પૈડાં ફરતાં રહે - 17 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

પૈડાં ફરતાં રહે - 17

17

રાજકોટ રિપોર્ટ કર્યો. મારે જૂનાગઢ, સોમનાથ થઈ ફરી જૂનાગઢ, તલાલા અને ત્યાંથી પાછા આવી અને પછી કોસ્ટલ હાઇવે પર પોરબંદર અને ત્યાંથી પાછા રાજકોટ જવું એવો શિડયુલ અપાયો.

નાથગીરી બાવાજી સાજા થઈ નોકરીએ ચડેલા. એને પાછા ઈ વડોદરા વોલ્વો વાળા રૂટે જ મોકલ્યા.

અમે જે સાપુતારાવાળા રસ્તે અને ભાવનગર કોર્ય થયું એની કમ્પ્લેન કરેલી એની વાત થઈ. એનાં મૂળ તો ઊંડાં નીકળ્યાં. અમે બે એસટીની કોઈક સ્કીમની પડખે હતા ને યુનિયન ( અમારે ત્યાં યુનિયન એટલે એક લીડર. એ કહે એમ જ થાય એવો ધારો પડી ગ્યો તો. જીવણ મા'રાજની ભાષામાં શિરસ્તો.) એના વિરોધમાં હતું. બીજાઓ પણ અમારી વાંહે આવ્યા એટલે એ લીડર, કોમરેડને વાંધો પડ્યો. એનાવાળામાંનો કોઈ નવસારી ટ્રાન્સફર કરી દેવાયેલો. ટ્રાન્સફર તો ગુજરાતના ગમે ઈ ડીવિઝનમાં થાય. આ ભાઈએ કાંક એવું કર્યું તું એટલે એની આ પનીશમેંટ ટ્રાન્સફર હતી. ન્યાં કદાચ કોમરેડના કે'વાથી આ બેય બસમાં કાંક એવી ખામી રાખેલી કે કાં તો અમારી ઉપર કારવાઈ થાય ને કાં તો અમે પ્રથવી પર જ ન રહીએ.

લીડરનું નામ મને યાદ નથી. હું ઇને કોમરેડીયો કે'તો. ઈ ભાષણ કરે એટલે વાતવાતમાં 'કોમરેડ, આપણે આમ કરશું ને કોમરેડ, આપણે તેમ કરશું' કીધા કરતા.

એમાં એસટીએ અમારા પગાર માટે બેંકમાં ખાતાં ખોલી સીધા એમાં પગાર નાખવાની યોજના કરી. હારું ને? રેવન્યુ ઇસ્ટેમ્પ હાચવવી, નોટું જૂની આપે, ન્યાં સોત છુટા ન જ હોય એટલે થોડા ઓછા જ આપે, (ક્યારેય એટલે દસ રૂપિયા કે એક રૂપિયો કોઈને વધારે મળ્યો નથી.) ને ઈ લઈ જાઈએ તો ખીસું કપાવાનું બનતું. કેટલાક હાચો પગાર ઘેર કયે જ નહીં. ઓસો વધુ કઈ બાકીનો ક્યાંક રંગત માણવા કે પીવામાં ઉડાડે. પગાર ઉપાડવા એટીએમ કાર્ડ પણ એસટી એક બેંક હારે મળી, ઓલું હું કે? 'ટાઈ અપ' કરીને આપવાની હતી. રાતે બાર વાગે ડ્યુટી પતે પસી ઓલું સાપુતારામાં થયું 'તું એવું પૈસા વગર નો થાય.

તો એક દિવસ જેને ફોટો હોય એને ઈ લઈને, ઘરવાળાંનો ફોટો પણ લેતા આવવાનો. બેંકવાળા ફોટો પાડવાવાળાને પણ લઈ આવેલા. અમારું આઈકાર્ડ બતાવીએ એટલે એના સાહેબ ફોરમ ભરે. અમારે સહી કરવાની. કંટ્રોલર સાહેબ સિક્કો મારી સહી કરતા જાય.

કોમરેડે વાંધા કાઢ્યા કે અમને એસટી પગારને દિવસે કેશ એટલે રોકડા આપવા બંધાઈ છે. 'માંબર' (ઇ મેમ્બરને માંબર બોલતો) ને અસુવિધા રહે, (પોતાની બનાવેલી ને પોતાનાથી જ મેનેજ થતી) ક્રેડીટ સોસાયટીમાં પેમેન્ટ નહીં આવે વગેરે.

ક્રેડીટ સોસાયટીમાં તો જે તે નોકરિયાતની ઓથોરિટી લઈ પગારમાંથી ડાયરેકટ પેમેન્ટ થઈ શકે ઈમ સાહેબે કીધું. એટલે કોમરેડનો એ વાંધો ઉડી ગ્યો.

બે ચાર મળતીયાઓએ કીધું કે અમારો પગાર થાય એટલે પેલાં ભગવાનને ચડાવીએ. ખાતામાં જમા થાય એમાં એ ક્યાંથી કરીએ? રફીકથી પણ મૂંગા ન મરાણું. કે' કે 'આગલા પગારની એટલી નોટ ભગવાન માટે બસાવી રાખવી. તે દી' બીડી પસી લેવી.'

બસ, થયું. કોમરેડ ને બીજા નાના લીડર તૂટી પડ્યા કે' 'અમારા ધરમનું સે. તું મસ્જિદમાં ખેરાત કરે ન કરે અમારે કે'વાનું નથ. તો અમારા ધરમમાં તું ડબકાં ન માર.'

અરે એમાં ધરમ ક્યાં આવ્યો? એક નોટ રાખી મુકવાની કહી.

નાથગર કયે એટીએમથી ઉપાડી પહેલી નાની નોટ ભગવાનને ચડાવો. એની વાંહે કેટલાક ઈ વાતમાં કબૂલ થઈ ગ્યા.

પગાર થાય ન્યાં એક બામણ ઉભો રહેતો. ઇસ્ત્રીટાઈટ ધોળી કફની, ચીપીને પહેરેલું ધોતિયું, ટીલાં ટપકાં ને રુદ્રાક્ષની માળા પહેરીને ઉભી જાય. હું તો મેટ્રીક છું. પણ હાવ ઓસું ભણેલા સ્ટાફના લોકો તો આ મા'રાજને સહુથી પહેલાં 21, 51 કે 101 નો' આપે તો પાપ લાગે એમ માનતા. એમાં મેં કીધું આપણા જીવણ મા'રાજ છે જ ને! ઈને જ આપો ને! જોઈએ તો યુનિફોરમ બદલી ધોતિયું પેરી લેશે. બે સલોક કલ્યાણના વધુ બોલશે.

થઈ ર્યું. કોઈ ક્યે તો પસી એના ખાતામાં જ એટલા ઓલા શાકવાળાને ભીમ કે પેટીએમ કરીએ ઈમ જીવણ ડ્રાઇવરને આપીએ!

જીવણ પંડ્યા સિદ્ધાંતની પૂંછડી. માસ્તર થવાને બદલે ડ્રાઇવર થ્યો તો ઈ તો મેં કીધું છે. કયે', 'હું એવી યજમાનવૃત્તિ ન કરું. ભગવાનને આપવા એટલે બામણને જ આપવા એમ કોણ કયે છે? રાખો. કોઈ ગરીબને દ્યો, અરે તમારાં છોકરાં માટે કંઈક રમકડું કે ચોકલેટ લઈ જાવ. એ તો જીવતા ભગવાન છે.'

એટલે પગાર રોકડને બદલે ખાતામાં કરવા સામેની કોમરેડની દલીલો હવાઈ ગઈ.

હઉં. બીજા પણ અમારી હારે ફોટો પડાવવા ને સહી માટે આવી ગ્યા.

ઓલું અમિતાભની ફિલમ વાળું 'હમ ખડે હોતે વહાંસે લાઈન શુરુ હોતી હે' થ્યું!

પછી, હું બહુ ડાહ્યો કે બધાના ફોટા ચોંટાડવા, સિક્કા મારવા ને એવી મદદ કરવા માંડ્યો.

કોમરેડના ક્રેડીટ સોસાયટી ઉપરાંત ખાનગીમાં ધીરેલા પૈસા લેવા એના માણસો ફરતા હોય એનો ગરાસ ગ્યો. કમિશન લઈ ઉભો રાખતા ઈ બામણની આવકમાંથી મળતું કમીશન ગ્યું. મારે ને નાથગરને કારણે. કોમરેડીયાને નીચા જોણું થ્યું. એણે નાગ ફુંફાડો મારે એમ મારી ને નાથગરની હામે જોઈને છાશીયું કર્યું.

પસી અમારા વિરુધ કાન ભંભેરણી થાવા લાગી. અમે લાગમાં આવીએ ઇની રાહ જ જોવાતી 'તી.

એમાં એનો સગો ને ખાસ માણસ, એણે જ કોઈ સાહેબને ભલામણ કરી રખાવેલો, ઈ નવસારી મુકાયો ને અમારી બસો ન્યાંથી ઉપાડવાની આવી. દાવ લઈ લીધો.

અમે આ વાત ડીસી સાહેબને રૂબરૂ મળીને કીધી. યુનિયનની સામે ન પડાય. કોઈ પણ નોકરીમાં. તમને બધું હારું લાગે પણ જ્યારે પાટેથી ગાડી ખડે તારે યુનિયન જ તમારી વહારે આવે. બધે એમ જ થાય સે એવું નથી. પેલેથી નક્કી જ હોય કે અમુક માણસને મેમો આપવો. પછી અગાઉથી નક્કી હોય કે યુનીયન શું જવાબ લખાવશે. ઓલો વૉર્નિંગ લઈને છૂટે એટલે યુનિયન એનો ફાળો આજ નહીં તો કાલ, લઈને જ છૂટે.

એવી ઘણી બાબતો છે- જેવી કે કામના કલાક, પગાર ધોરણ, રીટાયર થઈને મળે ઇ- એમાં બધા કરમચારીઓ વતી વાટાઘાટ યુનિયન જ કરે.

મને યુનિયન માટે માન સે પણ એકાદો આવો કોમરેડ એટલે યુનિયન નહીં.

બહુ અમારી બોલીમાં બોલ્યો. પાછા જીવણ મા'રાજે ગાંઠે બંધાવેલું ઇ ભુલવું નથી. એક વાર સારી ટેવ પડે પછી મન જલ્દી જૂની ટેવ તરફ જવા માંગે, એને કન્ટ્રોલ કરવું પડે. જો તોફાનમાં આખી બસ કન્ટ્રોલ થાય તો એક હળાહળ ગામઠી ભાષાને બદલે સાચી ભાષા બોલવાની ટેવ કેમ કન્ટ્રોલ ન થાય!

રાતે વહેલો સુઈ જાઉં. સવારે જૂનાગઢ થઈ તલાલા અને ગીર સોંસરવું જવું છે.

સવારે ઉઠ્યા ને હજી જેને ભળુંભાંખળું કહે છે, એવી વહેલી પરોઢે બસ ઉપાડી. PO 1212 સ્તો. નીકળતા પહેલાં મેં એકલાએ જ બહાર લારી પર ઉકળતી ચા પી લીધી. નાથગર હજી સુતા હતા. કંડકટર કોઈ અજાણ્યો હતો. મને કાર્તિક સાથે ને એને મારી સાથે ફાવી ગયેલું પણ એ આખું અઠવાડીયું બીજા રૂટ પર હતો. કંડક્ટરને ચા નું પૂછ્યું. એણે હોઠ મરકાવ્યા. કદાચ એને બસ ઉપડે એટલે નાની ઊંઘડી ખેંચવી હશે.

મેં મારી કેબિનમાં માતાજીની છબી સામે અગરબત્તી ફેરવી. બસ ચાલુ કરી. ધીમે, હું એકલો જ સાંભળી શકું એમ ભજન મુક્યું.

ડ્રાઇવિંગ વખતે કોઈ અવાજ જોઈએ. નહીં તો રસ્તાને બદલે બીજે ધ્યાન લાગવા જેવું થાય. તમને ખબરેય ન પડે કે શેના વિચાર કરો છો. એમાં પણ એક સેકંડ ઝોકું આવી માથું ઢળી જાય તો 50-60 ઢીમ ઢળી જાય.

અંધારે જ ગોંડલ ગયું. સો વરસ પહેલાના જાડા લોખંડના લીલા રંગે રંગેલા થાંભલાઓ ને એની ઉપર અદભુત કોતરણી વાળી જાળી. સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ. એ વખતના ભગાબાપુએ જબરું શહેર બનાવેલું. ગોંડલ સોંસરવી નીકળી બસ ડીપો પહોંચી ને ઉપડી. એમ કરતાં વીરપુર જલાબાપાને બહારથી નમન કરી જેતપુર ક્રોસ કર્યું ત્યાં તો લીલો ભુરો ગિરનાર વાદળથી વાતું કરતો દેખાયો. પાછળ કોઈએ ગુલાલની છોળની છોળ ઉડાડી હોય એવું આકાશ ને માંયથી ડોકું કાઢતા કેસરી સુરજ મા'રાજ ડોકાણા.

મેં બસ જૂનાગઢ ડીપોમાં લીધી. અહીં દસ મિનિટનો હોલ્ટ હતો. બસસ્ટેન્ડની સામે જ ગરમ ગાંઠીયા ઉતરતા હતા. લોકો ઉતર્યા ભેગા દોડ્યા.

ત્યાં તો કોઈ સ્ટાફવાળો બોલાવવા આવ્યો- યુનિયનની મિટિંગ છે. રાતે બધા ડ્રાઇવિંગમાં હોય કે સુઈ ગયા હોય એટલે સવારની શીફ્ટ માટે અત્યારે અને બપોરની શીફ્ટ માટે બે વાગે.

હું અને કંડક્ટર પાછળ વર્કશોપ સામેની

ખુલ્લી જગ્યાએ ગયા. તાજી હવા હતી. બધી ખાખી વરધી ઉભી હતી.

એક ઓટલા ઉપર ટેબલ મૂકી નેતા 'કોમરેડ' બોલવા ઉભા થયા. બધા મૂંગા જ હતા તોયે મોટે ઘાંટે 'સાયલન્સ..' કહી ચારે બાજુ હાથ ઊંચો કરી ફર્યા અને સંબોધન શરૂ કર્યું.

એકઠા થયેલા લોકોની વાતો અને આસપાસના અવાજોમાં એ શું કહે છે એ ખાસ ન સમજાયું પણ સ્ટાફની આડેધડ બદલીઓ, કિન્નાખોરી અને સ્ટાફ ઉપર બેરહમ રીતે થતી ખાતાકીય કાર્યવાહીઓ અને સજાઓ ઉપર હતું.

આમ તો કોમરેડ કોઈ 'માંબર' ફરિયાદ લઈને જાય તો વાંક એનો જ હોઈ શકે, પોતે એના વતી લડશે, જવાબ એવો લખાવશે કે એ લોકો 'મુતરી પડશે' એવાં આશ્વાસનો આપી રવાના કરી દે. પછી જે થાય એ થવા દે. જો કર્મચારીની ફેવરમાં જજમેન્ટ આવે તો 'આ મેં કરાવ્યું' કહી જશ લે ને સાથે યુનિયન માટે ફાળો પણ. (કોણ જોવા બેઠું છે કે યુનિયને ક્યાં કેટલા આવા ફાળાના પૈસા વાપર્યા! )

અહીં તો એના ઓલા ખાસ માણસ, ઈલેક્ટ્રિક વાયરિંગનું સંભાળતા ભાઈની બદલી નવસારી કરી હતી, જેણે મારી સાપુતારા ને નાથગીરીની ભાવનગર ટ્રીપને જોખમમાં મુકેલી. એના વાયરિંગની ભૂલને કારણે જ. એણે એ કિસ્સો ખાનગી રાખી મેનેજમેંટ સામે જેહાદ છેડી હતી.

કોમરેડે એક ક્ષણ હાથ ઊંચો કરી 'સાયલન્સ..' કર્યું અને એલાન કર્યું, 'આ *** મેનેજમેન્ટનો વિરોધ કરવા આજે મધરાત થી જ્યાં હો ત્યાં ચક્કા જામ. થોભી જવાનું. મુસાફરોને તકલીફ પડશે એ બદલ યુનિયન દિલગીરી વ્યક્ત કરે છે.'

એણે બુમો પડાવી સૂત્રોચ્ચાર કરાવ્યો- 'આવાજ દો.. હમ એક હૈ..', 'કામદાર એકતા.. ઝીંદાબાદ'.

બૂમ પડી- 'એસટીનાં પૈડાં..'

મને આ સૂત્ર ખબર નહીં. મેં બૂમ પાડી 'ફરતાં રહે.. ફરતાં રહે'. ક્યાંક એવું બોલાવેલું.

કોમરેડ રેડ રેડ થઈ મારી સામે જોઈ રહ્યો.

ધીમેથી પણ બીજા બધા સાંભળે એમ મને એક ભૂંડી ગાળ આપી.

ટોળું મારી ભૂલ સુધારતાં બોલ્યું 'જામ કરીશું જામ કરીશું.'

'તો માંમ્બરો, આજે રાત્રે ચક્કા જામ. નહીં કરે એણે અસહકાર આપ્યો ગણી યુનિયન એને બોયકોટ કરશે.'

એણે ફરી હાક પાડી- 'એસટીનાં પૈડાં..'

એના મળતીયાઓ બરાડી ઉઠ્યા - 'જામ કરીશું, જામ કરીશું'.

દૂરથી એસટી માટેની સિક્યોરીટી ટીમ અને પોલીસ આવતા દેખાયા.

'કામદાર એકતા ઝીંદાબાદ' કહેતા કોમરેડ ક્યાં અલોપ થઈ ગયા તે ખબર પડી નહીં. મેમ્બરોમાં નાસભાગ મચી ગઈ. કેટલાકને કાંઠલો પકડી સિક્યોરીટી મેઈન સાહેબની ઓફિસમાં લઈ ગયા. મારા કંડક્ટરે મને ઈશારો કર્યો. અમે મુતરડીની પાછળથી દોડીને બસમાં બેસી બસ સ્ટાર્ટ કરી વેરાવળ તરફ ભાગ્યા.

વેરાવળ બપોરે પહોંચ્યા. નમતી સાંજે સોમનાથ. દાદાનાં દર્શન કરી, ફ્રી ટાઈમમાં દરિયામાં પગ બોળ્યા. એક વાર ફેમિલી લઈને અહીં આવવું પડશે.

રાત્રે ચક્કાજામનો પ્રોગ્રામ છે ઈ પહેલાં જૂનાગઢ ઉતારી તાલાલા કે થાય તો વગર ટાઇમટેબલે જુનાગઢ પહોચી જાઉં. એ રૂટ પર બસો ઓછી ને રાતવરત મુસાફરી કરનારા વધારે. ટુરિસ્ટ પણ હોય ને નજીકના ગામડાંના પણ હોય.

અજાણ્યો કંડકટર દોસ્ત જેવો હતો. એને મેં બોલતો સાંભળ્યો નહોતો પણ મુસાફરોની સગવડ સાચવતો હતો. મારી સાથે પણ થોડું હોઠ મરકાવી શબ્દો વિના જ બોલેલો. દરિયે અમે કાંઈ બોલ્યા વિના સાથે જઈને આવેલા.

મેં બસ થોડી વહેલી ઉપાડી. હજી પ્રાચી દેહોત્સર્ગ છોડ્યું ત્યાં સુરજ આથમી ગયો. આ રીતે તો તલાલા રાતવાસો કરવાની જરૂર ન પડત. અમે ત્યાંથી જૂનાગઢ રાત્રે 12 સુધીમાં પહોંચી જ જાત.

હવે ગીરનો રસ્તો આવ્યો. બે બાજુ જંગલ. ખાખરાનાં મોટાં પાન વાળાં ઝાડ, ગીચ ઝાડી, ક્યાંક શિયાળની લાળી, ક્યાંક ઘુવડનો બિહામણો અવાજ, બાકી ઘોર અંધારું ને ડરાવણું એકાંત. મેં હંમેશ ડ્રાઈવરો કરે છે એમ આગલી લાઈટો ફૂલ કરી ચાલુ રાખી, બસની અંદરની બંધ રાખી.

જંગલની કેડીઓ જેવા રસ્તે એક ધ્યાનથી ગામના એરો વાળાં પાટિયાં જોતાં જોતાં મેં બસ ચલાવ્યે રાખી. સહેજ રસ્તો ચૂક થાય તો કોઈ ગામડાં કે નેસમાં ગરી જઈએ. આવા સુમસામ અને ભયાનક રસ્તે પણ સામેથી કોઈકોઈ પ્રાઈવેટ કાર કે ફોરેસ્ટ ખાતાંની જીપ સામી મળતી. કોઈકોઈ રડીખડી ટ્રક પણ મળી.

પૂનમ નજીક હતી. તેરસનો લગભગ પૂરો ચાંદો પ્રકાશતો હતો. એક જ વાહન જઈ શકે એટલો જ પહોળો રસ્તો અને બેય બાજુ ગીચ જંગલ. ઊંચાંઊંચાં વાંસનાં ઝાડ અને ઘેઘુર વડલાનાં ઝાડ રસ્તાની બેય બાજુ આવતાં હતાં. વચ્ચે વચ્ચે અષાઢી કાળાં ડીબાંગ વાદળાં ચાંદો ઢાંકી દઈ પૂરેપૂરું અંધારું ઘોર કરી દેતાં હતાં. થોડી વારમાં વાદળાં હટે એટલે દૂધ જેવી ચાંદની રેલાય.

તલાલા ખાસ દૂર નહોતું. ત્યાં મારી બસની લાઈટ સામે પડી. રસ્તો રોકી ત્રણ ત્રણ ડાલામથ્થા સિંહો પૂંછડાં લંબાવીને બેઠા હતા. એમની આંખો પર બસની લાઈટ પડતાં એ ચમકી. મોબાઇલની ટોર્ચ જેવો ભુરો, તીવ્ર પ્રકાશ એની આંખોમાં તગતગતો હતો. મેં બસ ધીમી પાડી. જો સાઈડમાંથી પણ સલામત રીતે નીકળાય તો. પણ એ શક્ય જ નહોતું. આ કાંઈ બાઇક થોડી હતી?

મેં બસ ઉભી રાખી. કંડકટર મારી કેબિન પર હાથ ઠોકતો 'શું થયું?' એમ ઈશારાથી જ પૂછતો આગળ આવ્યો. મેં કહ્યું, 'જલ્દીથી બારીઓ બંધ. સિંહ રસ્તો રોકીને બેઠા છે.'

એક સિંહે ડણક કરી. એનો આમેય મોટો અવાજ જંગલની સુમસામ રાતમાં અનેક ગણો મોટો બની પડઘાઈ રહ્યો.

પેસેન્જરો થરથર ધ્રુજવા માંડ્યા. મેં કહ્યું , "સિંહ તો રાજા છે. કારણ વગર કાંઈ નહીં કરે. લોકો મહિનાઓ પહેલાં એડવાન્સ બુકીંગ કરી જોવા આવે છે ઈ સિંહદર્શન તમને એમ ને એમ જોવા મળ્યું. બારીઓ બંધ રાખજો. કોઈ હાથ તો બહાર ન જ કાઢે. મોબાઈલથી લાઈટ ફેંક્યા વગર ફોટા પણ લેજો. બહાર લાઈટ ન જાય એ જોજો. સિંહ ખીજાય તો કોઈનો નહીં રહે. બાકી માણસની એને નવાઈ નથી."

કંડકટરના મોતિયા મરી ગયેલા. કદાચ એને લઘુશંકા લાગી ગયેલી. પેસેન્જરોમાં કોની તાકાત હતી કે આ ડણક સાંભળીને સામે ત્રણત્રણ પુરા કદના સિંહ જોઈ ફોટા પાડવા ઉભા થાય!

ફોરેસ્ટખાતાંની કોઈ જીપ આવે તોયે કોઈ મદદ મળે. રાતે દસ જેવા થ્યા હશે. દૂર સુધી કોઈ જ દેખાતું નહોતું.

મેં સિંહ ગુસ્સે ન થાય એટલે ફૂલ હેડલાઈટ પણ બંધ કરી સાઈડની ડીમલાઈટ ચાલુ રાખી.

એક સિંહ ઉભો થ્યો. ધીમે પગલે બસ સુધી આવ્યો. બે પગે ઉભા થઈ એક બારી પર પંજો માર્યો. કાચ સારો કે તૂટી ન ગયો. એણે વળી પૂંછડી બસ પર મારતાં ડણક દીધી. બીજો તો આગલા બમ્પર પર પગ મૂકી ઉભો થયો. મારી સાવ સામે આવી કાચ સુંઘ્યો. એની આંખ મારી આંખના લેવલે આવી રહી. મારા શ્વાસ પણ થંભી ગયા. એક ઝાપટ અને મને ગળચીથી પકડી ઢસડશે. ઈ ટાણે ભગવાનનું નામ પણ ક્યાંથી યાદ આવે!

ત્રીજો સિંહ બસનાં ચારેય ટાયર સૂંઘતો બસ આસપાસ પૂંછડું લહેરાવતો ફર્યા કર્યો.

આખી બસ મૂંગી મંતર. પાછી બહાર અંધારી રાત. બસમાં પણ અંધારું.

સિંહો ઘણીવાર સુધી એમ ને એમ ઉભા જ રહ્યા.

સિંહો કંટાળ્યા હશે એટલે પાણી પીવા કે એમ, ઉભા થઈને ચાલ્યા. પણ લો, અમારે જવું હતું એ દિશામાં જ. રસ્તા ઉપર જ.

થોડી વાર રહી મેં ડીમ લાઈટમાં જ બસ સાવ ધીમેથી ચાલુ કરી અને ધીમું એકસેલરેટર આપી સિંહોની પાછળ સરકવા દીધી. અડધા કલાકે સિંહો નીચે જંગલમાં ઉતર્યા. થોડે આગળ જઈ એની ડણક સંભળાઈ. સબસલામતની સાઇન.

હવે મેં ખૂબ જ સાવચેતીથી બસ ચલાવી અને અગિયાર વાગતા પહેલાં તલાલા બધાને એક કલાક મોડા ઉતાર્યા. એમાં હવે મારે અધરસ્તે બસ રોકવી પડી નહીં.

બાર વાગી ગયા. યુનિયન નું પણ રહ્યું ને સિંહથી પણ બચાવ થયો!

અમે તલાલા ડીપો પર બસમાં જ સુઈ રહ્યા. રાતે ગાજવીજ સાથે વરસાદ પડેલો. પણ એની એવી બીક થોડી લાગે જે આ સિંહદર્શન સાથે મોતદર્શનની લાગેલી!

કંડકટરને સાચે જ આગળથી પેન્ટ ભીનું થઈ ગયેલું.

બીજે દિવસે જૂનાગઢ પહોંચ્યા ત્યારે જાણ્યું કે બીજી બસોના મુસાફરો ગમે ત્યાં અટવાઈ પડેલા. હેરાન થઈ ગયેલા. એના સમાચારોથી લોકલ છાપાં ઉભરાતાં હતાં.

મને તો બેય બાજુથી અભિનંદન મળ્યાં- મેનેજમેન્ટે કોઈને રસ્તે રઝળાવ્યા નહીં એટલે ને કોઈએ નહીંને કોમરેડે, મેં યુનિયંનને સહકાર આપ્યો એટલે.

ક્રમશઃ