Wheels keep spinning - 3 books and stories free download online pdf in Gujarati

પૈડાં ફરતાં રહે - 3

3

'અહીંથી હું 1212 વાત ઉપાડી લઈશ. એની બોલીમાં આખો પ્રસંગ તમને સાંભળીને સમજવો નહીં ફાવે. બીજું, એ પ્રસંગ યાદ આવતાં એ હજુ લાગણીશીલ બની જાય છે. અત્યારે એ મારી પાસે આવી બમ્પર પર ચડીને મારા કાચ સાફ કરે છે. એ મનમાં બબડે છે જે હું તમને કહું છું. એ આગળના કાચ મારી આંખો છે. એને સાફ કરતાં પેલી ઘટના યાદ આવી પાણી સાથે મારી આંખના આંસુઓ પણ નીતરે છે. તો એ કથની કહું.

એ દિવસે ભોમિયો મને દ્વારકાથી પોરબંદર તરફથી લઈ રાજકોટ જતો હતો. હું દ્વારકા પોરબંદર વચ્ચે પવનચક્કીઓની સલામો ઝીલતી, દરિયાના વાયરાઓ સુ.. કરતી કાપતી, માથે કોઈ જ ખેતી કે વસ્તી વગરનો ખારો પાટ વટાવી ખરે બપોરે હરસિદ્ધ માતા આવી પહોંચી. ગામનું નામ મીયાણી છે પણ ડુંગર ઉપર હાજરાહજૂર હરસિદ્ધ માતા બિરાજે છે.

હું આવીને ઉભું તે પહેલાં ટોળાબંધ લોકો મને ઘેરી વળ્યા. બે અઢી કલાકથી કોઈ બસ જ નહોતી આવી. આગલી એક બસ અધવચ્ચે ફેઈલ થયેલી જે ભાગ્યે જ બને. અતિ ગરમીમાં ટાયરનું પ્રેશર વધુ હોય તો ટાયર ફાટવાની ઘટનાઓ બને છે. એટલે જ ગરમીમાં ટાયરનું પ્રેશર થોડું ઓછું રાખવાનું હોય. એ બસનું ટાયર ફાટેલું. સ્પેરવ્હીલ માં પણ હવા ખાસ નહોતી. એની આગલી બસ કોઈ કારણસર હરસિદ્ધ નહોતી આવી શકી. એટલે મોડી સવારથી લોકો અહીં તડકે તપ કરતા બેઠેલા. નાની છત્રી જેવડો બસસ્ટેન્ડને નામે શેલ્ટર અને ત્રણ બસોનું, હવે ચોથી માટે પણ આવવા માંડેલું પેસેન્જર! એટલે જ ભોમિયાને, તે કોઈ લાંબી ટ્રીપ પતાવી દર્શન કરી આવી દ્વારકાની કેન્ટીનમાં જમતો હતો ત્યાં જ વાયા પોરબંદર રાજકોટ તરત જ જવા કહ્યું.

ધક્કામુકકી. અવ્યવસ્થા. કંડકટર રફીક સારો હતો. ભોમિયાનો મિત્ર. તે અને ભોમિયો ઉતર્યા નીચે.

ભોમિયો ગુસ્સે થઈ લોકોને કહેવા લાગ્યો.

'હાહરીનાવ, બસ લેવાય એટલાને લેહે પણ આમ માથે ન ચડો. કોઈનું ધક્કામુક્કીમાં પાકીટ જાહે, કોઈ પડી જાહે ને બીજું વાહન પાસળથી ઠોકીને હાઇલું જાહે તો રેહો આંય હોસ્પિટલમાં. ઉભો લાઈનમાં.'

રફીક બસનો દરવાજો લોક કરી લોકોને હાથ આડા કરી લાઈન કરાવી રહ્યો. એમ લોકો માને? ચાર બસનું પેસેન્જર અને એક બસ. જબરી અવ્યવસ્થા.

ખભેથી લાલ ગમછો ઉતારી લોકોને હળવેથી ઝુડતો ભોમિયો લાઈન કરાવી રહ્યો અને રફીક દરવાજો અર્ધો ખોલી આડો ઉભી એક એક કરી યાત્રીઓને ચડાવવા લાગ્યો. કેપેસિટી કરતાં લગભગ અઢી ગણા પેસેન્જરો બસમાં ચડ્યા. ધક્કા મુક્કી સાથે.

'ભાઈ, પ્લીઝ. મારી અમદાવાદ બેંકમાં નોકરી છે. હું આગલી બસમાં પણ ચડી શક્યો નથી. અમને બે ને લઈ લો પ્લીઝ.'

એક 55-58 વર્ષની ઉંમરના કાકા રફીકને વિનવી રહ્યા. કાકાને માથે દેખાતી સંપૂર્ણ ટાલ પરથી બપોરનો સૂર્ય પ્રતિબિંબિત થતો હતો. કાકા અને કાકી લાઈનમાં આગળ ઊભેલાં પણ લોકો તેમને ધક્કા મારી કે તેમના ખભે લટકતો થેલો ખેંચી ચડી જતાં હતાં. તેઓ આગળ હોવા છતાં પાછળ ધકેલાયે જતાં હતાં.

ભોમિયો ઉતારુઓ માટે જાન આપી દે તેવો હતો પણ ક્યારેક, સમાજની કોઈ વિકૃતિ દેખાય ત્યારે 'રણચંડો' બનતો. બધું સરખું થાય એટલે એ જ વાતોડીયોને વિનયી ડ્રાઇવર!

ભોમિયાએ રફીકને આ પ્રૌઢ દંપત્તિને લઈ લેવા કહ્યું. બીજાઓની આડો હાથ કરી તેમને ચડાવ્યાં. હકડેઠાઠ બસ ભરી હતી. કંડક્ટર રફીકે ભોમિયા સામે જોયું. ભોમિયાએ ઇશારાથી હા કહી. રફીકે બે બેલ મારી અને મને દોડાવવામાં આવી. પાછળ બસને હાથ મારતાં લોકો દોડી રહ્યાં. બારીમાંથી જ રફીકે કહ્યું કે હમણાં જ બીજી બસ પાછળ આવે છે. ભોમિયાએ એક્સેલરેટર દબાવ્યું અને મને ટોળું દૂર જતાં જ ભગાવી. દાંત ભીંસી ભોમિયો મને પ્લેનની જેમ ઉડાડી રહ્યો હતો. વચ્ચે કાંઈ ઢોરઢાંખર આવે તો એનેય ઉડાડી દે એમ ભાગતો હતો. યાત્રીઓના ત્રણ કલાક તપશ્ચર્યામાં વીત્યા હતા એમાંથી જે વસૂલ થયા.

ઉતારુઓ પણ એકદમ દબાઈને ઉભા હતા. ઘણા તો એક પગે, નજીકની સીટના હેન્ડલને ફૂલો ટેકવી ઉભા હતા. બધાને પરસેવો થતો હતો પણ લૂછવા હાથ ઊંચો થાય એટલી પણ જગ્યા ન હતી.

કાકા-કાકી ડ્રાઈવરની પાછળની 6 ની સીટ સીટ છોડી સામે બેઠાં હતાં. કાકીએ કાકાને એક વૉટરબેગમાંથી પાણી આપ્યું. પાણી ગરમ થઇ ગયું હતું એમ કાકાએ કહ્યું. કાકાનું મોં એકદમ લાલ થઈ ગયેલું. તેઓ હાંફતા હતા. કાકીએ તેમને પર્સમાંથી કાઢી એક ટેબ્લેટ આપી.

'હું થાય સે ભાઈને?' ભોમિયાએ અરીસામાં આ ક્રિયા જોઈ પૂછયું.

'એમને ખૂબ હાઈ બીપી છે. સવારે ટેકરી પર ચડી દર્શન કરી આવી અહીં સાડા નવ વાગ્યાનાં ઊભેલાં. જગ્યા છોડાય એમ ન હતી એટલે ભલે આગળ લોકો ઘૂસે, અમે લાઈનમાં ઊભાં ને ઊભાં હતાં. તમે બે વાગે આવ્યા ત્યાં સુધી. ટેકરી ચડવા ઉપરાંત તડકે ઊભીને થાકને લીધે એમને બીપી વધી ગયું છે.' કાકી બોલ્યાં.

'તો રાત રોકાઈ જવું તું ને? આ તકલીફો હારે રીસ્ક નો લેવાય.' ભોમિયો પોતે અંગ્રેજી શબ્દો જાણે છે તે જણાવી રહ્યો.

'ભાઈ, રોકાઈ જ ગયેલાં. ગઈકાલે બપોરના આવ્યાં છીએ. સાંજે દર્શન બંધ. એટલે આજે સવારે વહેલાં ટેકરી ચડ્યાં. એમને તકલીફ તો બહુ પડી પણ માનતા હતી એટલે શું થાય! ' કાકીએ કહ્યું.

'આભાર ભાઈ, તમે અમને ચડાવ્યાં એટલે. શનિ રવી બે રજા બેંકમાં હતી એટલે હું નીકળી ગયો. બાકી રજા પણ ન મળે' કાકા બોલ્યા.

'તે હેમાં સો તમે?' ભોમિયાએ કોઈ ટ્રકને પાસ લાઈટ આપવા છતાં ન ઉભી એટલે દાંત પીસી ગાળ કાઢી પછી ફરી કાકાને પૂછ્યું.

'અમદાવાદ બેંકમાં મેનેજર છું.'

'તે બેન, સાયેબને હું લેવા આમ તોડાવવા (શા માટે મુશ્કેલી ભોગવવા) ભેગા લીધા? તમે એકલાં માનતા પુરી કરવા આવી ગ્યાં હોત તો?'

'માનતા સાહેબે જ માનેલી. અમારી દીકરીની સગાઈ થઈ જાય તો અમારાં આ કુળદેવીનાં દર્શનની'.

'હારું બાપ. સોડી સુખી ર્યે. બાકી હું તો માનું કે ઘેર દિવાબત્તી કરીને કે ગામમાં મંદિરે જઈ માથું ટેકવી આવીએ તો માતાજીને ફેર નો પડે. આપણને પડે. આ તબિયતે આ કઠણાઈ વોરવી ઠીક નઈં.'

ઓચિંતી વાત અટકાવી ભોમિયાએ મારી પર અત્યાચાર ગુજારતાં બ્રેક મારવી, ગિયર ન્યુટ્રલમાં કરવું ને આગળ ઝૂકી ક્લચ પર લાત મારવી, એ બધું એકસાથે કર્યું. કોઈ ખટારો સામેથી બીજા વાહનને ઓવરટેક કરતાં મારી આંખો જેવી હેડલાઈટોની સાવ નજીક આવી ચુકેલો. મને ફાડી ખાવી હોય તેમ.

'રાંડના, આંધળીના, ભોથીના પેટના.. ***, *** ' બાપુ ભૂમિપાલસિંહ રણચંડા બની ગયા. પેસેન્જરો પણ ઓચિંતી બસ ઉભવાના ધક્કાથી આગળ ધસી આવ્યા. બે સીટ નજીક ઉભેલા બેચાર જણા કાકી ઉપર પડવા ગયા તો તેમણે થેલી આડી ધરી રાખી.

કંડકટર અને ભોમિયો, બેય નીચે ઉતર્યા. મને પણ સાઈડમાં ઘસરકો અને નાનો ગોબો પડેલો. એની વહાલીને ઇજા થાય એ ભોમિયાથી સહન થાય? એ પેલાનાં ગાલ કે વાંસે એવો જ ગોબો પાડવા જતો હતો ત્યાં રફીકે તેને વાર્યો અને બસ ઉપાડી.

એમ ને એમ પોરબંદર, જામજોધપુર, ઉપલેટા ગયું. બધે બસ ઉભે એટલે ટોળું ધસે. ઉતરે બે ચાર ને ચડવું હોય વીસ બાવીસને. હવે તો બસનાં પગથિયાં પર પણ જગ્યા ન હતી.

એમ ને એમ ધોરાજી આવ્યું. હોલ્ટ હતો પણ રફીકે બસ, બસડેપોની બહાર જ ઉભી રાખી. કાકા કહે બે મિનિટમાં આવું. બે ચાર પેસેન્જર ત્યાં ને ત્યાં નજીક ઉભેલી લારીએ અર્ધી ચા પીવા ઉભા. કાકીએ ભોમિયાને પૂછ્યું કે તમારે ચા પીવી છે? ભોમિયાએ ના પાડી. પેસેન્જર તો એના મહેમાન કહેવાય. મહેમાનનું તે ખવાય પીવાય કે એમને ખવરાવાય પીવરાવાય?

કાકા નીચે ઉતરીને કાકીને બારીમાંથી અર્ધી ચા અંબાવી બસસ્ટોપ તરફ દોડવા ગયા પણ દોડી શક્યા નહીં એટલે તેજ ચાલે ડેપોમાં ગયા. રફીક અને ભોમિયાએ એક આખીમાંથી બે, એકએક રકાબી ચા પીધી ન પીધી અને તરત બેલ મારી. ડેપો પર પ્લેટફોર્મ પર એકઠું થયેલું મોટું ટોળું દોડતું આવવાની તૈયારીમાં હતું.

'અરે ભાઇ, કાકા ગયા છે નીચે. એક મિનિટ ઉભો.' કાકીએ વિનવણી કરી.

'યા અલ્લા. આ તો ટોળું દોડે છે. ભૂમિપાલ, આગળ જઈને જ રાખ. લોકો દોડતા આવશે તો કન્ટ્રોલ નહીં થાય'. આમ તો સહુને સહકાર આપતા રફીકે સમય જોઈ આદેશ આપ્યો.

'પણ પેલા કાકા..'

'મેં કહેલું ઉતરવાનું ? મને કહીને નથી ગયા. ભોગવે.' સામાન્ય રીતે શાંત કંડક્ટર રફીક પર સત્તા સવાર થઈ ચુકેલી. ગરમી અને લાચારી. માંડ અર્ધી ચા પણ પેટમાં પડેલી. બાકી દ્વારકા કે સવારે પણ જમવા નહીં મળ્યું હોય તેથી ભૂખની ગરમી અને રસ્તાની ગરમી.

'ભાઈ, એમને ખૂબ હાઈ બીપી છે. દવા લે એટલે જવું પડે. અમે સવારના સાડા નવનાં લાઈનમાં ઊભાં છીએ. અમારાથી ગમે ત્યાં ખૂણો ન ગોતાય. અત્યારે પાંચ વાગવા આવ્યા. આઠ કલાકથી એમણે રોકી છે. હવે તો જાય ને? આવતા જ હશે.' કાકી કરગરવા લાગ્યાં.

'હશે. દયા રાખો ભઈલા. આવતા જ હઇસે.' ભોમિયાએ કાકીને અનુમોદન આપ્યું. કાકીની વાત તો સાચી હતી.

'અરે આ પચાસ માણસોનું ઘાડું દોડતું આવશે તો શું કરશું? ઉપાડો ભૂમિપાલ. એ પાછળ આવી જશે.'

ભોમિયાએ મને સરકાવી. કંડક્ટરે અર્ધો કિલોમીટર આગળ જઈ ઉભાડાવી.

કાકા ટોઇલેટમાંથી નીકળ્યા તો તરત હશે, પછી બસ ગોતવા ઇન્કવાયરી કાઉન્ટર અને બીજે પૂછીપૂછીને આખરે હાંફાળાફાંફળા દોડતા, હાંફતા આવીને બસમાં ચડ્યા. સાથે લાવેલ એક બોટલમાંથી ઘૂંટડો પાણી પીધું. કાકાના હાર્ટબીટ્સ અસામાન્ય ગતિએ ચાલતા હતા. અતિ શ્રમ અને ચિંતાને લીધે તેમનું મોં ફૂલીને ફુગ્ગા જેવું, લાલ ચોળ થઈ ગયેલું. બસ તો ચાલી પણ ચિક્કાર ગિરદીમાં સરખો શ્વાસ લેવાની જગ્યા ન હતી. કાકાને પરસેવો વળવા માંડ્યો. ગભરામણ થવા માંડી. કાકા છાતીએ હાથ રાખી આગળ ઝુક્યા. અરીસામાં આ જોઈ ભોમિયાએ બસ સાઈડમાં લીધી. ડ્રાઈવરની સાવ પાછલી સીટને બદલે આગળ ટેકો મળે એટલે 12,13,14 માં તેમને શીફ્ટ કર્યા. કાકીએ કાકાને છાતી પર મસાજ કરવા માંડ્યો. સાડીના છેડાથી પવન નાખવા માંડી. લોકો ખસીને હવા આવવા દે પણ ખસે ક્યાં?

ઓચિંતું કાકીએ એક ડૂસકું મુક્યું અને કાકાને માથે હાથ ફેરવવા લાગ્યાં. કાકાના મોં પર નેપકીન ઢાંકી દીધો. કાકાને પોતાની પાછળ સુવડાવી સીટ પર અધુકડાં બેઠાં અને આગળની સીટના રેસ્ટ પર માથું નાખી કદાચ રડયાં ને તરત જાતને સંભાળી લીધી.

વગર કહે ભોમિયો સમજી ગયેલો. કાકા ચાલુ મુસાફરીએ અનંતની મુસાફરીએ જતા રહ્યા હતા.

વીરપુરથી થોડે પહેલાં ભોમિયાએ બસ થોભાવી બેનને નીચે સાઈડમાં આવવા કહ્યું. તેને બહેનને કાંઈક કહેવું જરૂરી લાગ્યું હતું. બેન ન હટ્યાં. ભોમિયાની શંકા સાચી હતી.

જો બે ત્રણ મિનિટ વધુ ધોરાજી પર ઉભી રાખી હોત તો કાકા થોડી મિનિટ ઊંડા શ્વાસ ખેંચી વર્ષોના શ્વાસ ચાલુ રાખી શક્યા હોત. પોતે મૌન રહેવું પડે એમ હતું નહીંતર કંડકટરને મેમો, ઇન્કવાયરી વગેરે થાય ને પોતાને પણ છાંટા ઉડે. એ સંજોગો જોતાં કંડકટર કરી પણ શું શક્યો હોત?

કાકીએ મોં આડો હાથ રાખી ધીમેથી મોબાઈલમાં કોઈ નજીકનાં સગાં સાથે વાત કરી.

બસ, હું શોકમગ્ન થઈ ચૂપચાપ ચાલતી રહી. રાત્રે 8 જેવા વાગેલા. ભક્તિનગર નજીક બસ ઉભી. બે ભાઇઓ કાકી તરફ રસ્તો કરતા આવ્યા.

'એમને બેહોશ થઈ ગયા છે એટલે ઊંચકીને રિક્ષામાં સુવાડવા છે. રસ્તો કરો.' અત્યંત વિવેકપૂર્ણ રીતે પેલા બે ભાઈઓએ કહ્યું. ઘણાખરા પેસેન્જર તો અહીં ઉતરી ગયેલા.

એક રિક્ષામાં કાકીએ સાડી અને ટુવાલથી ઢાંકેલું માથું પકડી, બીજા એકે કુલા પાસે હાથ અને બીજાએ પગ પકડી કાકાના ચોક્કસપણે નશ્વર દેહને રિક્ષામાં સુવાડ્યો. રફીકે પણ મદદ કરી. પછી પોતાને માથે રૂમાલ વીંટયો ને આસમાન સામે બે હાથ જોડી કઈં બોલ્યો. ધીમેથી કહે, 'યા પરવરદિગાર, માફ કર. એ વખતે ટોળું ધમાલ મચાવતું ન આવ્યું હોત તો હું બસ આગળ લેવરાવત નહીં. કાકાને દોડવું પડ્યું ન હોત.'

લેવા આવેલા બે અને કાકી એમ ત્રણ જણ સુતેલા કાકાની આગળ બેઠાં અને રીક્ષા જતી રહી.

શું થયું તે સમજી ગયેલા ભૂમિપાલસિંહ સાથે કેટલાકે આકાશ તરફ હાથ જોડ્યા અને બસ એટલે કે હું, કોઈ અવાજ વગર રાજકોટ મેઈન ડીપોમાં એન્ટર થઈ.

ભોમિયો સીટ પર બેસી રહેલો. ગમછાથી આંખ લૂછતાં તેણે રફીક સામે ભાવહીન દ્રષ્ટિ કરી. રફીક તેની આંખમાં આંખ મેળવી શક્યો નહીં. તે સીધો બસ નોંધાવવા બારીએ પહોચી ગયો.

હું સુમસામ પડી હતી. ભોમિયાએ મને અંદર વર્કશોપમાં લીધી. મારી લાઈટો બંધ કરી. તેણે એન્જીન બંધ કરતાં મેં ઊંડો ઉચ્છશ્વાસ છોડ્યો. જાણે મારૂં ડૂસકું.

અંધારું આજે મને પણ ભૂતાવળ જેવું લાગતું હતું. બસમાં પાછળ એ સીટ પર જાણે હજી કોઇ હાંફતું હોય એવું લાગ્યું.

દીકરીની સગાઈની હોંશ પુરી કરતા એ કાકા જાણે બસમાં આંટા મારી રહ્યા હતા. મેં મારી આંખો નીચે જોઈ ઢાંકી દીધી.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED