશ અને તું નહીં પણ આપણે બનાવીશું."

"એક મિનિટ વનિતા, રાજવી તમે વિચારો છો તે શકય નથી અને સહેલું પણ નથી તો પછી આ બધું કેમ લઈને બેસવું!" નિહાલે કહ્યું.

રાજવીએ પૂછ્યું કે, "સમાજ સુધારવો તો જરૂરી છે જ ને. સ્ત્રીના સન્માન માટે કંઈ કરવું જરૂરી છે જ ને, તમે માનો પણ છો છતાંય કેમ શક્ય નથી."

"એટલા માટે બેટા કે, તારા માટે જ મેં તારા જન્મ પછી મને પડેલી માનસિક તકલીફો જ નહીં પણ તારા દુઃખ સાથે, તને ગમે તેમ બોલતાં, તારો તિરસ્કાર કરતા એ વેદના તારી સાથે મેં પણ વેઠી છે. નિહાલને લાડ મળે અને તને જયારે ના મળે ત્યારે તારી લલચાતી આંખો જોઈને, તને નાની નાની વસ્તુઓ ના મળે તો તેના માટે તડપતી જોવા છતાંય આંખ આડા કાન કર્યા છે." નયનાબેને કહ્યું.

"હા, મા મને ખબર છે પણ..." રાજવી બોલવા ગઈ તો રોકીને.

" બેટા જો તું આમ કરીશ તો તને સારા ઘરે કયાંથી વળાવી શકીશ. તારી દાદી અને પપ્પા આમ પણ તને ઘરમાં થી કાઢી મૂકવી જ છે અને એમાં તું આ કેસ કરી અને તેમાં ફસાઈશ તો કોણ તારો હાથ પકડશે અને ગમે તેની જોડે તને પરણાવી દેશે. બેટા રહેવા દે ને, પાછો કેસ લઈ લેને."

નયનાબેન બોલી રહ્યા ત્યાં જ રાજવી તેમને વળગી પડી અને બોલી કે, "મમ્મી હું શું કહું, કેટલી મથી હતી આ લાડ મેળવવા માટે, કેટલી રાહ જોઈ એના માટે. છતાંય છોડ મમ્મી તું તો સમજ લાવણીની તકલીફો તને તો ખબર છે કેટલી તકલીફો ભોગવવી પડે છે.

રહી વાત મારા લગ્નની તો મરે કરવા જ નથી, મારે તો આ ઝંઝટમાં પડવું જ નથી. મારે તો બીજા કોઈને નયનાબેન બનવા દેવા જ નથી માંગતી, મારે તો એમના માટે એક એવી સંસ્થા સ્ત્રીઓની બનાવી છે અને એમાં તો તારે મને મદદ કરવાની છે. મેં નાનપણથી આ જ સપનું જોયું છે મારે એ જ કરવું છે. લાવણીની હાલતે મને પૂરું કરવાનું કહે છે."

એવામાં જ રમેશભાઈની બૂમ પાડી કે, "એ રાજવી... એ રાજવી... શું નક્કી કર્યું તે? ચાલ એફઆઈઆર પાછી લઈ લે, હું આવું પોલીસ સ્ટેશને તારા જોડે."

રાજવી બહાર આવીને કહ્યું કે, "મેં કહ્યું તો ખરું કે હું પાછી નહીં લઉં. છતાંય તમે એકની એક વાત કેમ પકડીને બેઠા છો?"

દમયંતીબાએ તાડૂકીને કહ્યું કે, "જો પાછી નહીં લે ને તો આ ઘરના દરવાજા પણ તારા માટે બંધ થઈ જશે. નીકળી જા ઘરમાંથી."

"વાંધો નહીં, હું તો આ ચાલી" કહીને રાજવી પોતાની બેગ લઈને ચાલવા લાગી.

નિહાલે તેની બેગ પકડીને રોકતા બોલ્યો કે,"પ્લીઝ રાજુ આમ ના નીકળી જવાય, એક વાર વિચારી તો જો. હાલ આવી સમાજસેવા કરવાની તારી ઉંમર નથી અને તું કયાં જઈશ, એ તો વિચાર કર."

તેના પપ્પાને કહેવા લાગ્યો કે, "પપ્પા તમે તો વિચારો એ તો નાની અને અણસમજુ છે. એના માટે શું સાચું કે શું ખોટું, તે પણ સમજી શકે તેમ નથી."

વનિતાએ કહ્યું કે, "દાદી તમે તો સમજો, તમે તો અનુભવી છો."

રમેશભાઈ કંઈ કહેવા જતા હતા તે પહેલાં જ દમયંતીબા બોલ્યા કે, "ના ખબર પડતી હોય તો ઘરના મોટાની વાતો સમજવી પણ પડે કે નહીં. પણ એને તો બસ હું મારું જ ચલાવું, એનું શું કરવાનું? જવા દે એને અહીંથી."

નયનાબેન એકદમ જ રાજવીના હાથમાંથી બેગ લઈને નિહાલને આપી દીધી અને કહ્યું કે, "તને એક વાર કહ્યું ને ખબર નથી પડતી કે તારે કયાંય નથી જવાનું. ચૂપચાપ તારા રૂમમાં જા."

"સરસ નયના, સમજાય તારી દીકરીને આવા ગાંડપણ." દમયંતીબા બોલ્યા.

"બા સમજવાનું તમારે અને એમને છે, મારે કે રાજવીને નહીં." નયનાબેન રાજવીનો હાથ પકડીને તેની રૂમમાં જતા રહ્યા.

દમયંતીબા બોલતા રહ્યા અને રમેશભાઈ જોઈ જ રહ્યા.

દમયંતીબાએ કહ્યું કે, "જો રમેશીયા આ તારી બૈરી મારી સામે બોલે છે, એને પણ કાઢી મૂક ઘરમાંથી. શું કયારનો ભૂત બની ઊભો રહ્યો છે."

સૌમ્યાની ઉદાસ આંખો જોઈને નયન થોડો પરેશાન રહેતો હતો. તેને સૌમ્યાનો મૂડ ઢીક કરવા અને ઘરનો માહોલ સુધારવા માટે કહ્યું કે, "ચાલ સૌમ્યા કયાંક બહાર ડીનર પર જઈએ. જલ્દી તૈયાર થઈ જા."

સૌમ્યાએ ના પાડી પણ નયનના ફોર્સથી તૈયાર થઈ. બંને જેવા હોટલમાં પહોંચી અને ડીનર ઓર્ડર કરીને બેઠા તો પાછળના ટેબલ પરથી આવતા અવાજે તેઓ ચોંકયા. પાછળ ના ટેબલ પર વળીને જોયું તો તેમને ઓળખીને બંનેની આંખમાં ગુસ્સો આવ્યો.

"ઓહ.. ડાર્લિંગ, છોડ ને વાત. કયાં સુધી તું લાવણીને, મમ્મી પપ્પા વિગેરેને પકડીને બેસી રહીશ. આપણો વિચાર કર." રિયા બોલી

"અને તારું પ્રમોશન કેટલું જરૂરી છે આપણા માટે, એનો વિચાર કર ને. તને ખબર છે ને કે મેં કેટલા સપના જોયા છે તારી જોડે રહેવા માટેના. તારું પ્રમોશન થઈ જાય તો આપણે ઘર લઈ શકીએ અને પછી આપણે લીવ ઈન રિલેશન માં રહી શકીશું ને?"

અભિષેક સાંભળીને બોલ્યો કે, "મને બધી ખબર છે ડાર્લિંગ, એટલે જ તો ટેન્શનમાં છું. આપણા પ્લાન પર આ લાવણીએ તો પાણી ફેરવી દીધું. મને એમ કે તેને મેનેજર જોડે મોકલીને પ્રમોશન મેળવી લઈશું અને તેના દાગીના વેચીને ઘર માટે ડાઉન પેમેન્ટ કરી દઈશું. પછી કાઢી મૂકવાની હતી, એને ઘરમાંથી અને મારા જીવનમાંથી. પણ શું થાય તે બળી મરી ગઈ અને મારા પ્લાન પર પાણી ફેરવી દીધું."

"હમમમ....." રિયાએ હુંકાર કરતાં તે બોલ્યો કે, "કેવી રીતે કરીશું આ બધું? અરે, પ્રમોશન માટે તો મેં મેનેજરને લલચાવા માટે આગળ તેને દેખાડી અને તેના મનમાં લાલસા જગાડી. લાવણીને પણ શામ, દામ અને દંડ બધાથી સમજાવ્યું પણ ખરું. પણ ખબર નહીં કેમ તેને બળવું સહેલું લાગ્યું એ પણ મારી મદદ કરવાની જગ્યાએ. મરવું જ હતું તો મારી મદદ કરી હોત તો, ના પણ... હવે દાગીના વેચીને પ્રમોશન લેવું પડશે, શું થાય?"

"વાત તો તારી સાચી પણ શું થાય? હવે આપણે ઘર માટે લોન લઈશું, બીજું શું? ચાલ ડીનર કરી લઈએ." રિયા બોલી.