તારી એક ઝલક - 1 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી એક ઝલક - 1

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ, ગામડાની પ્રેમકહાની અને અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન નામની ત્રણ નવલકથાઓ પૂર્ણ કર્યા બાદ તમારી સમક્ષ એક નવી નવલકથા લઈને આવી રહી છું.

જેમ મારાં વાંચકોએ મારી એ ત્રણેય નવલકથાઓને સાથ સહકાર આપ્યો એમ મારી નવી નવલકથાને પણ સાથ સહકાર મળશે. એવી આશા સહ મારાં વાંચકો સમક્ષ પ્રેમ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર એક નવી નવલકથા રજૂ કરું છું.



તારી એક ઝલક (ભાગ-૧)

જૂનાગઢનાં ભેંસાણ તાલુકામાં, જીન પ્લોટ વિસ્તારની અંદર રહેતો તેજસ ઉર્ફે તેજાભાઈ સ્વભાવે અને દેખાવે કોઈ ગુંડા જેવો લાગતો. આમ તો તે એક અમીર અને ખાનદાની પરિવારનો છોકરો હતો. અભ્યાસ પણ કરેલો હતો. છતાંય તેનો સ્વભાવ ગુંડા જેવો મવાલી ટાઈપનો હતો.

તેજસના આવાં સ્વભાવ પાછળ પણ એક કહાની છુપાયેલી હતી. જે તમને આગળ જાણવાં મળશે. તેજસના પરિવારમાં તેનાં મમ્મી-પપ્પા અને એક નાની બહેન હતી. જે હાલ ડોક્ટર બની ગઈ હતી.

" તેજાભાઈ, કેમ છે?" તેજસના મિત્ર જાદવે પૂછ્યું."

"બસ, મજા જ હોય ને!! આપણને શું તકલીફ પડવાની!!"

"તકલીફ તેજાભાઈને નાં પડે. તકલીફ તો જે તેજાભાઈ સામે પંગો લે, તેને પડે. કેમ તેજાભાઈ, સાચું કીધું ને??" તેજસની ટોળકીનો બીજો મેમ્બર કાળું બોલ્યો.

"તેજાભાઈ..તેજાભાઈ.. આગલી શેરીમાં કોઈ આપણાં બિરજુને મારી રહ્યું છે. જલ્દી ચાલો!!" લખને હાંફળા ફાંફળા અવાજે કહ્યું.

કાળું, જાદવ, લખન અને તેજસ બધાં બિરજુને બચાવવાં દોડ્યાં. થોડે દૂર જતાં જ મેગા મોલની સામેનાં રોડ ઉપર જ કોઈ બે ત્રણ વ્યક્તિ બિરજુને મારી રહ્યાં હતાં. તેજસ, કાળું, જાદવ, બિરજુ અને લખન બધાંએ એકસાથે જ અભ્યાસ કર્યો હતો. જ્યારે તેજસ તેજાભાઈ બન્યો. ત્યારે તેનાં બધાં મિત્રો પણ તેની સાથે જોડાઈ ગયાં. ત્યારથી આ પાંચેયની એક ટોળકી બની ગઈ. બધાં નાનપણથી જ એક સાથે રહ્યાં હતાં. તો કોઈ એક પણ વ્યક્તિ આ ટોળકીમાંથી અલગ થાય. એ કોઈને મંજૂર નહોતું.

આ બધાં મારપીટ કરતાં, પણ બધાનાં સારાં માટે કરતાં. જેનાં લીધે જીન પ્લોટ વિસ્તાર તેમને પોતાનાં રક્ષક સમજતો. કમલેશ ઉર્ફે કાળુ, એક સામાન્ય પરિવારમાં રહેતો. પિતા તો નાની ઉંમરે જ મૃત્યુ પામ્યાં હતાં. જેનાં લીધે કાળું ભણતરની સાથે મહેનત મજૂરી કરીને તેની મમ્મી અને પાંચ વર્ષનાં નાના ભાઈ દર્શનનું ભરણપોષણ કરતો.

જાદવ અને બિરજુના પરિવાર ખેતી કામ કરતાં. બંનેનાં પરિવારને પચાસ વિઘા જમીન હતી. બંને પોતાનાં પિતાનાં લાડકા હતાં. પરિવાર સદ્ધર હોવાથી જાદવ અને બિરજુને કોઈ કામ કરવાની જરૂર જ નહોતી પડી. જ્યારે લખન તેજસની સાથે રહેતો. લખન નાનો હતો. ત્યારે જ તેનાં મમ્મી-પપ્પાનું મૃત્યુ થઈ ગયું હતું. લખનનું એક નાની બહેન અને મમ્મી-પપ્પા સિવાય આ દુનિયામાં કોઈ નહોતું.

તેજસ પાસે ધનદોલતની કમી નહોતી. જેનાં લીધે તેણે લખન અને તેની બહેન ગંગાને પોતાનાં ઘરથી થોડે દૂર આવેલાં એક પોતાનાં બીજાં નાનાં એવાં ઘરમાં એ બંનેને રહેવા માટે જગ્યા આપી હતી. તેજસના પપ્પા જગજીવનભાઈએ લખનને પોતાનાં બંગલે રહેવાની નાં પાડી. જેનાં લીધે તેજસે તેમને પોતાનાં બીજાં ઘરમાં રાખ્યાં.

"હેય, છોડી દો એને, જે કાંઈ વાત હોય. એ મારી સાથે કરો." તેજસે સિંહની જેમ ત્રાડ પાડીને કહ્યું.

"કોણ છે તું?? જો જીવતો રહેવા માંગતો હોય. તો ચૂપચાપ ચાલ્યો જા." બિરજુને જે લોકો મારતાં હતાં. એમાંનો એક વ્યક્તિ બોલ્યો.

"મારાં જ એરિયામાં આવીને મને જ પૂછે છે. કોણ છું હું એમ!! હું તેજસ ઉર્ફે તેજાભાઈ. આ એરિયાનો ગુંડો કે રક્ષક જે તું સમજે એ!!"

"ઓહ, તો તું છે તેજાભાઈ!! આ એરિયાનો રક્ષક!! હવે હું પણ જોવ છું કે, તું આજે તારાં આ મિત્રને કેવી રીતે બચાવે છે??" જિગ્નેશ હાથની મુઠ્ઠી વાળીને બિરજુને મુક્કો મારવાં બિરજુના મોંઢા નજીક હાથ લઈ જઈને બોલ્યો.

"પહેલાં તેણે કર્યું છે શું?? એ તો જણાવ. પછી તેને હાથ લગાવજે." તેજસ જિગ્નેશનો હાથ પકડી તેને રોકતાં બોલ્યો.

"આ મારી બહેનની પાછળ પડ્યો છે. કેટલાં દિવસથી જોવ છું. મારી બહેન જ્યાં જ્યાં જાય. આ તેની પાછળ પાછળ જાય છે." જિગ્નેશ બિરજુ સામે ત્રાંસી નજરે જોઈને બોલ્યો.

"ક્યાં છે તારી બહેન?? મારે આ વાત તેનાં મોઢે સાંભળવી છે. પછી જ આ વાતનું યોગ્ય નિરાકરણ આવશે."

"જા ઓય, નાથિયા!! બોલાવ આપણી બહેન અર્પિતાને!!" જીગ્નેશે તેનાં સાથીદાર નાથિયાને કહ્યું.

કાળી મોટી અણિયારી આંખો, મોટી મોટી પાંપણો, હોઠથી થોડે દૂર જમણાં ગાલે તલ, લાંબા સિલ્કી વાળ, એકદમ ગોરો વાન, મનમોહક ચાલ અને સફેદ ડ્રેસમાં સજ્જ છોકરીને જોઈને તેજસ તો બસ તેની સામે જ જોતો રહ્યો.

"તો આ છે તારી બહેન??" તેજસે એ છોકરી સામે જોઈને કહ્યું.

"ઓ મિસ્ટર, હું તેની બહેન હોત, તો અત્યારે મેં આ બિરજુને કયારનો ઠેકાણે પાડી દીધો હોત. હું તો ઝલક છું. અર્પિતાની ફ્રેન્ડ!! જીગ્નેશની બહેન અર્પિતા તો આ છે." એ છોકરી આવેશમાં આવીને પોતાની સાથે આવેલી છોકરી તરફ હાથ વડે ઈશારો કરીને બોલી.

"આહા!! ઝલક!! શું નામ છે!! દિલ ખુશ હો ગયાં." તેજસ મનમાં જ બોલ્યો.

"ઓય, શું વિચારે છે?? હવે પૂછ તારાં બિરજુને એ શાં માટે મારી બહેનનો પીછો કરતો??" જીગ્નેશ તેજસ તરફ આંખો કાઢીને બોલ્યો.

"ભાઈ, એમાં બિરજુનો કોઈ વાંક નથી. આપણે આ એરિયામાં નવાં છીએ. તો કોલેજ જતી વખતે અમુક છોકરાંઓ મને હેરાન કરતાં. એ સમયે તમે પણ અહીં નહોતાં. ત્યારે બિરજુએ મારી મદદ કરી હતી. પછી આગળ ક્યારેય તે લોકો મને હેરાન નાં કરે, એટલાં માટે બિરજુ થોડાં દિવસ મારો પીછો કરીને, એ લોકો પર નજર રાખતો." અર્પિતાએ બિરજુ શાં માટે તેનો પીછો કરતો? એ અંગે બધી ચોખવટ કરી.

"બસ, જાણી લીધું ને?? શાં માટે બિરજુ તારી બહેન પાછળ પાછળ ફરતો એ!!" તેજસ બિરજુને રોડ પરથી ઊભો કરીને, જીગ્નેશ સામે જોઈને બોલ્યો.

"ઓકે..ઓકે..સોરી!! મેં કાંઈ જાણ્યાં વગર જ બિરજુને માર્યો." જીગ્નેશે તેજસ સામે જોઈને કહ્યું.

"જા જા હવે!! નથી જોતું તારું સોરી!! હવે પછી મારાં કોઈ પણ મિત્રને મારતાં પહેલાં વિચાર કરજે." તેજસ જીગ્નેશ સામે દાંત કચકચાવીને બોલ્યો.

જીગ્નેશ તેનાં સાથીદાર મિત્રો સાથે તેની બહેનને લઈને જતો રહ્યો. તેજસ પણ બિરજુ, કાળું, લખન અને જાદવ સાથે ત્યાંથી પોતાનાં ઘર તરફ ચાલતો થયો.

ઝલક તેજસના દિલમાં વસી ગઈ હતી. તે વારેવારે પાછળ ફરીને તેને જ જોઈ રહ્યો હતો. ઝલકે પણ એક બેવાર તેજસ સામે જોઈ લીધું.

બંનેનાં દિલમાં થોડી એવી હલચલ થઈ હતી. જેનું આગળ જતાં કેવું પરિણામ આવશે?? એ વાતે બંને બેખબર હતાં.



(ક્રમશઃ)