Punjanm - 17 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 17

પુનર્જન્મ 17


બાબુનો રિપોર્ટ એ સમજવાની કોશિશ કરતો રહ્યો. પણ કંઇ વિશેષ સમજમાં ના આવ્યું. એ વ્યક્તિ ક્યાં રહેતો હતો , કોણ હતો. એ કોઈ માહિતી ના મળી પણ એક વાત બિલકુલ સ્પષ્ટ હતી કે એ મોનિકાનો પીછો બરાબર કરતો હતો. મતલબ એ થાય કે કાંતો એ મોનિકાની જાસૂસી કરતો હતો , અથવા એ મોનિકાનો આશિક હતો અથવા એ મોનિકા સાથે કોઈ બદલો લેવા માંગતો હોય. કદાચ.. કંઈક તપાસ તો કરવી પડશે.

*****************************

છેલ્લા ચાર દિવસથી અનિકેત મોનિકાની અને મોનિકાની પાછળ લાગેલા એ મોટરસાયકલ વાળાની પાછળ લાગેલો હતો. એ માણસ મોનિકાનો પીછો કરતો હતો એ હકીકત હતી. મોનિકા એના બંગલામાં જતી રહે પછી એ વ્યક્તિ કોઈ ડાન્સ બારમાં જતો. ત્યાંથી નીકળી એ સનવ્યુ રેસિડેનસીમાં જતો. લગભગ એ ત્યાં જ રહેતો હતો. અનિકેતે વહેલી સવારે સનવ્યુ રેસિડેનસી આગળ વોચ રાખી. એ માણસ લગભગ સાડા નવ વાગે સનવ્યુ માંથી નીકળતો હતો.

ઘરના આંગણામાં બેઠો બેઠો અનિકેત વિચારતો હતો કે હવે આ માણસની કુંડળી કાઢવી પડશે. એટલામાં મગન આવ્યો.
' ભાઈ , બાપુ એ કહ્યું છે. આજે રાતનું ખાવાનું તમારે અમારે ઘરે છે. '

******************************

રાતના સાડા સાત વાગે મગન બોલાવવા આવ્યો. જેલ માંથી નીકળ્યા પછી એ પહેલી વાર કોઈના ઘરે જતો હતો. મનમાં કોઈ અલગ જ ભાવ આવતા હતા.

કાકા બહાર ખાટલામાં આરામ કરતા હતા. માસી રસોઈ કરતા હતા. એ બહાર ખાટલામાં મગન સાથે બેઠો. માસી તરત જ પાણી લઈને આવ્યા. કાકા હજુ કાંઈ બોલ્યા ન હતા. મૌનનું એક આવરણ કાકા ભત્રીજાને વીંટળાઈ વળ્યું હતું.

જમવાનું પીરસાયું. માસી એ જાત જાતની વાતો કાઢી અને મૌનનું વાતાવરણ ભેદાતું ગયું. આખરે એક લોહી હતું.

જમ્યા પછી મોડે સુધી ઘણી બધી વાતો કરી. જ્યારે અનિકેત ઘરે જવા નીકળ્યો ત્યારે મન પરથી એક મોટો બોજ ઉતર્યો હોય એવું લાગ્યું.


*******************************

શરદપૂનમ પણ ગઈ. સ્નેહાને સહજતાથી મળવાનો સમય જતો રહ્યો. એવું ન હતું કે સ્નેહા મળતી ન હતી. એ દરરોજ મળતી હતી. એ કોઈને કોઈ બહાને ઘરે આવતી હતી. પણ ગરબાના બહાને એ સોળે શણગાર સજીને આવતી હતી. ફક્ત એના માટે. ફક્ત અનિકેત માટે. એ હવે બંધ થયું હતું. પોતાને મનગમતી વ્યક્તિને પોતાના માટે તૈયાર થતી જોવી એ એક અવર્ણિય આનન્દનો વિષય હોય છે.

સાઈડ ગ્લાસમાં બધું ધુંધળું દેખાતું હતું. અનિકેતે સાઈડ ગ્લાસ સાફ કર્યો. મોનિકાનો પીછો કરવાનો કોઈ અર્થ ન હતો. પણ મોટરસાયકલ વાળાનું વર્તન શંકાસ્પદ હતું. ખૂબ પ્રયત્ન કર્યા પછી પણ એના વિશે વધારે જાણકારી ના મળી. અને સાચી વાત તો એ હતી કે અનિકેતને ઘરના કામ માંથી એટલો ટાઈમ પણ મળ્યો ન હતો.

મોનિકાની ગાડી એના ફાર્મ હાઉસ માંથી બહાર નીકળી. અનિકેતે જોયું કે એક સલામત અંતરે મોટરસાયકલ સવાર સ્ટાર્ટ થયો. અનિકેતે જીપ સ્ટાર્ટ કરી.

પંચદેવ મંદિર આગળ મોનિકાની ગાડી સાઈડમાં રોકાઈ. રોડ પર ડિવાઈડર હતું એટલે મોનિકાની ગાડી મંદિરની સામેની બાજુ રોકાઈ. ગાડીની સામેની બાજુ મંદિર હતું. એટલે મંદિરે જવા આખો રસ્તો ક્રોસ કરી સામે જવું પડે એમ હતું. મોનિકા ગાડી માંથી ઉતરી અને રસ્તો ક્રોસ કરી સામેની બાજુ ગઈ. આજે મોનિકાની સાથે એની સેક્રેટરી ન હતી. મોનિકા ફૂલ લઈ મંદિરમાં ચાલી ગઈ.

ડિવાઈડરમાં એક જગ્યાએ સ્હેજ ગેપ હતો. મોટરસાયકલ સવારે એ ગેપ માંથી મોટરસાયકલ સામેની બાજુ લીધી અને મંદિરની બાજુમાં મોટરસાયકલ પાર્ક કર્યું. એણે એક કોલ કર્યો અને ફક્ત બે જ મિનિટમાં એક મોટરસાયકલ પર બે માણસ આવ્યા. એમાંથી એક વ્યક્તિ ઉતર્યો અને બીજો માણસ મોટરસાયકલ લઈ ચાલ્યો ગયો. એ ઉતરેલ વ્યક્તિ પાર્ક કરેલ મોટરસાયકલ પર બેઠો. અને પહેલાથી નીચે ઉતરેલ વ્યક્તિએ એની જોડે કંઇક વાત કરી.

અનિકેતના મનમાં કંઇક અજુગતિ વાત હોવાની આશંકા થઈ. અનિકેતે મોબાઈલનો કેમેરો ઓન કર્યો. જીપની અંદર મોબાઈલ ગોઠવ્યો અને જીપનો દરવાજો લોક કરી મોનિકાની કારની નજીક પેલા માણસની સામેની બાજુ એક પાનના ગલ્લે સિગારેટ સળગાવી ઉભો રહ્યો.

અનિકેતને વધારે રાહ જોવી ના પડી. અનિકેતનું તમામ ધ્યાન મંદિર તરફ હતું. અનિકેતની સિગારેટ પૂરી થાય એ પહેલાં મોનિકા મંદિરના દરવાજે દેખાઈ. પેલો માણસ સાઈડમાં સહજતાથી ઉભો હતો. એના ખભા પર એક નાની ઓફીસ બેગ હતી.

મોનિકા મંદિરના પગથિયાં ઊતરી અને જ્યાં ચંપલ મુક્યા હતા ત્યાં આવી. પેલો વ્યક્તિ આગળ વધ્યો. એ વ્યક્તિનો હાથ ઓફીસ બેગમાં હતો. અચાનક મોનિકાની નજર એ વ્યક્તિ પર પડી. અને મોનિકા ચમ્પલ પહેર્યા વગર એની ગાડી તરફ દોડી. વચ્ચે બે કાર પસાર થઈ એટલે પેલો માણસ સ્હેજ પાછળ રહી ગયો. પણ એ માણસ મોનિકાની પાછળ જ દોડ્યો હતો. કંઇક ખોટું થઈ રહ્યું હોવાની શંકા અનિકેતના મગજમાં આવી. અને અનિકેત એલર્ટ થઈ ગયો.

મોનિકાની કારનો ડ્રાઇવર ગાડી લોક કરી પાનના ગલ્લે જતો રહ્યો હતો. મોનિકા ગાડીનો દરવાજો ખોલવા પ્રયત્ન કરતી હતી પણ દરવાજો ખૂલતો ન હતો.
બધું સેકન્ડોમાં થઈ રહ્યું હતું. એ માણસ ડિવાઈડર પર હતો અને એણે બેગ માંથી એક બોટલ કાઢી અને એનું ઢાંકણું દૂર કર્યું. અનિકેત મોનિકા તરફ આગળ વધ્યો.

મોનિકા એની કારનો દરવાજો ખોલવા પ્રયત્ન કરતી હતી. પણ દરવાજો ખૂલતો ન હતો. એ માણસે મોનિકાને માથે થી પકડવા હાથ લાંબો કર્યો અને અનિકેતે દોડીને મોનિકાને ધક્કો માર્યો. સેકન્ડોમાં આ ઘટના બની. મોનિકા રોડ ઉપર જઇને નીચે પડી. પેલા માણસની ગણતરી ખોટી પડી. એનું બેલેન્સ બગડ્યું અને એ માણસ મોનિકાની ગાડી સાથે જઇને ટકરાયો. એના ટકરાવાથી એના હાથની બોટલ તૂટી અને એ બોટલનું બધું પ્રવાહી એની છાતી પર થઇ શરીરના નીચેના ભાગ સુધી રેલાયું. પ્રવાહીના થોડા છાંટા એ માણસના ચહેરા પર પણ ઉડ્યા.
એ માણસ ભયંકર ચિત્કાર સાથે રોડ પર આળોટવા લાગ્યો. છતાં એણે બે ચાર સેકન્ડમાં ઉભા થઇ ભાગવાની કોશિશ કરી. પણ ત્યાં સુધીમાં આજુબાજુમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. અનિકેતે એ માણસને પકડ્યો અને લોકોને પકડી રાખવા સોંપ્યો.

એટલામાં મોનિકાનો ડ્રાઈવર આવી ગયો હતો. મોનિકા બેહોશ થઈ ગઈ હતી. અનિકેતે પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કર્યો. મોનિકાના ડ્રાઈવરે સુધીરને ફોન કર્યો.

અનિકેત વિચારતો હતો. પોલીસ પોતાને કેટલાક સવાલ પૂછશે એનો જવાબ પોતે શું આપશે...


( ક્રમશ : )

22 ઓગસ્ટ 2020


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED