પૈડાં ફરતાં રહે - 18 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

પૈડાં ફરતાં રહે - 18

18

બીજે દિવસે મારો પ્રોગ્રામ નક્કી હતો. સવારે નિરાંતે 7.30 વાગે ઉપડી જૂનાગઢ જઈ ત્યાંથી બસમાં માધવપુર ઘેડના રસ્તે પોરબંદર જવાનું અને ત્યાંથી રાજકોટ.

વહેલા ઉઠીને લીમડાના ઝાડની તાજી ડાળી કાપી દાતણ કર્યું. કંડક્ટરે વળી હોઠથી હસીને દાતણ માટે હાથ લંબાવ્યો. મેં મારી લાંબી ડાળીમાંથી એક ટુકડો કાપી આપ્યો. એણે દાતણ પણ ચૂપચાપ કર્યું.

તલાલા બસસ્ટેન્ડનાં પ્લેટફોર્મ પાસે મફત પાણીની બંધ કેબિન હતી. આમ તો પબ્લિકની સેવામાં આઠ વાગ્યે ખુલી જાય. અત્યારે તો કોઈ પાણી ભરતું હોવું જોઈએ. પણ આવાં નાનાં સ્ટોપ પર, અને હવે તો મોટાં સ્ટોપ પર પણ એ કેબીનો બંધ રાખી નજીકમાં જ એલ્યુમિનિયમનાં પડખાં વાળી લારીમાં એ પરબ પર જેની ડ્યુટી હોય એ જ પૈસા લઈ પાણી વેંચે. હવે તો એ જ નજીકના પાનવાળા પાસેથી ગમે તેવાં પાણીનાં પાઉચ ખરીદી નફો લઈને બસ ઉભતાં જ વેંચવા દોડી જાય. એકલા પાણી માટે કોણ ફરિયાદ કરવા નવરૂં હોય? એસટી એને પાર્ટટાઇમનો પગાર આપે કે રોજમદાર તરીકે આપે એ તો લે જ. ઉપરથી પરબ ખોલ્યા વગર પાણી વેંચે.

દુઃખ સાથે કહેવું પડે, અમુક લોકો તેમનો હક્ક સમજી કોઈ પણ રીતે આવી નોકરી કે કામ પોતાના હાથમાં લઈ પછી આવી પ્રવૃત્તિ કરતા જોયા છે. ગરીબ ગરીબ કરી બહુ ફટવ્યા એનું આ પરિણામ.

હું ગરીબ વિરોધી આગ ઓકતો નથી. હું મૂડીવાદી નથી. મારૂં પણ વાટકીનું શિરામણ છે. પણ ગરીબીની ઓથે આને શું કહેવાય? માફ કરો, નાની હરામખોરી. કામ ન કરવું, કરે તો સરખું ન કરવું, આસપાસથી જે મળે એ ખોટા રસ્તે ઉસરડવું- દેશના પાયાની ઉધઈ છે આવા લોકો.

મેં કેબિનમાં એનાઉન્સ કરતા સાહેબને કાને વાત નાખી કે પાણીની પરબ બંધ છે ને નજીકના નળ પણ. સાહેબ કહે 'ત્યાં દૂર કોઠી પડી છે એનું પાણી કાઢીને પી લ્યો. બહુ ચોખ્ખીના હો, અને *** હો (શું બોલ્યા ઇ આંય નહીં કે'વાય) તો ઘેરથી બોટલ લેતા આવવી.'

સવારસવારમાં મને એની સાથે એની ભાષામાં વાત કરવી ઠીક ન લાગી. અમે નજીક ઉભેલી ચાની લારીએ ગયા અને એણે અમારી સામે જ કોઈ પબ્લિક નળ પરથી કપડાંથી ગાળીને કોઠી ભરેલી એમાં પ્લાસ્ટિકનો પોટ ડુબાડી પાણી આપ્યું. અમે એનાથી જ કોગળા કર્યા, મોઢું ધોયું ને ચા નો ઓર્ડર આપ્યો. ઓલા સાથીએ મેં કર્યું એમ કર્યું.

'નવા લાગો છો. તમારું નામ, ભઈલા?'

મેં પૂછ્યું.

એ ફરી આછું હસ્યો. એની નેમપ્લેટ તરફ આંગળી ચીંધી.

ઓહ, એ મૂંગો હતો. એસટીએ આવા દિવ્યાંગોની પણ ભરતી કરી છે. તો આ કાર્તિકની હારે નવો નોકરીમાં રહેલો.

અમે બરાબર સાડાસાતે બસ ઉપાડી. ગીરની વહેલી સવારનું ક્યાંક વાદળી ને ક્યાંક ગુલાબી ને પછી સોનેરી વાતાવરણ હતું. મેં ભજનની પેનડ્રાઈવ મૂકી. ઘણા પેસેન્જર તો નજીકના સ્ટોપ પર ઉતરી હટાણું કરવા કે કોઈ સરકારી કામે જતા હતા. મારૂં મન એકદમ શાંત હતું. રાતની વાત યાદ આવી. અત્યારે કોઈ બીક ન લાગી.

જૂનાગઢ પહોંચી હું મારે ને ઈ કંડકટર માટે ગાંઠીયા લાવ્યો. એણે ઇશારાથી આગ્રહથી પોતાના પૈસા કાઢી બે અડધી ચા કે'વા મને કીધું.

આંયથી ઉપડી રસ્તાની હારોહાર અમને અડીને આવતો દરિયો પસાર થવા માંડ્યો. આખો રસ્તો આવો છે. એને કોસ્ટલ હાઇવે જ કયે છે. એક બાજુ નારીયેળીઓ અને ઘટાદાર ઝાડનાં ઝાડ, બીજી બાજુ મોડી સવારનો શાંત ભુરો દરિયો ને એની ઉપરથી વાતી ઠંડી મઝાની, થોડીક ખારી, એકદમ તાજી હવા. સાવ સીધો રસ્તો.

મને ચાર અલગ પટ્ટા દેખાતા હતા. પહેલો ઈ ભૂરા દરિયાનો, બીજો નજીકની બદામી કે સફેદ રેતીનો, ત્રીજો રસ્તાની સાઈડે પહેલા વરસાદે ઊગી નીકળેલ લીલા ઘાસનો ને ચોથો મારા રસ્તાનો.

મન ખુશ ખુશ થઈ જાય એવું હતું.

મેં જૂની ફિલમનાં ગીતો મૂક્યાં. પેસેન્જરો મોંઘી ક્રુઝમાં મળે એવો અનુભવ આ સસ્તી એસટીની મુસાફરીમાં માણતા બેઠેલા. અમારી હારે સુંદર કુદરત હતી.

રસ્તો શાંત ને ઓછા ટ્રાફિક વાળો હતો એટલે અમે ટાઇમથી વહેલા પોરબંદર આવી ગ્યા. બધા ઉતર્યા ન્યાં રોટલા ટાણું થઈ ગ્યું તું.

મૂંગા કંડક્ટરે મારી સાથે ઉમળકાથી હાથ મિલાવ્યા. એની ડ્યુટી અહીં પુરી થતી 'તી.

હું પોરબંદરની કેન્ટીનમાં જમવા બેઠો. હાથ ધોઉં ત્યાં તો કાર્તિક આવ્યો. એણે ઓલા મૂંગા કંડક્ટરનો ખભો દબાવ્યો. અમે ત્રણે સાથે જમવા બેઠા. એલા રફીક, તારાં તઇણ ખજૂર મનમાં ખાધાં હોં! તું કેતો 'તો એમ સાથે જમે ઈ સાથે રહે.

હવે આ મૂંગા, દિવ્યાંગભાઈનો રેસ્ટ લઈને બીજે ફેરો હતો. કાર્તિક મારી સાથે આવવાનો હતો.

અમે અમારી પોરબંદરથી રાજકોટની સફર આદરી. થોડા દિવસમાં જમીનના કેસની તારીખ હતી. એ પહેલાં એક વાર ત્યાં જઈ આવવું જરૂરી હતું. રાજકોટ પહોંચી ટ્રાફિક મેનેજર સાહેબને કહી રજા મૂકી દઉં.

મેં લેન્ડ રેકોર્ડની ઓફિસમાં જે જોએલું એ ઉતારાઓની પ્રિન્ટ પણ ઘેર સાચવીને રાખી મુકેલી.

રાજકોટ પહોંચ્યા. ઉપર રેસ્ટરૂમ જવા દાદરો ચડું ત્યાં જાણીતા, અજાણ્યા બધા ડ્રાઈવર, કંડકટર, વર્કશોપ સ્ટાફ બધાને એક જગ્યાએ ભેગા થવાની નોટિસ લગાવેલી હતી. બધાને ખૂબ ઉત્સાહ હતો. મને નાથગર બાવાજી આવીને કહી ગયા કે 200 રૂ. કાઢવાના છે. જીવણ મહારાજ રીટાયર થાય છે. એમની રિટાયરમેન્ટ પાર્ટી છે.

શું વાત છે! સહુના ગુરુ મહારાજ, બીજાઓની દ્રષ્ટિએ ઉજળા વરણના હોઈ અમારી ટાઈપની નોકરીમાં ભૂલથી આવી પડેલા, સ્પષ્ટવક્તા, ખૂબ જ પ્રામાણિક અને બહાદુર ડ્રાઈવર જીવણ મા'રાજ રીટાયર થશે!

મને તો ચોખ્ખી ભાષા બોલતો એમણે જ કરેલો. મેં લક્ઝરી કે વોલ્વોમાં મુકવાની એક નાટક 'સંતુ રંગીલી'ની કેસેટ જોઈ 'તી. એમાં એક ફૂલ વેંચતી બાઈને એક પ્રોફેસર ખૂબ ચોખ્ખી, મને તો ચાંપલી લાગે એવી ભાષા બોલતી કરે છે. પછી ઇ બાઈ ફૂલ વેંચવા જાય ત્યારે એને કોઈ ઈ ધંધા માટેની ગણતું નથી. એનાં ફૂલ વેચાતાં નથી.

મેં મા'રાજ પાસે ઈ દલીલ કરી કે ઈ બાઈ ની ઘોડે (જેમ) મને પણ કોઈ ડ્રાઇવર નહીં ગણે.

એમણે તરત જ કહેલું કે 'ઈ તો નાટક હતું. એમાં બાઈને શરત જીતવા જ એવું બધું શીખડાવેલું. આપણે આજે છીએ એથી હલકા ધંધામાં જવાનું નથી. એસટીના ડ્રાઇવરનો ધંધો હલકો નથી. આપણે જ આપણી રોજીરોટીને હલકી શું કામ કહેવી? ને જેમ અમે સંસ્કૃતના શ્લોકમાં વાત ન કરી શકીએ એમ સાવ ઉભડ ભાષા બોલીને પણ બધા સાથે વાત ન થાય. અમે ગામડાંમાં મોટા થયા છીએ એટલે ગામડીયા છીએ ને ગામડીયા એટલે ઓછી અક્કલ વાળાં છીએ એવું દુનિયાને શું કામ હાથે કરીને બતાવવું? આજની પેઢીનાં બધાંને સમજાય એવું, સાચું ને સારું બોલશું તો જ ગમે ત્યાં આપણાં બોર વેંચાશે.'

તો અમારા બધાના ગુરુ જીવણ મા'રાજ. ના, મહારાજ રીટાયર થાય છે.

(હવે હું એનું શીખવેલું મહારાજ બોલીશ. મા'રાજ નહીં.)

સાંજે જીવણ મહારાજ એનો વડોદરા રાજકોટનો છેલ્લો ફેરો કરીને આવવાના હતા. ખુદ ડીસી સાહેબ મહારાજને શાલ ઓઢાડી કવર ને એક ઇનામનો ચેક આપવાના હતા. કદાચ ઓલાં તોફાની ટોળાં વચ્ચેથી બસ લઈ આવ્યા હતા એનું. મહારાજના ગ્રેચ્યુઇટી ને પ્રોવિડન્ટ ફંડના પૈસા બે ત્રણ દિવસમાં એના ખાતામાં જમા થવાના હતા.

અમે બધા ડીપોના દરવાજે મહારાજને વધાવવા ઉભા.

વડોદરાવાળી વોલ્વો બસ આસ્તેઆસ્તે રાજકોટ ડીપોમાં આવી. તરત અમે ફુલહાર લઈને ઉભા. મહારાજ બસનું ડ્રાઇવરનું ડોર ખોલી વોલ્વોમાંથી ઉતર્યા ઈ ભેગા અમે એની ઉપર ફુલહાર ચડાવ્યા. બધાએ મહારાજને ઊંચકી લીધા અને ઊંચકીને નજીકમાં ગોળ ફેરવ્યા. કાર્તિક ઢોલ લઈ આવેલો. મારી જ બસમાં હતો ને! મને યે ખબર નહોતી. એણે પોતે સાથે લાવેલ દાંડી પીટવા માંડી. નાથગર બાવા તો શંખ જ લઈ આવેલા. ઈ ફૂંકયો. મને કોઈએ માઉથ ઓર્ગન કે'છે ઇ વાજું આપ્યું. મેં મોઢે લગાડી હવા ફૂંકી 'ઘર આયા મેરા પરદેશી' વગાડવું શરૂ કર્યું. અમારો પરદેશી આજે અમારું ઘર એસટી કાયમ માટે છોડી જવાનો હતો.

મેં અત્યાર સુધી કીધું નથી કે મને આ વાજું આવડે છે. આમ તો રોજેરોજ અમે વાજું વગાડીએ- હોર્ન!

કોઈએ કહ્યું કે 'જીના યહાં મરના યહાં' થાવા દો. મેં તો ઇ વગાડવા માંડ્યું. વાતાવરણ ઊલટું ગમગીન બની ગ્યું. તરત મેં 'નગારા નગારા બજા..' શરૂ કર્યું. સહુ મસ્તીમાં આવી નાચવા લાગ્યા. કાયમના ગંભીર જીવણ મહારાજ પણ હાથ ઊંચા કરી થોડું નાચ્યા.

સભા શરૂ થાય એ પહેલાં મહારાજ કહે 'હું છેલ્લે ફેરે ગેરેજમાં બસ મૂકી આવું. તમે જતા થાઓ.'

અમે પાછળ વર્કશોપવાળાં મેદાનમાં ગયા.

અંદર તો મોટી તૈયારીઓ હતી. મહારાજ માટેની ગિફ્ટ એક ટેબલ ઉપર મુકેલી. નાસ્તાની ડીશો ભરાતી હતી. ડીસી સાહેબ અને ટ્રાફિક મેનેજર સાહેબ એમની જગ્યા લઈ ચૂકેલા. આજે તો કોમરેડ પણ રાજકોટમાં હતો. ઈ યે આ સમારંભમાં સામેલ હતો.

મહારાજે વોલ્વો પાછી ગેરેજમાં લઈ જવા ચાલુ કરી. બધા મુસાફરો ઉતરી ગયેલા. બસ ગરમ થઇ ગઈ હશે કે કેમ, ગિયર પડ્યું નહીં. મહારાજે જોર કરી ક્લચ દબાવીને એક્સેલરેટર આપ્યું. બસ ધક્કાથી ચાલુ થઈ. મહારાજ ગમે તેમ ભાગદોડ કરતી પબ્લિક વચ્ચેથી બસને ગોળ રાઉન્ડ મરાવી પાછળ વર્કશોપના ગેઇટમાં લઈ આવ્યા. બસ ન્યુટ્રલમાં નાખી એકદમ આસ્તેથી ઉભી રાખી.

'બસ. આ એક છેલ્લો ઢાળ. એ ચડીને બસ બંધ કરીને આ આવ્યો' કહેતાં મહારાજે એક્સેલરેટર આપ્યું. બસ ન ઉપડી. ક્લચ દબાવી સ્હેજ જોર કરી ફરી એક્સેલરેટર આપ્યું. બસ જોર સાથે ઢાળ ચડી અને ... મહારાજની 35 વરસની ડ્રાઇવર તરીકેની નોકરીનો પહેલો એક્સિડન્ટ થયો. બસની ડ્રાઇવરની બાજુની સાઈડ તરફ વર્કશોપમાં એક લેથ જેવું રાખેલું એને ઠોકી બસ આગળ ધસી. મહારાજે ઝડપથી સ્ટિયરિંગ ફેરવ્યું તો દરવાજાની બરાબર સામે આવેલી કાચની કેબિન સાથે અથડાઈ. બ્રેક ચોંટી ગયેલી. મહારાજે કદાચ ટેન્શનમાં આવી જોરથી હોર્ન મારતાં ફટાફટ બસને રિવર્સમાં લીધી. રીયર વ્યુ મીરરમાં દેખાયું નહીં હોય? મોટેથી 'વીં.. વીં..' અવાજ સાથે એક ચીસ. ઉતરતા ઢાળની એ બાજુ એક કૂતરું દોડતું આવતું હતું એ બસનાં પાછલાં વ્હીલ નીચે આવી ગ્યું. બહુ ખરાબ રીતે કચરાઈ ગયું. એના મોં માંથી એક ચીસ સાથે લોહી ઉડયું. એ ત્યાં જ મરી ગયું.

બસને ઝટકાથી ઉભી રાખી જીવણ મહારાજ માથે હાથ પછાડી બેસી રહ્યા.

બધા જ અવાચક થઈ જોઈ રહ્યા. એ શાંતિને ભેદતો કોમરેડનો ઘાંટો ગાજયો - 'એક્શન લો. હીટ એન્ડ રન. એક્સિડન્ટ. આ સાહેબો સાક્ષી છે.'

મહારાજ પોકે ને પોકે રોઈ પડયા. હું દોડીને બાજુનાં કુલરમાંથી પાણીનો ગ્લાસ લઈ આવ્યો. ટાયર પર ચડી ડ્રાઈવર સાઈડનું બારણું ખોલી મેં એમને પાણી આપ્યું. હું એમની પીઠ પંપાળી રહ્યો.

હાજર મોટાસાહેબ કહે મારી નજર સામે એક્સિડન્ટ થયો છે. કેઇસ કરો અને કાલે એમને આપવાના ગ્રેચ્યુઇટી, પીએફના ચેક હાલ તુરત અટકાવો.

ટ્રાફિક મેનેજર સામે જોઈ કહે 'ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી શરૂ કરો. મને રિપોર્ટ મોકલી આપો.'

એ સાથે તેઓ બહાર નીકળી ગયા.

નાસ્તાની ભરેલી ડીશો વર્કશોપનો ઓફિસબોય ફરી એક મોટાં વાસણમાં પાછી ઠાલવવા લાગ્યો.

બે ત્રણ મિનિટમાં બધું ખાલી. સિવાય કે હું અને જીવણ મહારાજ.

જીવણ મહારાજ મૂઢની જેમ આકાશમાં જોઈ રહ્યા હતા. તેમના શ્વાસ જોરથી ચાલતા હતા. તેમની આંખોનાં પાણીમાં વર્કશોપની તૂટેલી કેબિનનું પાર્ટીશન દેખાઈ રહ્યું હતું.

ક્રમશ: