હાઇવે રોબરી - 15 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાઇવે રોબરી - 15

હાઇવે રોબરી 15

મી.પટેલ એમનો રિપોર્ટ ચેક કરી રહ્યા હતા. કોઈ ભૂલ રહી ના હોય તેની ચિંતા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવતી હતી. સાંજના પાંચ વાગવા આવ્યા હતા. નાથુસિંહ બેફિકરાઈથી મોના ગલોફામાં પાન દબાવી કંઈક વિચારોમાં ખોવાયેલ હતો.
રાઠોડ સાહેબ આવ્યા. કોઈની સાથે બોલ્યા વગર એમની ચેમ્બરમાં જતા રહ્યા. સામાન્ય રીતે હંમેશા પહેલા પોતાના સ્ટાફ સાથે હાય હેલો કરનાર રાઠોડ સાહેબની વર્તણુંકથી જ બધા સમજી ગયા કે કંઈક ગરબડ છે. પાંચ મિનિટમાં બધા ને ચેમ્બરમાં બોલાવ્યા. આજે દેવધર ને પણ બોલાવ્યો હતો. પહેલી વખત એવું થયું કે દેવધર ને સાહેબે બધાની સાથે બોલાવ્યો હતો. નહિ તો એનું કામ રેકોર્ડ અને કોમ્પ્યુટર પૂરતું સીમિત રહેતું. એ સૌથી પહેલા પટેલ સાહેબ પાસે આવ્યો. પટેલના સાનિધ્યમાં એ પોતાને સુરક્ષિત સમજતો.
બધા રાઠોડ સાહેબ સમક્ષ ઉપસ્થિત થઈ ગયા. પટેલ પાસે બે દિવસમાં તૈયાર કરેલ રિપોર્ટ હતો. નાથુસિંહ કોગળા કરી સ્વસ્થ થઈ ઉભો રહી ગયો હતો.
રાઠોડ સાહેબે બધાના ચહેરા પર ઝીણવટથી નજર ફેરવી. દેવધરને લાગ્યું કે સાહેબની નજર આંખો માંથી સીધી હદયમાં જઇ રહી છે. જાણે એ હદયમાં જઇ કંઈક જાણવાની કોશિશ કરી રહ્યા છે. એને અંદરથી ધ્રુજારી આવી ગઈ.
' ઘનશ્યામ નાસ્તા હાઉસની વિડીયો કલીપ પરથી એક ફોટોની કોપી કાઢી હતી. અને એ વાત આપણા સિવાય કોઈ જાણતું ન હતું. તમને ખબર છે ? રોય સાહેબનો ફોન હતો. દિલાવરના માણસો એ ફોટો લઈ એ માણસને શોધી રહ્યા છે. આનું પરિણામ ખબર છે ? '
રાઠોડ સાહેબની કાતિલ નજર બધાના ચહેરા પર ફરતી હતી. નાથુસિંહ અંદરથી ગભરાઈ ગયો હતો. હવે તેને વાતની વાસ્તવિકતા સમજાતી હતી. પણ હવે વાત ફેરવવી શક્ય ન હતી. એ પોતાના મનના ભાવ છુપાવવા ની કોશિશ કરતો રહ્યો. અને જમાનાનો ખાઈબદેલ એ માણસ એમાં હોશિયાર હતો. દેવધર મનમાં મુંઝાતો હતો. પોતે કોમ્પ્યુટર પર કામ કરતો હતો. ક્યાંક આ વાતમાં પોતાનું નામ ના આવી જાય.
' એક વાત બધા ધ્યાનમાં રાખજો. જેમ કોઈ ગુનેગાર બચી શકતો નથી. એમ અહીંની વાત લીક કરનાર પણ બચશે નહિ. જાવ બધા બહાર. પટેલ તમે રિપોર્ટ લઈ ઉભા રહો. '
પહેલી વાર એવું થયું કે રાઠોડ સાહેબે તપાસ માંથી બધાને બાકાત કર્યા હોય.
પટેલ સિવાયના બધા બહાર નીકળ્યા.
' પટેલ ,તમને શું લાગે છે, કોણ હોઈ શકે? '
' સર , ફક્ત અનુમાન પર કંઈ કહેવું વધારે પડતું કહેવાશે.'
' દેવધર માટે તમારો શુ ખ્યાલ છે ? '
' સર , એ થોડો છેલબટાઉ લાગે છે , પણ એ આવું ના કરી શકે. '
' પટેલ આવી પરિસ્થિતિમાં જો કોઈથી સાવધાન રહેવું હોય તો તમે કોના પર નજર રાખો. '
' સોરી સર.. '
' પટેલ સોરી કહેવાથી કામ નથી થતા , તમારા પર વિશ્વાસ છે એટલે જ પૂછું છું. '
' સર , કદાચ નાથુસિંહ. એમના બહારના સંબધો મને હંમેશા શંકા કરાવે છે. '
' મને પણ ડાઉટ હતો. ખેર રિપોર્ટ શુ છે? '
' સર , નર્મદા કેનાલના એરિયામાં એ સમયે હાજર ટેલિફોનનું લિસ્ટ કાઢ્યું. ખાસ્સું મોટું લિસ્ટ હતું પણ એમાંથી લગભગ 45 જેટલા નમ્બર એવા હતા જે ઘટના ના સમયે ત્યાં એક્ટીવેટ હતા અને લાંબો સમય એ એરિયા માં હતા. એ બધા નમબરો ની ડિટેઇલ કઢાવી છે . એમાંથી સાત નમ્બર એવા હતા.જે આંગડિયા પેઢી થી ગાડી રવાના થઈ ત્યારે ત્યાં એકટિવેટ હતા. એમાં અમરસિંહ પાસે બે મોબાઈલ હતા. બાકીના ચાર જણ જોડે પાંચ નમ્બર હશે. પણ સાઇટ પરથી એક મોબાઈલ બીજા નમ્બરોની સાથે સ્વિચ ઓફ તો થયો. પણ એ સાઇટ પર થી ગાયબ છે. એ મોબાઈલ પોલીસ ના હાથ માં આવ્યો નથી. એટલે એ નમ્બર ડાઉટફૂલ લાગ્યો. '
' પટેલ , ગુડ વર્ક. એ નમ્બર વાળો વ્યક્તિ આંગડિયા પેઢીથી આ લોકોની પાછળ હશે. અથવા.... '
' સર ,કદાચ રતનસિંહનો બીજો નમ્બર પણ હોય .જે લૂંટારાઓ એ ગાયબ કર્યો હોય. '
' બરાબર , એ નમ્બર પર શુ તપાસ થઈ? '
' એ નમ્બરથી બીજા બે નમ્બર પર જ વાત થઈ છે. અને એ પણ કોઈક જ વાર. અને બીજા બે નમ્બર થી ફક્ત બીજા એક નમ્બરથી એક બીજા નમ્બર પર ક્યારેક જ વાત થઈ છે. આમ આ ચાર નમ્બર એકબીજા જોડે સંકળાયેલા લાગે છે. ચારે નમ્બર નો રેકોર્ડ લઈ લીધો છે. આશ્ચર્યની વાત એ છે કે આ ચારે નમ્બર એક મહિલાના નામે રજિસ્ટર્ડ છે. '
' કોના નામે ? '
' જુલિ ઈરાની. '
' આગળ ? '
' 75 વર્ષ ની મહિલા છે.એનું કહેવું એમ છે કે એણે એક જ નમ્બર લીધો હતો. સર , કદાચ એ સમયે એના નામે આ નમ્બરના સીમકાર્ડ કોઈએ લઈ લીધા લાગે છે. '
' સીમકાર્ડ ક્યાંથી ઇસ્યુ થયા છે. ? '
' સ્નેહ મોબાઈલ સેન્ટર. '
' ડોક્યુમેન્ટ ચેક કરો , જો કંઈ લોચો લાગે તો ઉપાડી લાવો. સ્નેહ મોબાઈલ સેન્ટર.'
***************************
જવાનસિંહ વસંતના ખેતરેથી નીકળ્યો. આજની રાત કદાચ ઘરે મોડું થાય એમ હતું.સવિતાને ફોન કરી કહી દીધું કે આજે મોડું થશે. સવિતાનું કોમળ હૈયું ફફડી ઉઠ્યું . પાછી કંઈક ગડબડ તો નહિ થાય ને? માનવ મનની આ જ વિશેષતા છે. કોઈ સંભવિત ઘટના કે આશંકા ને પોતાના ભૂતકાળના અનુભવના ત્રાજવે તોલવા લાગે છે. સવિતાનું મન પણ એ જ વિચારતું હતું. જવાનસિંહનો ક્રિમિનલ ભૂતકાળ એને સતાવતો. આવું કંઈક થાય ત્યારે એનું મન આવનારા તોફાનની આહટથી ફફડી ઉઠતું.
વસંતે જવાનસિંહને એની મોટરસાઇકલ લઈ જવા કહ્યું. પણ જવાનસિંહ એ જોખમ લેવા નહોતો માગતો. કોઈ કારણસર કંઈ તકલીફ થાય તો મોટરસાઇકલના લીધે વસંત ફસાય તેવું એ ઇચ્છતો ન હતો. એણે પ્રહલાદને ફોન કર્યો. જવાનસિંહ એની કિટલી પર પહોંચ્યો. સાયકલ લોક કરી અંધારામાં મૂકી દીધી.
પ્રહલાદ મોટરસાઇકલ લઈને આવ્યો.
' બોલો બોસ , શુ પ્રોબ્લેમ થયો.'
' સવારે દિલાવરના માણસો રઘુનો ફોટો લઈ એને શોધતા કિટલી પર આવ્યા હતા. '
' ઓહ , દિલાવર તો પેલા અમરનો ભાઈ છે ને , જે આપણા હાથે.'
' હા , એ જ. '
' શેના માટે શોધતા હતા? '
' એવું એમણે કહ્યું નહિ અને મેં પૂછ્યું નહિ. '
' બોસ , કોઈ પણ કારણસર એ લોકો રઘુ ને પકડશે , તો રઘુ અડધા કલાકમાં પોપટની જેમ બધો રાઝ ખોલી દેશે. '
' તો શું કરીશું? '
' રઘુ ને ફોન કરવાનું જોખમ નથી લેવું. એ રોજ રાત્રે એના દોસ્તો જોડે દારૂ પીવા જાય છે.ત્યાંથી એને હું બોલાવી લાવું. ક્યાં લઈ ને આવું?'
' તું જ બોલ. '
' એના જ ગામના તળાવની સામે બાજુ સ્મશાન છે. હું તમને ત્યાં ઉતારું. હું એને લઈને આવું ત્યાં સુધી તમેં એ જગ્યા પણ જોઈ રાખજો. ત્યાં રાત્રે કોઈ હોવાની શક્યતા નથી.પણ તો પણ તમે જોઈ રાખજો. '
' બરાબર. '
પ્રહલાદના અવાજમાં કંપારી હતી.
' બોસ , પાંચ ખૂનના આરોપીઓને પોલીસ શોધી રહી છે.અને જ્યારે એ આરોપી પકડાશે અને આરોપ પુરવાર થશે ત્યારે લગભગ ફાંસી નક્કી છે. '
જવાનસિંહ ધ્રુજી ઉઠ્યો. એને વસંત યાદ આવી ગયો.
( ક્રમશ : )