Call Recording books and stories free download online pdf in Gujarati

કોલ રેકોર્ડિંગ

રીટા અને કૃપા બંને બાળપણની પાક્કી બહેનપણીઓ. બંનેએ બાલમંદિરથી લઈને એક જ કોલેજમાં સાથે જ અભ્યાસ કર્યો હતો. બંનેના ઘર પણ એક જ સોસાયટીમાં હોવાથી આખો દિવસ જોડે ને જોડે જ. આ બંને બહેનપણીઓમાંથી રીટા મારી ખાસ મિત્ર. રીટા સાથે મારે ફેમિલી રિલેશન.

કૃપાની સગાઈ સમાજમાં જ થઈ ગઈ હતી, જ્યારે રીટા માટે એનાં માબાપ સારો મુરતિયો શોધી રહ્યા હતાં.

એકદિવસ બપોરે ત્રણ વાગ્યે મારા પર રીટાની બહેન શિવાનીનો ફોન આવ્યો. મે ફોન રિસીવ કરી કહ્યું, ‘હા બોલ શિવાની.’

‘રીટા તને એક વાત કહેવા માંગે છે, પણ કહી નથી શક્તી, એટલે મને ફોન કરી તને કહેવા માટે કહ્યું છે અને કંઈક ઉકેલ લાવવા માટે કહ્યું છે.’ ગભરાયેલાં સ્વરમાં એને મને કહ્યું. એની વાત પરથી મને એટલો તો ખ્યાલ આવી ગયો કે, વાત સિરિયસ જ હોવી જોઈએ.

‘એવી તો શું વાત છે કે, એ આટલી સારી મારી દોસ્ત હોવા છતાં મને કહી નથી શક્તી ? અને તને કહેવા માટે કહ્યું ?’ મે પુછ્યું.

‘તું ક્યાંક એને ખોટી સમજી બેસે એનો એને ડર લાગે છે એટલે, અને વાત જ એવી છે કે, મને પણ નથી સમજાતું કે, હું શું કરું ?’

‘શું વાત છે ? એ કહે મને, પછી વિચારીએ કંઈક.’

‘રીટાની ફ્રેન્ડ કૃપાને તો તું ઓળખે જ છે ?’

‘હા, તો ?’

‘કૃપાની સગાઈ થઈ ગઈ છે, તોય એ દરરોજ રાત્રે એનાં ફિયાન્સી સાથે થોડીવાર જ વાત કર્યા પછી, એનાં પ્રેમી સંદીપ સાથે મોડી રાત સુધી ફોનમાં વાતો કરતી’તી. ગઇકાલે કૃપા એનાં મમ્મીનાં હાથે પકડાઈ ગઈ, એટલે કૃપાએ પોતાનાં બધા દોષનો ટોપલો રીટા માથે ઢોળી દીધો. કૃપાએ એનાં મમ્મીને એવું કહ્યું કે, એતો રીટાનો બોયફ્રેંડ છે. એ બંને વચ્ચે થોડી મગજમારી થઈ હતી એટલે રીટાનાં બોયફ્રેન્ડે મને ફોન કર્યો હતો. આજે સવારે કૃપાએ મારી બહેનને ફોન કરીને આ વાતની જાણ કરી અને કહ્યું કે, ‘પ્લીઝ, મારું બધું તું તારી માથે લઈ લેજે, નહીં તો હું મુસીબતમાં મુકાઇ જઈશ. મારી મમ્મી તને પૂછે તો કહેજે કે, કૃપાની વાત સાચી છે. સંદીપ મારો બોયફ્રેંડ છે. કેમ કે, મમ્મી તને ખાતરી કરવા પૂછશે જ.’

‘પણ, આમાં રીટા ક્યાં ખોટી છે તો હું એને ખોટી માનવાનો હતો. એ આ વાત ડાયરેક્ટ જ મને કહી શક્તી હતી.’ મે કહ્યું.

‘કહી શક્તી હતી. પણ, કૃપાએ સંદીપને પણ આ વાતની જાણ કરી દીધી છે અને કહી દીધું છે કે, તને કોઈ પૂછે તો, રીટા જ તારી ગર્લફ્રેન્ડ છે એમ કહેવાનું. કૃપા અને સંદીપ બંને મળી ગયા છે.’ શિવાનીએ મને કહ્યું.

‘તને કેવી રીતે ખબર કે, એ બંને મળી ગયા છે ?’

‘સંદીપનો ફોન પણ રીટા પર આવ્યો હતો. એને પણ જેવું કૃપાએ કહ્યું એવું જ મારી બહેનને કહ્યું કે, પ્લીઝ રીટા, કૃપાનું તું બધું તારી માથે લઈ લેજે, નહીં તો કૃપા મુશ્કેલીમાં મુકાઇ જશે.’

‘સંદીપને રીટા ઓળખે છે ?’

‘હા, એ બંનેની મધ્યસ્થી જ મારી બહેન છે.’

‘તો રીટાને કૃપા અને સંદીપને જવાબ દેતા નથી આવડતો કે, હું આવું નહીં કરું. રીટા કંઈ ઘોડિયામાં સૂતી છોકરી નથી.’ મે થોડા ગુસ્સા સાથે કહ્યું.

‘કહ્યું.... રીટાએ કૃપાને અને સંદીપને બંનેને કહ્યું કે, હું આવો ખોટો આરોપ મારી માથે નહીં લઉં. હું આવું ખોટું નહીં બોલું. તમે લોકો જ કંઈક મેનેજ કરીલો.’

‘તો પછી શું ચિંતા છે ?’

‘ચિંતા એ જ છે કે, રીટાનાં જવાબમાં સંદીપે એમ કહ્યું છે કે, મને કોઈ પણ પૂછશે તો હું તો તને જ મારી ગર્લફ્રેંડ તરીકે જાહેર કરીશ અને કૃપાને ફ્રેન્ડ તરીકે અને કૃપાએ પણ રીટાને એવું જ કહ્યું છે કે, હું પણ એવું જ જાહેર કરીશ કે, હું તો માત્ર સંદીપની ફ્રેન્ડ જ છું. સંદીપની ગર્લફ્રેન્ડ તો રીટા જ છે. હવે માની લે કે, કૃપાનાં મમ્મી સંદીપને પણ પૂછે અને સંદીપ કહીદે કે, રીટા જ મારી ગર્લફ્રેન્ડ છે તો ? તને તો ખબર જ છે. કૃપા અને અમારી વચ્ચે ઘર જેવા સંબંધો છે. કૃપાનાં મમ્મી મારા મમ્મીપપ્પાને તરત જ કહીદે કે, સંદીપ જોડે તમારી છોકરીનું લફરુ છે અને તું તો મારા પપ્પાનો સ્વભાવ જાણે જ છે. મારી બહેનની વગર વાંકે ધૂળ કાઢી નાખે.’

શિવાનીની વાત તો સાચી હતી. મારી ફ્રેન્ડને આ મુસીબતમાંથી બહાર કાઢવી એ મારી ફરજ હતી. મે થોડીવાર વિચાર કર્યો, પછી શિવાનીને પુછ્યુ, ‘રીટા ક્યાં છે ?’

‘એ અહિયાં જ છે. મારી બાજુમાં જ બેઠી છે.’

‘રીટાને ફોન આપ.’ મે કહ્યું.

‘હેલો.....’ રીટા આગળ કશું બોલી ન શકી. એ રડવા લાગી.

‘રીટુડી રડીશ નહિ પ્લીઝ.’ હું એને પ્રેમથી રીટુડી કહીને બોલાવતો હતો. ‘આ આખીય ઘટનામાં તું ક્યાય ખોટી નથી. તે તારી દોસ્તી, કૃપા અને સંદીપ બંનેનાં મધ્યસ્થી બની, બંનેને જોઈતી મદદ કરી પૂરી નિષ્ઠાથી નિભાવી છે. વાંક કૃપાનો જ છે. કૃપાએ ખોદેલા ખાડામાં હવે કૃપા પોતે જ પડશે.’ મારી વાત સાંભળી રીટા થોડી શાંત થઈ.

‘પણ કઈ રીતે ?’ રીટાએ મને પુછ્યું.

‘તારી કૃપા અને સંદીપ સાથે ફોનમાં જે વાત થઈ એનાં કોલ રેકોર્ડિંગ્સ તારી પાસે છે અથવા એ બંનેનાં કપલ ફોટોગ્રાફ્સ ?’

‘ના યાર. મને પણ આવું યાદ ના આવ્યું. કાશ ! એ વખતે મને રેકોર્ડિંગ કરવાનું મગજમાં આવ્યું હોત તો !’ રીટાનાં અવાજમાં સ્પષ્ટ પણે અફસોસ હતો.

‘સારું, એક કામ કર.’

‘શું ? જલ્દી બોલ.’

‘તારે કૃપાને ફોન કરવાનો છે અને એને એટલું જ પૂછવાનું છે કે, તારા મમ્મી મને પૂછે તો મારે શું કહેવાનું છે ? એ મને કહે એટલે મને તારા મમ્મીને જવાબ દેવાની ખબર પડે. ક્યાક મારાથી ઊંધો જવાબ દેવાય જાય અને ઉલ્ટાની તું ફસાઈ ન જાય, એટલે પૂછું છું. કૃપા અને તારા વચ્ચે જે વાત થાય એ આખીય વાતનું તારા મોબાઇલમાં રેકોર્ડિંગ કરી લેવાનું છે, અને જ્યારે એનાં મમ્મી કે, એનાં ફેમિલીમાંથી કોઇ પૂછે ત્યારે તારે હકીકતની જાણ કરી દેવાની અને મોબાઇલમાં કરેલું રેકોર્ડિંગ સંભળાવી દેવાનું એટલે તું છુટી ગઈ. સમજી. અને હા બીજી એક વાત કે, તારા મમ્મીપપ્પાને પણ જે જે બન્યું એ આખીય વાતની જાણ કરી દેજે, એટલે તારા મમ્મીપપ્પાએ તારા પર મુકેલો વિશ્વાસ ન તૂટે અને કૃપા સાથે દોસ્તી તોડી નાખજે, જેથી કરીને બીજીવાર તું ફસાઈ ન જાય.’

‘હવે થોડી હું કૃપા સાથે સંબંધ રાખીશ. એ હરામીને તો હું....’ એ આગળ ન બોલી. એનાં અવાજમાં ગુસ્સો હતો. ‘પણ, એકવાર તો એને મને જે કહેવાનું છે એ કહી દીધું છે અને હવે ફરી પૂછીશ તો એને શક નહિ જાય ?’

‘ના, મારા માનવા પ્રમાણે કદાચ નહિ જાય. કેમ કે, કૃપા પણ અત્યારે ચિંતામાં જ હશે. એને અત્યારે એનાં પકડાયેલા કાંડમાંથી, એને નિર્દોષ સાબિત થવાની ઉતાવળ વધારે હશે અને એને નિર્દોષ સાબિત કરવા માટે માત્ર અને માત્ર હુકમનો એક્કો તું જ છે.’

‘સારું, હું કૃપા સાથે વાત કરીને તને ફોન કરું.’ કહી એને ફોન મૂકી દીધો.

એક કલાક થવા આવ્યો. રીટાનો ફોન ન આવ્યો. મે રીટાનો નંબર ડાયલ કર્યો. રિંગ વાગી, પણ એને ફોન કાપ્યો. મને ચિંતા થવા લાગી. શું થયું હશે ? છતાંય વિચાર્યું. થોડીવાર રાહ જોઊ, નહિ તો એનાં ઘરે જાઉં. પંદર મિનિટ પછી મારા ફોનની રિંગ વાગી. મે ફોન હાથમાં લઈને જોયું. રીટાનો જ ફોન હતો. મે ફોન રિસીવ કર્યો, ‘બોલ રીટુડી. શું થયું ?’

‘અરે યાર, આપડું કામ થઈ ગયું. તારા કહેવા પ્રમાણે મે કૃપાને ફોન કરીને પૂછ્યું. જે એને મને પહેલા કહ્યું હતું, એ જ ફરી કહ્યું અને મે એનું મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધું.’

‘વેરીગુડ. મને પૂરો વિશ્વાસ હતો કે, તે કૃપા સાથે વાત કરીને રેકોર્ડિંગ કરી જ લીધું હશે.’ મે કહ્યું.

‘અને સાથે સાથે બીજું પણ એક કામ કર્યું.’ રીટાનાં અવાજમાં છલોછલ ખુશી ભરેલી હતી.

‘બીજું શું ?’

‘કૃપા સાથે વાત પૂરી થઈ કે, તરત જ મે મમ્મીને પૂરી વાત જણાવી દીધી અને હું ને મમ્મી કૃપાનાં ઘરે ગયા. કૃપાનાં મમ્મીને એનાં અને સંદીપનાં કાંડ વિશેની તમામ હકીકત જણાવી દીધી.’

‘પછી ?’ મે પુછ્યું.

‘પહેલા તો કૃપા વાત સ્વીકારતી જ નહોતી. એ પોતાનાં દોષનો ટોપલો મારે માથે જ નાખતી’તી, પણ પછી મે મોબાઈલમાં કરેલું રેકોર્ડિંગ એનાં મમ્મીને સંભળાવી દીધું, એટલે એની બોલતી બંધ થઈ ગઈ. હું અને મમ્મી એ લોકો સાથેનાં તમામ સંબંધ તોડીને ઘરે આવતા રહ્યા.’

‘સરસ કામ કર્યું. ચાલો પાર્ટી આપો.’

‘શેની પાર્ટી જોઈએ છે તારે ?’

‘તારા જેવાં વાવાઝોડાને સંદીપ નામનો બોયફ્રેન્ડ મળી ગયો એની.’ મે મજાક કરતાં કહ્યું.

‘વાંદરા, તું મલ પછી તારી વાત છે. તને તો ધોકાપાકની પાર્ટી આપીશ.’ હસતાં હસતાં કહીને એને ફોન મૂકી દીધો.

- મનીષ ચુડાસમા

“સ્નેહનું પવિત્ર ઝરણું”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED