લેખક : - મનીષ ચુડાસમા
“સ્નેહનું પવિત્ર ઝરણું”
સવારનાં દસ વાગ્યા હતાં. ધીમો ધીમો વરસાદ વરસતો હતો. મૌલિક અને પ્રીતિ અમદાવાદનાં બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતાં ઊભા હતાં. મૌલિક પ્રીતિનાં મામાની છોકરી ડિમ્પલને જોવા જતો હતો.
પ્રીતિનાં પિતા ધનજીભાઈએ સવારે જ ફોન કરીને મૌલિકનાં પિતા શંકરભાઈને કહ્યું, “હું વ્યવહારિક કામે બોટાદ આવ્યો છું અને અત્યારે મારા સાળાનાં ઘરે છું. જો મૌલિક અને તમે લોકો આજે બોટાદ આવી જાવ તો જોવાનું ગોઠવીએ એટલે મારે બીજો ધક્કો નહિ.”
ધનજીભાઈ અને શંકરભાઈ કુટુંબી ભાઈઓ થતાં હતાં. બંને અમદાવાદમાં જ રહેતાં હતાં. પ્રીતિનું સાસરું પણ અમદાવાદમાં જ હતું. ૧૫ દિવસ પહેલાં ધનજીભાઈએ એનાં સાળાની છોકરી ડિમ્પલની વાત મૌલિક માટે ચલાવી હતી.
“એક કામ કરું, અત્યારે મૌલિકને એકલો જ મોકલું છું. જો એકબીજાને ગમે તો પછી આવવાનું થશે જ ને.”
“સારું, તો હું પ્રીતિને કહું છું, એ પણ જોડે આવે.”
“ભલે, વાંધો નહિ.” કહીને શંકરભાઈએ ફોન મૂકી દીધો.
ડિમ્પલ સુશિલ, સંસ્કારી અને સમજદાર છોકરી હતી. ૬ વર્ષની ઉંમરે જ એને મા ની છત્રછાયા ગુમાવી દીધી હતી. એની મા છૂટાછેડા લઈ, ડિમ્પલને સાસરીમાં સોપતી ગઈ હતી. પિતા અને દાદા ડિમ્પલને સાચવતાં.
૧ વર્ષ પછી ડીમ્પલનાં પિતાએ બીજા લગ્ન કર્યા. નવી મા ડિમ્પલને સવારે ૫:૦૦ વાગ્યે ઉઠાડતી, ઘરનું કામ કચરા-પોતા, વાસણ વગેરે કરાવતી. ડિમ્પલ સોપેલું કામ કરી આપતી, તોય ઉપરથી એને નવી મા નો માર ખાવો પડતો હતો. પિતા જયસુખભાઈનું નવી પત્ની પાસે કંઈ ચાલતું નહોતું.
એક દિવસ ડિમ્પલ નવી મા નાં ત્રાસથી કંટાળીને સવારે ઘરેથી ભાગી ગઈ. આખો દિવસ શોધી, પણ ડિમ્પલનો ક્યાંય પત્તો ન લાગ્યો. આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ. મોડી રાત્રે ડિમ્પલ સાળંગપુર હનુમાનજીનાં મંદિરેથી મળી આવી.
ડિમ્પલનાં કાકા-કાકીએ નક્કી કરી લીધું કે, ડિમ્પલને હવે આપડી સાથે જ રાખીશું. ડિમ્પલનાં કાકા-કાકી પણ બોટાદમાં જ રહેતા હતાં. કાકા-કાકીએ જયસુખભાઈને પોતાનાં મનની વાત જણાવી. જયસુખભાઈએ કાકા-કાકીનાં નિર્ણયને લીલી ઝંડી બતાવી દીધી. કાકા-કાકી ડિમ્પલને પોતાનાં ઘરે લઈ ગયાં અને બંનેએ ડિમ્પલની તમામ જવાબદારી પોતાનાં માથે લઈ લીધી. ડિમ્પલને ભણાવી ગણાવી મોટી કરી. ડિમ્પલનાં લગ્ન પણ કાકા-કાકીએ જ કરવાનું નક્કી કર્યું હતું.
મૌલિક પણ સુશિલ અને સંસ્કારી હતો. નાનપણથી જ સેવાભાવી અને લાગણીશીલ હતો. મા-બાપનો એકનો એક હતો. મૌલિક ફોટોગ્રાફીનો બિઝનેસ પોતાનાં ઘરેથી જ કરતો હતો અને વેલસેટ હતો.
મૌલિક અને પ્રીતિ બપોરે ૨:૦૦ વાગ્યે બોટાદ પહોંચ્યા. ડિમ્પલ પાણી લઈને આવી. બંનેની આંખો મળી ગઈ. બે જુવાન હૈયામાં પ્રેમની કૂંપળ ફૂટી.
સાંજે ૪:૦૦ વાગ્યે મૌલિક અને પ્રીતિ પાછા અમદાવાદ આવવા નીકળી ગયાં.
રસ્તામાં પ્રિતીએ પૂછ્યું “ભાઈ, કેવી લાગી મારી બેન ડિમ્પલ ?”
“મને તો ગમે છે, પણ ડિમ્પલને હું પસંદ છું કે નહિ, એતો હવે ડિમ્પલને જ ખબર. જોઈએ શું જવાબ આવે છે.”
“ભાઈ, એને પણ તું ગમે છે. મે એને પૂછી લીધું છે. હવે આગળની વાત પપ્પા મામા સાથે અને તારા પપ્પા સાથે કરશે.”
“ઓહ... બહુ હોશિયાર હોં બાકી તું.” મૌલિક તો બસમાં જ ડિમ્પલનાં સપના જોવા લાગ્યો. આખો દિવસ ડિમ્પલનાં જ વિચારોમાં ખોવાયેલો રહેતો હતો.
આ બાજુ ડિમ્પલની હાલત પણ મૌલિક જેવી હતી. આખો દિવસ મૌલિકનાં સપના જોયા કરતી. એનાં જ વિચારોમાં ખોવાયેલી રહેતી.
આ વાતને અઠવાડિયું વીતી ગયું, પણ બોટાદથી ડિમ્પલનાં કાકાનો કોઈ જવાબ આવ્યો નહિ. ધનજીભાઈએ ફોન કર્યો. ડિમ્પલનાં કાકાએ કહ્યું, “છોકરો ડિમ્પલને નથી ગમતો.” ધનજીભાઈએ વધારે ચર્ચા ન કરી અને ફોન મૂકી દીધો, પણ ધનજીભાઈને ડિમ્પલનાં કાકાનો જવાબ મગજમાં ન ઉતર્યો. ધનજીભાઈ વિચારમાં પડી ગયાં, ‘ડિમ્પલને મૌલિક ગમતો હતો, તો પછી ના કેમ પાડી ?’
ધનજીભાઈએ પ્રીતિને કહ્યું, “એક કામ કરજે. તું કાલે ડિમ્પલને ફોન કરજે અને ના પાડવાનું સાચું કારણ જાણવાની કોશિશ કરજે, પછી જ હું મૌલિકનાં પપ્પાને જવાબ આપીશ.”
બીજે દિવસે બપોરે પ્રીતિએ ડિમ્પલને ફોન કર્યો. થોડી ઔપચારિક વાતો કરી અને પછી પૂછ્યું, “તને મૌલિક ગમે છે, તો પછી ના કેમ પાડી ? અને મૌલિકને પણ તું પસંદ છે.”
“હું આનો જવાબ નહીં આપી શકું. મને બીજીવાર ન પૂછતાં. પ્લીઝ બેન.” કહીને ડિમ્પલે ફોન મૂકી દીધો. ડિમ્પલનાં અવાજમાં એક મજબૂરી છુપાયેલી હતી.
ધનજીભાઈ કે પ્રીતિને સાચું કારણ જાણવા ન મળ્યું અને ફરીવાર બંનેમાંથી એકેયે ડિમ્પલની ના પાડવાનું કારણ જાણવાની ચેષ્ઠા દાખવી ન હતી, પણ એટલો તો અંદાજ આવી ગયો કે, ‘ડિમ્પલે પોતાનાં મનથી ના નથી કહી. ના પાડવા પાછળનું કંઈક કારણ છે.’
ધનજીભાઈએ મૌલિકનાં પપ્પાને ડિમ્પલનાં કાકાનાં જવાબની જાણ કરી દીધી.
“બેટા, બોટાદથી ના આવી છે.” શંકરભાઈએ મૌલિકને કહ્યું.
ના સાંભળી મૌલિકનાં પગ નીચેથી જમીન ખસી ગઈ. એને જોયેલા સપનાઓ કાચ તૂટે એમ તૂટી ગયાં. થોડા દિવસ એનું ક્યાય મન ન લાગ્યું. એનાં મનમાં એક જ વિચાર વારંવાર આવતો, ‘હું ડિમ્પલને પસંદ હતો, તો પછી ના કેમ પાડી ?’ થોડા દિવસ એ ચેનથી ઊંઘી ન શક્યો. ડિમ્પલ સાથે વાત કરવા મૌલિકે ફેશબુક અને ઈન્સ્ટાગ્રામમાં ડિમ્પલને બહુ શોધી, પણ ડિમ્પલનું એકાઉન્ટ મળ્યું નહિ.
આ વાતને ૬ મહિના વીતી ગયાં. દશામાંનું વ્રત આવ્યું. મૌલિકનાં મમ્મી અને પ્રીતિ દર વર્ષે દશામાનું વ્રત રહેતાં હતાં અને બધા ભેગા મળીને જાગરણ મૌલિકનાં ઘરે જ કરતાં હતાં.
આ વર્ષે ડિમ્પલ જાગરણ કરાવવા પ્રીતિનાં ઘરે આવી હતી, પણ એને ખબર નહોતી કે, જાગરણ કરવાં મૌલિકનાં ઘરે જવાનું છે.
રાત્રે સૌ મૌલિકનાં ઘરે ગયાં. ડિમ્પલ પણ સાથે ગઈ. ડિમ્પલને જોઈને મૌલિકની થીજેલી લાગણીઓ પીગળવા લાગી. હૃદયની ધડકન બમણી ગતિએ ધબક્વા લાગી.
સૌએ ૨-૨ ની જોડી બનાવી ચોપાટ રમવાનું શરૂ કર્યું. મૌલિક અને ડિમ્પલ પણ આ રમતમાં સામેલ હતાં. રમતાં રમતાં બંને ચોરી નજરે એકબીજા સામે જોઈ લેતાં. ડિમ્પલને મૌલિકની આંખોમાં પોતાનાં માટે પ્રેમ દેખાતો હતો અને મૌલિકને ડિમ્પલની આંખોમાં પ્રેમ સાથે એક મજબૂરી.
સવારે ૫:૦૦ વાગ્યે મુર્તિ વિસર્જન કરીને સૌ પોતપોતાનાં ઘરે જઈને સૂઈ ગયાં. બીજે દિવસે બપોરે મૌલિક પ્રીતિનાં ઘરે ગયો. પ્રિતીએ કહ્યું, “ભાઈ, મજા આવી કાલે જાગરણ કરવાની ? મને બધી ખબર છે હોં કાલ રાતની.” કહી પ્રીતિએ એક નજર બેડ પર બેઠેલી ડિમ્પલ તરફ કરી. ડિમ્પલ નીચું જોઈ ગઈ.
ડિમ્પલ હજી બે દિવસ રોકાવાની હતી. પ્રીતિ, યોગેશકુમાર (પ્રીતિનાં હસબન્ડ) મૌલિક અને ડિમ્પલ, ચારેય જણાં બે દિવસ અમદાવાદમાં અલગ અલગ સ્થળોએ ફર્યા અને ખૂબ મજા કરી. ડિમ્પલની દરેક ઈચ્છા મૌલિકે પૂરી કરી. ડિમ્પલ પ્રીતિને કહેતી અને મૌલિક એ ઈચ્છા પૂરી કરતો. પ્રીતિ જાણી જોઈને મૌલિકને સાથે ફરવા લઈ ગઈ હતી કેમ કે, જાગરણની રાત્રે પ્રીતિએ બંનેની આંખોમાં એકબીજા માટે પ્રેમ જોઈ લીધો હતો. પ્રીતિએ એનાં પપ્પાને આ વાત જણાવી દીધી હતી. પ્રીતિની અને ધનજીભાઈની ગણતરી એવી હતી કે, બંને જણા જોડે રહે, તો કદાચ ડિમ્પલ મૌલિક તરફ વધારે ખેંચાય અને મૌલિકનાં કહેવાથી ડિમ્પલ કોર્ટ મેરેજ કરવા માટે તૈયાર થઈ જાય. કેમ કે, ડિમ્પલનાં કાકાએ એકવાર ના કહી દીધી, પછી હા પાડવાના નહોતા, ધનજીભાઈ ડિમ્પલનાં કાકાનાં સ્વભાવને બહુ સારી રીતે જાણતા હતાં અને ઘરમાં એનું જ ચાલતું હતું. આમાં પ્રીતિ કે ધનજીભાઈનો કોઈ સ્વાર્થ નહોતો, બસ, ડિમ્પલ માટેની લાગણી હતી. મા વગરની છોકરીને સુશિલ અને સંસ્કારી છોકરો મળે અને એને સાચવે, એને ખુશ રાખે અને મૌલિક એમની ઈચ્છા મુજબનું પાત્ર હતો અને સાથે સાથે ધનજીભાઈનો ભત્રીજો અને પ્રીતિનો ભાઈ પણ.
પ્રીતિ અને ધનજીભાઈએ ધાર્યું એવું બન્યું નહિ. બે દિવસ ક્યાં પસાર થઈ ગયાં એ જ ખબર ન પડી.
આજે ડિમ્પલ બોટાદ જવાની હતી. ૩:૪૫ ની ટ્રેન હતી. બપોરે ૨:૦૦ વાગ્યે પ્રીતિએ મૌલિકને ડિમ્પલને ગાંધીગ્રામ રેલ્વેસ્ટેશન મૂકી આવવાં કહ્યું.
મૌલિક અને ડિમ્પલ રેલ્વેસ્ટેશન જવા નીકળ્યાં. રસ્તામાં જ મૌલિકે મનમાં નક્કી કરી લીધું કે, ‘રેલ્વેસ્ટેશન પહોંચીને ડિમ્પલનાં મનની વાત જાણવી છે.’
બંને રેલ્વેસ્ટેશન પહોંચ્યા. ડિમ્પલને સાઇડમાં બેસાડી, ટિકિટ બારીએ જઈને મૌલિક ટિકિટ લઈ આવ્યો. ડિમ્પલે ઘણી લપ કરી, પણ મૌલિકે ટિકિટનાં પૈસા ન લીધા.
હજી ૩:૦૦ વાગ્યા હતાં. ડિમ્પલ અને મૌલિક પ્લેટફોર્મનાં બાકડા પર બેઠાં. ડિમ્પલને ઉપવાસ હતો. એ સવારથી કંઈ જમી નહોતી. મૌલિક વેફરનું પેકેટ અને પાણીની બોટલ લઈ આવ્યો.
“લે, આ વેફર ખાઈલે.”
“ના મને ભૂખ નથી.”
“ખાઈશ તો હું કંઈ તારી જોડે પૈસા નહીં માંગુ.” મૌલિકે મજાક કરતાં કહ્યું.
“શું કરવાં આટલું બધું મારા માટે કરે છે તું ?” ડિમ્પલની આંખોમાંથી આંસુનું એક ટીપું ગાલ પર પડ્યું.
મૌલિકે ડિમ્પલનો હાથ પોતાનાં હાથમાં લીધો, “ડિમ્પલ, જ્યારથી મે તને જોઈ છે, ત્યારથી હું તને ચાહવા લાગ્યો છું. મારા દિલમાં, મારી ધડકનોમાં તું જ છે. હું તને પ્રેમ કરું છું ડિમ્પલ. તારી સાથે મારે જીવવું છે. તારી ના નાં સમાચાર આવ્યા, એ પછી તારી સાથે વાત કરવા મે તને ફેશબુક અને ઇન્સ્ટાગ્રામમાં બહુ શોધી, પણ તું મળી નહિ અને આ બે દિવસ દરમ્યાન મે તને એટલે ન પુછ્યું કે, આપડે સૌ એન્જોય કરવા માટે ગયાં હતાં, એટલે એ એન્જોયનાં સમયમાં મારે તારો મૂડ ખરાબ નહોતો કરવો. તારી આંખોમાં પણ મને પ્રેમ દેખાય છે ડિમ્પલ, તો પછી કેમ ડિમ્પલ ? કેમ ?”
“મૌલિક, મને ખબર છે, તું મને પ્રેમ કરે છે. હું પણ તને ચાહું છું મૌલિક, પણ......” એ આગળ ન બોલી શકી. એનાં ગળે એક ડૂમો બાજી ગયો.
“પણ શું ? બોલ ડિમ્પલ.!”
‘મારી મજબૂરી છે.’ ડિમ્પલે રડતાં રડતાં કહ્યું.
મૌલિકની ધારણા સાચી પડી. “શું મજબૂરી છે ડિમ્પલ ?’ બોલ ડિમ્પલ.!”
“મારા કાકાનું એવું કહેવું છે કે, તું તારો બિઝનેસ ઘરેથી કરે છે. તારી કોઈ દુકાન નથી, એટલે કાકાને વાંધો છે અને એટલે જ મારા નામથી કાકાએ ના પાડી દીધી હતી. તું ઘરેથી બિઝનેસ કરે છે એનો મને કોઈ જ વાંધો નથી, પણ મારા કાકા-કાકીનું ઋણ મારા પર છે. નાનપણથી એ લોકોએ મને મોટી કરી, ભણાવી-ગણાવી અને સગી દીકરીની જેમ રાખી છે. હું એ લોકો વિરુદ્ધ જઈને લગ્ન નથી કરી શકું એમ. તું સારી છોકરી શોધીને લગ્ન કરી લેજે અને બની શકે તો મને માફ કરજે, અને હા, આ વાત પ્રીતિને કે ધનજીફુવાને ન કરતો. પ્લીઝ.” હૃદય પર પથ્થર મૂકીને ડિમ્પલે કહ્યું. એની આંખોમાં ભારોભાર મજબૂરી છલકાતી હતી.
“કદાચ નસીબમાં મળવાનું નહિ લખ્યું હોય, પણ હા, મે તને પ્રેમ કર્યો છે ડિમ્પલ અને હું તને હંમેશા ચાહતો રહીશ. તું હંમેશા ખુશ રહે એવી મારી દુઆ હંમેશા તારી સાથે રહેશે.” મૌલિક પોતાનાં આંસુઓને ન રોકી શક્યો. વિદાયની વેળા બંને માટે ખૂબ વસમી હતી.
ત્યાં જ દૂરથી ટ્રેન આવતી દેખાઈ. ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. સૌ પેસેન્જરો ટ્રેનમાં જગ્યા શોધી બેસી ગયાં. ડિમ્પલ પણ જગ્યા શોધી બેસી ગઈ. ૨ મિનિટ પછી ટ્રેન ઉપડી અને બંનેએ એકબીજાથી આંસુભરી આંખો સાથે વિદાય લીધી.