Punjanm - 18 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 18

પુનર્જન્મ 18


દસ મિનિટ માટે પંચદેવ મંદિર સામે અવ્યવસ્થાનો માહોલ સર્જાઈ ગયો. પોલીસ અને 108ને ફોન કરી દેવામાં આવ્યો હતો. મોનિકાના ડ્રાઈવરે સુધીરને ફોન કરી દીધો હતો. દસ જ મિનિટમાં પોલીસ અને એમ્બ્યુલન્સ આવી ગઈ. રોડ ઉપર ટ્રાફીક જામ થઈ ગયો હતો.

પોલીસે સૌથી પહેલા સિચ્યુએશન જોઈ અને કેટલાક પોલીસવાળા લોકોને દૂર કરવામાં પરોવાયા. એક સબ.ઇન્સપેક્ટર વિવિધ એંગલથી મોબાઈલમાં ફોટા લેવા લાગ્યો.

એમ્બ્યુલન્સમાં આવેલ ડોકટરે બન્નેને જોયા. મોનિકા હજુ બેહોશ હતી. પોલીસ એને ઓળખી ગઈ હતી એટલે હવે તેમને વાતની ગંભીરતા સમજમાં આવી હતી. પોલીસે હાયર ઓથોરિટીને જાણ કરી દીધી હતી. પેલા માણસનો છાતીનો ભાગ એસિડના કારણે બળી ગયો હતો. મ્હો ઉપર પણ કેટલાક છાંટા ઉડ્યા હતા. ડોકટરે બન્નેને પ્રાથમિક ઉપચાર આપ્યો.
એટલામાં સુધીર અને સચદેવા આવી પહોંચ્યા. એમની નજર એક પળ અનિકેત પર પડી અને એમણે નજર ફેરવી લીધી. કદાચ સૌથી પહેલાં એમને એવો વિચાર આવ્યો કે અનિકેતે કંઈક બાફયું છે. પણ જેવી સુધીરની નજર પેલા માણસ પર પડી એનો ગુસ્સો કાબુ બહાર જતો રહ્યો. અને સુધીર એ માણસને મારવા લાગ્યો. પોલીસે વચ્ચે પડીને પરાણે એ માણસને છોડાવ્યો. સચદેવાએ સુધીરનું ધ્યાન મોનિકા તરફ દોર્યું. મોનિકા હજુ બેહોશ હતી. સુધીરે મોનિકાને બે હાથોમાં ઉંચકી અને એની ગાડીમાં સુવડાવી. અને પોલીસ સાથે વાત કરી પોતાની ગાડી રવાના કરી. કદાચ એ મોનિકાને કોઈ હોસ્પિટલમાં લઈ ગયો હશે એવું અનિકેતને લાગ્યું.

પેલા માણસને પણ હોસ્પિટલમાં લઈ જવો જરૂરી હતો. પોલીસની એક ટીમ એને લઈ હોસ્પિટલ રવાના થઈ. થોડીવારમાં ઉચ્ચ અધિકારીઓ આવી ગયા. એમની સાથે જ મીડિયા પણ હાજર થઈ ગયા. મોનિકા એક ઉદ્યોગપતિ અને સેલિબ્રિટી હતી. અને એના ઉપર થયેલ એસિડ એટેક એ એક મોટી ઘટના હતી.

પોલીસને આખી વાત સમજતા થોડી વાર લાગી. પણ ધીરે ધીરે તેમની સમક્ષ આખું પિક્ચર ક્લીયર થયું. મોનિકા પર એસિડ એટેક થયો હતો. મંદિરના રોડ ઉપરના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરવામાં આવ્યા. તેમાં આખી ઘટના કેદ હતી. ત્યારે પોલીસ ઓફિસર સમક્ષ આવ્યું કે એક વ્યક્તિ જીપમાં હતો એણે મોનિકાને બચાવી છે. બહાર ચેક કરવામાં આવ્યું. અનિકેત હજુ ત્યાં જ હતો.

અનિકેતને બોલાવવામાં આવ્યો. એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું. અનિકેતે બધું વિચારી રાખ્યું હતું. એ ખેતીનો વ્યવસાય કરતો હતો. પર્સનલ કામથી શહેરમાં આવ્યો હતો અને સિગારેટ પીવા સામે ઉભો હતો. અને મોનિકાની પાછળ એ વ્યક્તિને બોટલ લઈ દોડતો જોતા કુદરતી જ એને ડાઉટ ગયો અને એ દોડી ગયો.

એસિડ એટેક કરનારની ઓળખ થઈ ગઈ હતી. સુધીરે એને રવિ મહેરાના નામથી ઓળખી બતાવ્યો હતો. આ અગાઉ બે વખત મોનિકા એ રવિ વિરુદ્ધ પોલીસ કંમ્પ્લેઇન કરી હતી.

મોનિકાની કારનો એ ભાગ, જ્યાં એસિડ પડ્યો હતો , ત્યાં કલર બળી ગયો હતો. પોલીસે એના ફોટા પાડ્યા અને ગાડી કબજે કરી.

ટી.વી. પર મોનિકા પરના હુમલાના સમાચાર આવી રહ્યા હતા. સાથે મંદિરના સી.સી.ટી.વી. ફૂટેજ પણ પ્રસારિત થઈ રહ્યા હતા. રિપોર્ટર અનિકેત સાથે વાત કરવા માંગતા હતા પણ અનિકેત એના માટે તૈયાર ન હતો. અનિકેત નહોતો ઇચ્છતો કે એનો ભૂતકાળ ટી.વી. પર આવે. રિપોર્ટરો આજુબાજુના લારી ગલ્લા વાળા તથા હાજર દર્શનાર્થીઓના ઇન્ટરવ્યુ લેવા લાગ્યા. અનિકેતને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો. છેક સાંજે પાંચ વાગે સુધીર પોલીસ સ્ટેશન આવ્યો. એણે મોનિકાને બચાવવા બદલ અનિકેતનો આભાર માન્યો અને એના ઇન્ટરફીયરન્સ પછી અનિકેતનો છુટકારો થયો.

****************************

અચાનક બનેલી ઘટનાઓને કારણે અનિકેત થોડો કંટાળ્યો હતો. પોલીસ સ્ટેશનથી એ સીધો જ ઘરે ગયો. ચ્હા પી ને એ થોડી વાર આડો પડ્યો. મન વિચારે ચડ્યું હતું. મોનિકાની કુદરતે કેવી કિસ્મત લખી છે. આટલી સુંદર છોકરી... એના નજર સમક્ષ મોનિકા ઉપસ્થિત થઈ ગઈ. કેટલી મનમોહક.. મનમોહક તો સ્નેહા પણ હતી જ ને.
એની બંધ આંખો સમક્ષ મોનિકા નૃત્ય કરવા લાગી... અપ્રિતમ. અને સાથે જોડાઈ સ્નેહા. અદભુત.. એ જજ હતો. એણે નક્કી કરવાનું હતું કે બન્નેમાંથી કોણ શ્રેષ્ઠ છે. અશક્ય હતું એ નક્કી કરવું. પણ એક વાત ચોક્કસ હતી. મોનિકા ભલે ગમે તેટલી સુંદર હોય પણ સ્નેહાની એક મુસ્કાન સાથે અનિકેતનું હદય ધડકતું હતું. એ તાકાત ફક્ત સ્નેહામાં હતી. સ્નેહાના હાસ્યમાં હતી. સ્નેહાની લયકારીમાં હતી. અને એનાથી જ એનો અને સ્નેહાનો સંબધ જીવંત બનતો હતો. અને એક નિર્જીવ સંબધ જીવંત બનાવનાર ઈશ્વર હોય છે. એટલે અનિકેત ને મન સ્નેહા ઈશ્વર સમાન હતી. પૂજનીય હતી , ઉચ્ચ સ્થાને હતી , વિશ્વની શ્રેષ્ઠ કૃતિ હતી. પણ સ્ટેજ પરનું દ્રશ્ય બદલાયું. સ્નેહા એ વિદાય લીધી. પોતાને છોડીને , તરછોડીને , જે ગુન્હો નહોતો કર્યો એની સજા આપી ને....

મોનિકા અને અનિકેત બન્નેની સમાન પરિસ્થિતિ હતી. મોનિકાનો પણ શું વાંક હતો ? એક માણસ એના ચહેરા પર તેજાબ નાખવા પાછળ પડ્યો છે. અને પતિ ? પતિ એના મોતનું ષડયંત્ર રચી રહ્યો છે. અને એસિડ એટેક થી બચાવનાર પોતે ?

મનમાં કડવાશ ઉભરાઈ આવી. જો ભગવાને આ દુનિયા બનાવી છે તો કેમ આવી બનાવી છે ? મન બુમો પાડી પાડીને કહેતું હતું હે ઈશ્વર નથી જોઈતી તારી આ દુનિયા. નથી જોઈતી...

એની આંખ ખુલી ગઈ. રાતનો એક વાગી ગયો હતો. જમવાનું બાકી હતું. જમવાની જરા પણ ઈચ્છા ન હતી પણ ભૂખ લાગી હતી. આટલી રાત્રે શું બનાવવું ? બ્રેડ બટર અને દૂધ લઈ એ આંગણામાં બેઠો. મન ફરી વિચારે ચડ્યું. મોનિકા માટે શા માટે સહાનુભૂતિ થાય છે. સુંદર છે એટલે ? સ્નેહા પણ સુંદર જ હતી. મોનિકા સુંદર હોય કે બદસુરત. એને શું ફરક પડે છે ? એણે તો એના કામ થી જ મતલબ રાખવા નો છે. હા કામ થી જ...

( ક્રમશ : )

25 ઓગસ્ટ 2020


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED