ડ્રીમ ગર્લ - 2 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 2

ડ્રીમ ગર્લ 02

જિગરે ચમકીને જોયું. અચાનક હાર્ડબ્રેકિંગ પછી એ ફોર વ્હીલર ડિવાઈડર સાથે ટકરાઈને ઉભી રહી ગઈ હતી. ડિવાઈડર પરની જાળી સ્હેજ ત્રાંસી થઈ ગઈ હતી. ગાડી લગભગ બંધ થઈ ગઈ હતી. સેકન્ડોમાં એક માણસ ગાડી માંથી ઉતર્યો. એણે પાછળ જોયું અને ડિવાઈડરની જાળી કૂદી બીજી બાજુ આવ્યો. એ માણસ કૂદીને બીજી બાજુ આવે એ પહેલાં બીજી બે ગાડી એ માણસની ગાડીની પાછળ આવીને ઉભી રહી. ગાડીની બારીના નીચા કરેલા કાચ માંથી એક હાથ બહાર આવ્યો. એ હાથમાં એક ગન હતી. કદાચ સાઇલેન્સર વાળી. અને ફાયર થયું. એ માણસ હજુ રોડ પર અડધે રસ્તે પહોંચ્યો હશે અને એ લથડયો. એનો જમણો પગ લંગડાવા લાગ્યો. જિગરને લાગ્યું કે એના જમણા પગમાં ગોળી વાગી હશે.

જિગરે ફિલ્મોમાં આવું બધું જોયું હતું પણ નજર સમક્ષ આવું બને એ એની કલ્પના બહારનું હતું. એ માણસ છતાં પણ જોર કરીને એક પગ પર તમામ શક્તિ લગાડીને દોડ્યો. ઘસડાયો. ફૂટપાથ પર એક ટપાલ બોક્સ હતું. એ વ્યક્તિ એ એનો સહારો લીધો. કંઇક ગડમથલ કરી. અને ફૂટપાથની બાજુની દિવાલ પકડી બીજી બાજુ કુદવા , એ દિવાલ પર ચડવાની કોશિશ કરી.

પાછળ આવેલી બે ગાડી માંથી ત્રણ માણસો ઉતરીને ડિવાઈડર કૂદીને આ બાજુ આવ્યા. પેલો માણસ દિવાલ પકડીને ઉંચો થયો હતો. પાછળ આવેલા માણસે હાથ લાંબો કરી એક ફાયર કર્યું. પેલા માણસની દિવાલ પરથી પકડ છૂટી ગઈ. એ નીચે પટકાયો.

જિગર ધીમેથી નીચે ઉતર્યો અને જીપમાં બેઠો. રોડ પર નિરવ શાંતિ હતી. પેલા ત્રણ માણસે નીચે પડેલા માણસની તલાશી લઈ રહ્યા હતા. અને એક માણસે નીચે પડેલા માણસ તરફ ગન તાકી.જિગરને એમ લાગ્યું કે એ લોકો નીચે પડેલા માણસને મારી નાખશે. જિગરનું અજ્ઞાત મન એમ કહેતું હતું કે એણે કંઈક કરવું જોઈએ અને ....

જિગરે જીપ સ્ટાર્ટ કરી. બે હેડ લાઈટની સાથે છત પર એટેચ કરેલ બીજી બે લાઈટ ઓન થઈ. જીપ એક ઝટકા સાથે સ્ટાર્ટ થઈ. ક્લચ સ્હેજ દબાવી ને રેઝ કરેલ ગાડી એક ભયંકર અવાજ સાથે આગળ વધી. અને સીધી જ પેલા ત્રણ જણ તરફ ગઈ.

એ ત્રણ જણને આવી પ્રતિક્રિયાની કોઈ ગણતરી ન હતી. આટલી બધી લાઇટોમાં એમની આંખો અંજાતિ હતી. જીપ પોતાની તરફ આવતી જોઈ એ લોકો સાઈડ માં ભાગ્યા. જીપ એ નીચે પડેલા માણસની બાજુમાં અચાનક ઉભી રહી. જિગરે એ માણસની બાજુમાં જ હાર્ડ બ્રેકીંગ કર્યું. જિગરે જીપમાં રહીને જ સાઈડમાં નમી એ માણસને ખેંચી જીપમાં લીધો. જિગરને એમાં ખાસ્સું જોર પડ્યું. એ માણસને બચાવવો જરૂરી હતો માટે એ માણસને કેવી રીતે ખેંચવો એ જરૂરી ન હતું. એક ફાયર થયું. જીપની બોડી સાથે કંઇક ટકરાવાનો અવાજ આવ્યો. સેકન્ડોમાં જીપ ભયંકર ગતિ એ સ્ટાર્ટ થઈ. પેલા ત્રણ જણા એમની ગાડી તરફ દોડ્યા. વચ્ચે ડિવાઈડર હતું. એ લોકો ડિવાઈડર કુદી સામે ગયા અને એ લોકો એમની ગાડીમાં બેસે ત્યાં સુધીમાં જિગરની ગાડી રોડ પરથી દૂર થઈ ગઈ હતી. આગળ જઇ જિગરે ડાબી બાજુ જીપ વળાવી દીધી. જીપની તમામ લાઇટો બંધ કરી જેથી કોઈ ને જીપ કઈ બાજુ વળી એ ખબર ના પડે.

એ માણસને ટ્રિટમેન્ટની જરૂર હતી એટલે જિગરે ગાંધીગ્રામ બોટાદ રેલવે લાઈનની બાજુના રસ્તા પર જીપ લીધી અને દૂર દૂર ઉભેલા બે વાહનોની વચ્ચે જીપ દબાવીને ઉભી રાખી. એ માણસને જિગરે ઉંચકી પાછળ ની સીટ પર સુવડાવ્યો. એ માણસ બેહોશ હતો. સ્ટ્રીટ લાઈટનું આછું અજવાળું આવતું હતું. જિગરે જીપમાંથી ફર્સ્ટ એઇડનું બોક્સ કાઢ્યું. મોબાઈલની લાઈટ કરી એ માણસને ચેક કર્યો. એ માણસ ને બે ગોળી વાગી હતી. એક જમણા પગની જાંઘમાં અને બીજી ડાબા ખભા માં. જિગરે ફટાફટ ફર્સ્ટ એઈડ બોક્સ માંથી ખભા પર પેડ મૂકી દબાવ્યા અને એકદમ ટાઈટ પાટો બાંધ્યો. ફર્સ્ટ એઈડ બોક્સ ખતમ થઈ ગયું હતું. જિગરે પોતાનો શર્ટ કાઢ્યો અને જમણા પગની જાંઘની ઉપર એકદમ ટાઈટ બાંધ્યો.

અચાનક એ માણસનો હાથ હલયો. એ માણસ સ્હેજ ભાનમાં આવ્યો.
" માય સન... હેલ્પ મી માય સન... "
" યસ. બોલો. "
" 98 .. .. .. 32 , કોલ ઓન ધીસ નમ્બર . "
એ માણસ ફરી બેહોશ થઈ ગયો. જિગરે એક કાગળમાં નમ્બર લખ્યો અને કાગળ ગજવામાં મુક્યો અને જીપ સ્ટાર્ટ કરી. મીઠાખળી અન્ડર બ્રિજની સાઈડના રસ્તે થી એ આશ્રમ રોડ પર આવ્યો. અને જીપ વી.એસ. હોસ્પિટલ તરફ રવાના થઈ.

** ** ** ** ** ** ** ** **

રાત ના સાડા ત્રણ વાગ્યા હતા. જિગર વી.એસ.હોસ્પિટલના ઇમર્જનસી વોર્ડની સામે બેઠો હતો. પેશન્ટ નું નામ. અનનોન. કોઈ આઇડી પ્રુફ એની પાસે મળ્યું ન હતું. બે ગોળી એ વ્યક્તિને વાગી હતી. પોલીસ ને ઇન્ફોર્મેશન આપી એ વ્યક્તિને ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવ્યો. હોસ્પિટલની સ્થાનિક પોલિસ આવી ગઈ હતી.
એ વ્યક્તિને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા પછી જિગરને ભાન થયું કે એ ફક્ત બંડીમાં હતો અને એ આખો લોહીથી લબથબ હતો. લોહી સુકાઈ જવા લાગ્યું હતું. એ ઉભો થવા ગયો. પણ કોન્સ્ટેબલ એને રોક્યો. ત્યારે જિગર ને અહેસાસ થયો કે એ ક્યાં છે ? એને વિચાર આવ્યો કે ક્યાંય એ આ કેસમાં ફસાઈ તો નહિ જાય ને ? જિગર ને એ માણસના શબ્દો યાદ આવ્યાં ," માય સન. "
જિગરે નક્કી કર્યું. કંઈ પણ થાય એ માણસની પોતે હેલ્પ કરી ને જ રહેશે.
** ** ** ** ** ** ** ** ** **

કન્ટ્રોલ ફોન પર મેસેજ રિલે થઈ રહ્યા હતા. અમદાવાદ શહેર , જિલ્લા પોલીસ અને સ્ટેટ પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. એક આખી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જિગરને જાપ્તામાં રાખવાની સૂચના અપાઈ ગઈ હતી. જિગરનું પ્રાયમરી સ્ટેટમેન્ટ કન્ટ્રોલ ઓફીસમાં પહોંચી ગયું હતું. બીજા સ્ટેટમેન્ટ માટે એક પી.એસ.આઈ પહોંચી ગયા હતા.

ફોરેન્સિક લેબના માણસો ઘટના સ્થળે આવી ગયા હતા. આખી ઘટના સ્થળની વિડીયોગ્રાફી કરવામાં આવી રહી હતી. આખા સ્થળને કોર્ડન કરવામાં આવ્યું હતું. અકસ્માત વાળી ગાડીનું બારીકાઈથી અવલોકન થઈ રહ્યું હતું. ગાડી પરના ફિન્ગરપ્રિન્ટ લેવાઈ રહ્યા હતા. ગાડીના પાછળના એક ટાયરમાં બુલેટ ઘુસી ગઈ હતી. માટે ગાડી નો કન્ટ્રોલ જતો રહ્યો હશે એવું પ્રાથમિક અનુમાન હતું. બુલેટને ફોરેન્સિક લેબમાં મોકલવાનો આદેશ થયો.સામેની બાજુ લોહીના ધબ્બા હતા , એના નમૂના લેવામાં આવ્યા.

આખા આશ્રમ રોડ પર આવેલી દુકાનોના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ લેવાનો આદેશ થયો. દુકાનો ખુલે એની રાહ જોવામાં આવી રહી હતી. મીડિયાવાળાને ખબર પડી ગઈ હતી. તમામ મીડિયાની એક એક ટીમ ઘટના સ્થળે હાજર થઈ ગઈ હતી. આખો આશ્રમરોડ એકદમ ધમધમી ઉઠ્યો હતો.

આખી ઘટનાના એક માત્ર સાક્ષી તરીકે નામ બહાર આવ્યું હતું , જિગર. અને મીડિયાની એક આખી ટીમ જિગરને કવર કરવા વી.એસ.હોસ્પિટલ રવાના થઈ.

( ક્રમશ : )

14 ડિસેમ્બર 2020