Featured Books
શ્રેણી
શેયર કરો

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૧

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર ભાગ 2


એવું તે શું ? (ભાગ 2)

(ગતાંક થી ચાલુ )


આખરે મારી શંકા સાચી પડી કે શું ? મને પણ ધ્રાસ્કો પડ્યો કે ક્યાંક આ દીકરીને બચાવવામાં હું નિષ્ફળ નથી રહીને? એટલે મે સાચી વાત જાણવા મીતાને એક દિવસ નિરાંતે વાતો કરવા માટે ઘરે આવવા કહ્યું. એ ઘરે આવી એટલે મેં એને પૂછ્યું કે બેટા હમણાં છેલ્લા અઠવાડિયાથી તું કેમ મારી સાથે કોઈ વાત નથી કરતી? શું તારો પ્રશ્ન હલ થઈ ગયો છે? ત્યારે એ દીકરીએ મને કહ્યું કે મને ખબર છે કે તમને મારી મિત્ર સીતા આવીને બધું કહી ગઈ હશે તો જ તમે મને આવો પ્રશ્ન કરો. પણ હું બહુ મૂંઝાતી હતી, મને એ છોકરા સાથે વાતો કરવાનું ગમે છે અને તે મારી બધી વાતો સારી રીતે સાંભળે છે અને સમજે છે. એટલે મેં એમને મિત્ર માન્યો. તો શું કોઈ છોકરાને મિત્ર ન બનાવાય? ત્યારે મેં કહ્યું કે બેટા એને મિત્ર જરૂર બનાવાય એમાં કોઈ વાંધો નહીં, પણ જો એ તારો મિત્ર હોય તો અગાસીમાં છાનું છપનું શું કામ તારે એને મળવું પડે? જેમ તું સીતાને જાહેરમાં મળે છે એ રીતે આ છોકરાને પણ મળી શકે ને? અને બીજું મે જાણી જોઈને એને દેખાડવા ખોટું કહ્યું કે મને તો તારાથી ખોટું લાગી ગયું છે કે શું તું મને કહેતી હતી કે તું મારી સાથે બધી વાતો કરે છે, હું તને સમજુ છું એ શુંખોટું છે ?મારા કરતા એ છોકરો તારી વાત વધારે સમજે છે? હવે મારું તીર નિશાના પર લાગ્યું અને મીતાની આંખમાંથી આંસુ વહી નીકળ્યા. થોડો વખત એને રડવા દીધી.પછી પાણી પીવડાવી એને શાંત કરી..પછી એણે જે મને વાત કહી તે ખરેખર મારા માટે ચોંકાવનારી અને આપણા સૌ માટે આંખ ખોલનારી છે.એ કહે બેન એક એવી વાત બની ગઈ કે કે જે હું તમારી સાથે શેર કરતા શરમાતી હતી. એવું બન્યું કે એક અઠવાડિયા પહેલા મમ્મીના મિત્ર એમની આદત મુજબ એકાંતરે દિવસે ઘરે આવે એમ આવ્યા અને એ આવે એટલે હું અને મારી બેન હવે બીજા રૂમમાં જતા જરહીએ.હવે એમને અમને રૂમમાં પુરવા ની જરૂર ન પડતી!!આ વખતે પપ્પા દુકાને ગયા અને મમ્મી નો મિત્ર એની આદત મુજબ ઘરે આવ્યો ત્યારે મારી મમ્મી નાની બહેનને લઈને ક્યાંક બહાર ગઈ હતી હું ઘરે એકલી હતી.તો એ અંકલ મારી પાસે આવી ગયા અને.. મને હાથ પકડી બાજુ માં બેસાડી દીધી!!!... મે એમને એમ ન કરવા સખત શબ્દોમાં કહી દીધું...પછી એ વધુ બોલી ન શકી અને વધુ રડી પડી.. હું એની વાત આખી સમજી ગઈ....કે વાસનાનો ભ્રમર એ નવ ખીલેલ ફૂલ પર નજર કરી રહ્યો છે.યુવાન થતી આ દીકરીને મે પૂછ્યું કે તે તારી મમ્મીને આ વાતકરી ??? હવે ની જે વાત હતી તે વધુ ચોંકાવનારી છે!!એણે કહ્યું કે હા મેં મમ્મીને કહ્યું કે આટલા બધા વખત સુધી મેં તારી આ વાત ચલાવી પણ હવે આવું બન્યું છે તો આ અંકલ સારા ન કહેવાય... ત્યારે મમ્મીએ કહ્યું કે અરે એમાં શું મોટી વાત થઈ ગઈ તારી એની બાજુમાં બેસવામાં શું વાંધો આવે? એ કંઈ તારું બગાડી નાખે? આ વાતથી મને બહુ આઘાત લાગ્યો.અને શું કરું એ સમજ ન પડી. એ વખતે પડોશમાં રહેતો એક છોકરો હંમેશા મારી સાથે વાત કરવા પ્રયત્ન કરતો, પણ મે એને કદી દાદ નહોતો આપ્યો. એની સાથે મને વાત કરવાનું મન થયું અને એની સાથે આ બધી વાતો શેર કરી. બસ આટલું જ હતું કેમ કે મને તમારી સાથે આ વાત કરતા થોડી શરમ આવતી હતી. મને આખી વાત સમજાઇ ગઈ.મેને સમજાવ્યું કે તે બહુ સારું કર્યું કે કોઈ એક વ્યક્તિ સાથે વાત શેર કરી. હવે તો એવું કરી શકે કે શાંતિથી તારા પપ્પાને આ અંકલ વાળા અનુભવની વાત કરી દે ? એટલે એણે કહ્યું કે સારું બેન હું એવો પ્રયત્ન કરીશ. પછી તેણે તેના પપ્પાને આખી વાત કરી. એના પપ્પા ખૂબ સારા હતા એટલે એણે તરત જ એની મમ્મીને ખૂબ ધમકાવી અને હેબતાયેલી દીકરીને થોડો વખત માટે માસીના ઘરે રહેવા મોકલી દીધી.પણ એ સમજુ દીકરી પોતાની નાની બહેનની ખૂબ ચિંતા કરતી હોવાથી થોડો સમય માસી પાસે રહીને પાછી પોતાના ઘરે આવી ગઈ અને મને કહ્યું કે બેન હવે હું વધુ ધ્યાન રાખીશ,મારા પપ્પા એ પણ કડક શબ્દોમાં મારી મમ્મીને કહી દીધું છે એટલે આ બાબતે હવે ચિંતા નથી.. પણ મારી નાની બહેનને કોઇ જ આંચ ન આવે, તે માટે મારે ત્યાં જ રહેવું જોઈએ. ખરેખર મને આ દીકરીની પરિપકવતા પર માન થયું.એના પપ્પાએ મારો ખૂબ આભાર માન્યો કે બહેન તમે સાચા અર્થમાં મારી દીકરી એટલે કે તમારા વિધ્યાર્થીના મિત્ર, માર્ગદર્શક બની રહ્યા છો.

થોડા સમય પછી મે એને સમજાવી કે પપ્પાને તારા અને તારા નવા મિત્રના સંબંધની બહારથી ખબર પડે એ કરતા તું જાતે જ વાત કરી દે. નિર્દોષ મિત્રતા પપ્પા જરૂર સ્વીકારશે.મારી કોઈ વાત કદી ન ઉથાપનાર મીઠડી દીકરીએ મારી વાત પણ માની. એ છોકરાને એના પપ્પા સાથે વાત કરાવી. ( મિત્ર આજે એનો પતિ છે!)પપ્પાને સમજાઈ ગયું કે એની વહાલી દીકરીને સમજનાર કોઈ મળ્યું છે. પપ્પાએ દીકરીના સુંદર ભાવિના સ્વપ્ન જોતાં હસતાં મોઢે એની મિત્રતાની પરવાનગી આપી,શરતે કે બંને સારી રીતે અભ્યાસમાં ધ્યાન આપશે. સમય જતાં મિત્રતા પ્રેમમાં પરિણમી, પણ જમાનામાં પ્રથમ નજરનો પ્રેમ પણ આટલો પરિપકવ હોય શકે એ વાતની આપ સહુને નવાઈ લાગશે!

પછી ધીમે ધીમે એની સીતા ની મિત્રતાતૂટ્યાનું દુઃખ વ્યક્ત કરવા સાથે નવા મિત્ર મિત્રતા માં જે આનંદ મળતો તે પણ મને કહ્યું આ બધી વાતો કરવાની સાથે એની મમ્મી નો પ્રશ્ન તો એમ જ હતો. નવાઈની વાત એ હતી કે આ છોકરો તે અંગે બધી વાત જાણતો હતો અને મારી જેમ જ ને તને યોગ્ય માર્ગદર્શન આપતો રહેતો ત્યારે મને લાગ્યું કે આ છોકરો એના માટે બરાબર છે આ વખતે મેં મીતા પાસેથી વચન લીધું હતું કે કોઈ એવું પગલું તું નહીં ભરે કે જેથી તારા પપ્પાનું નામ ખરાબ થાય.મીતાએ કહ્યું કે બહેન પપ્પાની આબરૂ મને બહુ જ વહાલી છે એટલે જ તો આટલો વખત હું મારી મમ્મીની વાતને ઢાંકતી આવી છું અને હવે તો એ સાથે તમે મારા માટે સૌથી વિશેષ છો. એટલે તમારી આબરૂ ખરાબ ન થાય એ ધ્યાને રાખીને જ ચાલુ છું ખરેખર આ સમયે એક શિક્ષક જીવનો રાજીપો સમાતો નહોતો.

બસ, સમયનું ચક્ર ચાલ્યા કરતું હતું હું ને મીતા સતત સંપર્કમાં રહેતા,મોટા ભાગની રિસેસનો સમય અમારી વાતોમાં પૂરો થતો,પણ એની મમ્મીની નકારાત્મક વાતોને સાંભળી,હું એને હકારાત્મક એક જ વાત કરતી કે તું તારા ભવિષ્ય પર ધ્યાન આપ. તારું ધ્યેય નક્કી રાખી,એના માં જ તારું ધ્યાન પરોવ... દીકરી શાળા અભ્યાસ પૂરો કરી,પોતાના ધ્યેયને સાકાર કરી, સફળ ફેશન ડિઝાઇનર બની,પોતાની બૂટિક ખોલી,મને આમંત્રણ આપવા આવી. એ દિવસ મારી સફળતાનો ધન્ય દિવસ હતો. પપ્પાની હુંફમાં અને મિત્રના પ્રેમ પૂર્ણ સાન્નિધ્યમાં, માતાની નકારાત્મક બાબતને વારસામાં ન ઉતારી, એ સફળ બની. અને એથી વધુ ધન્ય એ દિવસ હતો કે જ્યારે તે મને તેના લગ્નનું કાર્ડ દેવા આવી!

સાચી મિત્રતા નિભાવનાર એ મિત્ર ને ધન્યવાદ અને ધન્ય એ પિતાને કે જે વ્યક્તિગત આટલી મોટી સમસ્યાને નિભાવતા હોવા છતાં દીકરીને સુંદર રીતે સાચવી.ત્યારે ખરેખર એમ થાય કે પુરુષ પ્રધાન સમાજમાં સતત પુરૂષોની એબ જોતી એવા સ્ત્રીઓના વર્ગે અહી મારી સાથે આવા પુરુષ વર્ગને ધન્યવાદ જરૂર આપવા જોઈએ ને ?

બસ, પોતાના મિત્ર સાથે ના લગ્નની ખુશી માણવાની વચ્ચે પણ નાની બેનની ચિંતા કરતી મીતાની એક અફસોસની વાતનો જવાબ હજુ નથી મળ્યો...કે બેન, મમ્મીના રસ્તે હું ન ચાલી, પણ બેનને એ રસ્તે જતી બચાવવા તમામ પ્રયત્નો કર્યા પણ,બધા પ્રયત્નોમાં હું નિષ્ફળ રહી એનો અફસોસ છે!! બેન એવું તે શું હશે કે..........?

ત્યારે થયું કે ખરેખર અમુક સવાલ અનુતર રહેવા જ જન્મતા હશે?