આરોહ અવરોહ - 49 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરોહ અવરોહ - 49

પ્રકરણ - ૪૯

બાર જેટલી સુંદર યુવાન દીકરીઓને અહીં આ રીતે જોતાં બધાં જ ડઘાઈ ગયાં.

કર્તવ્ય એમને આ રીતે રૂમમાં પુરેલા જોઈને એ તરત બોલ્યો, " આવું કેમ છે? બધાને કેમ પૂરી દીધાં છે? રોજ રાત્રે અહીં આવું થાય છે?"

"ના જ્યારે. આ વ્યક્તિ આવે અને એનામાં કોઈ વાસના ભભૂકતી હોય ત્યારે... કોઈને એમની આ હરકતો ખબર ન પડે એટલે." અંતરા દિલીપ ઝરીવાલા સામે ઈશારો કરતાં બોલી.

કર્તવ્યએ તરત જ ત્યાથી એક ફોન કર્યો. ને ફોન મૂકતા તરત જ એ છોકરીઓને કહ્યું, " તમારો સામાન પેક કરી દો." ને પછી તો

થોડી જ વારમાં કેટલાક માણસો આવી ગયાં. પછી એ બધી જ છોકરીઓને એ ગાડીમાં બેસાડીને સ્નેહલભાઈ અને વંદનભાઈ એમની આગેવાની હેઠળ એમને યોગ્ય જગ્યાએ લઈને ગયા. આ બાજુ કર્તવ્ય અને ઉત્સવ બંને અંતરાને લઈને ત્યાથી બહાર જવા નીકળ્યાં ત્યારે દિલીપભાઈ ફક્ત જોતાં જ રહ્યાં.

ઉત્સવ પાછળ ફરીને બોલ્યો," દિલીપ ઝરીવાલા આ બધું જ તમારું છે હવે તમે અહીં આરામથી રહી શકો છો. તમારાં પત્નીને પણ તમે જાણ કરી દેશો કે પછી એ પણ મારે જ કહેવું પડશે?"

દિલીપભાઈની આખમાં આસુંની ધારા વહેવા લાગી. એ કંઈ બદલે ન શક્યાં. પણ ઉત્સવ બોલ્યો, " હવે તમારાં આ નકલી આસુંથી હું પીગળવાનો નથી." કહીને એણે એક વ્યક્તિને બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું, " મારો ફોન ન આવે ત્યાં સુધી આ વ્યક્તિ આ વ્યક્તિ અહીંથી બહાર ન જવી જોઈએે." કહીને તરત કર્તવ્ય અને અંતરાની સાથે એ પણ બહાર નીકળી ગયો.

*********

ગાડીમાં બેસતાં જ ઉત્સવ બોલ્યો, " આપણે અંતરાને અત્યારે ક્યાં લઈ જવાની છે? તે કંઈ વિચાર્યું છે? મારું તો મગજ જ કામ નથી કરી રહ્યું. શું કરીશું હવે? મારાં ઘરે તો એને લઈ જવી જરાય હિતાવહ નથી અત્યારે. તારાં જુના બંગલા પર લઈ જઈએ તો?"

કર્તવ્યને ઉત્સવની અંતરાને આધ્યા એ લોકો પાસે લઈ જવાની વાત યોગ્ય લાગી પણ પછી એણે કંઈ વધારે વિચારીને પછી કહ્યું, " ના ત્યાં એમ જ લઈ જવી હિતાવહ નથી. એને અત્યારે લાગણી અને પોતીકાપણાની બને જરૂર છે. હું એને જરા પણ એ ગભરાહટ અનુભવે એવું નથી ઈચ્છતો." કર્તવ્ય કંઈ ગહન વિચાર કરતો બોલ્યો.

" તો ઘરે તો અંતરાને લઈ જવાશે નહીં. તો શું કરીશું?"

" તું એની ચિંતા ન કર. મેં બધું વિચારી લીધું છે. અંતરાને નવું જીવન મળશે એ વાત નક્કી છે."

" હમમમ...તો વાંધો નહીં. પણ પપ્પા...?" કહેતાં એક નિસાસો નાખતો એની આંખો ભરાઈ ગઈ. અંતરા ફક્ત બેસીને સાંભળી રહી છે. કદાચ એનાં મનમાં અનેક અલગ મૂંઝવણો અનુભવાઈ રહી છે. એ બેસીને શું કરવું એની વિમાસણમાં છે.

ઉત્સવ ફરી બોલ્યો, " સોરી, મેં તારાં પર વિશ્વાસ ન કર્યો. હું તારી સાથે ઝઘડ્યો."

" ભૂલી જા હવે એ બધું. ચાલ ફટાફટ..." કરતાં થોડીવારમાં જ એણે ફટાફટ એક બંગલા પાસે ગાડી ઉભી રાખી. ત્યાં જ ઉત્સવ બોલ્યો, " ભાઈ તમારાં ઘરે? બધાં શું વિચારશે?"

" ચિંતા ન કર. મમ્મી પપ્પાને બધી ખબર છે."

ઉત્સવ તો હેબતાઇ ગયો. "મામા મામીને ખબર છે? તો તો મને વધારે ચિંતા થાય છે."

" કેમ?"

" એ લોકો શું વિચારશે? કોઈ મારાં પર પણ વિશ્વાસ નહીં કરી શકે. કોઈ કહેશે પિતા જ એવા છે તો દીકરો પણ કદાચ... "

" એવું ન વિચાર ભાઈ જરાય પણ. તને જરાય એવું નહીં લાગે. બધી બાબતોમાં બધી કહેવતો સાચી ન ઠરે. " કહીને બધાં ગાડીમાંથી નીચે ઉતર્યા.

અંતરા જરા ખચકાઈ. એ બોલી, " ભાઈ તમારાં ઘરે? કોણ છે તમારાં ઘરે? એ લોકો શું વિચારશે? હું તમારા ઘરે? "

કર્તવ્ય : " ચાલ મારી બહેન મમ્મી પપ્પા છે. તું એકવાર અંદર તો ચાલ. પછી કંઈ વિચારજે. તને નહીં ફાવે તો કંઈ કરીશું. તું અહીં સંપૂર્ણ સલામત રહીશ એ મારી જવાબદારી."

ત્રણેય જણા બંગલાની અંદર દરવાજા પાસે પહોંચ્યા ત્યાં જ શિલ્પાબેન અને દિપેનભાઈ આરતીની થાળી સાથે ઉભેલા દેખાઈ રહ્યાં છે. અંતરા તો આ શું બની રહ્યું છે એ જ વિચારતી રહી.

શિલ્પાબેને અંતરાને જાણે એમની દીકરી હોય એમજ પ્રેમથી આરતી ઉતારીને કંકુનો ચાદલો કરીને એને ઉષ્માભેર આવકારી.અંતરા તો અંદર પ્રવેશતાં જ કર્તવ્યના એ વિશાળ બંગલાને જોઈ જ રહી. એક અમીર પરિવારનો દીકરો આવો પણ હોઈ શકે! એ વિચારીને એને મનોમન કર્તવ્ય પ્રત્યે માન થયું.

ઉત્સવની ચુપકીદી પણ બંનેએ એની સાથે પ્રેમસભર વાતચીત કરીને તોડી દીધી. અંતરા તો વિચારી જ રહી કે દુનિયામાં આવાં પણ માણસો છે. હજુ માનવતા મરી પરવારી નથી. અંતરાને સરસ રીતે જમાડી દીધી. થોડી વાતચીત થઈ પણ કોઈએ અંતરાને જરાય દુઃખ થાય એવી એકપણ વાતચીત ન કરી. બધાં ત્યાં બેઠા છે જ ત્યાં સામે આવેલી કર્તવ્યની બહેનને જોઈને બધાને નવાઈ લાગી.

શિલ્પાબેન ખુશ થઈને બોલ્યાં " ચકુ તું બેટા? ઠીક તો છે ને?અચાનક?"

" હા મમ્મી ઠીક છું. પણ તારી દીકરીને પરણાવી તો પારકી થોડી થઈ ગઈ છે? હું મારાં ઘરે આવી ન શકું?"

" અરે બેટા આવ ને. આ ઘર તો હંમેશાં તારું રહેશે જ ને. મારો મતલબ છે કે તું હંમેશા ફોન કરીને જ નીકળે છે ઘરેથી એટલે. આજે કહ્યાં વિના આવી એટલે..."

કર્તવ્ય : " મમ્મી મેં જ દીદીને બોલાવી છે અહીં રહેવા. અંતરાને કંપની મળે એટલે...આમ પણ જીજુ અઠવાડિયું ઘરે નથી તો. " બધાં સમજી ગયાં કે કર્તવ્ય એ જ બધું સમજી વિચારીને નકકી કર્યું છે.

કર્તવ્ય એ અંતરાની બધા સાથે ઓળખ કરાવી દીધી. પણ એણે નોધ્યું કે એની દીદીના આવતાં જ અંતરાને થોડી રાહત થઈ હોય એવું ચોક્કસ પણે દેખાયું. બસ પછી ધીમેધીમે અંતરાને અહીં થોડી કમ્ફર્ટેબલ ફીલ કરે એની મથામણ કરવામાં લાગી ગયાં...!

**********

લગભગ ચારેક વાગતાં ઉત્સવનાં મોબાઈલ પર એની મમ્મી વર્ષાબેનનો ફોન આવ્યો. એ હાફળા ફાફળા થતાં બોલ્યાં," બેટા તું ક્યાં છે? અને તારાં પપ્પા?"

ઉત્સવ : " હું તો મામાના ત્યાં છું. પણ શું થયું? કેમ પપ્પાને શું થયું ઘરે નથી?"

"ના બેટા. એમનો ફોન પણ બંધ છે. એ ઓફિસ પણ નથી. મને ચિંતા થાય છે. એમની તબિયત તો ક્યાંક બગડી નહી હોય ને? "

ઉત્સવને મનમાં થયું કે એણે અહીં પહોચતા જ પેલાં વ્યક્તિને એનાં પપ્પાને જવા દેવાનું કહ્યું હતું તો હજી તો એ ઘરે પહોંચી જ જવા જોઈએ. તો એ ક્યાં હશે? એ થોડો ચિતામાં આવી ગયો. આજે એણે પણ વધારે થોડું આમતેમ ગુસ્સામાં કહી દીધું હતું એમને. ફરી વિચારવા લાગ્યો ગુસ્સો તો મારી બરાબર જ હતો પણ મમ્મી એને કેટલી ચિંતા થતી હશે? એને તો કંઈ હકીકતની જણ જ નથી.

ત્યાં જ સામે વર્ષાબેન બોલ્યાં " બેટા કેમ કંઈ બોલતો નથી? તું સાંભળે તો છે ને? મને ચિંતા થાય છે એમની."

" હા. મમ્મી ચિંતા ન કર. આવી જશે. હું તપાસ કરુ છું." કહીને ફોન મુકી દીધો. પણ એણે કોઈ બીજી વાત ન કરી. બાજુમાં રહેલો કર્તવ્ય બોલ્યો " શું થયું કેમ ચિતામાં છે? ફોઈ હતાં ને?"

"ભાઈ પપ્પા ઘરે નથી આવ્યાં. એમનો ફોન પણ બંધ છે." આ સાંભળીને કર્તવ્ય પણ થોડો ગભરાયો. દરેકનાં મનમાં કંઈ અમંગળના એધાણ અનુભવાવા લાગ્યાં.

બંને જણા ફટાફટ ગાડી લઈને એમની શોધખોળ માટે નીકળી ગયાં. આ બાજુ દિપેનભાઈ અને શિલ્પાબેન ઉત્સવનાં ઘરે પહોંચ્યાં.

કોઠા પર જતાં જોયું તો ત્યાં કોઈ જ માણસો ન દેખાયાં. આખો કોઠો ખાલી છે સાથે બહાર રહેલાં એકેય ચોકીદાર પણ નથી. હવે ક્યાં તપાસ કરવી એવું વિચારી રહ્યાં છે ત્યાં જ કોઈ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે મિસ્ટર ઝરીવાલાને એક્સિડન્ટ થતાં એમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એમની સ્થિતિ બહું નાજુક છે. ઉત્સવે ઘરે જાણ કરીને બધાં થોડી જ વારમાં ફટાફટ એ હોસ્પિટલમાં પહોંચી ગયાં.

હોસ્પિટલમાં પહોંચીને જોયું તો એ બેભાન હાલતમાં આઈસીસીયુમાં બેડ પર દેખાયાં. ડૉક્ટરે કહ્યું કે ખબર નથી પડતી કોઈ સામે વાહન વિના જ એમનો અકસ્માત સર્જાયો છે મતલબ એ કદાચ મનથી ઠીક ન હોય કે પછી એમનું બેલેન્સ ન રહ્યું હોય. બહું લોહી વહી ગયું છે.

વર્ષાબેન ડૉક્ટરને વિનંતી કરતાં બોલ્યાં, " એમને સારું તો થઈ જશે ને? ભગવાનનાં માણસ છે. આજ સુધી એમણે કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી." એક સ્ત્રીનાં પોતાનાં પતિ પ્રત્યેના અનહદ વિશ્વાસને જોતાં બધા એકબીજાની સામે જોવા લાગ્યાં. એ વાત વર્ષાબેનની ચકોર આંખોથી બાકાત ન રહી એ પુછવા લાગ્યાં, " શું થયું? કેમ તમને બધાંને દિલીપ માટે કોઈ શંકા છે?" કહેતાં એ બધાની સામે પ્રત્યુત્તર માટે જોઈ રહ્યાં...!

શું દિલીપભાઈનો જીવ બચી જશે? એમને એમનાં કર્મોની સજા મળશે ખરી? વર્ષાબેનને ખબર પડતાં એ શું કરશે? એ અંતરાને અપનાવી શકશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૫૦