અહંકાર - 28 - છેલ્લો ભાગ Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અહંકાર - 28 - છેલ્લો ભાગ

અહંકાર – 28

લેખક – મેર મેહુલ

“કુલ છ લોકોની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી હતી” સાગરે બધા પર ઊડતી નજર ફેરવી, “નેહા, ખુશ્બુ, જનક પાઠક, સંકેત, જય અને શિવ”

“છ માંથી બે લોકોની ફિંગરપ્રિન્ટ મેચ થઈ છે અને એ વ્યક્તિ છે….” કહેતાં સાગર બધાનાં ચહેરા વાંચ્યા. સાગરની નજર નેહાનાં ચહેરા પર આવીને અટકી. નેહાનાં ચહેરા પરનો રંગ ઊડી ગયો હતો, કપાળે પરસેવો છૂટી ગયો હતો. સાગરે નેહા સામે આંખો નચાવી. સ્નેહા ઉભી થઈને દોડવા લાગી. એ જ સમયે દરવાજા પાસે ઉભેલા અનિલે અને ભૂમિકાએ દરવાજો બ્લૉક કરી દીધો. ભૂમિકાએ આગળ આવીને નેહાનો હાથ પકડી લીધો અને પોતાની જગ્યા પર બેસારી દીધી.

“શા માટે આ બધું કર્યું ?” જયપાલસિંહે પૂછ્યું.

જયપાલસિંહનાં સવાલનાં જવાબમાં નેહા રડવા લાગી. રડતાં રડતાં તેણે કહ્યું, “હાર્દિકને હું પ્રેમ કરતી હતી, તેણે પણ માનસીની જેમ મારા ફોટા પાડીને મને બ્લેકમેલ કરી હતી. એ રાત્રે તેણે મને પણ આવવા મૅસેજ કરેલો. હું ઘણા સમયથી તેને સ્વધામ પહોચાડવાની તક શોધતી હતી”

“એટલે તે અને સંકેતે મળીને હાર્દિકને મારવાનો પ્લાન બનાવી લીધો” જયપાલસિંહે સંકેત સામે જોઇને કહ્યું, “સંકેત, મેં બરોબર કહ્યુંને ?”

“સંકેતની એમાં કોઈ ભૂલ નથી સર..” નેહાએ કહ્યું.

“મતલબ..?”

“મતલબ એ જ જે તમે સમજો છો, હાર્દિકે સંકેતે એટલી હદ સુધી હેરાન કર્યો છે જેનો તમે અંદાજો પણ નહીં લગાવી શકો” નેહાએ કહ્યું.

“હું વિસ્તારમાં જાણી શકું ?”

“હાર્દિક એકાંતમાં સંકેતને મારતો, માં-બહેન વિશે ખરાબ બોલતો, રોજ પાંચસો રૂપિયા હપ્તા તરીકે ઉઘરાવતો અને રોજ નવી નવી છોકરીઓનાં નંબર શોધી આપવા કહેતો, સંકેત જ્યારે નવી છોકરીનાં નંબર ન શોધી આપતો ત્યારે એ સંકેત સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો” નેહાએ સપાટ ભાવે કહ્યું, “શિવે પણ તેને જોયેલો. સંકેત જ્યારે નવો જોઈન થયો હતો ત્યારથી જ હાર્દિક તેને દબાણ હેઠળ રાખતો હતો. હાર્દિક વિશે મને બધી ખબર હતી એટલે હું સંકેતને બચાવવાની કોશિશ કરતી હતી તો પણ હાર્દિક કોઈને કોઈ બહાનું બનાવીને સંકેતને ફસાવી લેતો, આખરે જ્યારે મેં સંકેતને બધી વાતો કહી ત્યારે મને આ ઘટના વિશે માલુમ થયું અને અમે બંનેએ પ્લાન બનાવ્યો હતો”

“ઓહહ..” જયપાલસિંહે નિઃસાસો નાંખ્યો.

“સર, હું તો હાર્દિકનાં ઘરે ગઈ જ નહોતી મારી ફિંગરપ્રિન્ટ કેવી રીતે મળી આવી ?” નેહાએ પૂછ્યું.

“એ નાટક હતું” જયપાલસિંહે કહ્યું, “અમને એ ઘરેથી કોઈ ફિંગરપ્રિન્ટ નહોતી મળી”

“તો પછી આ નાટક કરવા પાછળનું કારણ ?”

“હું જણાવું” અનિલે આગળ આવીને કહ્યું, “અમે લોકો સંકેતનાં ઘરે ગયા હતાં. ત્યાં અમે સંકેટનાં મમ્મીને મળ્યા હતાં તેનાં મમ્મીનાં કહ્યા અનુસાર એ રાત્રે સંકેત રાત્રે અઢી વાગ્યે ઘરે પહોંચેલો, જયારે સંકેતે એનાં પપ્પાને કૉલ કરીને દોઢ વાગ્યે ઘરે પહોંચ્યો એવું જણાવ્યું હતું. સંકેતનાં મમ્મી સાથે વધુ પૂછપરછ કરતાં અમને માલુમ પડ્યું હતું કે તેનાં મમ્મીને સમય જોતાં નથી આવડતું પણ એ રાત્રે સંકેતની બહેન રાત્રી રોકાણ માટે આવેલી અને જ્યારે સંકેતની મમ્મીએ ‘કેટલા વાગ્યા’ એમ સંકેતને પૂછેલું ત્યારે સંકેતે ‘દોઢ વાગ્યો’ એવો જવાબ આપેલો.

સંકેતની બહેન ત્યારે જાગતી હતી એટલે ‘કેમ જુઠ્ઠું બોલે છે ?, અત્યારે ત્રણ વાગવા આવ્યા છે’ એવું તેની બહેને કહેલું. સંકેત જુઠ્ઠું બોલ્યો હતો. એ રાત્રે સંકેત ક્યાં હતો એ વાતની જાણ ઘરમાં કોઈને નહોતી.

અમે સંકેતનો નંબર IT કંપનીમાં આપીને એ રાતનું તેનું બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીનું લોકેશન ટ્રેસ કરાવ્યું. સંકેત સાડા બાર વાગ્યા સુધીનું લોકેશન ‘પીલ ગાર્ડન’ નું હતું. અહીં તેણે દોસ્તો સાથે ‘રવિ બાવાળીયા’ નામનાં વ્યક્તિનો જન્મદિવસ ઉજવ્યો હતો. સાડા બારથી લઈને એક વાગ્યાં સુધીનું લોકેશન ‘અશોક દવે માર્ગ’ પર બતાવતા હતાં. જ્યારે સવા એકથી દોઢ વાગ્યાં સુધીનું લોકેશન તુલસી પાર્ક – 2, મલતબ હાર્દિકનાં ઘરનું બતાવતાં હતાં. ત્યારબાદ સંકેત પોતાનાં ઘરે જવા નીકળ્યો હતો અને 2:33am પોતાનાં ઘરે પહોંચ્યો હતો.

સંકેતનાં આ લોકેશન પરથી તેણે મર્ડર કર્યું હતું એ વાત બહાર આવી ગઈ હતી પણ IT કંપનીએ જ્યારે સંકેટનાં એ દિવસનાં કૉલ રેકોર્ડ અમને મોકલ્યાં ત્યારે અમારી આંખો ખુલ્લી રહી ગઈ હતી.

એ દિવસે કોઈ અજાણ્યા નંબર પરથી સંકેતને પચીસેક જેટલાં કૉલ આવેલા અને મર્ડર થયાની રાત્રે, મતલબ દોઢ વાગ્યે એ સીમકાર્ડ બંધ કરી દેવામાં આવ્યું હતું.

વાત સાફ હતી, સંકેતે એકલાએ આ મર્ડર નહોતું કર્યું. અમે અજાણ્યા નંબરને IT કંપનીને આપ્યો અને હાર્દિકનાં જન્મદિવસનાં દિવસે એ નંબરનું લોકેશન ટ્રેસ કરવા કહ્યું. લોકેશન ‘ બેન્ક ઓફ શિવગંજ’ નું બતાવતાં હતાં, મતલબ સંકેતને સાથ આપનાર બેન્કનો જ કોઈ કર્મચારી હતો.

એ કોણ હતું એ જાણવું મુશ્કેલ હતું એટલે ફિંગરપ્રિન્ટ મળ્યાનું નાટક રચાવી અમે બધાની ફિંગરપ્રિન્ટ લીધી. જે વ્યક્તિ સંકેતને સાથ આપતો હતો એ ડરવાનો હતો અને થયું પણ એવું જ”

“જેટલા લોકોએ હાર્દિકને માર્યો છે એ બધાને હાર્દિકે હેરાન કર્યા છે પણ કાયદો એવું કહે છે કે તમે કાયદાને પોતાનાં હાથમાં ન લો, પોલીસ પાસે જાઓ. અમારું કામ જ અપરાધ અટકાવવાનું છે. હું ચાર્જશીટમાં બધાની વ્યથા મેન્શન કરીશ જેથી તમને ઓછી સજા મળે”

જયપાલસિંહ કેતન માંકડ સામે જોયુ,

“તમે કહેતાને કે તમને શા માટે બોલાવવામાં આવ્યા છે..!, તમે ક્લસ્ટર હેડ છો. તમારા ડિપાર્ટમેન્ટમાં જો ખોટું થતું હોય તો એને અટકાવવાની જવાબદારી તમારી છે. જો તમે હાર્દિક વિરુદ્ધ કોઈ એક્શન લીધું હોત તો આ લોકો એટલા હેરાન ન થાત”

“જેટલા અપરાધી છે તેઓને બે દિવસ બાદ કોર્ટમાં હાજર કરવામાં આવશે અને જજ સાહેબ જે સજા સંભળાવે એ જ અમલમાં આવશે”

*

(અઠવાડિયા પછી)

જયપાલસિંહ સામે રિપોર્ટરનું ટોળું બેઠું હતું. ‘હાર્દિક પાઠક મર્ડર કેસ’ સોલ્વ થઈ ગયો હતો એનાં માટે કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જયપાલસિંહ કેવી રીતે અપરાધીઓ સુધી પહોંચ્યા હતાં તેનું ટૂંકું વર્ણન તેઓએ કહી સંભળાવ્યું હતું. ત્યારબાદ અંત તરફ જતાં તેઓએ કહ્યું,

“અહંકાર માણસની માનવતાને હણનારો સૌથી મોટો દુશ્મન છે. અહંકારી માણસ પાસે આંખો હોવા છતાં એ આંધળો હોય છે, આવા માણસો પોતાને સર્વગુણ સંપન્ન સમજે છે અને બીજા માણસોને પોતાનાથી નીચી કક્ષાનો સમજે છે. જેને કારણે એ સામેનાં માણસને અપમાનિત કરે છે, તેનો ઉપયોગ કરે છે.

હાર્દિક મર્ડર કેસમાં પણ આવું જ થયું હતું. અહંકારને કારણે હાર્દિકે માનસી અને નેહાને બ્લેકમેલ કરી હતી, ભાર્ગવને બેઇજત કર્યો હતો, મોહિત સાથે ગદ્દારી કરી હતી જ્યારે હર્ષદને તેનાં શરીરને કારણે અપમાનિત કર્યો હતો. છેલ્લે સંકેત સાથે તેણે વર્ણવી ન શકાય એવા અપરાધ કર્યા હતાં.

હાર્દિકની હત્યા કરવામાં જેટલા લોકોએ ભાગ ભજવ્યો હતો એ લોકો ક્યાંકને ક્યાંક હાર્દિકનાં આ અહંકારી સ્વભાવનો શિકાર બનેલા છે. હાર્દિક દ્વારા આપવામાં આવેલા માનસિક તથા શારીરિક ત્રાસથી કંટાળીને આ લોકોએ પગલું ભર્યું હતું.

પોલીસ આ લોકોની ભાવનાને સમજે છે પણ, કાયદો હાથમાં લેવો એ ગુન્હો છે. આ લોકોએ પોલીસનો સહારો લીધો હોત તો પણ તેઓને ન્યાય મળેત. ખેર, અમે કાયદાની દ્રષ્ટિએ આ લોકોને બની શકે એટલી ઓછી સજા થાય એવા પ્રયાસો કર્યા હતા. જેમાં અમે અંશતઃ સફળ થયા છીએ.

IPCની કલમ 302 મૃત્યુ મૃત્યુ પામેલા વ્યક્તિનાં શરીર પર અજાણતા અથવા જાણીજોઈને હત્યા કરવાનાં ઈરાદાથી વાર કરવા એ હત્યા કરવા બરાબર જ અપરાધ છે તેથી બધા જ લોકોને દસ વર્ષની સજા મળવા પાત્ર છે, સાથે જ હાર્દિક દ્વારા બધા લોકોને હેરાનગતિ થઈ હોવાથી જુદી જુદી કલમો અંતર્ગત એ લોકોની સજા ઓછી કરવામાં આવી છે. જે આ મુજબ છે,

- કલમ 420 અંતર્ગત હાર્દિક દ્વારા મોહિત સાથે છેતરપીંડી થઈ હતી. ઉપરાંત કલમ 503 અંતર્ગત હાર્દિક દ્વારા મોહિતને ધાક-ધમકી આપવામાં આવી હતી. ઉપરોક્ત બંને કલમને ધ્યાનમાં રાખી તથા પુરાવા નષ્ટ કરવાની વાત ધ્યાને ધ્યાનમાં રાખીને મોહિતને સજા માફી બાદ 3 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

- કલમ 350, 354 અંતર્ગત હાર્દિક દ્વારા નેહાને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. કલમ 354(B) અંતર્ગત હાર્દિક દ્વારા નેહાનાં નગ્ન હલતનાં ફોટા ખેંચીને નેહાને બ્લેકમેલ કરવામાં આવી હતી. ઉપરાંત હાર્દિક દ્વારા ધાકધમકી મળતાં કલમ 503 પણ અહીં શામેલ કરવામાં આવે છે. ઉપરોક્ત કલમને ધ્યાનમાં રાખીને નેહાને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

- હર્ષદ અને ભાર્ગવ સાથે મારપીટ, ધાકધમકી, ગુનાહિત બળને ધ્યાનમાં રાખીને ક્રમશઃ કલમ 323, 324, 503 અને 349 દાખલ કરવામાં આવેલ છે, જેને ધ્યાનમાં રાખીને બંનેને બે વર્ષની સજા મળેલ છે.

- સંકેત સાથે જે ઘટનાં બની એ આવકાર્ય નથી. સંકેતે સ્વબચાવ માટે આ પગલું ભર્યું હતું. કલમ 377 અંતર્ગત સૃષ્ટિ વિરુદ્ધનાં ગુન્હાને ધ્યાનમાં રાખીને, ઉપરાંત ધાકધમકી, મારપીટ, માનસિક ત્રાસ, જાતીય સતામણીની કલમો 503, 323, 350, 354(B) અંતર્ગત સંકેતને જે કષ્ટ સહન કરવા પડ્યા છે એને ધ્યાનમાં રાખીને અદાલતે સંકેતને નિર્દોષ સાબિત કર્યો છે.

અંતમાં સંકેત જેવા વ્યક્તિ, જે આવી પરિસ્થિતિનો સામનો કરે છે એ લોકો હિંમત કરો, શરમને ત્યજીને પોલીસ ફરિયાદ કરો એવી અપીલ કરવામાં આવે છે.

*

બીજા દિવસે સવારે જયપાલસિંહ ‘હાર્દિક મર્ડર કેસ’ ની ફાઇલ પર સિગ્નેચર કરાવવા માટે હેડક્વાર્ટર પહોંચ્યો હતો. એ જ્યારે ઓફિસમાં પહોંચ્યો ત્યારે રાવત અને રણજિત સાથે જય અને શિવ ઓફિસમાં હાજર હતાં. જયપાલસિંહને રૂમમાં જોઈને એ બંને ઊભા થઇ ગયા.

“તમે બંને અહીં ?” જયપાલસિંહે પૂછ્યું, “હવે શું કર્યું ?”

“તું ગલત સમજે છે જયપાલ” રાવતે કહ્યું, “હું અને રણજીત નવું ઘર લેવાનું વિચારીએ છીએ, તો લોન લેવાનાં સંદર્ભે આ બંનેને બોલાવ્યાં હતાં.

“અરે વાહ…ઘર તો હું પણ શોધું છું” જયપાલસિંહે ચમકીને કહ્યું, “મને લોન મળશે ?”

“મળશે.., પણ એક શરત પર” શિવે કહ્યું, “તમે ભૂલ વગર મારશો નહી”

શિવની વાત સાંભળીને બધા હસી પડ્યા. જયપાલસિંહ એ બંને પાસે ગયો અને બંનેનાં ખભા પર હાથ રાખીને કહ્યું, “સૉરી દોસ્તો…!”

(સમાપ્ત)