Unfulfilled dream books and stories free download online pdf in Gujarati

અધુરું સ્વપ્ન



મધુર સંગીત વાગી રહ્યું હતું. ઘરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. મહેમાનોની અવર - જવર હતી. ઘર પણ લોકોથી ઉભરાતું નજરે પડતું હતું. ઘરમાં ઉપસ્થિત અને આવતા - જતાં મહેમાનોના ચહેરા પર પણ ખુશી ઝળકી રહી હતી. કોઈ આનંદનો પ્રસંગ વર્તાતો હતો.

બધા ખુશ હતા પણ નવવધૂનો શણગાર સજેલી માલતીનો ચહેરો મુરજયેલો હતો. એના પપ્પા થોડી - થોડીવારે એને જોઈ રહ્યા હતા. એ માલતીનો મુરજયેલો ચહેરો જોઈને મૂંઝવણ અનુભવી રહયા હતાં. એમને સમજાતું નહોતું કે, કેમ અચાનક આનો ચહેરો પડી ગયો એ વિચારે એમને ઘેરી લીધાં પણ બધી વિધિ ચાલુ થવાની તૈયારી જ હતી ને, આમ બધાની વચ્ચે કંઈ પૂછે કે, બાજુમાં લઇને પૂછે એ સારું પણ ન દેખાય. આ અવઢવમાં એ ફસાયા હતા.

જોતજોતામાં બધી વિધિ પુરી થઈ. કન્યાદાન થઈ ગયું. વિદાયનો સમય પણ આવ્યો પણ માલતી એના મમ્મી - પપ્પાને કંઈ કહી શકી નહીં. બધી ઔપચારિક વિધિ પુરી થઈ. રીતિ રિવાજો સંપન્ન થયાં.

માલતી સાસરીમાં ખુશ હતી. ત્યાં બધા એની સાથે સારું રાખતા માટે એને કંઈ ફરિયાદ નહોતી.

"લગ્નના દિવસે જાણવા મળેલી વાત ખોટી જ હશે !! જો સાચી હોય તો જાણ થયા વગર ન રહે." પોતાને દર્પણમાં જોતાં એ મનમાં વિચારતી હતી.

"માલતી !! માલતી……!! ની બૂમ સાંભળીને એ બહાર ગઈ. એના પતિ બહાર જવા માટે રાહ જોઇને બેઠાં હતાં. એ એના પતિ સાથે બહાર ફરવા નીકળી ગઈ. આમ જ સારી રીતે સમય પસાર થઈ રહ્યો હતો. લગ્નને પાંચ માસનો સમય પસાર થઈ ગયો હતો.

"આજે આટલું મોડું કેમ થયું હશે ? એ ક્યાં હશે ? આટલો સમય ક્યારેય નથી થયો." માલતી મનોમન વિચારી રહી હતી. એ ઘરમાં આમતેમ આંટા મારતી થોડી - થોડીવારે ઘડિયાળમાં જોઈ રહી હતી. રાત્રિના અગિયાર થઈ ગયા હતાં. સાસુ - સસરા એમના રૂમમાં ચાલ્યા ગયા હતાં. એ એકલી ડ્રોઈંગરૂમમાં આંટા મારી રહી હતી ને ફોન લગાવી રહી હતી પણ ફોન બંધ આવતો હતો. એ રાહ જોઈ રહી.

અચાનક ડોરબેલ વાગે છે. એ ઝડપથી દરવાજો ખોલે છે. એના પતિને જોઈને માલતીને આંખે અંધારા આવી જાય છે. ઘડીભર એ અવાક બની એને જોતી રહે છે. એનું મને વિચારશૂન્ય થઈ જાય છે. અચાનક એનો પતિ એને ધક્કો મારી ઘરમાં પ્રવેશ કરે છે અને જાણે અચાનક એ ભાનમા આવે છે. જુવે છે તો એના પતિના કપડાં અસ્ત - વ્યસ્ત, પગ લથળીયા ખાઈ રહ્યા હતાં, એ સરખું ચાલી શકતો નહોતો. એ નશામાં ચૂર હતો.

આ જોઈને માલતી ભાંગી પડી. એ સમયે એ શું બોલે કંઈ સમજાયું નહીં. એનો પતિ ત્યાં હોલમાં જ સોફામાં એ જ હાલતમાં સુઈ ગયો. એ પોતાના રૂમમાં ગઈ. એના મનમાં વિચારોનો ચક્રવાત ચાલુ થયો.ઘણાં પ્રશ્નોએ એને ઘેરી લીધી. ક્યારે સવાર પડે ને એ ઘરમાં વાત કરે ને પોતાના પ્રશ્નોના જવાબ માંગે આખી રાત એ વિચારોમાં રહી સવાર થતાં આંખ મીંચાઈને ત્યાં જ એના પતિએ બેડરૂમમાં પ્રવેશ કર્યો ને દરવાજો બંધ કરવાના અવાજથી એની ઊંઘ ઊડી.

અનેક પ્રશ્નો સાથે એ એને જોતી રહી. એ કંઈ બોલ્યાં વગર જ ત્યાં બેડ પર સુઈ ગયો. એ ઉઠીને આગળ ડ્રોઈંગ રૂમમાં આવી ગઈ. બધાની દિનચર્યા પતી કે પછી એણે પહેલો પ્રશ્ન પોતાની સાસુને કર્યો.

"મને લગ્નના દિવસે જાણવા મળ્યું હતું પણ ઘણું મોડું થઈ ગયું હતું. એ પછી જ્યારે હું આવી ત્યારથી આજ સુધી એવું કાંઈ થયું નહીં એટલે મને થયું કે, કહેનાર વ્યક્તિ ખોટી હશે કે કોઈ વેર કે ઈર્ષાથી કહ્યું હશે પણ ગઈ કાલ રાત્રે મેં જોયું……… "

આટલું બોલીને એ એના પતિને જોઈ રહી. બધા ચૂપ હતાં. એ જોઈને એને વધુ ગુસ્સો આવ્યો.

"તમે બધા ચુપ કેમ છો? આ જે રીતે નશાની હાલતમાં હતાં કે, ચાલવાનું ભાન નહોતું. એ એમનું કાયમનું છે ને ?" માલતી ગુસ્સામાં બોલી.

"હા !છે ને રેહશે. તારે મારી સાથે જ રહેવાનું છે. સમજી !!! તો હવે એ વાતને રડવાનું બંધ કર."
પોતાના પતિના મોઢે આ શબ્દો સાંભળીને એ આઘાત પામી.

"જેને આધારે અહીં આવી, જેની સાથે સપનાં જોયાં એ જ આવું બોલે?" એ વિચારથી એનું મન વિચલિત થઈ ગયુ. પપ્પાના ઘરની આર્થિક પરિસ્થિતિ ને મમ્મીની બીમારી જોઈને એને ત્યાં કાંઈ કેહવું યોગ્ય ન લાગ્યું.

ત્યારબાદ રોજનો આ જ ક્રમ રહ્યો. જેમ સમય પસાર થવા લાગ્યો એને ઘરે દીકરીનું પારણું બંધાયું. એ એના ચહેરાને જોઈને ખુશ થઈ જતી. બધી ઇચ્છા અને સપનાને એણે ઊંડે ક્યાંય હૈયાંમાં ધરબી દીધી હતી. જેમ સમય પસાર થતો હતો. એના પતિનું વ્યસન વધી રહ્યું. એના સસરાની નાની નોકરીમાંથી માંડ ઘરના અને બાળકીના ખર્ચ નીકળતા.

એક દિવસ અચાનક એના પતિની તબિયત ખરાબ થાય છે. હોસ્પિટલમાંથી જાણવા મળે છે કે, એના લીવર ખરાબ ખલાસ થઈ ગયાં છે. માલતી અને ઘરના સભ્યો પર જાણે દુઃખનો ડુંગર તૂટી પડ્યો. દિવસે - દિવસે એના પતિની તબિયત વધુ ખરાબ થવા લાગી. આ સાથે માલતીનું મનોબળ પણ તૂટી રહ્યું હતું પણ જેવી એની નજર બાળકી પર જતી અને એની કાલીઘેલી વાતો સાંભળતી ને એનું બધું દુઃખ ભૂલી જતી.

આ માંદગીમાં એના પતિનું અવસાન થયું. થોડાં મહિનાઓ પસાર થયા બાદ ઘરમાં બધું ધીમે - ધીમે પેહલાં જેવું ગોઠવાવા લાગ્યું હતું. માલતીએ આમ પણ લગ્નજીવનનું સુખ તો જોયું નહોતું. એ બાળકીમાં અને ઘરની જવાબદારીઓમાં વ્યસ્ત થઈ ગઈ પણ ક્યાંક ઊંડે એની અતૃપ્ત ઇચ્છઓ અને સપનાઓ જીવંત હતા. એ કોઈપણ અપરાધ વગર સજા ભોગવી રહી હતી.

જેવી બાળકી મોટી થઈ કે, સ્કૂલના ખર્ચ વધતા માલતીએ નાની નોકરી કરવા વિચાર્યું. એ સમયે એની મુલાકાત એક નિર્વિવાહિત યુવાન નિખિલ સાથે થઈ.

પેહલાં મિત્રતા અને પછી એ બંને ધીમે - ધીમે નજીક આવી રહ્યાં હતાં. હવે માલતીના ધબરાયેલાં સપનાં જાણે એ એના પ્રેમી સાથે પુરા કરવા માંગતી હતી.

"માલતી હું તને ક્યારેય દુઃખી નહી કરું. હું તારી સાથે કાયમ હોઈશ." નિખિલના આ શબ્દોએ માલતીને ફરી નવા સપનાં જોવા ઉત્સાહી કરી. બંને સાથે ઘણો સમય પસાર કરવા લાગ્યાં. બંને તન અને મનથી ઘણાં નજીક આવી ગયા હતાં.

હવે નિખિલના ઘરે એના લગ્ન માટે દબાણ થવા લાગ્યું. "મારા જીવનમાં જે છે એની સાથે હું ખુશ છું." નિખિલ મોટા અવાજે પપ્પાને કહે છે.

આ વાત સાંભળીને નિખિલના ઘરના એને મળવા રાજી થાય છે. એ સમયે જ "પપ્પા એ વિધવા છે ને એક દીકરીની માં પણ છે."

આ સાંભળીને એના પપ્પા એને તમતમતો તમાચો લગાવી દે છે. "તને શરમ નથી આવતી!! વિધવા સ્ત્રી સાથે………" આટલું બોલી મોઢું ફેરવી લે છે.

પપ્પા કેમ !!!એ વિધવા છે તો એ સપનાં ન જોઈ શકે ? એને જીવન જીવવાનો હક નથી?" નિખિલના પ્રશ્નો સાંભળીને એના મમ્મી - પપ્પા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા.

"જો તું એની સાથે રહીશ તો અમે તારો બહિષ્કાર કરીશું ને તારે અમારા સાથે રહેવું હોય તો એને ભૂલી જા. એના સિવાય કોઈ અન્ય ગમે તે સાથે લગ્ન કરી લે. અમને કોઈ વાંધો નથી." આટલું બોલીને નિખિલના પપ્પા ઘરની બહાર ચાલ્યાં ગયાં. એ પણ ગુસ્સામાં ઘરેથી બાઇક લઈને નીકળી જાય છે. એ ફોન કરીને માલતીને મળવા બોલાવે છે.

"માલતી! મારે કંઈ કેહવું છે." ઉદાસ ચહેરે એ બોલ્યો.

"હા!! નિખિલ બોલ! શું કહેવું છે?" કેહતા એણે નિખલનો હાથ પકડ્યો.

નિખિલ એના હાથમાંથી હાથ પાછો ખેંચી લીધો અને ઘરે જે ઘટના ઘટી એ બધું કહ્યું. માલતીના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. આંખોમાં આંસુ આવી ગયાં.

"તો તું એમ કહેવા માંગે છે કે, આપણે અહીંથી અલગ થવું પડશે? ને તારી સાથે આખું જીવન જીવનાનું, તારો હાથ પકડી કાયમ ચાલવાનું, સુખ - દુઃખ સમભાગે વહેંચવાનું મારા આ બધા સપનાં અધૂરાં જ રહી ગયાં. મારી વ્યથા પણ હું કોઈને ન કહી શકું. આંખોમાં આંસુ સાથે એ એની સામે જોતાં બોલી.

નિખિલ કઈ જવાબ ન આપી શક્યો. માલતી કંઈપણ બોલ્યાં વગર ચલાવા લાગી. નિખિલ એને જતી જોઈ રહ્યો પણ એને રોકી ન શક્યો કે ન કંઈ બોલી શક્યો.


✍……ઉર્વશી. "આભા"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED