દહેશત - 15 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

દહેશત - 15

15

ભૂત-પ્રેત અને વળગાડને લગતી ટી. વી. સીરિયલ ‘દહેશત’ના સેટ પર અત્યારે ટાંકણી પડે તોય અવાજ સંભળાય એટલી શાંતિ પથરાયેલી હતી. ડાયરેકટર, કૅમેરામેન, લાઈટમેન અને ફાધર રોબિનસન પોત-પોતાની કામગીરી માટે બિલકુલ તૈયાર હતા.

રીચા ખુરશી પર બેઠી હતી, તેની સામે ટેબલ પર ‘દહેશત’ સીરિયલના પ્રોડયૂસર જોનાથનના જે મોબાઈલ ફોન પર છેલ્લે રીચાની લાશવાળો એમ. એમ. એસ. આવ્યો હતો, એ મોબાઈલ ફોન પડયો હતો. રીચાના ટેબલની પેલી બાજુ-રીચાની સામે ફાધર રોબિનસન ઊભા હતા. પ્રોગ્રામ શરૂ થવાની, રીચાને મોતનો મેસેજ આપનારા પ્રેતને ભગાડવા માટેની વિધિ શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી હતી.

રીચાએ આસપાસમાં ઉતાવળી નજર ફેરવી. એ એક રૂમનો સેટ હતો. વચ્ચે-ઉપર ઝુમ્મર લટકી રહ્યું હતું. જમણી બાજુની દીવાલ પર એક છોકરીની ફોટો ફ્રેમ લાગેલી હતી. એ છોકરી હસી રહી હતી. ડાબી બાજુના ખૂણામાં એક માણસનું મોટું પિત્તળનું પૂતળું ઊભું હતું.

રીચાએ નજર પાછી વાળીને કૅમેરા તરફ જોયું.

કૅમેરા સામે જોનાથન પોતાનો રોલ નિભાવવા માટે એકદમ તૈયાર ઊભો હતો.

ચાર...ત્રણ...બે...અને એક ! અને ડાયરેકટરના હુકમથી લાઈટ-સાઉન્ડ, કૅમેરા અને એકશન શરૂ થઈ.

જોનાથને કૅમેરા સામે જોઈ રહેતાં બોલવા માંડયું : ‘દહેશત’ સીરિયલમાં આજે ફરી એક પ્રેતને ભગાડવા માટેની વિધિ કરવામાં આવશે. પણ આ વખતે, દર વખત કરતાં એક જુદું જ પ્રેત આપણી સામે આવશે. એ છે, મોબાઈલ ફોનનું પ્રેત !’ પળવારની ચુપકીદી પછી જોનાથને આગળ કહ્યું : ‘અત્યારે અહીં જે રીચા નામની યુવતીને પરેશાન કરી રહેલા મોબાઈલ ફોનવાળા પ્રેતને ભગાડવા માટેની વિધિ થવાની છે, એ યુવતી રીચાના ચાર ફ્રેન્ડ્‌સ્‌ના ભોગ આ મોબાઈલ ફોનવાળું પ્રેત લઈ ચૂકયું છે. અને છેલ્લે મોબાઈલ ફોનવાળા પ્રેતે, રીચાના મોબાઈલ ફોનમાં, એ આજ રાતના બરાબર દસ વાગ્યા ને દસ મિનિટે રીચાનો ભોગ લેશે, રીચાને ખતમ કરશે, એવો મોતનો મેસેજ આપ્યો છે !’ જોનાથને દીવાલ ઘડિયાળ પર લાગેલી ડીજિટલ કલૉકમાં નજર નાંખીને કહ્યું : ‘અત્યારે દસ વાગ્યા ને એક મિનિટ થઈ છે. અગાઉ આ મોબાઈલ ફોનવાળા પ્રેતે રીચાના ચાર કૉલેજ ફ્રેન્ડના મોતનો જે સમય આપ્યો હતો, બરાબર એ જ સમયે એમનો ભોગ લીધો હતો. પણ આજે-અત્યારે આપણાં ફાધર રોબિનસન મોબાઈલ ફોનવાળા પ્રેતથી રીચાને બચાવશે. મોબાઈલ ફોનવાળા પ્રેતે રીચાના મોતનો જે અત્યારનો દસ વાગ્યા ને દસ મિનિટનો સમય આપ્યો છે, ઘડિયાળ આ સમય બતાવે એ પહેલાં જ ફાધર રોબિનસન મોબાઈલ ફોનવાળા પ્રેતને તગેડી મૂકશે. અને આ સાથે જ જોનાથનના ચહેરા પરથી કૅમેરા હટયો અને ફાધર રોબિનસન અને રીચા તરફ ફર્યો.

આ કૅમેરા જે શૂટ કરી રહ્યો હતો, એ સીધું જ ટી. વી. પર રજૂ થઈ રહ્યું હતું. કૅમેરાની પાછળના ભાગમાં પડેલા બે ટી. વી.ના સ્ક્રીન પર ફાધર રોબિનસન અને રીચા દેખાઈ રહ્યાં હતાં. હવે જોનાથન પણ યુનિટના બીજા સભ્યોની સાથે ઘડીકમાં ટી. વી. પર દેખાઈ રહેલા ફાધર રોબિનસન અને રીચાને જોઈ રહ્યો હતો, તો ઘડીકમાં સામે, તેમનાથી થોડાંક પગલાં દૂર જ રહેલા ફાધર રોબિનસન અને રીચાને જોઈ રહ્યો હતો.

ફાધર રોબિનસન ટેબલ પર પડેલા મોબાઈલ ફોનને તાકી રહેતાં સહેજ મોટા અવાજે પવિત્ર મંત્રો ભણવા માંડ્યા હતા. તેમના એક હાથમાં ક્રોસ હતો અને બીજા હાથમાં પવિત્ર પાણી.

રીચા ફાધર રોબિનસન તરફ એકીટશે જોઈ રહી હતી. ‘તેને આગળ શું થશે ? !’ એનો કોઈ અંદાજ નહોતો. આખાય સેટનું વાતાવરણ ભારે થઈ ગયું હતું. રીચાની નજર સામે દીવાલ પર લાગેલી ડીજિટલ ઘડિયાળ તરફ દોડી ગઈ. ઘડિયાળ દસ વાગ્યા ને બે મિનિટનો સમય બતાવીને તુરત આગળની સેકન્ડો બતાવવા માંડી.

રીચાએ ફરી પાછું ફાધર રોબિનસન સામે જોયું, ત્યાં જ ફાધર રોબિનસને પવિત્ર પાણી મોબાઈલ ફોન પર છટકાર્યું, અને એ જ પળે જાણે રીચાના કાને ડાબી બાજુથી ‘ઝુઉઉઉઉઉઉ....!’ એવો અવાજ સંભળાયો.

રીચાએ એકદમથી જ ડાબી બાજુ જોયું. ત્યાં કોઈ નહોતું. રીચા ફરી પાછી ફાધર રોબિનસન તરફ જોવા ગઈ, ત્યાં જ ફાધર રોબિનસનની પીઠ પાછળ એક પચાસેક વરસની સ્ત્રી ઊભેલી દેખાઈ. એ સ્ત્રી રીચા તરફ જોઈ રહી હતી. રીચા એ સ્ત્રી પરથી નજર હટાવવા ગઈ, ત્યાં જ એ સ્ત્રીના શરીર પર આગ ભડકી ઊઠી અને એ સ્ત્રી સળગવા માંડી. રીચા આ સ્ત્રી વિશે ફાધરને કહેવા માટે, એ સ્ત્રી પરથી નજર હટાવવા ગઈ, ત્યાં જ એ સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ !

રીચાએ ફાધર રોબિનસન સામે જોયું, એ જ પળે ફાધર રોબિનસને પવિત્ર પાણી ટેબલ પર પડેલા મોબાઈલ ફોન પર છંટકાર્યું.

અને આ વખતે રીચાને એવું લાગ્યું કે, મોબાઈલ ફોનમાંથી છમ્‌ એવોે અવાજ સંભળાયો હોય !

રીચાએ મોબાઈલ ફોન તરફ જોયું, અને તેની નવાઈ ને આંચકા વચ્ચે મોબાઈલ ફોનમાંથી ધુમાડો નીકળવા માંડયો હતો !

હવે ફાધર રોબિનસને પોતાના હાથમાંનો ક્રોસ ટેબલ પર પડેલા મોબાઈલ ફોનની બરાબર ઉપર-એકાદ ફૂટ ઉપર ધરી રાખ્યો અને કહ્યું : ‘મને ખબર છે, તું અંદર છે ! તું બહાર આવ ! હું હુકમ કરું છું, હું તને હુકમ કરું છું, બહાર આવ !’

‘હુઉઉઉઉઉ !’ રીચાને લાગ્યું કે, મોબાઈલ ફોનમાંથી અવાજ આવ્યો હતો, અને બીજી જ પળે તેને ખ્યાલ આવ્યો કે, તેની ચારે બાજુથી આ ‘હુઉઉઉઉ’નો અવાજ આવી રહ્યો હતો !

રીચાના ચહેરા પરનો ગભરાટ હવે એકદમથી વધી ગયો.

તો યૂનિટના બધાં લોકો આ અવાજ સાંભળવાની સાથે જ રીચા અને ફાધર રોબિનસન તરફ જોઈ જોઈ રહ્યાં.

રીચાની નજર જમણી બાજુની દીવાલ પર લાગેલી છોકરીની ફોટો ફ્રેમ પર પડી.

એ છોકરીનો ફોટો ન હોય પણ જાણે એ છોકરી જીવતી-જાગતી હોય એમ એના ચહેરાના ભાવ બદલાયા. એ છોકરીનો હસતો ચહેરો પીડાભર્યો બની ગયો અને એકદમથી એની બન્ને આંખો ફૂટી ને એમાંથી લોહી નીકળવા માંડયું.

‘રીચાને પરેશાન કરવાનું બંધ કર.’ ફાધર રોબિનસનનો અવાજ કાને પડયો, એટલે રીચાએ ફાધર રોબિનસન સામે જોયું.

ફાધર રોબિનસને પોતાના હાથમાંનો ક્રોસ મોબાઈલ ફોન પર ધરેલો રાખતાં કહ્યું : ‘મોબાઈલ ફોનમાંથી બહાર નીકળ અને ચાલ્યો જા.’ અનેે આ વખતે ફાધર રોબિનસનનું આ વાકય પૂરું થયું, ત્યાં જ ડાબી અને જમણી બાજુ, સ્ટેન્ડ પર મુકાયેલા મોટા બલ્બ ફૂટયા.

રોબિનસને પાછા પવિત્ર મંત્રો ભણવાના શરૂ કર્યા.

જે રીતના મોબાઈલ ફોનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો, જે રીતના ‘હુઉઉઉઉ’નો અવાજ સંભળાઈ રહ્યો હતો, અને જે રીતના એકસાથે લાઈટના બે બલ્બ ફૂટયા હતા, એ પરથી ડાયરેકટર, લાઈટમેન અને યૂનિટના એકે-એક સભ્યને ખ્યાલ આવી ગયો હતો કે, ‘મોબાઈલ ફોનનું પ્રેત તેમની સામે આવી રહ્યું હતું ! ! !’ અને એટલે બધાંના ચહેરા પર ટૅન્શન આવી ગયું હતું. આ ‘દહેશત’ સીરિયલના અગાઉના ઍપિસોડમાં ફાધર રોબિનસને ઘણાં પ્રેતોને ભગાડવા માટેની વિધિ કરી હતી, પણ એમાંથી કોઈમાં પણ આ રીતના કોઈ પ્રેતે આવો સામો જવાબ આપ્યો નહોતો, આ રીતનો સામનો કર્યો નહોતો. આ વખતનું, આ મોબાઈલ ફોનનું પ્રેત ખરેખર ભયાનક લાગતું હતું.

‘શુટિંગ ચાલુ જ રાખો !’ પ્રોડયૂસર જોનાથને કૅમેરામેનને સૂચના આપીને પછી સામેનું જે દૃશ્ય કૅમેરામાં શૂટ થઈને બાજુમાં પડેલા ટી. વી.ના સ્ક્રીન પર દેખાતું હતું, એની પર નજર નાંખી.

ફાધર રોબિનસન ટેબલ પર પડેલા મોબાઈલ ફોન પર ત્રાટક કરતા પવિત્ર મંત્રો ભણી રહ્યા હતા. ટેબલ પાસે-ખુરશી પર પથ્થરની પૂતળીની જેમ બેઠેલી રીચાનો ચહેરો ભયથી રડું-રડું થઈ રહ્યો હતો.

રીચાએ સામે લાગેલી ડીજિટલ ઘડિયાળમાં જોયું.

રાતના દસ વાગ્યા ને પાંચ મિનિટ અને ઉપર પંદર સેકન્ડનો સમય બતાવીને ઘડિયાળે સેકન્ડ આગળ વધારવાનું ચાલુ રાખ્યું.

‘મોબાઈલ ફોનવાળા પ્રેતે તેના મોતનો સમય દસ વાગ્યા ને દસ મિનિટનો આપ્યો હતો ! દસ વાગ્યા ને દસ મિનિટ થવાને હવે માંડ ચારેક મિનિટ બાકી રહી હતી ! !

‘આ ફાધર રોબિનસન તેને આ મોબાઈલ ફોનવાળા પ્રેતથી બચાવી શકશે કે, પછી...!’ અને રીચાનો આ વિચાર પૂરો થાય એ પહેલાં જ ફાધર રોબિનસને મોબાઈલ ફોન પર પવિત્ર પાણી છાંટયું.

અને આ વખતે મોબાઈલ ફોનમાંથી ધુમાડો નીકળવાનો બંધ થઈ ગયો. આની સાથે જ જે ‘હુઉઉઉઉ’નો અવાજ સંભળાઈ રહ્યો હતો, એ પણ એકદમથી જ સંભળાવાનો બંધ થઈ ગયો.

‘શું..., શું આનો મતલબ એ કે, મોબાઈલ ફોનવાળું પ્રેત ચાલ્યું ગયું હતું ? !’ વિચાર સાથે રીચાએ જોયું, તો ફાધર રોબિનસન હજુ પણ પવિત્ર મંત્રો ભણી રહ્યા હતા. જોકે, એમના ચહેરા પરનું ટૅન્શન સહેજ હળવું થયું હોય એવું લાગતું હતું.

રીચાએ ફાધર રોબિનસનના ચહેરા પરથી નજર હટાવીને આસપાસમાં જોવા માંડયું. તેની નજર ડાબી બાજુ, ખૂણામાં ઊભેલા માણસના પિત્તળના પૂતળા પર પડી.

રીચાને એવું લાગ્યું કે, એ પૂતળું સળવળ્યું. તે એકધ્યાનથી એ પૂતળા તરફ જોઈ રહી. એ પૂતળું જાણે પિત્તળનું બનેલું ન હોય પણ જીવતું-જાગતું હોય એમ એના ચહેરાના ભાવ પલટાવા લાગ્યા. એનો ચહેરો જાણે એને અસહ્ય પીડા થઈ રહી હોય એવો થયો ને બીજી જ પળે એનું મોઢું ખુલ્યું, અને..., ...અને એના ખુલેલા મોઢામાંથી એક ભયાનક વીંછી બહાર નીકળ્યો !

અને આ સાથે જ વાતવરણમાં ફરીથી પેલો ‘હુઉઉઉઉઉ...’નો અવાજ ગુંજવા માંડ્યો.

રીચા ફાધર રોબિનસન તરફ જોવા ગઈ, ત્યાં જ તેને ફાધર રોબિનસનની પીઠ પાછળ પેલી જ સ્ત્રી, જે થોડીક પળો પહેલાં સળગીને ગાયબ થઈ ગઈ હતી, એ દેખાઈ. એ સ્ત્રી સળગી રહી હતી. એ સ્ત્રી જાણે ફાધર રોબિનસનની નજીક આવવા માંગતી હોય અને એને કોઈ રોકી રહ્યું હોય એવું લાગતું હતું !

અચાનક એ સ્ત્રીના મોઢેથી એક તીણી ચીસ નીકળી ને પલકવારમાં જ એ સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ. અને આની સાથે જ રીચાને એ જગ્યા પર એક દસેક વરસની છોકરી ઊભેલી દેખાઈ. એ છોકરી પોતાની મોટી-મોટી આંખોથી રીચાને તાકી રહી હતી !

એ છોકરી રીચા તરફ આવવા લાગી.

રીચાએ ફફડતાં ફાધર રોબિનસન તરફ જોયું.

ફાધર રોબિનસન હવે વધુ મોટેથી પવિત્ર મંત્રો ભણવા માંડયા હતા. એમના ચહેરા પર પાછું ટૅન્શન આવી ગયું હતું.

રીચાએ ફરી પાછું ફાધર રોબિનસનની પીઠ પાછળ જોયું.

તેની તરફ આવી રહેલી પેલી છોકરી દેખાઈ નહિ.

રીચાની નજર દીવાલ પરની ડીજિટલ કલૉક પર પડી.

દસ વાગ્યા અને સાત મિનિટ ને ઉપર ચાલીસ સેકન્ડ થઈ ગઈ હતી !

રીચાએ પાછું ફાધર રોબિનસન તરફ જોયું.

ફાધર રોબિનસન અત્યારે હવે રીચાની પાછળ કોઈ ઊભું હોય એમ રીચાની પાછળ જોઈ રહ્યા હતા.

રીચાએ પાછું વળીને જોયું.

-તેનાથી ચારેક પગલાં દૂર-તેને પળવાર પહેલાં ફાધર રોબિનસનની પીઠ પાછળ જે દસ વરસની છોકરી દેખાઈ હતી, એ છોકરી ઊભેલી દેખાઈ.

એ છોકરી ફાધર રોબિનસન તરફ તાકી રહી હતી. એ છોકરીના ચહેરા પર ભયાનકતા હતી. અચાનક જ એ છોકરીની આંખો ફૂટી ગઈ.

રીચાએ કંપી ઊઠતાં ફાધર રોબિનસન સામે જોયું.

ફાધર રોબિનસનના ચહેરા પર ગભરાટ આવી ગયો હતો. તેમણેે પવિત્ર મંત્રો ભણવાના બંધ કરી દીધા હતા. જાણે તેઓ પથ્થરના પૂતળા બની ગયા હોય એમ સ્થિર ઊભા હતા ને એ ફૂટેલી આંખોવાળી છોકરી તરફ જોઈ રહ્યા હતા.

સેટ પર હાજર રહેલા બધાં જ લોકોની હાલત લગભગ આવી જ હતી. બધાંના ચહેરા પર ભય હતો. બધાં જાણે થીજી ગયાં હતાં. બધાં ભયથી-લાચારીથી તેમની સામે જે કંઈ બની રહ્યું હતું, એ જોઈ રહ્યાં હતાં.

એ છોકરી હવે તેની આંખો ફૂટી ગઈ હોવા છતાં જાણે રીચાને બરાબર જોઈ શકતી હોય એમ રીચા તરફ આવવા માંડી.

રીચાની નજર ડીજિટલ ઘડિયાળ તરફ દોડી ગઈ.

દસ વાગ્યા અને આઠ મિનિટ ને ઉપર વીસ સેકન્ડ થઈ ગઈ હતી.

રીચાની ભયભરી આંખોમાંથી આંસુ ટપકવા માંડયા. તે પગથી માથા સુધી કંપવા માંડી.

મોબાઈલના પ્રેતે તેના મોતનો જે સમય આપ્યો હતો, એમાં દોઢ મિનિટથી પણ ઓછો સમય બાકી રહ્યો હતો !

રીચાએ ઘડિયાળ પરથી નજર હટાવીને એ આંખો ફૂટેલી છોકરી તરફ જોયું.

-એ છોકરી રીચાની બિલકુલ નજીક આવી ચૂકી હતી !

-એ છોકરીએ પોતાનો હાથ રીચા તરફ આગળ વધાર્યો.

અને બરાબર આ જ પળે સ્ટુડિયોની બહાર, સબ ઈન્સ્પેકટર જિમીએ મોટરસાઈકલ લાવીને ઊભી રાખી. મોટરસાઈકલ પાછળ બેઠેલી સોફિયા મોટર-સાઈકલ પરથી ઊતરી અને સ્ટુડિયોના મેઈન દરવાજા તરફ દોડી. જિમી પણ મોટરસાઈકલને સ્ટેન્ડ પર ચઢાવીને સોફિયા પાછળ દોડયો.

બન્ને ‘દહેશત’ના સેટ પર પહોંચ્યા, ત્યારે બધી લાઈટો લપક-ઝપક થતી હતી. ઘડીકમાં અંધારું તો ઘડીકમાં અજવાળું થતું હતું ! આસપાસમાં કંઈ જ બરાબર જોઈ શકાતું નહોતું.

સોફિયા રીચાના નામની બૂમ પાડવા ગઈ, ત્યાં જ તેની નજર જમણી બાજુ પડી. ત્યાં, થોડાંક પગલાં દૂર રીચા ખુરશી પર બેઠી હતી અને એક છોકરી એના વાળ પકડીને, એનું માથું પાછળની તરફ ખેંચી રહી હતી.

‘રીચા !’ કહેતાં સોફિયા રીચા તરફ દોડી. જિમી પણ સોફિયા પાછળ દોડવા ગયો, પણ ત્યાં જ ઉપરથી એક લોખંડની પાઈપ આવી પડી. જિમીએ રોકાઈ જવું પડયું. અને આ જ પળે સેટની બધી લાઈટો ગુલ થઈ ગઈ ! ઘોર અંધારું છવાઈ ગયું !

ફકત અને ફકત સામેની ડીજિટલ ઘડિયાળ ચાલુ હતી ! અંધારામાં એ ઘડિયાળમાં દેખાઈ રહેલો સમય ઊડીને આંખે વળગતો હતો !

-એમાં દસ વાગ્યા ને નવ મિનિટ અને ઓગણસાઈઠ સેકન્ડનો સમય થયો હતો !

-અને આની બીજી જ પળે સાઈઠમી સેકન્ડ થઈ ગઈ !

-અને ઘડિયાળમાં એક્‌ઝેટ દસ વાગ્યા ને દસ મિનિટનો સમય થઈ ગયો !

-હા !

-મોબાઈલ ફોનવાળા પ્રેતે રીચાના મોતનો જે સમય આપ્યો હતો, એ સમય થઈ ચૂકયો હતો ! ! ! !

( વધુ આવતા અંકે )