9
'ઈ પછી અમે નવસારી પુગ્યા. આમ તો સુરતમાં રાત કાઢવાની હતી ને સવારે સૌરાષ્ટ્ર કોર જવાનું હતું. પાછળ કાર્તિક અને મા'રાજ હોત આવી પુગ્યા. અમે બેઠક જમાવી. સોલ્જરીમાં નજીકના ઢાબામાંથી ગાંઠીયા મગાવ્યા. છાપાંના સ્ટોલને કહી આજના હવે વાસી થઈ ગયેલા છાપાંનું મોટું પાનું ખુલ્લું કરી ગાંઠીયા પાથર્યા.
રફીક કહે 'અમે તો આમ જ જમીએ. ઇફતારમાં તો ખાસ. ત્રણ ખજૂર ખાઈ સાથે જમીએ. એ સિવાય પણ એને સુન્ના કહેવાય. સાથે જમે તેના પર અલ્લાહની દુઆ કાયમ રહે. ઓળખતા ન હો એને યે બોલાવો. તફસીર ઈબ્ન અતિહા'.
મારાજ કે', 'આ અતિહા અતિથિ જેવું જ લાગે છે.'
કોરોના હવે ખાસ નો'તો છતાં અમે થોડા આઘા (દૂર) બેઠા.
મારાથી જાણવાજોગ જ કાર્તિકને પુસાઈ ગ્યું. 'તે હેં નાના ભાઈ, હું તને નાનો ભાઈ જ કે'વાનો. તેં મને મોટો ભા બનાઇવો ઈટલે.
તે તું તો શે'રમાં ર્યો, તઇણ વરહ કોલેજમાં ભઈણો, તારા બાપા સોત (પણ) હારી નોકરીમાં સે. બધું હારું સે. તો તમે અટક કેમ બદલી?'
મને બીક હતી કે ઈવડો ઈ બે સાર ગાળ ચોપડાવશે. પણ ઈ હવે અમારામાંનો એક બની ગ્યો 'તો.
ઈ કયે, ' મોટા ભાઈ, શે'રમોં પણ બધા તમોં વિચારો છો એમ વિચારતા નથી. અમારે જો સારા સંસ્કાર લેવા હોય, બે સારી વાત શીખવી હોય તો અમારા એક બંધ કિલ્લા મોંથી બહાર આયવું પડે. એ માટે સારા કે'વાતા લોકો વચ્ચે રહેવું પડે. અમને અટક સાંભળીને જ કોઈ સોસાયટી ફ્લેટ લેવા ન દે. ન ભાડે આલે. અમને પોસાય એવી નિશાળમોં બેસીએ તો તાં પણ અમારું સર્કલ અલગ જ રહે. એટલે એ તોડવા મારા બાપાએ બહાર કે'વાની અટક બદલી, નોકરીમાં મૂળ અટક ચાલુ રાખી જેથી લાભ મળે એ જાય નહીં.'
લે, આ તો મહેસાણા કોરનો સે!
રફીક બોલ્યો, 'લ્યો કરો વાત. બેય બાજુ લાડવો જોઈએ છીએ. નોકરીમાં લાભ લેવા છે ને સમાજમાં બીજા કોઈ દેખાવું છે.'
કારતિક ગરમ થઈ કાંક બોલવા જતો તો ત્યાં મેં જ ઈ બેયને રોક્યા.
'રફીક, તારી વાત સોળ આના હાસી સે પણ હમણાં જ તેં અલ્લા હેનાથી ખુશ થાય ઈ કીધું. બીજાને ઈજ્જત આપવાથી. જેને જેવા દેખાતા હશે એવા દેખાવા દ્યો. લાગવું હોય એવા લાગવા દ્યો. આપણે ગાંઠીયા હારે કઢી ને મરસાં કેવાં લાગે સે ઈ કયો.'
મા'રાજે તોયે ટમકો મુઇકો. 'તે અટક બદલીને રહેવાથી ફાયદો થયો?'
કાર્તિકે ડોકું ધુણાઈવું. 'ના રે ના. ફ્લેટ તો લીધો પણ પછી ખબર પડી કે એ બે ત્રણ અડીઅડીને આવેલાં બિલ્ડીંગમાં કાં તો અમે મોટા ભાગના અટક બદલીને કે એ જ અટકે રહેનારા ફરીથી ભેગા થયેલા ને કાં તો બાજુમાં બહારથી આવેલા નોન ગુજરાતીઓ. એમાં પણ બિહાર બાજુના ને અમુક હિંદીઓ અટક લખાવે નહીં. એ બધો (બધા) પણ અમારી જેવા બીસી જ સો. (છે).
સાઉથમાં તો બધાનાં નામ પણ સરખાં હોય ને અટકને ઠેકાણે ગામનું નામ. કોઈ ધરાર આયર કે આયંગર લખી પોતે ઉચ્ચ છે એ જાહેર કરે. ફ્લેટમાં તો બધા બીજાને ઈમ્પ્રેસ કરવા ટ્રાય કર્યા કરે. અમને ઉલટો અટક બદલવાથી ગેરફાયદો થયો છે. મેં તો અટક લખવી જ બંધ કરી પણ હજીયે ધરાર અટક પૂછીને જ વહેવાર કરતા લોકોનો તોટો નથી.'
'તો ઠેર ના ઠેર, એમ જ કહો છો ને!' રફીક વળી મોંમાં ગાંઠીયો બટકાવતાં બોલ્યો.
'એમ જ કહો. કદાચ એકાદ સદી પહેલાં કે આઝાદી વખતે અમુક લોકોએ બીજાથી અલગ દેખાશું એમ માની ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો. કોઈ ફેર પડ્યો નહીં એમની રહેણીકરણીમાં કે સમાજના એમની તરફના વ્યવહારમાં.
અમે તો હવે ફ્લેટ છોડી બાપાને ક્વાર્ટર મળે એની રાહ જોઈએ છીએ. હજી અમે સામેથી ખાવાપીવા ને હળવામળવામાં નજીક જતા પહેલાં પૂછી જોઈએ. સામાને વાંધો ન હોય તો જ ઘરોબો કેળવીએ.'
મારી હામું જોતાં કયે, 'એટલે જ, મોટાભાઈ, મેં તમને કેવા છો એમ પુછેલું. પછી ખોટું સાંભળવું ન પડે.'
જીવણ મા'રાજે ઉપસંહાર કર્યો. 'અટક બદલવાથી નહીં બદલાવાય, કામ કરી બતાવો. વર્તનથી બદલો. મનુસ્મૃતિ પણ કર્મ ઉપરથી વર્ણ પાડતી હતી. જનમ પરથી નહીં.'
'બાકી જ્યાં સુધી તમે "અમે તો એસ ટી ને એસસી" ને એવું કહી આલા હક્ક જમાવશો ત્યાં સુધી આ ખાઈ પુરાશે નહીં. લોકો પોતાના ફાયદા માટે ઝેર રેડયા કરે, આપણે એને ઝીલવું નહીં.' રફીકે પુર્ણાહુતી કરી.
ગાંઠિયા પુરા થ્યા. ઈ રફીક ને હું બંધાવી લાઈવા તા. સા લેવા હવે કારતિક ઉભો થઈને ગ્યો.
મા'રાજે વાત બદલી. કયે, 'ખબર છે આજે અમારી ટીમે જે પરાક્રમ કઈરું ઇ? એલા આ છોકરો પણ જબરો છે હોં!'
'હા..! તે કયો, કયો જીવણ મા'રાજ.' મેં કીધું. અમને રજપૂતોને તો ઘોડિયામાં હોઈએ ન્યાંથી વીરરસની વાતું સાંભળવી ગમે.
કારતિક સા લઈને આઇવો. મેં જ ભાગ પાઈડા. ને ન્યાં મા'રાજ કયે, 'છોરા, આપણે આજે જે બસ કાઢી એની ફિલ્મો ને સર્કસમાં આવે એવા સીનની વાત તો કયે?'
કાર્તિકે વાત શરૂ કરી.
'અમે તો વોલ્વોમાં વડોદરાથી રાજકોટ જવા નીકળેલા. આગળ ક્યાંય ઉભવાનું ન હોય. સીધા બગોદરા ચોકડી પાસે ક્યાંક સારી હોટેલમાં ચાપાણી ને ટોયલેટ માટે ઉભીએ એમ જીવણકાકાએ કહેલું. અમે અર્ધે રસ્તે પહોંચ્યા ત્યાં રસ્તે ચક્કાજામ કરી મોટું ટોળું ઊભેલું. એ લોકો લોકડાઉન પત્યા પછી બીજાં રાજ્યોમાં જતા રહેલા અને ત્યાંથી પાછા આવતા કહેવાતા શ્રમિકો હતા.'
મેં એને કાઇપો. 'કે'વાતા એટલે? બસારા ગરીબો હોય સે હોં!'
'હા મોટાભાઈ. જે ગરીબ શ્રમિકો હતા એ ઘણા ખરા એને ગામ પહોંચી ગયા હોય. બાર લાખ મોકલ્યા એમાં આવી ગયા હોય. એને પાછા લાવવામાં પણ રાજકારણ થયું. બાકીના રાજ્યો માટે લોકડાઉન ખુલી ગયેલું એટલે મજૂરી જોતી હોય એને મળતી હતી. ખેતરોમાં કે બાંધકામ કે કારખાનામાં મજૂર મળતા નથી. બેકાર હોય એ આવીને મજૂરીએ રહી જાય તો આ પાછા આવતા લોક ન ઘરના રહે ન ઘાટના. સાચા હતા એ ટ્રેનમાં કે બસમાં પાછા આવતા જ હતા. તોફાન કર્યા વગર.
આ તો મને શંકા છે કે રાજકારણીઓએ પૈસા આપી ઉભા કરેલા મજૂરો હતા.'
'તો હા, એ બધા જે હોય તે. રસ્તો રોકી ટોળું ઊભેલું. એમને જે બસ આવે એમાં અમદાવાદ સ્ટેશન પહોંચવું હતું. કદાચ આ રાજકોટ જતી વોલ્વો હાઈજેક પણ કરે એમ લાગ્યું. બગોદરા ચોકડી હજી ખાસ્સી દૂર હતી. જીવણકાકા બસ નજીક લાવ્યા તો અર્ધગોળાકારે બસને ઘેરીને ઉભી ગયા. નહીં નહીં તો દોઢસો માણસો, મોટે ભાગે જુવાન, અને દેખીતી રીતે તોફાની જેવા લાગ્યા. પોલીસ પાછળથી એ લોકોને લાકડીઓથી ખસેડતી હતી પણ દસ બાર પોલીસનું દોઢસો, કદાચ ટ્રેઇન્ડ તોફાનીઓ સામે કેટલું ગજું?
એ લોકોએ હો હા કરી હાથ કર્યા અને બસ સામે દોડ્યા. બસમાં જે આઠ દસ પેસેન્જર હતા એ અમારે ભરોસે હતા.
જીવણકાકા પહેલાં ધીમા પડ્યા. પછી મને બૂમ મારી બોલાવ્યો. કહે, 'હું બસ દોડાવી જાઉં તો સો ટકા પથરાવાળી થાય. કાચ ફૂટે ને પેસેન્જરોને ઈજા થાય જ. એ તોફાની માંથી કોઈને નાની ટક્કર પણ વાગે, (ન વાગતી હોય તોયે બસ ઉભાડવા વગાડે.) તો અહીં ને અહીં પોલીસ કેસ થાય ને ચેનલવાળા આવી જાય. બહુ બધી બબાલ થાય. શું કરું?'
'હું પણ ગભરાયો. મારી નોકરીની બીજી જ ટ્રીપ હતી. કઈં થાય તો હજી પ્રોબેશન પીરિયડ શરૂ થતાં પહેલાં જ નોકરી પુરી. એ લોકો હાઈજેક કરી ચડી જાય તો કમ્પ્લેન થાય જ.
મેં કીધું 'તમે બસ થોડી ઊંઘી લઈ ક્યાંક સાઈડમાંથી ભગાવી દો. નાના ગામમાંથી બીજે રસ્તે.'
જીવણકાકા કહે, 'બસમાં જીપીએસ છે. બીજે જાઉં તો ખુલાસો પૂછે.'
મેં કહયું 'સાચા કામ માટે બીજે રસ્તે જાવ તો એ ખુલાસો માન્ય ગણાશે ને ઉપરથી આપણા પેસેન્જરોના જીવ બચશે.'
જીવણકાકા કહે 'હું રામજીનું નામ લઈ ઊંઘી ભગાવું છું. ગમે તેટલું કરો, રિવર્સમાં લેતાં બસ ડાબે જમણે ફંટાય જ. એટલે ધીમી જાવા દેવી પડે. ને ધીમી જાય એટલે એ લોકો દોડીને પકડી પાડે.'
મેં રસ્તો સુઝાડયો. કહ્યું, ' કાકા, તમે રિવર્સ લેવા માંડો. હું ગાઈડ કરીશ.'
કાકા કહે 'એ માટે નીચે ઉતરવું પડે.
પ્લેટફોર્મ પર પાર્ક કરીએ ત્યારે કંડકટર પાછળથી 'આવવા દો આવવા દો' કહેતો હાથ માર્યે રાખે છે. ઉતર્યા એટલે જોખમ.'
મેં કહ્યું, 'તો પણ હું ઉતરીશ. એક કામ કરીએ. હાથ નહીં, સીટી મારીશ. બે સીટી એટલે બસ ડાબે ફંટાય છે, જમણે લો. ત્રણ સીટી એટલે ડાબે લો. બાકી સીધી જવા દો.'
એટલી વારમાં અમને ટોળું ઘેરી વળેલું. કોઈ તો વોલ્વોમાં બારણું ડ્રાઈવર પાસે હોય એ ખોલવા ટ્રાય કરવા લાગ્યા.
જીવણકાકાએ સાહસ કરી બસને થોડી આગળ ધસાવી. ટોળું થોડું પાછળ હટયું. ફરી આગળ ધસે ત્યાં કાકા બોલ્યા 'સમાલ છોકરા. લઉં છું રિવર્સ.' એમણે ઝડપથી બસ રિવર્સમાં ભગાવી. બે જણ બસનું બારણું ખોલવાની તૈયારીમાં જ હતા એ લટકી રહ્યા. એક લટકીને કાચ ખોલતો હતો એ જર્ક લાગતાં પડ્યો. લટકેલા બુમો પાડવા લાગ્યા. ટોળું ધસ્યું.
કાકાએ જોરથી બ્રેક મારી. મેં કહ્યું 'હવે મારી ડ્યુટી શરૂ.' એટલું બોલતાં જ હું બહાર કૂદી એ ટોળાના મારાથી થોડે જ દૂર ઉભેલાઓથી બચતો બસની પાછળ છાપરે ચડવા સીડી હોય એ પકડી ઉભી ગયો. બસ થોડી રસ્તાની ધારે, ડાબે ફંટાઈ. મેં બે સીટી, ફરી બે સીટી, ફરી બે સીટી મારી. બસ સીધી થઈ રિવર્સમાં પણ 50-55 જેવી સ્પીડે ભાગી. લટકેલાઓએ ડરીને ચીસો પાડતાં ગંદી ગાળો બોલવી શરૂ કરી. કાકાએ ફરી બસને આગળ ધસાવી બ્રેક મારી. મેં બે હાથે સીડી ટાઈટ પકડેલી એટલે મને કાંઈ ન થયું. પેલા બે પડ્યા નીચે. કાકાએ બસને એકદમ ફંટાવી જમણે લીધી એટલે એ કોઈ બસ નીચે ન આવી ગયો.
ટોળું હવે મોટા પથરાઓ ફેંકતું ધસ્યું. રોડ ક્લિયર હતો. ડામર રોડ, જેને લાલુપ્રસાદ યાદવે 'હેમા માલિનીના ગાલ જેવા રસ્તા' કહેલા, એવો લિસ્સો હતો. બાજુમાં માટી અને ઘાસ હતું. રસ્તો ઊંચો કે રીપેર કરવા કપચીનો ટેકરો કરે છે એવું નહોતું. તો એ પથરા આવ્યા ક્યાંથી? એ લોકો તોફાન કરવા સાથે લાવ્યા હોવા જોઈએ.
ફરી બે વાર બસ આગળ ધસી, વળી સ્પીડથી એકાદ કિલોમીટર રિવર્સમાં ગઈ અને દૂર જમણે એક કાચો રસ્તો દેખાયો એટલે મને કોઈ પેસેન્જરે બારીમાંથી ડોકું કાઢી કહ્યું 'ડ્રાઇવર કહે છે બરાબર પકડજો.'
હું બેય હાથે બરાબર પકડીને જ ઉભેલો. સીટી મોંએથી મારતો જતો હતો. બસ ધીમી પડી, એક બ્રેક મારી કાચા રોડ તરફ ટર્ન લેવા જાય ત્યાં કોઈ તોફાની આવી ચડ્યો. એણે મને પાછળથી ખેંચવા મારો પગ પકડ્યો. મેં જોર કરી એ જ પગે લાત લગાવી. એને જડબાં પર જ બરાબરની વાગી. પણ એ દરમ્યાન મારો બુટ નીકળીને એના હાથમાં આવી ગયો. એણે બુટ છુટ્ટો ફેંક્યો. હું સીડી પકડીને ઊભો ઊભો સ્કૂલમાં અંગુઠા પકડાવે એમ એક હાથે સીડી પકડી રાખી નીચે ઝૂકી ગયો. બુટ પાછલા કાચ પર વાગ્યો. કાચમાં કરોળિયાનાં જાળાં જેવી ક્રેક પડી ગઈ. બસ એ કાચા રસ્તે કોઈ ખેતર વીંધતી ગામમાં ઘુસી ગઈ. તોફાનીઓ પાછળ રહી ગયા.
કાકાએ ગામના સીમાડે ફરતી પોલીસ જીપને વાત કરી. બહાર જવા રસ્તો ક્યાંથી છે તે પૂછ્યું. ત્રણેક કિલોમીટર રાઉન્ડ મારી ફરી મેઈન રોડ પકડાય એમ હતું.
નજીક કોઈ સાઇકલ પંચરની બંધ દુકાન જોઈ. મેં બસ થોડી સેકંડ ઉભાડાવી. ત્યાં બહાર પડેલી નકામી ટ્યુબ ઉપાડી. બસમાં કાકાનાં ડુંગળી છીણવાનાં ચાકુથી એના પટ્ટા કર્યા. નજીકથી થોડા પથરા ઉપાડ્યા. બે ચાર શર્ટનાં ઉપરનાં ખિસ્સામાં રાખ્યા.
બસ આખરે ફરીથી બહાર રોડ પર ચડી.
ત્યાં તો કદાચ એ જ ટોળું એટલું મોટું હતું કે એનો બીજો છેડો હોય, એ લોકો દોડ્યા. તેમણે રસ્તે કાચની બોટલો ફેંકવા માંડી. મેં બસનાં છાપરે ચડી એ લોકો પર રબ્બરની પટ્ટી બે આંગળીઓ વચ્ચે ભરાવી કાંકરા જેવડા પથ્થર ગિલોલની જેમ મારવા શરૂ કર્યા. ચાલતી બસનો ફોર્સ એ કાંકરાને મળે અને પાછો ગિલોલથી છૂટે! એ લોકો ગિલોલના માર સામે ન ટકી શક્યા. બીજી બસ ગોતવા પાછા હટી ગયા. પોલીસ જીપ અમારી પાછળ આવી ગઈ. અમે બગોદરા ક્રોસ કર્યું, રાજકોટનો રસ્તો પકડી બધાને સલામત પહોંચાડ્યા.
બસની પાછળ જ લખેલું 'સલામત સવારી એસટી અમારી.'
ક્રમશઃ