તારી એક ઝલક - ૨૦ Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી એક ઝલક - ૨૦




વહેલી સવારે તેજસ અને જાદવ સ્ટોક વેલિંગ્ટન નામની જગ્યાએ વિલ્સનને મળવાં નીકળી ગયાં. સ્ટોક ન્યુનિંગ્ટન એક વિલેજલીક રહેણાંક વિસ્તાર છે જેમાં ઇન્ડી શોપ્સ, હિપ ગ્લોબલ ભોજનશાળાઓ, છટાદાર કાફે અને સ્ટોક ન્યૂનિંગ્ટન ચર્ચ સ્ટ્રીટ પર બાર છે. વ્યસ્ત હાઇ સ્ટ્રીટ સ્થાનિક સ્ટોર્સ, કબાબ હાઉસ અને પરંપરાગત પબનું ઘર છે, જ્યારે પાંદડાવાળા ક્લિસોલ્ડ પાર્કમાં તળાવો, એક સ્કેટપાર્ક, એક મોટો પેડલિંગ પૂલ અને હરણ અને બકરીઓ સાથેનો પ્રાણીનો ઘેરો છે.
તેજસ અને જાદવ એક કાફેમાં આવીને બેઠાં. થોડીવારમાં એક બ્લેક લોંગ સૂટમાં સજ્જ વ્યક્તિ ત્યાં આવ્યો. એણે તેજસ પાસે આવીને પૂછ્યું, "આર યૂ તેજસ?"
તેજસે હકારમા ડોક હલાવી એટલે એ વ્યક્તિ તેજસની સામે પડેલી ખુરશીમાં બેસી ગયો. એણે ત્રણ કપ કોફી મંગાવી અને તેજસની સામે જોઈને કહ્યું, "તો મીટિંગ શરૂ કરીએ." તેજસ અને જાદવને નવાઈ લાગી કે વિલ્સન ગુજરાતી બોલતો હતો. એ બંનેને હેરાન જોઈને વિલ્સને કહ્યું, "મને ગુજરાતી આવડે છે. તમને જોતાં લાગ્યું કે તમે અહીંના નથી એટલે મને થયું કે ગુજરાતીમાં જ વાતચીત કરીએ." વિલ્સન જે રીતે ગુજરાતી બોલતો હતો એ જોઈને જાદવને આવી પરિસ્થિતિમાં પણ હસવું આવી ગયું. વિલ્સન એક એક શબ્દ પર ભાર આપી આપીને બોલતો હતો. જાણે કોઈએ અંદરથી એની જીભ પકડી રાખી હોય.
તેજસે જાદવ સામે જોઈને એને ચુપ રહેવા ઈશારો કર્યો. પછી વિલ્સન સામે જોઈને કહ્યું, "મેં સાંભળ્યું છે કે કાલે મિસ્ટર તિવારી સાથે મેં જે ડીલ સાઈન કરી એ મારી પહેલાં તમે કરવાનાં હતાં પણ કરી નાં શક્યાં. એ પાછળનું કારણ જાણી શકું?"
"મને એ ડીલ સાઈન નાં કરવાં માટે કહેવામાં આવ્યું હતું. જો હું એ ડીલ સાઈન કરી દેત તો મારો જીવ જોખમમાં હતો." વિલ્સનના ચહેરાં પર ડરના ભાવ આવી ગયાં.
"જીવ જોખમમાં હતો મતલબ? કોણ તમારાં જીવનો દુશ્મન બની બેઠું છે?" તેજસે પૂછ્યું.
"જેની સાથે તે ડીલ સાઈન કરી એનો જ બોસ મિસ્ટર માર્ક!" વિલ્સને કહ્યું.
"હું તમને એ ડીલ પણ અપાવી શકું એમ છું અને તમને પણ કંઈ નહીં થાય. પણ મારે બદલામાં કંઈક જોઈએ છે." તેજસે ગંભીર અવાજે કહ્યું.
તેજસે વિલ્સનને એ ડીલના નુકશાન અંગે જણાવવાનું હતું. જ્યારે તેજસ ખુદ એને ડીલ અપાવવા માંગતો હતો. એ સાંભળીને જાદવની કંઈ સમજમાં નાં આવ્યું. એણે એક વખત પ્રશ્નાર્થ સૂચક નજરે તેજસ સામે જોયું પણ ખરાં! પણ તેજસે આંખના ઈશારે જ એને ચુપ રહેવા જણાવી દીધું.
તેજસની વાત વિલ્સનને તો મધ જેવી મીઠી લાગી હતી. એને તો એ ડીલ પહેલેથી જ જોઈતી હતી. પણ એ સમયે જીવને જોખમ હોવાથી વિલ્સને ડીલને બદલે જીવ બચાવવાનું ઉચિત સમજ્યું હતું. તેજસ હવે આ ખેલના બધાં પાસાં ધીરે-ધીરે સમજવાં લાગ્યો હતો. જેનાં લીધે એણે ચીઠ્ઠીમાં લખ્યું હતું એ મુજબ નાં કરીને એનું ઉલટું જ કર્યું હતું. વિલ્સને તરત જ હાથમાં આવેલી તક ઝડપી લેતાં કહ્યું, "મને તારી વાત મંજૂર છે. જો તું મને એ ડીલ અપાવી શકતો હોય તો હું તને તું જે માંગે એ આપવા તૈયાર છું."
"પહેલાં મારે શું જોઈએ છે? એ તો જાણી લો." તેજસે કોફીનો એક ઘૂંટ ભરતાં કહ્યું.
"તું બસ કાલે સવારે આ જ જગ્યાએ ડીલના પેપર્સ લઈને આવી જા. મને એ ડીલ મળતાં જ તને જે જોઈએ છે એ તને મળી જાશે." વિલ્સન ખુશીનો માર્યો તેજસને શું જોઇએ છે? એ જાણ્યાં વગર જ જતો રહ્યો.
વિલ્સનના જતાં જ તેજસના ચહેરાં પર સ્મિત આવી ગયું. એને એનું કામ સરળ થતું નજર આવી રહ્યું હતું. અહીં આવ્યાં પછી પણ એની સમજમાં કંઈ આવ્યું ન હતું કે એને અહીં મોકલવામાં શાં માટે આવ્યો છે? પણ કાલે રાતે જ્યારે એણે જે ડીલ સાઈન કરી. એનાં વિશે માહિતી મેળવી. ત્યારે એને બધું સમજાઈ ગયું. તેજસને જે ડીલ મળી. એ ખરેખર મિસ્ટર માર્ક વિલ્સનને જ આપવા માંગતા હતાં. પણ જ્યારે એમણે તેજસનુ નામ સાંભળ્યું. ત્યારે એમણે એમનો વિચાર બદલી નાંખ્યો. જેનાં લીધે ડીલ તેજસને મળી ગઈ. તેજસે પોતાની રીતે આગળની ચાલ તો ચાલી લીધી હતી. પણ એ હજુ સુધી માર્ક અને વિલ્સન વચ્ચેનો સંબંધ અને એમનાં સ્વભાવથી પરિચિત ન હતો.

આજે ઝલક એનાં ભાઈ કેયુર સાથે કોલેજે આવી હતી. અચાનક આટલાં દિવસો પછી કેયુરને કોલેજમાં જોઈને બધાંને એક ઝટકો લાગ્યો હતો. કેયુર સાથે જે થયું એ પછી એ આ કોલેજમાં પરત ફરશે. એવી ઉમ્મીદ લગભગ બધાંએ છોડી જ દીધી હતી. કારણ કે કેયુર એકદમ શાંત અને સરળ સ્વભાવનો છોકરો હતો. એનાં મનમાં જરાં પણ કપટ ન હતું. એવાં માણસ સાથે કોઈ ખોટું કરે તો એનું અંદરથી તૂટી જવું સ્વાભાવિક છે.
કોલેજમાં હજું સુધી કોઈને ખબર ન હતી કે બીબીએમાં માર્કેટિંગ મેનેજમેન્ટનો વિષય લેતી ઝલક કેયુરની બહેન છે. લેક્ચરનો સમય થતાં જ ઝલક કેયુર સાથે ક્લાસરૂમમાં આવી. અહીં જ્યારે મોનાલીસાએ કેયુરને જોયો ત્યારે એનાં તો હોંશ જ ઉડી ગયાં.
ઝલકે કેયુરને પોતાની પાસે ઉભો રાખીને કહ્યું, "આજ સુધી તમને એક વાતની ખબર ન હતી કે કેયુર મારો ભાઈ છે. એની સાથે કોલેજમાં એક બનાવ બનેલો. જેનાં લીધે એ કોલેજે નાં આવતો. એટલે મેં કોઈને આ વાત જણાવી ન હતી."
ઝલક પાસેથી આટલું સાંભળ્યાં પછી તો મોનાલીસાનુ ક્લાસમાં રહેવું મુશ્કેલ થઈ ગયું. એ અચાનક જ પોતાની જગ્યાએથી ઉભી થઈને બહાર જવાં લાગી તો એની બાજુમાં બેસેલી શ્વેતાએ એનો હાથ પકડીને એને ફરી બેસાડી દીધી. આ દ્રશ્ય જોયાં પછી ઝલક એટલું તો સમજી ગઈ હતી કે શ્વેતા કેયુર સાથે કોલેજમાં જે થયું એ બધું જાણતી હતી. છતાંય એ દિવસે ઝલકના પૂછવા પર એણે ઝલકને કંઈ કહ્યું ન હતું.
કેયુર ઘણાં સમય પછી કોલેજે આવ્યો હતો. એનાં જે મિત્રો હતાં એ એને જોઈને ખુશ હતાં. કેયુર જઈને એનાં મિત્રો પાસે બેસી ગયો. કેયુર ઉપર મોનાલીસાએ ખોટો આરોપ લગાવ્યો. ત્યારે કેયુરના મિત્રો હાજર ન હતાં. એટલે એ લોકોને કંઈ ખબર ન હતી. રામજીકાકાએ જ્યારે કેયુરની તબિયત ખરાબ થઈ ગઈ. ત્યારે એનાં મિત્રોને પૂછ્યું હતું. પણ એ લોકો એ ઘટનાથી અવગત ન હોવાથી રામજીકાકા કંઈ જાણી નાં શક્યાં. પરિણામે ઝલકે જ અમદાવાદ આવવું પડ્યું.
મોનાલિસાએ ઝલકનો લેક્ચર માંડ કરીને અટેન્ડ કર્યો. વારંવાર એક તીરની માફક મોનાલિસા પર ફરી વળતી ઝલકની નજરથી મોનાલિસા નાં તો કંઈ બોલી શકી કે નાં તો ક્લાસની બહાર જઈ શકી. ઝલક જ્યારે લેક્ચર પૂરો કરીને બહાર નીકળી. ત્યારે મોનાલિસાને કંઈક શાંતિ થઈ.
ઝલકના જતાંની સાથે જ શ્વેતાએ મોનાલિસાને કહ્યું, "આજે કેયુર કોલેજમાં આવી ગયો. ઝલક એની બહેન છે અને એ દિવસે એ કેયુર વિશે બધું જાણતી હોવાં છતાં અમને પૂછતી હતી કે કેયુર શાં માટે કોલેજે નથી આવતો. મતલબ નક્કી કંઈક તો ગરબડ છે."
"ગરબડ છે તો એનાં વિશે જાણકારી મેળવો. જે કિસ્સો ખતમ થઈ ગયો છે. એ ફરી બધાંની સામે નાં આવવો જોઈએ." મોનાલિસાએ સખ્ત અવાજે કહ્યું.
"મોના! અમારાથી એક ગરબડ થઈ ગઈ છે." શ્વેતાએ ડર મિશ્રિત અવાજે કહ્યું.
"કેવી ગરબડ?" મોનાલિસાના ચહેરાં પર ચિંતાની લકીરો ફરી વળી.
"ઝલકે જ્યારે અમને કેયુર વિશે પૂછ્યું. ત્યારે અમે એને માનવને મળવાં માટે કહ્યું હતું. માનવ પણ એ દિવસે આપણી સાથે હતો. ક્યાંક એણે ઝલકને બધું કહી દીધું હશે તો?"
"એ એવું નાં કરી શકે. મેં એની પાસે એ દિવસ માટે માફી માંગી લીધી હતી અને ફરી ક્યારેય એવું નહીં કરું એમ જણાવી પણ દીધું હતું." મોનાલિસાએ માનવ પરનો વિશ્વાસ બતાવતાં કહ્યું.
મોનાલિસાનો જવાબ સાંભળીને શ્વેતા ચુપ થઈ ગઈ એટલે મોનાલિસા મનોમન જ વિચારવા લાગી, "માનવ તો ઝલકને કંઈ નહીં જણાવે. પણ કાલે જેમ કોલેજના અમુક સ્ટુડન્ટ્સે મારાં પપ્પાને મારી હકીકત જણાવી દીધી. એમ એ લોકોએ ઝલકને પણ જણાવી દીધું તો?"
મોનાલિસાના વિચારો વચ્ચે જ બીજાં લેક્ચરનો બેલ વાગ્યો અને બીજાં પ્રોફેસર ક્લાસમાં આવ્યાં. બધાંએ લેક્ચરમાં ધ્યાન આપ્યું. પણ આજે મોનાલિસાનુ ધ્યાન લેક્ચરમાંથી હટીને ઝલક અને કેયુર ઉપર હતું. કેયુર મોનાલિસાનો પરેશાન ચહેરો જોઈને ખુશ થઈ રહ્યો હતો.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"