Parijatna Pushp - 22 books and stories free download online pdf in Gujarati

પારિજાતના પુષ્પ - 22

આપણે પ્રકરણ-21માં જોયું કે,
ગુડ્ડી તો અદિતિના ખોળામાંથી નીચે ઉતરવાનું નામ જ લેતી ન હતી જાણે તે વર્ષોથી અદિતિને ઓળખતી હોય તેમ. આજે તો તેણે હદ જ કરી નાંખી હતી, રાત પડી એટલે તેણે અદિતિ સાથે અદિતિના બેડરૂમમાં સૂઈ જવાની જીદ કરી. પણ ગુડ્ડીને વાર્તા સાંભળીને જ સુઈ જવાની આદત હતી તેથી કુંજન ગુડ્ડીને "ના" પાડી રહી હતી કે, આંટી તો તને વાર્તા નહિ સંભળાવે તું મારી સાથે જ સુઈ જવા માટે ચાલ, હું તને સરસ વાર્તા સંભળાવીશ.

પણ, સ્ત્રી હઠ, રાજ હઠ અને બાળ હઠને સમજવી મુશ્કેલ જ નહીં પણ નામુમકીન છે. ગુડ્ડી તેની મમ્મી કુંજનની વાત માનવા બિલકુલ તૈયાર ન હતી અને કુંજન તેને તેડવા માટે ગઈ‌ તો તે અદિતિના ખોળામાં એ રીતે લપાઈ ગઈ જાણે કુંજન નહીં પણ અદિતિ તેની માં હોય.

અને અદિતિએ પણ તેને ખૂબજ પ્રેમપૂર્વક પોતાની બાહુપાશમાં જકડી લીધી. જાણે અદિતિ પણ ગુડ્ડીને છોડવા માંગતી ન હોય.

આરુષ વાત્સલ્ય મૂર્તિ અદિતિના માતૃત્વ પ્રેમને નીરખી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે, તેણે અદિતિને સમજવામાં બહુ મોટી ભૂલ કરી છે.કદાચ તે અદિતિને સમજી શક્યો હોત તો તે અત્યારે તેના પોતાના બાળકની માતા હોત..!! અને પરિસ્થિતિ કંઈક અલગ જ હોત..!! પણ, હવે થયું ના થયું થવાનું જ નથી..અને અદિતિને આ પરિસ્થિતિમાંથી બહાર લાવ્યા વગર છૂટકો પણ નથી..!! અને તેણે એક ઉંડો નિસાસો નાખ્યો.

આ બાજુ અદિતિ તો ગુડ્ડીને તેડીને પોતાના બેડરૂમમાં ચાલી ગઈ અને તેની અને આરુષની વચ્ચે તેણે ગુડ્ડીને સુવડાવવા માટે જગ્યા પણ કરી દીધી અને સુવડાવી પણ દીધી, પછી તે ગુડ્ડીને સુવડાવવા માટે તેની પીઠ થાબડવા લાગી પણ ગુડ્ડી પણ તેમ માને તેમ ન હતી. તેણે તો વાર્તા સાંભળીને જ સુઈ જવા માટે જીદ કરી. હવે અદિતિ મુશ્કેલીમાં મુકાઈ, થોડી વાર સુધી તે બિલકુલ ચૂપ રહી પણ ગુડ્ડીની વાર્તા સાંભળવાની જીદ ચાલુ જ રહી તેથી આરુષે ગુડ્ડીને વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું.

આરુષે અરમાનની અને અદિતિની દોસ્તીની વાત કહેવાની શરૂ કરી કે, " એક ગામમાં અરમાન નામનો એક છોકરો રહેતો હતો, તેની બરાબર બાજુમાં અદિતિ નામની એક છોકરી રહેવા માટે આવી. ધીમે ધીમે બંને ખૂબ સારા દોસ્ત બન્યા, જેમ તું અને આન્ટી બંને દોસ્ત છો ને તેમ..??
ગુડ્ડી વચ્ચે જ બોલી ઉઠી, " પછી શું થયું અંકલ..?? "
બંને દોસ્ત આખો દિવસ સાથે જ રહેતાં, સાથે જ રમતાં અને સાથે જ ભણતાં...પણ અચાનક એક દિવસ..."
ગુડ્ડી: અચાનક એક દિવસ શું થયું અંકલ...??
આરુષ: અચાનક એક દિવસ એક દોસ્ત બીજા દોસ્તને છોડીને ખૂબ દૂર ચાલ્યો ગયો... ખૂબ દૂર ચાલ્યો ગયો... બોલ ગુડ્ડી દોસ્તને છોડીને જવાય..??
ગુડ્ડી: ના, હું મારી આ આન્ટી દોસ્તને છોડીને ક્યાંય નહીં જવું. અને તે ફરીથી અદિતિને ચોંટી પડી.
ગુડ્ડી: પછી શું થયું અંકલ..??
આયુષ: પછી કંઈ નહીં, જે દોસ્ત છોડીને ગયો હતો ને, તે એકલો પડી ગયો ને એટલે ખૂબ બીમાર પડી ગયો અને થોડા સમય બાદ પોતાના જીવથી પણ વધારે વ્હાલાં દોસ્તને છોડીને ભગવાન પાસે ચાલ્યો ગયો.

આરુષની આ વાર્તા સાંભળીને નાનકડી ગુડ્ડી વિચારમાં પડી ગઈ અને આરુષની આંખમાં આંસું આવી ગયાં. તે અરમાનની વાત કરીને અદિતિને રડાવવા માંગતો હતો પણ અરમાનની વાત સાંભળીને અદિતિની પરિસ્થિતિમાં કંઈજ ફરક પડતો ન હતો. જાણે તે અરમાન અને અદિતિને ઓળખતી ન હોય તેમ..!! તે બસ પહેલાંની જેમ બિલકુલ ચૂપચાપ હતી.

ગુડ્ડી: પછી શું થયું અંકલ..??
આરુષ: પછી કંઈ નહીં બેટા તેની ફ્રેન્ડ અદિતિ હતીને તે ખૂબજ દુઃખી દુઃખી રહેવા લાગી. અને તેને ડૉક્ટર અંકલ પાસે લઈ જવી પડી અને ઇન્જેક્શન અપાવવું પડ્યું. હવે તું પણ સૂઈ જા નહીં તો તારે પણ ઇન્જેક્શન લેવું પડશે. અને નાનકડી ગુડ્ડી અદિતિને વળગીને સૂઈ ગઈ.

પણ, આરુષની ઊંઘ આજે ફરીથી ઉડી ગઈ હતી, તે વિચારી રહ્યો હતો કે, અરમાનનું નામ ગમે તેટલી વખત લેવામાં આવે પણ અદિતિને તો જાણે કંઈ ફરક જ પડતો નથી હવે કરવું શું..??
વધુ આગળના પ્રકરણમાં...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16/2/2021

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED