23. પરીક્ષા
આપણે હું નોકરીમાં રહ્યો તે પહેલાંના પાંચ વર્ષ અગાઉ 1975નો પ્રસંગ જોશું. એ પહેલાં પરીક્ષાની વાત નીકળી છે તો બેંકની CAIIB પરીક્ષાઓની એ જમાનાની વાત કરૂં.
આજે પાર્ટ 1 JAIIB અને પાર્ટ 2 CAIIB કહેવાય છે. ત્યારે એ CAIIB I અને CAIIB II કહેવાતા. રજિસ્ટ્રેશન ની ફી 125 રૂ. જેવી અને પરીક્ષા ફી 75 થી 100 બધાં પેપરની. જ્યારે ક્લાર્કનો પગાર ગ્રોસ 525 રૂ. હતો. પરીક્ષાઓ પહેલાં સવારે 7.30 થી10.30 લેવાતી. મે અને નવેમ્બરમાં. પછી દર રવિવારે થઈ.
આજે પણ વિચાર આવે છે કે પાર્ટ 1 માં ઇકોનોમિક જોગ્રોફી શું કામ હતું. હું મઝાક કરતો કે ઓફિસર થઈને ગુજરાત થી યુપી કે એમપી જઈએ તો ત્યાં શું મળે, ક્યાં શહેર શેની નજીક આવેલાં છે ને રેલમાર્ગ કેવી રીતે જાય એ ખબર પડે તો બિસ્તરા પોટલાં બાંધી જવાની ખબર પડે. એમાં ભારતનો મેપ તો ઠીક આખા વર્લ્ડનો મેપ હાથે દોરવાનો ને એમાં માહિતી પુરવાની રહેતી. એ વખતના SSC માં ભૂગોળ હોય તો પણ મેપ તો પ્રિન્ટેડ આપતા. યો અહીં હાથે શું કામ દોરાવતા? એવું જ પાર્ટ 2 માં પબ્લિક ફાઇનાન્સ પેપર હતું. એને બેન્કિંગ સાથે ખાસ સંબંધ નહોતો.
પરીક્ષા પાર્ટ1 પાસ કરો તો એક ઇન્ક્રીમેન્ટ અને પાર્ટ 2 પાસ કરો તો બીજાં 2 મળતાં. પરીક્ષા અઘરી ગણાતી. આજે પણ ગણાય છે.
પણ એમાં ઇન્ટિરિયર સેન્ટરમાં ચોરી ચપાટી સારી એવી થતી. પાર્ટ 2 માં એક પેપર કેમે કરી મારે નીકળતું નહીં ત્યારે મેં નોકરીનું સેન્ટર બદલી વતન અમદાવાદ સેન્ટર રાખ્યું જ્યાં બધું સ્ટ્રીકટ હતું ને હું એમાં પાસ થઈ ગયેલો. 70 નજીકના માર્ક્સ પર.
નાના સેન્ટરમાં મુખ્ય સુપરવાઈઝર સ્ટેટ બેન્ક કે એસબીએસના મેનેજર હોય એટલે એની બ્રાન્ચવાળાઓને મોસાળે જમવું ને મા પીરસણે થતું. નહીં તો પણ વર્ગ સુપરવાઈઝર એ શહેરની બેન્કના ઓફિસરો જ હોય એટલે ક્લાર્ક હોય એ એને ધમકાવી, ઓફિસરો ભાઈબંધી કરી આજુબાજુ છૂટથી જોતા.
ચાલુ પરીક્ષાએ ચા વાળો કપ રકાબી ખખડાવતો આવતો અને પરિક્ષાર્થીઓ અર્ધી પીતા અર્ધી પાંચ બેન્ચ દૂર 'એ શાહ, લે પી' કહી મોકલતા.
'એય, તારું પાનું સીધું રાખ. બેડ ડેટ રિઝર્વ નો દાખલો જોવો છે' એમ વટથી આગળના મિત્રને કહેતા. મારું એકાઉન્ટન્સીનું પેપર તો પાછલા ભાઈ જેનો નંબર બીજે છેડે હતો એ જગ્યા ચેન્જ કરાવી મારી પાછળ આવી પાછળથી પેપર પકડી જોતા. એક મોટો ટ્રાયલ બેલેન્સ થી બેલેન્સ શીટ અને એક બેંક રિકન્સી. નો દાખલો તેમણે બેઠો મારામાંથી કોપી કરેલો. ત્યારે એ પાંચમી ટ્રાયલે નીકળેલા. મારા માર્ક્સ 75 જેવા આવેલા. ફાંકો નહીં પણ પાર્ટ 1 માં હું એક સાથે પાંચેય પેપરમાં પાસ થયેલો. એ વખતે રિઝલ્ટ આવ્યું ત્યારે મેં તો એ મોટી બ્રાન્ચ માટે આઈસ્ક્રીમ મંગાવ્યો પણ મારી બ્રાન્ચ ઇન્સ્પેક્ટ કરતા હતા તેઓએ તો સ્વ ખર્ચે ચેવડો પેડા મંગાવેલા. બસ, એક અધિકારી એક સાથે બધામાં પાસ થયો એટલે વધાવવા. (તેઓ પછી બેંકમાં જનરલ મેનેજર થયેલા.)
મારા જ એક મેનેજર રહી ચૂકેલા તેમને માટે એ થોડા વર્ષો પહેલાં કહેવાયેલું કે તેઓ આ CAIIB પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં રેન્ક લાવ્યા. તેઓ હોંશિયાર તો હતા જ પણ દ્વારકા જેવાં સેન્ટરથી ઓલ ઇન્ડિયા? તપાસ પછી દ્વારકા સેન્ટર બંધ કરી દેવાયેલું!! તેઓએ કબુલ કરેલું કે જીવનંદન ની ગાઈડ ને ટેક્સટબુક તેમણે ખુલ્લી રાખેલી પણ ક્યા પ્રશ્નમાં ગાઈડ જોવી ને શેમાં બુક ને શેમાં કાંઈ ન જોવું એ બુદ્ધિ તેમણે ચલાવેલી. સેન્ટરનું અમુક વિષયમાં 100 ટકા રિઝલ્ટ આવ્યું એમાં બબાલ થઈ.
આમ આ મહત્વની પરીક્ષામાં લોકો ચા પીતા, ક્યારેક બિસ્કિટ બટકાવતા અને ચોરીઓ કરતાં બેસતા. ફી એક વિષય હોય તો 30 રૂ. જેવી જ હતી એટલે ચાલુ એક્ઝામે ગોકીરો ને એ વખતે બેંક કાઉન્ટરો પર હોય એમ ઠઠ્ઠા મશ્કરીઓ થયા કરતી.
રાજકોટ કે અમદાવાદ જેવાં શહેરોમાં અમુક સેન્ટર સાવ લુઝ તો અમુક સ્ટ્રીક્ટ હતાં. પાસ થવું અઘરું હતું.
હા. મેં બેય પાર્ટ પાસ કરેલા. ક્યારેક થોડો સમય એ પાસ કરી એટલે ફોરેન બ્રાન્ચમાં જવા મળશે એવાં સ્વપ્નાં પણ જોયેલાં. પછી કોઈએ નરી વાસ્તવિકતાનું ભાન કરાવ્યું.
તો મૂળ પ્રસંગ પર આવીએ. એ વખતે એસએસસી પાસ કરો એટલે બેંકની સિલેક્શન પરીક્ષા માટે એલિજિબલ. બેંકની જોબ ત્યારે ગોલ્ડન ગણાતી કેમ કે 3 વર્ષની નોકરીએ હાઉસિંગ લોન મળે એ પણ 3 કે 4 ટકાએ. સામાન્ય લોકો માટે પોતાનું ઘર તો દિવાસ્વપ્ન જ હતું. બેંકર્સ નવી સાઇકલ થી માંડી ટુ વ્હીલર વાહન લોન, અરે મેરેજ માટે પણ લોન લેતા જે વેપારીઓને માંડ મળતી. ઉપરથી ક્લાર્ક હો તો ઓવરટાઈમ, જેના વિશે મૌન રહીશ. એટલે જ જે હોંશિયાર હોય તે તૈયારી કરી બેંકની સિલેક્શન પરીક્ષામાં બેસતા, ચાલુ કોલેજે.
એમાં મારા એક મિત્ર જે ભણવાનું તો પહોંચી જ વળતા, એનસીસી માં પણ હતા- એમણે 1974 માં બેંકની એક્ઝામ આપી અને 19મે વર્ષે 1975માં બેંક ઓફ બરોડા માં ક્લાર્ક તરીકે સિલેક્ટ થયા. અમે બધા એસ.વાય. માં. એમની સામે અહોભાવથી ને કેટલાક ઇર્ષ્યાથી જોઈ રહ્યા. બીજું સત્ર શરૂ થયેલું. અમારી એચ.એલ. કોમર્સ બપોરની. તો તેમણે જ્યાં રોજ હાજરીની જરૂર ન પડે તેવી સવારની કોલેજમાં એડમિશન લીધું. પ્રી, એફ.વાય માં ફર્સ્ટક્લાસ છતાં. એસ.વાય. ની બીજી ટર્મથી એ સામાન્ય કોલેજમાં.
નોકરી ચાલવા લાગી. તેમને કેશિયર બનાવ્યા. બંદા ખુશ. કહે 'લાખ થાપીએ છીએ લાખ ઉથાપીએ છીએ'. પ્રોબેશન એટલે પોણા અગિયાર થી પોણા છ બેસવું પડે. અમુક ક્લાર્કસ સાડા ત્રણે ઘેર જતા રહેતા ને બીજો સાઈડ બિઝનેસ કરતા. (બેન્કની નોકરી તે વખતે ગોલ્ડન ગણાવા પાછળ આ પણ એક કારણ.) તેઓ સવારે અગત્યનાં લેક્ચર ભરે, ટિફિન લઈ બસમાં વિરમગામ શાખા જાય. બસના ટાઈમ પણ ખબર. રાતે આવીને વાંચે. તૂટી જાય પણ બેંકની નોકરી ક્યાંથી?
ટી.વાય. નું ફાઇનલ ઈયર આવી પહોંચ્યું. એ પણ પૂરું થવા આવ્યું.
એમાં એપ્રિલ ત્રીજા વીકમાં યુનિ. ની ફાઇનલ પરીક્ષા આવી. સાત પેપરની સાત રજા તો કોણ આપે? એકાઉન્ટન્ટ (એટલે મેનેજર પછીની વ્યક્તિ) એ કહ્યું કે 'પેપર તો બપોરે ત્રણ નું છે ને અહીંથી એક કલાકમાં તો પહોંચાય. તું સવારે આવી દોઢ વાગે … ને ચાર્જ સોંપી ભાગજે.' મિત્ર મેનેજરને કરગર્યા પણ સ્થિતિ એવી કે સાત દિવસ રજા ન જ મળી. મિત્રને ચાલુ નોકરીએ, એ પણ 32 કીમી દૂરના સ્થળે નોકરી કરતાં જિંદગીની આ અતિ મહત્વની પરીક્ષા આપવી પડી. છૂટકો ન હતો.
એક બે પેપર તો બસમાં ભાગતા જઈ રીક્ષા પકડી આપ્યાં. આજે મહત્વનું પેપર. દાવ થઈ ગયો. બીજેથી કેશ આવી એટલે ગણવામાં વાર થઈ અને લાંબી લાઈન. બેંકની ઘડિયાળમાં એક ને વીસ. લાઈન તો અજગર જેવી લાંબી. એમણે કેશ ગણતાં જ બૂમ પાડી … ને ચાર્જ લેવા બોલાવ્યો. પણ એને પણ લાઈનમાં ઉભેલા વેપારીઓ વગેરે હટવા દે તો ને!
એક ચાલીસ. મિત્રનું હૃદય જે ધડકે! સાહેબને ઇન્ટરકોમ કર્યો પણ કોઈ રીતે બંધ. તેઓ કેશ મેળવ્યા વિના જ કેબિન લોક કરી એકાઉન્ટન્ટને મળ્યા. એકાઉન્ટન્ટ સારા હતા પણ કહે હું જે લાઈન છે એને બીજા કાઉન્ટરે મોકલું. સાહેબને પરીક્ષા છે એ કહીને. પણ લીધેલી કેશ તો મેળવવી પડે ને?
મિત્ર કેશ ગણવા ને મેળવવામાં પડ્યા. તે વખતે નોટ કાઉન્ટિંગ મશીનો નહીં. ટેન્શનમાં એક વાર ભૂલ આવી. વળી ગણ્યું. કેશ મળી. તેઓ દરવાજો લોક કરી કુલર પરથી પાણી પણ પીધા વગર દોડ્યા. સવારના જમ્યા પણ નહોતા.
બેંકનાં પગથિયાં ઠેકતા ઉતર્યા ત્યાં બેંકની ઘડિયાળમાં સવા બે! મિત્રને પરસેવો વળી ગયો. અને કોઈ ગ્રાહકના વાહન પર બસસ્ટેન્ડ પહોંચ્યા. બસ ઉપડી ગયેલી. બીજી તો ત્રણ પછી. તો ચાર વાગે તો પહોંચે. મિત્ર પરસેવો લૂછતા દોડીને નજીક હાઇવે પર ઉભા. ટ્રકોને હાથ કરવા લાગ્યા. એ સમયે ટ્રકવાળા જમીને આરામ કરતા હોય. એપ્રિલ ત્રીજા વીકનો તાપ. ટ્રક પણ એવા સમયે રડીખડી નીકળે.
લગભગ અઢીને પાંચે ટ્રક મળી. ટ્રકવાળાને જ કહ્યું કે પરીક્ષા છે. ભગાવ. પણ સરખેજ પાસે રેલવે ફાટક બંધ. ત્રણ ને દસ. મિત્રને મોં પરથી માખ ન ઉડે. હૃદય જે જોરથી ધડકે!
પાલડી ઉતરે તો પોલીટેક્નિક, 3 કિમી દૂરની જ કોલેજમાં નંબર હતો એટલું સદભાગ્ય. તેમણે રીક્ષા પકડી. લો. નસીબ વાંકુ હશે તે સહેજ આગળ જઈ રીક્ષા ગરમ થઈ બંધ પડી. રિક્ષાવાળો હેન્ડલ માર્યે જાય. 'તમ તમારે ચિંતા ન કરો. આ ચાલી હમણાં' કહી વળી પ્લગ સાફ કરવા રીક્ષા ખોલી.
મિત્રે એને દસની બે નોટ, જે એ વખતે મિનિમમ ડિસ્ટન્સ ના પાંચ કે છ હતા ત્યાં પકડાવી. મિત્ર રડમસ થઈ ગયેલા. ગાંડાની જેમ જે વાહન મળે એની પાછળ દોડે. એવું તો કૂતરાં પણ રાતે દોડતાં નહીં હોય.
કોઈ એ વખતે પ્રચલિત સોસિયો ની બોટલો ભરી ખણ ખણ કરતો જતો હતો એને રીતસર આડા ફરી ઉભો રાખ્યો ને કહે '… કોલેજ ઉતારી દો પ્લીઝ.'
'હટો. હું પેસેન્જર લઈશ તો પોલીસ ધોઈ નાખશે. નહીં તમે પહોંચો નહીં હું.' કહી એણે હેન્ડલથી કીક મારી. મિત્ર દાંડો પકડી બેસી જ ગયા. રડમસ અવાજે કહે 'પ્લીઝ, ભગવાન ભલું કરે. કાંઠે આવીને મારી કેરીયર ડૂબી જશે. પ્લીઝ, તારી ગાય છું' વગેરે.
પેલાએ સોસિયોની બાટલીઓની સલામતીની પરવા કર્યા વગર થોડી ભગાવી. બિચારું માલ નું છકડું ભાગીને પણ રીક્ષા જેવું તો ન જ ભાગે ને?
કોલેજ નજીકના ચાર રસ્તે લગભગ પા કિલોમીટર દૂર છકડું ઊભાડી મિત્ર હાંફતા હાંફતા દોડ્યા.
અર્ધો કલાક સુધી મોડા પડે તો સુપરવાઇઝર એલાવ કરી શકે. મિત્ર દોડતા દાદરો ચડી સીધા ક્લાસમાં પહોંચ્યા. પહેલાં સુપરવાઈઝર કહે સોરી. એમ લોકોને એલાવ કરીએ તો ટાસ્ક ફોર્સ કે યુનિવર્સિટી અમારી પર એક્શન લે. મિત્રએ કરગરતાં સમજાવ્યું કે ચાલુ નોકરી હતી તો કહે ઇટ ઇઝ યોર પ્રોબ્લેમ.
મિત્ર દોડતા પ્રિન્સિપાલ કે સેન્ટર ઇન્ચાર્જની કેબિન તરફ દોડ્યા. કદાચ કોઈ છોકરાએ જ સુપરવાઈઝરને સમજાવ્યા. તેમણે મિત્રને બૂમ મારી પાછા બોલાવ્યા. ક્વેશ્ચન પેપર તો ક્લાસમાં ગણીને આપેલાં ને વધારાનાં પાછાં સોંપી દીધેલાં. સુપરવાઇઝરે તેમને ઉત્તરવહી આપી ક્વેશ્ચન પેપર સેન્ટર ઇન્ચાર્જની કેબિનમાંથી લઈ આવે ત્યાં સુધી બાજુવાળામાંથી ફક્ત પ્રશ્ન જોઈ વિચારે ત્યાં આવે એમ કહ્યું. પેપર લઈ આવ્યા ને મિત્રએ પેન ખોલી એમની આદત મુજબ ઝીણો ૐ લખી ઓબ્જેક્ટિવ શરૂ કર્યા ત્યારે પોણા ચાર વાગેલા. કદાચ ચાર માં પાંચ. હોલની ઘડિયાળ થોડી પાછળ હોઈ શકે.
મિત્રે ટૂંકામાં પ્રશ્નો લખી છ વાગે પેપર પૂરું થયું ત્યારે માંડ પાંચ માર્કનું બાકી રાખી પેપર સબમિટ કર્યું. અને તેઓ હાયર સેકંડકલાસમાં બી.કોમ. થયા.
પરીક્ષા પછી અમે મળ્યા ત્યારે તેમણે આ વાત કરેલી. બીજાં બે બાકી પેપરમાં પ્રોબ્લેમ નહોતો થયો.
એ મિત્ર પછી તો આફ્રિકા તરફની ફોરેન બેંકમાં અધિકારી થઈને ગયેલા. મારે હવે ટચ નથી. કોઈએ કહ્યું તેઓ જીવનની પરીક્ષા પાસ કરી ઈશ્વરને ત્યાં ગયા છે. કોઈ કહે જીવે છે. એમનું નામ યાદ છે પણ લખતો નથી. એ નામ કરતાં એ પરીક્ષા યાદ રહી જાય એવું નથી?
***