અમે બેંક વાળા - 24. કામના માણસ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા - 24. કામના માણસ

24. કામના માણસ

આ ઘટના પણ બેન્કિંગ જિંદગીના એક પ્રસંગ તરીકે જ લેવામાં આવે. કોઈનું મન દુભાવવા કે તેમની વાતો જાહેર કરવાનો આશય નથી.

બેંક કર્મચારી અમે નોકરીમાં રહ્યા ત્યારે તો ખૂબ માનનીય વ્યક્તિ ગણાતો. આજે એનું મહત્વ તો છે પણ યુવાન મિત્રો કહે છે તેમ સરકારી કર્મચારીઓ જેટલું નહીં. મૂળ તો મહત્વ એટલે જ કે તેમના સંબંધીનું કોઈક કામ થઈ જાય. લોકો ઈશ્વરને પણ એટલે જ ભજે છે! 'ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ… થાય અમારાં કામ'.

કામ તો મિત્રોનાં કરીએ જ. ન જાણતા હોઈએ તેનાં પણ. ક્યારેક તેમાં બેંકવાળા પ્રત્યે અપેક્ષા વધી જાય અને એ શક્ય ન હોય તો બિચારો બેંકવાળો રાતોરાત એ મિત્રની તો ખરી જ, મિત્ર વાત ફેલાવે એટલે મિત્રોના મિત્રોની નજરમાંથી ઉતરી જાય.

ક્યારેક મદદનો અવળો અર્થ પણ લોકો કાઢે. અમુક સેન્ટરમાં જ્યારે હું નાનો, અપરિણીત અને વધુ ઉત્સાહી હતો ત્યારે કોઈ મારા ઓળખીતાની પાસબુક ક્લાર્ક પાસેથી ભીડ હોય તો લેજર લઈ જાતે ભરી દઉં (મેં અગાઉ કહ્યું છે કે હું ડાયરેકટ ઓફિસર હતો, એવાં કામ મારે ન કરવાનાં હોય) કે એકાઉન્ટ ખોલવામાં 'અહીં ઇનિશિયલ કરો- સ્નેહા જમીયતરાય માંકડ તો એસ.જે. એમ.' કે એવી ફોર્મ ભરવાની મદદો કરી, કોઈની ફિક્સ પર લોન લેવી હોય તો ફટાફટ મારા પાકિટમાંથી રેવન્યુ સ્ટેમ્પ કાઢી લગાવી એમની સહી લઈ લીએન નોટ કરી લઉં ને એમ તેઓને અર્ધો કલાક કે કલાક થાય એ દસ મિનિટમાં પતાવી દઉં તો ખાનગીમાં કહેવાતું કે ભાઈને આપણી કોઈ કન્યામાં રસ છે!

ક્યારેક હું એક્દમ સીધો સાદો લાગતો હોઈ કોઈને એમ હોય કે 'આ જણ છે હવે કોઈ' અને તેમનું અતિ અગત્યનું કામ જેવું કે કોન્ટ્રેક્ટની ગેરંટી માટે ફોર્મ ભરી ફિક્સ લઈ ગેરંટી પ્રોસેસ કરી મેનેજરને મોકલી આપવી- એવું કરી આપું એવામાં તો તેઓ અભિભૂત થઈ બહાર કહેતા ફરતા કે આ 'અંજારીયા સાહેબ' (તે પહેલાં તો ખાલી 'અંજારીયો' કે કોઈ નીકનેમ) બહુ હેલ્પફુલ છે. બસ. દસે દિશાએ કીર્તિ ફેલાઈ જાય.

પણ મેં કહ્યું તેમ ક્યારેક તેમની અપેક્ષાઓ જરા વધુ હોય છે. એવી એક વાત.

દિવાળી આવે એટલે નવી નોટો પાછળ લોકો રીતસર પાગલ થાય. નોટો રિઝર્વબેન્કની કરન્સી ચેસ્ટમાંથી જે તે બેંકની કરન્સી ચેસ્ટમાં આવે અને શાખાના બિઝનેસ મુજબ તેને તેનો શેર શાખા પોતાની પાસેની નોટો જમા કરે એટલે તેની સામે આપે. અતિ ઝાઝા ભગતો સામે વૈકુંઠ ખૂબ નાનું પડે. અમે મેનેજર, એકાઉન્ટન્ટ (જોઈન્ટ મેનેજર) અને હેડ કેશિયર મળી ક્યા બિઝનેસ ક્લાયન્ટને કેટલાં નવી નોટોનાં બંડલ આપવાં તે નક્કી કરીએ. એમાં મોટા કેશક્રેડિટ વાળા, પછી મોટું એવરેજ બેલેન્સ રાખતા કરંટ ખાતા વાળા પછી મોટા ખાતેદારો અને પછી ભાગે પડતી સ્ટાફને એમ વહેંચાય. ધનતેરસની સાંજે મોડે સુધી આ કામ કરીએ.

નવી નોટો માટે ગ્રાહકો સાથે કેશિયરોને ઝગડા, ગાળાગાળી પણ થાય. ગ્રાહકો અંદરોઅંદર નોટો માટે મારામારી કરતા પણ જોયા છે.

મને જો પાંચ પેકેટ દરેક કરન્સીનાં મળતાં તેમાંથી અમુક તો હું બીજાને જોઈએ તેને આપી દેતો. મારી શ્રીમતી અને બોણી લેનારા ટેલિફોન, પોસ્ટ, કામવાળા પણ નવી જૂની મિક્સ નોટોથી સંતુષ્ટ રહેતા. મેં ક્યારેય નવી નોટોનો મોહ રાખ્યો નથી.

પણ નવી નોટો બધાને જોઈએ. આડોશ પાડોશ કે મિત્રો લગભગ તો ખાનગીમાં 'આ અંજારીયું શું આપવાનું' કહી કહે જ નહીં. કહે તેને થાય તેટલી થોડી ઘણી નવી નોટો દિવાળી જાય પછી આપું. લોકોનો ક્રેઝ ચાલ્યો ગયો હોય.

એક સગાએ કહ્યું કે મારે અમુક નોટ (એ વખતે દસ અને પાંચની નવી નોટ્સ બહુ ઓછી આવતી, તેનાં) કાલે કે પરમદિવસે બંડલો જોઈએ. એક બંડલ એટલે હજાર નોટ. તેઓ કહે અમુક પ્રસંગ છે.

મેં કહ્યું કે તમે અગાઉથી કહ્યું હોત તો ચેસ્ટમાં લખાવી દેત. તાત્કાલિક તો મળે નહીં. એ ભાઈને ખોટું લાગ્યું. કહે 'તો તમે કામના શું? તમારી તિજોરીમાં તો હોય જ ને!'

મારે સમજાવવું પડ્યું કે લોકો જે નોટો ભરે તે જ અમારી તિજોરીમાં હોય. એમાંથી પણ અમારી કેશ લિમિટ ધારોકે દસ લાખ છે તો બધી કરન્સી મળી દસ લાખથી વધુ રખાય નહીં. બ્રાન્ચની ડિપોઝીટ ત્રણ અબજ હોય તો એ ત્રણે અબજ તિજોરીમાં ન હોય. એ દસ લાખમાં પણ મોટી નોટો પાંચસો, હજારની જ હોય. અને નવી નોટ્સ માંડ એક બે બંડલ હોય. છતાં અમુક મિત્રોને કહી અમુક મારા ઘરમાં પડેલી નોટ્સ આપી તેમની માંગનો પાંચમો ભાગ તો પૂરો કર્યો. તેમણે ઢીલું ઢીલું થેન્ક્સ કહ્યું. પછી તેમને પ્રસંગો આવ્યા કે નહીં ને આવ્યા તો કેવી રીતે ખાસ્સા પચાસ સાઠ હજારની નાના ડીનોમીનેશનની નવી નોટો મેળવી કે નહીં એ ખબર નથી. મને પછી બોલાવે જ કોણ?

એમાં એકવાર બિઝનેસ કરતા પાડોશી કહે તેમને પરચુરણ જોઈએ છીએ. દસ, પાંચ અને એક, બે ના સિક્કા. 'બહુ નહીં. દરેક પાંચેક હજાર રૂ. ચાલશે' (!!)

આજથી પંદરેક વર્ષ પહેલાં જ્યારે પાડોશી સાથે વાટકી વ્યવહાર ઉપરાંત રાત્રે બેઠક ઉઠકના સંબંધ હોય ત્યારે સાવ ના કેમ પડાય! મેં કહ્યું કે બેંકમાં પરચુરણ હોય જ નહીં. કેશિયર ડબ્બીમાં માંડ આઠ દસ રૂપિયાનું મૂકે. તો કહે 'ન આપવું હોય તો ભલે. અમને મૂર્ખ ન સમજશો. બેંકમાં થેલા, અરે નાના કોથળા ભરી સિક્કાઓ પડ્યા હોય છે. અમને આટલું ન આપો તો તમે શું કામના માણસ?'

શ્રીમતીએ ઘરમાં હું સ્ટાફને વહેંચ્યા એ પૈકી મારા ભાગના લાવેલો એ બધા - રૂપિયાની અને બે રૂ.ની એક કોથળી અને પાંચ રૂ.ની એક, બન્ને તેમને આપી દીધી. શ્રીમતી કહે હું શાકવાળા વગેરે સાથે સમજી લઈશ.

પણ એ તો માંડ ચારસો રૂ. જેવા થયા. મેં કહ્યું 'તમારું અમારી … શાખામાં ખાતું છે. તેમને અરજી આપી દો. હું પણ એનો કેશિયર મને ઓળખે છે તો ભલામણ કરી ચેસ્ટમાંથી થાય એટલું મંગાવી આપીશ.'

તેઓ કહે "નથી જોઈતા. રાખો તમારી પાસે. હું મારી રીતે લઈ લઈશ."

પછી ખબર પડી. એમને ધંધામાં પરચુરણ તો જોઈએ. પણ સાથેના વેપારીઓમાં બડાશ મારેલી કે મેનેજર મારો મિત્ર છે અને હું જોઈએ એટલું પરચુરણ તમને આપું. અમુક વેપારીઓ તો મળે તો સો રૂપિયાની થેલી દોઢસોમાં બીજાને આપવા પ્રોમિસ આપી ચૂકેલા! મિત્ર તેમને હવે શું કહે?

મિત્રએ તેમની રીતે આકાશ પાતાળ એક કર્યાં હશે. અઠવાડિયાં પછી એમની શ્રીમતી આવીને મારી શ્રીમતીને કહે 'ભાઈને કહેજોને, થાય એટલું પરચુરણ લાવી આપે! તમે બન્ને બહુ કામના માણસ અને સારા પાડોશીઓ છો.'

***