The Drake Equation books and stories free download online pdf in Gujarati

ધ ડ્રેક ઈકવેશન

શું આ વિશાળ બ્રહ્માંડમાં આપણે એકલાં જ છીએ?

કેટલાંય વર્ષોથી આ સવાલ અથવા ટોપીક ઉપર ઘણી જ ચર્ચાઓ થઈ છે પરંતુ હજું પણ આ સવાલનો સંતોષકારક જવાબ મળ્યો નથી! આપણી આકાશગંગામાં એટલે કે મિલ્કિ વે ગેલેક્સીમાં ૪૦૦ અબજ તારાઓ છે અને આ તારાઓની આસપાસ એટલે કે આ તારાઓની ઓર્બિટમાં ગ્રહો આવેલાં છે! અને આ ગ્રહોમાં પૃથ્વી જેવું જ વાતાવરણ ધરાવતા ગ્રહો પણ આવેલાં છે! આ તો થઈ આપણી ગેલેક્સીની વાત અને આવી તો ૨૦૦ અબજથી લઈને ૩ ટ્રિલિયન ગેલેક્સીસ આખાં બ્રહ્માંડમાં આવેલી છે! આટલાં વિશાળ બ્રહ્માંડમાં ક્યાંકને ક્યાંક જીવન સંભવ હોઈ શકે છે તે વાતને આપણે નકારી ન શકીએ!

આપણે આખા બ્રહ્માંડની વાત નથી કરવી પરંતુ આપણી ગેલેક્સીની વાત કરીએ! આપણી પાસે એક સમીકરણ અથવા ઈકવેશન છે જેના ધ્વારા આપણે આપણી ગેલેક્સીમાં રહેલાં અને પૃથ્વી સિવાયના ગ્રહોમાંના કેટલાં ગ્રહો એવા છે કે જ્યાં જીવન હોઈ શકે તેની સંખ્યા મેળવી શકીએ છીએ! આ ઈકવેશનને 'ડ્રેક ઈકવેશન' કહેવામાં આવે છે.

પૂર્વીય પશ્ચિમ વર્જિનિયામાં બે એપલાચિન પર્વત શિખરો વચ્ચે 'નેશનલ રેડિયો એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરી' નેટવર્ક સાથે જોડાયેલી 'ગ્રીન બેન્ક ઓબ્ઝર્વેટરી' આવેલી છે જેમાં વિશાળ અને અદ્યતન રેડિયો ટેલિસ્કોપ્સ આવેલાં છે જે દિવસ રાત બ્રહ્માંડનો અભ્યાસ કરે છે!

સૌપ્રથમ તો રેડિયો ટેલિસ્કોપ કેવી રીતે કામ કરે છે?!

રેડિયો ટેલિસ્કોપ એ વિશિષ્ટ એન્ટેના અને રેડિયો રીસીવર છે જેનો ઉપયોગ આકાશમાં ખગોળીય રેડિયો સ્રોતોમાંથી રેડિયો તરંગો શોધવા માટે થાય છે. રેડિયો ટેલિસ્કોપ રેડિયો એસ્ટ્રોનોમીમાં ઉપયોગમાં લેવાતા મુખ્ય નિરીક્ષણ સાધન છે, જે અવકાશમાં રહેલાં ખગોળીય પદાર્થો દ્વારા ઉત્સર્જિત ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના રેડિયો ફ્રિક્વન્સીનો અભ્યાસ કરે છે, જેમ ઓપ્ટિકલ ટેલિસ્કોપ કે જેના ધ્વારા આપણે ગ્રહો, તારાઓ, ગેલેક્સીસ અને ચંદ્રનો અભ્યાસ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે! પરંતુ રેડિયો ટેલિસ્કોપ એ ઓપ્ટિકલ ટેલિસ્કોપથી વિપરીત કામ કરે છે એટલે કે એમ કહી શકાય કે જો આપણે બ્રહ્માંડનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરવો હોય તો તેના માટે રેડિયો ટેલિસ્કોપની જરૂર પડે છે કારણ કે રેડિયો ટેલિસ્કોપ ધ્વારા આપણે બ્રહ્માંડમાં રહેલા ખગોળીય પદાર્થોને જેમ કે તારા, ગ્રહો અને ગેલેક્સીસને એક અલગ સ્વરૂપમાં જોઈ શકીએ છીએ એટલે કે ઈન્ફ્રારેડમાં અથવા તો એક્સ રે સ્વરૂપમાં જોઈ શકીએ છીએ! એટલું જ નહીં રેડિયો ટેલિસ્કોપ્સ ધ્વારા આપણે રેડિયો તરંગો ધ્વારા મેસેજીસ પણ બ્રહ્માંડમાં મોકલી શકીએ છીએ અને બ્રહ્માંડ માંથી આવતાં તરંગોને રિસિવ પણ કરી શકીએ છીએ!

અત્યાર સુધીનું સૌથી પાવરફૂલ રેડિયો ટેલિસ્કોપ 'અર્સિબો' હતું જેને ૧૯૬૩માં બનાવવામાં આવ્યું હતું જેની ગોળાકાર ડિશ ૧૦૦૦ ફૂટમાં ફેલાયેલી હતી આ ટેલિસ્કોપ ૧૫,૦૦૦ પ્રકાશ વર્ષ દૂરથી આવતાં રેડિયો સિગ્નલ્સ પણ રિસિવ કરી શકતું હતું અને મોકલી પણ શકતું હતું. આ ટેલિસ્કોપનું સંચાલન કોર્નેલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતું હતું પરંતુ ૧લી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ તેને તોડી પાડવામાં આવ્યું હતું!
આ તો થઈ રેડિયો ટેલિસ્કોપના ઉપયોગની અને કામ કરવાની વાત આપણે પાછા મૂળ વાત ઉપર આવીએ!

ગ્રીન બેન્ક ઓબ્ઝર્વેટરીમાં જ SETI(Search for Extraterrestrial Intelligence) ઈન્સ્ટિટયુટની સ્થાપના ફ્રેન્ક ડ્રેક નામના રેડિયો એસ્ટ્રોનોમર અને એસ્ટ્રોફિઝિસિસ્ટ ધ્વારા ૧૯૬૦માં કરવામાં આવી. આ ઈન્સ્ટિટયુટનું મૂળ કાર્ય બ્રહ્માંડમાં રહેલ અન્ય એલિયન સંસ્કૃતિઓને શોધવાનું છે! ફ્રેન્ક ડ્રેકે ૮૫-ફૂટ રેડિયો ટેલિસ્કોપને સૂર્યની નજીક આવેલા અને સૂર્ય જેવા જ 'તાઉ સેટી' અને 'એપ્સીલોન એરિડાની' નામના બે તારાઓ ઉપર ટ્યુન કર્યું કે જે ૧૪૨૦ મેગાહર્ટઝ ફ્રિકવન્સીને ડિટેકટ કરી શકે કારણ કે આ ફ્રિકવન્સી તારાઓમાંથી હાઈડ્રોજન અણુઓ ધ્વારા બહાર બ્રહ્માંડમાં ઉત્સર્જીત કરવામાં આવતાં રેડિયો સિગ્નલ્સની ફ્રિકવન્સી છે! કારણ કે હાઇડ્રોજન બ્રહ્માંડમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે! ડ્રેકે વિચાર્યું કે જો અન્ય સંસ્કૃતિ આપણી સાથે કોમ્યુનિકેશન સાધવા પ્રયત્ન કરી રહી હોય તો તેઓ પણ આપણાં સૂર્યમાંથી ફેંકાતાં હાઈડ્રોજન અણુના રેડિયો સિગ્નલ્સની ફ્રિકવન્સી ડિટેકટ કરવાનો પ્રયત્ન કરશે કારણ કે આ ફ્રિકવન્સી કોમન છે! આ શોધને 'પ્રોજેક્ટ ઓઝ્મા' નામ આપવામાં આવ્યું.

ત્યારબાદ ફ્રેન્ક ડ્રેક ધ્વારા એક ઈકવેશન આપવામાં આવ્યું જેને 'ડ્રેક ઈકવેશન' તરીકે ઓળખાય છે જેના ધ્વારા આપણે આપણી ગેલેક્સીમાં કુલ કેટલી એડવાન્સ એલિયન સંસ્કૃતિઓ આવેલી હોઈ શકે છે તેની સંખ્યા મેળવી શકીએ છીએ! આ સમીકરણ નીચે પ્રમાણે છે!

N=R*. fp. ne. fl. fi. fc. L

જયાં N= બુધ્ધિશાળી અને વિકસિત સંસ્કૃતિઓની સંખ્યા કે જે અન્ય સંસ્કૃતિઓ સાથે કોમ્યુનિકેશન(સંચાર) સાધી શકે છે.

R*= જીવન સહાયક તારાઓનો દર

fp= ગ્રહો ધરાવતા તારાઓનો અપૂર્ણાંક

ne= દરેક સોલર સીસ્ટમ દીઠ રહેવા લાયક ગ્રહોની સંખ્યા

fl= વસવાટયોગ્ય ગ્રહોનો અપૂર્ણાંક કે જ્યાં જીવન વિકસે છે

fi= જીવન વિકાસ પામ્યું હોય તેવા ગ્રહોનો અપૂર્ણાંક કે જ્યાં જીવન બુદ્ધિ વિકસાવે છે

fc= બુદ્ધિશાળી સંસ્કૃતિઓનો અપૂર્ણાંક કે જે સંદેશાવ્યવહાર વિકસાવે છે

L= કોમ્યુનિકેશન સાધવામાં બુધ્ધિશાળી સંસ્કૃતિઓને લાગતો સમય

હવે જો વર્ષમાં ઓછામાં ઓછા ૧ તારાનો તો જન્મ થતો જ હોય છે આપણે ઓછામાં ઓછા કહીએ છીએ આમ તો અસંખ્ય તારાઓનો જન્મ થતો હોય છે જે જીવન સહાયક બની રહે છે! તો અહીં આપણે R*=૧ લઈએ!

હવે જો આપણે ૧૦૦,૦૦૦ તારાઓનો અભ્યાસ કરીએ અને તે તારાઓની આસપાસ ૪૦,૦૦૦ જેટલાં ગ્રહો આપણને એપ્રોકિસમેટલી મળી રહે તો હવે વિચારો કે આખી ગેલેક્સી આવી રીતે વર્તતી હોય એટલે કે દર ૧,૦૦,૦૦૦ તારાઓની આસપાસ ૪૦,૦૦૦ જેટલાં ગ્રહો મળે તો આપણે ૦.૪ અથવા ૪૦% લઈએ પરંતુ ગણતરી માટે ૦.૪ વધુ સરળ રહેશે fp=૦.૪ થશે!

હવે આપણે ધારીએ કે દરેક સૌરમંડળમાં એક ગ્રહ હેબિટેબલ એટલે કે પૃથ્વી જેવું જ વાતાવરણ ધરાવતો હશે તો આપણે ne=૧ લઈએ!

હવે દર ૧૦૦,૦૦૦ તારાઓ દીઠ આપણને ૫૦૦ જેટલાં ગ્રહો એવા મળે કે જ્યાં જીવન વિકસી શકે છે અથવા સંસ્કૃતિઓનો બૌદ્ધિક વિકાસ થઈ શકે છે અને તેઓ કોન્ટેક્ટ સાધી શકે છે! તો આપણે fl, fi અને fc=૦.૫ લઈએ!

હવે જો કોઈ ગ્રહ ઉપર જીવન વિકસી રહ્યું હોય તો તેઓ જો આપણી સાથે કોમ્યુનિકેશન સાધવા માંગતા હોય તો તેઓને ૧૦,૦૦૦ જેટલો સમય પણ લાગી શકે છે જો આપણી જ વાત કરીએ તો આપણે ઇવોલ્યુશન ધ્વારા જ માનવ બન્યા છે! એટલે કે આપણે હજું પણ ટેકનોલોજીમાં શરૂઆતી તબક્કામાં છીએ! અને હજું પણ જો યુધ્ધ અથવા કોઈ અન્ય આફત આવી પડે તો આપણો વિકાસ અટકી જવાની સંભાવના છે! તો આપણે આપણી સંસ્કૃતિનું ઉદાહરણ લઈએ તો પણ આપણને હજું પણ અન્ય સંસ્કૃતિઓ સાથે કોમ્યુનિકેશન સાધવામાં ઘણાંય વર્ષો લાગી શકે છે! હવે વિચારો કોઈ ગ્રહ ઉપર જીવનની શરૂઆત હમણાં જ થઈ હોય તો તેઓ ટેકનોલોજીમાં ઘણાંય પાછળ હશે અથવા તો ટેકનોલોજીનું નામોનિશાન પણ નહીં હોય તો તેમને અન્ય સંસ્કૃતિઓ સાથે કોમ્યુનિકેશન સાધવામાં હજારો વર્ષો લાગી શકે છે!
તો હવે L =૧૦,૦૦૦ લઈએ Lની કિંમત વધુ કે ઓછી પણ હોઈ શકે છે! પરંતુ આપણે હાલ ૧૦,૦૦૦ લઈએ!

હવે ઈકવેશનમાં આ વેલ્યુ મૂકતાં,
N=R*. fp. ne. fl. fi. fc. L
N=(૧). (૦.૪)(૧)(૦.૫)(૦.૫)(૦.૫)(૧૦,૦૦૦)
N=૫૦૦

આપણે કહી શકીએ કે આપણી ગેલેક્સીમાં લગભગ ૫૦૦ જેટલી બુધ્ધિશાળી અને વિકસિત સંસ્કૃતિઓ આવેલી છે જે કોમ્યુનિકેશન સાધી શકે છે!
પરંતુ આ સંખ્યા હજું પણ વધી શકે છે કારણ કે આપણી પાસે હાલ ઘણાંય એડવાન્સ ટેલિસ્કોપ્સ છે જે સતત બ્રહ્માંડમાં નજર રાખી રહ્યા છે અને નવા ગ્રહો, તારાઓ અને ગેલેક્સીસની શોધ કરી રહ્યા છે!આ સમીકરણમાં રહેલી કિંમતનો સતત ફેરફાર થતો રહે છે અને આ સમીકરણોમાં આપણે અંદાજીત કિંમતો મૂકી છે!


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED