તારી એક ઝલક - ૨૧ Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી એક ઝલક - ૨૧

તેજસ અને જાદવ પોતાનું કામ ખતમ કરીને ફરી હોટલે આવી પહોંચ્યાં. રૂમમાં આવીને તરત જ તેજસે કોઈકને એક મેસેજ મોકલી દીધો. પછી એણે તરત જ બેડ પર લંબાવ્યું. આજે ઘણાં સમય પછી એને આ શતરંજનો ખેલ સમજમાં આવી રહ્યો હતો. એ વાતે એને થોડી ખુશી હતી.
"ભાઈ! તમારાં દિમાગમાં શું ચાલી રહ્યું છે?" જાદવે હાથ મોં ધોઈને પૂછ્યું.
"મેં મારી રીતે પ્લાન બનાવી લીધો છે. હવે એ મુજબ જ આગળ વધવાનું છે. તું બસ જોયાં કર." તેજસે સૂતાં સૂતાં જ પગ પર પગ ચડાવીને કહ્યું.
"આજે તમે કંઈક મૂડમાં લાગો છો. તો થોડું લંડન ફરતાં આવીએ?" જાદવે તેજસ પાસે બેસીને પૂછ્યું.
"ક્યાં જાશું?" તેજસે ઉભાં થઈને પૂછ્યું.
"ગ્રેટ ગ્રીલ કાફેમાં જઈએ."
"વાહ! તને તો અહીંની જગ્યાઓ વિશે પણ જાણકારી લાગે છે." તેજસે જાદવના ખંભે હાથ મૂકીને કહ્યું.
"ગુગલ શું કામનું છે? એમાં જ સર્ચ કરીને જાણકારી મેળવી લીધી." જાદવે મોબાઈલ તેજસ સામે કરીને કહ્યું.
"તો ચાલો જઈએ." તેજસે કહ્યું અને આગળ વધી ગયો. જાદવ પણ એની પાછળ પાછળ આવ્યો. બંને બહાર પડેલી ગાડીમાં બેઠાં અને ગ્રેટ ગ્રીલ કાફે તરફ અગ્રેસર થયાં. ગ્રેટ ગ્રીલ કાફે આવતાં જ ડ્રાઈવરે ગાડી ઉભી રાખી. તેજસ અને જાદવ બંને અંદર આવ્યાં.
તેજસને પોતાનાં કાફેમાં જોઈને એશ્વી તો હેરાન જ રહી ગઈ. એ તરત જ ઝલકે મોકલેલો તેજસનો ફોટો કાઢીને પોતાની સામે બેઠેલાં તેજસને એ ફોટો સાથે સરખાવવા લાગી. જે વાતની તેજસને જાણ સુધ્ધા ન હતી. એક વેઇટર જ્યારે તેજસ પાસે ઓર્ડર લેવાં જવાં લાગ્યો તો એશ્વીએ એને ઈશારો કરીને રોકી લીધો અને પોતે ખુદ ઓર્ડર લેવાં ગઈ. ખરેખર તો એ ઓર્ડર લેવાં માટે નહીં પણ એનાં કાફેમાં આવેલો વ્યક્તિ તેજસ જ છે કે નહીં એ જાણવાં જતી હતી.
"ટૂ વેજ બર્ગર એન્ડ ટૂ કોફી." તેજસે તરત જ ઓર્ડર આપ્યો.
"શું યાર તેજા ભાઈ! ખાલી બર્ગર અને કોફી?" એશ્વીના જતાં જ જાદવ બોલ્યો.
"તો તું બીજું કંઈક ઓર્ડર કરી લે." તેજસે મોબાઈલમાં કંઈક જોતાં જોતાં જ કહ્યું.
એશ્વી એ બંનેની વાતો ધ્યાનથી સાંભળી રહી હતી. એ ઓર્ડર લઈને પોતાની જગ્યાએ આવી ગઈ અને તરત જ ઝલકને ફોન જોડ્યો.
"ઝલક! તેજસ અત્યારે મારાં કાફેમાં છે." ઝલકના કોલ રિસીવ કરતાં જ એશ્વીએ કહ્યું.
"તું સ્યોર છે? એ તેજસ જ છે." ઝલકે પૂછ્યું.
"હાં, એની સાથે કોઈ બીજો છોકરો પણ છે. એ તેજસને તેજાભાઈ કહે છે." એશ્વીએ કહ્યું.
"તો એ તેજસ જ છે. એની સાથે એનો કોઈ મિત્ર હશે. હવે તું ગમે એમ કરીને એમની પાસેથી એ જાણવાની કોશિશ કર કે એ લોકો ત્યાં કેમ આવ્યાં છે?" ઝલકે કહ્યું અને કોલ ડિસકનેક્ટ થઈ ગયો.
એશ્વી તેજસે આપેલો ઓર્ડર લઈને એમની પાસે ગઈ. એણે ઓર્ડર ટેબલ પર મૂકીને પૂછ્યું, "સર! તમે ઈન્ડિયાથી આવ્યાં છો?"
"યસ, તમને કેવી રીતે ખબર?" જાદવે એશ્વીને જોઈને એની સામે સ્માઈલ આપતાં પૂછ્યું.
એશ્વીને જોઈને જાદવ તો જાણે કોઈ અલગ જ દુનિયામાં પહોંચી ગયો. ભૂરાં વાળ, ભૂરી આંખો અને એકદમ ગોરો વાન! આ બધું જોઈને જાદવને એશ્વી પહેલી નજરે જ ગમી ગઈ. જાદવે જે રીતે સ્માઈલ આપી એ જોઈને એશ્વીને પોતાનું કામ સરળ બનતું નજર આવ્યું. એણે પણ એવી જ ક્યૂટ સ્માઈલ સાથે કહ્યું, "તમે થોડીવાર પહેલાં ગુજરાતીમાં વાત કરતાં હતાં એટલે મને થયું તમે ઈન્ડિયાથી આવ્યાં હશો."
"તમે સાચું સમજ્યાં. પણ તમે ગુજરાતી કેવી રીતે જાણો છો?" આ વખતે તેજસે પૂછ્યું. કારણ કે એ જે મિશન માટે અહીં આવ્યો હતો. એને ધ્યાનમાં રાખતાં એને અહીં બધાંથી ખતરો હતો. તેજસની એક ભૂલ એનાં બધાં પાસાં ઉલ્ટા પાડી શકે એમ હતી.
"મારી એક ફ્રેન્ડ ગુજરાતી જાણે છે. આમ પણ ગુજરાત ફેમસ જ એટલું છે કે હવે વિદેશી લોકો પણ ગુજરાતી ભાષા જાણે છે." એશ્વીએ કહ્યું. તેજસને એની આ વાત ઉપર થોડો વિશ્વાસ આવ્યો.
"તમને ગુજરાત પ્રત્યે માન છે અને ગુજરાતી ભાષા આટલી સારી રીતે જાણો છો. એ જાણીને આનંદ થયો." તેજસે એકદમ વિનમ્રતા પૂર્વક કહ્યું.
"મારું નામ એશ્વી છે. તમારું નામ? તમે લોકો લંડન ફરવા આવ્યાં છો?" એશ્વીએ વાતનો દોર આગળ વધારતાં કહ્યું. જેથી એ ઝલકને જણાવી શકાય એવી કોઈ માહિતી તેજસ પાસેથી મેળવી શકે.
"મારું નામ જાદવ અને આ તેજાભાઈ...મતલબ તેજસ! અમે અહીં લંડન ફરવા નહીં પણ એક મિ..."
"અમે લંડન ફરવા નહીં લંડનને જાણવાં આવ્યાં છીએ." જાદવ કંઈ કહે એ પહેલાં જ તેજસે એની વાત વચ્ચે જ કાપતાં કહ્યું. એશ્વીને તેજસનુ એ રીતે વાતને કાંપી નાખવું થોડુંક ખટક્યું. પણ એણે વાતને વધું નાં ખેંચતા ત્યાં જ વાતને ખતમ કરવી ઉચિત સમજ્યું. પહેલી જ મુલાકાતમાં કોઈ વ્યક્તિ પાસેથી વધું માહિતી કઢાવવી ખુદને એમની નજરમાં શંકાને પાત્ર બનાવી શકે. એ વાતથી જાણકાર એશ્વી જેટલું જણાયું એટલું જાણીને પોતાનું કામ કરવાં લાગી.
તેજસની નજર એશ્વી પર જ હતી એટલે એશ્વીએ અત્યારે ઝલકને ફોન નાં કર્યો. તેજસ અને જાદવ બર્ગર ખાઈને, કોફી પીને, બિલ ચુકવીને જતાં રહ્યાં પછી એશ્વીએ કોઈકને એક મેસેજ કર્યો. પછી તરત જ ઝલકને ફોન કર્યો.
"કંઈ જાણવાં મળ્યું? તેજસ લંડન શું કરવાં આવ્યો છે?" કોલ રિસીવ કરતાં જ ઝલકે પૂછ્યું.
"કંઈ ખાસ નહીં પણ એ કંઈક છુપાવતો હોય એવું મને લાગ્યું. પણ જલ્દી જ હું તને વધું માહિતી આપીશ. મેં મારાં એક મિત્રને એમની પાછળ લગાવી દીધો છે. બે દિવસમાં તો તને આખી કહાનીની જાણ થઈ જાશે." એશ્વીએ કહ્યું.
"હું રાહ જોઈશ." ઝલકે કહ્યું અને કોલ ડિસકનેક્ટ થઈ ગયો.


(ક્રમશઃ)

_સુજલ પટેલ