પુનર્જન્મ - 14 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ - 14

પુનર્જન્મ 14

વિશાલ સાવંત કોઈક સમયે કોઈ સામાન્ય ફિલ્મ મેગેઝીન માટે ફોટોગ્રાફરનું કામ કરતો હતો. કોઈ બાબતે કોઈની સાથે ટ્રાફીક બાબતે સામાન્ય ઝગડામાં મારામારી થઈ. અને સામેની વ્યક્તિની પહોંચના કારણે વાત વધી ગઈ. હિંસક હુમલો કરવાની સજા મળી. બે વર્ષની કેદ.
અનિકેત મૈસુર કેફેમાં એની રાહ જોતો હતો. દસ વાગ્યાનો સમય આપ્યો હતો. હજુ દસમાં પાંચ મિનિટની વાર હતી. અનિકેતને વિશાલની મુલાકાત જેલમાં થઈ હતી. વિશાલે જેલ માંથી છૂટી એક નાનકડો સ્ટુડિયો ખોલ્યો હતો. પરંતુ ફિલ્મોનું વળગણ છૂટતું નહતું. એટલે એ ફિલ્મી પાર્ટીઓમાં ફોટા પાડી એક વેબસાઈટ બનાવી તેમાં અપલોડ કરતો હતો. અને કોઈને નેટ પર મુકવા વિડીયો બનાવવો હોય તો એ પણ બનાવી આવતો હતો.

5.5 ફૂટ ઉંચાઈ , 40 વર્ષ ઉંમર , માથાના આગળથી ઓછા થઈ ગયેલા વાળ અને સ્હેજ મોટું પેટ. એક્ઝેટ દસ વાગે એ હાજર થઈ ગયો. એક બેગ ગળામાં લટકતી હતી. જેમાં એ પોતાનો કેમેરો હંમેશા સાથે રાખતો.
' હાય. '
' હાય હેન્ડસમ , બિલકુલ ટાઈમ પર. કેમ છે? '
એ હસતાં હસતાં બોલ્યો..
' વોટ હેન્ડસમ , જોતો નથી ટાલ પડી ગઈ અને પેટ પણ વધી ગયું છે. '
' યોર સ્માઈલ મેઇક યુ હેન્ડસમ ડિયર. '
' ઓહ , ફરગેટ ઇટ. બોલ નાસ્તો શું મંગાવ્યો છે? કકડી ને ભૂખ લાગી છે. '
' સેન્ડવિચ મંગાવી છે. તો પણ તને બીજું ગમે એ મંગાવી લે. '
એટલામાં વેઇટરે ટેબલ પર સેન્ડવિચ અને ચ્હા મૂકી અને વિશાલે સેન્ડવીચની પ્લેટ પોતાની તરફ સરકાવી, એક પિઝાનો ઓર્ડર આપ્યો. અનિકેતે ચ્હાનો કપ હાથમાં લીધો અને પોતાના માટે સેન્ડવીચનો ઓર્ડર આપ્યો.

' બોલ શું કામ હતું ? '
અનિકેતે મોબાઈલ વિશાલ સામે ધર્યો.
' આ એક એક્ટર છે. મી. સુધીર. મારે એના જન્મથી લઈને આજસુધીની તમામ માહિતી જોઈએ. '
વિશાલે મોબાઈલ હાથમાં લીધો. ફોટો જોયો. અને મોબાઈલ અનિકેતને મોબાઈલ પાછો આપ્યો.
' વોટ્સ ધ મેટર ? '
' મેટર ઇઝ નો ઈમ્પોર્ટન્ટ.'
' અનિકેત , હું એક વાર જેલમાં જઇને આવ્યો છું , હવે બીજીવાર જવાની ઇચ્છા નથી. '
' વિશાલ હું તને કોઈની જાસૂસી કરવાનું નથી કહેતો. અને કોઈનો ભૂતકાળ જાણવો એ ગુન્હો નથી. તારે ફક્ત એમનો ભૂતકાળ જ મને કહેવાનો છે. તું અડધા ઉપર તો જાણતો જ હોઈશ. અડધું જુના મેગેઝીનોમાં છાપેલું હશે. તારે એ બધું કલેક્ટ કરી મને આપવાનું છે. આમાં કોઈ ગુન્હો ક્યાં થવાનો છે. તારે બીજું કાંઇ કરવાનું નથી. '
' એનો કે એમનો. ? એમનો મતલબ. ? '
' એમનો મતલબ એનો , એની પત્ની નો અને એમનો ખાસ માણસ સચદેવા નો. પાંચ હજાર એડવાન્સ , પાંચ હજાર કામ પતે એટલે તરત જ. '
વિશાલ વિચારતો હતો. વાત સાચી છે. કોઈનો ભૂતકાળ જાણવો એ ગુન્હો નથી. અનિકેતે એક કવર ટેબલ પર મુક્યું.
' આમાં પાંચ છે. ઈચ્છા તમારી? '
વિશાલ માટે આ રમત વાત હતી. એના દસ હજાર ખોટા ન હતા. એણે કવર લઈ ગજવામાં મુક્યું.
' ત્રણ દિવસમાં રિપોર્ટ તમને મળી જશે. '
વેઈટર ટેબલ પર પિઝા અને સેન્ડવીચ મૂકી ગયો.

****************************

રિટઝ થિયેટરની બહાર ઘણી જ ભીડ હતી. અનિકેતે જીપ બાજુના સિટી મોલમાં પાર્ક કરી હતી. સિંગલ સ્ક્રીન થિયેટરનો જમાનો ખતમ થઈ ગયો હતો. મલ્ટીસ્ક્રીન થિયેટરનો જમાનો હતો.

જુના જમાનાનું રિટઝ થિયેટર મરવાના વાંકે જીવતું હતું. પણ માલિકો એ એના વિશાળ પ્લોટનો ઉપયોગ કરી એનું રિનોવેશન કરાવી થ્રી સ્ક્રીન થિયેટર બનાવી દીધું હતું.

બપોરનો એક વાગ્યો હતો. અનિકેત બાબુની રાહ જોતો હતો. બાબુ મોર્ય. જેલમાં અનિકેતની સાથે હતો. એ પણ એક ગુન્હેગાર હતો. જેલ માંથી છૂટી રિક્ષા ચલાવતો હતો. અનિકેતે જે માણસો પસંદ કર્યા હતા એ રીઢા ગુન્હેગાર ન હતા. પરંતુ સંજોગોના કારણે ગુન્હેગાર બન્યા હતા.

એક અને દસે બાબુ આવ્યો. અનિકેત રિક્ષામાં બેસી ગયો અને બાબુ ને કહ્યું.

' બાબુ ક્યાંક શાંતિ હોય ત્યાં રિક્ષા લઈ લે. અહીં તો બહુ ભીડ છે. '

****************************

યુનિવર્સિટીની બાજુના રોડ પર એક ચ્હાની કિટલી ની સામે બાબુની રિક્ષા ઉભી હતી. અનિકેત અને બાબુ ચ્હાનો કપ હાથમાં લઇને બેઠા હતા.
' બાબુ , મેં તને ત્રણ જણના ફોટા મોકલ્યા છે. જેની જરૂર હશે એના ઉપર નજર રાખવાનું અથવા અન્ય કામ હું તને બતાવીશ. એ સિવાય તું ફ્રી રહીશ. તને દર મહિને હું પંદર હજાર આપીશ. તારે ભાગે કોઈ જોખમી કામ નહિ આવે. '
' દોસ્ત , પણ મેટર શું છે? '
' મેટર કંઈ નહીં. આ મોટા માણસોના લફરાં. જેને જાણવા હોય એ પૈસા આપી કામ કરાવે. '
' દોસ્ત , કંઈ લોચો નથી ને ? '
' અરે કંઈ લોચો નથી.. આપણે તો રિપોર્ટ આપી છુટ્ટા. '

**************************

સાંજે પાંચ વાગે મોનિકા એની ઓફીસ માંથી બહાર નીકળી. સાથે એની સેક્રેટરી પણ હતી. ડ્રાઇવરે દરવાજો ખોલ્યો. અને મોનિકા અને એની સેક્રેટરી ગાડીમાં બેઠા અને ગાડી રવાના થઈ.

થોડે દુર ઉભેલી એક મોટરસાયકલના ચાલકે પાનના ગલ્લે થી પાન લઈ મોટરસાયકલ સ્ટાર્ટ કરી.

થોડી દૂર એક જીપ ઉભી હતી. એ પણ સ્ટાર્ટ થઈ. રોડ ઉપર સહજ ટ્રાફીક હતો. એમાં કોઈને કોઈ શંકાનું કારણ ન હતું.

***************************

રાત્રે દસ વાગે અનિકેત ઘરના આંગણામાં ખાટલા માં આડો પડ્યો પડ્યો આજના કામ પર વિચાર કરી રહ્યો હતો.
તારાઓના ઝૂમખાંઓ અવનવી ડિઝાઈનો સર્જતાં હતા. નવરાત્રીનો પહેલો દિવસ હતો. માઇકનો અવાજ છેક અહીં સુધી આવતો હતો. ચંદ્રના ગોળામાં મનભાવતી રચનાઓ દેખાતી હતી.
પુરા 22 કલાક થઈ ગયા , એનો કોઈ મેસેજ કે કોલ ના આવ્યો. અનિકેતનું મન ધૂંધવાઈ રહ્યું હતું. અનિકેતે કંટાળીને મોબાઈલ ચોપડીઓ વચ્ચે છુપાવી દીધો.

પોતે જેની રાહ જોતા હોઈએ , એની રાહ જોવી પણ કેટલી કઠિન હોય છે. નવરાત્રિના ગરબા ચાલુ થવાની તૈયારી હતી. માઇક પર ગુજરાતી ફિલ્મના ગરબા ચાલુ હતા. અને અનિતા અને સ્નેહા આવ્યા. આજ અનિકેત ખૂબ નારાજ હતો. એણે સ્નેહાની સામે પણ ના જોયું. અનિકેત બહાર આવ્યો અને અનિતાની સામે જોઈને હસ્યો અને ગરબા જોવા ચાલ્યો ગયો.

ગરબામાં એણે એકવાર પણ સ્નેહા તરફ નજર પણ ના કરી. ગરબા ચાલુ હતા અને એ ઘરે આવી ગયો. મા બહાર સુઈ ગયા હતા. એ અંદરના રૂમમાં આડો પડ્યો. અને સ્નેહાએ આપેલ મોબાઈલ ચોપડા વચ્ચેથી કાઢ્યો. 26 મેસેજ અને 17 કોલ હતા.
પહેલો મેસેજ હતો...
' કાલથી માની તબિયત ખરાબ હતી. તમારી સાથે વાત કરવાનો મોકો જ ના મળ્યો. મોબાઈલ પણ સાંજે ચાર્જ કરવાનો માંડ મોકો મળ્યો. '
અનિકેત મેસેજ આગળ વાંચતો ગયો..

' નારાજ છો ? સામે તો જુઓ ? '

' પ્લિઝ.'


' કેમ આજે અનિતા સારી લાગે છે ? '

છેલ્લો મેસેજ હતો...
' ઠીક છે , આજે તમે નહિ મળો તો મારું મરેલું મ્હો જોશો. '
અનિકેતને ફાળ પડી. ક્યાંક સ્નેહા આડુંઅવળું પગલું ના ભરી બેસે. ગરબા પુરા થઈ ગયા હતા. બહેન પણ ઘરે આવી ગઈ હતી. હવે તો ગરબામાં જવાનો પણ અર્થ ન હતો. કોલ કરતાં ડર લાગતો હતો. અનિકેતે સામે મેસેજ કર્યો.
' ઘરે પ્રૉબ્લેમ હતો તો એક મેસેજ ના કરાય ? 22 કલાક મેં કેમ કાઢ્યા છે એ મારું મન જાણે છે. '
' 22 કલાક રાહ જોવી અઘરી છે. મને પણ ખૂબ તકલીફ પડી. હું પણ આકુળવ્યાકુળ હતી. પણ એક આશા હતી તમને મળવાની , પણ અનિકેત , એના કરતાં પણ વધારે અઘરા છેલ્લા ચાર કલાક હતા , તમે મને ભૂલી ગયા , મારી પ્રૉબ્લેમ સમજવાને બદલે , મને સમસ્યા પૂછવાને બદલે મારાથી દૂર થઈ ગયા ? '

સ્નેહાના અવાજમાં કંઇક ગુમાવ્યાનું કંપન હતું , એક છુપાયેલું દર્દ હતું. અનિકેત અનુભવી શકતો હતો કે સ્નેહાની આંખમાં આંસુ હતા.

' સ્નેહા , આઈ એમ સોરી. રિયલી સોરી. હું તારા વગર ના રહી શકું. એ ચાર કલાક તારા પ્રત્યે પ્રેમ નો અભાવ નહિ પણ નારાજગી માત્ર હતો. પ્લિઝ સ્નેહુ. આજ પછી ક્યારેય આવું નહિ બને. એવો કોઈ તબક્કો જીવનમાં આવશે , તો હું તારી રાહ જોઇશ.'
નવરાત્રીના ગરબા ક્યારનાય પુરા થઈ ગયા હતા. 22 કલાકની જુદાઈ અઘરી હતી. 22 કલાક રાહ જોવી વસમી લાગતી હતી. તો સાત વર્ષ કેવી રીતે જતા રહ્યા એ સમજમાં ના આવ્યું.

અનિકેતને તારાઓની રચનામાં ક્યારેક રાસ રમતી સ્નેહા દેખાતી હતી તો ક્યારેક કાન્હાની જુદાઈમાં બેહોશ થતી મોનિકા દેખાતી હતી..

( ક્રમશ :)