Hard work books and stories free download online pdf in Gujarati

મહેનતઉનાળુ વેકેશન પડ્યું એટલે જયાશું મામાના ઘરે જવા ઝીદ કરવા લાગ્યો.
મીના બહેન કચરો કાઢતા કાઢતા બોલ્યા.....!!! દીકરા હજી કાલે જ વેકેશન પડયું અને આજે મામાના ઘરે જવું છે? એક અઠવાડિયા પછી જઈશું.
પણ કેમ? મમ્મી.....
બેટા કાલે તારી લીલા માસી આવે છે એટલે આપણે બધાંજ સાથે જઈશું.
જયાંશુ એ તો એના માસીના છોકરાઓ સાથે ખૂબ જ ધમાલ કરી. અઠવાડિયું કયાં પસાર થઈ ગયું ખબર જ ના પડી.
મામાના ઘરે બધાં આવ્યા. મોજ મજા કરી. રાત્રી ભોજન પતાવી બધાં મસ્તી કરતા હતા ત્યાંજ નાના એ કહ્યું ચાલો એક વાર્તા કહું કોણે કોણે વાર્તા સાંભળવી છે?
જયાંશુ અને તેના મામા અને માસીના છોકરાઓ ચીકુ, રવી, પરી, સોનું, રાજ બધાં બકરીની જેમ મેં મેં મેં... કરવા લાગ્યા. બધા ભાઈ બહેન વાર્તાનું પાતાસું ખાવા મોઢું ખોલી નાનાની આજુ બાજુ બેસી ગયા.
નાના કહે છે..... ધ્યાન થી સાંભળજો. બધાં ભાઈ બહેન ડોકું હલાવી હા કહે છે.
તો સાંભળો..........!!!!!!
એક સરસ મજાનું નાનું સુંદરપુર નામનું ગામ હતું. નામ જેવું જ ગામ એકદમ સુંદર. ગામની શરૂઆત માં સરસ મજાનો વડલાનું ઝાડ, તેનાથી થોડા આગળ જઈએ તો ત્યાં ભોળાનાથનું સરસ મજાનું મંદિર અને બાજુમાં એક નાનું તળાવ. તળાવમાં સરસ એવા કમળ ખીલ્યાં હોય છે.
આ સુંદરપુર માં તમારા જેવો જ એક નાનકડો છોકરો રહેતો હોય છે. તેનું નામ રામ. તે તેની મમ્મી જોડે એક નાનકડી ઝુંપડીમાં રહેતો હોય છે. તે સવારે તેની મમ્મી ને ઘરકામમાં મદદ કરે છે અને બપોરે તે એક કરિયાણાની દુકાનમાં કામ કરવાં જાય છે.
ત્યાં રાજ વચ્ચે બોલે છે....!! દાદા એ સ્કુલમાં ભણવા નથી જતો? અને એની મમ્મી કેમ કામ કરવા નથી જતી?
બેટા એની મમ્મી પણ લાકડાં વેચવા જાય છે પણ આટલું પુરતું નહોતું અને તેના પિતાનું અવસાન થતા તેને શાળાએ જવાનું છોડી દીધું હતું પરંતુ તે રોજ રાત્રે પસ્તી માંથી લાવેલા પુસ્તકો વાંચતો.
હવે સાંભળો...
એક દિવસ કરિયાણાની દુકાનમાં પૈસાની ચોરી થઈ અને શેઠને લાગ્યું કે આ દુકાનમાં બસ આ રામ જ કામ કરે છે તો ચોરી રામે જ કરી હોવી જોઈએ. શેઠ રામને ઢોરમાર મારે છે. રામની આજીજી કરવાં છતાંય શેઠ એની વાત સાંભળતાં નથી અને કહે છે ગામની પંચાયત માં જે કહેવું હોઈ તે કહેજે...!! પંચાયત માં પણ રામ નિર્દોષ સાબિત થતો નથી. આથી તેને અને તેની મમ્મીને ગામ માંથી કાઢી નાંખવામાં આવે છે. તેઓ ગામથી હજારો કિ.મી દુર એક જગ્યાએ ચાલ્યાં જાય છે. ત્યાં કોઈ વસ્તી પણ નથી હોતી.
રામ તેની મમ્મી સાથે મળીને એક સરસ ઝૂંપડી બનાવે છે. અને ત્યાં રહેવા લાગે છે.
જ્યાંશુ બોલે છે.... નાનુ તો એ લોકો શું ખાતા હશે?
નાના કહે તું બહું ઉતાવળીયો છે બધું જ કહું છું. સાંભળો...!!!
એ લોકો જ્યાં રહેતા હતા તેના એક કિલોમીટરની અંતરે એક જ જંગલ હતું. અને નદી પણ. તો તેઓ ત્યાંથી ફળ લાવીને પોતાનું ગુજરાન ચલાવતાં.
અને સાથે સાથે તેઓ એ જ્યાં ઝૂંપડી બનાવી હતી. ત્યાં સુંદર મજાનો બાગ બનાવ્યો જાત જાતને ભાત ભાતના ફૂલોના છોડ રોપ્યાં. બે મહીનામાં તો ખૂબ જ સુંદર બગીચો બની ગયો હતો. બગીચાની બાજુમાં ફળોના છોડ રોપ્યાં અને બીજી જગ્યામાં તેઓએ શાકભાજી ઉગાડ્યા. તેઓનો બગીચો તો આહા..... એટલો સુંદર કે જાણે સ્વર્ગ.
તમને ખબર એ બગીચામાં રંગબેરંગી પતંગિયા, રંગબેરંગી પોપટ, ચકલી, મોર, મેના, કબૂતર, ખિસકોલી બધું જ હતું.
બંને મા દિકરા ખુબ જ મહેનત કરતાં આમ કરતાં કરતાં ૫ વર્ષ નીકળી જાય છે. હવે તો રામ પણ મોટો થઈ ગયો હોય છે. તે હવે શહેરમાં ફુલ, શાકભાજી અને અનાજ વેચવા જાય છે. અને ખૂબ પૈસા કમાઈ છે એ જોઈ રામની મા ખૂબ જ ખુશ થાય છે. થોડા સમયમાં તો રામ મોટો વેપારી બની જાય છે. શહેરમાં ફૂલની મોટી દુકાન, બે અનાજની દુકાન ખોલે છે. પણ તેમ છતાં રામ તેની મા સાથે તે ઝૂંપડીમાં જ રહે છે. કારણકે તેના માટે આજ ખુશી હતી. એક દિવસ રામની ઉપર ચોરીનો આરોપ મૂકનાર શેઠ રામની દુકાને અનાજ લેવા માટે આવે છે. રામ એમને અનાજ મફતમાં આપે છે. ત્યારે પેલો શેઠ પુછે છે કે તું આ અનાજ કેમ મને મફતમાં આપે છે? ત્યારે રામ કહે છે.... કાલુ શેઠ મને ઓળખ્યો નહીં? હું રામ. આ સાંભળતા જ શેઠ આશ્ચર્ય માં પડી જાય છે અને કહે છે...!! તું? તું મોટો વેપારી બની ગયો કે આજે હું મારી દુકાન માટે તારે ત્યાં અનાજ લેવા આવ્યો? રામ શેઠને પગે લાગે છે અને કહે છે હા....!!!
આ બધું તમારા પ્રતાપે જ છે. તમે ચોરીનો આરોપ લગાવીને મને ગામ માંથી બહાર નહીં કઢાવતે તો હું આજે પણ તમારો નોકર જ હોત.
જોયું દિકરાઓ મહેનત કરે તો આપણે જીવનમાં આગળ વધીએ.
ચાલો, તો તમે મને કહો કે આ વાર્તા માંથી તમે શું શીખ્યાં?
જયાશું કહે....નાનુ આપણે લાખો મુશકેલી આવે પણ મહેનત કરતા રહેવું જોઈએ સફળતા મળે જ છે.
રાજ કહે.... દાદુ આપણે ભણવા નહીં જઈએ તો પણ જીવનમાં સફળ થવાય જ છે.
આ સાંભળતા બધાં હસવા લાગે છે. ત્યારે નાના કહે છે કે ભણવા ના જઈએ પણ હોંશિયારી, ચપળતા,ખંત અને મહેનત ખૂજ જરૂરી છે.

શીખ:- *પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ.*
*પરિશ્રમ વિના પ્રારબ્ધ પાંગળું છે.*
*સધ્ધી તેને જઇ વારે જે પરસેવે ન્હાય.*
*મહેનત એ એવી સોનેરી ચાવી છે જે ભાગ્યના દ્વાર ઉઘાડી નાખે છે.**ઈશા કંથારીયા "સરવાણી"*

બીજા રસપ્રદ વિકલ્પો