જામતારા
હાલના દિવસોમાં વિદેશમાં પુત્રનાં ઘેર કંટાળો દુર કરવા,લેખનથી થોડો સમય આરામ લેવા ટીવીનાં શરણે જાઉં છું, જેના કારણે નેટફલિકસ,હોટસ્ટાર,એમેઝોન પર ઘણી બધી સારી ખોટી હિન્દી ગુજરાતી,અંગ્રેજી ફિલ્મો અને સીરીયલો જોવાઇ ગઇ છે.એક દિવસ સમય પસાર કરવાના હેતુથી ટીવી ચાલુ કરતા નેટફલિકસની સીરીયલ ‘જામતારા’ની ટેગલાઇન ‘’સબકા નંબર આયેગા’’ વાંચીને ઉત્સુકતા ખાતર સિરીયલ જોવા બેઠો.એક સામાન્ય,ટાઇમપાસ સિરીયલ માનીને તેને ચાલુ કરી હતી પરંતુ જેમ જેમ એપિસોડ અને સિરીયલ ગતિ કરતા ગયા તેમ તેમ તે દર્શનીય અને રૂચીવર્ધક બનતી ગઇ.કલાકારો,લેખક અને ડિરેકટરે આ સિરીયલ એક રસપ્રદ નવલકથાની માફક એક સ્થાન પર બેસીને જોવા મજબુર કરે તેવી બનાવી છે.મને જયારે જાણ થઇ કે દેશમાં આ સિરીયલ ચર્ચા-એ-આમ છે એટલે આ સિરીયલ પર થોડો પ્રકાશ પાડવાનું વિચાર્યુ.
સિરીયલની કથામાં દેશનાં પછાત રાજયનાં એક નાનકડા નગરના લોકો દ્વારા દેશવાસીઓ સાથે ફોનકોલ દ્વારા કરાતી છેતરપિંડીની સત્ય હકિકતને ઉજાગર કરાઇ છે.જે સમગ્ર દેશ અને દેશના સામાન્ય લોકોને સ્પર્શતો મુદ્દો છે.બેંક, ઇન્સ્યુરન્સ,ફાયનાન્સ કંપની,આઇટી ઇન્કવાયરી કે ખાનગી કંપનીઓના નામે ઇનામ,લોન સહિત લોભામણી ભેટો આપવાના બહાને ક્રેડીટકાર્ડ, ડેબિટકાર્ડની વિગતો માંગી લઇને લાખો રૂપિયા પડાવનારા લેભાગુઓની કારગુજારીની વાત છે.આ છેતરપિંડી સાવ સામાન્ય ભણતર વાળા,સ્કૂલ ડ્રોપઆઉટ.પંદરથી અઢાર વર્ષનાં છોકરા-છોકરીઓ સહિત તેમના પરિવારો દ્વારા આચરવામાં આવી રહી છે.આ રીતે ઓનલાઇન કરાતા ફ્રોડને ફિશીંગ કહેવાય છે.
ઝારખંડ રાજયના સાવ સામાન્ય વસ્તી ધરાવતા જામતારા ગામની આ વાત છે.હિન્દી અને બંગાળી ભાષાના પ્રભુત્વ વાળો આ વિસ્તાર મોટાભાગે જંગલ વિસ્તાર ધરાવે છે.તાજજુબીની વાત એ છેકે મોટાભાગનો યુવાવર્ગ સ્ત્રીઓનાં અવાજમાં સરળતાથી વાતચીત કરી શકે છે.જોકે આ કામમાં માત્ર છોકરાઓજ સામેલ નથી પરંતુ છોકરીઓ અને યુવતિઓ પણ તેમાં બરાબરની ભાગીદારી ધરાવે છે.આ ગામનાં ચુનાબાજો ગામમાંથી દરરોજ અંદાજીત ૨૦૦૦૦ જેટલા બેંક કે ફાયનાન્સ કંપનીઓના નામે દેશભરના વિવિધ શહેરો,નગરો અને ગામડાઓમાં ડોકટરો,વકીલો,ભણેલા ગણેલા અને મજૂર કક્ષાનાં લોકોને ફોન કરે છે.તેમને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી તેમની બેન્ક,પાનકાર્ડ આધારકાર્ડ વગેરેની વિગતો મેળવી મરજી મુજબની રકમ તેમના બેંક એકાઉન્ટમાંથી ઉડાવી લે છે.આ કરૂબાજો લોકોના કોમ્પ્યુટર,સીમકાર્ડને પણ હેક કરવાના કરામાતી છે.એક સમાચાર મુજબ 2017 સુધી દેશનાં લોકોનાં આ રીતે અંદાજીત 265 કરોડ ઓહિયા થઇ ગયા છે તેમાં પચાસ ટકા જેટલો હિસ્સો આ ગામના લોકોનો છે.આ આંકડો હાલ કેટલે પહોંચ્યો હશે તે કલ્પનાનો વિષય છે.આ નાનકડા ગામમાં અનેક કંપનીઓનાં ૧૫ થી પણ વધારે નેટવર્ક ટાવરો છે. સૌથી ચોંકાવનારી વાત એ છેકે આ કામ માટેનાં ટયુશન કલાસ પણ ચલાવાય છે.
અત્યંત દુઃખદાયક વાત એ છેકે દેશનો નબળો સાયબર કાનૂન,ગુનામાં પકડાવા બદલ માત્ર ત્રણ વર્ષની સજા અને ત્રણ લાખનો સામાન્ય દંડ તથા ગુનેગારોને મળતી મોટી રકમને લીધે આ ગુનેગારોને કાનૂનનો ખાસ ડર નથી.વળી પોલિસ અને સ્થાનિક નેતાઓની શેહ પણ આ ગુનાખોરીને વધારવામાં ફાળો ભજવે છે.આ સાથે જેના ખાતામાં પૈસા જમા થાય તેને વગર મહેનતે વીસ ટકા જેટલી રકમ મળતી હોવાથી કોઇપણ માણસ તુરંત આ ધંધામાં સામેલ થઇ જાય છે.જોકે મોટાભાગનાં કેસ ચોક્કસ સબૂત ન મળવાના કારણે તંત્ર પણ તેમની સામે કાર્યવાઇ કરવામાાં લાચાર હોય છે.એક જ દિવસમાં લાખો કમાઇ લેનારા આ ગામના લોકોમાં આ કામના માસ્ટર માઇન્ડે ગામમાં બે કરોડનું ઘર બનાવ્યું છે.આવા ઘણા મકાનો આ ગામ અને આસપાસના ગામોમાં આવી હરામની કમાણીના કારણે બની ગયા છે અને ગામના લોકો પાસે દરેક ભૌતિક સુખસાધનો પણ વસાવ્યા છે.
આ ચીટરો ખુલ્લા ખેતરોમાં બેસીને કે અન્ય મોટા શહેરોમાં જઇ કોઇ સ્થળે ખુલ્લામાં બેસીને આ કામને અંજામ આપતા હોવાથી અને સતત પોતાનું સ્થાન બદલતા રહેવાના કારણે પોલિસ માટે તેમને પકડવું ઘણું અઘરૂ હોય છે,વળી કેટલાક સ્થાનિક પોલિસમેનોની મિલીભગત પણ એક મોટી સમસ્યા છે.આ મુદ્દાની એક વિચિત્ર અને મહત્વપૂર્ણ બાબત એ છેકે આ કિસ્સાઓમાં કોઇની હત્યા,જાનહાની કે ખૂના મરકી થતી ન હોવાથી આ મુદ્દો ખાસ ગંભીરતા પકડતો નથી પરંતુ આ સિરીયલથી ઘણીબઘી બાબતો સામે આવતા સરકારે હવે આ મુદ્દે ગંભીરતાથી વિચારવું પડશે.જોકે જામતારા વિસ્તારમાં દેશનું એકમાત્ર અને પ્રથમ સાયબર ક્રાઇમ માટેનું પોલિસ સ્ટેશન બનાવાયું છે જયાંથી દેશભરનાં નવ્વાણું ટકા જેટલા સાયબર ક્રાઇમ કેસીસ હેન્ડલ કરાય છે.
છાપા.ટીવીમાં સમાચારો દ્વારા તેમજ બેંકો કંપનીઓની જાહેરાત બાદ લોકોમાં આ બાબતે જાગૃતિ આવવા લાગી છે. પરંતુ આ સિરીયલ લોકોને વધુ જાગૃત કરશે.મહત્વપૂર્ણ બાબત એ છેકે કોઇ બેંક,ઇન્કમટેક્ષ વિભાગ કે અન્ય જવાબદાર સંસ્થાઓ કયારેય ફોન પર,મેઇલ દ્વારા કે મેસેજ દ્વારા કોઇપણ જાતની તમારી ખાનગી માહિતી માંગતી નથી.અને માંગે તો કોઇપણ સંજોગોમાં આપવી નહીં.છતાં જરૂરી જણાય તો રૂબરૂ તે કંપની કે સંસ્થામાં જઇને મળી આવવું સલામતીભર્યું છે.સમય કાઢીને આ સિરીયલ અચૂક જોઇ લેવી.