પુનર્જન્મ - 13 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ - 13

પુનર્જન્મ 13


અનિકેત આજે સવારે ખેતરે ગયો. ઓરડીના તૂટેલા બારી બારણાંને ઠીક ઠાક કર્યા. એક સરસ ખાટલો , ગોદડી , એક માટલું વગેરે જીપ માંથી ઉતારી ઓરડીમાં મુક્યા. ભગવાન નું એક જૂનું મંદિર બાપુ એ મુકાવ્યું હતું , એ સાફ કરી દીવો કરી , બા - બાપુ અને પરમપિતા પરમેશ્વર ને યાદ કરતો ઉભો રહ્યો.
' કોઈ છે. '
બહાર થી એક અજાણ્યો અવાજ આવ્યો.
અનિકેત બહાર આવ્યો.. કોઈ અજાણ્યો વ્યક્તિ ઉભો હતો. 5.9 ઉંચાઈ , પહોળા ખભા , સફેદ ધોતિયા ઉપર શર્ટ પહેરેલો એ વ્યક્તિ તદ્દન અજાણ્યો હતો. હાથ માં કડિયાલી ડાંગ અને એ ડાંગ પકડી એ સ્ટાઇલથી ઉભો હતો. હાથમાં ચાંદીનું જાડું કડું અને આંગળીઓમાં વીંટીઓ. ચહેરો તદ્દન રુક્ષ.

' મેં આપને ઓળખ્યા નહિ. '
' હું ગુમાનસિંહ. '
' ઓહ , બોલો શું કામ હતું ? '
' આ જમીન વેચવાની હોય તો મને આપજો. હું તમને સારા પૈસા આપીશ.'
આજુબાજુના ખેતરવાળા આમની વાતો સાંભળવા અનિકેતના ખેતરની નજીક આવી ગયા હતા. કાકા પણ વાતો સાંભળવા નજીક આવી ગયા હતા.
' જોઇશ. '
' તમે આમ તો ખેતી કરવાના નથી. પછી મૂકી રાખી ને શું કરશો ? અને હું જે જગ્યા લેવાનું નક્કી કરું એ જગ્યા બીજું કોઈ લેતું નથી. '
અનિકેતને એ ના સમજાયું કે આ માણસ સામાન્ય વાત કરે છે કે ધમકી આપે છે. પણ એટલું જરૂર સમજાયું કે આ માણસ તદ્દન તોછડો હશે.
અનિકેતે પણ તદ્દન રુક્ષતા થી ઓરડીને તાળું મારતા કહ્યું.
' વેચવી હશે ત્યારે વિચારીશ. '
આટલું કહી જીપ સ્ટાર્ટ કરી રવાના થઈ ગયો.

****************************

વારંવાર મોનિકા નજર સમક્ષ આવી જતી હતી.. બીજી સ્ત્રીઓ , ઓહ સોરી.. છોકરીઓ કરતાં એનામાં કંઇક અલગ જ હતું. શું હતું એ ના સમજાયું.પણ સમગ્ર અસ્તિત્વના નિચોડથી ઉભી થતી એક આભા , ચુંબકીય કિરણો. કોઈને પણ પ્રભાવિત કરવા પૂરતા હતા. મનમાં વિચાર આવ્યો કે શું પોતે મોનિકાથી પ્રભાવિત થયો હતો ?

હા, એ પ્રભાવિત થયો હતો.એ સર્વાંગ સંપૂર્ણ સ્ત્રી હતી. સ્નેહા ની જેમ ? હા, સ્નેહા ની જેમ.કદાચ મોનિકા સ્નેહા કરતાં વધારે સર્વાંગ સંપૂર્ણ હતી.

ડેલીનું બારણું આડું કરી એ ખાટલામાં આડો પડ્યો હતો. આકાશમાં અજવાળિયા પક્ષનો ઉજાસ હતો. તારા ને જોતો એ વિચારી રહ્યો હતો. થોડા દિવસ પછી દિવાળી છે. મકાનનું બધું કામ નહિ પતે. કદાચ થોડું બાકી રહી જશે. વાંધો નહિ.. ચાલુ કામ ને લીધે આખું ઘર અસ્તવ્યસ્ત હતું.

ડેલીનું બારણું કોઈએ ખખડાવ્યું. અનિકેતે જોયું કે માસી અને મગન હતા.
' આવો માસી. '
માસીના ચહેરા ઉપર આજે એક અલગ જ આનન્દ હતો. અનિકેતને એ ખુશીનું કારણ થોડીવારમાં જ ખબર પડ્યું.

' બેટા , આજે તારા કાકા એ મને મોકલી છે.'
' કેમ ? '
' બેટા , આજે કોઈ જમીન ખરીદવા આવ્યું હતું ? '
' હા માસી , કોઈ ગુમાનસિંહ કરીને માણસ આવ્યો હતો. '
' બેટા , એ માણસ આખા ગામનો ઉતાર છે. કદાચ તું જમીન વેચે તો અમને આપજે , અને અમને ના આપે તો એને તો ના જ આપતો. બેટા, મગન સીધો છે. એનો વિચાર કરજે. '
' માસી , આવું કેમ વિચારો છો. તમને તકલીફ પડે એવું હું કદાપી ના કરું. મારે તો જમીન વેચવી જ નથી. '
' બેટા , મને તો વિશ્વાસ છે તારા ઉપર. પણ આ બહાને તારા ત્યાં આવવા મળ્યું એટલે આવી. '
' અને કાકા ને પણ કહેજો ચિંતા ના કરે. '
' થોડા અકળાવા દે , મેં તો એમને કહ્યું કે તમે ક્યાં એને ભત્રીજા જેવો રાખો છો . મને આમ તો એના ઘરે જવાય દેતા નથી.હું કેવી રીતે એને કહેવા જાઉં. એટલે એ થોડા ઢીલા તો પડ્યા છે. કહેતા હતા એક લોહી છે. પારકું થોડું છે. મેં તને ક્યાં રોકી છે. '
' માસી. '
માસીની આંખમાં હરખના આંસુ હતા.

**************************

બીજા દિવસથી નવરાત્રી શરૂ થતી હતી. ગામના ચોકમાં એની તૈયારી થઈ રહી હતી. માઇક ટેસ્ટીંગનો અવાજ આવતો હતો.

એ નાનપણથી અનુભવતો કે નવરાત્રીનો એક આગવો જ ઉમંગ હોય છે. મા હંમેશા નવરાત્રીના નવ દિવસ ઉપવાસ કરતી. બાપુ જીવતા ત્યારે એ પણ ઉપવાસ કરતા. ઢોલ પર દાંડીઓ પડે અને હૈયું હિલોળાના લે એવું ના બને. પગ આપોઆપ થરકવા લાગે.

એ નવરાત્રિ સ્નેહા સાથેની મુલાકાતની પહેલી નવરાત્રી હતી. નવરાત્રીના પહેલા દિવસે એ અનિતાની સાથે આવી હતી. સુરભિને મળવા. એ દિવસે મનમાં એક આગવો જ ઉમંગ હતો. મન એક જ ઝંખના કરતું.બસ એને જોયા જ કરું. અનિકેતના જીવનનો પહેલો પ્રેમ હતો. અને એમાં અનિકેત બધું જ હારી ગયો હતો. બધું જ. પોતાનું સમગ્ર અસ્તિત્વ.

શું હતું એનામાં ? કંઈ જ ખબર ના પડી. કદાચ માણસ સમજતો થવાની સાથે કોઈક પોતાનું હોય , જે પોતાના માટે જીવતું હોય , જેનું હદય પોતાના માટે ધડકતું હોય એવા વ્યક્તિ આગળ બધું હારવાની માણસ રાહ જોતો હશે. અને પોતે બધું હારી ગયો એની સામે.

એ નવરાત્રીની ચણિયાચોળી પહેરી , ચહેરા પર મેકઅપ , હાથ - કાન - નાક - ગળામાં અવનવા ઘરેણાં પહેરી , પગમાં પાયલ સાથે છમ છમ કરતી આવતી. અને એના દરેક છમકારે અનિકેતના હદયમાં કોઈ અજીબ સંવેદન થતું. એનું વિશ્વ હતી એ. એનું અસ્તિત્વ હતી એ. એમાં પણ જ્યારે એ હસતી. સુરભિ અને અનિતાની સાથે વાત કરતાં કરતાં એ હસતાં હસતાં ધીમે થી અનિકેતની સામે જોઈ લેતી. અને એક પળમાં બે હૈયા હજારો વાતો કરી લેતા. હજારો લાગણીઓની આપ લે કરી લેતા.

એવું લાગતું કે એના વગર એકપળ પણ નહિ જીવાય. એ એને કહેતો.
' સ્નેહુ , બસ. તારા વગર નહિ જીવાય. '
' થોડી ધીરજ રાખો. લગ્ન કરીને આજ ઘરમાં આવીશ. તમારી સાથે જીવવા. આજીવન. હંમેશા માટે. ક્યારેય જુદા નહિ પડવા માટે. '
શું લગ્ન પછી બે વ્યક્તિના સંબધ ગાઢ બનતા હશે ? પોતે તો એવું માનતો હતો. પણ વાસ્તવમાં એવું નહિ હોય. કેમકે એવું હોત તો મોનિકા માટે એનો પતિ પોતાને કામ ના સોંપત.

મન માનવા તૈયાર ન હતું. આટલી સુંદર પત્ની , જે કોઈ પણ વ્યક્તિ નું સ્વપ્ન હોય એને મારવા એનો પતિ કેવી રીતે તૈયાર થયો હશે ? શું કારણ હશે ?

મોનિકાથી સુધીર દુઃખી હશે ? હા , તો જ એ આવું પગલું ભરે ને. પણ મોનિકા એવું કંઈક કરે એવું લાગ્યું નહિ. કેમ સુંદર સ્ત્રી પતિ ને દુઃખી ના કરે ? સ્નેહા પણ સુંદર જ હતી ને.

મોનિકા ને કોઈ અફેર હશે. આના ઉંડાણમાં જવું પડશે. સુધીર તો કારણ બતાવશે નહિ. પણ પોતે જાણી ને રહેશે. શા માટે. શા માટે આ સ્વપ્નસુંદરીનું આવું ખતરનાક ભવિષ્ય ઘડાયું છે.

પોતે વિચારેલ નામોની યાદી યાદ કરી. મોડી રાત્રે એ સૂતો. સ્વપ્નમાં મોનિકા આવતી. કાન્હાની રાહ જોતી રાધા ના રૂપમાં , કાન્હાના મિલનના આનન્દના અતિરેક સાથે અને છોડી ગયેલ કાન્હા માટે તડપતી રાધાના રૂપે...
( ક્રમશ : )