(ભાગ-7 માં આપણે જોયું કે હું યોગેશભાઈની સલાહ લેવા ગઈ તેમણે ખૂબ જ સારી સલાહ આપી. બસ હવે ડાહ્યાભાઈના ફોનની રાહ જોવાની હતી)
યોગેશભાઈને મળીને હું ઘરે લગભગ આઠ વાગ્યે પહોંચી. રોનક મારી રાહ જોઈને જ બેઠા હતા, મોડુ થવાનું કારણ મેં જણાવ્યું. મહારાજે રસોઈ બનાવી દીધી હતી તેથી હું ફ્રેશ થવા ગઈ અને ત્યારબાદ અમે જમવા બેઠા. જમીને અમારી ગાર્ડન ગેલેરીમાં હું અને રોનક હીંચકે બેઠા. આ અમારો નિત્યક્રમ હતો કે આખા દિવસ દરમ્યાન અમારા બન્નેના જીવનમાં જે પણ થયું હોય તે બાબતોની આપ-લે અમે દરરોજ અમારી આ મનપસંદ જગ્યાએ કરતા હતા અને એકબીજાની સલાહ લેતા હતા. મેં રોનકને યોગેશભાઈ સાથે થયેલ વાતો વિસ્તારપૂર્વક જણાવી. રોનકે શાંતિથી બધુ સાંભળ્યું. પછી કહ્યું ખરેખર બહુ જ સારી સલાહ યોગેશભાઈએ આપી છે, હવે તું ડાહ્યાભાઈનો ફોન આવે પછી આગળની કાર્યવાહીમાં વધી શકીશ વીણા. મેં કહ્યું હા બસ એમના ફોનની જ રોજ રાહ જોઉં છું. ત્યારબાદ થોડી વાતો કર્યા બાદ અમે અમારા બેડરૂમમાં સૂવા માટે ગયા અને વાતો કરતાં કરતાં ક્યારે આંખો મીંચાઈ ગઈ ખબર જ ના રહી.
સવારે મારે કોલેજ જવાનું હોવાથી હું લગભગ 5.30 વાગ્યે ઉઠીને મારા દૈનિક કામો પતાવતી. ઘરના કોઈ કામ મારે કરવાના લગભગ રહેતા ન હતા તેથી ઈશ્વર ભક્તિ અને પ્રાર્થના બાદ જ કોલજ જતી. લગભગ 8.30 થી 9.30 નો સમય હું મારા માટે ફ્રી રાખતી જેમાં હું મારા મનપસંદ કામ કરતી હતી.
લગભગ 8.35 થઈ હશે ને મારા મોબાઈલ પર કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, લેન્ડલાઈન પરથી ફોન હતો તે મને આંકડા પરથી ખ્યાલ આવ્યો. મેં સહજતાપૂર્વક ફોન ઉપાડ્યો અને બોલી હા કોણ ? સામેથી એક પુરૂષનો અવાજ હતો કહ્યું તમે વીણાબૂન બોલો છો ? અને હું અવાજ ઓળખી ગઈ બોલી હા, ડાહ્યાભાઈ બોલો, બોલો. એ ડાહ્યાભાઈનો ફોન હતો. હું ખુશ ખુશ થઈ ગઈ હતી. ડાહ્યાભાઈ કહે બૂન આ તે તમને એક અઠવાડિયામાં ફોન કરવા કહેલું ને, એટલે ફોન કર્યો છે. મેં કહ્યું હા બોલોને ડાહ્યાભાઈ, શું વિચાર્યું તમે રૂપલીને મોકલવાના છો ને? ડાહ્યાભાઈ થોડુ અચકાઈને બોલ્યા ઈમા એમ છે ને બૂન કે મેં બઉ વિચાર કર્યો , આસપાસના અમુક લોકોની સલાહ પણ લીધી બૂન. મેં વચ્ચેથી જ અટકાવતા કહ્યું તો તમે મોકલો છો ને રૂપલીને શહેરમાં? ડાહ્યાભાઈ ડાહ્યાભાઈ બોલ્યા બૂન મારી વાત તો પૂરી સાંભળો.
મેં કહ્યુ હા, માફ કરજો હું થોડી ઉત્સાહમાં આવી ગઈ છુ એટલે તમારી પૂરી વાત પણ સાંભળતી નથી. બોલો શાંતિથી શું કહો છો ?
ડાહ્યાભાઈ બોલ્યા બૂન તમારા કહેવા મુજબ રૂપલીને તમે ત્યાં લઈ જાઓ અને એને આગળ ભણાવો બહુ સારો વિચાર કર્યો છે તમે હું પણ તૈયાર છું રૂપલીને મોકલવા માટે. પણ બૂન એક મુશ્કેલી છે, મેં કહ્યું પાછી શી મુશ્કેલી આવી ડાહ્યાભાઈ?
ડાહ્યાભાઈ કહે બૂન અત્યારે તો રૂપલી છે એટલે મને તકલીફ નથી પડતી એના કારણે મને મદદ મળી રહે છે ખેતરના કામમાં એટલે મને પૈસાની તકલીફ નથી પડતી, પણ એ જો શહેરમાં જશે તો મારા એકલાથી તો ખેતરની મજૂરી બહુ કરી શકાશે નહી કારણકે મારૂ શરીર હવે એટલું સાથ આપતું નથી અને એના ભાઈ-બહેન પણ નાના છે તો હમણાં તો એમની કોઈ મદદ મને ના મળે એટલે હું અચકાઉ છું કે પછી હું શું કરીશ?
આટલું બોલી ડાહ્યાભાઈ ચૂપ રહ્યા. મેં થોડી વાર વિચાર કર્યો, મને પણ લાગ્યું કે નાણાંકીય જરૂરીયાત એ આજના જમાનામાં માનવીની સૌથી મોટી જરૂરિયાત બની રહી છે. જો સૌથી વધુ તકલીફ માનવીને હેરાન કરતી હોય તો તે છે આર્થિક જરૂરિયાતો. થોડુ વિચાર્યા બાદ મેં કહ્યુ, ડાહ્યાભાઈ હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું, આપણે એક કામ કરીએ આ માટે એક રસ્તો કાઢીએ જેથી રૂપલી આગળ ભણી પણ શકશે અને તમને પણ કોઈ તકલીફ નહી પડે.
ડાહ્યાભાઈ બોલ્યા હા બોલો બૂન. મેં કહ્યું જુઓ રૂપલીને ભણવા માટે હું મારી સ્વેચ્છાએ અહી લઈને આવીશ એટલે એના ભણવા, રહેવા વગેરેનો જે પણ ખર્ચો હશે હું ઉપાડીશ એમ મેં નક્કી કરેલું છે અને આ માટે તમને કદી પણ કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે. રહી વાત તમારી કે તમે નાણાંકીય રીતે કેવી રીતે વ્યવસ્થા કરશો તો જ્યાં સુધી રૂપલી ભણીને સધ્ધર ના બને, હું તમને દર મહિને અમૂક રકમની મદદ કરતી રહીશ. પછી જ્યારે રૂપલી ભણીને સારી નોકરી કે વ્યવસાય કરે ત્યારે તમારે મને એ નાણાં પરત કરવાના રહેશે. બોલો છે મંજૂર?
ડાહ્યાભાઈ શાંત હતા મેં ફરી કહ્યું ડાહ્યાભાઈ શું થયું ? બોલો ને ડાહ્યાભાઈ ? કહે, હા બૂન થોડો વિચારે ચડી ગયો હતો. પછી કહે બૂન તમે કહો તેમ મને મંજૂર છે
હું ખુશીથી ઉછળી પડી, કહ્યું બોલો તો હવે ક્યારે આવું રૂપલીને લેવા માટે ? ક્યાં છે રૂપલી અત્યારે ? ડાહ્યાભાઈ કહે રૂપલી તો અત્યારે ખેતરે ગઈ છે, બૂન તમારે હવે એને જ્યારે લઈ જવી હોય ત્યારે આવીને લઈ જઈ શકો છો.
મેં કહ્યું ડાહ્યાભાઈ તમારો આભાર કે તમે મારી પર વિશ્વાસ મૂક્યો અને તમારી દીકરીને મારી સાથે આવવા રજા આપી અને મારી વાતનું માન રાખ્યું. હું લગભગ અઠવાડીયા પછી આવીને રૂપલીને લઈ જઈશ. તમે એને જણાવી દેજો.
ડાહ્યાભાઈ કહે બૂન આભાર તો મારે તમારો માનવો હોય કે તમે અમ જેવા ગરીબ માણહ હારૂ આટલું કરો છો.
પછી મેં કહ્યું સારૂ ડાહ્યાભાઈ હવે તમારા ઘરે મળીશું, એમ કહી મેં ફોન મૂક્યો
હું ખૂબ ખુશ હતી, અત્યારે તો કોલેજ જવા મોડું થતું હતું એટલે હું કોલેજ જવા નીકળી રસ્તામાં પણ આ જ વિચારો આવ્યા કરતા હતા.
હવે રૂપલી માટે યોગ્ય વ્યવસ્થા કરવાની હતી, યોગેશભાઈને પણ ફોન કરી જણાવવાનું હતુ. બસ હવે કોઈ વિઘ્ન ના આવે એજ પ્રભુને પ્રાર્થના કરતી હતી.
(શું થશે હવે આગળ ?– શું કોઈ વિઘ્ન આવશે? જુઓ આગળ ભાગ – 9)