એક ચુટકી સિંદૂર કી કિંમત - 24 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

એક ચુટકી સિંદૂર કી કિંમત - 24

પ્રકરણ- ચોવીસમું/૨૪

બ્રેકફાસ્ટ પૂરું કર્યા પછી ઊંભા થતાં મિલિન્દ બોલ્યો...
‘મારા સ્વભાવગત વિચારો શેર કરી, મારે કશું કહેવું છે.’

‘હા.. હા.. બોલ દીકરા.’ જશવંતલાલ બોલ્યાં..

‘લગ્ન, આપણા સમાજ અને સંસારિક જીવનના પાયાની એક અનિવાર્ય પારમ્પરિક પ્રમાણિત પ્રથા છે, છતાં’યે તેના વિશે મેં આજ દિન સુધી વિચાર સુદ્ધાં નહતો કર્યો, ન કરવાનું કારણ અસ્થિર અર્થવ્યવસ્થા. જીવનને માણવા કરતાં જવાબદારીનું ભારણ વધુ હતું. અને મારી પ્રાથમિક ફરજ પણ. પણ જયારે આજે કુદરતની અકળ લીલાએ ફરજના ફલક સામે બાથ ભીડવા ઈશ્વરીય સંકેત સાથે આપ વડીલોના આશિર્વાદનો અભિલાષીનો અધિકારી બન્યો છું, છતાં હું મારી ઓળખ ગુમાવવા નથી માંગતો.
હું આર્થિકશક્તિ પ્રદર્શનનો વિરોધી છું. અને જો આપની આજ્ઞા હોય તો..’
દેવલની સામું જોઈ મિલિન્દ અટકી ગયો..

‘સ્હેજ સંકોચ વિના બોલ, દીકરા.’ જગન બોલ્યો.

‘જો હવે પછી આગળ કોઈ ખુલાસો કે, ચર્ચાના સ્થાનને અવકાશ ન હોય તો આજે રજીસ્ટર મેરેજ કર્યા પછી જ ઘરે જવાનું નક્કી કર્યું છે. આપનું શું મંતવ્ય છે ? ઘટસ્ફોટ જેવું નિવેદન કરતાં મિલિન્દ બોલ્યો.

‘આટલી ઉતાવળ કરવાનું કારણ કહીશ, મિલિન્દ ? જશવંતલાલે પૂછ્યું.

‘અંકલ, દોડતા, ચાલતાં, બેસતાં નહીં પણ સૂતા સૂતા પણ એટલી ઠોકર ખાધી છે કે, હવે વિધિની વક્રતાથી નિયતિ કયારે તેની નિષ્ઠા ગુમાવી બેસે તેનો ભરોસો નથી. એટલે મુકદ્દર તેના મનગમતા પાસા ફેંકી તેની મુરાદ પૂરી કરે એ પહેલાં હું, ચેક-મેટ આપી બાજી સંકેલી લેવા માગું છું.. અને..આદર સાથે મારી અરજ છે કે, ગઈકાલના મિલિન્દ સાથે દેવલને વળાવશોતો મને ગમશે.’

ગળગળા થઇ, મિલિન્દને ગળે વળગાળતા જગન બોલ્યો...
‘માતાજી અને કેસરના મામા પછી તું પહેલો એવો વ્યક્તિ છે, જેની આગળ જગનનું માથું ઝુકી રહ્યું છે. આજે એવું લાગે છે જાણે કે, હજારહાથ વાળાએ મારી સારપનું વ્યાજ સાથે સાગમટુ સાટું વાળી દીધું.’

અંતે સૌની મરજી મુજબની સહિયારી સમંતિને આખરી ઓપ આપતા સાંજ સુધીમાં મિલિન્દ અને દેવલના રજીસ્ટર મેરેજ સંપ્પન થયાં બાદ દેવલની વિદાય વેળાએ જગનના ભારે હૈયે પણ ટાઢક હતી. દીકરી આપીને દીકરાથી પણ સવાયો જમાઈ અને ઉતરાધિકારી મળ્યાનો હાશકારો હતો.

છેવટે કારમાં બેસતાં પહેલાં દેવલ અને મિલિન્દ જગનના ચરણસ્પર્શ કરી, આશીર્વાદ લેવાની ઘડીએ મિલિન્દના હાથમાં કવર મૂકતાં જગન બોલ્યાં...
‘હવે આ પ્રસાદી માટે એક પણ શબ્દ બોલ્યા છો, તમને મારા સમ છે.’

મિલિન્દે કવર ઉઘાડીને રૂપિયા એકાવન લાખનો ચેક જોતાં આંખો ફાટી ગઈ.. હજુ મિલિન્દ એક પણ શબ્દ ઉચ્ચારે એ પહેલાં તેણે રોકતાં જશવંતલાલ બોલ્યા..

‘મિલિન્દ... આ મિલકત નથી..માવતરના મમતાની મતા છે. તેનો મરતબો જાળવવો જોઈએ. અને માવતર હમેશાં ખવડાવીને જ ખુશ થાય સમજ્યો. ચલ હવે ચુપચાપ ડાયો દીકરો થઇ કારમાં બેસી જા.’ આટલું બોલી હસવાં લાગ્યાં

જશવંતલાલને ગર્મજોશીથી ગળે વળગી ભાવાવેશમાં જગન બોલ્યો..
‘ક્યા શબ્દોમાં તારો આભાર માનું ? હું આજીવન તારો ઋણી રહીશ. તું મારો મિત્ર નહી પણ માતાજી એ આપેલી મોંઘીદાટ મિરાત છો. ?

બંધુત્વની મિસાલ જેવા જગનની બંને હથેળી તેના હાથમાં લઇ જશવંતલાલ બોલ્યાં..
‘અલ્યાં.. આ આભારનો ભાર લઈને હું ક્યાં ફરીશ ?

એટલે જગન બોલ્યો..
‘સ્વજનના સ્નેહનું વજન ન હોય મારા વ્હાલા.’

અંતે.. કારમાં બેસતાં પહેલાં જગનને વળગી ધ્રુસકે ધ્રુસકે અશ્રુધારાથી નીતરતી દેવલને સાંત્વના સાથે માંડ શાંત પાડી જશવંતલાલ અને મિલિન્દે કારમાં બેસાડી. એ પછી જશવંતલાલની કાર સાથે જગનની એક કાર દેવલના સરસામાન સાથે રવાના થઇ મુંબઈ તરફ.

રાત્રે દસ વાગ્યાની આસપાસ સૌ મુંબઈ જશવંતલાલના બંગલે આવી પહોંચ્યા. સૌ પહેલાં દેવલે પિતા જગનને સુખરૂપ શાંતિથી પહોંચી ગયાનો સંદેશો આપી દીધો.
મુંબઈ પહોંચતા સુધીમાં મુસાફરી દરમિયાન થયેલી ઔપચારિક વાતચીત કરતાં એવું નક્કી થયું હતું કે, જશવંતલાલ ખુદ સવારે દેવલ અને મિલિન્દને સજોડે તેમના ઘરે લઇ જશે એટલે પ્રથમ રાત્રીના રોકાણનું આયોજન જશવંતલાલના બંગલે રખાયું હતું.

ત્યારપછી સૌ ફ્રેશ થઇ, ડીનર બાદ જશવંતલાલ ગયા તેમના બેડરૂમ તરફ અને મિલિન્દ અને દેવલ તેમના ઉતારા તરફ..

સૂતા પહેલાં તથ્યસભર અને ઊંડાણભર્યા વિચારમંથનના અંતે જશવંતલાલે આવતીકાલે કડક અને આકરા સ્વભાવના ધણી કનકરાય સામે આખી અણધારી ઘટનાચક્રનો ચિતાર કઈ રીતે રજુ કરવો એ વ્યૂહરચના ઘડી કાઢી.

દેવલ અને મિલિન્દ પહેલાં માળના બીજા ઓરડામાં દાખલ થતાં... દેવલ બેડ પર બેઠી અને સામે સોફા પર મિલિન્દ ગોઠવાયો..

બન્નેની મૂંઝવણ સમાંતર હતી... ‘ક્યા મુદ્દાથી સંવાદની શરૂઆત કરવી ?
અંતે ગળું ખંખેરતા મિલિન્દ બોલ્યો..
‘તું..ત્યાં બેડ પર આરામ કર, હું અહીં સોફા પર લંબાવું છું.’
‘જી,’ માત્ર એકાક્ષરી પ્રત્યુતર આપી. ઝાંખા પ્રકાશ ફેલાવતા નાઈટ લેમ્પ સિવાય બાકીની સ્વીચ ઓફ કરતાં દેવલે બેડ પર લંબાવ્યું..

દેવલ અને મિલિન્દ વચ્ચે સહજતાનો શૂન્યાવકાશ સર્જવાનું કારણ હતું બંનેના વિષમ વિષયવસ્તુના ભૂતકાળની વિસંગતતા. મુગ્ધાવસ્થામાં મહાલતી કોડભરી માસૂમ પતંગીયા માફક ઉડાઉડ કરતી લાડકોડમાં ઉછરેલી લાડલી એકની એક દીકરી પર કુદરતના અણધાર્યા કારમા વજ્રઘાતની કમકમાટીથી દેવલનું સમગ્ર ઉર્મીતત્વ જાણે કે, કુંઠિત થઇ ગયું હતું. અજાણતાં થયેલા દોષના દંડ રૂપે રૂઠેલા પરમેશ્વરના પ્રકોપથી કોઈ કુમળો લીલ્લોછમ્મ છોડ ઘડીભરમાં સુકાઈને શુષ્ક થઇ જાય એવી દશા હતી દેવલની. પ્રથમ લગ્નજીવનના વિચ્છેદની વિકૃત વેદના હજુ વીંછીના ડંખની માફક દેવલના ચિત્તને ચટકા ભરતી હતી.

તો મિલિન્દ હજુ’એ એ દ્વિધામાં અટવાયેલો હતો કે, આર્થિકદ્રષ્ટિએ તો ભવિષ્ય હવે સલામત છે પણ, સંબંધોના સાગરમાં ભાવનાની ઓટ અને ખોટ આવેશ તો ? અને મારા આ પગલાંને સ્વના સ્વાર્થ સાથે સરખાવી સૌ શંકાની નજરે જોશે તો ? હું સ્વાર્થી છું ? તકવાદી છું ? આવાં કંઇક સવાલોથી અકળાયા પછી દેવલને ખલેલ ન પડે તેમ હળવેકથી રૂમનું બારણું ઉઘાડી બહાર બેઠકરૂમ તરફ ચાલવા લાગ્યો.. ત્યાં સોફા પર આડા પડ્યા પછી...કયાંય સુધી મનોમંથન સાથે મુક્કાબાજી કરી અંતે થાકતાં આંખો મીંચાઈ ગઈ

દેવલની ઘેરાયેલી આંખો હજુ મીંચાઈ હતી નિદ્રાધીન નહતી. તેણે મિલિન્દને બહાર જતાં જોયો હતો.

હવે...સમય થયો.. રાત્રીના એક વાગ્યાનો... ત્યાં અચાનક.. દેવલના બેડને અડેલા રાઈટીંગ ટેબલ પર ચાર્જિંગમાં મૂકેલો મિલિન્દનો મોબાઈલ રણક્યો..થોડીવાર પહેલાં નિદ્રામાં સરેલી દેવલે મોબાઈલ હાથમાં લઇ સ્ક્રીન પર નામ વાચ્યું... ‘વૃંદા’.

સતત ચાર દિવસની પ્રતિક્ષાના અંતે વૃંદાની સહનશીલતાની સીમા ખતમ થતાં રાત્રીના એક વાગ્યાનો સમય થયાં હોવા છતાં કોલ જોડ્યો હતો મિલિન્દને...

રીંગ પૂરી થઇ ગઈ.. પણ કોલ રીસીવ ન થયો.. વૃંદાને ખાતરી જ હતી કે, એક રીંગમાં તો મિલિન્દ કોલ નહીં જ રીસીવ કરે, પણ આજે વૃંદાએ મનોમન કચકચાવી ને ગાંઠ મારી મિલિન્દની ખૂંચતી ખામોશી તોડવાની જિદ્દ લઈ લોક રીસીવ ન થાય ત્યાં સુધી પ્રયત્ન કરવાની કોશિષ કર્યે રાખી...

એક..બે..ત્રણ અને ચોથી રીંગ પછી કોલ રીસીવ થતાં જ...એ.કે. ફિફ્ટી સિકસ મશીનગન માંથી જે રીતે ગતિએ બુલેટ્સનો મારો શરુ થાય એમ વૃંદા તેના આંશિક ક્રોધિત સ્વરમાં તેની વાગ્બાણ જેવી અસ્ખલિત વાણીનો મારો ચલાવતાં બોલી..

‘અલ્યા શું..શું.. સમજે છે શું તારી જાતને ? આ કઈ પ્રકૃતિનું બિહેવિયર છે તારું ? વિશ્વની મહાસત્તાનો પ્રેસિડેન્ટ છે તું ? શેની તણી છે આટલી બધી ? આજે ચાર દિવસ થયાં એક સરખો કોલ કે, એક મેસેજ સુદ્ધાં નથી તારો. સારું છે, મિલિન્દ અત્યારે તું મારી સામે નથી.. નહીં તો આઈ સ્વેર, હું તારી હાલત ફાટેલા ઢોલ જેવી કરી નાખત. અરે યાર... લાઈફમાં કોઈ એક તો તારી પ્રાયોરીટીનો અધિકારી હોય કે નહીં ? અને આ બળાપો તારા માટે જીવ બળે તેનો છે સમજ્યો ? આટલા સમયમાં શું માંગ્યું તારી પાસે ? ચોવીસ કલાકમાં ચાહતના ચાર શબ્દોની અપેક્ષા સિવાય ?
ચાર દિવસ આંગણે આવેલાં કોઈ અબોલને વાસી બટકું રોટલાનો ટુકડો નાખીએ તો તો તેની જોડે પણ પ્રીત બંધાઈ જાય મિલિન્દ, મેં તો તને ઢુકડો રાખવા જાત ધરી દીધી કોઈ ટુકડાની અપેક્ષા વગર. શું એ મારી ભૂલ ? તારી મરજી વિના તારી જાત કરતાં તને વધુ જીવું છું, આઆ...આ તેની સજા છે ? કોઈપણ સંબંધના જોડાણ કે ભંગાણમાં બન્નેની સમંતિ જોઈએ. અને...આપણા સહિયારા સુખ-દુઃખના દસ્તાવેજ માટે કોઈ મહાવીર કે મહાદેવના દસ્તખતની ખપ નથી. હવે કંઈ બોલીશ કે...મોઢામાં મોટાઈના મગનો બુકડો ભયો છે ?’
આટલું બોલતાં સુધીમાં તો વૃંદાના બન્ને ગાલ અશ્રુધારાથી ભીનાં થઇ ગયાં.

સામે છેડેથી કોઈ જ પ્રત્યુતર ન આવ્યો.. એટલે ફરી વૃંદાએ પૂછ્યું..

‘હેલ્લો... શું થયું મિલિન્દ ? એવરીથીંગ ઈઝ ઓ.કે. ?

‘હેહેહેલ્લો.....’ સાવ મંદ અવાજમાં સામે છેડેથી એક સ્ત્રીનો અવાજ સંભળાતા વૃંદા ચોંકી ઉઠી... સ્ક્રીન તરફ નજર કરીને ખાતરી કરી કે, કોલ મિલિન્દના નંબર પર જ લાગવાયો છે ને. ? અત્યંત આશ્ચર્ય, અસમંજસ સ્હેજ ગભરાહટ સાથે ફરી વૃંદાએ પૂછ્યું..

‘જી... આપ કોણ ?
‘જીજી..જી હું મિલિન્દ માધવાણીની પત્ની બોલું છું.’

કોલ કટ.

‘જીજી..જી હું મિલિન્દ માધવાણીની પત્ની બોલું છું.’

વીજળીના આંચકા જેવું આ એક વાક્ય સાંભળતા જ...

મહત્તમ જળ સપાટીની મર્યાદા પાર કર્યા પછી વિશાળ અને અતળ જળાશય તેની પ્રવાહના શક્તિ પ્રદર્શન પર આવી જતાં, જયારે મજબુત કિલ્લા જેવા બાંધની દીવાલો પણ તેના પ્રચંડ પૂર પ્રવાહની તાકાતને રોકવામાં અસમર્થ થઇ જાય પછી જે કલ્પના બહારની તારાજી સર્જાય... બસ એવી જ વસ્તુસ્થિતિનું નિર્માણ વૃંદાની આસપાસ આકાર લઇ રહ્યું હતું.

ખુદનું બાઘા જેવું પ્રતિબિંબ આઇનામાં જોતાં.... શરૂઆત થઇ સ્વ સાથેના સંવાદની

‘મિલિન્દ માધવાણીની પત્ની ?’ ના... ના.. આઆ..આ મિલિન્દયો મજાકના મૂડમાં છે. મેં ગુસ્સો કર્યો એટલે હું ગુસ્સાને ગળી જાઉં એ માટે સાલાએ આ તરકીબ અજમાવી છે. ધ્રુજતા હાથે બે વાર નંબરની ખાત્રી વૃંદાએ ફરી કોલ જોડ્યો...

‘હેહેહેહેહેલ્લો..’
‘જી.. બોલો.’ ફરી એ સ્ત્રીનો મૃદુલ અને કોમળ સ્વર સંભળાયો. એટલે તૂટતા આત્મવિશ્વાસ અને અસમંજસતા સાથે સ્હેજ ગભરાતાં વૃંદાએ પૂછ્યું..

‘આઆ..આપ કોણ છો ?
‘દેવલ, શ્રીમતી દેવલ મિલિન્દ માધવાણી.’
આટલું સાંભળતા...
કોઈપણ કારણ વિના શંકાના આધારે સર્વોચ્ચ પદાધિકારીનું બંધ બારણે કોર્ટ માર્શલ થતાં જેમ તેના યુનિફોર્મ પર ગર્વચિન્હ જેવા સિતારા રીતસર ખેંચીને દુર કરી દેવામાં આવ્યાં પછી જે નિર્દોષ આત્મા પર કલંકના કોરડા વિંઝાતા, ઘવાયેલા સ્વાભિમાનની વેદના મુંગે મોઢેસહન કર્યા સિવાય જોઈ પર્યાય ન હોય એવી મનોસ્થિતિમાંથી વૃંદા પસાર થઇ રહી હતી.

કચડાયેલા સ્વપ્ન અને સ્વાભિમાન સાથે મહા મુશ્કિલથી મનોબળ મજબુત કરી, વૃંદા માંડ માંડ એટલું જ બોલી શકી..

‘કોન્ગ્રેચ્યુલેશન...એન્ડ આઆ..આઈ એમ સો સોરી.’ કહી વૃંદાએ મોબાઈલ સ્વીચ ઓફ કર્યાની સાથે અશ્રુધારાને રોકવા જોરથી પાંપણ ભીડી દીધી.

વૃંદાના ચાર વાક્ય અને તેના પ્રત્યુતરમાં દેવલે આપેલા એક વાક્યના ટૂંકા વાર્તાલાપથી બન્નેને લાગેલાં અકલ્પિત, અનપેક્ષિત, અઘટિત આઘાતના આંચકાથી બન્નેની સમાંતર મનોદશા છતાં વિરુદ્ધ દિશામાં ફંટાઈ ગઈ હતી.

બન્નેના બેલગામ અનુમાનના અશ્વો દિશાહીન થઈ બેફામ દોડતાં રહ્યાં. અનુકંપા જેવા અનુમાનનો કોઈ ઠોસ આધાર નહતો મળતો. વૃંદાના તત્વચિંતનનું તાપમાન માઈનસ ડીગ્રી પાર કરી જતાં સમગ્ર ચેતાતંત્ર થીજીને શિથિલ થઇ ગયું.

દેવલે વૃંદાના વાક્યોનું સ્મરણ કરી ફરી વલોવ્યા પછી આંશિક અનુમાનના આધારે ઉપસેલા ધૂંધળા ચિત્ર પરથી ધારણા લાગવાતા વૃંદા અને મિલિન્દના અંતરનો અંદાજ આવી ગયો. અંતે દેવલે એવું નક્કી કર્યું કે, સત્યની પરખ વગર કલ્પનાના કેનવાસ પર ભ્રમણાના રંગો ભરવાની ખતા કરી, ખુદને ખરડવા કરતાં વિલંબનો વિકલ્પ ઉત્તમ છે.

ઊંડા આઘાતની લાગણી સાથે માર્મિક હાસ્ય કરી, ભીની આંખોની કોર લૂંછતાં મનોમન બોલી...

‘પ્રારબ્ધમાં પ્રથમ રાત્રી ‘બે’ લખી પણ. સુખ ‘એક’ માં પણ ન લખ્યું. શાયદ સેંથામાં સિંદૂર પૂરવાનો સિરસ્તો એકતરફી હશે, એટલે, કિંમત પણ એકલા એ જ ચુકવવાની ? એક ચુટકી સિંદૂરની કિંમત કેટલી ?
હજુએ આ અહોભાગ્ય ક્યાં સુધી મારી જોડે આંધળો પાટો રમશે ?

છેક રાત્રીના છેલ્લાં પ્રહરે નિદ્રા અને મનના ભારણના મારણને નાથવામાં નિષ્ફળ જતાં દેવલની આંખ મીંચાઈ ગઈ.

ત્રણ કલાકની ગાઢ નિદ્રા પછી સ્હેજ સળવળાટનો સ્વર કાને પડતાં માંડ માંડ આંખો ઉઘાડી દેવલે જોયું તો..મિલિન્દ સામેના સોફા પર ન્યુઝ પેપર વાંચતા બેઠો હતો.

‘ગૂડ મોર્નિંગ.’ વસ્ત્રો વ્યવસ્થિત કરતાં બેડ પરથી ઊંભા થતાં દેવલ બોલી.

‘વેરી ગૂડ મોર્નિંગ. કેવીક ઊંઘ આવી ?
સમાચારપત્ર બાજુમાં મૂકતાં મિલિન્દ બોલ્યો..
ફૂલ લેન્થ મિરરમાં જોઈ, છુટ્ટા વાળને ગૂંથી, બાંધ્યા પછી દેવલ બોલી ...
‘આવી નથી, લાવી છું, એ પણ મહા મુસીબતે.’

‘કેમ ? બેડ કમ્ફર્ટેબલ નથી કે વાતાવરણ ?
‘તમારી અણધારી અનુપસ્થિતિ દરમિયાન તમારું ઉત્તર દાયિત્વ નિભાવવાના કારણે.’

‘મતલબ....? હું કંઈ સમજ્યો નહીં.’ અચરજ સાથે મિલિન્દે પૂછ્યું.
‘હું ફ્રેશ થઇ જાઉં પછી વાત કરીએ.’ એટલું બોલી દેવલ જતી રહી વોશરૂમમાં.

ઠીક સાડા નવ વાગ્યે... ડાયનીંગ ટેબલ પર નાસ્તો કરતાં... કરતાં...જશવંતલાલ બોલ્યાં..

‘કેમ છે દીકરા દેવલ ? આરામ થઈ ગયો ?
‘જી, અંકલ.’ ચા નો કપ હાથમાં લેતા દેવલે જવાબ આપ્યો.
‘આ અમારો.... સોરી તારો મિલિન્દ તેના બાપ જેવો થોડો અતડો છે. અતડો મીન્સ.. રિઝર્વ્ડ.. જુનવાણી ઘરેડનો.. સાવ સાદી ભાષામાં કહું તો.. તેના મગજના કાર્યશક્તિની ગતિ અઢાર જીબી રેમ ની છે, પણ તે હંમેશા ટુ જી નેટવર્કમાં રહે છે. એટલે સમજી ગઈને તારે શું કરવાનું છે ?
બોલી જશવંતલાલ ખડખડાટ હસવાં લાગ્યાં અને દેવલ મનોમન...અને મિલિન્દ ઝંખવાઈ ગયો.

‘હવે મુદ્દાની વાત... મને ખાતરી છે કે, કનકરાયને હું સંભાળી જ લઈશ..છતાં ઠપકાના બે-ચાર શબ્દો બોલે તો...બન્ને કાન ખુલ્લાં રાખી, સાંભળી લેજો બાકી બધું હું સંભાળી લઈશ. પહેલાં હું જઈશ... તખ્તો ગોઠવાઈ જાય અને પડદો ઊંચકવાની ઘડી એ હું કહું ત્યારે એન્ટ્રી મારજો. સમજી ગયાં ? હવે ચાલો.’

સાડા દસની આસપાસ...
ડ્રાઈવર, મિલિન્દ, દેવલ અને ખુદ જશવંતલાલ એસ.યુ.વી. કારમાં ગોઠવાયા. પાછળ દેવલના સરસામાન સાથે બીજી કાર પણ રવાના થઈ.

જશવંતલાલે મિલિન્દની સોસાયટીના ગેઇટ પાસે કાર થંભાવી..સમય થયો સાડા અગિયારનો... સૌને કારમાં બેસી તેના કોલની પ્રતિક્ષા કરવાનું કહી ચાલતાં થયાં મિલિન્દના ફ્લેટ તરફ...ત્યાં તરત જ મિલિન્દનો મોબાઈલ રણક્યો...

‘મારા ભાઈ આ ગોવિંદ લાપતા છે, તેનું કારણ તો સમજાય એવું છે, પણ તને એવી કઈ ઉપાધી આવી પડી કે, આજે પાંચ દિવસથી અન્ડરગ્રાઉન્ડ થઇ થઇ ગયો છે ?
કોઈ કિડનેપ કરી ગયું છે કે, તું કોઈને કિડનેપ કરીને બેઠો છે, કંઈ બોલીશ હવે ?
અધીરાઈથી અકળાઈ ગયેલો કેશવ બોલ્યો..

હસતાં હસતાં મિલિન્દ બોલ્યો...
‘કીડનેપીંગ તો થઇ ગયું મારા ભાઈ... અચ્છા હવે એક કામ કર હું કોલ કરું એટલે ઘરે આવી જા તો રહસ્યના નાટક પરથી સાથે જ પડદો ઊંચકીએ.’

‘મિલિન્દ આ શું છે યાર...કંઈ સમજાતું નથી... અચ્છા, હું તારા કોલની વેઇટ કરું છું.’
કોલ કટ કર્યા પછી કેશવ મુંજાતાં મનોમન બોલ્યો કે, આ મિલિન્દ કોઈ કારણ વગરના રાજકારણ જેવી ઉપાધિમાં ન ફસાયો હોય તો સારું..

મિલિન્દે તેના કેશવના સાથેના બોન્ડીંગ વિશે દેવલને વાત કરી..

હજુ હાઈવે તરફથી કેશવ મિલિન્દના ઘર તરફ કાર વાળે ત્યાં જ તેના મોબાઈલમાં કોલ આવ્યો....વૃંદાનો. બાર પિસ્તાળીસની આસપાસ


જશવંતલાલ મિલિન્દના ઘરમાં દાખલ થતાં જ બોલ્યાં...
‘ક્યાં છે.. ક્યાં છે, મારો કનિયો છે, ક્યાં ?.’
હરખથી હરખાતાં જશવંતલાલ દાખલ થયાં બેઠકરૂમમાં..

‘ઓહ્,,ઓહ્હ.. હો.. હો.. શું વાત છે... મુકેશ અંબાણી મારે આંગણે... આવ આવ ભઈલા આવ આવ...’
ખુરશીમાંથી ઊભા થતાં કનકરાય બોલ્યા.. ત્યાં રસોડામાંથી આંનદવિભોર થતાં વાસંતીબેન અને મિતાલી પણ આવ્યાં

‘આવો.. આવો ભાઈ આવો.’ વાસંતીબેન બોલ્યાં..
કનકરાય મૂડમાં છે, એ જશવંતલાલને અંદાજ આવી ગયો.. એટલે પલંગ પર પલાઠી મારીને બેસતાં બોલ્યાં..

‘આમાં એવું છે બેન કે, અનિલને તેનો અહમ આડો આવતો હોય તો મુકેશે તો મોટાભાઈ તરીકે ફરજ નિભાવવી પડે ને. એટલે હું આવી ગયો એમાં શું ?
હસતાં હસતાં જશવંતલાલ બોલ્યાં

‘અહમ નહીં..પણ અનુશાસન. મારા અમૂક સિદ્ધાંતથી તું વાકેફ છો.. એટલે...’
હજુ કનકરાય આગળ બોલે એ પહેલાં જશવંતલાલ બોલ્યાં....

‘હમણાં જો તારા સિદ્ધાંતનું કેવું સુરસુરયું કરી નાખું છું’ એવું દાંત કચકચાવી મનોમન બોલ્યાં પછી જશવંતલાલ બોલ્યાં
‘મારા ભાઈ બસ હવે....પરંપરાની પીપુડી ન વગાડીશ. હું જે મુદ્દાની વાત લઈને આવ્યો છું એ સાંભળ...’

‘પણ, મિલિન્દ ક્યાં છે ભાઈ ? કનકરાયે પૂછ્યું..
‘આવે છે.. રસ્તામાં છે. મારા એક કામ માટે ગયો છે, બસ આવતો જ હશે.’ જશવંતલાલ બોલ્યાં.

મિતાલીએ પાણીનો ગ્લાસ ધરતાં ખુરશી પર બેસી વૈશાલીબેને પૂછ્યું..
‘શું લેશો ભાઈ ચા કે કોફી ?
‘ચા મૂકો.. સ્હેજ કડક અને મીઠી. પણ એ પહેલાં આ જુઓ..’
તેના મોબાઈલમાં દેવલના અલગ અલગ ફોટોગ્રાફ્સ બતાવતાં જશવંત લાલ બોલ્યાં..

ઉમળકાથી ઉત્સુક થઈને વૈશાલીબેને પૂછ્યું,
‘આ ક્યાંની રાજકુમારી છે.?’
મિતાલી પણ પીક્સ જોઇ હરખાઈ ગઈ..
‘ક્યાંની છે, એ પછી કહું...પણ તમે હા પાડો તો તમારા ઘરની વહુ બની જાય એમ છે.’

એટલે અચરજના આંચકા સાથે મોબાઈલ તેના હાથમાં લેતા કનકરાય બોલ્યાં...
‘અલ્યાં, જશવંત શું વાત કરે છે, આ મિલિન્દનો અંગત મામલો છે... તેને પૂછ્યા વગર આપણે નિર્ણય ન લેવાય.’
ફોટા જોઈ કનકરાય પણ ખુશ થઈ આગળ પૂછતાં બોલ્યાં..
‘કોણ છે ? ક્યાંના છે ? જ્ઞાતિ કઈ છે ? મોસાળ ક્યાંનું છે ? પહેલાં એ બધું તો જાણવું પડે ને ?

‘જો કનક, મિલિન્દ માટે મને મારા સગા દીકરાથી પણ વિશેષ માન છે, એ તું જાણે છે, અને હું કોઈ પ્રસ્તાવ લઈને આવ્યો હોઈશ તેમાં કશી કચાશ નહીં જ હોય એ વાત તો તું માને છે ને ? મારા ભાઈથી પણ અંગત કરોડપતિ મિત્રની એકની એક દીકરી છે.’

‘કરોડપતિ...’
મિતાલી અને વૈશાલીબેન મનોમન બોલી ઉઠ્યાં.

‘અને જેમ મિલિન્દના ચરિત્ર વિષે હું આંખ બંધ કરી, ખાતરી કરી આપું તેમ આ છોકરી તેનાથી પણ ચડીયાતી છે, એવી લેખિતમાં બાહેંધરી આપી શકું તેમ છું, બોલો.’
કરોડપતિ બાપની એકની એક રૂપાળી દીકરીની માટે જો જશવંતલાલ આટલાં ભરોસાથી ગાઈ વગાડીને કહેતાં હોય તો... હવે મોઢું ધોવા ન જવાય એવો વાસંતીબેનની સાથે સાથે કનકરાયને પણ ઊંડે ઊંડે આભાસ થયો.
છતાં શંકાશીલ સ્વભાવના આદિ કનકરાયે પૂછ્યું,
‘પણ આ કરોડપતિની દીકરી આપણા મિલિન્દને પસંદ કરે ? અને માની લ્યો કે કરે તો પણ મિલિન્દની પસંદગીનું શું ? વર વગરના વરઘોડો કાઢવાનો શું મતલબ ?’

‘જો વાસંતીબેન.. તમે બન્ને રાજીખુશી હા પાડો તો બધું સમુનમું પાર ઉતરી જશે. મિલિન્દની જવાબદારી મારી બોલો હવે શું કહો છો ?

કનકરાય અને વૈશાલીબેન બન્ને એકબીજાની સામું જોઈ મનોમન મલકાતાં રહ્યાં.
‘તમારું શું કહેવું છે ? કનકરાયને સંબોધતા વૈશાલીબેને પૂછ્યું.
‘છોકરીના ખાનદાન વિશે જશવંત જો ટકોરા બંધ બાહેંધરી આપતો હોય અને મિલિન્દની મરજી હોય તો પછી કરો કંકુના.’

ખુશખુશાલ મિતાલી જશવંતલાલ અને કનકરાયના હાથમાં ચાનો કપ આપતાં બોલી.. ‘ આવવા દો ભઈલાને.. હું જોઉં છું, ના શેનો પાડે.’

ચા નો છેલ્લો ઘૂંટડો ભર્યા પછી... જશવંતલાલને લાગ્યું કે ગાડી ખરા ટ્રેક પર આવી ગઈ છે હવે લાગ જોઇને ટોપ ગિયરમાં દોડાવવામાં કંઈ વાંધો નથી એટલે બગલ થેલામાંથી સ્વીટનું પેકેટ કાઢી કનકરાય સામે ધરતાં બોલ્યો..
‘તો લ્યો હવે કરો મીઠું મોઢું.’ એટલે આગળની વાત કરું.’

‘પણ જશવંત તું જે રીતે વાત કરે છે તેના પરથી એવું લાગે છે, કયાંક અમારી જાણ બહાર આ વરઘોડિયાના બારોબર ફેરા ન ફેરવી નાખતો હોં ?
હસતાં હસતાં કનકરાય બોલ્યાં
‘હવે એ તો કયારેક સંજોગોવસાત એવું હોય તો ફેરવી પણ નાંખવા પડે તો તેમાં ફરક શું પડે ? અનિવાર્ય સંજોગોના કારણે કોઈ હાજર ન રહી શક્યું હોય તો સબંધોની ઉષ્મામાં ઉણપ થોડી આવે ? કે પરસ્પરના વ્હાલ કે વ્હાલાંની વ્યાખ્યા ન
બદલાઈ જાય ?

‘મારું અંગત મંતવ્ય તો આવું છે કે, સમયની માંગ મુજબ સંબંધોના સમીકરણમાં સમજુતી કરવી જોઈએ.’
જેવું કનકરાય આ વાક્ય બોલ્યાં ત્યાં...

જશવંતલાલ મનોમન બોલ્યો..
હાઇશ...હવે વાતે વાતમાં ઊંધું ચાલતું ઊંટ આજે આવ્યું લાગમાં. એટલે હળવેકથી ઝબ્ભાના ગજવામાંથી જગને મિલિન્દને આપેલો એકાવન લાખનો ચેક કનકરાયના હાથમાં મૂકતાં બોલ્યો...
‘તો લ્યો આ શગૂન.’

મિલિન્દ માધવાણીના નામનો એકાવનની પાછળ પાંચ શૂન્યની રકમનો ચેક જોઇને કનકરાય કડક અને આંખો સાથે મોઢું પહોળું થઈ ગયું...

‘શું છે આ ? કનકરાયના કુતુહલ ભાવ જોતાં વૈશાલીબેને પૂછ્યું

‘આ મિલિન્દના સસરાએ મિલિન્દને આશીર્વાદ સાથે આપેલી આર્થિક રાશીનો ચેક છે... પુરા એકાવન લાખનો.’ જશવંતલાલ બોલ્યાં

બન્ને હથેળી ગાલ પર મૂકતાં વાટકી જેવડું વૈશાલીબેનનું મોં ઉઘાડું રહી ગયું અને ડોળા ફાટતાં ફાટતાં રહી ગયા, મિતાલી પણ ડઘાઈને બાઘા જેમ જોતી રહી.

‘ભાઈ જશવંત આ તે શું રમત માંડી છે ? હવે જે હોય એ સાચે સાચું કહી દે. આ બધું શું ચાલી રહ્યું છે ? અને મિલિન્દ ક્યાં છે ? અને કોણ છે તેનો સસરો ?

વાસંતીબેન અને મિતાલી તો હજુયે એકાવન લાખની ઈમેજીનની અસરમાંથી બહાર જ નહતા આવ્યાં.

હવે જશવંતલાલને લાગ્યું કે, ખપ પુરતું લોઢું ગરમ છે તો હથોડો મારી દેવામાં વિલંબ કરવાં કરતાં રાત્રે સૂતા પહેલાં ઘડી રાખેલી સ્ક્રિપ્ટનું રટણ કરતાં જશવંતલાલ એ શરુ કર્યું....

‘જો ભાઈ હવે સાચું કહું તો.. મારે તાત્કાલિક મિલિન્દને લઇ જવાનું કારણ એક જ હતું કે, જો મિલિન્દને આ છોકરી પસંદ પડી જાય તો, લગ્ન માટે સ્હેજે વિલંબ થઇ શકે તેમ નહતો. કેમ કે, છોકરીના મામા મરણ પથારી એ પડ્યા’તા, અને તેની અંતિમ ઈચ્છા હતી કે આ છોકરી તેની હયાતીમાં પરણી જાય એટલે તાત્કાલિક એક જ દિવસમાં રજીસ્ટર મેરેજ કરી નાંખવા પડ્યા. અને આ બધું એટલું ઝડપથી અને ટૂંકા સમયગાળામાં આટોપવાનું હતું કે, ફોન પર તમને સૌને વિશ્વાસમાં લેવાનો સમય અને શક્ય નહતું.. અને મિલિન્દની તો આ રીતે લગ્ન કરવાની સદંતર ના જ હતી છેવટે મેં માંડ માંડ સમજાવ્યો કે, મમ્મી-પપ્પાને સમજાવવાની જવાબદારી મારા શિરે લઉં છું, ત્યારે માંડ માન્યો’તો.’

એ પછી જશવંત લાલે બધી વાત વિસ્તારથી રજુ કરી... એટલે
ઓરડામાં ઔપચારિક અણદેખા અણગમા સાથે ચુપકીદી છવાઈ ગઈ. વિરોધનો વિચાર માત્ર કનકરાયના દિમાગમાં જ હતો પણ, એકાવન લાખના ભારેખમ ચેકથી તેના હોંઠ સીવાઈ ગયા હતાં.. છતાં ઔપચારિકતા કર્યા સિવાય કોઈ આરો નહતો એટલે સોની કજિયાનું કિરદાર નિભાવવાનો ડોળ કરતાં દાઢમાંથી બોલ્યાં..

‘અલ્યાં જશવંત તારી બધી વાત સાચી પણ મારા એકના એક દીકરાના તે આ રીતે રજીસ્ટર મેરેજ કરાવી નાખ્યાં ? અમારાં કોઈ અરમાન હોઈ કે નહીં હોય ? સમાજ કે સગાવહાલાં શું વાતો કરશે ? આ રીતે લગ્ન થતાં હશે ?’

‘મિલિન્દ જે રીતે કહે તે રીતે તમામ ખર્ચ સાથે ધૂમધામથી લગ્ન કરાવી આપવાની જવાબદારી મારી બોલ હવે.’
કનકરાયના ફોર્માલીટીનો ફિયાસ્કો કરતાં જશવંતલાલે જવાબ આપ્યો

‘પણ જશવંત ભાઈ મિલિન્દને બોલવો હવે મારાથી નથી રહેવાતું તેને જોયા વગર.’
હરખના આંસુંડાથી છલકાતી આંખે વાસંતીબેન સાડીના પાલવથી ગાલ લૂંછતાં બોલ્યાં.

‘લગાવ કોલ ભઈલાને, મિતાલી’ કનકરાય બોલ્યાં

‘ભઈલા...ઝટ ભાભીને લઈને આવી જાઓ.. તમારી ચોરી પકડાઈ ગઈ છે..’
હસતાં હસતાં હર્ષાશુ સાથે મિતાલીએ મિલિન્દને કહ્યું.

-વધુ આવતાં અંકે