22. હનુમાન ભક્ત
ફરી આપણે 1997 આસપાસના સમયમાં જઈએ. એ વખતે અમદાવાદમાં છાશવારે તોફાન, હુલ્લડો અને ખૂનામરકી સામાન્ય હતાં. સાવ નાની વાતમાં કોમી છમકલાં થયે રાખતાં હતાં. છતાં લોકો એનાથી ટેવાઈ જઈને વધુને વધુ આર્થિક ઉપાર્જન માટે પ્રયત્નશીલ રહેતા.
હું કાળુપુર નજીક મસ્કતી માર્કેટ શાખામાં પોસ્ટ થયો. બ્રાન્ચ સાંકડી એવી ગલીમાં કાપડની દુકાનો વચ્ચે. બેંકનું પોતાનું મકાન અને નીચે દુકાનોને ભાડે આપેલું. મૂળ માલિકો બીજા, ત્રીજા અને ચોથાને ભાડે આપી ચાલ્યા ગયેલા. ભાડું ન આવે ને તપાસ કરવા જઈએ તો ખબર પડે. નીચે મોટાં ભોંયરામાં પાર્કીંગ. એ ભોંયરામાં એક ખૂણે કોઈ દેવીનું સ્થાપન. કોઈ કહેતું કે એક ખાલી માળ પર, કોઈના કહેવા મુજબ એ પાર્કિંગમાં તો કોઈ કહે આ ફર્સ્ટફ્લોરની મોટી જગ્યા ધરાવતી બ્રાન્ચમાં જ રાત્રે ભૂત ફરતું. એક સ્વીપર કમ ચોકીદાર રાત્રે ત્યાં બંધ કરી સૂતો તેનો સવારે પત્તો નહોતો. સવારે પોણા અગિયારે બીજા સ્વીપરને બોલાવી ચાવી મંગાવી બ્રાન્ચ ખોલવી પડેલી. એનું અપહરણ થયું, ભાગી ગયો કે વહેતી વાતો મુજબ પાર્કિંગ કે વર્જિત જગ્યાએ ગયો ને એ ભૂત કે એવી શક્તિએ એનું અપહરણ કર્યું! એ પછી ક્યારેય દેખાયેલો નહીં.
સાંજે સાત વાગ્યા સુધી ભરચક વનવે અને આઠ વાગે એટલે સુમસામ.
બ્રાન્ચનાં કુલરમાંથી પાણીની બાટલીઓ કે ઇવન જગ ભરી જવા એ નીચેના દુકાનદારોનો ભાડાસિદ્ધ હક્ક હતો એટલે સાડાત્રણ કે ચાર વાગે તો બ્રાન્ચમાં પાણી ખલાસ થઈ જાય એટલે ક્લાર્ક લોકો પોસ્ટિંગ વગેરે પતાવી સાડાત્રણ થી ચાર વચ્ચે નીકળી જતા (મસ્ટરમાં પોણા છ નાખીને!). અમે અધિકારીઓ પણ સાડાપાંચ પોણા છ વચ્ચે નીકળી જતા. રેલવે સ્ટેશનની બહારના રસ્તે સારંગપુરથી કાલુપુર સર્કલ 30 મિનિટ સ્કૂટર પર લાગવી સામાન્ય હતી. અમારે ફ્રુટ માર્કેટ તરફ વનવેમાંથી નીકળવું પડતું. ચેકીંગ પણ ત્યારે પીક પર હોય. એક વાર સાઈડમાં સ્કૂટર રાખી વાઘબકરીની દુકાને ચા લેવા ઉભો ત્યાં તો સ્કૂટર ટો થઈને ત્રણ મિનિટમાં ઉપડી ગયું. બાકી હતું તો મારવાડી કાપડીયાઓ સાંજે એમનું કાપડ બીજે મોકલવા બેરોકટોક ઊંટગાડીનો ઉપયોગ કરતા. આગળ ઊંટગાડી ને પાછળ વાહનોની લંગાર!
એવામાં એક દિવસ સાંજે હું મારું તે વખતે વિજય સુપર સ્કૂટર એકદમ રેસ કરી પાર્કીંગનો સ્ટીપ ઢાળ ચડાવી, નીચે પગ મૂકી લંગડી રમતો એ વનવે માંથી પસાર થતો હતો. મને એક પોલીસે રોક્યો. સફેદ કપડાં નહીં, ખાખી. એટલે ટ્રાફિક પોલીસ તો ન હતો. હું ઉભો. "સર, કાંઈ ગુનો બન્યો છે?" મેં ગભરાતાં પૂછ્યું.
"ના. રૂટિન ચેકીંગ. લાવો આ સ્કૂટર ની આરસી વગેરે." પોલીસે કહ્યું.
મેં બતાવ્યું. ત્યાં એના સાહેબ નજીકની ચોકીમાંથી આવ્યા. જોતાંવેંત લાગે કે આ માણસ પોલીસ ઓફિસર જ હોઈ શકે. ગૌરવવંતો તેજસ્વી ચહેરો, મોટી આંખો, હાથના કાંડા પરથી દેખાતા સ્ટ્રોંગ મસલ્સ, એવા જ પહોળા ખભા. થોભીયાં વાળી મૂછ, ઇસ્ત્રીટાઈટ ખાખી યુનિફોર્મ, ચમકતા બેલ્ટ અને કથ્થાઈ શૂઝ. હા, આપણે પોલીસ એટલે લીલાં કાળાં ગોગલ્સ હોવાં જ જોઈએ એમ કલ્પના કરીએ એ નહીં.
"ક્યાં કામ કરો છો?" એમણે પૂછ્યું.
મેં હાથ કરી મારી બ્રાન્ચ બતાવી. "આ બેંકમાં."
તેઓ મલકાયા. "અમારા માણસને આ જૂનું સ્કૂટર, એ પણ સહેજ આગળ હાથેથી સાઈકલની જેમ તમે દોરીને જતા હતા એટલે શંકા ગયેલી કે.. ટુ બી ફ્રેન્ક, આ લાઈનબંધ પાર્કિંગમાંથી ઉઠાવ્યું તો નથી?"
મેં સમજાવ્યું કે ટ્રાફિક ખૂબ ધીમો હોઈ માર્ગ કરવા ક્યારેક વચ્ચેથી સ્કૂટર દોરીને રસ્તો કરવો પડે છે. સ્કૂટર જૂનું પણ મારું જ છે.
તેઓ હસ્યા. બેંકની ઓળખાણ આપી એટલે કહે અમારો પગાર પણ ત્યાં જ થાય છે. તેમણે મને ચોકી પર તેમની સાથે આવવા કહ્યું. જમાદાર સામે કાલુપુર દરવાજા પાછળની લારીમાંથી સરસ ચા લઈ આવ્યો. અમે થોડી વાત કરી છુટા પડ્યા.
બીજે દિવસે તેઓ તેમનાં શ્રીમતી સાથે સેવિંગ્સ ખાતું ખોલવા આવ્યા. અન્ય જગ્યાએ હોય તો હું ટ્રાન્સફર કરાવી દઉં એમ મેં કહ્યું પણ તેઓ કહે નવા સંબંધો બાંધવા છે. પેલાં 'લાજવંતી' પ્રકરણ માં વાત કરેલી એ મેડમે ખાતું ખોલી આપ્યું. સાંજે (એટલે 4 વાગ્યે) સેવિંસના ક્લાર્ક ઘેર જતાં તેમને પાસબુક, ચેકબુક પણ આપતા આવ્યા.
પોલીસ સ્ટેશનનો પગાર થવાનો હોય ત્યારે પૂરતી નોટો અને અમુક નવી નોટો જોઈએ એની પણ હું વ્યવસ્થા કરી આપતો. તે જમાનામાં ઇ બેન્કિંગ તો નહોતું પણ ટ્રેઝરીનો ચેક અને લીસ્ટ આવતું.
તેઓ સાંજે ફ્રુટમાર્કેટના ટર્ન પાસે ઉભા હોય તો મરકે. અમે હાથ ઊંચો કરીએ. ક્યારેક કોઈ વાત પણ થાય.
એક વખત એ શેરીમાં તેઓ એક નાની ડેલીમાંથી બહાર આવ્યા. કપાળે તિલક, હાથમાં અર્ધું નારિયેળ. મને પ્રસાદ આપ્યો. ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે એ નાની ડેલીમાં રામ મંદિર અને લાંબી પરસાળ છે. બહાર સીઝનલ વસ્તુઓ વેંચતી દુકાનો. હું થોડી શ્રદ્ધા થોડી અંધશ્રદ્ધાને લઈ પગાર ઉપાડું એટલે એ મંદિરમાં 11 રૂ. મુકું જ.
આગળ ફ્રૂટમાર્કેટમાં હનુમાન મંદિર. સાંજે ઘેર જાઉં ત્યારે ત્યાં સાડા છ વાગે ભિખારીઓ અને ગરીબોને નાતજાત કે ધર્મના ભેદ વગર જમાડે. મેં જાણ્યું કે એ સાહેબ ત્યાં સદાવ્રત માટે દાન પણ આપતા. રામ અને હનુમાનજીના ચુસ્ત ભક્ત.
એમના આવ્યાની અસર દેખાઈ. મેં કહેલું એમ રણનું વહાણ વનવેમાં સરકતું જાય અને પાછળ જામ ટ્રાફિકનાં મોજાં લહેરાતાં જાય એ અમે સ્વીકારી લીધેલું. તેમણે ઊંટગાડીઓ આંતરી માલ ત્યાં ને ત્યાં ઉતરાવી ટેમ્પા કરાવ્યા. કોઈ દુકાન પાસે બપોરે સફેદ તાકા ભરાતા હતા ત્યાં જઈ એમણે પહેલાં વિનંતી, પછી કડકાઈ ને પછી તાકા પોલીસ સ્ટેશનમાં જ લેવરાવી લીધા. મારવાડી વેપારીઓએ શેરીમાં થોડી હો હા કરી મૂકી જેનો અવાજ અમને બેંકમાં સંભળાયો. અત્યાર સુધી ચાય પાની આપી જય સિયારામ થતું, આ સાહેબે એ બંધ કરાવી વગર દંડાવાળીએ કડપ બેસાડ્યો. ઊંટગાડી બપોરે દોઢેક વાગે અને રાતે આઠ પછી એકાદ કલાક જ નીકળતી થઈ. એ લોકોએ હાથલારીઓ અને ઊંટગાડીઓ ને બદલે ટેમ્પા રાખવા માંડ્યા. ટ્રાફિક ઊંટને કારણે જામ થતો અટક્યો. મારે સ્કૂટર દોરવું પડતું નહીં! પણ એમાં સાહેબે મારવાડી કાપડીયાઓનો ખોફ વહોરી લીધો.
એમાં ઉતાવળ હોય તો પણ અમારે વનવે ફરી, કાલુપુર સ્ટેશન સામે રેવડીબજાર થઈને 100 મીટર ને બદલે દોઢ કિલોમીટર ફરીને જવું પડતું. કાલુપુર દરવાજા પાસે નાની નાની કાપડની સિંધીઓની દુકાનો પણ નજીકમાં જાણી જોઈ એક મેદાનમાં ઢેખાળા, ઈંટ, રોડાં નાખી મુસ્લિમોએ એ ભાગ બંધ કરી પોતાને હસ્તક લઈ લીધેલો. કોની તાકાત કે ત્યાં થઈ એ કપચીના ઉકરડા પરથી વાહન ઠેકાવીને જાય!
પેલા ટેમ્પાઓને વનવેમાં ઉભે એ સાથે પોલીસની વાનમાં ઉઠાવી પ્રેમદરવાજાથી આગળ મૂકી આવવા લાગ્યા. એટલે એ એક જ ખાલી પ્લોટમાં ટેમ્પા પાર્ક થાય એમ હતું. ત્યાં શેરીમાં મુસ્લિમોનું દબાણ પણ એટલું કે રસ્તો છે એ ખબર જ ન પડે. ઓચિંતું એક સાંજે ઘેર જતાં મેં મ્યુનિ.નું બુલડોઝર અને પોલીસો જોયા. સાહેબ ત્યાં રસ્તો ખુલ્લો કરાવતા હતા. હાશ, હવે પ્રેમ દરવાજા તરફથી આવું ત્યારે રેલવે સ્ટેશનની પ્રદક્ષિણા નહીં કરવી પડે. કાલુપુર દરવાજાની બાજુમાં થઈ એક ખાંચામાંથી સીધા બેંક સામે. એ વખતે એટલો બધો કકળાટ મચ્યો કે બીજે દિવસે છાપાંમાં એ સમાચાર આવ્યા. સાવ એ વિસ્તાર પુરતાં મર્યાદિત છાપાંઓમાં પોલીસ અને એ સાહેબ વિશે બીભત્સ ગાળો પણ લખાઈ. પણ મારી જેવા અનેકને, એ શેરીમાં કેટલીય બેંકો અને ઓફિસો આવેલી એ સહુને રાહત થઈ ગઈ. સ્ટેશનની બહારના મેઈન રોડ પર સામસામા ભરાઈ જતા એમાં થોડી રાહત થઈ. પણ કાલુપુર દરવાજા નજીકની વસ્તી, જેમાં એ વખતના એક મ્યુનિ. ના ઉચ્ચ હોદ્દેદાર (કદાચ મેયર કે ડે. મેયર) હતા તે સહુ નારાજ થયા.
એક વખત સાંજે બીજા એક ઓફિસર સાથે તેમની પાસે ઉભી હું વાત કરતો હતો ત્યારે તેમણે કહ્યું કે કદાચ તેમને બીજાં પોલીસ સ્ટેશનમાં મૂકી શકાય. ( ઉપરીઓ નારાજ થયેલા?) પણ તેઓ ચાલુ રહ્યા. ક્યારેક બપોરે કોઈ કામ માટે જાતે આવે તો ચીફ મેનેજરની લસ્સી પણ પીતા. બેંક સાથે ખુબ વિનયપૂર્વકનો વ્યવહાર.
એક દિવસ ચીફ મેનેજરે મને બોલાવી કહ્યું કે 'તમારા મિત્ર' ઇન્સ્પેક્ટર સાહેબ સાથે રાત્રે આઠ આસપાસ અહીં રાઉન્ડ મારવાનો છે. મેં અને મારા ખાસ મિત્ર સાથી ઓફિસરે અમુક કામ કર્યું અને હું રેવડીબજાર આંટો મારી આવ્યો. સાડાસાત આસપાસ ઉપર અમારી બેંકનો સ્ટેશનરી સેલ હતો એના ઇન્ચાર્જ પણ આવ્યા. અમે સાહેબ સાથે ચોકીમાં બેસી ચા વગેરે પી ઓચિંતા સવા આઠ આસપાસ અમારા પ્રિમાઈસીસમાં ઘુસ્યા. ઉપર લાઈટ ચાલુ. મારી પાસે એક્સટ્રા ચાવી ચીફ મેનેજરે તે વિઝીટ પૂરતી આપી રાખેલી. બે સિનિયર મેનેજર મારી ઉપર હતા પણ કોઈ કારણે બેય રજા ઉપર હતા. હું ઓફિશિએટિંગ કરતો હતો. સ્કેલ 2, મિડલ મેનેજરમાં હું સહુથી સિનિયર એટલે હું આવેલો.
ચોકીદાર કોઈ સાથે અંદર પત્તાં રમતો હતો. એને સાહેબે સીધો કોલરથી જ પકડ્યો. મેં એને કાલે ચીફ મેનેજર રિપોર્ટ કરશે કહી છોડાવ્યો. બીજા તો ભાગવા ગયા એને જમાદારે પકડી દંડાવાળી કરી.
હવે ચડ્યા દાદરો. અમારી પાછલા ગેઈટ પાસે વૉટરકુલરના રસ્તે બીજા અને ત્રીજા માળના સંગમ પરનાં ચોરસમાં એક બાંધણી પહેરેલી મારવાડી મજૂરણ અને કદાચ દારૂ પીધેલો મેલોઘેલો શખ્સ. એને પણ પકડ્યા અને તાત્કાલિક અમારો એક જૂનો કબાટ પેલા ચોકીદાર અને જમાદાર તથા નજીકથી પકડી લાવેલા મજૂર પાસે ખસેડી એ એન્ટ્રી જ બંધ કરી દેવરાવી. પાર્ટીશન હતું એ આ તત્વોએ તોડી નાખેલું.
ભૂત થતું હોય ત્યાં છેક અગાશીમાં ગયા. આ તો ઓફિસ અને દુકાનોનો કોમ્પ્લેક્સ. અહીં અગાશીમાં સુવાના ગાદલાં! નજીકથી કોઈ રીતે આવતા હશે. એને તો જમાદરે બીડી લઈ સળગાવી જ નાખ્યાં. પાર્કિંગ પણ બીજા દિવસથી સાંજે 6 વાગે બંધ. વેપારીઓ તેમનાં સ્કૂટર ફૂટપાથ પર લઈ લે. અમારો કુલર વાળો રસ્તો સાલો બંધ થાય એમ ન હતો કેમ કે કેશ અને વોલ્ટમાં ત્યાંથી જવાતું ને બપોરે બાર સાડાબાર, જેને હું મજાકમાં 'ગુમાસ્તા ટાઈમ' કહું છું, ત્યારે ત્યાં વેપારીઓના માણસોની લાઈન લાગતી.
એની હાઉ, એ પછી કોઈએ ભૂત જોયું કે નહીં એ ખબર નથી. હું એ બ્રાન્ચમાં 1994 થી છેક 1998ના અંત સુધી હતો.
ઇન્સ્પેક્ટર સાહેબે અમારા ચીફ મેનેજર અને ઝોનલ સિક્યુરિટી ઇન્ચાર્જને બોલાવી અમુક વાત કરી લીધી. કેટલીયે ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ થઈ હશે અને એટલે કેટલા છુપા દુશ્મની ઉભા થયા હશે પણ પહોળી છાતી વાળાં પોલીસનું કામ જ એ.
એમાં વળી અશાંતિ ઉભી થઈ. કોમી રમખાણો એ વખતે બહુ સામાન્ય હતાં. ગમે ત્યારે કરફ્યુ લાગે. અમે ફટાફટ કામ પતાવીએ. ક્યારે શટર બંધ કરી, હવે તો પાછળ પણ તાળું મારી ભાગવું પડે! સદભાગ્યે કાલુપુર દરવાજાનો રસ્તો અમારે માટે હવે બેરોકટોક ખુલ્લો હતો.
એક વાર તો બેંકે સહેજ વહેલા આવ્યો. મંથ એન્ડ પછીનો દિવસ એટલે ફ્લોપી લોકમાં રાખવી, બીજો સેટ બીજી બ્રાન્ચ મોકલવા તૈયાર કરવો, કરંટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ ફાયર કરવાં વગેરે કામ માટે. સવારે સાડા નવે પ્રેમ દરવાજાથી આગળ બે ત્રણ લીલી સુતળીઓ વીંટેલાં ગૂંચળાં જોયાં. એ બૉમ્બ હતા જે ફૂટ્યા ન હતા.
એ સાહેબ જીપમાં કે બાઈક પર ફરતા દેખાતા. હમણાં ટેન્સ દેખાતા હતા. છતાં મને જુએ એટલે ડોકું નોડ કરે. હું હાથ ઊંચો કરું.
એક દિવસ બપોરે એક આસપાસ એ સાહેબ અને હેડ કોન્સ્ટેબલ બેંકમાં આવ્યા. કહે બહાર ખૂબ ટેન્શન છે. જલ્દીથી બધું સમેટી નીકળો. અને પ્રેમ દરવાજા તરફ આજે જવાશે. એ વનવે ખુલ્લો છે. ભૂલથી પણ ફ્રૂટમાર્કેટનો રસ્તો ન પકડવો. અમે તરત કેશ બંધ કરી, એ ALPM માં ડે એન્ડ કરી ભાગ્યા. રસ્તે પથરાઓ પડેલા. કહે છે તોફાનો ઉગ્ર બનેલાં અને પ્રેમ દરવાજા પાસે દેવીપૂજક લોકોએ પ્રતિકાર કરેલો પણ કાલુપુર વિસ્તારમાં તોફાનો, આગ અને એ પ્રેમ દરવાજા દાણા બજારમાં લૂંટ, દુકાનો તૂટી અને આગ લાગી.
તોફાનો તીવ્ર બન્યાં અને પોલીસે ગોળીબાર પણ કરેલો. એક અખબારમાં આવ્યું કે કોઈ હિન્દૂ મંદિરમાં (પેલું સદાવ્રત વાળું) તોફાનીઓ ઘુસી ગયા અને હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવા ગયા. કોઈ પોલીસ અફસરે આડા હાથ કરી, મૂર્તિ આડા ઉભા રહી મૂર્તિની છેક સુધી રક્ષા કરી. એ સાંજના કોઈ લોકલ અખબારે સમાચાર આપ્યા કે એ રક્ષા કરવા જતા પોલીસ અફસરના બે હાથ અને ધડથી મસ્તક તલવાર કે ખડગ જેવાં હથિયારથી અલગ કરી દેવામાં આવેલું. ત્યાં સુધી કોઈની તેમને બચાવવા જવાની હિંમત નહોતી. બીજી તરફ દરીયાપુર થી દોડી આવેલ ટોળાંએ તે અફસરના રહ્યાસહ્યા દેહને મૂર્તિ પરથી દૂર કર્યો. મૂર્તિ ખંડિત થતી બચી ગયેલી. બે ત્રણ દિવસ કરફ્યુ રહ્યો. એ વખતના અમદાવાદમાં આ ક્યાં નવું હતું?
ચારેક દિવસ પછી બેંક શરૂ થઈ. બપોરે સેવિંગ્સનાં મેડમ પાસે એ સાહેબનાં પત્ની આવ્યાં. સફેદ ભુરી સાડી અને ચીમળાઈ ગયેલું મુખ. જોઈન્ટ, either or survivor એકાઉન્ટમાં પતિનું ડેથ સર્ટી. આપી પોતાના નામે નવો એકાઉન્ટ ખોલવા. અમારૂં જીગર ન ચાલ્યું કે તેમને ચાનું પણ પૂછીએ. હું નજીક ગયો. તેમણે ફિક્કું સ્મિત કર્યું. મેં કહ્યું કે સાહેબે અને સ્ટાફે ઘણી બહાદુરી દાખવી. કોઈ અખબારમાં ન્યૂઝ હતા હનુમાન મંદિરના..
બહેનની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં. તેઓ માત્ર એટલું જ અસ્પષ્ટ બોલી શક્યાં- " એ તેઓ, … સાહેબ જ હતા."
'તુમ રક્ષક કાહુકો ડરના..' વાળાં હનુમાનજીની રક્ષા કરતાં હનુમાનભક્ત પોલીસ અફસરે પોતાનો જાન આપી દીધેલો.
સાહેબનું નામ અત્યારે યાદ નથી આવતું. આવે તો પણ લખી શકત નહીં. સમાચાર અમુક સેન્સર થયેલા તો પણ આ બલિદાનના સમાચાર એ વખતનાં છાપાંઓમાં આવેલા.
સુનીલ અંજારીયા