ડ્રીમ ગર્લ - 10 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 10

ડ્રીમ ગર્લ 10

જિગરે સુવાની કોશિશ કરી. આગલી રાતનો ઉજાગરો હતો એટલે ઉંઘ તો આવી જવી જોઈતી હતી પણ વિચારોની હારમાળા બધું અસ્તવ્યસ્ત કરી મૂકતી હતી.
ત્રણ વર્ષ પહેલાં જિગરના પિતા નવિનચંદ્ર શેલત , જે એક સરકારી વકીલ હતા એમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. પણ એ પહેલાં એક સરસ મકાન એમણે બનાવી દીધું હતું. અને એમનું જે પેંશન આવતું હતું એ મા-દીકરા માટે પૂરતું હતું. જિગરની માતા રેણુકા શેલત એક હાઉસ વાઈફ અને ભક્તિપરાયણ સ્ત્રી હતી. એને મન હવે દીકરો જ સર્વસ્વ હતો.
નિલુની માતા વીણા મહેતા સાથે જિગરની માતાને સારું ફાવી ગયું હતું. નિલુની માતા જિગરની માતા સાથે બેસવા ઘણીવાર જિગરના ઘરે આવત. અને સાથે આવતી હતી નિલુ. અને એની સાથે ક્યારેક આવતી હતી અમી. નિલાની માસીની દીકરી. નિલા અને અમી લગભગ સરખા જ હતા . અમીની માતા નંદીની ઉપાધ્યાય અને નિલાની માતા બન્ને સગી બહેનો હતી. અમીના પિતા રાજેન્દ્ર ઉપાધ્યાયનો કન્સ્ટ્રકશનનો ધંધો હતો.
જિગર નિલુને જોઈ ને લગભગ એની પાછળ પડી ગયો હતો. એક દિવસ રોજની જેમ જિગર નિલુની પાછળ પાછળ મંદિરમાં ગયો. નિલુને એનો આમ પીછો કરવું ગમતું ન હતું. નિલા એ , એ દિવસે કહી જ દીધું.
" એક સભ્ય માણસ આમ પીછો નથી કરતા. "
" કદાચ સભ્ય માણસ પ્રેમ નહિ કરતા હોય. આજથી હું તારો પીછો નહિ કરું. પણ તારી રાહ જોઇશ. યુ આર માય ડ્રીમ ગર્લ. "
નિલાએ આવું ફિલ્મમાં જોયું હતું અથવા નવલકથા માં વાંચ્યું હતું. પણ આવું અનુભવ્યું ન હતું. ડ્રીમ ગર્લ ? શું પોતે એટલી સુંદર છે કે પોતે કોઈની ડ્રીમ ગર્લ હોઈ શકે ? અને આ અનુભવે અચાનક એને મેચ્યોર્ડ બનાવી દીધી. હવે એ અરીસા સામે બેસી પોતાની જાતને જોતી. જિગરના શબ્દો એના કાને અથડાતા હતા. યુ આર માય ડ્રીમગર્લ. નિલા અરીસામાં પોતાની જાતને જોઈ રહેતી. સરસ માથું ઓળતી. વાળની અવનવી સ્ટાઇલ કરતી. હવે એને સરસ તૈયાર થવાનું ગમતું હતું. એ અવનવા કપડાં પહેરતી અને પોતાની જાતને અરીસામાં જોઈ રહેતી. એને લાગતું પોતે યુવાન થઈ ગઈ છે. ક્યારેક પોતાનાથી સુંદર યુવતીને જોતી અને એને વિચાર આવતો , ના ના.... પોતે એટલી સુંદર નથી કે કોઈની ડ્રીમ ગર્લ એ બની શકે. હવે અનાયાસે એની નજર જિગરના ઘર તરફ ચાલી જતી. પણ જિગર ક્યાંય દેખાતો નહિ.
પ્રેમ પણ અજીબ હોય છે. મળે ત્યારે કિંમતના હોય અને જ્યારે દૂર થાય ત્યારે યાદ સતાવે. અને એક દિવસ અમી આવી. બપોરે. નિલા અમીને જોઈ રહી. કેટલી સુંદર છે. કોઈની ડ્રીમ ગર્લ તો આવી હોય. પોતે કોઈ સ્વપ્ન જોયું લાગે છે.
" માસી નથી ? "
" મમ્મી પડોસ માં બેસવા ગઈ છે. "
" આજે હું ઉતાવળમાં છું. મારે માસીને મળીને નીકળી જવું છે. ચલ તું મારી સાથે. "
નિલુ અને અમી જિગરના ઘરે આવ્યા. જિગર નિલાની માતા સાથે વાત કરતો હતો. અમી અને જિગર પહેલી વાર આમને સામને આવ્યા હતા. અમી અને જિગરની નજર ટકરાઈ. જે અમી ઉતાવળમાં હતી એ અમી પુરા ચાર કલાક રોકાઈ.
સાંજે અમી અને નિલા , નિલાની માતા અને જિગરની માતા સાથે બહાર નીકળ્યા. અમીના વાહનમાં પંચર હતું. જિગરની માતા એ કહ્યું..
" તું ચિંતા ના કર. જિગર મૂકી જશે. "
અને જિગર બુલેટ લઈને અમીને મુકવા જવા તૈયાર થયો. અમી જિગરની સાથે બેઠી. નિલા બન્નેને જોઈ રહી. એના હદયે કહ્યું. નાઇસ જોડી.
અમીના હદયમાં અવનવા ભાવ આવતા હતા. પહેલી વાર એનું હદય આમ કાબુમાં ન હતું. એ શક્ય એટલો વધુ સમય જિગર સાથે વિતાવવા માંગતી હતી. રસ્તામાં અમી એ કોફી પીવાની ઓફર મૂકી. જિગરને એમાં નિલા સુધી જવાનો રસ્તો દેખાયો. સ્કાય કોફી હાઉસમાં બન્ને પહોંચ્યા. એરકન્ડિશન્ડ કોફી હાઉસના કાચના દરવાજાને પાર કરી બન્ને અંદર આવ્યા. ચારે બાજુથી બંધ એવા કોફી હાઉસમાં આછી લાઈટનું એક મદહોશ વાતાવરણ હતું. ધીમું સુરીલું સંગીત વાગી રહ્યું હતું. બન્ને એક ટેબલ પર સામસામે ગોઠવાયા. બન્ને માટે કોફી અને સેન્ડવીચ આવી. કેટલીય અલકમલકની વાતો થઈ. અમીને જિગરનું સમગ્ર વ્યક્તિત્વ મોહક લાગતું હતું. અમીને એવું લાગ્યું કે જીવનનો એક અગત્યનો પડાવ એને મળી ગયો છે. પણ જિગરના મનમાં કંઇક બીજું જ ચાલતું હતું.
" અમી એકવાત પૂછું? "
" બોલો. "
" પણ તું કોઈને કહીશ નહિ ને ? "
" નહિ કહું. "
" પ્રોમિસ ? "
" પ્રોમિસ. "
" અમી , નિલુના જીવનમાં કોઈ છે ? આઇ મીન એ એન્ગેજ છે ? "
" કેમ ? "
" જસ્ટ એમ જ પૂછ્યું. મને એવું લાગ્યું કે કદાચ હોય. "
" કેમ. કોઈની સાથે એને જોઈ હતી. "
" નો... નો.. એવું કંઈ નથી. પણ હું એના વિશે જાણવા માંગતો હતો. કદાચ તું જાણતી હોય. એણે કંઇક કહ્યું હોય. "
" ના. એવી તો એણે કોઈ વાત કરી નથી. પણ તારે જાણવું શું છે ? "
" હું.... હું કેવી રીતે સમજાવું. આઈ મીન એની પસંદ , ના પસંદ , એને કઈ રીતે ખુશ કરી શકાય વગેરે... વગેરે. "
અમી આવી પૂછપરછનો અર્થ સમજી ગઇ હતી. એણે નોટીસ કર્યું કે જિગર નિલુમય બની ગયો છે. અમી એ રાત્રે ખૂબ રડી. એને એટલું તો સમજાયું કે એને પહેલી નજરે ગમેલ વ્યક્તિ એની બહેનને ચાહે છે. પોતાના નસીબમાં નથી. પણ એણે મન મક્કમ કર્યું , ખૂબ રડીને હદયને કાબુમાં લીધું. એણે નક્કી કર્યું કે અગર એની બહેન ખુશ હોય તો પોતે એની ખુશી માટે પોતાની ખુશી ભૂલી જશે અને અમીએ પોતાની વાત હદયના ભંડકીયામાં ભંડારી દીધી.

** ** ** ** ** ** ** ** ** ** **

એક જ દ્રશ્યો ફિલ્મની પટ્ટીની જેમ રિવાઇન્ડ થઈ આંખ સામે અથડાઈ મગજ પર હથોડા મારતા હતા. કાર આવીને ડિવાઈડર સાથે ટકરાઈ ઉભી રહે છે. એ માણસ કારમાંથી ઉતરીને ભાગે છે. એના પગને કંઇક થાય છે. એ માણસ લથડે છે. છતાં દોડે છે. આગળ ફૂટપાથ પર મૂકેલ ટપાલબોક્સ સાથે એ ટકરાઈને ઉભો રહે છે.
ફિલ્મની રિલ સ્લોમોશનમાં ચાલે છે. એ માણસ શર્ટની અંદરથી એક કવર કાઢી એ પોસ્ટ બોક્સમાં નાખી આગળ વધે છે. ફિલ્મની પટ્ટી પાછી રિવાઇન્ડ થાય છે. ફરી એક કાર ડિવાઈડર સાથે ટકરાઈને ઉભી રહે છે.

કેટલી વાર.... આ રિવાઇન્ડ કેટલી વાર . જિગર ઊંઘમાંથી જાગી ગયો. રાતના બે વાગ્યા હતા. જિગર પાણીની બોટલ લઈ ઘરની બહાર નીકળ્યો. પાછળ નિલુ ના ઘર તરફ નજર ગઈ. બારીના કાચમાંથી નાઈટ લેમ્પનું અજવાળું આવતું હતું. જિગરને નિલાના શબ્દો યાદ આવ્યાં.
" આ અમી મને લઈ ને આવી હતી. "
કદાચ અમી પોતાને પ્રેમ કરતી હતી ? જો એવું હોય અને નિલા પોતાના થી દુર થઇ જાય તો ? ના , એવું હું નહિ થવા દઉં. હું કહી દઈશ કે હું અમીને નહિ , નિલુ ને ચાહું છું. મારી ડ્રીમ ગર્લ અમી નહિ નિલુ છે. નિલુ ....
માય સન હેલ્પ મી. એ વ્યક્તિના શબ્દો એને યાદ આવ્યાં. રાતની ઊંઘમાં રિપીટ થયેલ દ્રશ્યો યાદ આવ્યાં. જિગરે મગજ પર જોર નાખ્યું. યસ. એ માણસ પોસ્ટ બોક્સ સાથે ટકરાયો હતો અને એણે કંઇક કવર જેવું પોસ્ટ બોક્સમાં નાખ્યું હતું. શું હશે એ કવર માં ? કંઇક તો હશે અગત્યનું. હવે એ કોના હાથ માં આવશે ?
જિગરને વિચાર આવ્યો કે જે કવર માટે એ માણસે જિંદગી દાવ પર લગાવી એ એમ ના જવા દેવાય. જિગરે ઘડિયાળમાં જોયું. અઢી વાગ્યા હતા. અત્યારે નીકળવામાં મઝા ન હતી. સવારે પાંચ વાગે દૂધવાળા અને છાપાવાળાની અવરજવર ચાલુ થઈ જાય છે. જિગર એની રૂમમાં પાછો આવ્યો. દરવાજો બંધ કર્યો અને સવારનું ચાર વાગ્યાનું એલાર્મ મૂકી સુઈ ગયો.

( ક્રમશ : )

11 જાન્યુઆરી 2021