પ્રકરણ - ૩૧
લગભગ રાત્રે અગિયારેક વાગ્યે જુનાં શકીરા હાઉસ પાસે ત્યાં રહેલાં જુનાં વોચમેન એમ જ ત્યાં બહાર બેઠા છે. એમનો ચહેરો ઉતરેલો છે. કદાચ એ ચિંતામાં જ તમાકું ખાતાં જ કંઈક બબડી રહ્યાં છે. એટલામાં જ એમણે સામેથી આવતો કોઈ યુવાન દેખાયો. મગજમાં કંઈક વિચાર આવ્યો કે શું સૂઝ્યું, " ભાઈ શું કામ અહીં? અહીં તો કોઈ નથી હવે. "
સામે આવેલા યુવાનને એમણે જોયો થોડીવાર તાકી રહ્યાં પછી એ અચાનક બોલ્યાં, " તમારું નામ? તું ચાર દિવસ પહેલાં આવેલા?"
એ કંઈ બોલે એ પહેલાં શકીરા હાઉસનાં મેઈન ગેટ પર લટકેલુ મોટું તાળું જોઈને એ યુવાન બોલ્યો, " કાકા કેમ આજે તાળું છે. બધાં ક્યાંય બહાર ગયાં છે? બધું શાંત લાગી રહ્યુ છે ને કંઈ?"
" પેલી વખતે કદાચ તું તરત જ પાછો જતો રહેલો ને? પણ બેટા. હવે બધું પૂરું થઈ ગયું. અહીં હવે કોઈ નથી રહેતું. "
એ યુવાન બોલ્યો, " નથી રહેતું મતલબ? એક જ દિવસમાં? અચાનક બંધ થવાનું કારણ?"
" એ તો મેડમ ને ખબર. પણ બીજે જતાં રહ્યાં ક્યાંક. હવે તમે બીજી જગ્યા શોધી લેજો બીજું શું? પૈસા આપવા જ છે ને કોઈ પણ જગ્યાએ સારી છોકરીઓ તો મળશે જ ને?"
એ યુવાનને જાણે માનવામાં જ નથી આવી રહ્યું છે. એ બોલ્યો, " પણ આવું કેવી રીતે શક્ય છે? મારે બીજાં કોઈ પાસે નથી જવું."
થોડીવારમાં ચાચાને કંઈ યાદ આવ્યું હોય એમ અચાનક બોલ્યાં, " કદાચ તારું નામ મલ્હાર તો નથી ને?"
એ યુવાન નવાઈ પામીને બોલ્યાં," હા..પણ તમને કેમ ખબર? આમ કેમ પૂછો છો?"
ચાચાને હાશકારો થયો હોય એમ બોલ્યાં, " બેટા હું તારાં માટે જ અહીં બેઠો છું. બાકી મારી નોકરી તો આ બધાનાં જવાની સાથે જ પૂર્ણ થઈ ગઈ છે. પણ લે આ તારી અમાનત એટલે મારુ કામ પૂરું."
મલ્હારને કંઈ સમજાયું નહીં એ બોલ્યો, " મારાં માટે કેમ? કોને શું આપ્યું છે મારા માટે?"
ચાચાએ આધ્યાએ કહેલી બધી વાત કરીને કહ્યું," એ દીકરીએ મને વિશ્વાસ સાથે આ ચીઠ્ઠી તને આપવાનું કહ્યું હતું બસ હવે મારું કામ પૂરું."
મલ્હારે ફટાફટ ચીઠ્ઠી ખોલી ને વાંચવા માંડ્યું,
"મલ્હાર,
મારે તારી સાથે કોઈ જુનો સંબંધ નથી કે ન વ્યવ્હાર. પણ એક જ રાત આવીને તે મને સ્પર્શ પણ કર્યા વિના એક પોતીકી લાગણી બતાવી એનાથી ખબર નહીં મારી તમને એકવાર મળવાની ઈચ્છા હતી. જીવનમાં કોણ જાણે હજું સુધી કંઈ મેળવ્યું જ નથી ન કોઈ પરિવારનો પ્રેમ કે ન કોઈ જીવનસાથી કે ન સારાં કોઈ મિત્ર. બસ ભગવાને એક સુંદરતા આપીને ભૂલ કરી કે આવાં દલદલમાં આવીને ફસડાઈ પડી. તું કોઈ ઉલટો મતલબ ન નીકાળીશ પણ ક્યારેક કોઈ સ્વાર્થ કે સંબંધ વિનાના સ્નેહના સંબંધો બદલાઈ જતાં હોય છે. બસ મારું તારાં માટે કદાચ આવુ જ છે. ખબર નથી જીવન હવે કેટલું બચ્યું છે પણ બસ મારે તને એકવાર મળવું છે એ જીવનમાં અંતિમ ઈચ્છા છે. તમારો સાચાં દિલથી આભાર માનવો છે."
- આધ્યા
મલ્હાર તો કેટલીવાર એ બહું ઝીણાં ઝીણાં અક્ષરે ચીઠ્ઠીમાં લખાયેલાં અક્ષરોને બે ત્રણ વાર વાંચી લીધાં જાણે કે એની કોઈ પ્રિયતમાએ કોઈ પ્રેમપત્ર ન મોકલ્યો હોય !
ચાચા બોલ્યાં, " બસ ત્યારે હું જાઉં છું..." કહીને એ ધીમે ધીમે ચાલવા લાગ્યાં ત્યાં જ વિચારોમાં અટવાયેલો મલ્હાર વર્તમાનમાં આવીને એકાએક બોલ્યો," ચાચા એક મિનિટ...ઉભાં રહો. તમારું કામ છે."
ચાચા ઉભાં રહી ગયાં. મલ્હારે એમને ફરી એ ઓટલા પર બેસાડીને કહ્યું, " નવું શકીરા હાઉસ કંઈ જગ્યાએ છે? તમને તો ખબર હશે ને? તમને નવી નોકરીએ જવાનું નથી કહયું?"
ચાચાએ કહ્યું, " એ તો કોને ખબર? મને પગાર આપવા બીજી તારીખે કહ્યું છે એ પણ આવશે કે નહીં કોને ખબર? ખબર નહીં માણસ છે કે હેવાન. "
"કોઈ વિસ્તાર પણ ખબર નથી ચાચા? "
"પતા નહીં ઉસને કુછ બોલા કી બાન્દ્રા અશ્વ સેન્ટર કે પાસ. ફિર વો રૂક ગઈ. ઉસને યહા પે હી પગાર કે પેસે ભીજવાને કે લિયે બોલા હે."
" ચાચા ગુજરાતી બોલો વો મુજે સમજ આતી હે. ઠીક હે ચાચા. યે મેરા કાર્ડ રખો. કુછ કામ હો તો બોલના."
ચાચા થોડી આશા સાથે બોલ્યાં, "મેરે લાયક કોઈ નોકરી હો તો બોલના. મુફ્ત મે પેસે નહીં ચાહિયે મુજે."
મલ્હાર સમજી ગયો કે આ શકીરાહાઉસની માલિકે કોઈ અગમ્ય કારણોસર આ સેન્ટર બદલી દીધું છે એમાં આ બિચારાની રોજીરોટી છીનવાઈ ગઈ છે. એને નોકરી પર ન રાખવાનું પણ ખાસ કારણ લાગે છે.
મલ્હાર બોલ્યો, "એક એડ્રેસ આપું છું ત્યાં મળી આવજો તમારી નોકરીનું થઈ જશે."
ચાચા તો ગદગદ થઈને મલ્હારના પગમાં પડી ગયાં અને બોલ્યા," સાચે જ આધ્યા બેનએ કહ્યું હતું કે મેમ ના કહે તો મલ્હારને કહેજો એ ચોક્કસ કંઈ મદદ કરશે એ દેવદૂત છે."
મલ્હાર બોલ્યો, " એવું કંઈ જ નથી બસ ભગવાને કંઈ આપ્યું હોય તો એનો સદ્ઉપયોગ થવો જોઈએ. તમારો નંબર મને આપી દો." કહીને ચાચાએ એમનો નંબર લખાવ્યો અને તરત જ મલ્હાર કંઈક વિચારતો નીકળી ગયો.
ચાચા ખરેખર સંકટ સમયે દેવદૂત બનીને આવેલા મલ્હારને જોઈ રહ્યાં...!
*********
એક ડિસ્કોથેકમા મસ્ત મજાની મહેફિલ જામી છે. લોકો પોતાની મસ્તીમાં મસ્ત છે. ક્યાંક શોર્ટસ એન્ડ વન પીસમાં આવેલી છોકરીઓ છોકરાઓને આકર્ષિત કરી રહી છે તો કયાંક થોડાં કપલ પોતાની જ દુનિયામાં મગ્ન છે એમને આજુબાજુના વાતાવરણ કે માહોલની કોઈ પડી જ નથી. આવનારા લોકો એ મ્યુઝિક અને વાતાવરણમાં ઓતપ્રોત બનીને પોતાની નવી દુનિયામાં મજા માણી રહ્યા છે.
ત્યાં લગભગ દસેક જણાની ફક્ત મસ્ત અલગારી યુવાનોની ટોળકી લગભગ અડધો કલાકથી ડાન્સની મજા લઈ રહી છે ત્યાં એમાં રહેલા એક ગોરા ચટ્ટા હેન્ડસમ યુવાનને સહુ ઉંચકીને વિકી..વિકી.. કરીને બૂમો પાડવા લાગ્યાં. એની સાથે ડાન્સ કરતાં બુમો પાડી રહ્યા છે ત્યાં જ સામે આવેલાં એક યુવાનને જોઈને એ નામ બદલાઈ ગયું બધાં જ કર્તવ્યના નામની બૂમો પાડતા એને લેવા ગેટ પાસે પહોંચી ગયાં. તોફાને ચડેલું આ ટોળું કર્તવ્યને અંદર લઈ આવ્યું.
કર્તવ્ય તો બધાને જોઈ જ રહ્યો કે લોકો એનાં આવવાથી ખરેખર ખુશ છે. સમર્થ બોલ્યો, "યાર તું આવ્યો સારું થયું બધાં તને બહું મિસ કરતાં હતાં. પણ મને એમ હતું કે તું નહીં જ આવે હવે."
" કામ પતી ગયું વહેલા તો આવી ગયો."
લેટ્સ એન્જોય પાર્ટી..." કહેતાં જ સમર્થ કર્તવ્યને ખેચીને બધાં સાથે લઈ ગયો.
કર્તવ્યએ પણ બધાં સાથે જોરદાર ડાન્સ કર્યો. એનો ડાન્સ તો પહેલેથી જ બધાને પસંદ છે. એક તો હેન્ડસમ, વળી માપસરનું હાઈટબોડી અને સિલ્કી વાળ. વળી એનો ડાન્સ બાકી જોરદાર. લોકો એને રિત્વિક કહીને જ બોલાવતાં. થોડીવારમાં શું થયું કે એ ડાન્સ કરતાં કરતાં જ ગૃપમાંથી બહાર નીકળ્યો અને ત્યાં રહેલી સોફ્ટ ડ્રિંક્સ, વાઈન વગેરેના સ્ટોલ પાસે પહોંચ્યો. એણે ત્યાં રહેલાં વાઈનના એક આકર્ષક ગ્લાસને ઉઠાવ્યો ત્યાં જ સમર્થ આવીને એને અટકાવતા બોલ્યો , " ભાઈ આ વાઈન છે? ખબર છે ને?તું પીવે છે? "
" પીતો નથી, કદી પીધી પણ નથી, પણ આજે પીવી છે. શું સારા લોકો પી ન શકે?"
સમર્થને કર્તવ્યની વાત સમજાઈ નહીં જેને ચા સરખું પણ વ્યસન નથી એ આલ્કોહોલ કે ડ્રિંક માટે કદી હા ન કહે. ભલે ગમે તેટલી મોટી પાર્ટીઓમાં કેમ ન જાય? આજે એની વાત પરથી સમર્થને થયું કે નક્કી કર્તવ્ય મનથી કંઈ ડિસ્ટર્બ છે. એનાં મનમાં કંઈ ચાલી રહ્યું છે. "
"તને કંઈ થયું છે? એની પ્રોબ્લેમ ધેન શેર વિથ મી."
" જસ્ટ ચીલ યાર. બસ કહીશ કોઈ દિવસ. "
સમર્થ બોલ્યો, " ઠીક છે તારી ઈચ્છા હોય તો પી. ચાલ હું પણ તને કંપની આપું છું." બંને જણાએ એક એક ગ્લાસ ગટગટાવી દીધો. સમર્થ તો અટકી ગયો પણ કર્તવ્ય તો બાજુના સ્ટૉલ પરની બોટલમાંથી ચારેક ગ્લાસ સમર્થના અટકાવવા છતાં પી ગયો.
કોઈ દિવસ આદત ન હોવાથી પહેલીવાર આટલું પી જતાં એનું બેલેન્સ જવા લાગ્યું. આટલાં બધાંમાં કોઈ તો થોડાં કર્તવ્યના આવાં વર્તનથી ખુશ થનારા હોય જ અને બધાં જ અમીર માતાપિતાના દીકરાઓ હોવાથી ખોટી કર્તવ્ય માટે કંઈ ચર્ચા થાય, નવાં પ્રોજેક્ટ પર એની અસર પડે એ પહેલાં એ પહેલાં જ સમર્થ એને પોતાની ગાડીમાં સુવાડીને એનાં ઘરે લઈ ગયો...!
શું થયું હશે કર્તવ્યને? મલ્હાર શકીરાના નવા મુકામ સુધી પહોંચી શકશે? એ આધ્યાને કેવી રીતે મળશે? આધ્યાના રિપોર્ટ શું આવશે? જાણવા માટે વાચતા રહો, આરોહ અવરોહ - 32