Nirdoshni Vedna books and stories free download online pdf in Gujarati

નિર્દોષની વેદના

આજે સાંજે હું, મારી ફ્રેન્ડ રીંકલ, કુંજલ અને ખુશી મોબાઈલમાં કોન્ફર્ન્સમાં વાત કરતા’તા. અઠવાડિયે એકવાર અમે ચારેય ફોનમાં સુખ દુઃખની વાતો કરીએ અને હસી મજાક કરીએ. આજે પણ થોડા ગપ્પાં માર્યા. પછી કુંજલે મને પૂછ્યું, “હવે તારે ક્યારે મેરેજ કરવા છે ?”

“સારું પાત્ર મળે એટલે. એમ તો બે દિવસ પહેલા જ એક માગું આવ્યું છે. છોકરી માબાપ વગરની છે. એ છોકરીનાં મેરેજ થયાનાં ૩ મહિના પછી છૂટાછેડા થઈ ગયાં. પણ બે વાર મારી સગાઈ થઈને તૂટી છે એટલે હવે વિચારીને પગલું ભરવું છે.” મે કહ્યું.

હા, મારી બે વાર સગાઈ થઈને તૂટી ગઈ છે. પહેલી સગાઈ મે જ તોડી’તી. સગાઈ તોડવાનું કારણ એક જ હતું કે, છોકરી વાતવાતમાં ખોટું બોલતી’તી. સાતથી આઠ વાર ખોટું બોલતા પકડાઈ ગઈ’તી. જેટલીવાર ખોટું બોલતા પકડાય એટલે એક જ વાત કહેતી કે, “સોરી, હવે નહિ બોલું. મારી ભૂલ થઈ ગઈ.” અને હું એને સમજાવીને જતું કરી દેતો. પણ વારંવાર સમજાવવાં છતાં પણ એને ખોટું બોલવાનું બંધ ન કર્યું એટલે પછી કંટાળીને મે સગાઈ તોડી નાખી અને બીજી સગાઈ છોકરી પક્ષ વાળાએ તોડી. બીજી સગાઈ તૂટવાનું તો કારણ પણ કોઈનાં માન્યામાં આવે એવું નથી. કારણ એટલું જ હતું કે કંકુપગલાંમાં મે ફૂલનું ડેકોરેશન નહોતું કર્યું એ વાત મારા સાસુને કાંટાની જેમ ખૂંચી અને મને ફોનમાં કહ્યું, “તમે ફૂલ કેમ ન પાથર્યા ? મારી છોકરીને કેટલો શોખ હતો. મને કહ્યું હોત તો હું અહીંથી ફૂલ મોકલાવી દેત.” મે મારા સાસુને કહ્યું કે, “તમારે ફૂલનું મહત્વ છે કે માણસનું ?” મારા આટલા શબ્દો સાંભળતા જ એમને ફોન મૂકી દીધો. મારે ફૂલનું ડેકોરેશન નહોતું કરવું એવું નહોતું. મને પણ ફૂલનું ડેકોરેશન કરવાનો શોખ હતો. પણ કોરોના મહામારીના લીધે અને મમ્મીને તાવ આવતો'તો એટલે મે ફૂલનું ડેકોરેશન નહોતુ કર્યુ. હું જ્યારે તેડવા ગયો ત્યારે જ મે છોકરીને કહ્યું’તું કે, “ફૂલનું ડેકોરેશન નહિ કરી શકું કેમ કે, મમ્મી બીમાર છે.” અને જવાબમાં છોકરીએ પણ મને કહ્યું’તું કે, “કંઈ વાંધો નહિ. મારે ફૂલ નહિ તમે મહત્વનાં છો.” મારે સગાઈ તોડવી નહોતી. પણ છોકરી કંકુપગલાં કરીને બીજે દિવસે ઘરે ગઈ અને મારો નંબર બ્લોક કરી દીધો અને મારા સાસુએ વચ્ચે વાળાને ના કહેવડાવીને અમારો સામાન મોકલી આપ્યો.

“દરેક છોકરી સરખી નથી હોતી. અમારા ઘરની સામે એક છોકરી રહે છે. બહુ સીધી છોકરી છે. ૩ વર્ષ પહેલાં એનાં લગ્ન થયા હતાં. એનાં લગ્નની સુહાગરાતે જ એનાં પતિએ એને કહ્યું કે, તું મને જરાય ગમતી નથી. મે મારા ઘરવાળાનાં દબાણને લીધે જ તારી સાથે લગ્ન કર્યા છે.” રીંકલે કહ્યું.

“પછી શું થયું ?” મે પૂછ્યું.

“લગ્નનાં દિવસથી જ એનો પતિ એને માનસિક ત્રાસ આપતો’તો. ૨ વર્ષ તો સહન કર્યું બિચારીએ, પછી એનાથી સહન ન થયું એટલે એ એનાં પિયર આવી ગઈ અને એનાં પપ્પાને બધી વાત કરી. હજી ૪ મહિના પહેલા જ એનાં છૂટાછેડા થયાં.” રીંકલે કહ્યું.

રીંકલની વાત સાચી છે. દરેક છોકરીઓ સરખી નથી હોતી. આ દુનિયામાં કેવા નિર્દય, જડ લોકો પડ્યા છે. જે ખરેખર સારી, સાચી અને દિલની સાફ દીકરીઓ છે. જે જતું કરીને પણ દિલથી સંબંધ નિભાવવા માંગે છે. જે દીકરી પોતાનાં માબાપને, ભાઈબહેનને છોડીને, મૈયરની માયા મૂકીને પોતાનાં પતિને જ સર્વસ્વ માની લે છે. પોતાનાં પતિનાં ઘરને ઊજળું કરવાં મથે છે. હંમેશા પોતાનાં પતિનો પડછાયો બનીને સુખદુ:ખમાં સાથ આપવા માંગે છે. જેનું હૃદય લાગણીનો દરિયો છે. આવું પ્રેમાળ હૃદય ધરાવતી દીકરીઓને અમુક નિર્દય, જડ લોકો જીવતેજીવ મારી નાખે છે.

- મનીષ ચુડાસમા

“સ્નેહનું પવિત્ર ઝરણું”

૧૦/૧૨/૨૦૨૦

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED