પ્રકરણ-બીજું/૨
વૃંદા સંઘવી.
સાવ કોરી પાટી અને સીધી લીટી જેવું વૃંદાનું જીવતર અને ઘડતર. છળ-કપટ, ષડ્યંત્ર, લુચ્ચાઈ, લઇ લેવું, પડાવી લેવું આવી કોઈપણ વૃતિથી તે બિલકુલ અજાણ. નરી આંખે જોઈ શકાય એવી ઊઘાડી કિતાબ જેવા નિર્મળ સ્વચ્છ પાણી જેવા વૃંદાના વાણી,વર્તન અને વિચારો. તેના મોજ શોખ ખુબ જ માર્યાદિત. આમ કહો તો નહીંવત જ કહી શકાય. એક સંગીત અને સાહિત્યના સાનિધ્યમાં તે સમય અને સ્થળનું ભાન પણ ભૂલી જતી. સંગીત તેનો શ્વાસ અને સાહિત્ય તેના ધબકારા. કયારેક તો એટલી તન્મય થઈ જતી કે લંચ કે ડીનરનો ટાઈમ સ્કીપ થઇ જતો છત્તા તેનું ભાન સુદ્ધાં નહતું રહેતું. થોડી અંતર્મુખી પણ ખરી. ભાગ્યેજ કોઈની સાથે હળે કે ભળે. જીવનની કોઈ જ મોટી મહત્વકાંક્ષા નહીં. બી.એ.નો અભ્યાસ પરિપૂર્ણ કર્યા પછી એક વુમન ઓરીએન્ટેડ અંગ્રેજી મીડીયમના મેગેઝીનમાં સહતંત્રી તરીકે ફરજ બજાવતી હતી. અને પાર્ટ ટાઈમમાં તેના નિજાનંદ માટે એક ફ્રેન્ડની નર્સરીમાં માટે નિસ્વાર્થ સેવા આપતી હતી. વૃંદાને બાળકો અતિપ્રિય. બાળકો માટે વૃંદા એમ કહેતી કે... માનવજીવનની આ એક જ અવસ્થા એવી છે કે જેમાં તેનું હાસ્ય મને માસૂમ લાગે છે. જે બાળક દુનિયાના કોઈપણ શબ્દની પરીભાષાથી અપરિચિત છે. તેના મર્મ વિનાના નિર્દોષ સ્મિતનું સાનિધ્ય વૃંદાને રોમાંચિત કરી દેતું. બાવીસ વર્ષના વયની વૃંદાને સૌથી વધુ ખુશી મળતી હતી, ખુશી ખર્ચવામાં. તે કોઈને નિરાશ નહતી જોઈ શકતી. કારણ કે, એક સ્મિતનું મુલ્ય સમજવા માટે વૃંદાએ તેની અડધી ખર્ચી નાખી હતી.
બાવીસ વર્ષીય વૃંદા સંઘવી..... એટલે શશાંક સંઘવી અને વિદ્યા સંઘવીનું અનયાસે અવતરેલું એક માત્ર સંતાન.
શશાંક સંઘવી શહેરના નામાંકિત અને કોર્પોરેટ સેક્ટર લેવલના શહેરના ટોચના રીઅલ એસ્ટેટ કંપનીના લીગલ એડવાઇઝર અને ક્રિમીનલને લગતાં વળગતા કેસના નિષ્ણાંત અને પ્રથમ હરોળના અનુભવી એડવોકેટ. તેમના પિતાજી ધનાઢ્ય સ્વ. જુગલદાસ સંઘવી પણ તેમના કાર્યકાળ દરમિયાન એક નિષ્ઠાવાન અને આકરા મિજાજના નિષ્ણાંત એડવોકેટ અને પ્રતિષ્ઠિત અને આદરણીય ન્યાયાધીશ પણ રહી ચુકેલા .
વૃંદાની માતા વિદ્યા જન્મે બંગાળી. વિદ્યા ગાંગુલી. વિદ્યાના બચપણમાં જ તેમનું
ફેમીલી મુંબઈમાં સ્થળાંતરિત થઇ ગયું હતું. વિદ્યાએ પ્રાથમિક શિક્ષણની શરૂઆત પણ મુંબઈમાં જ કરેલી. ત્યારે વિદ્યાના પિતાજી શશીધર ગાંગુલીએ એલ.એલ.બી.નો અભ્યાસ ક્રમ પૂરો કરીને નવી નવી વકાલાતના શરૂઆતની સાથે સાથે જોડાયા, જુગલદાસની ગાઢ મિત્રતા સાથે.
એક અરસા બાદ.....જુગલદાસ જયારે તેના વકીલાતના પ્રોફેશનથી શરુ કરેલી કારકિર્દીના અંતે નિવૃતિના આરે ન્યાયાધીશ પદ પર આરૂઢ હતાં. ત્યારે વિદ્યાના પિતાજી શશીધર ગાંગુલી એક કુશળ કાયદાશાસ્ત્રી બની ચુક્યા હતાં. સરકતાં સમય અને સંજોગની સાથે સાથે બન્નેની મિત્રતા એ હદે ગાઢ થઇ ગઈ કે, મિત્રતા સંબંધના સ્વરૂપમાં તબદીલ થતાં બન્ને વેવાઈના સગપણમાં બંધાઈ ગયા. શશાંક અને વિદ્યા બન્ને એકબીજાના લાઈફ પાર્ટનરની ભૂમિકા સાથે દાંપત્યજીવનમાં જોડાઈ ગયાં. વૃંદાના અવતરણ પહેલાં જ એક પ્રાણઘાતક હ્રદયરોગના હુમલામાં જુગલદાસનું નિધન થયું હતું.
વૃંદા, વિદ્યાના પ્રકૃતિની પ્રતિકૃતિ હતી. અદ્દલ વિદ્યા જેવી જ વાણી વર્તન અને વિચારવૃતિ એ જ મોજ શોખ અને વિદ્યા જેવી જ અંતર્મુખી.
મિલિન્દ માધવાણી એટલે.....
મધ્યમ પરિવારના મોભી કનકરાય માધવાણીના ત્રણ સંતાનમાંનો સૌથી મોટો ચોવીસ વર્ષનો પુત્ર મિલિન્દ. કનકરાય તેમના પિતાજીની આર્થિક પરિસ્થિતિ અને સામાજિક જવાબદારીઓ વચ્ચે અટવાઈ જતા દસમા ધોરણથી આગળ અભ્યાસ નહતા કરી શક્યા. મિલિન્દના માતા અને કનકરાયના ધર્મપત્ની વાસંતીબેન સાથે લગ્નગ્રંથિથી જોડ્યાના એક વર્ષ પહેલાં જ કનકરાય તેમના સેવાભાવી અને આત્મીય મિત્ર જસવંતસલાલની ઓળખાણ અને ભલામણથી નગરપાલિકામાં પ્યુન તરીકેની ફરજમાં જોડાઈ ગયા હતાં. મિલિન્દ સિવાયના બે સંતાનમાં મિલિન્દથી નાનો ભાઈ ગોવિંદ અને ગોવિંદથી નાની અને પરિવારમાં સૌની લાડલી મિતાલી. પરિવારના એક એક સદસ્યને માયાની માળામાં ગૂંથીને રાખ્યા હતાં, માયાળુ વાત્સ્યલ મૂર્તિ વાસંતીબેને. અને મિલિન્દની તો વાસંતીબેન આંખની કીકીની જેમ કાળજી રાખતાં. મિલિન્દને વારસામાં મળેલા તમામ ગુણો તેની માતા તરફથી મળ્યાં હતાં. એટલો જ ગુણી, શાંત, સૌમ્ય અને કલારસિક જીવડો. સંગીત પ્રત્યે તેની અનહદ રુચિ તેના સ્વ. દાદા પીતાંબરદાસને આભારી હતી. સ્વ. પીતાંબરદાસ જાણીતા ભજનિક હતા.
મિલિન્દ કયારેય તેના માતા-પિતા અને પરિવાર પ્રત્યેની કોઈ ફરજ ચુક્યો નહતો. આર્થિક સંકડામણ તો જાણે કે પરિવારના એક સદસ્ય તરીકે સદાય સંકળાયેલી જ રહેતી. તેનું કારણ હતું, છેલ્લાં આઠેક વરસથી એક અસાધ્ય બીમારીના કારણે કનકરાયની તેમની જોબ માટેની અનિયમિતતા. એક વર્ષ પહેલાં એમ.કોમ.નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછીના એક વર્ષ દરમિયાન મિલિન્દે નાની મોટી જોબ કરી. એ પછી જેની આંગળી ઝાલીને કનકરાયએ તેની નોકરીની કારકિર્દી શરુ કરી હતી એ જ જશવંતલાલએ તેમની વગ અને શાખના આધારે મિલિન્દને એક પ્રાઇવેટ ફાઈનાન્સ કંપનીમાં જોબ અપાવી હતી.
પણ, તેના નાના ભાઈ ગોવિંદની તાસીર તેના ખાનદાનના ખાસિયતથી તદ્દન વિરુદ્ધ દિશા તરફ દોડતી હતી. માધવાણી પરિવારનું એક અકળ અને અપવાદ ફરજંદ એટલે બાવીસ વર્ષીય ગોવિંદ. ગોવિંદના આડેધડ નિર્ણયના કારણે મિલિન્દના પરિવારને ઘણીવાર અણધારી આફતનો સામનો કરવો પડતો હતો.
ગોવિંદના તુંડમિજાજી દિમાગ માટે અનેક પરિબળો જવાબદાર હતાં. તેના પરિવારની સળંગ આર્થિક સંકડામણની સાથે સાથે ગોવિંદની અભ્યાસ પ્રત્યેની શુષ્ક રુચિ પણ જવાબદારી હતી. અને તેની જ પ્રકૃતિને અનુકુળ આવતાં ભાઈબંધ સાથેના સંગાથની
આડઅસરે પણ ભાગ ભજવ્યો હતો. પરતું પરિવારની સૌથી નાની સુશીલ અને સૌની વ્હાલી અને આંખનો તારો હતી ૨૦ વર્ષીય મિતાલી. ઈશ્વરે રૂપ, ગુણ, બુદ્ધિધન બધું જ આપ્યું હતું પણ, ચાંદના દાગ જેવી એક જ ખોટ હંમેશ માટે રહી ગઈ હતી. બચપણમાં પોલિયોની અસર અને સારવાર દરમિયાન બેદરકારીના કારણે તેના જમણા પગમાં આજીવન ખોડ સાથે સૌના મનમાં રંજ સાથેનો ડંખ રહી ગયો. મિતાલી એક્ષ્ટર્નલ બી.એ.નો અભ્યાસ કરી રહી હતી.
આજે મકરંદે તેની ઓફિસમાં વૃંદા અને મિલિન્દ બન્નેને અરસપરસ પરિચિત કરાવવાનું કારણ એ હતું કે, ત્રણ દિવસ બાદ મકરંદને દસેક દિવસ માટે એક આંતરરાષ્ટ્રીય કક્ષાના શાસ્ત્રીય સંગીત સમારોહમાં અતિથી વિશેષ તરીકે દિલ્હી જવાનું હતું. એટલે દસ દિવસ માટે સંગીત વિદ્યાલયનું સંચાલન મકરંદ વૃંદાને સોંપીને જઈ રહ્યો હતો. પણ ત્યારે વૃંદાએ એવું કહ્યું હતું કે, તેને કોઈ આસિસ્ટ કરે તો તે પહોંચી વળશે. તેથી મકરંદને મિલિન્દ યાદ આવ્યો. પણ મિલિન્દની તાલીમ પૂરી થઇ પછી છેલ્લાં છ મહિનામાં ક્લાસ પર માંડ તે એક યા બે વાર આવ્યો હશે. પ્રતિકુળ સમય સંજોગ ઉપરાંત જોબ અને પરિવાર વચ્ચેની જવાબદારીઓ ફૂલફીલ કરવામાં મિલિન્દને સંગીતના શોખથી અંતર રાખવું પડ્યું હતું.
એ પછી વૃંદાના ફેસ એક્સપ્રેશન જોઇ મકરંદે પૂછ્યું,
‘શું થયું વૃંદા...? મિલિન્દનો ચહેરો પસંદ ન આવ્યો કે, પછી... વધારે પડતો પસંદ આવી ગયો છે ?’
સ્હેજ ઝંખવાઈને વૃંદા બોલી...
‘અરે... ના સર, એવું નથી પણ આપ બન્ને એ જે રીતે પ્લાનિંગથી સરપ્રાઈઝ આપી એટલે જરા વિચારમાં પડી ગઈ.. અને આ મિસ્ટર મિલિન્દે નીચે પાર્કિંગમાં આવીને અજનબીની એટલી અદ્દભુત અદાકારી કરી કે...આઈ કાન્ટ બીલીવ.. એન્ડ સર, તમે પણ ?
એટલે સ્હેજ હસતાં મિલિન્દ બોલ્યો..
‘મેં તો કશું જ નથી કર્યું. મને તો સરે કહ્યું કે નીચે પાર્કિંગમાં આ મુજબના ડ્રેસમાં એક યુવતી છે, તેને જઈને જસ્ટ મેસેજ આપવાનો છે, ધેટ ઇટ્સ. અને આપનું નામ, આપ કોને મળવા આવ્યા છો ? કોણ છો ? તેનો મને કોઈ જ આઈડિયા નહતો.’
એક વીક પહેલાં જયારે મકરંદે વૃંદાને એવું કહ્યું હતું કે મારી ગેરહાજરીમાં મારો એક લાડલો સ્ટુડન્ટ દસ દિવસ માટે ક્લાસિસનું હેન્ડલિંગ કરવામાં તને ગાઈડ કરશે. ત્યારથી વૃંદાના દિમાગમાં એક એવાં વ્યક્તિનું ચિત્ર ભમતું હતું કે, લાડલો સ્ટુડન્ટ ? અને એ પણ ક્લાસિસનું હેન્ડલિંગ કરશે ? મકરંદ સર જો તેના આટલા ભરપૂર વખાણ કરે છે, તો એ કોણ હશે ? કેવો હશે ? કેટલું જાણતો હશે સંગીત વિષે ? વૃંદાને એ વ્યક્તિના વ્યક્તિત્વ કરતાં તેની સંગીતકલાનું જ્ઞાન જાણવામાં વધુ રુચિ હતી. અને આજે મકરંદે આ રીતે સરપ્રાઈઝ આપી બન્નેનું અનોખી અદાથી ઇન્ટ્રોડકશન કરાવ્યું.
વૃંદા હજુ આગળ વિચારે ત્યાં મકરંદ બોલ્યો..
‘એમાં એવું થયું મિલિન્દ, તે મને કહ્યું હતું કે સર, તમારાં જતાં પહેલાં હું કલાસિસના ટાઈમે એક દિવસ જરૂરથી આવી જઈશ. અને કલાક પહેલાં તારો મેસેજ આવ્યો કે તું આવી રહ્યો છે, અને જોગાનુંજોગ જેવી વૃંદા ઘરે જવા નીકળી અને તે બેક ડોરથી એટ્રી લીધી. એટલે વૃંદા પાર્કિંગમાં પહોંચીને નીકળી જાય ત્યાં સુધી સરપ્રાઈઝ આપવા ફોન પર બીઝી રાખી અને તને થોડી વાતમાં બધું સમજાવીને નીચે મોક્લ્યો બસ.. આટલી જ વાત હતી.’
એ પછી મકરંદ અને મિલિન્દ બન્ને હસવાં લાગ્યા.
‘અને પણ સર....’
આ વાક્ય મિલિન્દ અને વૃંદા એકી સાથે જ બોલ્યા અને પછી હસ્યાં.
એટલે મિલિન્દ બોલ્યો
‘આપ કંટીન્યુ કરો પ્લીઝ.’
એટલે વૃંદા બોલી.
‘સર... આ મહાશયને જાણ હતી કે, હું આપની જોડે જ વાત કરી રહું છું. છતાં દૂર ઊભા ઊભા મને જોઇ હસ્યાં કરે.. અને હું પણ હરખઘેલી તેમની બાઈક પર જ બેઠી હતી બોલો.’
‘વેલ, તમે બન્ને વાતો કરો... ત્યાં સુધીમાં હું મારું બીજું અગત્યનું કામ પૂરું કરું.’
એમ કહી મકરંદ ઓફિસની બહાર જવા નીકળતો હતો ત્યાં જ વૃંદા બોલી...
‘સર...ટુ ડે ઓલરેડી આઈ એમ ગેટીંગ લેઇટ. તો હું રજા લઉં છું.’
એ પછી મિલિન્દ તરફ શેકહેન્ડ માટે હાથ લંબાવતા વૃંદા બોલી,
‘મિલિન્દ આપ મને આપનો મોબાઈલ નંબર શેર કરો તો આપણે આવતીકાલનું શેડ્યુલ ઇઝીલી ડિસ્કશ કરી શકીએ.’
‘ઓ સ્યોર..’ એટલું બોલી બન્ને એ તેમના મોબાઈલ નંબર પરસ્પર શેર કર્યા.
‘બાય.. સી યુ ટુમોરો.’ એમ કહી વૃંદા ચાલી નીકળી.
–વધુ આવતાં અંકે