A glimpse of you - 9 books and stories free download online pdf in Gujarati

તારી એક ઝલક - ૯

તારી એક ઝલક

જીવદયાબેન આવીને તેજસને ઘણું બધું કહી ગયાં. પણ તેજસની સમજમાં ખાસ કંઈ આવ્યું નહીં.

ભાગ-૯


રાત્રે તેજસને મોડાં સુધી ઉંઘ નાં આવવાથી તેજસ મોડો ઉઠ્યો. બધાં નીચે નાસ્તાના ટેબલ પર નાસ્તો કરતાં હતાં. તેજસ થોડીવાર સીડી પાસે ઉભો રહીને બધાં પાસે ગયો.

"આવ બેટા, નાસ્તો કરી લે."

તેજસ નાસ્તો કરવા ખુરશી પર બેઠો. જીવદયાબેન સિવાય જગજીવનભાઈ અને તન્વી બંનેને આશ્ચર્ય થયું. જ્યારે રાતે‌ તેજસનો જગજીવનભાઈ સાથે ઝઘડો થયો હોય. ત્યારે તેજસ મોટાં ભાગે નાસ્તો કરવા આવતો જ નહીં. જ્યારે આજે એ એકવાર માં જ નાસ્તો કરવા બેસી ગયો.

"મમ્મી, હવે મોડું થાય છે. હું નીકળું છું."

ઘડિયાળ તરફ એક નજર કરીને જ તન્વી એક હાથમાં સફરજન અને એક હાથમાં બેગ લઈને ઊભી થઈ ગઈ. જગજીવનભાઈ પણ નાસ્તો પૂરો કરીને બહાર જતાં રહ્યાં. હવે આશ્ચર્યચકિત થવાનો વારો તેજસનો હતો. આટલાં વર્ષોમાં જગજીવનભાઈ પહેલીવાર તેજસ પોતાની સામે હોવાં છતાં પોતાનાં સવાલોનાં જવાબ લીધાં વગર જ જતા રહ્યાં હતાં.

"મમ્મી, આ મારાં પપ્પા જ હતાં ને!!"

"તો તને શું લાગ્યું??"

"વીજળી તો‌ થઈ, પણ તેનો અવાજ નાં આવ્યો, એવું લાગ્યું મને તો!!"

તેજસની વાત સાંભળી જીવદયાબેન જોરજોરથી હસવા લાગ્યાં. તેજસ પણ તેમને હસતાં જોઈને હસવા લાગ્યો. આજે ઘરમાં ઘણું બધું એવું બની રહ્યું હતું. જે પહેલાં ક્યારેય નહોતું બન્યું. પહેલાં જગજીવનભાઈ કાંઈ પણ બોલ્યાં વગર જતાં રહ્યાં. તેજસ ઘણાં સમય પછી મજાકના મૂડમાં હતો. જીવદયાબેન ઘણાં સમય પછી ખુલીને હસી રહ્યાં હતાં. બધું જોતાં લાગતું હતું, કે વર્ષોથી એક જ દિશામાં દોડતું ઘર, આજે એક અલગ દિશા પકડી રહ્યું હતું. જે દિશા આ ઘરમાં ઘણાં બદલાવો લાવવાની હતી.

તેજસને અચાનક જીગ્નેશના શબ્દો યાદ આવતાં તે તરત જ ઉભો થઈને, પોતાની બાઈક લઈને જીન પ્લોટના કામધેનું આઈસ્ક્રીમ પાર્લર તરફ જવા નીકળી પડ્યો. જીગ્નેશે વહેલી સવારે જ તેજસને ત્યાં આવવાનો મેસેજ કરી દીધો હતો. સમય તો દશ વાગ્યે પહોંચી જવાનો હતો. પણ તેજસને પહોંચતા સાડા દશ થઈ ગયાં.

આઈસ્ક્રીમ પાર્લર પર પહોંચીને તેજસ બાઈક સ્ટેન્ડ પર લગાવીને અંદર ગયો. તેજસને જોઈને અર્પિતા અને જીગ્નેશ તેજસ તરફ તે જાણે કોઈનું મર્ડર કરીને આવ્યો હોય. એમ જોવાં લાગ્યાં.

"અરે તમે લોકો આમ શું જુઓ છો??

"તું બરાબર ત્રીસ મિનિટ મોડો પડ્યો છે. તો આ રીતે નાં જોઈએ, તો શું તારી આરતી ઉતારીએ!!"

"અરે પણ અર્પિતા માત્ર ત્રીસ મિનિટ જ મોડું થયું છે. એમાં શું મારો જીવ લઈને રહીશ!!"

"હવે જલ્દી ચર્ચા શરૂ કરીએ. પછી મારે એક જરૂરી કામ છે."

"હાં, બોલ અર્પિતા, મારું શું કામ હતું??"

" ઝલક વિશે કાંઈ જાણ્યું??"

"કાંઈ ખાસ જાણવાં નથી મળ્યું. પણ હાં તે કોઈ જાસૂસ નથી."

"યાર, આ છોકરીનું તો મને કાંઈ સમજાતું નથી. થોડીવાર થાય તો કહે જાસૂસ છે, વળી પછી કહે જાસૂસ નથી."

"જીગ્નેશ, તું ચિંતા નાં કર. હું તેનાં વિશે બધું જાણી લઈશ. એવાં કામ કેવી રીતે કરવાં?? એ મને સારી રીતે ખબર છે." તેજસ જે રીતે બોલ્યો. એ પરથી જીગ્નેશ સમજી ગયો, કે‌ તેજસે જરૂર કંઈક વિચારી રાખ્યું છે. જીગ્નેશ તેજસ સામે જોઈને હસવા લાગ્યો.

"તું જે કરે તે!! પણ ઝલકનુ ધ્યાન રાખવાનું કામ આજથી તારું છે. એ જરૂર અહીં કોઈ મોટાં મકસદ સાથે આવી છે. તો તેને‌ તેની મંઝિલ સુધી તારે જ પહોંચાડવાની છે."

"હાં, મારી મોટી બહેન!! હું તેનું પૂરું ધ્યાન રાખીશ. હવે મારે કામ છે, તો હું જાવ છું." તેજસ હસતો હસતો આઈસ્ક્રીમ પાર્લરની બહાર નીકળી ગયો.

જીગ્નેશને‌ કામ હોવાથી તે પણ બાઈક લઈને જતો રહ્યો. અર્પિતા હજું પણ વિચાર કરતી ત્યાં જ બેસી રહી. તેજસ સાથે ઝલક સુરક્ષિત હતી. એ વાત તો‌ અર્પિતા જાણતી હતી. પણ ઝલક શું કરવાં માંગતી હતી?? એ અર્પિતા જાણતી નહોતી.

"મેમ, તમારાં માટે શું લાવું??"

આઈસ્ક્રીમ પાર્લરના માલિકે અર્પિતાના વિચારોમાં ખલેલ પહોંચાડયો. અર્પિતાને કાંઈ ખાવાની ઈચ્છા નહોતી. થોડીવાર વિચાર્યા પછી અર્પિતાએ આઈસ્ક્રીમ પાર્લરના માલિક સામે જોયું.

"બે રોઝ ફાલુદા આપી દો." અર્પિતા કાંઈ કહે એ પહેલાં જ કોઈએ આવીને ઓર્ડર આપ્યો. એ ઝલક હતી. ઝલકને ત્યાં જોઈને અર્પિતાને નવાઈ લાગી.

"કાંઈ ઓર્ડર કરવું જ નહોતું. તો અહીં શાં માટે આવી હતી??" ઝલક આઈસ્ક્રીમ પાર્લરમા રાખેલાં બ્રાઉન કલરનાં સોફા પર બેસીને બોલી.

"પહેલાં તું અત્યારે અહીં શું કરે છે?? એ મને જણાવ."

"હું એમ જ ફરવા માટે નીકળી હતી. એટલામાં આઈસ્ક્રીમ પાર્લર જોઈ ગઈ. તો અહીં આવી પહોંચી."

"લ્યો મેમ, તમારું રોઝ ફાલુદા!!"

ઝલક અર્પિતાને કાંઈ પૂછે એ પહેલાં જ રોઝ ફાલુદા આવી ગયું. એટલે બંને એ ખાવામાં વ્યસ્ત થઈ ગયાં. અર્પિતાની ઈચ્છા નાં હોવાં છતાં એ નીચું મોં કરીને ફાલુદાના ગ્લાસમાં ચમચી હલાવતી હલાવતી ફાલુદા ખાવાં લાગી. જેથી પોતાને ઝલકના કોઈ સવાલના જવાબ આપવા નાં પડે. કારણ, પોતે અહીં તેજસને મળવાં આવી હતી. એ વાત ઝલકને કહેવી યોગ્ય નહોતી.

ઝલકે પાંચ જ મિનિટમાં ફાલુદાનો ગ્લાસ પૂરો કરી દીધો. પછી અચાનક જ પોતાને કંઈક યાદ આવ્યું હોય. એ રીતે ઉભી થઈ ગઈ. અર્પિતા પણ કાંઈ બોલ્યાં વગર ઉભી થઈને ફાલુદાના રૂપિયા ચૂકવીને આઈસ્ક્રીમ પાર્લરની બહાર નીકળી ગઈ.

"તું હવે ઘરે જા. હું થોડીવાર પછી આવતી રહીશ."

અર્પિતાને ઝલક ક્યાં જાય છે?? એ જાણવાની ઈચ્છા હતી. પણ ઝલક પોતાને જ કંઈક પૂછી લેશે તો?? એવાં વિચારથી અર્પિતા માત્ર ડોકું હલાવીને ઘર તરફ ચાલવા લાગી.

જીવદયાબેન પોતાનાં રૂમમાં ગુમસુમ બેઠાં હતાં. ક્યારેક ખુશ તો‌ ક્યારેક હતાશ એવાં ચહેરાનાં હાવભાવ પરથી પોતે કંઈક જૂની યાદો વાગોળી રહ્યાં હોય, એવું લાગતું હતું. અચાનક જ કોઈ સારો પ્રસંગ યાદ આવ્યો હોય, એમ ઉભાં થઈને તેમણે કબાટમાંથી એક જૂનો ફોટો કાઢ્યો. એ ફોટામાં ગુલાબી રંગનું ફ્રોક પહેરેલી પાંચ વર્ષની બાળકી હતી. તેનો ચહેરો એકદમ ખીલેલો અને ચહેરા પર માસૂમિયતથી ભરેલી મુસ્કાન હતી.

જીવદયાબેન એ ફોટાને છાતી સરસો ચાંપીને, બેડ પર રહેલાં તકીયાને ટેકો દઈ, આંખો બંધ કરીને બેસી ગયાં.

"આંટી, મને આ ફ્રોક લઈ આપો‌ ને!! મમ્મી નથી લઈ આપતી."

"તારી મમ્મી તો‌ છે જ એવી!! ચાલ હું તને લઈ આપું."

ફ્રોક મળતાં જ એ બાળકી ખુશખુશાલ થઈ ગઈ. એણે તરત જ ફ્રોક પહેરી લીધું. ફ્રોકનો ઘેર એટલો સરસ હતો, કે એ બાળકી વારંવાર ફુદરડી ફર્યા કરતી હતી.

"બસ કર હવે, નહીંતર પડી જઈશ."

"અરે અંજના, તારે તો આવું જ હોય. છોકરી કેટલી ખુશ છે. તેને બહું ટોક ટોક નાં કરતી હોય તો!!"

"સારું લ્યો. હવે મારે તો એટલું પણ નથી કહેવાતું!!"

"મારી પેલી ફાઈલ ક્યાં ગઈ?"

જગજીવનભાઈના અવાજથી જીવદયાબેન જૂની યાદોમાંથી વર્તમાન સમયમાં પહોંચી ગયાં. જગજીવનભાઈ કોઈ ફાઈલને શોધવાં કબાટની વસ્તુઓ ફંફોસી રહ્યા હતાં.

"તમે તો બધું ઉથલપાથલ કરી મૂક્યું. કંઈ ફાઈલ જોતી છે?? બોલો!! હું શોધી આપું."

"પેલી અનિકેતભાઈ સાથે હમણાં મિટિંગ કરી હતી. એ ફાઈલ જોતી છે."

"આ લ્યો. આ રહી તમારી ફાઈલ!!"

કબાટમાં સાડીઓની પાછળ આવેલાં નાનાં એવાં લોકરમાંથી જીવદયાબેને 'એ.કે. પ્રાઈવેટ લિમિટેડ' લખેલી ફાઈલ આપી. જગજીવનભાઈ ફાઈલ લઈને, હળવું સ્મિત કરીને જતાં રહ્યાં. જગજીવનભાઈના ગયાં પછી જીવદયાબેને એ ફોટાને ફરી કબાટમાં મૂકી દીધો.

તન્વી પોતાની કેબિનમાં ગુમસુમ બેઠી હતી. દર વખતે જગજીવનભાઈ તેજસને સવાલો કર્યા કરતાં. એ વાતથી તન્વીને તકલીફ થતી. પણ આજે જગજીવનભાઈએ કોઈ સવાલ જ નાં કર્યા. એ વાતે તન્વી પરેશાન હતી.

"આજે કોઈકે મૌન વ્રત રાખ્યું લાગે છે!!"

"હાં, એવું જ કંઈક!!"

"આ મૌન પાછળનું કારણ મને ખબર છે. પણ કાંઈ તું આમ વિચાર્યા કરીશ, તો એનું નિવારણ નહીં આવી જાય."

"હાં, પણ વર્ષોથી જોતી આવું છું. પપ્પા તેનાં સવાલોનાં જવાબ મેળવવા કાંઈ પણ કરી શકે છે. હવે એ ઝલક સાથે કાંઈ નાં કરે તો સારું, એ વાતનો જ ડર મને સતાવે છે."

"કાંઈ નહીં થાય, ચિંતા નાં કર."

કૃણાલ તન્વીના હાથ પર હાથ મૂકીને બેસી ગયો. તન્વી માત્ર કૃણાલ સામે જોઈ રહી. બંનેની આંખો મળી, અનેક વિચારો મનમાં ઉદભવ્યા, પણ વાતો માત્ર આંખોએ જ કરી. બાકી હોઠ પર તો મૌન જ રહ્યું.

"જો બેટા, તું તેજસ સાથે બહાર જાય. એનાથી મને કોઈ વાંધો નથી. તેજસ બહું સારો છોકરો‌ છે. તેને તેનાં પપ્પા સાથે ક્યારેય મેળ પડ્યો નથી. તેજસે જીવનમાં ઘણું વેઠ્યું છે. તો તારાં લીધે એ કોઈ મુસીબતમાં નાં પડે. એ વાતનું ધ્યાન તારે જ રાખવું જોશે."

"હાં, આસુતોષ અંકલ, તેજસ ને ક્યારેય કાંઈ નહીં થાય. તમે આ બધું કોનાં કહેવાથી મને જણાવો છો. એ વાતની પણ મને ખબર છે. એટલે એમને કહી દેજો કોઈ જાતની ચિંતા નાં કરે."

ઝલક પહેલેથી બધું જાણતી હતી. એ વાત આસુતોષભાઈ માટે થોડી નવાઈ પમાડે એવી હતી. તોય એ ઝલક સામે કાંઈ નાં બોલ્યાં.





(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED