દહેશત - 14 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દહેશત - 14

14

સોફિયાએ સબ ઈન્સ્પેકટર જિમીને કહ્યું કે, ‘‘તેજલ અને માનવનું મોત થયું એ વખતે તેને એનાબેલ જોવા મળી હતી, અને પળવાર પછી જ એ સળગી ઊઠી હતી ને પછી તેની નજર સામેથી અદૃશ્ય થઈ ગઈ હતી,’’ એટલે સબ ઈન્સ્પેકટર જિમી એનાબેલ વિશે પૂછપરછ કરવા માટે એના પાડોશીં પાસે ગયો હતો. જ્યારે સોફિયા જિમીની મોટરસાઈકલ પાસે ઊભી હતી. અત્યારે સોફિયા રીચાની િંચંતામાં હતી. રીચાને મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિએ રીચાના મોતનો સમય આજે રાતના દસ વાગ્યા ને દસ મિનિટનો આપ્યો હતો, અને દસ વાગ્યા ને દસ મિનિટ થવાને હવે ફકત બે કલાકની વાર હતી. અને હજુ સુધી સોફિયા મિસ્ડ્‌ કૉલ કરનારી એ વ્યક્તિ આખરે કોણ હતી ? ! એ શોધી શકી નહોતી, અને રીચાને બચાવવા માટે કંઈ કરી શકી નહોતી ! વળી રીચા તેને ઊંઘતી મૂકીને એના અંકલને ત્યાં બરોડા ચાલી ગઈ હતી અને તેની પાસે રીચાના અંકલનો મોબાઈલ નંબર હતો નહિ કે, તે રીચા સાથે વાત કરી શકે, એટલે તેને રીચાની વધુ ચિંતા થઈ રહી હતી.

અહીં સોફિયા, ‘રીચા એના અંકલ પાસે બરોડા ચાલી ગઈ છે,’ એમ માનીને રીચાની ચિંંતા કરી રહી હતી, ત્યારે હકીકતમાં રીચા બરોડા ગઈ નહોતી, બલકે તે આ શહેરમાં જ હતી અને ભૂત-પ્રેત અને વળગાડને લગતી ટી. વી. સીરયલ ‘દહેશત’ના પ્રોડ્યૂસર જોનાથન સામે બેઠી હતી.

‘એટલે...,’ જોનાથને રીચા સામે તાકી રહેતાં પૂછયું : ‘...એક પછી એક તારા ચાર કૉલેજ ફ્રેન્ડને ખતમ કરનાર અને હવે તને મારી નાંખવા માટે અધીરા બનેલા મોબાઈલ ફોનવાળા પ્રેતને ભગાડી મૂકવા માટેની વિધિ કરાવવા માટે તું તૈયાર છે ને ? !’

‘હા ! પણ...,’ રીચાએ પૂછયું : ‘...આમાં...આમાં મને કંઈ થશે નહિ ને ? ! એ પ્રેત મને....’

‘ના ! તને કંઈ નહિ થાય.’ જોનાથને કહ્યું : ‘આ વિધિ ભૂત-પ્રેતને ભગાડવામાં કાબેલ એવા ફાધર રોબિનસન કરશે. અત્યાર સુધીમાં મારી આ સીરિયલમાં ભૂત-પ્રેતથી પીડાતી ઓછામાં ઓછી પચીસેક વ્યક્તિઓ માટે ફાધર રોબિનસને વિધિ કરી છે અને એ બધાંમાં એમણે સફળતા મેળવી છે. એમણે એ બધી વ્યક્તિઓને પ્રેતના શિકંજામાંથી હેમખેમ છોડાવી છે.’

રીચા જોનાથન સામે જોઈ રહી.

‘તો તું તૈયાર છે ને ? !’ જોનાથને પૂછયું : ‘હવે શો શરૂ થવાને બે કલાક પણ બાકી રહ્યા નથી.’

‘હા, હું તૈયાર છું.’ રીચા બોલી.

‘ગુડ !’ જોનાથને કહ્યું : ‘હું મારા યુનિટને આ માટે તૈયાર કરી દઉં.’ અને જોનાથન ઊભો થઈને ઉતાવળે પગલે કૅબિનની બહાર નીકળી ગયો.

રીચાએ કાંડા ઘડિયાળમાં જોયું.

રાતના આઠ વાગ્યા ને ઉપર વીસ મિનિટ થઈ હતી.

મોબાઈલ ફોનવાળા પ્રેતે તેના મોતનો દસ વાગ્યા ને દસ મિનિટનો જે સમય આપ્યો હતો, એમાં એક કલાક અને પચાસ મિનિટની જ વાર હતી.

રીચાએ એક નિશ્વાસ નાંખ્યો. ‘શું જોનાથન તેને એ મોબાઈલ ફોનવાળા પ્રેતથી બચાવી શકશે કે, પછી તે પણ તેના કૉલેજ ફ્રેન્ડ કાજલ, આનંદ, તેજલ અને માનવની જેમ એ પ્રેતના હાથે મોતના મોઢામાં ચાલી જશે ? !’

અહીં રીચા આવું વિચારતી બેઠી હતી, ત્યારે ત્યાં એનાબેલના ઘરની બહાર, સબ ઈન્સ્પેકટર જિમીની મોટરસાઈકલ પાસે ઊભેલી સોફિયા રીચાની ચિંતામાં બેચેની અનુભવી રહી હતી. ત્યાં જ અત્યારે જિમી આવી પહોંચ્યો. ‘સોફિયા !’ જિમીએ કહ્યું : ‘એનાબેલની પાડોશણ ડેઈઝી પાસેથી એનાબેલ વિશે આ કેસને આગળ વધારે એવી માહિતી મળી છે.’

‘શું ? !’ સોફિયાએ અધીરાઈ સાથે પૂછયું.

‘પહેલાં તો એ કે, એનાબેલ એ રેબેકા અને મેલિસાની સગી મા નથી.’ જિમીએ કહ્યું : ‘રેબેકા અને મેલિસાની મા કૅન્સરમાં મરી ગઈ, એ પછી એમના પિતા ટોનીએ એનાબેલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નનાં થોડાંક મહિના પછી ટોનીનું કાર અકસ્માતમાં મોત થયું એ પછી એનાબેલ જ પોતાની સાવકી દીકરીઓ રેબેકા અને મેલિસાને સાચવતી હતી.’ જિમીએ રોકાઈને આગળ કહ્યું : ‘હવે એનાબેલની પાડોશણ ડેઈઝીનું કહેવું છે કે, એનાબેલ માનસિક રીતના અસ્થિર હતી. એ કયારેક રેબેકા અને મેલિસા પર સગી મા કરતાં પણ વધુ હેત વરસાવતી હતી, અને કયારેક એ રેબેકા અને મેલિસા પર કોઈ દુશ્મનની જેમ જુલમ વરસાવતી હતી. એમને એક રૂમમાં પૂરી દેતી હતી અને ખાવા-પીવાનું પણ આપતી નહોતી.’

સોફિયા જિમીની વાત એકધ્યાનથી સાંભળી રહી.

‘દસેક દિવસ પહેલાં, એનાબેલે મોટી દીકરી રેબેકાને ચપ્પુ ખોંપી દીધું અને પછી ‘‘રેબેકાને એની નાની બહેન મેલિસાએ ચપ્પુ માર્યું છે,’’ એવું જુઠ્ઠાણું ચલાવીને લોકોને બતાવવા ખાતર રેબેકાને લઈને હૉસ્પિટલે પહોંચી હતી. ત્યાં ડૉકટર ‘રેબેકાને આવી ખતરનાક રીતના ચપ્પુ કોણે માર્યું ?’ એ વિશે પૂછપરછ કરી રહ્યા હતા, ત્યાં જ હૉસ્પિટલમાં આગ લાગી અને જીવ બચાવવા માટે ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં એનાબેલ રેબેકાને પડતી મૂકીને કયાંક ભાગી ગઈ.

‘ડૉકટરોએ રેબેકાને બચાવી. અને એને એની નાની નેન્સી પાસે પહોંચાડી. નેન્સી રેબેકાને લઈને અહીં ઘરે આવી ત્યારે ઘરને તાળું લાગેલું નહોતું. રેબેકા અને એની નાની બહેન મેલિસાના રૂમના દરવાજાને બહારથી સ્ટોપર વાસેલી હતી. નેન્સીએ રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર જોયું તો એણે આઘાત અનુભવ્યો.

‘અંદર રેબેકાની નાની બહેન નેન્સી મરેલી હાલતમાં પડી હતી.’

‘ઑફ !’ સોફિયા બોલી ઊઠી : ‘તો એનાબેલે મેલિસાને પણ મારી નાંખી હતી ? !’

‘એ પુરવાર થયું નથી.’ જિમીએ કહ્યું : ‘કારણ કે, હૉસ્પિટલમાં આગ લાગી એ વખતે ભાગદોડમાં એનાબેલ રેબેકાને પડતી મૂકીને ચાલી ગઈ એ પછી અહીં ઘરે પાછી ફરી જ નથી. પોલીસમાં પકડાઈ જવાની બીકે એ કયાંક દૂર ભાગી ગઈ લાગે છે.’

સોફિયા બે પળ ચુપ રહી, પછી બોલી : ‘હા, પણ જિમી ! આમાં મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિના કેસને આગળ વધારે એવું તો કંઈ છે, નહિ !’

‘છે !’ જિમી બોલ્યો : ‘એનાબેલ માનસિક રીતના અસ્થિર હતી. એ મારી બહેન સુઝેન પાસે એની સારવાર કરાવી રહી હતી.’

‘એટલે તારી બહેન સુઝેન માનિસક રોગોની ડૉકટર હતી ?’

‘હા !’ જિમીએ કહ્યું : ‘મારી બહેન સુઝેનનું મોત થયું એ પહેલાં સુઝેનના મોબાઈલ ફોન પર એનાબેલના મોબાઈલ ફોન પરથી મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો અને સુઝેને એનાબેલ સાથે વાત કરી હતી.’ જિમીએ નિશ્વાસ નાંખતાં કહ્યું : ‘હવે મારું એવું માનવું છે કે, સુઝેન ચોકકસ એનાબેલ વિશેની કોઈક એવી વાત જાણી ગઈ હતી કે, એનાબેલે સુઝેનને મારી નાંખી.’

સોફિયા જિમી સામે જોઈ રહી, એની વાત સાંભળી રહી.

‘માનિસક રીતના અસ્થિર એનાબેલે સુઝેનને મારી નાંખ્યા પછી પોતાનો આ ખૂની ખેલ આગળ વધાર્યો. તેણે સુઝેનના મોબાઈલ ફોન પરથી કાજલના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ કર્યો, એને મોતનો મેસેજ આપ્યો અને એને ખતમ કરી. પછી એણે આ જ રીતના મિસ્ડ્‌ કૉલ કરીને આનંદ, તેજલ અને માનવને ખતમ...’

‘હા, પણ એનાબેલ મારા આ બધાં ફ્રેન્ડને આ રીતના શા માટે ખતમ કરે ? !’ સોફિયા બોલી ઊઠી : ‘મને ખ્યાલ છે, ત્યાં સુધી મને કાજલ, આનંદ, તેજલ અને માનવના મોઢેથી કદી પણ એનાબેલનું નામ સંભળવા મળ્યું નથી. પછી એ કયા કારણસર એમને આ રીતના ખતમ કરે ?’

‘મારું માનવું છે કે, માનિસક રીતના અસ્થિર એનાબેલને આ જાતનો ખૂની ખેલ ખેલવામાં આનંદ મળતો હશે.’ જિમીએ કહ્યું, ‘અને આ વિશેની કોઈક ચોકકસ કડી આપણને સુઝેનની ઑફિસમાંથી જાણવા મળી શકે. સુઝેનની ઑફિસમાં, એનાબેલની સારવારને લગતી ફાઈલમાં નજર નાંખીશું તો આપણને એમાંથી કંઈક જાણવા મળી જ જશે.’ અને આટલું કહેતાં જ જિમી મોટરસાઈકલ પર સવાર થયો : ‘ચાલ, આપણે સુઝેનની ઑફિસે પહોંચી જઈએ.’ અને જિમીએ મોટર સાઈકલની કીક મારી.

સોફિયા જિમીની પાછળ મોટર સાઈકલ પર બેઠી.

જિમીએ મોટર સાઈકલ સુઝેનની ઑફિસ તરફ દોડાવી.

સોફિયાએ કાંડા ઘડિયાળમાં જોયું. રાતના આઠ વાગ્યાને ઉપર ત્રીસ મિનિટ થઈ હતી. રાતના દસ વાગ્યા ને દસ મિનિટ થવાને, મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિએ રીચાનો મોતનો જે સમય આપ્યો હતો એને હવે એક કલાક અને ચાલીસ મિનિટની વાર હતી !

૦ ૦ ૦

રાતના પોણા નવ વાગ્યા હતા. ટી. વી. સ્ટુડિયોમાં ચહેલ- પહેલ હતી. ભૂત-પ્રેત અને વળગાડને લગતી ટી વી. સીરિયલ ‘દહેશત’ સવા કલાક પછી, બરાબર દસ વાગ્યે શરૂ થવાની હતી અને આ માટેની તૈયારી થઈ રહી હતી. આ સીરિયલનો પ્રોડયૂસર જોનાથન ખૂબ જ ઉત્સાહમાં હતો.

જ્યારે આજે જેની પર ભૂત-પ્રેતને ભગાડવા માટેની વિધી કરવામાં આવવાની હતી, એ રીચા ચુપચાપ આ બધી ચહેલ-પહેલ જોતી બેઠી હતી. તેના ચહેરા પર ‘આખરે તેનું શું થશે ? એ મિસ્ડ્‌ કૉલવાળી વ્યકિતએ તેના મોતના આપેલા સમય દસ વાગ્યા ને દસમી મિનિટે તેનું મોત થઈ જશે ? કે પછી તે બચી જશે અને દસ વાગ્યા ને દસ મિનિટ પછીની પળો-જિંદગી જીવી શકશે ?’ એ સવાલ તરવરતો હતો.

૦ ૦ ૦

રાતના નવ વાગ્યા ને પચીસ મિનિટ થઈ હતી.

સબ ઈન્સ્પેકટર જિમી પોતાની નાની બહેન-માનસિક રોગોની ડૉકટર સુઝેનની ઑફિસમાં બેઠો હતો, અને કૉમ્પ્યુટર પર એનાબેલની ફાઈલ ચેક કરી રહ્યો હતો. તો સોફિયા બાજુની ખુરશી પર રીચાના વિચારોમાં જ બેઠી હતી, ત્યાં જ તેના કાને અવાજ પડયો, ‘આજે, થોડીક મિનિટોમાં જ તમને જોવા મળશે, ટી. વી. સીરિયલ ‘દહેશત’માં એક મોબાઈલ ફોનનો, મિસ્ડ્‌ કૉલનો માનવામાં ન આવે એવો ગજબનાક કિસ્સો !’

અને આ સાંભળતાં જ સોફિયાની નજર સામે લાગેલા ટી. વી. તરફ દોડી ગઈ.

તો જિમીનું ધ્યાન પણ ટી. વી.ના સ્ક્રીન તરફ ખેંચાયું.

ટી. વી.ના સ્ક્રીન પર રીચા દેખાઈ રહી હતી અને પાસે જોનાથન ઊભો હતો. જોનાથન આગળ બોલ્યો : ‘આ છે, રીચા ! રીચાના મોબાઈલ ફોન પર એક પ્રેતનો મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો ! મિસ્ડ્‌ કૉલ કરનારા પ્રેતે રીચાનું મોત આજે રાતના દસ વાગ્યા ને દસ મિનિટે થશે, એવો મોતનો મેસેજ આપ્યો છે.

‘અગાઉ આ મોબાઈલ ફોનવાળા પ્રેતેે રીચાના ચાર કૉલેજ ફ્રેન્ડ્‌સ કાજલ, આનંદ, તેજલ અને માનવના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ કર્યા હતા, અને એમના મોતનો સમય આપ્યો હતો અને બરાબર એ જ સમયે એમને મારી નાંખ્યા હતા.

‘પણ આજે., આજે ‘દહેશત’ સીરિયલમાં ફાધર રોબિનસન મોબાઈલ ફોનવાળા પ્રેતને સામે લાવશે અને એના આ ખૂની ખેલ પાછળનું કારણ જાણીને, એ પ્રેતને ભગાડી મૂકશે અને રીચાને બચાવી લેશે.

‘હા, આ ગજબનાક કિસ્સો થોડીક વારમાં જ ટી વી. પર ‘દહેશત’માં લાઈવ જોવા મળશે.’

અને આ સાથે જ ટી વી પરથી રીચા અને જોનાથનના દૂર થયા અને જાહેરખબરો આવવા માંડી.

‘જિમી !’ સોફિયાએ જિમી સામે જોતાં કહ્યું : ‘આ રીચાએ તો ચિઠ્ઠીમાં લખેલું કે, એ એના અંકલ પાસે બરોડા ગઈ છે ને એ આ સીરિયલમાં કયાં પહોંચી ગઈ ?’

‘મને લાગે છે કે, આપણે એની પાસે પહોંચી જવું જોઈએ.’ જિમીએ કહ્યું.

‘હા !’ કહેતાં, ઑફિસના દરવાજા તરફ આગળ વધતાં સોફિયાએ જોયું તો રાતના પોણા દસ વાગ્યા હતા.

મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિએ રીચાના મોતનો જે સમય આપ્યો હતો એને હવે ફકત પચીસ મિનિટની વાર હતી.

‘લે, તું મારા મોબાઈલ ફોન પરથી જોનાથનના મોબાઈલ ફોન પર કૉલ લગાવ અને રીચા સાથે વાત કર કે, આપણે ત્યાં પહોંચીએ છીએ.’ જિમીએ સોફિયાના હાથમાં પોતાનો મોબાઈલ ફોન આપ્યો અને મોટર સાઈકલ પર સવાર થયો.

સોફિયા જિમીની પાછળ મોટર સાઈકલ પર બેઠી, એ સાથે જ જિમીએ સ્ટુડિયો તરફ મોટર સાઈકલ દોડાવી અને ત્યારે તેના મનમાં એ વાત સળવળી ઊઠી કે, ‘અહીંથી સ્ટુડિયો પહોંચતાં ઓછામાં ઓછી પચીસેક મિનિટ થાય એમ હતી અને રીચાને મિસ્ડ્‌ કૉલવાળી વ્યકિતએ મોતનો સમય આપ્યો હતો એને પણ ચોવીસ-પચીસ મિનિટની જ વાર હતી.

‘એ મિસ્ડ્‌ કૉલવાળી વ્યકિત રીચાના જીવને નુકશાન પહોંચાડે એ પહેલાં શું તે રીચા પાસે પહોંચી શકશે ? ! એને બચાવી શકશે ?’

૦ ૦ ૦

ટી. વી. સ્ટુડિયોમાં ભૂત-પ્રેત અને વળગાડને લગતી ટી. વી. સીરિયલ ‘દહેશત’ને લાઈવ રજૂ કરવા માટેની તૈયારી થઈ ચૂકી હતી. ડાયરેકટર, કૅમેરામેન, લાઈટમેન વગેરે પોત-પોતાની જવાબદારી નિભાવવા માટે તૈયાર થઈ ચુકયા હતા.

એક તરફ બેઠેલી રીચાનો મેકઅપ ચાલી રહ્યો હતો, ત્યાં જ ફાધર રોબિનસન આવી પહોંચ્યા.

‘રીચા ! હું ફાધર રોબિનસન.’ ફાધર રોબિનસને પોતાની ઓળખાણ આપી.

રીચાએ જોયું તો ફાધર પંચાવન વરસના લાગતા હતા.

‘ફાધર ! આમાં...’ રીચા બોલવા ગઈ, ત્યાં જ ફાધર રોબિનસને કહ્યું : ‘હું બધું જાણું છું. તું બેફિકર રહે. ઈસુ બધું સારું કરશે.’

સાંભળીને રીચાએે થોડીક રાહત અનુભવી, ત્યાં જ ‘રીચા તારો ફોન છે !’ કહેતાં જોનાથને તેની સામે મોબાઈલ ફોન ધર્યો. મોબાઈલ ફોન જોતાં જ તે ચોંકી.

‘તારી ફ્રેન્ડ સોફિયાનો કૉલ છે.’ જોનાથને કહ્યું.

સોફિયાએ જોનાથનનો મોબાઈલ ફોન લઈને કાને ધર્યો અને ‘હેલ્લો !’ બોલી, ત્યાં જ સામેથી સોફિયાનો અવાજ સંભળાયો : ‘રીચા ! આ તું શું કરી રહી છે ? તારે...’

‘સોફિયા !’ રીચા બોલી : ‘મને લાગે છે કે, મોબાઈલ ફોનવાળા પ્રેતથી બચવા માટેનો આ એક જ રસ્તો છે !’

‘તું શાંતિ ને હિંમત રાખ !’ મોબાઈલ ફોનમાંથી સોફિયાનો અવાજ સંભળાયો : ‘હું ત્યાં તારી પાસે જ પહોંચી રહી છું.’

રીચાએ જવાબ આપ્યો નહિ. તેણે કૉલ કટ્‌ કરીને મોબાઈલ ફોન જોનાથનના હાથમાં આપ્યો.

‘ચાલ ! પ્રોગ્રામ શરૂ થવાને બે મિનિટની વાર છે.’ જોનાથને કહ્યું, એટલે રીચા ઊભી થઈ.

અને રીચાને એક ટેબલ પાસેની ખુરશી પર બેસાડવામાં આવી. જોનાથનના જે મોબાઈલ ફોન પર છેલ્લે રીચાની લાશવાળો એમ. એમ. એસ. આવ્યો હતો, એ મોબાઈલ ફોન રીચાની સામે-ટેબલ પર મૂકવામાં આવ્યો.

ડાયરેકટર, કૅમેરામેન, લાઈટમેન અને ફાધર રોબિનસન તૈયાર થયા.

અને પ્રોગ્રામ શરૂ થવાની, રીચાને મોતનો મેસેજ આપનારા પ્રેતને ભગાડવા માટેની વિધિ શરૂ થવાની ઘડીઓ ગણાવા લાગી !

( વધુ આવતા અંકે )