આપણે પ્રકરણ-25 માં જોયું કે
અરમાન ખૂબજ આક્રંદથી આંસુ સારતાં સારતાં તેની છેલ્લી ક્ષણોમાં અદિતિને કહે છે કે, " હું મારા અંતિમ દિવસો ગાળવા માટે અહીં તારી પાસે આવ્યો હતો. અદિતિ પણ ખેર.. ઈશ્વરને જે ગમ્યું તે ખરું..!! પણ મને યાદ રાખજે તું ભૂલી ન જતી હો નેં.....અદિતિ... " અને અદિતિ તેની સામે જ હોય.. અદિતિનો હાથ તેના હાથમાં જ હોય અને અદિતિ જાણે તેને દૂર ક્યાંક લઈ જઈ રહી હોય તેમ અરમાન છેલ્લીવાર પથારીમાંથી ઊભો થયો અને બે ડગલાં ચાલ્યો અને જમીન ઉપર 'ધબાક' અવાજ સાથે ફસડાઈ પડ્યો.... તેનાં મોંમાંથી નીકળેલો છેલ્લો ઉદગાર પણ "અદિતિ" જ હતો. સંધ્યાબેન,
" અરમાન અરમાન " બૂમો પાડતાં રહ્યા પણ અરમાન તો ચાલ્યો ગયો હતો ઘણે બધે દૂર જ્યાંથી તે કદી પણ પાછો વળી શકવાનો ન હતો.... હવે આગળ...
કેસેટ સાંભળતાં સાંભળતાં અદિતિની આંખોમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી અને આખીયે કેસેટ સાંભળ્યા પછી અદિતિ પોતાના બંને હાથ પોતાના મોં ઉપર રાખીને ખૂબજ રડવા લાગી, ખૂબજ રડવા લાગી અદિતિનું આ આક્રંદ ન તો આરુષથી જોવાય તેમ હતું ન તો તેની મમ્મી સંધ્યાબેનથી જોવાય તેમ હતું પરંતુ અદિતિને રડવા દેવા સિવાય બીજો કોઈ છૂટકો પણ નહોતો કારણ કે બંને સમજતાં હતાં કે અદિતિ જો રડશે તોજ તેના મનનો ઊભરો ઠલવાઈ જશે અને તે પહેલાં જેવી નોર્મલ અદિતિ બનવાની શક્યતા છે.
અને થયું પણ એવું જ પછી અદિતિએ પોતાના બંને હાથ પોતાની મમ્મી સંધ્યાબેનના ખભા ઉપર મૂક્યા અને આક્રોશપૂર્વક તે બોલવા લાગી કે, " અરમાન અહીં ઈન્ડિયામાં આવ્યો હતો તો તે મને જાણ કેમ ન કરી..?? અને મને અરમાનને મળવા માટે કેમ ન બોલાવી..?? મારે પણ અરમાનને મળવું હતું અને તેની સાથે ઘણીબધી વાતો પણ કરવી હતી. હવે તે મારાથી ઘણેબધે દૂર ચાલ્યો ગયો છે મને કદીપણ નહીં મળે " અને તે પોક મૂકીને જોર જોરથી રડવા લાગી.
સંધ્યાબેન અદિતિના માથા ઉપર અને શરીર ઉપર પ્રેમથી હાથ ફેરવતા જતાં હતાં અને બોલતાં જતાં હતાં કે, " બેટા, હવે જે થવાનું હતું તે થઈ ગયું, હવે તું આ વાતને ભૂલી જા અને તું માં બનવાની છે તો તારી અને તારા આવનાર બાળકની કાળજી રાખ અને અરમાન આપણી સાથે જ છે તે આપણને છોડીને ક્યાંય નથી ગયો. તેની વાતોરૂપે તેની યાદોરૂપે તે આપણી સાથે જ છે બેટા તે આપણને છોડીને ક્યાંય ન જઈ શકે." અને સંધ્યાબેનને પણ અરમાન પોતાની નજર સમક્ષ આવીને ઉભો રહ્યો હોય તેમ દેખાવા લાગ્યો.
અને આરુષ અને સંધ્યાબેન બંનેની આંખમાં આંસું હતાં. આજે આરુષની આંખમાં હર્ષના આસું હતાં કારણ કે તેને પોતાની અદિતિ રાવ ણ પાછી મળી તેનો સંતોષ પણ હતો.
બીજે દિવસે આરુષ અદિતિને જે માનસિક રોગના ડૉક્ટર સાહેબની દવા ચાલતી હતી તેમની પાસે લઈ ગયો. ડૉક્ટર સાહેબ પણ અદીતિને એકદમ સારું થઈ ગયું છે તે જાણીને ખૂબજ ખુશ થઈ ગયા.
આરુષ હવે પહેલાનો આરુષ ન હતો રહ્યો બિલકુલ બદલાઈ ચૂક્યો હતો તે હવે અદિતિની આ પરિસ્થિતિમાં સતત તેની સાથે પ્રેમથી વર્તન કરતો હતો અને તેની તબિયતની પણ ખૂબજ કાળજી રાખતો હતો.
અદિતિ અને આરુષ બંને પોતાનાં આવનાર બાળકની રાહ જોઈ રહ્યા હતાં અને અદિતિનો પાછો એનો એ જ નિત્યક્રમ ચાલુ થઈ ગયો હતો.
એ જ બગીચો, એ જ હિંચકો, એ જ બિલાડીનાં બે બચ્ચાં, ઝાડ ઉપર આમથી તેમ દોડતી ખિસકોલી અને અરમાનની યાદ આપતું પારિજાતનુ વૃક્ષ....આખોય દિવસ ક્યાં પસાર થઈ જતો હતો તેની અદિતિને ખબર જ પડતી ન હતી. અને પછી તે આરુષની રાહ જોતી. આરુષ ઘરે આવે એટલે બંને સાથે જમી લેતાં.
આમને આમ સમય પસાર થયે જતો હતો અને બરાબર નવ મહિના પૂરા થયા એટલે અદિતિએ એક સુંદર દિકરાને જન્મ આપ્યો. જેનું નામ આરુષે આદિત પાડ્યું અને તે બોલી ઉઠ્યો કે, "અરમાન જેવો જ લાગે છે આપણો આદિત કેમ અદિતિ..??"
સમાપ્ત
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/4/2021