રાતના બાર વાગવા આવ્યાં હતાં. વાતાવરણમાં વ્યાપેલી નીરવ શાંતિમાં બહારથી તમરાઓનો ત્રમ - ત્રમ અવાજ અને રૂમમાં ચાલતાં પંખાનો અવાજ આવી રહ્યો હતો. આશી તકિયામાં મોઢું છુપાવીને ડૂસકાં ભરી રહી હતી. એના હાથમાં એક જૂની ફોટો ફ્રેમ પડી હતી. એ ફોટોને જોઈને એની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતાં. કોઈ એવી વેદના હતી જે એ ન કહી શકતી ન સહી શકતી હતી. મૌન અશ્રુધારા એની વેદનાની જાણે એની વેદનાની વાચા હતી.
એ આમ જ આંસુ વહાવતા કયારે સુઈ ગઈ એ ખબર ન પડી. રોજ સવારે એના પપ્પા મંત્રોચ્ચાર કરતાં એના એ કાને પડતાં એની આંખો ખુલતી. એ જ રીતે આજે પણ એની ઊંઘ ઊડી. એ ઊઠીને અને બાજુમાં પડેલા ફોટાને આંખો બંધ કરીને હૃદયસરસો ચાંપીને સાંત્વના મેળવવા પ્રયત્ન કરી રહી હતી.
"આશી……!! આ……શી…!! જલદી આવજે. આ ધ્રુવ તારા વગર નાસ્તો નથી કરતો." મમ્મીનો અવાજ સાંભળીને એ ફટાફટ ઉઠીને બાથરૂમ તરફ ભાગી. સ્કૂલ જવા રેડી થઈને એ એની રાહ જોઇને બેઠેલાં ધ્રુવની બાજુમાં બેસી.
"કેમ!! મમ્મીને હેરાન છે? તને મેં શુ કહ્યું હતું? ભૂલી ગયો?" એ આઠ વર્ષના ધ્રુવનો મસ્તીથી કાન ખેંચતા બોલી.
"હા! દીદી! ભૂલી ગયો એટલે તો………!" આગળ કઇ બોલે એટલામાં એની મમ્મીને આવતી જોઈ એ ચૂપ થઈ ગયો.
"તને ક્યાં કઈ યાદ રહે છે!! તને તો બસ મસ્તી કરવાનું જ યાદ રહે." એમ કહી નાસ્તો આપી એ રસોડામાં જતી રહી. આશી એ ધ્રુવ સાથે વાતો અને હસી - મજાક કરતાં નાસ્તો કરીને સ્કૂલ જવા નીકળે છે. ધ્રુવ પણ સ્કૂલ જતો રહે છે.
રોજની જેમ સ્કૂલ જતી વખતે આજે પણ એ રસોડામાં જઈને "મમ્મી જય શ્રી કૃષ્ણ! હું જાઉં છું." એમ બોલીને એક આશ સાથે એની મમ્મી તરફ જોઈ રહી.
"હા! જય શ્રી કૃષ્ણ!" કામ કરતાં - કરતાં જ એની મમ્મી બોલી. એણે એક નજર કરીને આશી તરફ જોયું પણ નહીં. આશી રોજ અલગ - અલગ પ્રયાસ કરતી રહેતી કે, કેમ કરીને એ એની મમ્મીને રાજી કરે અને એ એને વ્હાલથી ગળે લગાવી લે પણ એના બધા પ્રયત્ન નિષ્ફળ જતાં અને એ હતાશ થઈ જતી. પાછી ફરી એક આશ સાથે પ્રયત્ન કરતી.
આજે પણ એ રોજની જેમ હતાશ થઈને સ્કૂલ જવા નીકળી ગઈ. સાંજ પડતાં સ્કૂલથી આવતી વખતે નવી આશ સાથે લાવી હોય એમ હસતાં ચહેરે ઘરમાં આવે છે. મમ્મી સોફામાં બેઠાં છાપું વાંચી રહ્યા હતાં.
એ દોડીને ગળે લાગી ગઈ ને મમ્મી વ્હાલથી એના માથામાં હાથ ફેરવતી વાળ સરખા કરવા લાગી.
"આવી ગઈ તું? તો જા કપડા બદલીને ફટાફટ આવી જા ! મારે આજે રસોડામાં ઘણું કામ છે તારે મદદ કરવી પડશે." મમ્મીના શબ્દો કાને પડતાં એ એના વિચારોમાંથી બહાર આવી ગઈ.
"અરે! હું ક્યાં ખોવાઈ ગઈ!! એ સમજાયું જ નહીં. જો આમ ખરેખર બને તો……!! મનોમન એ વિચારથી પાછી એ ખોવાઈ ગઈ.
"અહીં જ રહીશ કે મને મદદ પણ કરીશ!"
મમ્મી રસોડા તરફ જતાં બોલે છે.
એ થોડીવારમાં મમ્મીની મદદ કરવા માટે રસોડામાં આવી પહોંચે છે. જે પણ કામ એને કરવા કહે એ બધું એ હોંશે - હોંશે કરે છે કે મમ્મી ખુશ થઈ જાય ને એને વ્હાલ કરે, એના ખોળામાં માથું રાખીને એ સુઈ શકે.
"મમ્મી! તમે કહ્યું એ બધું કામ તો થઈ ગયું." એ મમ્મી સામે જોતાં બોલી.
"હા! તો હવે હમણાં શાંતિથી બેસ મારે કઈ કામ હશે તો તને બોલાવી લઈશ." આજે પણ રોજના જેમ જ ફરી એ જ ક્રમમાંથી પસાર થઈ રહી હતી. હવે એની ધીરજ ખૂંટી અને આંસુ વહેવા લાગ્યાં. એ બીજા રૂમમાં જઈને પેલાં ફોટોને ગળે લગાવીને ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગી. એ ત્યાં રૂમમાં જ બેસી રહી. બહાર નીકળી નહીં.
"દીદી! મમ્મી જમવા બોલાવે છે." ધ્રુવનો મીઠો અવાજ સાંભળી એ હરખાઈ ગઈ. એણે એનો હાથ પકડી પોતાના ખોળામાં બેસાડી દીધો ને વ્હાલ ને મસ્તી કરવા લાગી. રડવાના કારણે એની આંખો સુજી ગઈ હતી, એને માથામાં સતત દુખાવો થઇ રહ્યો હતો.
એ ધ્રુવ સાથે ડ્રોઈંગ રૂમમાં ગઈ. મમ્મીને જમવાનું પીરસવામાં મદદ કરવા લાગી.
"આજે તબિયત તો બરાબર છે ને? બેટા……!" ઘણાં દિવસો બાદ પપ્પાના મોઢે આ શબ્દો સાંભળીને એની આંખો અને હૈયું બંને ભરાઈ આવ્યા.
"હા… પપ્પા!" એ રડમસ અવાજે બોલી.
"ઠીક છે તો અવાજ કેમ આવો આવે છે? સારું ન હોય તો તારી મમ્મીને કેહવું જોઈએ ને..!" આશીની મમ્મી સામે જોતાં એના પપ્પા નારાજગી વ્યક્ત કરતાં બોલ્યાં.
આમ મારી સામે શું જુવો છો? હું તો ધ્યાન રાખું જ છું ને એ હવે નાની નથી. એ પંદર વર્ષની થઈ ગઈ છે. તો એ જાતે ધ્યાન રાખી જ શકે ને બીજી વાત, એની તબિયત મારા કારણે નથી બગડી પણ હું રહી સાવકી માં એટલે બધાને મારો જ વાંક દેખાય.
"સારું…… હવે જમવા ટાણે વધુ ન બોલીશ." એમ કહીને એના પપ્પાએ જમવાનું શરૂ કર્યું એટલે વાત ત્યાં અટકી ગઈ.
એ જમી ન જમી, અડધી ભૂખી જ રહી ને બીજા રૂમમાં ચાલી ગઈ. એની તબિયત વધુ ખરાબ થઈ રહી હોય એમ એને લાગી રહ્યું હતું. એ થોડીવાર એમ જ વિચારોમાં ખોવાયેલી બેસી રહી પછી સુવા પ્રયત્ન કરે છે. ધીરે - ધીરે એનું શરીર તાવના કારણે તપવા લાગે છે. એને કાંઈ ભાન હોતું નથી. એ
"મમ્મી! મમ્મી……! ઊંઘમાં બોલી રહી હતી. એ જ સમયે એ એની પાસે બેઠેલી વ્યક્તિનો હાથ જોરથી પકડી લે છે. એ વ્યક્તિ એના કપાળ પર હાથ ફેરવવા લાગે છે. એ આંખો ખોલીને જુવે છે તો એની મમ્મી એના માથે ઠંડા પાણીના પોતા મૂકી રહી હતી. એ જોઈને એની આંખોના ખૂણાએથી આંસુ સરી રહ્યા હતાં. એની મમ્મીએ એના આંસુ લૂછયા. એનાથી રહેવાયુ નહીંને એ પલંગમાં બેઠી થઈને એની મમ્મીને ગળે લાગી ગઈ.
"મેં તને મારાથી કાયમ દૂર રાખી. છતાં તું સતત મારી નજીક આવવાના અને મને રીઝવવાના પ્રયત્નો કરતી રહી. છતાં હું ન સમજી કે, તને પણ મારા પ્રેમની જરૂર છે. તેં તો મને પેહલે જ માં ના રૂપમાં સ્વીકારી જ હતી પણ હું જ………"
આ સાંભળીને આશી એની મમ્મીના મોંઢે હાથ રાખી દે છે.
✍..... ઉર્વશી.