ટોઇંગ વાન Mukesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટોઇંગ વાન

શ્રીમાન આ વાર્તા સળંગ પરંતુ ત્રણ ભાગમા મોકલેલ છે તો કૃપા કરી ત્રણ ભાગમાં પ્રકાશિત કરશોજી --આભાર ટોઇંગ વાન

મુકેશ પંડયા

ભાગ-1

ચાહ બગડે તેની સવાર બગડે અને દાળ બગડે તેનો દિવસ બગડે.એવું કેટલાક લોકો કહેતા ગયા છે અને કેટલાક કહેતા રહ્યા છે.પરંતુ કર્ણનું તો બંનેમાંથી કશુંજ બગડયું ન હતું છતાં પણ સવારથી જ જાણે તેનો દિવસ બગડયો હતો.સરકારી નળમાંથી પીવાનું પાણી ભરનાર તેનો દિકરો નેશનલ ગેમ રમવા મદ્રાસ ગયો હોવાથી તેણે પાણી ભરવા વહેલા ઊઠી જવું પડયું.અને ત્યારબાદ પ્રયત્ન કર્યા પછી પણ તે સૂઇ ન શક્યો. ચાહ-નાસ્તો કરવા બેઠો ત્યાં ઓફિસના બોસનો ફોન આવતાં બપોર બાદ ઓફિસ પહોંચવાનો આદેશ માનવું પડે તેમ હતું. સ્નાન,પૂજા-પાઠ કર્યા બાદ સાઇડ બિઝનેસની ઉઘરાણી કરવા ગયો ત્યાં લગભગ બધાએ મંદી ના રોદણાં રોતા પછી પૈસા લઇ જવાની વાત સાથે દેશ-વિદેશની ઘટનાઓ, કંટાળાજનક અટકળો અને પોતાના વિચારો સંભળાવતા રહ્યા. સાથે સાથે લારીનાં સસ્તા તૂટેલા-ફૂટેલા કપ-રકાબીમાં અલગ અલગ સ્વાદ વાળી ચાહ પણ તેને પીવી પડી એટલે બગડેલા મોં અને ચહેરા સાથે કર્ણ ઘેર પાછો ફર્યો ખાલી હાથે.ઉધરાણીમાં મોડું થવાથી સવારનો જમવાનો સમય પસાર થઇ ગયો હતો જેથી સ્વાદિષ્ટ ભોજન પણ બે-સ્વાદ લાગી રહ્યું હતું.જમ્યા બાદ વામકુક્ષી કરવાની ઇચ્છા થઇ તો ઓફિસ જવાનો સમય થવા આવ્યો એટલે બગડેલો મુડ લઇને તે ઓફિસ ઉપડયો.દિવાળી આવી રહી હોવાના કારણે ઝડપથી બાકીના કામો પૂરા કરવાની બોસની ઇચ્છાને લીધે ઓફિસમાં નિયત સમય કરતાં બે કલાક વધારે રોકાવું પડયું.ઓફિસથી ઘેર પહોંચ્યો તો પત્ની બાળકો સાથે તેની મિત્રને ઘેર ગયાની ચિઠ્ઠી મુકી ગઇ હતી અને સાંજે તેને પણ તેની મિત્રના ઘેર આવી જવાની વાત લખી હતી. સવારથી જ આવી બધી અનિશ્ચિતતાઓએ કર્ણ ને ડિસ્ટર્બ કરી દીધો હતો અને સાંજ સુધીમાં તો તેનું મગજ જાણે બહેર મારી ગયુ હતું.ઘરમાં એકલો હોવાથી શવાસનની મુદ્રામાં સુઇ જઇને મનને શાંત કરવાની કોશીશ કરી પણ મન,વિચારો કાબુ ન કરી શકતાં પરિણામ મન માફક મળ્યુ નહીં.થોડીવાર બાદ બાથરૂમમાં જઇ સ્નાન કરવામાં વધારે સમય વિતાવ્યો. શરીર સ્વચ્છ થયું પરંતુ મન તો અસ્વસ્થ જ રહ્યું.અંતે મિત્ર દેવ ને ફોન કરીને ઘેર બોલાવ્યો.દેવ તેના ઘેર આવતાં થોડીવાર બાદ બંને મન બહેલાવ માટે લો-ગાર્ડન તરફ જવા નીકળ્યા. આજે રવિવાર હોવાથી લો-ગાર્ડનનું વાતાવરણ રોજ કરતાં અલગજ હતું.આખો વિસ્તાર વાહનો,માણસો, અવાજથી ભરચક હતો.કર્ણ થોડી શાંતિ ઇચ્છતો હતો.પરંતુ અહીંયા આટલા બધા વાહનો અને માણસોનો જથ્થો જોઇને મનોમન કશું બબડયો.મધપૂડામાં વળગેલ મધમાખીઓના સમુહ જેવો માણસોનો સમુહ લો-ગાર્ડનમાં જોઇને તેણે ગાર્ડનમાં જઇને બેસવાનું પણ માંડી વાળ્યું. એક વ્યવસ્થિત જગ્યા જોઇ ગાર્ડન તરફની ફૂટપાથ પાસે બાઇક પાર્ક કરી બંને જણા તેના ઉપર બેસી લોકોની અવરજવર નિહાળવા લાગ્યા.ઘેરથી લો-ગાર્ડન પહોંચતા સુધીમાં દેવ પણ કર્ણની દિનચર્યા જાણી ચુક્યો હતો એટલે તે પણ ચૂપચાપ હતો.જોકે તે વાતોવાતોમાં એકાદ જોક સંભળાવી દેતો કે કોઇની મજાક-મશ્કરી કરી લેતો કે પછી તેમની સામેથી પસાર થતી કોઇ સુંદરીને એક નજરથી જોઇ લેવાનું સુચન કર્ણને કરતો.પરંતુ આજે કશું પણ કર્ણને આનંદદાયક લાગી રહ્યું ન હતું.તે મિત્રાચારી ખાતર યંત્રવત દેવ ના દરેક મુદ્દા પર પ્રતિભાવ આપતો. થોડીવાર બાદ તેણે સિગારટ પીવાની ઇચ્છા દર્શાવી એટલે દેવ સિગારેટ લેવા ઉપડયો.આ દરમ્યાન થોડેક દૂર તે એક ટોઇંગવાન ને આવીને ઊભેલી જોતો રહ્યો. ટોઇંગવાનમાંથી બે ત્રણ યુવાનો કમાન્ડોની ઝડપે નીચે ઉતર્યા અને આસપાસ પાર્ક કરેલ સ્કૂટર,મોટર સાયકલ, મોપેડ જેવા દ્વિચક્રી વાહનોને પાછળના ટાયર તરફથી અધ્ધર કરી,આજુબાજુ ઘુમાવતા ઘુમાવતા,આગળ તરફ ધકેલતાં ધકેલતાં ટોઇંગવાન તરફ લઇ ગયાં.પછી ટોઇંગવાન પર ઊભેલી અન્ય વ્યકિતને વાહનની એક સાઇડ અધ્ધર કરીને પકડાવી દીધી અને પોતે વાહનનો જમીન તરફનો ભાગ અધ્ધર કર્યો,બે-ત્રણ મિનિટ જેટલા ઓછા સમયમાં વાહનને વાન પર સલામત રીતે ગોઠવી દીધું. સાત થી દસ મિનિટમાં પાંચ-સાત સ્કૂટર તથા બાઇક વાન પર ચઢાવી દીધાં અને ટોઇંગવાન આગળ વધી ગઇ.કર્ણ તેની પાસેથી પસાર થઇ રહેલ ટોઇંગવાનને જડવત્ જોતો રહ્યો.તેને તે દરમ્યાન એ પણ ભાન ન રહ્યું કે તેની આજુબાજુમાં પાર્ક કરેલ સ્કુટર,બાઇક માલિક ટોઇંગવાનને જોઇને પોતપોતાનું વાહન લઇને ચાલ્યા ગયા હતાં.તે વિચારશૂન્ય પોતાની બાઇક પર બેસી રહ્યો હતો. થોડીવાર બાદ દેવ સિગારેટ લઇ આવ્યો.કર્ણ એ દેવની સિગારેટ વડે પોતાની સિગારેટ સળગાવી જોરદાર કસ ખેંચીને ધૂમાડો હવામાં તરતો મુકયો. સિગારેટનો ધૂમાડો પણ તેના જેવો શુષ્ક અને બેજાન લાગી રહ્યો હતો.મોસમની અસર હતી કે વાતાવરણમાં ગરમી હતી ને પવન જરાપણ ન હતો તેથી સિગારેટનો ધૂમાડો તેની આસપાસ જ ધીમું તાંડવ કરી રહ્યો હતો. થોડાજ સમય બાદ તેમની બાઇકની આસપાસના ખાલી સ્થાન પર ચણ ચણવા એક પછી એક ઊતરી આવતાં પક્ષીની માફક અન્ય દ્વિચક્રી વાહનો ફરી પાર્ક થવા લાગ્યા. સિગારેટ પૂરી કર્યા બાદ કર્ણ એ થોડી તાજગી મહેસૂસ કરી.બાઇક પરથી ઉતરીને તેણે જોરદાર આળસ ખાધી.બાઇકના સાઇડ ગ્લાસમાં પોતાના ચહેરાનો જોતો રહ્યો પછી વિખરાયેલા વાળ હાથ વડે સરખા કરવા લાગ્યો.તે સમયે તેની બંને તરફ એક તરફ બાઇક અને એક તરફ મોપેડ આવીને પાર્ક થયા. પોતાના વાળ બાઇકનાં મિરરમાં ઠીક કરતાં કરતાં કર્ણે એ પોતાની પાછળની તરફ પાર્ક થઇ રહેલ બાઇક તરફ માત્ર ગરદન ઘુમાવીને જોયું.પાર્ક કરેલ બાઇક પરથી એક ત્રીસ-બત્રીસ વર્ષ આસપાસની એકદમ નવા અને સુંદર વસ્ત્રોમાં સજ્જ યુવતી ઊતરીને પોતાના વાળ,વસ્ત્રો ઠીક કરી રહી હતી.બાઇકનો ચાલક બાઇકને યોગ્ય રીતે પાર્ક કરવાનો પ્રયાસ કરતો હતો.યુવતીને જોતાં જ કર્ણને આંચકો લાગ્યો

ભાગ-2

કર્ણ એક નજરે યુવતિને જોતો રહ્યો.તે યુવતિની નજર એકાએક કર્ણ ઊપર પડી તો એક ક્ષણ માટે તેણીની બધી પ્રવૃતિઓ થંભી ગઇ,પણ પછી તરતજ તેણે કર્ણ ઊપરથી નજર હટાવી દીધી અને તેની વિરૂધ્ધ ફરી જઇને ઊભી રહી ગઇ.તેણીના આ વહેવારથી કર્ણ વિચલિત થઇ ગયો,પરંતુ તેની નજર તે યુવતી પરથી હટવાનું નામ લેતી ન હતી.યુવતીને જોયા બાદ તે ઉપરથી નીચે સુધી હચમચી ગયો હતો. અચાનક કર્ણની નજર તેણી સાથે આવેલા પુરૂષ ઉપર પડી.પુરૂષની આંખોમાં તેને થોડું ખુન્ન્સ દેખાયું છતાં કર્ણ એ યુવતી તરફ જોવાનુ ચાલુ રાખ્યું એટલે અજાણ્યા પુરૂષની આંખોમાં ખુન્ન્સ વધવા લાગ્યું.તે પુરૂષે તેની આંખોમાં બદઇરાદો અને બદનિયત વાંચ્યા એટલે કર્ણને તે ઘૂરીઘૂરીને જોતો હતો.યુવતી કર્ણથી ઊંધી દિશામાં ફરીને પોતાના વાળ ઠીક કરવા લાગી.કર્ણની પાછળ તરફ પાર્ક કરેલ મોપેડ પાસેથી અવાજ આવ્યો.“મંમી જલ્દી કરને હવે બહુ થયું.” શબ્દોએ તેને પોતાની પાછળ જોવા મજબૂર કર્યો.કર્ણ એ ચૌદ-પંદર વર્ષની એક કન્યાને જોઇ.તે સુંદર કન્યાને જોતાંજ કર્ણ જાણે પાણી-પાણી થઇ ગયો અને તેને જોતો જ રહ્યો.તેના હાથ-પગ જાણે ચેતના હરી લીધી હોય તેવા થઇ ગયાં.કર્ણ તે કન્યા પરથી પોતાની નજર હટાવવા ઇચ્છતો હતો પરંતુ તે તેમ કરવું જાણે તેના વશમાંજ ન હતું.કર્ણ કયારેક કન્યાને તો કયારેક તે કન્યાની યુવાન માતાને વિહવળતાથી જોતો રહેતો.તે તેમની સાથે બે શબ્દો બોલવા,વાત કરવા અધીરો થઇ રહ્યો હતો.વ્યાકુળતા, વ્યગ્રતા, બેચેનીના ભાવોમાં કર્ણ ડૂબી રહ્યો હતો.પરંતુ તે કશુંજ ન બોલવા કે કશુંજ ન કરવા મજબૂર હતો.અરે,કન્યા નહીં તો યુવતી,ગમે તે કોઇ એક તેની સાથે માત્ર બે શબ્દોની આપ-લે કરે તેમ કર્ણ ઝનૂનપૂર્વક વિચારવા લાગ્યો.તે વારંવાર યુવતી અને કન્યા તરફ જોતો રહ્યો,પરંતુ તે બંને તેની ઇચ્છાથી બેખબર આગળ ચાલવા લાગી અને થોડે દૂર જઇને ખુન્નસભરી આંખો વાળા પુરૂષની રાહ જોતી ઊભી રહી ગઇ. ખુન્નસવાળી આંખોએ તે કન્યા અને યુવતીને આગળ વધવા ફરમાન કર્યું અને પોતે પોતાની બાઇક પાસે આવીને ઊભો રહી ગયો.પુરૂષનું ફરમાન સાંભળી કર્ણની નજર ખુન્નસવાળી આંખો સાથે ટકરાઇ,ખુન્નસ તે પુરૂષની માત્ર આંખોમાં ન રહેતાં તેના ચહેરા અને આખા શરીરમાં ફેલાઇ ગયું.દાંત પીસતા તે ખુન્નસભરી આંખો કર્ણને સંબોઘતા બોલી “આટલી બેશર્મ આંખો મેં કયારેય જોઇ નથી..." હ્રદયમાં સોંસરવા ઉતરી જતા શબ્દબાણથી કર્ણનાં બગડેલા મુડમાં ગુસ્સો ભળ્યો પણ તેણે કોઇપણ પ્રકારનો પ્રતિભાવ ન આપ્યો.પરંતુ ત્યાં હાજર દેવ એ આવેશમાં આવી જઇને ખુન્નસવાળી આંખોનો કોલર પકડી તેને મારવા માટે મુક્કો ઊગામ્યો પરંતુ કર્ણ એ તેનો હાથ પકડીને તેમ કરતા તેને રોકી લીધો,અને ખુન્નસભરી આંખોને “આઇ એમ સોરી” કહીને પોતાની બાઇક ઉપર આવીને બેસી ગયો.આ દરમ્યાન તેના હાથમાંથી કયારે સિગારેટ છૂટી ગઇ તેનું તેને ભાન જ ન રહ્યું.આસપાસની દુનિયા નિશ્ચિંત યથાવત ચાલી રહી હતી. દુર્ઘટનાઓ આજે કર્ણનો કેડો મુકી રહી ન હતી.થોડીવાર બાદ તેના મિત્ર દેવએ પેલી ખુન્નસભરી આંખોને તેની બદતમિજી બાદ પણ છોડી દેવા બદલ કર્ણને રીતસરનો ખખડાવી મુક્યો અને તેની પાસે આવું કરવા બદલ સફાઇ માંગી.પરંતુ તેણે કાંઇપણ સફાઇ આપવાને બદલે દેવને પણ ખામોશ રહેવા કહ્યું.બંને ચુપચાપ ઊભા રહ્યા.થોડીવાર બાદ દેવએ પોતાનો મૂડ ઉખડી જવાની વાત કરતાં ઘેર પાછા જવાની વાત કરી.કર્ણ પણ ઘેર જવા તૈયાર થઇ ગયો. ઘેર પરત ફરવા દેવ એ કીક મારીને બાઇક સ્ટાર્ટ કરી.કર્ણ બાઇક પર બેસવા ગયો ત્યાં દૂરથી ટોઇંગવાનને તેની તરફ આવતી જોઇ અને તેના મૂડમાં એકદમ પરિવર્તન આવી ગયું.ઘેર જવાનો ઇરાદો બદલતા તેણે દેવને કહ્યું “તું ઉતર અને બાઇક મને આપ અને સાંભળ,ટોઇંગવાળાથી આ બાઇક અને મોપેડને તું બચાવજે.હું એ લોકોને બોલાવી લાવું....”કહીને તેણે ખુન્નસવાળી આંખોનું બાઇક અને કન્યાનું મોપેડ બતાવ્યું. “શું મગજની નસ ખેંચે છે યાર,તારા માટે હું તેને ફટકારવાનો હતો....તને ગમે તેમ બોલી ગયો હતો અને પાછો તે લોકોની ચિંતા કરે છે ? અરે મરવાદે તેમના વાહન ટોઇંગવાળા ભલે લઇ જતા આપણે દયા ખાવાની કયાં જરૂર છે ?”દેવએ ગુસ્સાભેર કહ્યું. "તું એ બધી વાત જવાદે...ચાલ ઉતર,તું મને બાઇક આપ.” “તું આ બધા મજનુ વેડા છોડ,પેલી તારી સગલી થાય છે? ચાલ બાઇક ઉપર બેસ.” “તારી જીભડી બંધ કર..મારા મૂડને વધારે ખરાબ ના કરીશ.તું જલ્દી ઉતર અને બાઇક આપ”.અકળામણ સાથે કર્ણનો ગુસ્સો પણ ભળ્યો. દેવએ વધુ રકઝક કર્યા વગર કર્ણને બાઇક આપી દીધી.કર્ણ પૂરઝડપે બાઇકને યુવતી અને કન્યા ગયા હતા તે તરફ હંકારી ગયો.દેવ તેના આ વર્તનનું અનુસંઘાન મેળવી ના શક્યો. વ્યગ્રતા સાથે તે ટોઇંગવાનને નિહાળી રહ્યો.અત્યાર સુધી સિગ્નલમાં ઊભેલ ટોઇંગવાન સિગ્નલ ચાલુ થતાં તેની તરફ આવી રહી હતી.દેવએ એક નજર કર્ણ ગયો હતો તે તરફ નાખી,પછી આવી રહેલ ટોઇંગવાન તરફ નજર કરી.ટ્રાફિકની બહુલતા હોવાથી વાન કીડીની ગતિથી આગળ વધી રહી હતી. ટોઇંગવાનની ગતિ સાથે દેવની બેચેની પણ વધી રહી હતી.તેણે ફરી કર્ણ તરફ નજર દોડાવી પરંતુ વાહનોની ભીડમાં તે ખાસ કશું જોઇ શક્યો નહીં.વાહનોની ભીડ ઓછી થતાં અને જગ્યા મળતા વાહનો ગતિ પકડી રહ્યા હતાં તેથી ટોઇંગવાનની ગતિમાં પણ વધારો થઇ રહ્યો હોય તેવું દેવને્ લાગ્યું.થોડીજ વારમાં તે વાન તેનાથી સો મીટર દૂર આવીને ઊભી રહી ગઇ.વાનમાંથી કમાન્ડોની ઝડપે ત્રણ-ચાર પુરૂષો નીચે ઊતરી પડયાં અને આસપાસના દ્વિચક્રી વાહનો ઉપાડીને ઝવાનમાં ચઢાવવા લાગ્યા.

ભાગ-3

દેવ લાચાર થઇ ટોઇંગવાળા લોકો ના કરતબ જોતો રહ્યો.આસપાસના વાહનો ઉઠાવ્યા બાદ હવે પેલી ખુન્નસભરી આંખો વાળાની બાઇકનો જ નંબર આવવાનો હતો.દેવ નક્કી ન કરી શક્યો કે તેણે શું કરવું જોઇએ.દેવને કર્ણ ઉપર ગુસ્સો આવી રહ્યો હતો કે તેને આ લોકો ઉપર શું કામ એકદમ હેત ઉભરાઇ આવ્યું.કોણ હશે તે સ્ત્રી તેની જૂની પ્રેમિકા ? અને પેલી છોકરી ? પણ આ બધા જવાબ મેળવવાનો અત્યારે સમય ન હતો.એક તરફ દેવને બાઇકના માલિક તરફ ગુસ્સો હતો તો બીજી તરફ મિત્રાચારીની ફરજ હતી.ટોઇંગવાળા કમાન્ડોને ખુન્નસવાળી આંખો ની બાઇક તરફ આવતો જોઇને દેવએ તુરંત વિચારી લીધું.તેણે પેન્ટનાં ખિસ્સામાં હાથ નાખીને ચાવી કાઢવાનો ડોળ કરતાં બાઇક પર બેસી ગયો.તેને બાઇક પર બેસેલો જોઇને ટોઇંગવાળાએ તેને હુકમ કર્યો “તમારું વાહન હટાવી લો જલ્દી...” બોલીને તે પેલી કન્યાના મોપેડ તરફ આગળ વધ્યો.દેવ હવે કશીજ કરામત કે ચાલાકી કરી શકે તેમ ન હતો તેથી દેવને ફરી કર્ણ ઉપર ગુસ્સો આવ્યો.અચાનક એક જોરદાર બ્રેકની ચીસ દેવનાં કાનમાં પડી.કર્ણ ખુન્નસવાળી આંખો અને પેલી કન્યાને બાઇક ઉપર બેસાડીને લઇ આવ્યો હતો.ખુન્નસવાળી આંખો અને કન્યા પોતપોતાના વાહનને ચાવી લગાવી ટોઇંગ કમાન્ડોની ચુંગલમાથી વાહનને બચાવી લઇને ભીડમાં ભળી ગયાં.ટોઇંગ કમાન્ડો એક ક્ષણ દેવને ધૃણિત નજરે જોતો આગળ વધી ગયો. પોતાની કાર્યસફળતાથી કર્ણ અને દેવ બંને ખુશ હતાં.બંનેનાં મૂડમાં એકદમ પરિવર્તન આવી ગયું.થોડા સમય બાદ બંનેએ ઘર તરફ પ્રયાણ કર્યું.અંકુરચાર રસ્તા પાસે ચાહની એક કીટલી પાસે બાઇક થોભાવી બે ચાહનો ઓર્ડર આપ્યો.કર્ણ મૂડમાં હતો પરંતુ દેવ થોડો બેમૂડ હતો.ચાહ પીતા પીતા દેવએ કહ્યુ “પેલાને ઠીક કરવાને બદલે તેં દયા કેમ ખાધી ? આજે તારો મૂડ જોતા તો મને લાગ્યુ હતું તું તેના ઉપર જોરદાર રીતે હાથ સાફ કરીશ.પણ તેં તો ખરૂ કર્યું.પેલો અજાણ્યો માણસ તને ગમે તેમ બોલી ગયો અને તેં કશું કર્યું નહીં અને મને પણ તેં રોકી દીધો…!

તારું વર્તન મને હજી સમજમાં નથી આવતું.” “અરે,તું છોડ એ બધી વાત અને ચાહ પી,મેં તો મારી ફરજ બજાવી છે.” “બીજા લોકોનાં પણ વાહનો ત્યાં હતા,તેમના માટે કેમ ફરજ ના બજાવી ?” “એ વાત તું નહી સમજી શકે.” “શું? તારી વાત કે તારા મજનૂવેડા ?કોણ હતી પેલી યુવતિ અને છોકરી ? સ્કૂલ વાળી હતી કે કોલેજવાળી?જોકે બંને હતી સુંદર. દેવની વાત અને શબ્દોથી કર્ણ હચમચી ગયો.તે મા-દિકરી વિષે તે હવે વધુ સાંભળી શકે તેમ ન હતો. હુકમમાં ગુસ્સો ભેળવતાં તેણે દેવને કહ્યું. “બસ હવે એક શબ્દ ના બોલીશ તે લોકો માટે.અને હવે જાણી લે કે કોણ હતી એ યુવતી અને છોકરી.”ગળામાં ડૂમો ભરાઇ આવતાં થોડી ક્ષણો બાદ ગળગળા સ્વરે કર્ણ બોલ્યો “દેવ તે છોકરી આજ મારી દિકરી હોત અને હું તેનો બાપ હોત.” "શું વાત કરે છે યાર !શું આ તારી પ્રથમ પત્ની….! "નહીં યાર...નહીં,એ છોકરી મારી દત્તક દિકરી હોત અને હું તેનો બાપ.કિશન કનૈયાની બે માતાની જેમજ પેલી યુવતી તેને જન્મ આપનારી માતા અને મારી પત્ની તેની પાલક માતા ગણાત". "ઓહ,એવું તો શું છે યાર,મને વિગતથી સમજાવ"દેવએ નરમાશભર્યા સ્વરમાં કહ્યું. ચાહનો એક ઘુંટડો ભરતા કર્ણ બોલ્યો “તું મારા નાનાભાઇ રાજનને તો જાણે છેને દેવ.તેણે આ લગ્ન પહેલાં એક પ્રેમલગ્ન પણ કર્યા હતા, પેલી યુવતી મારા નાનાભાઇની પત્નિ અંજના હતી.તેમના લગ્ન તે બંનેની બાળકબુધ્ધિ,અનુભવહીનતા અને બંને વેવાણોના અહમને કારણે ચાર વર્ષ બાદ છુટાછેડામાં પરિણામ્યા હતાં.તે સમયે તેમને ત્રણ વર્ષની એક દિકરી હતી.તે આ દિકરી રિધ્ધિ.તે લોકોનાં છુટાછેડા સમયે મારી પત્ની અને મેં,અમારે પણ રિધ્ધિની ઉંમરનો દિકરો હોવા છતાં રિઘ્ધિને દિકરી તરીકે રાખી લેવાની ઇચ્છા દર્શાવી હતી પરંતુ સંજોગોને તે મંજુર ન હતું.અંતમાં રિધ્ધિ અમારા ખાનદાનમાં ન રહેતા તેની માતાના ખાનદાનમાં દત્તક લેવાઇ.” અંજનાને અત્યારે અમારા ઘરનાં સૌ લોકો ખુબ યાદ કરે છે.સૌને તેની સાલસતા અને સરળતાની કદર થઇ રહી છે.ઘરનાં સૌ તે સમયની ભૂલો,નિર્ણયો ઉપર પારાવાર ખેદ વ્યક્ત કરી રહ્યા છે. છુટાછેડા બાદ અંજનાએ બીજા લગ્ન કર્યાનાં સમાચાર જરૂર મળ્યા હતા પરંતુ કયાં અને કોની સાથે લગ્ન કર્યા તેની અમને આજે પણ ખબર નથી અને તેની સાથેનાં આ પુરૂષ વિષે આપણે શું વિચારી શકીએ ? આજે દસ-બાર વર્ષ બાદ મા-દિકરી બંનેને મેં પ્રથમ વખત જોયા.હવે તુંજ કહે હું મારી નજર સામે દિકરીનું નુકશાન કેમ થવા દઉં? અને એની સાથેની વ્યકિત ઉપર હું હાથ પણ કેમ કરીને ઉપાડું? એ મા-દિકરી સાથે મારી વાત કરવાની પ્રબળ ઇચ્છા થઇ રહી હતી.રિધ્ધિને જોઇને મારું મન તેમની સાથે વાત કરવા ખુબજ વ્યાકુળ અને બેચેન થઇ ગયું હતું.અંજનાએ એકવાર મારી સાથે નજર મેળવીને નજર હટાવી લીધી એટલે મારી સામે ચાલીને તેની સાથે બોલવાની હિંમત ના થઇ.વળી, હું તેને બોલાવીને તકલીફમાં મુકવા માંગતો ન હતો,બસ તે બંનેને જોઇ સંતુષ્ટિ મેળવતો હતો.હું પેલા પુરુષને કેમ સમજાવું કે મારી આંખોમાં બેશરમી ન હતી પણ પિતૃભાવ હતો,આદરભાવ હતો,ચાહત હતી.જોકે સ્વભાવિક છે કે પેલો ખોટું જ સમજે અને એણે એ જ કર્યું જે એક મરદે કરવું જોઇએ."કર્ણ અસ્ખલિત બોલ્યો જતો હતો.દેવ પાસે વિચારવા કે બોલવા કોઇ શબ્દો ન હતાં. એક વાત સાંભળ દેવ" મારા મોટા દિકરા દ્રોણ અને રિધ્ધિના જન્મતારીખ વચ્ચે માત્ર એક દિવસનું અંતર છે.ગઇકાલે જ દ્રોણનો જન્મદિવસ હતો.આજે આ મારી દિકરીનો જન્મદિવસ છે.હવે તુજ વિચાર કર આવા શુભદિવસે કયો બાપ પોતાની દિકરીને પરેશાન થવા દે?" દેવ પણ કર્ણ સાથે ભાવનાના સાગરમાં વહેવા લાગ્યો.આનંદ,ખુશી,ગમ,દુઃખની મિશ્ર લાગણીઓએ તેમની જબાન હરી લીધી.ઘણી વાર સુધી કર્ણ અને દેવ ખામોશ બેઠા રહ્યાં. થોડીવાર બાદ કર્ણ એકદમ મૂડમાં આવીને બોલ્યો “ચાલ દેવ રિધ્ધિનો જન્મદિવસ મનાવીએ.” ચાહ પતાવી તેના પૈસા ચુકવીને બંને જણાએ મંદિરમાં જઇને દર્શન અને પ્રાર્થના કર્યા બાદ કેક ખરીદી એક રેસ્ટોરન્ટ પર પહોંચ્યા.કર્ણએ તેની પત્નિને ફોન કરીને તેની મિત્રના ઘેરથી બાળકો સાથે સીધા રેસ્ટોરન્ટ પર આવી જવા જણાવ્યું. દેવએ કર્ણ સાથે હાથ મિલાવતા કહ્યું "દિકરી રિધ્ધિનો જન્મદિવસ મુબારક હો".

સમાપ્ત.