The key value of a pinch of vermilion - 6 books and stories free download online pdf in Gujarati

એક ચુટકી સિંદૂર કી કિંમત - 6

પ્રકરણ-છ્ત્ઠું/૬

‘હેં.. શું વાત કરે છે ? એવું તે વળી શું થવાં જઈ રહ્યું છે ? શું કર્યું ગોવિંદે ? અકળાઈને મિલિન્દે પૂછ્યું.

‘હજુ સુધી તો કર્યું નથી પણ, મને જાણકારી છે ત્યાં સુધી ટૂંક સમયમાં કંઈ ધડાકો ન કરે તો જ સારું.’
આગામી દિવસોની ગંભીરતાનો અંદેશો આપતાં કેશવ બોલ્યો.

‘કેવી જાણકારી ? આતુરતાથી મિલિન્દે પૂછ્યું.

‘ગોવિંદ ટપોરી લોકો સાથે ભળીને નાની મોટી ભાઈગીરી કરતો ત્યાં સુધી તો ઠીક છે, પણ મને એક વીક પહેલાં એવાં કન્ફર્મ ન્યુઝ મળ્યા છે કે, કોઈ મોટી લાલચના રવાડે ચડીને તેની ટોળકી કોઈ દિલ્હીની ગેંગ સાથે મળીને ડુપ્લીકેટ કરન્સીની હેરાફેરીનો પ્લાન ઘડી રહી છે. અને ત્યાં સુધીના મેસેજ છે કે, ટ્રાયલ બેઝ પર ટ્રેનીંગના બહાને નાની રકમના એક થી બે ટ્રાન્જેકશન તો કરી પણ નાખ્યા છે.’

આટલું સાંભળતા મિલિન્દ તો માથું ખંજવાળતા બોલ્યો
‘ઓહ માય ગોડ.... શું વાત કરે છે યાર ? હા હા હા.....હો તારી વાત સાચી, બે દિવસ પહેલાં ગોવિંદ મિતાલીને કહેતો હતો કે નેક્સ્ટ મંથ તારો બર્થ ડે આવે છે, તો તને જે ગીફ્ટ જોઈએ તે અપાવી દઈશ ? એ વાત મને મિતાલીએ કીધી ત્યારે એમ થયું કે આ ફક્કડ ગિરધારી શું ગીફ્ટ આપવાનો હશે ? હવે સમજાયું કે આ વાંદરો ક્યાં મદારીની ડુગડુગી પર ઠેકડા મારે છે.’

‘હે ભગવાન.’
આટલું બોલ્યા પછી મિલિન્દ માથું પકડીને નીચે બેસી ગયો.

કેશવ મિલિન્દની આ કાયમી અને નિવેડા વગરની પીડા સારી રીતે સમજતો હતો. છતાં આશ્વાસન આપવાના બહાને કેશવ બોલ્યો.
‘યાર, હજુ પણ કંઈ મોડું નથી થયું, એકવાર આપણે બધા ભેગા મળી ગોવિંદને શાંતિથી સમજાવાની કોશિષ કરીએ. એવું લાગે તો જશવંત અંકલને સાથે રાખીએ પણ યાર....’ આગળ બોલતાં કેશવને અટકાવતા મિલિન્દ બોલ્યો.

‘કેશવ.... આ ગોવિંદનો કેસ આપણા સૌની હાથ બહારનો છે. આ હડકાયો દીપડો હવે હરામનું લોહી ચાખી ગયો છે. આને હવે ઈજ્જતના રોટલા નહીં પચે. જે દિવસે ગોવિંદે પહેલીવાર ગલતી કરી ત્યારે જ મમ્મી પપ્પા એ તેને છાવરવાની જગ્યાએ મારી મારીને તેના હાડકાં ખોખરા કરી નાખ્યા હોત તો આજે અમારે સૌને રાત ઉજાગરા કરી લોહી બળતરા ન કરવી પડત.’

‘કેશવ તું માનીશ હું મારા પરિવારની આબરૂ અને એકતાને એકસૂત્રમાં અકબંધ રાખવા, જેમ કોઈ પંખી એક એક તણખલું વીણી વીણીને તેના બચ્ચાને સુરક્ષિત રાખવા જહેમત કરે, એવી દોડધામ દિવસ રાત કરું છું. કરું છું તો ન કહેવાય મારી ફરજ પૂરી કરું છું, પણ આ કરમની કઠણાઈ, ભાઈના નામે પેદા થયેલો કસાઈ અમારા કુળ પર કલંક લગાવીને દમ લેશે.’

મિલિન્દના ઉછળતા પ્રકોપના પારાને શાંત પાડવાની કોશિષ કરતાં તેના ખભા પર હાથ મૂકી કેશવ બોલ્યો.

‘પ્લીઝ..યાર, આટલો ઉકળાટ નહીં સારો. મને ખબર હતી કે આ વાત સાંભળીને તારા ભીતરની બળતરા ભભૂકી ઉઠશે. પણ, વાત જ એવી હતી એટલે કહ્યા વગર ન રહી શક્યો. જો જે થઇ ગયું એ ભૂલી જા, શું કરી શકીએ એ છે એ દિશા તરફ વિચારીએ. મારી કોઈ પણ હેલ્પ જોઈએ તો એની ટાઈમ હાજર છું. બોલ.’



‘કેશવ..હું કોઈપણ વિડંબણા સામે બાથ ભીડી શકું એમ છું પણ આ લોહીના સગાઇની
લાચારી સામે ઝુકી પડું તો પણ બચી શકું તેમ નથી. અને એ મારી માનો અંશ છે એ વાત તો ઈશ્વર પણ ન નકારી શકે. તેનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ છે કે તેનો કોઈ પ્લસ પોઈન્ટ નથી. હું વિચારું છું કે, આ નાગને છંછેડવો કે નહીં. ?’

‘હવે આ આટલી પાર વગરની ઉપાધિઓમાં હું મારા અંગત જીવન વિષે શું વિચારું ?
તું રાણીની વાત કરે છે, અહીં દાસી પણ સંચવાય એમ નથી એવા સંજોગ છે. બસ, એક જ સપનું છે મિતાલી કોઈ સંસ્કારી અને સાધન સંપ્પન પરિવારમાં પરણીને ઠરીઠામ થઇ જાય.’

મિલિન્દને હળવા મૂડમાં લાવવા મજાક કરતાં કેશવ બોલ્યો.

‘પણ તને જોઇને છોકરીઓના મનમાં જે રીતે લડ્ડુ ફૂંટે છે, એ જોતાં કહું તો તારા સ્વયંવરની ઘોષણા કરીએ તો સ્વર્ગની અપ્સરા પણ લાઈનમાં જોડાઈ જાય હો’
આ મારો વિરાટ કોહલી જેવો વિશ્વામિત્ર કૈંક અનુષ્કાના તપ ભંગ કરી નાખે એમ છે.’

‘એલા..આટલી ગંભીર સિચ્યુએશનમાં પણ તને આવી મજાક સૂજે છે ?
‘બાબુ મોશાય........ આઈ હેટ ટીયર્સ...’ રાજેશ ખન્નાની સ્ટાઈલ અને સ્વરમાં કેશવ બોલ્યો. પછી સ્હેજ ગળગળા અવાજમાં બોલ્યો.
‘મિલિન્દ હું તને નિરાશ નહીં જોઈ શકતો યાર. હું ઈશ્વરને એવી અરજ કરું કે તારી લાઈફમાં કોઈ એવો દૈવી ચમત્કાર થાય કે, તારો અને તારા પરિવારનો બેડો પર થઇ જાય.’

‘પણ હું ચમત્કારમાં નથી માનતો દોસ્ત.વાસ્તવિકતામાં માનું છું.’ મિલિન્દ બોલ્યો
‘જો યાર મને જેટલી આસ્થા ભોલેનાથ પર નથી એટલી તારી દોસ્તી પર છે. અને જો તારા પ્રત્યે મારી દુઆમાં એટલી અસર ના હોય તો દોસ્તી નીભાવવામાં મારી કયાંય કસર રહી ગઈ છે, એવું માનીશ.
લાગણી ભીનાં સ્વરમાં કેશવ બોલ્યો.

ભીની આંખના કોરે લાગણીવશ સ્વરમાં ઉત્તર આપતાં મિલિન્દ બોલ્યો.
‘ખબર નહીં ક્યાં જન્મની લેણદેણ છે તારી સાથે. અચ્છા, ચલ કેશવ. હું રજા લઉં હજુ આવતીકાલની મીટીંગનું પ્લાનિંગ કરવાનું બાકી છે. પણ.. હા, તારા ચમત્કાર સંબંધિત વાતને સમર્થન પૂરું પાડતી એક વાત કહીશ...’
‘શું ?” કેશવે પૂછ્યું.

‘થોડા દિવસ પહેલાં જ એક અનાયાસે મળેલા અજનબી તરફથી તારા આ કહેવાતાં ચમત્કારના સંકેત મળ્યા છે ખરા.’

‘ઓહ.. શું વાત છે ? રીયલી ? કૈંક ફોડ પાડીને વાત કર તો ખ્યાલ આવે.’
હરખાતા કેશવે પૂછ્યું

જતાં જતાં મિલિન્દ બોલ્યો
‘અરે..ના યાર એવું કશું નથી. આ તો તે ચમત્કારની વાત કરી એટલે મને ચમકારો થયો બસ.’

‘એવું કંઇક હોય તો કહેજે હો મારા ભાઈ.’
કેશવે વાક્ય પૂરું થયું ત્યાં સુધીમાં મિલિન્દ નીકળી ગયો.

વર્ષો જુના ખાનદાની વન રૂમ હોલ કિચનમાં વાસંતી બેન અને મિતાલી બેડરૂમ, અને કનકરાય, મિલિન્દ અને ગોવિંદ હોલ શેર કરતાં. આશરે બારેક વાગ્યાનો સમય થયો હશે. સૌ નિદ્રાધીન હતાં. ગોવિંદ હજુ ઘરે આવ્યો નહતો. પથારીમાં પડતાં પહેલાં લેપટોપ લઈ એડવાન્સમાં ઓફિસ વર્ક નીપટાવવાનું વિચાર્યું પણ ગોવિંદની ઉટપટટાંગ હરકતથી દિમાગની ડગરી ડામાડોળ થઇ ગઈ હતી. ફ્રેશ થઈ પથારીમાં લંબાવતા ગોવિંદની થર્ડ વર્લ્ડ વોર જેવી અતિગંભીર સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવવો તેના મનોમંથનની મથામણમાં મંડાયો. અડધો કલાક સુધી અનુમાનના અશ્વો દોડાવ્યા પછી કોઈ દિશા ન સુજતા અંતે માથું ભારે થવા લાગતાં સુઈ જવું મુનાસીબ લાગ્યું.

નેક્સ્ટ ડે. સોમવાર.
સપ્તાહનો પહેલો દિવસ હોવાથી હેવી ટ્રાફિક અને વર્ક લોડથી બચવા મિલિન્દ વહેલો ઓફીસ જવા રવાના થઇ ગયો.
૯: ૪૫ એ ઓફીસ ટાઈમ કરતાં પંદર મિનીટ વહેલો ઓફીસ પહોંચી ગયો. ઓફીસ વર્ક હાથમાં લેતા પહેલાં વિચાર આવ્યો કે એક નજર પેન્ડીંગ મેસેજીસ પર નાખી લઉં. ઇન બોક્સ ઓપન કરતાં વૃંદાના સત્તર મેસેજીસ જોયા એટલે રીડ કર્યા વગર જ સીધો કોલ જ જોડ્યો..

‘હેલ્લો...ગૂડ મોર્નિંગ.’
‘હાઈ.. વેરી ગૂડ મોર્નિંગ. વ્હોટ એ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. એવું લાગે છે જાણે કે, કે.બી.સી. માંથી બચ્ચન સરનો કોલ આવ્યો હોય. અમારી તો સવાર સફળ થઇ ગઈ.’
ઘણાં દિવસે મિલિન્દનો કોલ આવ્યો એટલે ખીંચાઈ કરતાં વૃંદા બોલી.

જવાબમાં મિલિન્દ બોલ્યો.
‘સોરી, અહીં આજુબાજુમાં કયાંય ચણાનું ઝાડ નથી, નહીં તો જાતે જ ચડી જાત.
તારા આટલા પેન્ડીંગ મેસેજીસ જોઇને રીડ કર્યા વગર જ ડાયરેક્ટ કોલ જ કરી દીધો. અને મેસેજમાં ટાઈમ વેસ્ટ કરવા કરતાં કોલ જ કરી દેવાય ને.?

‘આ સવાલ હું તને કરું તો ? તે કેટલા કોલ કર્યા ? અને ગઈકાલે મલાડમાં રવિવાર હતો. ત્યાં વસઈમાં હતો કે નહીં એ મને નથી ખબર એટલે છેવટે થાકીને મેસેજીસમાં રીક્વેસ્ટ કરી કે દયા આવે તો કોલ કરશો.’

વૃંદાની વાતમાં વજન તો હતું. એટલે વૃંદાની નારાજગી સાથેના ફરિયાદના સૂરમાં સૂર પુરાવતા મિલિન્દ બોલ્યો.
‘સેન્ટ પરસેન્ટ એગ્રી વીથ યુ. પણ, આ વાતનો તથ્યસભર અને તટસ્થ ઉત્તર માટે માટે મને યોગ્ય સમય જોઇશે.’

‘અરે ફક્ત સમય હશે તો પણ ચાલશે યોગ્ય નથી જોઈતો. અને એ પણ ક્યાં છે તારી પાસે.’ હસતાં હસતાં વૃંદાએ પૂછ્યું.
‘સોરી, વૃંદા હું તને ફરી લંચ ટાઈમમાં કોલ કરું. તારું આજનું શેડ્યુલ મને મેસેજ ક્રરી આપ.ચલ બાય ફોર નાઉ.’

‘બાય, હેવ એ નાઈસ ડે.ટેક કેર.
થોડા સમય માટે મિલિન્દે તેની બધી જ ઉપાધિઓને ઉપાડી એક તરફ હડસેલી દીધી. મિલિન્દની અનંત રણ જેવી વિસ્તૃત સામાજિક અને આર્થિક મનોદશામાં વૃંદાનું મિલિન્દને ઝંખતું નિસ્વાર્થ સાનિધ્ય મિલિન્દને રણમાં મીઠી વીરડી સમાન લાગતું. થોડા સમયના તત્વમંથન પછી સ્વને સવાલ પૂછ્યો કે,

સમયાંતરે પરસ્પર બન્ને સહજ અને સમાંતર સહાનુભુતિના સ્તર પસાર કરતાં કરતાં જે સંવેદનની સપાટીએ સ્થિર થયા છે, ત્યાં મિલિન્દની શું ભૂમિકા ? દિનચર્યાની સમયસૂચીમાં વૃંદાની પ્રાથમિકતાનો ક્રમાંક ક્યાં ? ઊર્મિનું ઉત્તરદાયિત્વ કેટલું ?

આંશિક આત્મમંથન પછી તેની ફરજચૂકનું ભાન થતાં એક ઠોસ નિર્ણયની ગાંઠ મારીને મિલિન્દ ઓફીસ વર્કમાં પોરવાયો.

મિલિન્દે આજનું શેડ્યુલ માંગતા વૃંદાને એના કારણ કરતાં ખુશી વધુ હતી. વૃંદાએ રીપ્લાઈમાં માત્ર એટલું જ લખ્યું.
’એઝ યુ વિશ.’


એ પછી સમય થયો... બપોરના ૧૨:૫૦ નો.
વૃંદા તેના મેગેઝીનની ઓફિસમાં ચીફ એડિટર ચિત્રા દિવાન સાથે ચિત્રાની ચેમ્બરમાં નેક્સ્ટ મંથના ઇસ્યુ પર ડિસ્કશન કરી રહી હતી. ત્રીસ વર્ષીય ચિત્રા દિવાનનું વૃંદા સાથે ખુબ સારું બોન્ડીંગ હતું. તેને વૃંદાની કાર્યશૈલી અને કુશળતા પર એટલો ભરોસો હતો કે, વૃંદા સાથે શેર કર્યા બાદ જ મેગેઝીનને લગતાં કોઈપણ અંતિમ નિર્ણય મહોર મારતી.

‘વૃંદા આઈ હોપ કે આગામી થોડા મહિનામાં તારા માટે એક ગૂડ ન્યુઝ આવે એવી સંભાવના છે.’
કોફીનો મગ ઉઠાવતાં ચિત્રા બોલી.

સ્હેજ પહોળી થઇ ગયેલી આંખો સાથે વૃંદાએ અધીરાઈથી પૂછ્યું,
‘ઓહ્હ.. ગૂડ ન્યુઝ ફોર મી ? વોટ્સ ?

‘તને યાદ છે, વૃંદા લાસ્ટ યર આપણા મેગેઝીને પાંચ વર્ષ પુરા કર્યા ત્યારે તેની સેલિબ્રેશનની પાર્ટીમાં એક સ્પેશિયલ એનાઉન્સમેન્ટ થયેલું કે નેક્સ્ટ યર આપણે મેગેઝીનની હિન્દી આવૃત્તિ પણ શરુ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.’

‘હા, યાદ છે. તો ?’ આતુરતાથી વૃંદાએ પૂછ્યું

‘અલ્મોસ્ટ મોર ધેન ફિફ્ટી પર્સન્ટ વર્ક આઊટ કમ્પ્લીટ થઇ ગયું છે. આઈ થીંક બધું જ સમુનમું પાર ઉતરશે તો ચાર થી છ મહિનામાં મેગેઝીન વાંચકોના હાથમાં આવી જશે. અને..... હાયર ઓથોરીટીએ સ્વતંત્ર ચીફ એડિટર તરીકે તારું નામ ફાઈનલ કર્યું છે.’

સુખદ અચરજના અતિઘાતથી ચોંકી ઉઠતાં જાણે કે નાળીયેર મોં માં ઘૂસી જાય એવાં ઉઘડી ગયેલા મોઢાને બન્ને હથેળીઓથી કવર કરતાં બોલી..

‘ચીફ એડિટર.....ઓહ માય ગોડ. હેય... ચિત્રા મજાક તો નથી કરતી ને ? રીયલી ?

‘ઇટ્સ હન્ડ્રેડ પર્સન્ટ ઓથેન્ટિક ન્યુઝ. બટ એક શર્ત છે.’ ચિત્રા બોલી.
‘ શરત ? કેવી શરત ? તાજ્જુબ સાથે વૃંદાએ પૂછ્યું.

-વધુ આવતાં અંકે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED