કાગ કથા Mukesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાગ કથા

કાગ કથા

મુકેશ પંડયા
કલ્લુ કાગડાને તેનો મિત્ર કાળુ કાગડો ઘણા દિવસો બાદ અચાનક તેના હવાઇમાર્ગ પર ભટકાઇ ગયો.કાળુ કલ્લુને ઘણા સમય બાદ મળ્યો હતો એટલે શાંતિથી બેસીને વાતો કરવા માટે જાહેર રસ્તાની આરપાર નીકળતા ટીવી ચેનલનાં વાયરની ઉપર નીચેની વસ્તીની અવર-જવરથી દૂર તેને ઊંચા એકાંતમાં લઇ આરામથી બેઠો.મિત્રતાનાં ભાવથી ઉભરાઇ જતાં કાળુએ કલ્લુ સામે જોઇ માણસ ચાકુને પત્થર પર ઘસીને ધાર કાઢે તેમ પોતાની ચાંચને ચેનલનાં વાયર ઉપર વારંવાર ઘસવા લાગ્યો. તેના જવાબમાં કલ્લુએ કાળુની ડોકમાં બે-ત્રણ વખત પોતાની ચાંચ ઘુસાડીને પછી ચેનલનાં વાયર ઉપર પોતાની ચાંચ ઘસી.પછી બંને જણાએ પોતાની પાંખોને હવામાં ફફડાવી અધિક આનંદ વ્યકત કરતા એકબીજાનું અભિવાદન કર્યું.કાળુ થોડી ક્ષણો બાદ કલ્લુની વધુ નજીક જતાં બોલ્યો

“શું છે યાર આજકાલ કયાંય નજર નથી આવતો ? ડાલચંદ ચવાણાનીં દુકાનનાં છાપરે જીવડાં ખાવા કે રધાજીના ઘાસનાં ગોડાઉન પર હડ્ડીઓ વીણવાં પણ નથી આવતો,આખો દિવસ શું કરે છે,કયાં રહે છે? બધું બરાબર તો છે ને! કાળુએ રોકાયા વગર કાગવાણી શરુ કરી દીઘી.”

“અરે યાર બધું બરાબર છે,પણ અત્યારે હું સુખ અને દુખ બંને બાબતોને હું એક સાથે માણી રહ્યો છું.”કલ્લુ બોલ્યો.

“સુખ અને દુખ બંને એક સાથે!” કાળુએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

“હા યાર, તારી ભાભીએ ઇંડા મુકયા છે.”

“અને બચ્ચા એટલે કે ભાભી અને ઇંડા બંને બરાબર છે ને?”

“હા..હા, બંને સ્વસ્થ છે અને પાછી ડિલેવરી નોર્મલ થઇ છે.સારુ છે આપણી કાગડીઓ માણસની જેમ સીજેરીયનનાં ચાળા પર નથી ચઢી”.

“એ સારુ છેકે એ સમજે છેકે આ માણસોનાં ચાળે બહુ ચઢવા જેવું નથી. બાકી આજના ડોકટરોનોતો ભરોસો નથી રહ્યો,ખોટી રીતે ચીરવા લાગ્યા છે...ચાલ જવાદે એબધું, કહે તેં તારું માળા ઘર કયાં રાખ્યું છે? કોઇનાં બગીચામાં,કોઇ ફાર્મ હાઉસમાં કે પછી હાઇવે પરનાં કોઇ રિસોર્ટમાં રહેવા ગયો છે?”

“ના..યાર ના આપણેતો શહેરનાં દેશી કાગડા એટલે આપણને એ બધું ન ફાવે.જો અહિંથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ અગ્નિખૂણા પર એક મસ્તાન રૂષિકા ફલેટ છે ત્યાં મઘુમાલતીની વેલ છે તે છેક ત્રીજામાળ સુધી પહોંચે છે. તે વેલની મઘ્યમાં પાંદડા અને ફુલોનો ભરાવદાર જથ્થો છે તેમાં આપણે આપણું માળા ઘર બનાવ્યું છે.” “કલ્લુ માળો બાંઘવામાં તકલીફ ના પડી તને?”

“શેની તકલીફ ભાઇ ! આપણે પંખીઓ માટેતો “સબ ભૂમી ગોપાલ કી”..કાળુ.”

“માણસોએ તેમના ઘર નજીક તને માળો બાંઘવા દીધો મને તો તે વાતની નવાઇ લાગે છે.”

“જોકે નવાઇ તો મને પણ લાગે છે,કેમકે મારા માળાવેલથી માંડ દસ-બાર ફુટ દુરજ એક ફલેટની બાલ્કની છે અને માળો બાંધતા સમયે મેં ફલેટના માલિકની પત્નિને એકવાર એવું કહેતા સાંભળી હતી કે “આ કાગડાના માળાને અહિંથી જલ્દી હટાવી દેજો.આપણી લોબીમાં આખો દિવસ ગંદકી કર્યા કરશે.” પણ સારુ થયુંકે તેના પતિએ તેની વાત સાંભળી નહીં.”

“વાહ,કલ્લુ સારુ કહેવાય હોં,જોકે આજકાલ માણસો પણ આપણી પશુ-પંખીઓની ચિંતા કરતા થઇ ગયા છેતે બાબત આપણી પશુ-પક્ષીજાત અને જીંદગી માટે ખુબજ સારી છે.” “અરે કાળુ માણસ બધુ તેના સ્વાર્થપુર્તિ માટેજ કરે છે.થોડા સમયમાં શ્રાધ્ધપક્ષ આવે છે ત્યારે આપણને ખીર-પુરી ખવરાવશે એટલા માટેકે તેમને પુણ્ય મળે, બાકી તેમની ઘરની પાળી ઉપરકે બારીમાં બેસીને કા..કા.કા..ગાઈએ તો તરત ભગાડી મુકશે.આપણી વાણી તેમને સાંભળવી નથી ગમતી.

“।। કાगगगगગ ચેષ્ટા-વાણી,શ્વાન નિંદ્રા,બકો ધ્યાનમ્,ગદર્ભ સુર તથવ ચ ।।” આ વેદ સુત્ર સાંભળ્યુ છે તેં કે,દુનિયામાં આ ચારની કોઇ જોડ નથી.

કલ્લુ એ બધુ આપણને બહુ સમજના પડે.જવાદે,પણ હા,જોકે ઘણા લોકો આપણી વાણીને મહેમાન આવવાનો સંકેત પણ ગણે છે અને આપણને ધન્યવાદ પણ આપે છે...પણ યાર કાળુ આપણાં જેવી દશા ઘણા પશુ-પક્ષી મિત્રોની છે. માણસો ઘણો ક્રૂર વહેવાર તેમની સાથે કરે છે.”

“તારી બધી વાત સાચી છે કલ્લુ,પણ જવા દે એ બધી વાત તું એ કહે સુખ સાથે દુઃખની શી વાત છે?”

“અરે યાર, શરુઆતમાં દેવતા જેવો લાગતો પેલા ફલેટનો માલિક હવે મને રાક્ષસ જેવો લાગી રહયો છે. દિવસમાં કેટલીય વખત લોબીમાં આવીને મારા માળામાં જોયા કરે છે. મને તો તેની નિયત ખરાબ લાગી રહી છે.”

“કલ્લુ તે માણસ તેના ફલેટની લોબીમાં આવીને માત્ર ઉભોજ રહેતો હશેને, તુ ખોટો વહેમ રાખતો હશે”.

“ના.ના..યાર,તે વળી વળીને મારા માળામાં નજર નાખતો રહે છે,મારા ઘરમાં જોવાનો તેને શો અઘિકાર છે?અમે તેના ઘરમાં નજર નાખતા નથી કે તેની બાલ્કની કે બારીમાં જઇને બેસતા નથી.”

“તે મારા માળામાં જુએ છે ને મને ગભરામણ થવા લાગે છે.”

“તે મારું એકાદ ઇંડુ ઉપાડીન જાય તો સારુ.જોકે મકાન માલિક ભૂદેવ-જનોઇધારી છે એટલે કદાચ મારા ઇંડાને અડશે કે તોડશે પણ નહીં. વળી આપણાં ઇંડા આસમાની રંગનાં કાળા ટપકીદાર અને અન્ય પક્ષીઓ કરતાં કેવા સુંદર અને આકર્ષક હોય છે.અરે એતો સારુ છેકે આ વાતની દરેક માણસને ખબર નથી.”

“વાત તો તારી સાચી છે કલ્લુ માણસ જાતનો ભરોસો નહીં તે ગમે ત્યારે ગમેતે કામ કરી નાખે.પણ,તું એક કામ કર, તુ તે માણસને આપણી પાંખની ઝાપટ કે તીક્ષ્ણ ચાંચની મારનો સ્વાદ ચખાડ.તેને માથામાં બે-ચાર વખત જોરદાર ચાંચ માર એટલે તેતો શું તેનું આખું ખાનદાન લોબીમાં આવવાનું બંધ કરી દેશે.”

“કાળુ આપણે કાગડા ભલે ચતુર કહેવાતા હોઇએ પણ માણસો બુઘ્ઘિશાળી ગણાય છે.ફલેટનો માલિક એક બે વાર ઘાબા પર તેના પૂજા-પાઠ કરતો દેખાયો ત્યારે હું તેને ચાંચનો સ્વાદ ચખાડવા પહોંચી ગયો હતોને મેં તેને ચાંચો મારી પણ ખરી, પણ પછી તે સમજી ગયો એટલે તે જયારે પણ ઘાબા ઉપર આવે ત્યારે કિશન મહારાજની જેમ પોતાના માથા ઉપર સુદર્શન ચક્રની માફક લોખંડનો તાર કે વાયર જેવી વસ્તુ ફેરવતો રહે છે. હા,તે જયારે પણ બહાર ખુલ્લામાં,સોસાયટી માર્ગ દેખાય ત્યારે હું તેની પાછળ પડુ છું,પણ એ બેટમજી હેલ્મેટ કે ટોપી પહેરીનેજ નીકળે છે અને વારંવાર પાછળ ફરી મને ચીડાવતો હોય તેમ પાછળ ફરી-ફરીને મારા પર જ નજર રાખતો રહે છે એટલે કા..કા..કકળાટ કરીને મજબૂર આલમ સાથે પાછો માળામાં આવી જાઉ છું.”

“તો પછી એક કામ કર કલ્લુ,તે કયાં નોકરી કરવા જાય છે તેની ખબર કર આપણા ખબરીઓ દ્વારા પછી તેની કંપનીમાં જઇ તેના સાહેબને ફરિયાદ કરીએ”.

“કાળુ જોકે મેં ખબર કઢાવી છે,તે શહેરનાં મોટા અખબારમાં કામ કરે છે.”

“ચાલ તો આપણે તેના મોટા સાહેબનેજ ફરિયાદ કરીએ કલ્લુ.”

“ના,યાર આપણે છાપાના ચાળે નથી ચડવું.કેટલાક મીડિયાવાળા સમાચારની દુનિયામાં સૌથી આગળ રહેવાના ઘખારામાં આપણું નામ કારણ વગરનું ચડાવી દે તો કોમી તોફાનો બાદ પછી જે હાલત આપણા દેશ-શહેરો થાય છે તેવી થઇ જાયને વાત વાતમાં કેટલાક વામપંથીઓ,સેકયુલરો,પક્ષીવિદો આપણા કેસમાં રસ્તા પર ઉતરી પડીને માત્ર પોતાના ઉલ્લુ સીધા કરવા લાગી જાય.”

“વાત તો તારી એકદમ સાચી જછે.તો?કાળુ આપણે કાગડાઓતો આમેય પણ સીતામૈયાના કેસમાં હજુ બદનામી ભોગવી રહ્યા છીએ”

“રામજી ભગવાને આંખમાં મારેલા તીરને કારણે આપણે એક જ આંખથી બંને તરફ કામ ચલાવવું પડે છે.”

“તારી વાત સાચી છે કલ્લુ,એક કામ કરીએ પોલીસમાં જઇ તેના ઉપર ટ્રેસપાસ અને માનસિક ત્રાસનો ગુનો નોંઘાવી દઇએ.”

કાળુ, તું મારો દોસ્ત છે કે પોલીસવાળાનો?

કેમ શું થયું કલ્લુડા..

અરે પોલીસ ઉપર તો માણસો પણ ભરોસો નથી કરતાં.આ પોલીસ અને મીડિયાથી જેટલા દુર રહીએ એટલા સારા.

તારો કેસ તો કલ્લુ દોસ્ત હિન્દી ફિલ્મ જેવો સ્ટડીકેસ છે હોં.

તું યાર માણસની માફક ફિલ્મોના રવાડે ચડી ને ખોટા મુદ્દાઓ ઉભા કરી રહ્યો છે.એ ફ્લ્મી વાતો ને છોડ અને મારા આવનારા મુન્ના વિષે વિચાર કર.બે-ચાર દિવસમાં બચ્ચા ઇંડામાંથી બહાર આવશે,એ તો આ વરસાદ ની હેલી નડી ગઇ નહિંતર માળામાં કલબલાટ શરુ થઇ ગયો હોત.

સાંભળ કલ્લુ તારા ઘરમાં પહેલો પ્રસંગ છે એટલે તને કેટલીક બાબતો ખબર નહીં હોય.જો,બીજા પક્ષીઓનાં બચ્ચાં ઇંડામાંથી નીકળ્યા બાદ પાંચ-સાત દિવસ માં કલબલાટ કરવા લાગે,પણ આપણા બચ્ચા મોટા થયા બાદ કયારેક જ કાંવ-કાંવ કરે છે,અને પેલા ફલેટવાળા લોકો કરતાં કોયલ અને સમડીઓનું વધારે ધ્યાન રાખજે.સમડીતો ઇંડા કે બચ્ચા જે હાથમાં આવશે તે ઉપાડી જશે.

કાળુ જો કે મેં અને તારી ભાભીએ બે-ચાર વખત સમડીને ભગાડી છે ખરી.હું ફલેટવાળા સાથે-સાથે સાથે સમડીઓનું ઘ્યાન પણ બરાબર સામેના ફલેટ પર બેસીને રાખુ છું.અને હા,આ કોયલનું શું છે તેનું શું ઘ્યાન રાખવાનું છે?કોયલની વાત નીકળતાં કાળુ બોલ્યો,ચાલ કલ્લુ મારે મોડું થાય છે,હું ઉડુ છું,પછી મળીશું.વાતને વચ્ચે છોડીને કાળુએ હવામાં ઉડાન ભરી.કલ્લુ એક ક્ષણ સુધી તેનો જોતો રહ્યો પછી જે વાયર પર બેઠો હતો તે વાયર પર બે-ચાર વખત પોતાની ચાંચ ઘસી ને પોતાના માળા તરફ ઉડયો

*****

થોડા દિવસબાદ કલ્લુને રઘાજીનાં ઘાસનાં ગોડાઉન પર કાળુનો ભેટો થઇ ગયો,બંનેએ

એકબીજાનાં સમાચાર પુછયા.કાળુએ કલ્લુને તેના બચ્ચા વિષે પુછયું તો તે ઉદાસીનતા થી બોલ્યો યાર મારી તો જીંદગી બરબાદ થઇ ગઇ.શું થયું પેલા ફલેટવાળા એ તારૂ માળાઘર તોડી નાખ્યું ?

ના યાર,મેં અને તારી ભાભીએ તેને ચાંચો મારવા,સુકાયેલા કપડાં ફાડવા,તેમના પર હગાર કરવી,બારીમાં કે ઘર પાસે કા..કા કરવા જેવા હેરાનગતીનાં બધાંજ કામ કર્યા તો પણ તેમણે મને કશું કર્યું.પણ અમારી સખત પહેરેદારી હોવા છતાં સમડી મારાં બે ઇંડા લઇ જવામાં સફળ થઇ ગઇ અને બે બચ્ચાને તો મેં કોયલની પાછળ ઉડી જતાં જોયા અને અમે કશું ન કરી શક્યા કહેતાં કહેતાં કલ્લુની આંખો ભરાઇ ગઇ.

જો કલ્લુ દુખી ના થઇશ,આપણી નિયતી માં આમ જ લખેલું છે.આપણાં અડધા ઇંડા બરબાદ થઇ જાય છે અને અડધા જ ફલિત થાય છે.તેમાંય વળી કોયલ વર્ષોથી આપણને મુર્ખ બનાવતી આવી છે,ભલે આપણે ચતુર કાગડા કહેવાતા હોઇએ.કોયલ તો વર્ષોથી પોતાના ઇંડા આપણા માળામાં મુકી જાય છે તેના અને આપણાં ઇંડા સરખા હોવાથી આપણે બે વચ્ચેનો ભેદ ઓળખી શકતાજ નથી.બીજાનાં બચ્ચાની માફક આપણાં બચ્ચા કલબલ નથી કરતાં એટલે આપણાં અને કોયલનાં બચ્ચાને ઓળખી શકતાંજ નથી.કોયલનાં બચ્ચાને આપણું બચ્ચુ સમજીને તેને જીવડાં,જંતુ,ગામભરનાં ગંદા પકવાનો ખવરાવી ને મોટી કરીએ છીએ પણ કોયલ નું બચ્ચું દુર બેસેલા મા-બાપ નો અવાજ સાંભળી તેના પરિવાર માં ચાલ્યુ જાય છે,ને વક્રતા જો કે તે પછી સંપુર્ણ શાકાહારી બની જાય છે,કેવી કુદરત ની કરામત! કલ્લુ હું તને તે દિવસે આ બધું કહીને દુખી કરવા માંગતો ન હતો અને એટલે જ તે દિવસે મેં ઉડાન ભરી હતી.તારી સાથે બીજીવાર પણ આમ જ થશે ને હંમેશા થતુ રહેશે તુ કશું જ નહીં કરી શકે.આ આપણી નીયતિ છે.ચાલ દોસ્ત જાઉં તારી ભાભી માટે અહીં જીવડા પકડવા આવ્યો હતો,તારી ભાભી ને આજકાલ જીવડા ખાવાની ખુબજ ઇચ્છા થાય છે,કલ્લુ તેને સારા દિવસો જઇ રહયા છે કાળુએ આનંદપુર્વક જણાવતા કલ્લુની ડોકમાં બે-ચાર વખત ચાંચ ઘુસાડીને પાંખો હવામાં ફફડાવી ઉડાન ભરી.

કલ્લુ થોડો સમય વિચારતો રહ્યો અને પછી જીવડા પકડવામાં લાગી ગયો.

સમાપ્ત