Mahatmya of devotion books and stories free download online pdf in Gujarati

ભક્તિનું માહાત્મ્ય

ભક્તિનું માહાત્મ્ય

ભક્ત ભગવાનની ભક્તિ કરે છે ત્યારે તેનામાં આનંદરસની ઉત્પતિ થાય છે. ભક્તની આ આનંદરસની ભાવના ભક્તોને પ્રભુ પ્રત્યેના પ્રેમનાં વ્યસન સુધી લઈ જાય છે. સંતો કહે છે કે જે જીવને પ્રભુ પ્રત્યે નિર્મળ પ્રેમ હોય છે તે જીવોને પ્રેમ શબ્દ સાથે, પ્રેમભાવ સાથે નાત-જાતનો કોઈ ભેદભાવ હોતો નથી. કારણ કે પ્રેમ એ સ્વયંભૂ છે અને સ્વયં સ્ફુરિત છે કારણ કે પ્રેમ ભાવના છે, સંવેદના છે જેનું પ્રાગટ્ય હૃદય કેરા કૂપમાંથી થાય છે.

પ્રેમીઓએ પ્રેમને છીપમાં રહેલા મોતી સાથે સરખાવેલ છે, જેણે આ મોતીને મેળવી લીધું તેનું જીવન પ્રેમમય બની જાય છે, અને તે કેવળ અને કેવળ પરમાત્માનો બની જાય છે. શુકદેવજી કહે છે કે ભક્તિએ એવો રસ છે જેનું પાન કરવાથી પાન કરનારને ક્યારેય સંતોષ થતો નથી તેથી તે ભક્તિકથામૃતની સતત ઝંખના કર્યા કરે છે. જે ભક્તિનું રસપાન કરવું ભક્તો હંમેશા લાલાયિત હોય છે તે ભક્તિના નવ પ્રકાર શાસ્ત્રોએ કહ્યા છે. આ નવ ભક્તિમાં ત્રીજો પ્રકાર સ્મરણ ભક્તિનો છે.

સ્મરણભક્તિ, નામ ભક્તિને ચિત્ત, મન, અને આત્માનો વિષય માનવામાં આવ્યો છે. પ્રભુ નામને એકાગ્ર ચિત્તે સ્મરણ કરવાથી હૃદયમાં અને આત્મામાં પ્રભુની છબી, પ્રભુના સ્વરૂપને અટલ, અચલ અંતઃકરણમાં સ્થાપિત કરવું. નારદમુની સુતજીને કહે છે કે જે ભક્તો પોતાના ઇષ્ટદેવનાં ચરણોમાં, તેમના મનમોહક સ્વરૂપની મૂર્તિને આર્તિપૂર્વક પોતાના હૃદયમાં ધારણ કરી રાખે છે તેનાં ભવોભવની પીડા શમી જાય છે.

यस्य स्मरण मात्रेण जन्म संसार बंधनात्।

विमुच्यते नतस्तस्मै विषण्वे प्रभ विषण्वे॥

પ્રભુ નામ એટલે પ્રભુનું ધામ, સાધનની દૃષ્ટિએ પ્રભુના નિરાળા નામોમાં કોઈ ફર્ક આવતો નાથી કારણકે પ્રભુનું આ નામ જ આત્મા અને પરમાત્મા વચ્ચેને જોડતી કડી બને છે. એ રીતે જોઈએ તો પ્રભુનું નામ સ્મરણ એ સાધન પણ છે અને સાધ્ય પણ છે. શુકદેવજી કહે છે કે પ્રભુનું નામ એ નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે. પરંતુ જીવોના મુખથી લેવાતા નામને કોઈ સ્વાદ હોતો નથી પણ નામનું એક સ્વરૂપ હોય છે જેને લૌકિક અલૌકિક અંતઃચક્ષુથી ઓળખી શકાય છે.

ઉપનિષદમાં કહે છે કે નામસ્મરણ લેવાથી જીવમાં રહેલ સૂક્ષ્મ મન અને આત્મામાં પરમાત્માનું સ્વરૂપ વ્યાપક અને અર્થપૂર્ણ બને છે, જે જીવોના અંત સમય સુધી તેની સાથે રહે છે. તેથી જ સંતો અને શાસ્ત્રો કહે છે કે પાણી જેમ જીવનનું મુખ્ય તત્વ છે તેમ નામસ્મરણ પણ આપણાં આત્માનું તત્વ એ રીતે બની જવું જોઈએ કે જીવનની છેલ્લી ઘડીએ કાંઇ ચાલે કે ના ચાલે પણ પ્રભુનું સ્મરણ સ્વગત જ થવું જોઈએ. ધર્મમાં કહ્યું છે કે પ્રભુનું નામ સ્મરણ લેવા માટે પણ કોઈ ગુરુનું માર્ગદર્શન હોવું જોઈએ. ધર્મની આ વાતથી ચોક્કસ આશ્ચર્ય થાય કે પ્રભુનું નામ તો સ્વતઃસિધ્ધ અને પરિપૂર્ણ છે તો આપણને પ્રભુનું નામસ્મરણ કરવા માટે ગુરુની સહાયતા શા માટે જોઈએ ?

શ્રીવલ્લભ કહે છે કે જ્યારે જીવ એમ માને કે હું કરું છુ, ત્યારે તે જીવમાં હુંકાર ભાવ આવી જાય છે. તેથી જીવોમાં રહેલ આ હુંકાર રૂપી મદને કાઢવા માટે યોગ્ય ગુરુનું માર્ગદર્શન હોવું જોઈએ. આજ કારણસર આપણે કહીએ છીએ કે શ્રીવલ્લભની કૃપા છે તો આપણે આ કાર્ય કરી શકીએ છીએ. કારણ કે ગુરુને કેવળ બે વસ્તુ પ્રિય હોય છે એક તો પ્રભુનું અનુસંધાન અને બીજું પ્રભુનું અખંડ નામસ્મરણ. વળી ગુરુનો એ સ્વભાવ પણ છે કે જે તેમને પ્રિય હોય તે જ વસ્તુનું દાન તેઓ પોતાના સેવકોને કરે છે.

શ્રી હરિરાયજીચરણ કહે છે કે જ્યારે જીવ અસ્પષ્ટ ભાવથી સતત પ્રભુનું નામ લીધા કરે છે ત્યારે જીવના જીવનમાં ગુરુનું આગમન થાય છે. આ જ ગુરુ જીવોને સમજાવે છે કે તારો અહંકાર, તારો હું પદ, મદ, મોહ, તૃષ્ણા વગેરેને છોડીને પ્રભુના શરણે જા કારણ કે તારા આ લોકનું અને તારા પરલોકનું શુભ પ્રભુ જ કરશે. ગુરુ આપણને પ્રભુ નામ આપે છે પણ આપણે પ્રભુ નામ શી રીતે લેવું જોઈએ ?

શ્રી હરિ સ્વયં કહે છે કે હરિચિંતન કરવા માટે એકાંત અને એકાગ્રતા જરૂરી છે. શ્રીહરિનાં પ્રથમ એકાંત શબ્દના અર્થને સમજાવો અહીં જરૂરી છે. એકાંત એટલે સમયનું એકાંત નહીં, તનનું એકાંત નહીં બલ્કે મનનું એકાંત હોવું જરૂરી છે. લૌકિક તન ભલે આમતેમ ફર્યા કરે પણ મનનાં એકાંતમાં પ્રભુ સ્મરણ કરવું જોઈએ. તેથી આપણી આસપાસ લૌકિક કાર્યો પણ થતાં હોય તો તેનો કોઈ ફર્ક પડતો નથી. જ્યારે બીજો શબ્દ છે એકાગ્રતા. આપણે હંમેશા ભોક્તા રૂપે રહીએ છીએ તેથી સુખદુઃખનાં વમળમાંથી આપણે નીકળી શકતા નથી, તેથી જ્યારે આપણે પાણીમાં રહેલા મીઠાની માફક પ્રભુ સ્મરણમાં મગ્ન થઈ મનની એકાગ્રતા કેળવીશું ત્યારે જ આપણે આ વમળમાંથી બહાર નીકળી શકીશું.

નારદસૂત્રમાં કહે છે કે જ્યાં સુધી જીવોનો શ્વાસ ઉચ્છવાસ ચાલે છે ત્યાં સુધી જીવોએ પ્રભુસ્મરણ કરવા તત્પર થવું જોઈએ. શુકદેવજીએ પરિક્ષિત રાજાને કહે છે કે હે રાજન પ્રભુનું સ્મરણ કરતી વખતે જ્યારે દેહબુધ્ધિનું વિસ્મરણ થઈ જાય ત્યારે માનવું કે પ્રભુનું નામ લેવામાં જીવને સફળતા મળી છે.

હે રાજન આપણે સદૈવ જોઈએ છીએ જીવ પ્રભુનું નામ કેટલી વાર લીધું તેની ગણતરી કર્યા કરે છે પણ હે રાજન શું આ રીતે ગણતરી કરવી યોગ્ય છે ? આપણે ત્યાં પણ વૈષ્ણવો કહે છે કે અમે રોજ નવવાર યમુનાષ્ટકનાં પાઠ કરીએ છીએ પણ બીજી રીતે જોઈએ તો યમુનાજી તો સ્વયં માતા છે અને માતાનું નામ નવથી વધુ વખત લેવાઈ જાય તો એમાં શું ગણવા બેસવાનું ? નામસ્મરણ તો વધુ ને વધુ લેવાની ટેવ રાખવી જોઈએ કારણ કે નામસ્મરણનો સતત જાપ કરવાથી પ્રભુના આનંદમય સ્વરૂપના સાનિધ્યનો લાભ મળે છે. અગ્નિપુરાણમાં કહ્યું છે કે જીવે પ્રભુસ્મરણની બાબતમાં હંમેશા અસંતોષી રહેવું જોઈએ.કારણકે જે દિવસે જીવને થોડો પણ પ્રભુનામ લેવાનો સંતોષ થઈ જશે તે દિવસે જીવનું પ્રભુસ્મરણ કરવાનું ઓછું કરી દેશે અને પ્રભુ પ્રત્યે તેનાં સ્નેહમાં પરિવર્તન આવી જશે, માટે આપણે મનથી અસ્થાયી થઈએ તે પહેલા સ્મરણ સાધનાને આપણાં શ્વાસોશ્વાસમાં વસાવી લઈએ. ઘણીવાર એ પણ પ્રશ્ન થાય છે કે શું પ્રભુસ્મરણનો કોઈ વિકલ્પ હોય શકે કેમ ?

પ્રભુ શ્રીરામે કેવટને કહેલું કે મારા સ્મરણનો કેવળ એક જ વિકલ્પ છે કે મને મારા સ્વરૂપ સાથે તું તારા હૃદયમાં અને તારી જિહવા પર વસાવી લે. ગોપીજનોએ પણ આજ વાતને સિધ્ધ કરી છે. તેઓએ પણ શ્રીઠાકુરજીને તેમના સ્વરૂપ સાથે પોતાના હૃદયમાં, અને આત્મામાં એ રીતે વસાવી લીધેલા છે કે શ્રીઠાકુરજી તેમનાથી દૂર જ ના જઇ શકે. શ્રી ભાગવત્જીમાં કહે છે કે જ્યારે આપણે કોઈને આત્મામાં વસાવીએ છીએ તેનો અર્થ એ કે તે જીવને આપણે ઘણો પ્રેમ કરીએ છીએ, પરંતુ પ્રેમ એટલે શું ? અને પ્રેમ કોની સાથે શક્ય બને ? કવિ જયદેવજી કહે છે કે જ્યારે તું મારી સામે આવે છે ત્યારે મને મારા હોવાનું અસ્તિત્ત્વ રહેતું નથી, મારી નજરોની અંદર કેવળ તુ જ બિંદુ બનીને સમાઈ જાય છે, મારી આસપાસ કેવળ તારા જ હોવાની મને વારંવાર અનુભૂતિ થતી રહે છે તેનું નામ પ્રેમ છે.

કવિ જયદેવની જેમ ભ્રમરગીતમાં રહેલી ગોપીઓ કહે છે કે અમારા આરાધ્ય યશોદાનંદન છે, તેથી યશોદાનંદનનું જ સંસ્મરણ અમારા અસ્તિત્ત્વને પૂર્ણ બનાવે છે. લલિત રસ મંજરીમાં કહે છે કે નામસ્મરણ લેવાથી પ્રેમ નથી આવતો તેનાથી કેવળ અનુરાગ થાય છે, પરંતુ શ્રી હરિરાયજીચરણ કહે છે કે જ્યાં અનુરાગ હોય ત્યાં જ આસક્તિ આવે છે અને સમયનુસાર આ આસક્તિ જ વ્યસનમાં ફેરવાઇ જાય છે. શ્રી હરિરાયજીચરણની વાતને યથાર્થ કરતાં ગોપીઓ કહે છે કે જ્યારે જ્યારે અમે બાલકૃષ્ણનું નામ લઈએ છીએ ત્યારે ત્યારે અમારા હૃદયમાં તેમના માટેની આસક્તિ અને અનુરાગ વધતો જાય છે. આ વધતી જતી આસક્તિને કારણે અમે તેમનું સતત સ્મરણ કરીએ છીએ, અને જે દિવસે અમે તેમનું સ્મરણ ના કરીએ તે દિવસ અમને વ્યર્થ લાગે છે.

આગળ ગોપીઓ કહે છે કે વૃંદાવન ઉપર ઉદયમાન થતા સૂર્યચંદ્ર ક્યારેક અમને દઝાડે છે અને ક્યારેક અમને ઠંડક પહુંચાડે છે ત્યારે અમારી હાલત દયનિય બની જાય છે, અને આ સ્થિતીમાં અમે જો અમારા પ્રભુનું સ્મરણ ના કરીએ તો અમે અમારા હૃદયથી જ પરવશ થઈ જઈએ છીએ. માટે કોઈપણ કાળે, કોઈ પણ સમયે, કોઈપણ પરિસ્થિતિમાં શ્રી યશોદાના નંદનનું સ્મરણ કરવું તે જ અમારું કર્તવ્ય છે અને તેમનું નામ લેવાને માટે જ અમારો જન્મ થયો છે. શ્રીવલ્લભ કહે છે કે જ્યારે જીવ પૂર્ણ શરણારગતિ સાથે શ્રી પ્રભુનું સ્મરણ કરે છે ત્યારે જીવ પ્રભુના જ સ્વરૂપ તદ્રુપ થઈ જાય છે, અને જેમ છાશમાં છુપાયેલ માખણ પાણી નાખતાં જ ઉપર આવે છે તેમ જીવોમાં રહેલો પ્રભુ માટેનો પ્રેમ, સ્નેહ અને અનુરાગ ઉપર આવી જાય છે. ગોપીઓની જેમ શ્રી હરિરાયજીચરણ વલ્લભસાખીમાં કહે છે કે પ્રભુની સેવાની પ્રાપ્તિ એ જ જીવોનું ફળ છે, પ્રભુનું સ્મરણ કરવું એજ જીવોનું કર્તવ્ય છે,

પ્રભુ સ્મરણમાં સંસાર-વ્યવહાર, એજ પરમાર્થનો સાચો સાર, મારું હિતાહિત સર્વે ઈશ્વરને હાથ, એ જ આત્માની સમજણ ખાસ.

ગોપીજનો કહે છે કે શ્રીઠાકુરજીનું સ્મરણ કર્યું છે ત્યારે અમને પ્રભુ મળ્યાં છે. ગોપીજનોની વાત સાંભળીને પ્રભુ કહે છે કે જ્યારે જે ગોપીજનો કેવળ મારા થઈ ગયા છે તેમનો થઈને હું શા માટે ના રહું ? આપણો આત્મા જાણે છે કે પ્રભુ જ આપણું સર્વેસર્વા છે તેમ છતાં પણ આપણે પ્રભુને ઓળખી શકતાં નથી. જે પ્રભુનું સ્મરણ સતત કરવું જોઈએ તેને બદલે આપણે જ્યારે દુઃખ અને પરેશાની હોય ત્યારે જ પ્રભુનું નામ લઈએ છીએ.

ભગવાન વિષ્ણુ નારદમુનિને કહે છે કે “હે નારદ જીવો જાણે છે કે હું જ તેમનું સર્વેસર્વા છું પણ તેમ છતાં તેઓ મને અને મારા સ્વરૂપને ઓળખી શકતાં નથી કારણ કે જીવોમાં રહેલો હું કાર ભાવ અને દેહ બુધ્ધિનો અહંકાર તેમને મારાથી દૂર કરી દે છે. જીવોને માટે મને મળવાનો કેવળ એક જ ઉપાય છે તે છે મારું સ્મરણ. જીવ ચિત્તમાં મને મળવાની તાલાવેલી સાથે જો મારું સ્મરણ સ્નેહથી કરશે તેમને માટે હું તેઓનો જ બનીને રહીશ, અને સદૈવ તેના હિતાહિતની ચિંતા હું જ કરીશ જેથી તેને તેના યોગક્ષેમની ચિંતા ના રહે. તેથી જ કહેવાય છે કે એકવાર પ્રભુસ્મરણનો અમૃતપ્યાલો મળી ગયો પછી બીજા અમૃતની કોઈ જરૂર છે ખરી કે ?

ભક્તિ નૌકા તારે સર્વને, જે કો શરણે આવે શુચિ પાપી, અન્ય સાધન દારુ–તુંબિકા, ગ્રહે સભય તારે કો કદાપિ તરે કદાપિ બચે, કામાદિ ગ્રાહથી સામર્થ્ય નહિ અણુ તારવા સાથી, વિબુધ વિચારી જુઓ નિજ મન,ભક્તિ ભલી કે સાધન અન્ય….?

ભક્તિરૂપી નૌકામાં બેસેલો ગમે તેવા ગુણવાળો હોય તો પણ પોતાની સાથે બીજા પાંચને તારી શકે છે. જ્યારે તુંબડીવાળો તો કેવળ પોતાને તારે તોયે ઘણું. હે બુધ્ધિમાનો તમે જ વિચારો કે સાધન રૂપી સાધનમાર્ગ કરતાં પ્રેમભક્તિનો માર્ગ ઉત્તમ છે કે નહીં ?
Dipakchitnis(DMC) dchitnis3@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED