એક ચુટકી સિંદૂર કી કિંમત - 23 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

એક ચુટકી સિંદૂર કી કિંમત - 23

પ્રકરણ- ત્રેવીસમું/૨૩

થોડીવાર સુધી મિલિન્દ ચુપચાપ જોયા કર્યો એટલે દેવલે પૂછ્યું,
‘શું જુઓ છો ?

બે સેકન્ડ પછી મિલિન્દ બોલ્યો.
‘સાંભળ્યું હતું કે, રૂપાળા છો, પણ આટલા રૂપાળા હશો એ નહતી ખબર.’

સ્હેજ શરમાઈને દેવલે પૂછ્યું..
‘હવે મુદ્દાની વાત પર આવીએ ?

‘જી, જરૂર પણ એ પહેલાં હું તમને સાંભળવા ઈચ્છું છું એ પણ નિસંકોચ અને તમે પણ ખાતરી રાખજો કોઈપણ પ્રશ્ન પર અલ્પવિરામ મૂક્યાં વગર હું નિસંદેહ શ્રાવક બનીને સાંભળીશ.’ મિલિન્દ બોલ્યો.

થોડીવાર ચૂપ રહ્યાં પછી દેવલ બોલી...
‘અહીં આવો સોફા પર બેસીએ... પછી હું અતીત અધ્યાયના અન્યાયનો આરંભ કરું.’

બન્ને સોફા પર બેઠાં, બે મિનીટ મીંચેલી આંખો ઉઘડ્યા પછી એક ઊંડો શ્વાસ લઇ દેવલ બોલી...

‘ભોળપણમાં ભાન ભૂલ્યા પછી.... ભૂલી કે ભૂંસી ન શકાય એવો દાગ દામન પર લાગ્યો છે.., પણ નિયતિના નિયમ મુજબ નિમિત બની, હું સંજોગ શિકારનો એવો કોળીયો બની ગઈ કે, એકપળમાં ભવની ભવ્યતા ભસ્મ થઇ ગઈ.’

‘એ દર્દનાક દાસ્તાનને હજુ પંદર દિવસ જ થયાં પણ એવું લાગે છે કે, હજુ પંદર પળ પહેલાંની જ ઘટના છે, અત્યારે રક્ત સાથે રોમે રોમમાં પેધી ચુકલી એ પાશવી શૂળપીડાનું પઠન કરવા જઈશ તો, હું મારું માનસિક સંતુલન ગુમાવી દઈશ...એટલે માફ કરજો.’

આટલું બોલતાં દેવલના હાથ કાંપવા લાગ્યા અને ગળું ભરાઈ આવ્યું એટલે મિલિન્દ બોલ્યો...

‘પ્લીઝ... મારો ઈરાદો તમને હર્ટ કરવાનો નહતો... અને બીજી એક મુદ્દાની વાત..
ગઈકાલ સુધી આપણે બન્ને પરસ્પરના નામથી પણ પરિચિત નહતા અને આજે આપણે બન્ને જે મંચ પર આવી, એકબીજાના અંગતના અધિકારી બનવા જઈ રહ્યાં છે તેનું નામ છે, ભરોસો.. આસ્થા.’

‘મને અહીં જશવંત અંકલ નહીં, તેમનો ભરોસો લાવ્યો છે. એ મારા પપ્પાના ગાઢ મિત્ર ખરા પણ, મારી જોડે લોહીથી વિશેષની સગાઇ છે. એ મારા એવા નાથ છે જેના વગર હું અનાથ છું, એમ કહું તો ખોટું નથી. અને દેવલ, પ્રતીતિના પરિમાણ કે પ્રશસ્તિપત્ર ન હોય. વિધાતાના ભાગ્ય કરતાં હું વ્હાલાના ભરોસા પર વધુ વિશ્વાસ રાખું છું.’

ચુપચાપ એકીટસે મિલિન્દની અસ્ખલિત વાણી સાંભળતી દેવલે પૂછ્યું..
‘ખોટું ન લાગે તો એક વાત પૂછું ?

‘શ્યોર.. કેમ કે મને ખોટું લાગવાની બીમારી નથી.’ ધીમેથી હસતાં મિલિન્દ બોલ્યો.
એટલે ચકરાવે ચડેલાં ગહન ચર્ચા ચકડોળને સંતુલિત કરવા મધ્યબિંદુ પર આવતાં દેવલે પૂછ્યું.
‘માની લો કે, જે ધારણાની ધરી પર તમે તમારાં તકદીરનું ભાગ્યચક્ર ઘુમાવવા જઈ રહ્યા છો એ અટકળે ફેંકેલા પ્રારબ્ધના પાસા વિધિની વક્રતાથી ઊંધા પડે તો ?

‘યુદ્ધ જેવા મારા જીવનસંગ્રામના જદ્દોજહદની જીત માટે કૃષ્ણની સહસ્ત્ર સેના નહીં સારથી રૂપી કૃષ્ણ કાફી છે. અને તમારી વાત પરથી મને ખાતરી કે, તમે યુદ્ધ અને બુદ્ધ બન્નેને આત્મસાત કર્યા છે.’

થોડીવાર દેવલ ચુપચાપ મિલિન્દની સામું જોઈ રહી..

‘આ પરિચયની શું પરિભાષા ? અથવા તો અજાણ્યાં છતાં અંગત લાગતાં અનુબંધને શું નામ આપી શકીએ.’

‘અજાણતાં જ પગમાં ઘુસી ગયેલા બાવળના કાંટાની પીડાથી મનોમન બાવળને કોસતા હોઈએ ત્યારે એ જ બાવળનો બીજો કાંટો પેલો કાંટો કાઢવામાં મદદરૂપ થાય. આ નિયતિનો નિયમ છે.’

‘શંકાનો શંખનાદ સાંભળીને યુદ્ધભૂમિ જેવા લાગતા વિચારમંથન પર યુદ્ધના વિચ્છેદ સાથે વિધાતાના વિધાન પર મેખ મારી મેળવેલી જીતની વિજયઘોષણા અત્યારે જ કરીશું કે...? અતિ ઉત્સાહ સાથે ઊભા દેવલ બોલી.

‘શુભસ્ય શીઘ્રમ’ મિલિન્દ પણ ઊભા થતાં બોલ્યો..

મિલિન્દની કાંડા ઘડિયાળ સમય બતાવી રહી હતી... રાત્રીના સાડા અગિયારનો.
એ પછી..
બન્ને ધીમે ધીમે સીડી ઉતરતાં આવ્યાં બેઠકરૂમમાં. જ્યાં જગન અને જશવંત બન્ને અધીરાઈથી અડધા થઈ આતુરતા પૂર્વક પ્રતિક્ષારત હતાં. જેવાં મિલિન્દ અને દેવલ બન્ને એ સજોડે જગન અને જશવંત લાલના ચરણ સ્પર્શ કર્યા તે જ ઘડીએ જગનની બન્ને આંખો અશ્રુધારાથી છલકાઈ ગઈ...


દેવલ રાણા.
માત્ર છવીસ વર્ષની કારકિર્દીના દરેક ક્ષેત્રમાં અવ્વલ રહેનારી દેવલના એક એક થી ચડિયાતા ગુણો જોઇ જગનને એવું લાગતું હતું કે, માતા કેસરના અંતિમ ગણતરીના શ્વાસના સાનિધ્યમાં દેવલે લીધેલા શ્વાસ સાથે જાણે તેના ગળથુથીમાં ભળી ગયાં હતાં.દેવલ શત્ત પ્રતિશત્ત કેસરની પ્રતિકૃતિ. એટલી જ ચાલક, ચબરાક, ચંચળ, ચુલબુલી અને ક્યારેક કેસર જેવી ધીર ગંભીર પણ ખરી.

‘દીકરીને તારા જેવી બનાવજે... અને....’

કેસરના આ આખરી શબ્દોને સાર્થક કરવામાં કોઈ કસર ના રહી જાય એટલે જાણે કે જગને તે શબ્દોને તેનો જીવનમંત્ર બનાવી લીધા હતો. દેવલના બચપણના પરવરીશનો એક એક દિવસ જગન જાણે કે કેસર સાથે જીવ્યો હતો. રોજિંદી જિંદગીની પ્રાથમિકતા હતી દેવલ.

કેસરના એક એક શોખને દેવલે જીવંત રાખ્યાં હતાં તેમનો એક ખાસ હતો.. સંગીત.
સંસ્કૃતમાં માસ્ટર્સ કર્યું અને એ પણ સાંસ્કૃતિક ધરોહરની ભૂમિ બનારસના હિંદુ વિશ્વવિદ્યાલયમાં. અને સાથે સાથે શાસ્ત્રીય સંગીતની વિધિવત તાલીમ પણ લીધી.
છેક સૌરાષ્ટ્રથી બનારસ જવાનું કારણ, કોલેજ અભ્યાસના પ્રવેશ પહેલાં જ દેવલે બનારસ વિશે એટલું રીસર્ચ કર્યું કે, માસ્ટર્સ તો બનારસમાં જ કરવાનું નક્કી કરી લીધું હતું.
આજે જગનનો વ્યવસાય અને રાજકારણની લોકપ્રિયતા અને પ્રગતિ દેવલની આગવી સુઝબુઝને આભારી હતી. જેમ સોનામાં સુગંધ ભળે એમ પિતા-પુત્રીના સુવર્ણ સંબંધમાં મિત્રતાના મીઠાશની સુવાસ વધુ હતી.

પણ...અચાનક એક દિવસ..

આંખના તારા અને જગનના જીગરના ટુકડા જેવી એકની એક દીકરી દેવલ જિંદગાની સાથે દિલ્લગી કરતાં કુદરતને કારમી કરામાત સુઝી અને વિધાતાએ સૌભાગ્યના સુવર્ણ જેવા શિલાલેખની થાળીમાં લોઢાની મેખ મારી અમૃત જેવું આયુષ્ય ઝેર કરી નાખ્યું.

મનુષ્ય જીવનકાળના બે અતિ મહત્વના આધારસ્તંભ, આજીવન બાહેંધરી પૂર્વકની કારકિર્દી અને સફળ દાંપત્યજીવન. દેવલ તરફથી લગ્ન માટે લીલીઝંડી મળ્યા પછી જગને તેના પરિવાર અને મિત્રો મારફતે દેવલના દરેક પાસાથી દસ ગણા ચડીયાતા પાત્રના પસંદગીનો પ્રારંભ કર્યો.

અંતે દિલ્હી સ્થિત એક ધનાઢ્ય પરિવારના એકના એક પુત્ર જોડે ધૂમધામથી દેવલને પરણાવી દેવાઈ.

પણ.. લગ્નના પંદર દિવસ બાદ...એક રાત્રીએ અઢી વાગ્યે જગન પર કોલ આવ્યો..
અડધી રાત્રે દેવલનો કોલ આવતાં સ્હેજ ગભરાતાં જગન
કોલ રીસીવ કરતાં બોલ્યો..

‘હેલ્લો...દીકરા... કેમ છે તું...? કેમ અત્યારે....’ હજુ જગન આગળ બોલવા જાય એ પહેલાં સામા છેડેથી... દેવલે રીતસર પોક મૂકીને રડવાનું શરુ કરતાં એટલું જ બોલી..

‘પપ્પાપાપાપાપા...... જો મને જીવતી જોવી હોય તો શક્ય એટલી જલ્દી તમારી પાસે બોલાવી લો.’ આટલું બોલી દેવલે કોલ કટ કરી નાખ્યો...

કઠણ કાળજાનો એ જગન કે જેણે જિંદગીના કંઇક ચડાવ ઉતારના ઝંઝાવાતને સ્હેજ પણ ડગ્યા વગર બહાદુરીથી પાર કર્યા હતાં આજે એ જગન જિંદગીમાં પહેલી વાર દેવલની આંખમાં ઉતરી આવેલાં અશ્રુધારા સાથે કાળજું કંપાવી નાખે એવા એક વાક્યના પીડા પૂરમાં ઢસડાઈ ગયો. જાણે હરોળબંધ વેદનાના વાદળ ફાટ્યા પછી કમોસમી માવઠાંની માફક કમનસીબી અને કરુણતાના કરા તૂટી પડ્યા હોય. ક્ષણ માટે તો જગન શુદ્ધ બુદ્ધ ગુમાવી બેઠો. પાટું મારીને પત્થર માંથી પાણી કાઢનારો જગન પરસેવે રેબઝેબ થઇ ગયો.

બે મિનીટ આંખો મીંચ્યા પછી... બ્રહ્માસ્ત્ર જેવા તેના ટોપથી બોટમ સુધીના બધા જ સંપર્કનો શસ્ત્ર માફક ઉપયોગ કરીને ચોવીસ કલાકમાં દેવલને પિતૃત્વની છત્રછાયામાં લઇ લીધી.

હસતી, હસાવતી, રમતી, ઊડતી દેવલ, દેવળમાં ક્રોસ પર ખોડાયેલા પુતળા જેવી જાણે મૂક બધિર અને નિષ્પ્રાણ થઇ ગઈ. પાષાણને પણ પીગળાવે એવી દેવલનો પરિતાપ જોઈ કલેજું કઠણ કરી, ખુબ સાંત્વના આપ્યાં પછી જગનને માત્ર એટલું જ પૂછ્યું હતું,

‘શું થયું મારા દીકરા ?
તૂટલાં મક્કમ મનોબળ અને છૂટેલાં અશ્રુબાંધ સાથે આવેલાં ડૂસકાંને તાકીયાથી ડામી, જગન સામે બે હાથ જોડી દેવલ માત્ર એટલું જ બોલી..

‘પપ્પાપાપાપા... શક્ય હોય તો પળે પળે મારા પર થતાં વિકૃતવિચારના માનસિક બળાત્કારમાંથી મને બહાર કાઢો બસ.’

ધારદાર વાગ્બાણ જેવું દેવલનું વાક્ય જગનના કાળજામાં કટારીની માફક ખૂંપી ગયું.
પણ ચુપચાપ મનોવેદનાને ડામી દેવલના માથે હાથ ફેરવતાં હસતાં મોઢે જગન બોલ્યો..

‘દેવલ... હવે જગતના નાથ સામે જંગે ચડીને પણ તારું છળથી છીનવેલુ સ્મિત ઝુંટવી લઈશ એ મારી જીદ છે. અને એ જીત નિશ્ચિત છે કેમ કે, જીદ જગનની નહીં એક બાપની છે. સીમાંત વિનાની શ્રધ્ધાનો કોરો ચેક હજુ મેં વટાવ્યો નથી. બસ દીકરા, સમયને પણ થોડો સમય આપ.’

એ પછી જગનને સ્મરણ થયું સંકટ સમયની સાંકળ જેવા સખાના શિરોમણી જશવંતલાલનું.

સમાચાર સાંભળ્યાના ચોવીસ કલાકમાં જશવંતલાલ આવી પહોંચ્યો હતો જગનને રૂબરૂ મળવા.

ટોચ પરથી તળમાં પટકાયા પછીની પીડા જેવી પીડાતી દેવલની દુર્દશા જોઈ, જગન અને જશવંતલાલના ગહન આત્મચિંતન પછી એવા તારણ પર આવ્યાં કે, શક્ય એટલા જલ્દી દેવલની મનોસ્થિતિને અજગરની માફક ભીંસતી આત્મદાહ જેવી ઉધઈનો ત્વરિત કોઈ ઉકેલ શોધવો જ રહ્યો.

અને....એ સમયગાળા દરમિયાન..

જાણે જેમ કોઈ તાજા જન્મેલા નવજાત શિશુની કોમળ મખમલી ત્વચા પર કોઈ ધારદાર તીક્ષ્ણ હથિયાર ભોંકાયા બાદ તેના મા-બાપનું દિલ દ્રવી ઉઠે એવા જગનના દિન રાત જલતા જીવથી જાણે ઈશ્વરનું આસાન ડોલી ઉઠ્યું અને...

જોગાનુજોગ મિલિન્દ તેની હદ બહારના કપરાં કાળમાં હારીને આવ્યો હતો જશવંતલાલ પાસે. મિલિન્દની પાર વગરની વ્યથા સાંભળીને જશવંતલાલને વિચાર સ્ફૂર્યો કે, આ ઘડીમાં શાયદ મિલિન્દ જ ઈશ્વરના પ્રતિનિધિના રૂપમાં આવ્યો હશે ? નિષ્પાપ, નિર્દોષ, નિષ્કલંક મિલિન્દ જ દેવલનું સ્મિત પાછુ લાવવામાં મદદરૂપ થઇ શકે. કારણ કે, બંને અસીમ, અકથ્ય પણ સમાંતર દુઃખના ક્ષિતિજના છેડે ઊભા છે. બન્નેની મનોવેદનાના વેદનો મર્મ એક છે. પરસ્પર પીડાની પરિભાષા એક છે.
દેવલ માટે મિલિન્દથી ઉત્તમ જીવનસાથી શોધ્યો પણ ન જડે. અને જગનને તેની સઘળી સંપતિ કરતાં દેવલના ચહેરા પરનું વિસરાઈ ગયેલું હાસ્ય અનમોલ હતું. બસ આ વિચારને આખરી ઓપ આપી અમલમાં મૂકવા જશવંતલાલ મિલિન્દને આ વાતથી વાકેફ કર્યા વગર જગન સામે લઇ આવ્યો હતો.

છેક મિલિન્દ દેવલને મળવા જાય એ પહેલાંના બે કલાકની ચર્ચાની જશવંતલાલે ફોડ પાડીને શરુઆત કરી ત્યારે... મિલિન્દને ખ્યાલ આવ્યો કે, અજાણતાંમાં જે પટકથાનું કિરદાર તે ભજવી રહ્યો છે, તે સ્ક્રિપ્ટ તો નિર્ધારિત અંત સાથે પહેલાંથી જ લખાઈ ચુકી છે.
મિલિન્દ અને દેવલની પ્રથમ મુલાકાત પહેલાં...
જશવંત, જગન અને મિલિન્દની વાર્તાલાપના અંશો...


બેઠકરૂમની મધ્યમાં આવેલાં એકતરફના સોફા પર જગન અને જશવંત ગોઠવ્યાં હતાં અને સામે સિંગલ સોફા પર મિલિન્દ અદબથી આસાન લઇ બેઠો હતો. જશવંત અને જગનની ચુપકીદીનો અંદાજ લગાવતાં મિલિન્દને આભાસ થયો કે, ગઈકાલથી ઘૂંટાઈ રહેલા રહસ્ય પરથી પડદો ઊંચકવાની ઘડીઓ ગણાઇ રહી છે.

અને બીજી જ પળે ચુપકીદી તોડતાં જશવંતલાલ બોલ્યાં....
‘મિલિન્દ.. જગન તેની પુત્રી દેવલનો હાથ તારા હાથમાં આપવા માંગે છે.’

ગઈકાલે મુબઈથી રવાના થયા ત્યારથી લઇ અત્યાર સુધી મિલિન્દએ દરેક શક્યતાને ધ્યાનમાં રાખીને હદબહારનું મનોમંથન કર્યું હતું પણ કોઈ તાળાના તળમાં ઉકેલની કુંચી બેસતી નહતી. અને આ દેવલ સાથેનું સંધાન, અને એ પણ લગ્નજીવનના સગપણના રૂપમાં આ વાત સાંભળ્યા પછી પણ માનવી, સમજવી કે પચાવવી કઠીન હતી. અને દેવલ તો પરિણીત છે તો પછી....એટલે પરમાશ્ચર્ય સાથે મિલિન્દે પૂછ્યું

‘લગ્ન ? પણ દેવલ તો હજુ હમણાં થોડા સમય પહેલાં જ દાંપત્યજીવનમાં બંધાઈ ચુકી છે તો... આ પ્રસ્તાવ કેમ ?

‘મને હતું જ કે, પ્રત્યુતરમાં પહેલાં આ જ પ્રશ્ન આવશે.’

એ પછી દેવલને કેવા સંજોગોમાં દિલ્હીથી પરત લઇ આવ્યા એ વાત વિસ્તારથી જશવંતલાલ અને જગને વારાફરતે કહી સાંભળ્યા પછી મિલિન્દ આંચકા સાથે અરેરાટી અને કરુણા જેવી મિશ્રિત લાગણી અનુભવતો થીજી ગયો. અચનાક જ મિલિન્દના કાનમાં વૃંદાનો સંવાદ પડઘાયો...
‘બસ અપના હી ગમ દેખા હૈ ? તૂને કિતના કમ દેખા હૈ.’

જગનની ઓળખ તેના વિસ્તારના લોક સમુદાયમાં ભામાશા તરીકે થતી. દુખિયાનો બેલી. દીનબંધુઓનો ધનકુબેર. મિલિન્દને થયું કે, જો લખલૂટ સત્તા, સંપતિનો ધણી હોવા છતાં તેણે પણ કુદરત ઘડીના છટ્ઠા ભાગમાં ભોંય ભેગો કરી દેતો હોય તો મારું શું ગજું ? પણ... અચનાક વિચારવાયુ ઉલટી દિશામાં ફાંટતા મિલિન્દ બે હાથ જોડી બોલ્યો..

‘જેના ભાગ્ય ફૂંટયાં હશે એવો કોઈ અક્કલનો ઓથમીર જ તમારો આ પ્રસ્તાવ ઠુકરાવશે.. તમે પગની જૂતીને શિશ પર મુકવાની વાત કરો છો પણ...’
આગળ બોલતા મિલિન્દ અટકી ગયો..

ગળગળા થઇ ગયેલાં જગને પૂછ્યું...
‘પણ.. શું દીકરા..? મારી નિયત કે મારી દીકરીમાં કોઈ ખોટ....’ હજુ જગન વધુ બોલે એ પહેલાં મિલિન્દ બોલ્યો...

‘ના..ના...ના પ્લીઝ આવું ન બોલો.. હું એ વિચારું છું કે, મારી કંગાલિયત જોઇ, મારી પર દયા કે તરસ ખાઈને આ પ્રસ્તાવ તો નથી મૂકતાં ને ?
આટલું બોલતાં મિલિન્દની આંખોની કોર ભીની થઇ ગઈ.

‘આ તું શું બોલે છે મિલિન્દ ? હું તારી રગે રગથી વાકેફ છું અને જગનને પણ તારી એ ફિતરતથી વાકેફ કર્યો છે. કંગાલિયત નહીં તારી કાબેલિયત. તું જે મેળવી રહ્યો છે એ તારી પારદર્શિતાથી પ્રસન્ન થઇ પરમેશ્વરે તારા પ્રારબ્ધમાં ધરેલી પ્રસાદી છે. દીકરા. પ્રભુની પ્રસાદીનો આદર કરાય અનાદર નહીં. બાકી તું વિચાર કર, ક્યાં તું, ક્યાં હું. ક્યાં જગન અને ક્યાં છેક દિલ્હી ગયેલી દેવલ. ક્યાંય કોઈના કિસ્મત ક્રોસ થવાના ચાન્સીસ હતાં. ? પણ હવે મને એવું લાગે છે કે, બન્નેના સંતાપના તાળાની કુંચી અરસપરસ બદલાઈ ગઈ હતી. આ રીતે સમય સંજોગના સંગમથી બન્નેની આપદા આજીવન માટે અનલોક થઇ ગઈ. અને હજુ પણ કોઈપણ અંતિમ નિર્ણય પર તારી ‘હા’ સિવાય મહોર નહીં મારીએ.’

નીચી નજર ઢાળી, એક ઊંડો શ્વાસ લઇ મિલિન્દ આંખના પલકારામાં પલટો મરેલાં તકદીરના તરકટ વિશે વ્યર્થ તત્વચિંતન કરવામાં ગરકાવ થાય તેની બીજી જ પળે..

‘કોઈ લડકી ઇસકી જિંદગી કા ફેંસલા કરેગી.’

પેલા રસ્તે રઝળતા ફકીરે કરેલી ભવિષ્યવાણીના શબ્દો સાર્થક થતાં લાગ્યાં. ઈશ્વરીય સંકેતનો ઠોસ આધાર મળી ગયો. છતાં એકવાર દેવલને મળ્યાં પછી અંતિમ નિર્ણય પર આવવાનો વિચાર કરતાં બોલ્યો...

‘ઠીક છે, હું ઉપર જાઉં છું.’

અને એ પછી દેવલ અને મિલિન્દ બન્નેએ સાત્વિક સમરસ સત્સંગ બાદ જગનના આશીર્વચન સાથે એકબીજાના હમદર્દ બની હમસફર બનવાનું નક્કી કરી લીધું.

એ રાત્રે મોડે સુધી જગન, જશવંત, મિલિન્દ અને દેવલ જાણે ઈશ્વરની અસીમ કૃપાથી ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું હોય એ રીતે સૌના અંતરાત્માને ટાઢક વળ્યાં પછી મધ્યરાત્રીએ છુટ્ટા પડતાં પહેલાં મિલિન્દ બોલ્યો..

‘મારી એક વિનંતી છે, હું ધૂમધામથી નહીં પણ કોર્ટ મેરેજ કરવાં માગું છું.
એટલે દેવલે એક પણ શબ્દ બોલ્યાં વગર પાંપણના પલકારાથી મૂક સંમતિ આપી.
અને જગન બોલ્યો..
‘જેવી તારી મરજી દીકરા.’

છેવટે ખુશખુશાલ દેવલ પહેલાં માળે તેના ઓરડામાં ગઈ એટલે... મિલિન્દ સામે સજળનેત્રે બે હાથ જોડી ગળગળો થતાં જગન બોલ્યો...
‘દીકરા... જે કરોડોની સંપતિ મારી જીવથી વ્હાલી મારી લાડલીનું સ્મિત ન લાવી શકી એ કામ તે ફૂટી કોડી વગર કરી બતાવ્યું. મને દિનરાત એક જ ડર સતાવતો હતો કે, ઉપર જઈ, કેસરને શું જવાબ આપીશ ?

ગદ્દગદ્દિત મિલિન્દ હજુ કશું બોલવા જાય એ પહેલાં જશવંતલાલ બોલ્યાં...

‘ના જગન એવું કશું નથી, હકીકતમાં જોઈએ તો આ ઘડીના છટ્ઠા ભાગમાં ફરેલું આ ભાગ્યચક્ર ભરપુર અને ધરખમ ભરોસાની ધરી પર ફર્યું છે. મિલિન્દનો મારા પરનો ભરોસો, જગનનો મારા પરનો ભરોસો અને દેવલનો અમારા બંને પરનો ભરોસો. અને આ ભારોભર ભરોસાને ભરોસે ઝંઝાવાતમાં ઉતારેલી નાવડી સૌનો ભવસાગર પર કરાવી દેશે.’

અંતે.. મિલિન્દે ફરી જગનના ચરણ સ્પર્શ કર્યા અને એ પછી જશવંતલાલ સાથે બન્ને આવ્યાં તેમને આપેલા ઉતારાના ઓરડામાં. અને હળવોફૂલ જગન તેના બેડરૂમમાં જઈ બેડ પર લંબાવતા વિચારવા લાગ્યો કે, મિલિન્દ કઈ માટીનો માણસ છે ? આટલી નાની ઉમરે એકલપંડે નિશસ્ત્ર યોદ્ધાની માફક જીવનસંગ્રામની રણભૂમિમાં ઝઝૂમતો હોવા છતાં મારા અસીમ પ્રલોભન પછી પણ તેના ચહેરા પર સ્હેજે અહંકારનો અંશ ન આવવા દીધો. તેની પરિપક્વતાથી તેના પરિવાર અને પરવરીશનો પરિચય મળી જાય છે. છેવટે મનોમન ઇષ્ટદેવના સ્મરણ કરતાં જગન પોઢી ગયો...

જશવંતલાલ પણ સારી ગયા સૂકૂનની નિદ્રામાં. પણ અણધાર્યા ફરેલા અહોભાગ્ય સાથે મિલિન્દની ઊંઘ પણ ઉડી ગઈ. ગઈકાલ સુધી ચારેય દિશાએથી બંધ લાગતાં કિસ્મતના કમાડ આંખના પલકારામાં ઉઘડી ગયા એ હજુએ માનવામાં નહતું આવતું.
માત્ર થોડા કલાકોમાં સાવ ભાંગીને ભુક્કો થઇ ગયેલાં મનોબળની ભસ્મમાંથી ભવ્યાતિભવ્ય ભાવીનું દ્રશ્ય ખડું થતાં જોઈ રહેલા મિલિન્દને ઊંડે ઊંડે કશુક ખૂટતાં અને ખૂંચ્યા પછી ઝમીર ઝંજોળતાં પૂછ્યું...

‘અજાણતાંમાં મારાથી કંઈ..ખોટું તો નથી થઇ રહ્યુંને. ?’
કયાંય સુધી કાને પડઘાતા આ શબ્દો અંતરઆત્માને અથડાતાં અને અફળાતા રહ્યાં.

સવારે આઠેક વાગ્યાં પછી આંખો ઉઘડ્યા પછી ફ્રેશ થઇ સૌ પહેલાં કોલ કર્યો.. બહેન મિતાલીને..
‘હેલ્લો... મિતાલી સાંભળ તારા રૂમમાં લાકડના કબાટમાં મારી જે ફાઈલ છે, તેમાંથી હું મેસેજ કરું એ ડોક્યુમેન્ટ્સ મને વ્હોટ્સપ પર સેન્ડ કરી દે. અને મમ્મીને કોલ આપ.’

‘અચ્છા આપું....પણ ભઈલા તું ક્યારે આવીશ પપ્પા તારી ખુબ ચિંતા કરે છે..’

‘કદાચ કાલે...’ મિલિન્દ બોલ્યો એટલે મિતાલીએ મેસેજ રીડ કરી કોલ આપ્યો વૈશાલીબેનને..

હરખથી અડધા અડધા થતાં વૈશાલીબેન બોલ્યાં..
‘મીલું.... ક્યાં છે દીકરા તું ? આ રીતે તું કયારેય કયાંય જતો નથી, અને આમ અચાનક જ ? કંઇક થયું છે દીકરા ? કયારે આવીશ તું ? અને તારા પપ્પા પણ દિવસમાં દસ વાર પૂછે છે કે, ક્યાં ગયો હશે ?
સાડીના છેડેથી મોં પરનો પરસેવો લૂંછતાં બોલ્યાં

‘મમ્મી,,,મમ્મી... મેં તમને કહ્યું હતું કે, હું જશવંત અંકલ સાથે છું... કદાચ આવતીકાલે આવી જઈશ.. પપ્પાને આપ કોલ..’

ત્યાં મિતાલી કબાટમાંથી મિલિન્દના ડોકયુમેન્ટ લઇને સામે ઊભી રહી..

‘એલા ભઈ ઈ જશવંત તો ફક્કડ ગિરધારી જેવો છે. તું એના રવાડે ક્યાં ચડી ગયો ? અને આ ડોક્યુમેન્ટ્સનું શું છે ? ભાઈ., કોઈ નવું ચક્કર ઉભું ન કરતો હો. અને ઝટ ઘર ભેગો થઇ જા. ક્યાં છો તું ? મને એ જશવંત સાથે વાત કરાવડાવ હમણાં જ.’ જુનવાણી ઘરેડ અને ચિંતા પ્રકૃતિના આદિ કનકરાય મીઠા ઠપકા સાથે બોલ્યાં.

‘એ ઠીક છે પપ્પા.’ એમ કહી કોલ મૂકી તૈયાર થઈ આવ્યો નીચે ડાયનીંગ ટેબલ પર આવી જશવંતલાલને તરત જ પપ્પા સાથે વાત કહેવાનું કહેતાં જશવંતલાલે કોલ જોડ્યો...

‘બોલ કનક.’
‘એલા ભાઈ.. સોનાની ખાણ અને એકના ડબલ કરવાની વાર્તાના રવાડે તું આ મિલિન્દ ન ચડાવતો હો.’
પ્રોફેશનલ માઈન્ડના જશવંતલાલની ફિતરત જાણતા કનકરાય બોલ્યાં...

એટલે જશવંતલાલ ખડખડાટ હસતાં હસતાં બોલ્યો...

‘અલ્યા.. કનિયા, આવી વાર્તા તો હવે બાલમંદિરના બાળકો પણ નથી સાંભળતા... અને હવે આપણો મિલિન્દ તો કદાચ ... સોનાની ખાણમાં મને મજુર તરીકે રાખે તો નવાઈ નહી. અને હવે એકના ડબલ નહી પણ, એકના દસનો જમાનો છે સમજ્યો. ચિંતા છોડ ચિંતામણી સબ સલામત છે, નવ્વાણું ટકા આવતીકાલે આવી જઈશું. એ જરા ટેન્શનમાં હતો તો થયું કે ચાલો બે-ચાર દિવસ હવા પાણી ફેર કરી રીલેક્સ થઇ જઈએ... એટલે નીકળી પડ્યા બસ. બોલ બીજું ?

‘ઠીક છે, માની લઉં છું.. બાકી જશવંત હોય ત્યાં કોઈ નવાજુની ન હોય એ વાત મને હજુ ગળે ઉતરતી નથી.’ કનકરાય બોલ્યાં

‘જાણ્યાં નહીં, નજરે જોયા પછી પણ નહીં ઉતરે...સમજ્યો, એટલે ખોટી મગજની નસો ખેંચ્યા વગર પડ્યો રે’ને મારા ભાઈ. અને હું કરીશ તો નોટબંધી જેવી નાની મોટી નવાજૂની નહીં કરું સમજ્યો. ચલ હવે કાલે મળ્યા.’

એમ કહી કોલ કટ કર્યા પછી જશવંતની સામું જોઈ રહેલા જગન અને દેવલને સંબોધતા બોલ્યાં..

‘પંડમાં હાડકા ગાંધીજી કરતાં ઓછા છે પણ, હજુ’યે આ ગાંધીજીના ત્રણ વાંદરાનું પ્રતિનિધિત્વ એકલો કરે છે, બોલો.’
એટલે સૌ હસવાં લાગ્યાં.

-વધુ આવતાં અંકે..