Sachi Samaj books and stories free download online pdf in Gujarati

સાચી સમજ

ઉત્તરાયણ મારો ખૂબ જ પ્રિય તહેવાર. ઉત્તરાયણને બે મહિનાની વાર હોય તોય, સાંજે સ્કૂલેથી ઘરે આવીને, ફીરકી પતંગ હાથમાં લઈ હું સીધો ઘરનાં ધાબા પર પતંગ ચગાવવાં જતો રહેતો. મારા ઘરની બાજુમાં રહેતો જીતેષ પણ મારા જેમ પતંગ ચગાવવાંનો શોખીન. એ પણ મારી જેમ સ્કૂલેથી આવીને સીધો જ ધાબા પર ચડી જાય. પણ અમારી બંને વચ્ચે છત્રીસનો આંકડો. અમે બંને એકબીજા સાથે પેચ લડાવીએ અને જો મારો પતંગ કપાય જાય તો હું એની સાથે ઝગડું અને એનો પતંગ કપાય જાય તો એ મારી સાથે ઝગડે. દર વર્ષે અમારી આ મગજમારી હોય જ. એ સમયે હું ચોથા ધોરણમાં ભણતો'તો અને જીતેષ બીજા ધોરણમાં ભણતો'તો.

બે વર્ષ પછી જીતેષ અને તેનો પરિવાર બીજા શહેરમાં રહેવા જતો રહ્યો. એ સમયે મોબાઈલની સગવડ પણ નહોતી, એટલે કોઈ કોન્ટેકટમાં ન હતાં.

આશરે બારેક વર્ષ વીતી ગયા. એક દિવસ રવિવારે સાંજે હું મોલમાં ખરીદી કરવા ગયો. અચાનક પાછળથી મને મારા નામની બૂમ સંભળાઈ. મેં પાછળ જોયું તો, જીતેષ હતો. કુદરત ક્યાં, કેવી રીતે અને કોની સાથે મેળવી દે છે એની ખબર જ નથી હોતી. અમે બંનેએ એકબીજા સાથે હેન્ડશેક કર્યા. મેં પૂછ્યું, 'જીતેષ તું અહીં ક્યાંથી ?' જવાબમાં એને છ મહિનાથી અમદાવાદ પાછા રહેવા આવતા રહ્યા હોવાનું જણાવ્યું. મેં ફરી પૂછ્યું , 'તું અત્યારે શું કરે છે ?'. 'હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું.' જવાબમાં જીતેષે કહ્યું અને એને મને પૂછ્યું, 'તું શું કરે છે ? જોબ કે, બિઝનેસ ?' 'હું કોમ્પ્યુટર ટીચર છું. પોતાનો જ એક ક્લાસિસ છે.' મેં કહ્યું અને થોડી ઔપચારિક વાતો કરી એકબીજાનાં પરિવારનાં ખબર અંતર પૂછ્યા અને એકબીજાને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું અને એકબીજાનાં મોબાઈલ નંબરની આપલે કરી છૂટા પડ્યા. એ પછી ક્યારેક ક્યારેક મારી અને જીતેષ વચ્ચે ફોનમાં વાતચીત થતી રહેતી. ઘણીવાર જીતેષ મને મળવા મારા ક્લાસિસ પર પણ આવતો હતો.

એકદિવસ બપોરે ફ્રી ટાઈમમાં હું મારા મોબાઇલમાં વોટ્સએપ સ્ટેટસ જોતો હતો. મેં જીતેષનું સ્ટેટસ પણ જોયું. જીતેષે એકદમ ઉદાસી ભરી શાયરી વાળું સ્ટેટસ મૂક્યું હતું. જો કે એણે આવું સ્ટેટસ પહેલી વખત નહોતું મૂક્યું. છેલ્લા અઠવાડિયાથી એ આવા સ્ટેટસ મૂકતો હતો. પણ મેં ધ્યાનમાં નહોતું લીધું, પણ આ વખતે મને એનાં સ્ટેટસ પરથી શંકા ગઈ કે, નક્કી જીતેષ કોઈનાં એકતરફી પ્રેમમાં છે, કાં તો પછી કોઈએ એને દગો આપ્યો છે.

મેં સ્ટેટસનાં રિપ્લેમાં પૂછ્યું, 'શુ વાત છે ભાઈ, આવા સ્ટેટસ કેમ મૂકે છે ? કોઈ છોકરીએ દગો આપ્યો છે કે શું ?'

'ના ભાઈ, એવું કંઇ નથી. બસ, ખાલી એમ જ મૂક્યું છે.' મેસેજનો રિપ્લે આપતાં જીતેષે મને કહ્યું. મને પણ વધારે પૂછવું ઉચિત ન લાગ્યું એટલે ઓકે કહીને, થોડીવાર બીજી આડીઅવળી વાતો કરી અને એકબીજાને બાય કહ્યું અને ઓફલાઇન થઈ ગયા. પણ હું એનાં સ્ટેટસ દરરોજ જોતો હતો.

આઠ થી દસ દિવસ સુધી સતત મેં જીતેષનાં સ્ટેટસ ચેક કર્યા. રોજેય ઉદાસી ભરી શાયરી જ એનાં સ્ટેટસમાં મને જોવા મળતી હતી. હવે મારાથી ન રહેવાયું. કોઈને તકલીફમાં મદદ કરવામાં હું હંમેશા આગળ જ રહેતો. મેં ફરી જીતેષને પૂછ્યું, 'સાચું બોલ જીતેષ, આવા સ્ટેટસ કોઈ એમ જ ના મૂકે. કઈંક તો છે જ.' પહેલા તો જીતેષે કંઈ ના કહ્યું. પણ મેં એને કહ્યું, 'તું મને તારો પાક્કો મિત્ર સમજીને કહે. બાકી તું ના કહે કે, કંઈ જ નથી એ વાત ખોટી.' 'સારું, રૂબરૂ મળીને કહીશ. પણ હું જે વાત કરું એ કોઈને કહેતો નહીં.' જીતેષે કહ્યું. 'અરે ભાઈ, વિશ્વાસ રાખજે કોઈને નહીં કહું. બોલ, ક્યારે મળીશ ?' મેં પૂછ્યું. 'આ રવિવારે મળીએ.' જવાબમાં જીતેષે કહ્યું.

ઉતરાયણને એક અઠવાડિયું જ બાકી હતું. અમારી વાતચીત થયાનાં પછીનાં રવિવારે બપોરે જમીને હું દોરી રંગાવા ગયો. દોરી કમ્પ્લેટ થતા ત્રણેક કલાક થાય એમ હતા. મેં જીતેષને ફોન કર્યો, 'ક્યાં છે ભાઈ ?' 'ઘરે જ છું.' જીતેષે કહ્યું. મેં એને દોરી રંગવા વાળાની દુકાનનું સરનામું આપ્યું અને મળવા આવવા કહ્યું. લગભગ અડધો કલાકમાં જીતેષ આવ્યો. દુકાનની બાજુમાં જ પાનનો ગલ્લો હતો. અમે બંને પાનનાં ગલ્લે જઈ સાદું કલકત્તી પાન ખાધું અને થોડી નોર્મલી વાતો કરી. પછી અમે બંને દોરી રંગવા વાળાની દુકાનની સામેની એક બંધ દુકાનનાં ઓટલે ગયા. મેં વાતની શરૂઆત કરતા પૂછ્યું, 'બોલ જીતેષ, હવે મને કે શું વાત છે ?'

થોડીવાર મૌન રહ્યા બાદ જીતેષે કહ્યું, 'મારી સાથે જોબ કરતી આકાંક્ષાને હું પ્રેમ કરું છું. પણ આકાંક્ષા મને પ્રેમ નથી કરતી.' જીતેષને પણ મને કહેતા સહેજેય અચકાટ ન અનુભવાતો હોય અને એ મને પોતાનો જ માનતો હોય એમ એને મારી આગળ પોતાનું દિલ ખુલ્લુ કરી દીધું.

જીતેષની વાત પરથી સ્પષ્ટ સાબિત થતું હતું કે, જીતેષનો એકતરફી પ્રેમ છે. અને આકાંક્ષા બીજા કોઈને પ્રેમ કરતી હોય એવું પણ બની શકે.'શું આકાંક્ષા કોઈ બીજાને પ્રેમ કરે છે ?' મેં પૂછ્યું.

'હા, એ એનાં કોલેજ ફ્રેન્ડ જીગરને પ્રેમ કરે છે.' જીતેષનો ચહેરો સાવ કરમાઈ ગયેલા ફૂલ જેવો થઈ ગયો હતો.

'આ વાત ખુદ આકાંક્ષાએ તને કરી છે કે, પછી તને બીજા કોઈ દ્વારા જાણવા મળી છે ?' મેં પૂછ્યું.

'મેં જ્યારે આકાંક્ષાને પ્રપોઝ કર્યો ત્યારે આકાંક્ષાએ મને કહ્યું કે, સોરી જીતેષ, હું બીજા કોઈને પ્રેમ કરું છું. હું અને મારો કોલેજ ફ્રેન્ડ જીગર અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને મેરેજ પણ કરવાનાં છીએ. જીતેષ, આપડે સારા મિત્ર બનીને રહીશું. આવું ખુદ મને આકાંક્ષાએ કહ્યું છે.' તે થોડીવાર મૌન રહ્યો. મેં પણ એને મૌન રહેવા દીધો. થોડીવાર મૌન રહ્યા બાદ, 'આકાંક્ષા વગર મારુ જીવન અધૂરું છે. એનાં વગર હું બાકીની જિંદગી કેમ કરીને કાઢીશ.' એની આંખોમાં ભલે આંસુનું એક પણ ટીપું નહોતું, પણ તેનું હૃદય ચોધાર આંસુએ રડતું હતું.

મેં એનાં ખભા પર હાથ મૂકી કહ્યું, 'જો દોસ્ત, પ્રેમ કદી પણ પરાણે ન થાય અને જરૂરી નથી કે, આપડે જેને પ્રેમ કરીએ એ પણ આપણને જ પ્રેમ કરે. સાચો પ્રેમ તો એને કહેવાય કે, આપડે જેને પ્રેમ કરતા હોઈએ એની ખુશીથી વિશેષ આપડા માટે બીજું કશું જ ન હોય. પછી ભલે એ વ્યક્તિ આપણી જિંદગીમાં આવે કે ન આવે. અને બીજી એક વાત કે, આકાંક્ષા સારી અને વફાદાર છોકરી કહેવાય કે, ખુદ એને જ તને પોતાનાં પ્રેમ સંબંધની જાણ કરી દીધી અને તારી સાથે મિત્રતા રાખવાનું કહ્યું. તે ધારેત તો તારાથી જીગર સાથેનાં પ્રેમ સંબંધની વાત છુપાઈ પણ શકતી'તી. મારે તને વધારે સમજાવવાની જરૂર નથી. તું બહુ સમજદાર છે.'

થોડીવાર અમારા બંને વચ્ચે મૌન છવાયેલું રહ્યું. લગભગ દસેક મિનિટ બાદ જીતેષ બોલ્યો, 'તારી વાત સો ટકા સાચી છે. તારી વાત મને પૂરેપૂરી ગળે ઉતરી ગઈ છે. થેન્કયું દોસ્ત, સાચી સમજ આપવા માટે.'

આ વાત પછી જીતેષ ને મારા વચ્ચે ગાઢ દોસ્તી થઈ ગઈ. આજે જીતેષનાં લગ્ન થયાને ચાર વર્ષ થઈ ગયા. જીતેષ અને એની પત્ની બંને એકબીજાથી ખુશ છે.

- મનીષ ચુડાસમા

"સ્નેહનું પવિત્ર ઝરણું"

૦૭૦૮૨૦૨૧

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED