દહેશત - 17 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

દહેશત - 17

17

એનાબેલની મમ્મી નેન્સીને ત્યાં, એનાબેલની દીકરી રેબેકાને મળીને, સબ ઈન્સ્પેકટર જિમીથી છુટી પડીને સોફિયા ટૅકસીમાં ત્યાંથી આગળ વધી, ત્યાં જ સોફિયાની નજર નેન્સીના બંગલા તરફ ગઈ હતી.

-બંગલાના રૂમની ખુલ્લી બારી પાસે રેબેકા હાથમાં ઢીંગલી સાથે ઊભી હતી. રેબેકા સોફિયા તરફ તાકી રહી હતી, અને...

...અને રેબેકાની પાછળ, દસેક વરસની એક છોકરી ઊભી હતી ! એ છોકરીની મોટી-મોટી આંખો ફૂટેલી હતી ! ! એ છોકરી જાણે પોતાની ફૂટેલી આંખોથી સોફિયાને જોઈ રહી હતી ! ! !

આટલી વારમાં તો સોફિયાની ટૅકસી આગળ વધી ગઈ અને એ ફૂટેલી આંખોવાળી છોકરી દેખાતી બંધ થઈ ગઈ.

સોફિયા સમજી ગઈ. તેને રેબેકા સાથે એ ફૂટેલી આંખોવાળી છોકરી અમસ્તી જ દેખાઈ નહોતી. એ છોકરીને એનાબેલ સાથે કે, પછી મોબાઈલ ફોનવાળા પ્રેત સાથે જરૂર કંઈ લાગતું-વળગતું હતું.

‘મેડમ ! તમારે ક્યાં જવું છે ?’ ટૅકસીવાળાનો સવાલ કાને પડયો, એટલે સોફિયાએ કહ્યું : ‘લાઈફ લાઈન હૉસ્પિટલ લઈ લે.’

‘મેડમ..,’ ટૅકસીવાળાએ કહ્યું : ‘એ હૉસ્પિટલ તો બંધ છે. થોડાંક દિવસ પહેલાં એ હૉસ્પિટલમાં આગ લાગી હતી, ને એ પછી હૉસ્પિટલ ચાલુ થઈ જ નથી.’

‘મને ખ્યાલ છે.’ સોફિયાએ કહ્યું.

ટૅકસીવાળાએ ટૅકસી લાઈફ લાઈન હૉસ્પિટલ તરફ વળાવી.

સોફિયાએ કાંડા ઘડિયાળમાં જોયું. રાતના અગિયાર વાગ્યા ને પચીસ મિનિટ થઈ હતી. મોબાઈલ ફોનવાળા પ્રેતે તેના મોતનો રાતના બે વાગ્યાનો જે સમય આપ્યો હતો, એને હવે ફકત બે કલાક અને પાંત્રીસ મિનિટની વાર હતી.

‘ભાઈ, ટૅકસી સ્પિડમાં જવા દે.’ સોફિયાએ ટૅકસીવાળાને કહ્યું અને ટૅકસીવાળાએ ટૅકસીની સ્પિડ વધારી, ત્યાં જ જિમીએ તેને જે મોબાઈલ ફોન આપ્યો હતો, એની રિંગ વાગી ઊઠી.

તેણે જોયું તો જિમીનો કૉલ હતો. તેણે મોબાઈલનું બટન દબાવ્યું. અને ‘હા, બોલ જિમી’ એવું કહ્યું, એટલે સામેથી જિમીનો સવાલ સંભળાયો : ‘સોફિયા ! તું કયાં છે ?’

‘હું અત્યારે ‘લાઈફ લાઈન હૉસ્પિટલ’ તરફ જઈ રહી છું.’ સોફિયાએ મોબાઈલ ફોનમાં જિમીને કહ્યું : ‘હૉસ્પિટલમાં આગ લાગી ત્યારે એનાબેલ ત્યાં જ હતી. મારું માનવું છે કે એનાબેલ એ આગમાં ત્યાં જ સળગી મરી છે, અને...’

‘...એ શકય નથી.’ મોબાઈલ ફોનમાં સામેથી જિમીનો અવાજ સંભળાયો : ‘એ આગમાં પાંચ વ્યક્તિઓ સળગી મરી હતી. અને એ બધાં મૃતદેહોને ઓળખી કાઢવામાં આવ્યા હતાં. એમાં એનાબેલનો મૃતદેહ નહોતો.’

‘એનો મૃતદેહ હૉસ્પિટલમાં જ કયાંક પડયો હશે !’ સોફિયા બોલી : ‘એનાબેલ માનસિક રીતના અસ્થિર હતી. એ પોતાની સાવકી દીકરીઓ રેબેકા અને મેલિસાને દુઃખ આપતી હતી, એમની પર પીડા વરસાવતી હતી. એનાબેલને બીજાને પીડા આપવામાં મજા આવતી હતી. હૉસ્પિટલની આગમાં સળગ્યા પછી એનો આત્મા મોબાઈલ ફોનમાં પ્રવેશીને, લોકો પર આ રીતના જીવલેણ હુમલા કરી રહ્યો છે ! ’

‘અત્યારે તું કયાં પહોંચી છે ?’ મોબાઈલમાં સામેથી જિમીનો અવાજ સંભળાયો : ‘હું તારી પાસે પહોંચું છું, પછી આપણે...,’

‘હું અત્યારે ‘લાઈફ લાઈન’ હૉસ્પિટલ પાસે પહોંચી ચૂકી છું.’

‘તું ત્યાં બહાર જ ઊભી રહે.’ મોબાઈલ ફોનમાં સામેથી જિમીનો અવાજ આવ્યો : ‘હું આવું પછી આપણે સાથે જ અંદર જઈએ છીએ.’

‘અત્યારે આપણી પાસે ટાઈમ નથી.’ સોફિયાએ રાતના સાડા અગિયાર વગાડી રહેલી કાંડા ઘડિયાળમાં જોતાં કહ્યું : ‘હું હૉસ્પિટલની અંદર જાઉં છું, તું અંદર આવી જજે.’ અને આટલું કહેવાની સાથે જ સોફિયાએ જિમી સાથેનો કૉલ કટ્‌ કરી દીધો.

સોફિયાએ જોયું તો ટૅકસીવાળાએ વસ્તીથી અલગ-થલગ આવેલી લાઈફ લાઈન હૉસ્પિટલ સામે ટૅકસી ઊભી રાખી દીધી હતી.

સોફિયા ટૅકસીવાળાને ભાડું ચૂકવીને બહાર નીકળી.

ટૅકસીવાળો ત્યાંથી ટૅકસી દોડાવી ગયો.

સોફિયાએ લાઈફ લાઈન હૉસ્પિટલ પર નજર ફેરવી. સ્ટ્રીટ લાઈટના અજવાળામાં હૉસ્પિટલ જોઈ શકાતી હતી.

‘હૉસ્પિટલમાં કેટલી ભયંકર આગ લાગી હશે ? !’ એ હૉસ્પિટલની હાલત પરથી જણાઈ આવતું હતું. આગ લાગ્યા પછી હૉસ્પિટલને બંધ કરી દેવામાં આવી હતી. અત્યારે હૉસ્પિટલની અંદરની કોઈ લાઈટ ચાલુ નહોતી, એટલે જાણે હૉસ્પિટલ ભૂતાવળ જેવી ભાસતી હતી.

સોફિયાએ આસપાસમાં જોયું. આસપાસમાં કોઈ માણસ તો ઠીક પણ કૂતરું-બિલાડુંય દેખાતું નહોતું.

સોફિયાએ એક ઊંડો શ્વાસ લીધો અને હૉસ્પિટલના મેઈન દરવાજા તરફ આગળ વધી.

તેણે મેઈન દરવાજાની નજીક પહોંચતાં જોયું, તો મેઈન દરવાજે તાળું હતું.

તે હૉસ્પિટલની ડાબી બાજુ આગળ વધી.

એ તરફ અધવચમાં એક દરવાજો હતો.

સોફિયાએ એ દરવાજો ધકેલીને ખોલી જોયો, પણ દરવાજો ખૂલ્યો નહિ.

તે ઝડપી ચાલે હૉસ્પિટલના પાછળના ભાગમાં પહોંચી. પાછળના ભાગમાંનો સન્નાટો વધુ ભયાનક ભાસતો હતો.

સોફિયા પાછળના ભાગમાં બરાબર વચમાં આવેલા દરવાજા પાસે પહોંચી. તેણે દરવાજાને ધકેલ્યો, પણ દરવાજો ખૂલ્યો નહિ. તે ત્યાંથી આગળ વધી, ત્યાં જ તેની પીઠ પાછળથી ચુ..ઉં..ઉં..ઉં..! એવો અવાજ સંભળાયો.

સોફિયાએ ચોંકી ઊઠતાં પાછળ ફરીને જોયું.

તેણે હમણાં થોડીક પળો પહેલાં જે દરવાજો ખોલવા માટે ધકેલ્યો હતો અને જે દરવાજો ખૂલ્યો નહોતો, એ દરવાજો અત્યારે ચુઉંઉંઉંના અવાજ સાથે સહેજ ખૂલી ગયો હતો.

સોફિયાએ દરવાજા પાસે પહોંચીને દરવાજાને ધકેલીને આખો ખોલી નાંખ્યો.

સોફિયાએ અંદર નજર નાખી.

બહારની લાઈટનું જે થોડુંક અજવાળું અંદર રેલાતું હતું, એટલો અંદરનો ભાગ દેખાતો હતો. બાકી આગળ એટલું અંધારું હતું કે, કંઈ જ જોઈ શકાતું નહોતું. સોફિયા અંદર દાખલ થઈ, અને તેણે જમણી બાજુની દીવાલ તરફ જોયું. ત્યાં સ્વિચો દેખાતી હતી.

સોફિયાએ સ્વિચ નજીક પહોંચીને ચપોચપ બધી સ્વિચો ચાલુ કરી દીધી, પણ એકપણ લાઈટ ચાલુ થઈ નહિ.

‘હવે અંધારામાં આગળ કેવી રીતના વધવું ? !’ સોફિયા આવી મૂંઝવણમાં પડી, ત્યાં જ જાણે કોઈકે મેઈન સ્વિચ ચાલુ કરી દીધી હોય એવો ધીમો ખટકો સંભળાયો અને એકસાથે જ બધી લાઈટો ચાલુ થઈ ગઈ !

સોફિયાએ લાઈટના અજવાળામાં નજર દોડાવી.

તે અત્યારે લાંબા-પહોળા કૉરિડૉરમાં ઊભી હતી. કૉરિડૉરના આ છેડાથી સામેના છેડા સુધી, ડાબી-જમણી બન્ને બાજુ પાંચ-પાંચ રૂમના દરવાજા દેખાતા હતા. રૂમના દરવાજાની આજુબાજુ પૈડાંવાળી સ્ટ્રેચરો, પૈડાંવાળી ખુરશી તેમજ બેસવા માટેની લાકડાની બેઠકો પડી હતી.

અત્યારે અહીં ટાંકણી પડે તોય અવાજ સંભળાય એટલો સન્નાટો-શાંતિ છવાયેલી હતી.

સોફિયા ધીમા પગલે આગળ વધી.

‘હુઉઉઉઉઉ...!’ એવો અવાજ સંભળાયો અને સોફિયા ઊભી રહી ગઈ. તેણે હિંમત જાળવી રાખતાં કાન સરવા કર્યા.

હવે પાછો એકદમ સન્નાટો છવાઈ ગયો હતો.

સોફિયા દબાતા પગલે આગળ વધી.

તે જમણી અને ડાબી બાજુ, સામસામે આવેલા રૂમ પાસે પહોંચીને ઊભી રહી.

બન્ને બાજુના રૂમની અંદરની લાઈટો ચાલુ હતી. એ બન્ને હૉલ જેવડા મોટા રૂમમાં દરદીઓના પલંગ પડેલા હતા.

ઝુઉઉઉઉઉ....!

અને એ જ પળે સોફિયાની પીઠ પાછળથી જાણે એક પડછાયો પસાર થઈ ગયો.

સોફિયા એકદમથી પાછી ફરી, પણ એની આગલી પળે જ પડછાયો ડાબી બાજુના અંધારામાં ભળી ગયો ને દેખાતો બંધ થઈ ગયો.

સોફિયાને પળવાર માટે તો થયું કે, તે પાછી ફરી જાય. પણ તેણે વિખરાઈ રહેલી હિંમતને પાછી ભેગી કરી. તેણે એક ઊંડો શ્વાસ લીધો.

ચું...ઉં..., ચું...!

આ અવાજ સંભળાયો અને પાછો સોફિયાના ચહેરા પર ભય આવી ગયો, અને તે ઊભી રહી ગઈ.

ચું...ઉં..., ચું...!

ફરી અવાજ આવ્યો.

સોફિયાને હવે ખ્યાલ આવ્યો કે, આ અવાજ તેનાથી ત્રણેક પગલાં આગળના, જમણી બાજુના રૂમમાંથી આવી રહ્યો હતો.

ચું...ઉં..., ચું...!

તે મનોમન ઈસુનું નામ લેતાં એક પગલું આગળ વધી.

ચું...ઉં..., ચું...!

તે બીજું પગલું આગળ વધી.

ચું...ઉં..., ચું...!

તે ત્રીજું પગલું આગળ વધી અને જમણી બાજુના એ રૂમના દરવાજા પાસે પહોંચી, અને તેણે અંદર નજર નાખી.

ચું...ઉં..., ચું...

અંદર સળંગ લોખંડના પલંગ મુકાયેલા હતા અને પલંગની એક બાજુ પર પારણાં હતાં. એમાં આગળના પલંગનું પારણું ‘ચું...ઉં..., ચું...!’ના અવાજ સાથે આમથી તેમ ઝુલી રહ્યું હતું.

સોફિયાએ ધ્યાનથી જોયું.

ઝુલી રહેલા એ પારણામાં કોઈ બાળક સૂતું હોય એવું લાગતું હતું !

તે એ પારણા તરફ આગળ વધી, ત્યાં જ વાતાવરણમાં પેલા મોબાઈલ ફોનવાળું પ્રેત કૉલ કરતું હતું અને ત્યારે જે રિંગ ટોન-રિંગ ગૂંજી ઊઠતી હતી, એ રિંગ ગૂંજી ઊઠી-

‘ના મૈં જાનું...,

ના તુ જાને...,

કિસ ઘડી મેં...,

હોના હૈ કયા...?

જિંદગી કે...,

ઈસ જુએ મેં...,

પાના ક્યા હૈ ?

ખોના હૈ ક્યા...?

સોફિયાનું હૃદય જાણે ભયથી બેસી જવા લાગ્યું. તે ભયભરી આંખે પારણા તરફ જોઈ રહી.

એ પારણામાંથી જ આ ગીત ગૂંજી રહ્યું હતું ! અને....,

....અને આ જ પળે એ પારણામાં સુતેલું બાળક એકદમથી બેઠું થઈ ગયું !

સોફિયાએ ભયથી એક પગલું પાછળ હટી જતાં જોયું તો એ બાળક નહોતું, પણ એ એક દોઢેક ફૂટ જેટલો મોટો ઢીંગલો હતો, અને એ ઢીંગલાના હાથમાં મોબાઈલ ફોન પકડાયેલો હતો અને એ મોબાઈલ ફોનમાંથી જ આ ગીત ગૂંજી રહ્યું હતું !

એ ઢીંગલાએ એના હાથમાંનો મોબાઈલ ફોન જાણે સોફિયાને બાતવતો હોય એમ અધ્ધર કર્યો, અને એ સાથે જ ઢીંગલાની આંખો ફૂટી અને ઢીંગલાએ કાનના પડદા ફાટી જાય એવી ચીસ પાડી !

સોફિયા પાછી વળી અને જીવ લઈને દોડી.

-આ ઢીંગલો સોફિયાએ એનાબેલના ઘરમાં જોયો હતો !

હવે સોફિયાની હિંમત જવાબ આપી ગઈ હતી.

તે દરવાજા પાસે પહોંચી. તેણે દરવાજાને ખોલવા માટે ખેંચ્યો, પણ દરવાજો ખુલ્યો નહિ.

તે ડાબી બાજુ દોડી.

તે ડરથી-ગભરાટથી કાંપી રહી હતી. તેનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો. તે બીજા દરવાજા પાસે પહોંચી. તેણે એ દરવાજાની સ્ટોપર ખોલવા માટે હાથ લગાવ્યો, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે, એ દરવાજાને તાળું લાગેલું છે.

તેણે કંપતા હાથે ખિસ્સામાંથી તેને જિમીએ આપેલો મોબાઈલ ફોન કાઢયો અને જિમીના નામે સેવ થયેલો નંબર લગાવ્યો, ત્યાં જ તેને લાગ્યું કે, તેના પગ પર કંઈક ફરી રહ્યું છે, સળવળી રહ્યું છે.

તેણે ગરદન ઢાળીને તેના પગ તરફ જોયું અને એ સાથે જ તેના મોઢેથી ગળું ફાટી જાય એવી ભયભરી ચીસ નીકળી ગઈ.

તેના પગની ચારે બાજુ જાણે ભયાનક વીંછીઓનો રાફડો ફાટયો હતો. ઢગલાબંધ ભયાનક વીંછીઓ તેના પગની ચારે બાજુ ફરી રહ્યા હતા અને તેના પગ પર ચઢી રહ્યાં હતાં.

તે ચીસો પાડતી, તેના પગ પરથી વીંછીઓને ખંખેરવા માટે પોતાની જગ્યા પર ઉછળવા માંડી. તેના હાથમાંથી મોબાઈલ ફોન છટકી ગયો અને જમીન પર પડયો. એ જ પળે, અચાનક જ એક પડછાયો તેની પીઠ પાછળ ઊપસ્યો, અને એ પડછાયાએ સોફિયાના બન્ને પગ પકડીને તેને જમીન પર પેટભેર પટકી. સોફિયાના મોઢેથી પીડાભરી ચીસ નીકળી ગઈ. એ પડછાયો સોફિયાને ઘસડતો પાછળ ખેંચી જવા માંડયો.

સોફિયાએ એ પડછાયાના હાથમાંથી પોતાનો પગ છોડાવવા માટેનો પ્રયત્ન કરતાં ચીસાચીસ કરવા માંડી. એ જ પળે તેને સામે, હમણાં પળ બે પળ પહેલાં તે જ્યાં ઊભી હતી, ત્યાં એનાબેલ ઊભેલી દેખાઈ.

સોફિયાને ઘસડીને કૉરીડૉરમાં ખાસ્સે દૂર સુધી ખેંચી લાવનાર પડછાયાએ સોફિયાને છોડી દીધી. એ જ પળે સોફિયાએ પાછળ ફરીને જોયું, તો એ પડછાયો જાણે દીવાલમાં પ્રવશી ગયો ને દેખાતો બંધ થઈ ગયો.

સોફિયા એ જ રીતના ચીસો પાડતાં સ્પ્રિંગની જેમ ઊછળીને ઊભી થઈ. એ જ પળે સામેના છેડે ઊભેલી એનાબેલ ભડ્‌ભડ્‌ કરતાં સળગી ઊઠી ને અદૃશ્ય થઈ ગઈ.

સોફિયા ડાબી બાજુ વળીને દોડી. તેની સાથે જે બની રહ્યું હતું એ તેની કલ્પના અને સહન-શક્તિની બહાર હતું. તેને તેની નજર સામે મોત દેખાઈ રહ્યું હતું અને તેને બચવાનો-અહીંથી સહીસલામત બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો.

તે ડાબી બાજુ વળી અને એ જ પળે એ તરફથી આવેલી વ્યક્તિ તેની સાથે અથડાઈ.

તે ચીસો પાડતાં ઊછળીને ભાગવાનો પ્રયત્ન કરવા માંડી. એ વ્યક્તિએ તેને પોતાના બન્ને હાથોમાં પકડી લીધી : ‘સોફિયા ડર નહિ, હું છું, હું જિમી !’

અને જિમીએ આ કહ્યું એ પછી પણ જાણે સોફિયાને તેના કાન પર, તેની આંખો પર વિશ્વાસ બેઠો ન હોય એમ તે થરથર કાંપતી જિમી તરફ જોઈ રહી.

‘સોફિયા ! હવે હું આવી ગયો છું. તને કંઈ નહિ થાય.’ જિમીએ સોફિયાને કહ્યું : ‘તું મને કહે, શું થયું ? !’

‘એ...એ મોબાઈલ ફોનવાળું પ્રેત અહીં જ છે.’ સોફિયા બોલી, ‘જલદી આપણે બહાર નીકળી જઈએ.’ કહેતાં સોફિયાએ જિમીનો હાથ પકડી લીધો અને સામે દેખાતા દરવાજા તરફ દોડી. સાથે જિમી પણ દોડયો.

બન્ને દરવાજા નજીક પહોંચ્યા.

સોફિયા દરવાજાને ધકેલવા ગઈ, ત્યાં જ દરવાજાની અંદરથી બે સળગેલા-લાંબા નખવાળા હાથ બહાર નીકળ્યા અને એ બન્ને હાથોએ સોફિયાની ગરદન પકડી લીધી અને સોફિયાને દરવાજાની અંદરની તરફ ખેંચી............

( વધુ આવતા અંકે )

રેટ કરો અને રિવ્યુ આપો

Tejal

Tejal 4 માસ પહેલા

Shefali Trivedi

Shefali Trivedi 7 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 9 માસ પહેલા

Megha

Megha 9 માસ પહેલા

Toral Patel

Toral Patel 9 માસ પહેલા