અહંકાર - 27 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અહંકાર - 27

અહંકાર – 27

લેખક – મેર મેહુલ

મોહનલાલ નગરમાં કોઈ ફિલ્મનો સીન ચાલી રહ્યો હોય એવું દ્રશ્ય સર્જાયું હતું. હાર્દિકનાં મુખ્ય હત્યારાને શોધવામાં પોલીસ સફળ થઈ છે એવું જયપાલસિંહે જાહેર કરી દીધું હતું.

હાલ રૂમમાં એક સોફા પર રાવત અને રણજિત બેઠા હતાં. તેઓની બાજુમાં તેનો કાફલો ઉભો હતો. દિપક પણ રણજીતનાં સોફાની બાજુમાં ઊભો હતો. ઇન્કવાઇરી રૂમમાંથી ટેબલો હટાવી દેવામાં આવ્યા હતા, ટેબલની જગ્યાએ ખુરશીઓ રાખી દેવામાં આવી હતી જ્યાં પાંચ સસ્પેક્ટ, કેતન માંકડ અને ત્રણ અપરાધી બેઠા હતાં. છઠ્ઠો સસ્પેક્ટ જનક પાઠક હાલ દરવાજા પર ઊભો હતો. તેની પાછળ કૉન્સ્ટબલ અનિલ અને ભૂમિકા ચહેરા પર મોટી સ્માઈલ સાથે ઊભા હતાં.

“અંદર આવી જાઓ” જયપાલસિંહે કહ્યું.

જનક પાઠક ચાલીને અંદર આવ્યો અને ખુરશી પર બેસી ગયો.

“હું દસ મિનિટમાં આવું સર..” જયપાલસિંહે રાવત તરફ જોઈને કહ્યું અને બહાર તરફ ચાલ્યો. અનિલ, ભૂમિકા અને જયપાલસિંહ બહાર લોબી તરફ ચાલ્યાં. ત્રણેય વચ્ચે થોડી ચર્ચા થઈ ત્યારબાદ અનિલ સાગરને બોલાવવા બાજુનાં રૂમ તરફ ચાલ્યો. સાગર બહાર આવ્યો એટલે જયપાલસિંહે તેને રોક્યો,

“શું કરવાનું એ સમજાઈ ગયું છે ને ?”

“તમે બેફિકર રહો ઇન્સ્પેક્ટર…”સાગરે કહ્યું, “હવે હું બાજી સંભાળી લઈશ”

“તો ચાલો.., નાટક શરૂ કરીએ..” જયપાલસિંહે હસીને કહ્યું. બધા ઇન્કવાઇરી રૂમમાં પ્રવેશ્યાં.

“હું વારાફરતી બધાને સવાલ પૂછીશ, જેને સવાલ પૂછવામાં આવે એ જ જવાબ આપશે અને બીજી વાત આપણે અહીં જે વાત થાય છે એ કેમેરામાં રેકોર્ડ થાય છે. માટે ખોટી ચાલાકી કરવાની કોશિશ ન કરશો. જે નિર્દોષ છે એનો વાળ પણ વાંકો નહિ થાય એની હું ખાત્રી આપું છું”

જયપાલસિંહની વાત સાંભળીને બધા એકબીજા તરફ જોવા લાગ્યા, જ્યારે શિવ અને જય ‘વાળ વાંકો નહિ થાય’ એ શબ્દ પર ચહેરાનાં હાવભાવ દ્વારા વિરોધ કરતા હતાં.

“તો શરૂઆત નેહા ધનવરથી કરીએ..” જયપાલસિંહે કહ્યું, બધાનું ધ્યાન નેહા પર ગયું, “હાર્દિક સાથે તમારાં શારીરિક સંબંધ રહ્યા છે ?”

નેહાનાં ચહેરાનો રંગ બદલાય ગયો. તેણે અચકાતા અચકાતા હકારમાં માથું ધુણાવ્યું.

“તમે આ વાત સ્ટેટમેન્ટમાં કેમ નહોતી જણાવી ?” જયપાલસિંહે પૂછ્યું.

“જો હું આ વાત સ્ટેટમેન્ટમાં જણાવું તો પોલીસને મારા પર શંકા જાય, મેં સ્ટેટમેન્ટમાં જણાવી હતી એ વાત પણ સાચી જ હતી સર…જ્યારથી મેં હાર્દિકને પોલીસની ધમકી આપી હતી એ દિવસથી એ મને બ્લેકમેલ કરતો બંધ થઈ ગયો હતો. આના સિવાય સ્ટેટમેન્ટમાં આ વાત ન જણાવવાનું કારણ મારી પાસે નથી”

“બરાબર…” જયપાલસિંહે કહ્યું, “તમે જ્યારે તમારી સહેલીઓને હાર્દિકનાં કૃત્ય વિશે જણાવ્યું હતું ત્યારે ‘હું હાર્દિકને મારી નાંખીશ’ એવું તમે બોલ્યા હતા ?”

“હા સર…પણ એ તો ગુસ્સામાં બોલી હતી. હાર્દિક કેવો માણસ હતો એનાથી તમે વાકેફ થઈ જ ગયા હશો…તો મેં કહેલી વાત પણ તમે સમજી જ શકો છો”

“હા હું સમજી શકું છું પણ તમે કોઈની મદદ લઈને હાર્દિકની હત્યા કરાવી હોય એ સંભાવના પણ જીવંત છે ને...!”

“હું સહકાર આપવા તૈયાર છું, તમે પોતાની કાર્યવાહી કરી શકો છો” નેહાએ મક્કમ અવાજે કહ્યું. નેહાનાં અવાજ પરથી એ સત્ય બોલતી હતી એવું જયપાલસિંહ સમજી ગયો હતો.

“જરુર પડશે તો એ પણ કરીશું”કહેતા જયપાલસિંહ ખુશ્બુ તરફ ફર્યો, “હાર્દિકે તમારી બહેન સાથે પણ છેતરપીંડી કરેલી, તમને બદલો લેવાની ઈચ્છા નહોતી થઈ ?”

“ભૂલ મારી બહેનમાં જ હતી સર…મેં એને હાર્દિકની નિયત અને સ્વભાવ વિશે મારી બહેનને વાકેફ કરી હતી પણ એ સમજી નહિ. પોતે ભૂલ કરી હતી એટલે એને તેનું પરિણામ પણ ભોગવવું પડ્યું હતું” ખુશ્બુએ કહ્યું.

“તો તમારી નજરે હાર્દિક સારો વ્યક્તિ હતો ?”

“મેં એવું તો નથી કહ્યું” ખુશ્બુએ કહ્યું, “જો એણે મારી સાથે છેતરપીંડી કરી હોત તો હું પોલીસ ફરિયાદ કરેત પણ હાર્દિકે મારી સાથે પોલીસ ફરિયાદ કરવા જેવી કોઈ હરકત નહોતી કરી એટલે હું તેને દોષી ન ગણી શકું”

“એ પણ સાચું” કહેતા જયપાલસિંહ સંકેત તરફ ફર્યો, “તારે કંઈ બોલવું છે સંકેત ?”

“જેણે હાર્દિકની હત્યા કરી છે એ જલ્દી તમારી ગિરફ્તમાં આવી જાય” સંકેતે કહ્યું, “હું એટલું જ ઈચ્છું છું”

સંકેતની નાદાની ભરી વાતો સાંભળીને જયપાલસિંહ હળવું હસ્યો, “એ તો આવી જ જશે પણ તારે પોતાનાં બચાવમાં કંઈ બોલવું છે ?”

“હું પણ કાર્યવાહીમાં પોલીસને સહકાર આપીશ” સંકેતે કહ્યું.

“ગુડ.. સારી વાત કહેવાય..” કહેતાં જયપાલસિંહ જનક પાઠક તરફ ફર્યો, “તમે જણાવો સાહેબ…તમે તો પોતાનો દીકરો ગુમાવ્યો છે, આમાંથી જે અપરાધી નીકળશે એની વિરુદ્ધ તમે કેસ કરવા ઈચ્છો છો ?”

“ના” જનક પાઠકે સખ્ત અવાજે કહ્યું, “હું હાર્દિકનાં સ્વભાવ વિશે તમને જણાવી જ ચુક્યો છું અને જેણે હાર્દિકની હત્યા કરી હશે એ વ્યક્તિ હાર્દિક દ્વારા તરછોડાય હશે એવું હું માનું છું”

“ઓહહ..” કહેતાં જયપાલસિંહે કેતન માંકડ તરફ નજર ફેરવી, “તમારે કશું બોલવું છે કેતન સાહેબ ?”

“હું સસ્પેક્ટમાં નથી આવતો તો પણ મને અહીં શા માટે બોલાવવામાં આવ્યો છે?”

“થોડીવાર રાહ જુઓ સાહેબ, તમને ખાસ કારણથી જ બોલાવવામાં લાવ્યા છે” કહેતા જયપાલસિંહે જય અને શિવ તરફ નજર ફેરવી. બંનેને ઊડતી નજરે જોઈને જયપાલસિંહે સાગર સામે જોયું. સાગર રાવતની બાજુમાં બેઠો હતો. શિવ અને જય સાથે જયપાલસિંહે પહેલાં જ બધી પૂછપરછ કરી લીધી હતી એટલે તેઓને સવાલ પૂછવાનું જયપાલસિંહે ટાળ્યું હતું.

“તમે બધાએ પોતાનાં બચાવમાં જુદા જુદા કારણ આપ્યા છે અને બધાનાં કારણ મને વાજબી લાગે છે” જયપાલસિંહે કહ્યું, “પણ, મેં અગાઉ જણાવ્યું એ મુજબ કાતિલ આપણી વચ્ચે જ છે. એ હાર્દિક દ્વારા બ્લેકમેલ થયેલી નેહા ધનવર પણ હોય શકે અથવા બહેનનો બદલો લેવાનાં ઈરાદાથી મર્ડર કર્યું હોય તો ખુશ્બુ ગહરવાલ પણ હોય શકે. પોતાનો દિકરો કાબુ બહાર હતો અને વિકૃત હરકતો કરતો હતો, જેને કારણે પોતાની બદનામી ન થાય એમ વિચારીને હાર્દિકને ઠંડુ મૌત આપવાનાં ઈરાદો ધરાવનાર વ્યક્તિ તેનાં પિતા જનક પાઠક પણ હોય શકે અને વારંવાર હાર્દિક દ્વારા બેઇજત થનારા સંકેત રાઠોડ પણ હોય શકે. ઊપરાંત, જેણે પોલીસનાં બધા જ ટોર્ચર સહન કર્યા છે અને હવે એમ સમજે છે કે પોલીસ તેઓને શંકાની નજરે નહિ જોવે એવા બે સસ્પેક્ટ શિવ અને જય પણ હોય શકે”

જયપાલસિંહ કોઈ એન્કરની જેમ બોલી રહ્યો હતો, વચ્ચેવચ્ચે એ બધાનાં ચહેરા પર નજર ફેરવીને હાવભાવ પણ વાંચી લેતો હતો.

“હત્યારો કોણ છે એની મને નથી ખબર” જયપાલસિંહે વાત આગળ ધપાવી, “પણ, આપણી વચ્ચે બેઠેલા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સાગર સાહેબ હત્યારાને શોધી કાઢશે. હાર્દિકનાં ઘરની બાજુમાં જે ખાલી પ્લોટ હતો, ત્યાંથી તેઓને બે વ્યક્તિનાં પગલાનાં નિશાન મળ્યા હતા. જેમાંથી એક નિશાન માનસીનાં હતાં અને એક નિશાન કોઈ પુરુષનાં હતાં. અહીં પુરુષનાં પગલાં મળવાથી કાતિલ પુરુષ જ છે એવું સાબિત નથી થતું. સાગર સાહેબે એવું કામ કર્યું છે જેણે કાતિલ સુધી પહોંચવાનો રસ્તો સાફ કરી દીધો છે.

સાહેબે એક એવું ઇક્વિપમેન્ટ બનાવ્યું છે જેમાં હત્યારાએ હાથમાં ગ્લવ્ઝ પહેર્યા હોય તો પણ તેની આંગળીઓનાં નિશાન એ ઇક્વિપમેન્ટમાં આવી જાય છે. આ ઇક્વિપમેન્ટ હજી નવું જ છે એટલે તેનાં પરિણામ આવતાં પંદર દિવસનો સમય લાગી ગયો હતો.

આજે સવારે જ સાગર સાહેબે મને એ રિપોર્ટ આપ્યો છે. એ રિપોર્ટમાં એક વ્યક્તિની આંગળીઓનાં નિશાન અમને મળેલા છે જે કાતિલ છે. તમે બધા લોકો નિર્દોષ છો એવું હું માનું છું અને એટલે જ તમે બધા પોતાનાં હાથની ફિંગરપ્રિન્ટસ્ આપવામાં સહકાર આપશો એવુ હું માનું છું”

બધાએ હકારમાં માથું ધુણાવ્યું.

“અનિલ વારાફરતી બધાને મોકલશે, બધાએ પોતાનું નામ લખાવીને પેડ પર હાથ રાખવાનો છે” જયપાલસિંહે સૂચના આપી. ત્યારબાદ સાગર અને જયપાલસિંહ બાજુમાં રૂમમાં ચાલ્યા ગયા.

અનિલે વારાફરતી બધાને બાજુનાં રૂમમાં મોકલવાનું શરૂ કર્યું. અડધી કલાકમાં બધાની ફિંગરપ્રિન્ટસ્ પેડ પર લેવાઈ ગઈ હતી.

“સમજી ગયાને જયપાલસિંહ ?” સાગરે પૂછ્યું.

“એક હત્યારો તો પહેલા જ મળી ગયો છે, બીજો કોણ છે એ જાણવાનું છે હવે” જયપાલસિંહે કહ્યું.

“ચાલો મારી સાથે..” કહેતાં સાગર ઇન્કવાઇરી રૂમ તરફ ચાલ્યો. જયપાલસિંહ પણ તેની પાછળ પાછળ ચાલ્યો. બંને રૂમમાં પહોંચ્યા.

“કુલ છ લોકોની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી હતી” સાગરે બધા પર ઊડતી નજર ફેરવી, “નેહા, ખુશ્બુ, જનક પાઠક, સંકેત, જય અને શિવ”

“છ માંથી બે લોકોની ફિંગરપ્રિન્ટ મેચ થઈ છે અને એ વ્યક્તિ છે….”

કોણ હશે એ બે વ્યક્તિ ?

(ક્રમશઃ)