નબળી: રાજવીની સંઘર્ષ કથા - 3 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 3

(3)

લાવણીએ જવાબ આપતાં બોલી કે, "કેમ નહીં, તમારા માતા પિતા મારા માટે માતા પિતા સમાન જ છે."

અભિષેક રૂડ અને મક્કમભર્યા અવાજે કહ્યું કે, "સમાન નહીં, પણ માતા પિતા જ છે. એવું માનવું જોઈએ."

લાવણીને થોડું અજીબ લાગ્યું છતાંય બોલી કે, "હા, એ તો છે જ. પણ તમને કેવી જીવનસાથી જોઈએ?"

તો તેણે જવાબ આપ્યો કે, "જે મારા માતા પિતાની વાત માને, તેમનો આદર કરે, માન રાખે, કાળજી કરે એવી છોકરી જીવનસાથી તરીકે જોઈએ."

લાવણીએ ફોડ પાડતાં કહ્યું કે, "આ તો બરાબર છે, પણ તમારી પત્નીમાં તમારે કેવા ગુણો જોઈએ એ વિશે તો વિચાર્યું હશે ને. તે પૂછું છું."

અભિષેકે વાત પતાવતા એટલું જ કહ્યું કે, "આવા જ ગુણો જોઈએ છે અને એમાં બધું જ આવી ગયું."

થોડીવાર રૂમમાં શાંતિ છવાઈ ગઈ. અભિષેકે પૂછયું કે, " તમને કેવો જીવનસાથી ગમે?"

લાવણીએ જવાબ આપતાં કહ્યું કે, "મને હરવું ફરવું બહુ ગમે છે, મારે મોડલિંગ પણ કરવું છે. મારા આ સપના પૂરાં કરે તેવો જીવનસાથી જોઈએ છે. બાકી રૂપ રંગ કરતાં મનનો સુંદર અને સાચો હોય તે જરૂરી છે. આવી મારી વિચારસરણી છે. શું મારી ઈચ્છા પૂરી કરી શકશો ખરા?"

અભિષેક ગુંચવાઈ ગયો છતાંય બોલ્યો કે, " મમ્મી પપ્પા મંજુરી આપે તો મને વાંધો નથી, તમારે કાંઈ પૂછવું છે?"

લાવણીએ ના પાડી તો અભિષેક બહાર આવી ગયો અને લાવણી એ રૂમમાં જ બેસી રહી અને વિચારવા લાગી કે,  'જરાય લાઈફ પાર્ટનર જોવા આવ્યા છે છતાંય મનમાં કોઈ જ ઉમંગ નહીં એ કેવું.... કદાચ અત્યાર સુધી માતા પિતાની જોડે રહ્યા છે, એટલે તેમના માટે લાગણી વધારે પડતી બોલી રહી છે. પરણશે એટલે તેમને પત્ની માટે પ્રેમ જાગી જશે.' છતાંય મનમાં ચાલતી અવઢવ સાથે તે બહાર આવી.

અભિષેકને પપ્પાએ પૂછતાં હા પાડી તો શારદાબેને બોલ્યા કે, "મારો દીકરો કયારેય મારી વાત ટાળતો જ નથી કે કોઈ ટાળે તો એને છોડતો નથી, કયારેય મને દુઃખી પણ નથી જોઈ શકતો. હમણાં જ એકવાર ની વાત છે... હું અને તે બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે એક ભિખારી મારી જોડે ભીખ માંગવામાં મને વારંવાર અડઅડ કર્યા કરતો હતો. મેં તેને ના ઘણી પાડી પણ તે છોકરો સમજે જ નહીં, એ જોઈને ત્યાં જ એણે એ છોકરાને મારી મારીને અધમૂવો કરી નાખ્યો હતો. બોલો મારો દીકરાને મારા માટે આટલી બધી કાળજી કરે છે."

ત્યાં જ તેની બહેન સૌમ્યા રૂઆબ છાંટતાં બોલી કે, "તમે નસીબદાર છો, ભાભી. મારા ભાઈએ તમને હા પાડી દીધી. તેના માટે કેટલાય પૈસાદાર ઘરના માંગા આવે છે. અને તમે જ વિચારી જુઓ ને જે પોતાની માં ને આટલી કેર કરે તે પત્નીને તો કેટલી સાચવશે. યુ આર સો લકી, ભાભી."

આવી વાતો સાંભળીને નાથાભાઈને ના ગમ્યું પણ અણગમો છૂપાવીને બોલ્યા કે, "રમેશભાઈ તમે એકવાર લાવણીને પૂછી લો અને તેનો મત પણ જાણી લો. તો પછી આગળ વિચાર કરીએ."

તેમને લાવણીને પૂછયું તો જવાબ શું ના સમજાતાં તે બોલી કે, "પપ્પા..."

લાવણીની મમ્મી તેને એક રૂમમાં જઈને તેની સામે જોયું તો, "મમ્મી તે તો મમ્મી પપ્પા આગળ બીજા કોઈને સમજતો જ નથી. તો પછી હા કેવી રીતે...."

મમ્મીએ સમજાવતા કહ્યું કે, "અત્યારે એવું જ લાગે, લગ્ન પછી બધું બદલાઈ જાય. આવો છોકરો પછી જલદી નહીં મળે."

બહાર આવીને તેમને હા પાડી, તો તરતજ રૂપિયો આપવાની વિધિ પતાવી દેવામાં આવી. જલ્દી સગાઈનું મુહુર્ત કઢાવીને તેઓ વિદાય થયા.

લાવણીના ઘરમાં લગ્નની ધમાલ ચાલી રહી હતી. ઘરમાં ઉપરની રૂમમાં લાવણીના બંને હાથોમાં આગળ અને પાછળ કોણી સુધી મહેંદી લાગી ગઈ હતી. તેની બધી ફ્રેન્ડ આવી ગઈ હતી સિવાય કે રાજવી. લાવણીએ રાજવી અને નિહાલને ખાસ આમંત્રણ આપેલું હતું.

તેઓ બધી ભેગી થઈને આવતી કાલની તૈયારી કરી રહી હતી. ત્યાં જ લાવણીના ભાભી તેમના માટે જયુસ મૂકી ગયા. બધી જ ફ્રેન્ડ ભાભીના ગયા પછી જીજાજી વિશે પૂછપરછ કરવા લાગી, જીજાજીનો ફોટો જોઈને તેમની ફિલ્મ ઉતારી રહી હતી,અને સાથે સાથે લાવણીની પણ. આવી મજાક મસ્તીનો દોર ચાલી રહ્યો હતો અને લાવણીના શરમના માર્યા ગાલ ગુલાબી થઈ ગયા હતા.

જયારે ઘરમાં નીચેના માળે જોરશોરથી તૈયારી ચાલી રહી હતી. ઘરમાં આમથી તેમ મહેમાનો ફરી રહ્યા હતા. કોઈ ઘરને સજાવી રહ્યા હતા તો કોઈ લાઈટિંગ લગાવનારને બૂમો પાડી રહ્યા હતા તો કોઈ બેઠક વ્યવસ્થા તો કોઈ ખુરશીઓ ફૂલોથી શણગારી રહ્યા હતા તો કોઈ દુલ્હનની ડોલીને.

બીજી બાજુ મહારાજ જાતજાતના પકવાનો બની રહ્યા હતા અને તેની ખુશ્બુ ચારે બાજુ ફેલાઈ રહી હતી.

સવારના પહોરમાં લાવણી લગ્નની વિધિ માટે તૈયાર થાય તે પહેલાં લાવણીની ભાભીએ આવીને કહ્યું કે, "લાવણીબેન ચાલો જલ્દી જલ્દી આ ગરમાગરમ નાસ્તો કરી લો. પછી વિધિમાં મોડું થશે અને વિધિ નહીં પતે ત્યાં સુધી કંઈજ ખવાશે પણ નહીં."

લાવણી બોલી કે, "ભાભી મને ભૂખ નથી."

તેમણે કહ્યું કે, "અત્યારે તો ભૂખ ના લાગે પણ ખાઈ લો."

આટલું બોલતાં જ તેમનો અવાજ ઢીલો થઈ ગયો.

રાજવીએ એકદમજ ત્યાં આવીને બોલી કે, "હું બધી ફ્રેન્ડ માટે નાસ્તો લઈને આવી છું, જો તું ના ખાય તો અમારાથી કેવી રીતે ખવાય. પાછો લઈ જાવ ભાભી."

લાવણી ખુશ થઈને વળગી પડી અને બોલી કે, "ફાઈનલી તું મોડેમોડે પણ આવી ખરી."

"પણ હું પાછી જાવ છું, ભૂખી હું નહીં રહી શકું." તે બોલી.

લાવણીએ કહ્યું કે, "રહેવા દો, અમે નાસ્તો કરી લઈએ છીએ, બસ.." લાવણીના ભાભી બધા માટે નાસ્તો મૂકીને તૈયાર થવા ચાલી ગયા.

અભિષેકના ઘરના લોકો પણ જાન લઈને આવી ગયા હતા. એકબાજુ એમને ચા-નાસ્તો કરાવવાનો ચાલી રહ્યો હતો. અને એકબાજુ વડીલો તેમની આવભગત કરી રહ્યા હતા. એમાં નિહાલ પણ લાવણીના ભાઈની મદદ કરી રહ્યો હતો, પછી વિધિઓ ચાલુ થઈ ગઈ.

અભિષેકે વ્હાઇટ શેરવાની પહેરી હતી અને તેમાં તે હેન્ડસમ અને સ્માર્ટ લાગી રહ્યો હતો. તેની આ કયુટનેસ જોઈને લાવણીના ફ્રેન્ડ અને રિલેટીવ તેના નસીબના વખાણ કરી રહ્યા હતા. એવામાં જ પંડિતજી એ સિંહાસન જેવી ખુરશી પર બેસાડીને મંત્રોચ્ચાર ચાલુ કર્યા.

થોડીજ વારમાં લાવણી આવી. એણે લાલ રંગનું પાનેતર પહેર્યું હતું એના ઉપર લાલ લીલી બાંધણી ભાતની જરીવાળી ચુંદડી પહેરેલી. તેણે ગળામાં સોનાનો ચોકર અને લાંબો હાર પહેરેલો હતો. હાથમાં સોનાના પાટલા અને તેના વચ્ચે લાલ અને સફેદ રંગની જરીવાળી બંગડીઓ પહેરી હતી. લાવણી ખૂબજ સુંદર લાગી રહી હતી.

લાવણીના માતા પિતાએ કન્યાદાન કર્યું અને અભિષેક અને લાવણીનો હસ્તમેળાપ થયો. વરમાળા પહેરાવવાની વિધિ, મંગળફેરાની વિધિ સંપન્ન થઈ. માયરામાં કંસાર પીરસાયો, વરકન્યા એ એકબીજાને કંસાર ખવડાવ્યો. પછી સૌભાગ્યવતી લાવણીના કાનમાં અખંડ સૌભાગ્યવતી કહેવા માટે બંને પક્ષની સૌભાગ્યવતી સ્ત્રીઓ ઊભી થઈ. લગ્ન સંપન્ન થયા પછી વર કન્યા વડીલોના આર્શીવાદ લેવા ઊભા થયા.

હવે વર કન્યા સહિત વર પક્ષના અને કન્યા પક્ષના સગાં જમવા બેઠા. કન્યા પક્ષના લોકો વર પક્ષને આગ્રહ કરીને જમાડી રહ્યા હતા.

આ બધી વિધિ જોઈને રાજવી મનમાં ને મનમાં જ વિચારી રહી કે, "શું કામ આવા વેવલાવેડા કરવા પડે? શું કામ આવી વિધિઓ માં પૈસા બગાડવાના? ભલેને લગ્ન થી સુખી થવાય પણ હું એવું બિલકુલ માનતી નથી. લગ્નથી તો જીવન બરબાદ થાય છે. અને હું તો આવામાં પડવા જ નથી માંગતી."

જયારે નિહાલના મનમાં, "મારે તો વનિતા જોડે જ લગ્ન કરવા છે. પણ શું મને વનિતા પસંદ કરશે?"

જયારે વનિતાના મનમાં તો દિવાસ્વપ્ન રચી રહ્યા હતા. વળી, પાછી સપનામાં થી બહાર આવી તો નિહાલને જોઈને મનમાં લડ્ડુ ફૂટી રહ્યા હતા કે, "કાશ મારી પણ આવી વિધિ થાય.. અને વરરાજા નિહાલ હોય તો.. કેવું સરસ જોડું બને અમારૂં. મને જો નિહાલનો સાથ મળે તો જીવન સફળ થઈ જાય. મને નિહાલ ગમે છે પણ વાત કેવી રીતે કરવી. નિહાલ કેવો સોહમણો, કયુટ અને હેન્ડસમ છે. પણ નિહાલ મને પસંદ કરે એવું કશું જ નથી મારામાં.... ના, ના મારી પાસે પણ ઘણા બધા ગુણો છે. રાજવીને વાત કરું.. મને તે મૂર્ખી ગણશે તો... અને એ તો એવું નહીં વિચારે ને કે મેં તેના જ ઘરમાં ધાડ પાડી. શું કરું?"

રાજવી જે વનિતા અને નિહાલને બંનેને મનમાંને મનમાં મલકાતાં કયારની જોઈ રહી હતી. વનિતાને તેણે કહ્યું કે, "એ વનિતા કયાં ખોવાઈ ગઈ? અને શું બોલે છે, તું કહે તો ભાઈને વાત કરું." રાજવી તો હસવા લાગી.

પણ વનિતા ચોરી પકડાઈ જતાં આશ્ચર્યથી તેની સામે જોઈ રહી અને બોલવા લાગી કે, "ના...ના, એવી કોઈ વાત નથી."

રાજવીએ ગંભીરતાથી બોલી કે, "તો પછી ઊભી ઊભી સપનાં કોના જોવે છે. ભલે મારે મેરેજ નથી કરવા પણ આવા સમયે મનની અંદર ઊઠતાં સપનાંઓ વિશે મને ખબર છે. અને આમ પણ આગ બંને બાજુ બરાબર લાગી છે. જો પેલી બાજુ ભાઈ પણ તને જ જોવે છે, સમજી."

બંનેની નજર મળતાં જ તેઓ શરમાઈ ગયા. અને રાજવીએ બંનેના સંબંધ પર પોતાની મંજુરી આપી દીધી અને પોતે મારેલું તીર નિશાના પર લાગ્યું તે જાણીને ખુશ થઈ ગઈ.

પાછી વિચારવા લાગી કે, "આ લોકો પ્રેમલગ્ન કરીને ખુશ રહી શકશે ખરા?.. મારે આમતો આમને સર્પોટ ના જ કરવો જોઈએ, પણ શું કરું.. મારા વ્હાલા ભાઈ માટે આટલું તો કરી જ શકું છું. વળી મારી ફ્રેન્ડ પણ ભાઈ જેવી ઠાવકી છે.. જોઈએ એ બંને પોતાના મનની વાત કયારે એકબીજાને કહે છે."

અહીં તો લાવણીની વિદાયનો સમય થઈ ગયો. લાવણી અને અભિષેક ગણેશ સ્થાપન કર્યા હતા ત્યાં પગે લાગ્યા. રમીલાબેને થાળીમાં કંકુ પલાળીને તૈયાર કર્યું. પહેલાં ઘરમાં ગણેશ સ્થાપના આગળ કંકુના થાપા કર્યા પછી ઘરના બહારની દિવાલે.

લાવણી બધાને વળગીને રડી રહી હતી. કન્યા પક્ષની બધાની આંખો ભીની હતી. લાવણીની બહેનપણીઓ એને ભેટીને ખૂબ રડી. રમીલાબેન પણ ધ્રુસકેને ધ્રુસકે રડી રહી હતી. આ બધું જોઈને રાજવીને ચીડ ચડી અને ગુસ્સો આવવા લાગ્યો એટલે તે ત્યાંથી જતી રહી. એનું મન ઘણું ખાટું થઈ ગયું હતું.

લાવણીને વિદાય કરીને અભિષેક, ઘરના લોકો પોતાના ઘરે લઈને આવ્યા. ઘરઆંગણે વર કન્યાને ઊભા રાખીને શારદાબેને તેમને પોંખવાની વિધિ કરી રહ્યા હતા અને બીજા બધા મજાક મસ્તી તેમની સાથે. લાવણીની નણંદે તેમનો દરવાજો રોકીને ઘરમાં પ્રવેશ કરવા માટે પહેલાં રૂપિયા માંગ્યા. અભિષેક પાસેથી એકવીસ હજાર લઈને ભાભીના કંકુ પગલાં કરાવીને પ્રવેશ કરાવ્યો. પછી વીંટીની રમતો રમાડી.

બધી વિધિ પત્યા પછી લાવણીની બહેનપણીઓ પોતાના ઘરે જવા નીકળી.

લાવણીની સાસરીમાં બધી જ વિધિ પતી ગઈ, પછી બંનેએ બધા જ વડીલોને પગે લાગીને આર્શીવાદ લીધા.

અભિષેક તેના મિત્રો સાથે ગપશપ કરવા બેસી ગયો. ઘરના બધાં જ પુરુષો ટોળે વળીને વાતો કરવા લાગ્યા અને વડીલ સ્ત્રીઓ બેસીને વાતે વળગી. નાના નાના ભૂલકાંઓ રમવા માટે આમથી તેમ દોડી રહ્યા હતા. નાની વહુઓ વડીલો માટે ચા-નાસ્તાની તૈયારી કરી અને બહેનો નોકરો જોડે રાખીને એમને સર્વ કરવા લાગી.

આ બધામાં એક લાવણી જ આખા ઘરમાં અજાણી વ્યક્તિને ખબર ના પડે કે શું કરવું, તેમ ઊભી રહી. તેની આંખમાં આસું ધસી આવ્યા પણ તે બહાર આવે તે પહેલાં લૂછી દીધા, પણ તેને રહી રહીને પિયરની યાદ આવી ગઈ.

લાવણીને ઊભેલી જોઈને તેની નણંદ સૌમ્યએ તેને પોતાની રૂમમાં લઈ જઈને બેસાડી. થોડી વારમાં તે ચા-નાસ્તો લઈને આવી અને કહ્યું કે, "ભાભી, ચા-નાસ્તો કરી લો અને પછી ફ્રેશ થઈ જાવ. હું હાલ મહેમાનોને ચા-નાસ્તો સર્વ કરવા જાઉં છું. કંઈ કામ હોય તો કહેજો."

આમ બોલીને તે જતી રહી. લાવણીના મનમાં અહીં એકલું એકલું લાગી રહ્યું હતું. જો અભિષેક અહીં હોત તો આવું ના થાત, પણ તે તો મિત્રો સાથે ગપશપ કરવામાં વ્યસ્ત હતો.

અભિષેકના ખાસ ચાર મિત્રો અને જીજાજી એ તેનો રૂમ સુંદર સજાવી દીધો હતો. દીવાલોને ચારે બાજુ બલૂનથી શણગારી દીધું હતું. જયારે પલંગ પર તો પહેલાં ચાદર તેની એક સાઈડ પર શેકેલા પાપડ પછી ફરીથી ચાદર પાથરી દીધી હતી. એ ચાદર પર હાર્ટ ગુલાબની પાંખડીઓથી બનાવ્યું. બે ઓશીકા ની વચ્ચે દેખાયના તેમ એક એલાર્મ ઘડિયાળ મૂકયું, જેમાં 12વાગ્યા નો ટાઈમ સેટ કર્યો. રૂમની સજાવટ પતાવીને તેઓ બહાર આવ્યા.

સૌમ્યા લાવણી જોડે આવી અને તેને પાનતેર બદલવાનું અને બીજા કપડાં પહેરવા કહ્યું. પછી તેને અભિષેકના રૂમમાં લઈ જઈને જયાં પાપડ નહોતા પાથર્યા તે જગ્યાએ પલંગ પર બેસાડી અને રૂમ બંધ કરીને દરવાજા આગળ ઊભી રહી. એ વખતે જ અભિષેકના મિત્રો અને જીજાજી તેની સાથે હસી મજાક કરતાં રૂમમાં મૂકવા આવ્યા.

સૌમ્યાએ અભિષેકને રોકી અને કહ્યું કે, "જો ભાઈ લાવણીનો ચહેરો જોવો હોય તો લાંચ આપવી પડશે મને, પછી જ અંદર જવાની પરમિશન મળશે."

અભિષેકનો એક મિત્રે કહ્યું કે, "આપી તો દીધી હતી, હવે ફરીથી.."

જીજાજીએ કહ્યું કે, "હા ભાઈ, આ બહેનોને જયારે ને ત્યારે લાંચ જ માંગતી હોય છે."

એટલામાં વિનય બોલ્યો કે, "જીજાજી તમારે તો જલસા જ છે. જે આવશે, તે મળશે પણ તમને જ ને."

જીજાજીએ આંખ મિચકારતા કહ્યું કે, "પણ.. અહીં તો મળતાં જ નથી. તું સિફારીશ કરે તો કદાચ મળી જાય."

વિનયને બધા હસવા લાગ્યા. વિનય બોલ્યો કે, "ભાઈ, એકલા સૌમ્યા દીદીને જ નહીં, સાથે સાથે મને પણ લાંચ આપવી પડશે."

અભિષેક જે કયારનો ઊભો હતો તે બોલ્યો કે, "આ શું કહેવાય, મને છોડો હવે કાંઈ ના મળે."

સૌમ્યા કંઈ બોલે તે પહેલાં જ જીજાજી બોલ્યા કે, "આપી દો સાળા સાહેબ, નહીં તો બહાર સૂઈ રહેવું પડશે, અને પરણ્યાની પહેલી રાતે જ વિરહ વેઠવો પડશે. વહુના મુખની જગ્યાએ ચાંદ અને તારાના મુખ જોવા પડશે."

વિનય બોલ્યો કે, "હા ભાઈ, આપી દો હવે તો જીજાજીએ પણ કહી દીધું છે."

અભિષેકે તેમને રૂપિયા આપ્યા અને રૂમમાં આવ્યો.

આ બધી જ વાતચીત લાવણીને સાંભળી રહી હતી અને તેનું દિલની ધડકન પણ ઝડપથી ચાલી રહી હતી.

અભિષેકને આવતા જોઈને લાવણી શરમાઈને સંકોચાઈ ગઈ.

એવામાં જ એલાર્મનો અવાજ જોશ જોશથી આવવા લાગ્યો. બંને જણા એલાર્મ શોધવા લાગ્યા. ઓશીકાની વચ્ચેથી અવાજ આવતો લાગતાં જેવો અભિષેક બંધ કરવા માટે, એ ઘડિયાળ લેવા માટે જેવો પલંગ પર બેઠો ત્યાં જ પાપડનો તૂટવાનો તડ..તડ... અવાજ આવ્યો. અને સાથે સાથે બહારથી જોરજોરથી હસવાનો અવાજ આવ્યો.

બધા જ રૂમ ખોલીને આવ્યા પહેલાં તો અભિષેક અને લાવણી શરમાઈ ગયા, પછી તે પણ તેમની સાથે હસવામાં જોઈન્ટ થઈ ગયા. થોડીવાર પછી બંનેને એકલા મૂકી અને બેસ્ટ ઓફ લક કહીને બધા બહાર નીકળ્યા. 'બેસ્ટ ઓફ લક' સાંભળીને લાવણી વધારે શરમાઈ ગઈ. એક બાજુ પોતાના પતિ સાથે વાર્તાલાપ અને મીઠી મીઠી ગોષ્ઠી કરવા માટે તેનું મન થનગનવા લાગ્યું.

તેણે અભિષેક સામે જોયું તો તે આ બધું સાંભળીને નિર્લેપ હોય તેમ લાગ્યું. તેને આશ્ચર્ય તો થયું પણ સંકોચવશ કંઈ બોલી નહીં.

અભિષેકે તેને કહ્યું કે, "જો તું અહીં આરામથી સૂઈ જા. હું મમ્મીના રૂમમાં સૂવા જઉં છું."

લાવણીને વધારે નવાઈ લાગી અને આંખો માં પાણી પણ આવી ગયા, છતાંય હિંમત કરીને પૂછ્યું કે, "પણ કેમ?.. મારાથી શું ભૂલ થઈ ગઈ?"

અભિષેકે કહ્યું કે, "કાંઈ ભૂલ નથી થઈ, પણ મમ્મીએ કહ્યું છે એટલું કરવાનું જ એ નક્કી છે. સમજી"

આટલું બોલીને તે ઓશીકું અને રજાઈ લઈને રૂમની બહાર નીકળી ગયો. લાવણી રડી રડી રહી હતી, અને આખી રાત તેણે રોતા રોતા જ કાઢી નાખી.

સૌમ્યા જયારે લાવણીને ઉઠાડવા આવી ત્યારે તેની આંખો સુઝેલી જોઈને તે બધું જ સમજી ગઈ. તેને લાવણી માટે દુઃખ થયું, પણ તે કશું જ કરી શકે તેમ નહોતી. કંઈપણ બોલ્યા વગર તે તેની મમ્મીના રૂમમાં ગઈ અને પૂછ્યું કે, "આ શું છે, મમ્મી? અભિષેકના લગ્ન થઈ ગયા છે."

અભિષેકને કહે કે, "તું અહીં શું કામ રાતના સૂઈ ગયો? તારી પત્ની રૂમમાં આખી રાત રડતી રહી તેની ખબર છે ખરી? તે તારી જવાબદારી છે, બીજાની નહીં સમજ્યો."

છેલ્લું વાક્ય બોલતા તેણે શારદાબેનની સામે જોયું.

શારદાબેને ઉપરાણું લેતાં બોલ્યા કે, "શું કામ ના સૂઈ શકે! તે મારો દીકરો છે. મારી તબિયત નહોતી સારી એટલે મેં જ તેને સૂવાનું કહ્યું હતું."

સૌમ્યાએ ગુસ્સામાં બોલી કે, "એવું હતું તો મમ્મી મને કહેવું હતું ને. હું સૂઈ જાત તારી જોડે. પણ ભાઈની તો... અરે ભાભીની પહેલી રાત હતી આ ઘરમાં.. એને રૂમમાં એકલી કેવી રીતે મૂકાય. અમે બધા અહીં જ હતા ને. તારું આવું વર્તન જ અભિષેકનું ઘર તોડવીશ. મમ્મી તારે આવનારી વહુનો વિચાર તો કરવો હતો. અને આવું જ મારી જોડે થયું હોત તો..."

શારદાબેને કહ્યું કે, "આમાં આટલી બૂમાબૂમ કેમ કરે છે. એક રાતની તો વાત છે. મારા દીકરાને તું કેમ બોલે છે? હું બેઠી છું, જે હશે તે હું કહીશ."

સૌમ્યા બોલી કે, "એક રાતની વાત નથી. લાવણીની આખી જિંદગીના વાત છે. તમારા બંનેની સ્વાર્થી વૃત્તિની વાત છે. ખાસ કરીને મમ્મી તારી"

અવાજ સાંભળીને સૌમ્યાનો પતિ નયન ત્યાં આવી ગયો અને અભિષેકને પોતાની સાસુના રૂમમાં જોઈ અને સૌમ્યાના આંખમાં આસું જોઈને તે સમજી ગયો.

નયન ગુસ્સે થઈને બોલવા જતો હતો ત્યાં જ સૌમ્યા હાથ પકડીને નયનને રૂમની બહાર લઈ ગઈ. પોતાની રૂમમાં જઈને નયને કહ્યું કે, "સૌમ્યા હું અહીં મારી જાતને મેનેજ કરી લઈશ, પણ તું લાવણી જોડે જા. એ છોકરી સૌથી વધારે મૂંઝાતી હશે. આપણી ફરજ છે તેને સાચવવાની.."

સૌમ્યા તરતજ લાવણી જોડે ગઈ.