Livelihood books and stories free download online pdf in Gujarati

આજીવીકા

આજીવીકા

હવે ગામ આખું ભૂરાને ભૂરા તરીકે ઓળખતું જ નહિ, છકડો જ કહે. છકડો કહે એટલે ભૂરો સમજાય , ને , ભૂરો છકડાને છકડો નાં સમજે. ક્યા ચલ ચોઘડિયે ભૂરાએ છકડાનું હેન્ડલ પકડયુ , તે બેઠો નથી ને ......જાંબાળા ... ખોપાળા ... તગડી .. ને ભડી .. ને ભાવનગર. એમાં હવે ભડી તો ગણાય એમ જ ક્યાં રહી છે ' બેઠલા નાળા લગી ભાવનગર લંબાઈ ગયું છે. ભડી ફરતે સોસાયટીનાં મકાનો ઊગી ગ્યાં છે. બેઠલું નાળુ આવે ને આવે જકાતનાકું. જકાતનાકું આવ્યું કે આવ્યું માણાવદર .

ભૂરાનો છકડો છૂટે ને. જાંબાળા ... ખોપાળા ... તગડી ... ને ભડી ... (એમાં હવે ભડી તો ગણવી જ શું કામ ? ) એમાં ભૂરાને તો આમેય વચલા ગામ દેખાતાં જ નહિ. છકડો છૂટે ને આંખો ઉઘાડો ત્યાં ભાવનગરનું જકાતનાકું.

જકાતનાકે ઊભી જાવાનું. ડંડાવાળા માલીપા ન જવા દે. નિયમ જ કરી નાખેલો. ચાહે તે ગર્વનરનો દીકરો હોય , છકડો જકાતનાકે જ ઊભો રહી જાય. ઊપડે પછી ઊભો નાં રહે. જાંબાળા ... ખોપાળા .. તગડી ને ભડી (એમાં ભડી તો ક્યાં ગણવાની!) આવ્યુ જકાતનાકું. છકડો જીવતું પ્રાણી બની ગયેલો. ઠેકાણે આવીને ઘોડો ઊભો રહે એમ બેઠલું નાળું વટે કે ખીલો થઈ જાય. વચમાં ભલે જાંબાળા ... ખોપાળા ... તગડીનાં પાદર વીંધીને સડક દોડતી હોય , ક્યારેક ભલે કોક હાથ ઊંચો કરે છે. એ જાય ! રાખો , રાખો , મારે ભાવનગર ... ’ પણ સાંભળે ઈ બીજા. વેગ થંભલાવે ઈ બીજા , છકડો નહિ , ઈ તો ઊપડ્યો નથી , ને

જાંબાળા ... ખોપાળા ... તગડી ... ને ( ભડી તો ક્યાં ગણવાની ! ) બેઠલું નાળું વટીને જકાતનાકે ખીલો ! જીવતું પ્રાણી જ જોઈ લ્યો , એટલે તો ભૂરો છકડાને છકડો નાં સમજે એની હારે વાતું કરે ; એને ધમારે , સાફસૂફ કરે ; ઝીણી ઝીણી વાતે , મા બાળકના કાન સાફ કરે એમ , ચકચકાવે , શણગારે , તે પછી છકડા તો ઘણા થયા , પણ ગિલાના છકડા તોલે કોઈ નાં આવે , છકડો તો ગિલાનો , ને ગિલો છકડાનો. કયા ચલ ચોઘડિયે ગિલાએ છકડા પર હાથ મૂક્યો કે પછી છકડો છકડો રહ્યો જ નહિ. છકડો સડક થઈ ગ્યો.છકડો પવનપંથો ઘોડો થઈ ગ્યો , છકડો પાણીપંથો પ્રાણી થઈ ગ્યો , તે જાંબાળા ... ખોપાળા ... તગડી ... ને ભડી ... ને ( ભડી તો ક્યા...... ! )

કયા ચલ ચોધડિયે ભૂરાને વિચાર ઝબક્યો કે છકડો લઉં તો કેમ ? આમ ને આમ કાકાના કાનાના આ કેરિયરમાં મજૂરી કરીને તૂટી જઈશ તો ય ખાટલા વિચારને ખાટલા વિચાર તો રહીશ. એના કરતાં છકડો લીધો હોય તો કેમ ? લાઈન તો હાથવગી છે જ , કાનાનું કેરિયર રાતે બાર વાગે શાકભાજી ભરીને ઊપડે છે. વચમાં પાંચ ગામનું શાકભાજી ભરતું ભરતું ચારેક વાગે માર્કેટયાર્ડ પહોંચે છે. વળતાં ભાવનગરથી જે ભાડું મળે એ લઈને પાછું આવે છે આ એક ફેરામાં એનું ગાડું ઓહો દોડે છે. એમાં ને એમાં કાનાએ એની પડખોપડખનું ટીંઢોરનું મકાન પાડીને ચૂનાબંધ પાકું મકાન ચણાવ્યું. બેયનો એક કરો મજમ , તે એનોય એ કરો પાકો થઈ ગયો. તે એનો ડોહો રાતદિ ' એ કરાને ટીકી ટીકીને જોવે. - ભાયુંભાયુંમાં એવું તો હોય જ ને ; આને કેવું – મારે કેવું ! એનો દીકરો કેવો પાટે ચડી ગયો અને મારો . ?

તે કયા ચલ ચોઘડિયે ભૂરાએ નક્કી કર્યું ને બાપાને વાત કરી. ને બાપાએ જૂના પટારાને તળિયેથી ચીથરાં વીટેલી એક પોટકી કાઢી , બા ગયા ત્યારે એના કાન-નાકમાંથી ઉતારી લીધેલાં ત્રણ નંગ હતાં , જે છે તેમ' કહીને બાપાએ ભૂરા સામું જોઈ રહ્યા , ભૂરાના દેવ જાગી ગયેલા, ઊંધું ઘાલીને ઊપડ્યો ભાવનગર , થોડાંક નાણાં આપ્યાં ને બાકીના હપ્તા નક્કી કરી નાખ્યા ; ને છકડો ઊભો રાખ્યો પાદર માં, લાઈન તો હાથવગી હતી જ, કાંઈ નહિ તો ભળકડે શાકભાજીનો ફેરો તો નક્કી. કાનાનું કેરિયર અડધી રાતે ઊપડે. મોડા પડનારા કોઇ કોઇ રહી જ જાય , એ લોકોને માથેથી કોઈ વાહન આવે તો મેળ પડે , એવાનો કાયમી ફેરો નક્કી . કાનાનું કેરિયર તો પાંચ પાંચ ગામેથી શાકભાજી ભરીને ક્યારેય માર્કેટ યાર્ડ પહોંચે. જ્યારે છકડો તો ઊપડ્યો નથી , ને......જાંબાળા ... ખોપાળા .. તગડી ને ભડી. (એમાં .... ) ને ભાવનગર , ઊપડયા ભેગો જકાતનાકે , ને જકાતનાકું આવ્યું કે આવ્યુ માર્કેટ યાર્ડ , બકાલાવાળાને ફાવી ' ગ્યું. બકાલાવાળાને ફાવી ગ્યું એમ પેસેન્જરોનેય ફાવી ' ગ્યું. બસના ભાવેભાવ ભાવનગર ભેળાં , બસ તો ગામેગામ ઊભી રહેતી જાય. કોઈ ગામે ડ્રાઈવરને ચાની અડાળી લગાવવાનું મન થાય તો પાંચ-પંદર મિનિટ વધુ ખોટી થાય. છકડામાં તો એવી કોઈ ડખામારી જ નહિ ; ઊપડ્યો નથી ને. જાંબાળા ... ખોપાળા ... તગડી ... ને ભડી ... ને જકાતનાકું. શહેરમાં હટાણું પતાવીને માણસ ડેપોએ આવે, બસ વહેલીમોડી હોય તો પડતપે શેકાવાનું. એના કરતાં બે ડગલાં હાલી નાખે તો જકાતનાકે પૂગી જાય. જકાતનાકે તો છકડો મળી જ રહે, બેઠાં નથી ને …

દિપક ચીટણીસ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED